રામનામ - 9 - છેલ્લો ભાગ Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રામનામ - 9 - છેલ્લો ભાગ

(9)

૧૧. ઇશ્વરના નામરૂપી અમૃત

પ્રાર્થના પછી ગવાયેલા મીરાંબાઇના ભજન ઉપર વિવેચન કરતાં ગાંધીજીએ કહ્યું કે, આ ભજનમાં ભક્ત પોતાના આત્માને ઇશ્વરના નામરૂપી અમૃત ધરાઇને પીવાને કહે છે. ભૌતિક ખોરાક અને પીણાંઓથી માણસ ઓચાઇ જાય છે. (એટલે કે તેને તે ખોરાક અને પીણાંની સૂગ આવવા માંડે છે અને વધારે પડતુ ખાવાથી કે પીવાથી માણસ બીમાર પડે છે. પરંતુ ઇશ્વરના નામરૂપી અમૃત પીવાને એવી કોઇ મર્યાદા નથી. એ અમૃતની ખૂબી એવી છે કે તે જેમ પિવાય તેમ તેની તરસ વધે છે, પરંતુ એની શરત એ કે એ અમૃત હ્ય્દય વસી જવું જોઇએ. એમ થાય ત્યારે આપણા સર્વ ભ્રમો, આપણી સર્વ આસક્તિઓ, કામ, ક્રોધ અને મત્સર વગેરે ખરી પડે છે. જરૂર માત્ર ધીરજથી મંડ્યા રહેવાની છે. આવા પ્રયાસને સફળતા મળ્યા વિના કદી ન રહે.)

નવી દિલ્હી, ૧૮-૬-૧૯૪૬

૧૨. શ્રદ્ધાઓ મર્મ

આજે પ્રાર્થનાસભા આગળના પ્રવચનમાં ગાંધીજીમાં અસીમ શ્રદ્ધાનીછાય જણાતી હતી. ભાગવતના શણગારરૂપ ગજેન્દ્ર અને ગ્રાહના રૂપકનું રહસ્ય સમજાવતાં તેમણે કહ્યું, “એ વાતનો બોધ એ છે કે ઇશ્વર કસોટીની વેળાએ પોતાના ભક્તોને છેહ દેતો નથી. શરત એટલી કે ઇશ્વર પર જીવંત શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ હોવાં જોઇએ. શ્રદ્ધાની કસોટી એ છે કે, આપણું કર્તવ્ય બજાવ્યા પછી ઇશ્વર જે કંઇ મોકલે તે વધાવી લેવાને આપણે તત્પર હોવું જોઇએ. પછી તે હર્ષ હોય કે શોક, સુભાગ્ય હોય કે દુર્ભાગ્ય. જનક રાજાને જ્યારે ખબર આપવામાં આવી કે તમારી રાજધાની ભડકે બળી રહે છે ત્યારે તેમણે કહ્યું કે એમાં મારે શું ? એવું નિર્લેપ વલણ તો જ આપણે રાખી શકીએ. તેમની આ નિર્લેપતા અને સમતાનું રહસ્ય એ જ છે કે, તે સદાયે જાગ્રત હતા, પોતાના કર્તવ્યના પાલનમાં કદી ચૂકતા નહીં. પોતાનું કર્તવ્ય બજાવ્યા પછી બાકીનું તે ઇશ્વર ઉપર છોડી શકતા.”

“દયામય વિધાતા ઘણુંંખરું ભક્તોને આપત્તિમાંથી ઉગારશે જ, પરંતુ આપત્તિ આવી જ પડે, તો પોતાના દુર્ભાગ્યનાં રોદણાં ન રડતાં સ્વસ્થ ચિત્તે અને જેવી હરિઇચ્છા એમ કહીને આનંદથી તે સહેશે.”

હરિજનબંધુ, ૭-૭-૧૯૪૬

૧૩. રામનામનું રહસ્ય

પૂનામાં પ્રાર્થનાસભા સમક્ષ કરેલા પોતાના એક પ્રવચનમાં ગાંધીજીએ સવાલ કર્યો કે, “શું હું ખરેખર એકનવા વહેમનો પ્રચાર કરું છું ? ઇશ્વર કોઇ એક વ્યક્તિ નથી. તે સર્વવ્યાપી, સર્વશક્તિમાન પરમાત્મા છે. જે કોઇ તેને પોતાના હ્યદયમંદિરમાં સ્થાપે છે, તેને વરાળ અને વીજળીની ભૌતિક શક્તિ સાથે સરખાવી શકાય તેવી, છતાં તે શક્તિઓથી કેટલીયે સૂક્ષ્મ અદ્‌ભૂત શક્તિનો ભંડાર પ્રાપ્ત થાય છે.” રામનામ કંઇ ધંતરમંતર નથી. રામનામમાં જે જે કંઇ સમાય છે તે બધું સ્વીકારીને તેનું રટણ કરવું જોઇએ. રામનામ ગણિતવિદ્યાના સૂત્ર જેવું છે, જેમાં અનંત શોધખોળ અને અનંત પ્રયોગોનાં પરિણામોનો અત્યંત ટૂંકમાં સાર ભેગો કરેલો હોય છે. કેવળ પોપટની જેમ યંત્રવત્‌ રામનામ લેવાથી બળ મળતું નથી. એ બળ અથવા શક્તિ મેળવવાને સારુ રામનામના રટણની શરતો સમજી લઇ તેમનો અમલ કરી, તેમને જીવનમાં ઉતારવી જોઇએ. ઇશ્વરનું નામ લેવું હોય તો લેનારે ઇશ્વરમય જીવન ગાળવું જોઇએ.

હરિજનબંધુ, ૧૪-૭-૧૯૪૬

૧૪. અંતરની અને બહારની સ્વચ્છતા

ડૉ. દિનશા મને કહેતા હતા કે, ‘અહીંનાં જાજરૂ એવાં મેલાં છે કે મારાથી વાપરી શકાતાં નથી. અહીં એટલી બધી માખી છે કે તમને કશોક ચેપલાગી જશે ને તમે માંદા પડી જશો એવી મને ધાસ્તી રહે છે.’ આની તો મને ઝાઝી ફિકર નથી. આજે મારી સંભાળ બે દાક્તરો રાખે છે, છતાં હું તો એક ઇશ્વર વિના બીજા કોઇના પર આધાર રાખતો નથી. તે સર્વ શક્તિમાન મારી તબિયતની સંભાળ રાખનારો બેઠો છે. પણ મારા સાથીઓને મારા જેવો ઇશ્વર પર ઇતબાર નથી. એટલે તેમની મને ચિંતા રહે છે. હું એમ વિચાર કરું છું કે, હવે ફરી અહીં આવું ત્યારે હું અહીં એકલો જ રહીશ. આજે મને એક મુકાદમના ઘરમાં ઉતારો મળ્યો છે. મને નવાઇ થાય છે કે એ મુકાદમ અને અહીંની સફાઇના કામની જવાબદારી જેમની છે તે લોકો અને ઇજનેર ખાતાના લોકો આવી ગંદકી શું જોઇને ચલાવી લેતા હશે ? હું અહીં આવીને રહું અને છતાં આ જગાને તંદુરસ્તીને અનુકૂળ અને સ્વચ્છ રાખવાને તમને સમજાવી ન શકું, તો મારું અહીં આવ્યું ન આવ્યું સરખું જ છે.

હરિજનબંધુ, ૧૪-૭-૧૯૪૬

પ્રાર્થના પૂરી થયા બાદ પોતાનું પ્રવચન શરૂ કરતાં ગાંધીજી બોલ્યા કે, મને થયેલી ઉધરસ હઠતીનથી તેથી પોતાને ચિંતા થાય છે એવી મતલબના કાગળો તેમ જ સંદેશાઓ મિત્રો તરફથી મને હમણાં હમણાં મળે છે. આ લાઉડસ્પીકર મારા બોલ સૌને સંભળાય એ રીતે ફેલાવે છે તેની સાથે મને આવતી ઉધરસનો અવાજ પણ ઘણા કાન પર પહોંચાડી દે છે. અલબત્ત, સાંજને પહોરે ખુલ્લામાં ઘણી વાર ઉધરસનો ઉપદ્રવ વધે છે. પાછલા ચાર દિવસથી જોકે ઉધરસનું જોર નરમ પડ્યું છે. તેનાથી મને થતી હેરાનગતિ પણ ઓછી થઇ છે અને હું આશા રાખું છું કે હવે તે તદ્દન મટી જશે. મારી ઉધરસ હઠતી નથી અને ચાલુ રહી તેનું એક કારણ એ છે કે એને માટે દવા લેવાનો મેં ઇન્કાર કર્યો હતો. ડૉ. સુશીલા નય્યર મને કહે છે કે, ઉધરસ અને શરદીની શરૂઆતમાં જ તમે પેનિસિલીન લઇ લીધું હોત તો ત્રણ દિવસમાં તમે સાજા થઇ જાત. એ નહીં લો તો સાજા થતાં ત્રણ દિવસને વિશે મને જરાયે શંકા નથી પરંતુ હું એવું પણ માનું છું કે રામનામ સર્વ આધિ, વ્યાધિ ને ઉપાધિનો રામબાણ ઇલાજ છે અને તેથી બાકીના બીજા બધા ઉપચારોથી ચઢિયાતો છે. આજે મારી આસપાસ ચારે કોર દાવાનળ સળગી રહ્યો છે ત્યારે ઇશ્વરને વિશે જ્વલંત શદ્ધા રાખવાની મારે વિશેષ જરૂર છે. એક ઇશ્વર જ એ દાવાનળ ઠારવામાં લોકોને સહાય કરવાને સમર્થ છે. તેને મારી પાસે કામ લેવું હશે તો તે મને જીવતો રાખશે અને નહીં તો પોતાની પાસે તેડી લેશે.

અત્યારે જ પ્રાર્થનામાં તમે સૌએ જે ભજન સાંભળ્યું તેમાં કવિ માણસને રામનામને વળગી રહેવાનો આગ્રહ કરે છે. તે જ એક માણસનો આધાર છે. તેથી આજને કટોકટીને વખતે મારો ઇરાદો દવાદારૂનો ઇલાજ ન કરતાં કેવળ ઇશ્વરને શરણે જવાનો છે.

હરિજનબંધુ, ૨૬-૧૦-૧૯૪૭

૪૧. રોજનો સુવિચાર

બીમારીમાત્ર માણસને માટે શરમની વાત હોવી જોઇએ. બીમારી કોઇ પણ દોષની સૂચક છે. જેનું તન, મન, સર્વથા સ્વસ્થ છે તેને બીમારી થવી ન જોઇએ.

-સેવાગ્રામ, ૨૬-૧૨-’૪૪

વિકારી વિચાર પણ બીમારીની નિશાની છે. તેથી, આપણે સૌ વિકારી વિચારથી દૂર રહીએ.

-સેવાગ્રામ, ૨૭-૧૨-’૪૪

વિકારી વિચારથી દૂર રહેવાનો એક અમોધ ઉપાય-રામનામ-છે. નામ કંઠમાંથી જ નહીં, પણ હ્ય્દયમાંથી નીકળવું જોઇએ.

-સેવાગ્રામ, ૨૮-૧૨-’૪૪

વ્યાધિ અનેક છે, વૈદ અનેક છે, ઉપચાર પણ અનેક છે. વ્યાધિને એક જ ગણીએ ને તેને મટાડનારો વૈદ એક રામ જ છે એમ સમજીએ તો ઘણી માથાફૂટમાંથી બચી જઇએ.

-સેવાગ્રામ, ૨૯-૧૨-’૪૪

વૈદ્યો ને દાક્તરો જેઓ મરે છે તેમની પાછળ આપણે ભટકીએ છીએ. પણ રામ જે મરતો નથી, હંમેશાં જીવે છે અને જે અચૂક વૈદ છે એને આપણે ભૂલી જઇએ છીએ, એ આશ્ચર્યની વાત છે.

-સેવાગ્રામ, ૩૦-૧૨-’૪૪

એથીયે વધારે આશ્ચર્યની વાત તો એ છે કે આપણે જાણીએ છીએ કે આપણે પણ મરવાના તો છીએ જ, બહુ કરીએ તોયે તેને માટે ખુવાર થઇએ છીએ.

-સેવાગ્રામ, ૩૧-૧૨-’૪૪

એ જ રીતે વૃદ્ધ, બાળક, યુવાન, ધનિક, ગરીબ સૌને મરતાં જોઇએ છીએ તોપણ આપણે સંતોષથી બેસવા માગતા નથી. પણ થોડા દિવસ જીવવાને માટે રામને છોડીને બીજા બધા પ્રયત્નો કરીએ છીએ.

-સેવાગ્રામ, ૧-૧-’૪૫

આટલું સમજીને આપણે જે વ્યાધિ આવે તે રામભરોસે રહીને વેઠી લઇએ અને આપણું જીવન આનંદમય બનાવીને ગુજારીએ તો કેવું સારું !

-સેવાગ્રામ, ૨-૧-’૪૫

ધાર્મિક મનાતો માણસ માંદો પડે તો તેનામાંં કંઇક ને કંઇક ધર્માચરણની ખામી રહી ગઇ છે એમ સમજવું જોઇએ.

-સેવાગ્રામ, ૨૨-૪-’૪૫

માણસના પ્રયત્ન છતાં તેનું મન મેલું રહેતું હોય તો રામનામનો જ તેણે આશરો લેવો રહ્યો.

-મદ્રાસ પહોંચતાં, ૨૧-૧-’૪૬

જેમ જેમ વધારે વિચાર કરું છું તેમ તેમ મને વધારે ને વધારે ભાન થતું જાય છે કે અંતરથી ને સમજપૂર્વક રામનામ લેવું એ સર્વ પ્રકારના વ્યાધિઓનો ઇલાજ છે.

-ઊરુળી, ૨૨-૩-’૪૬

આસક્તિ, રાગ, દ્ધેષ વગેરે પણ રોગો છે અને શરીરના રોગો કરતાંય ભૂંડા છે. રામનામ વિના એમને માટે બીજો ઇલાજ નથી.

-ઊરુળી, ૨૩-૩-’૪૬

શરીરના મેલ કરતાં મનનો મેલ વધારે નુકસાન કરે છે; શરીરની બાહ્ય સ્વચ્છતા જોકે અંતરની સ્વચ્છતાની દ્યોતક છે.

-ઊરુળી, ૨૪-૩-’૪૬

ઇશ્વરનું શરણું લેવાથી જે આનંદ અને સુખનો અનુભવ થાય છે તેનું વર્ણન કોણ કરી શકશે ?

-ઊરુળી, ૨૪-૩-’૪૬

રામનામનું રટણ કરવાની શરતો જે પૂરી કરે છે તેમને જ તે સહાયરૂપ થાય છે.

-નવી દિલ્હી, ૮-૪-’૪૬

રામને છાજે એવી સેવા ન થતી હોય તો રામનામનું રટણ મિથ્યા છે.

-નવી દિલ્હી, ૨૧-૪-’૪૬

માંદગીને લીધે મરે છે તેના કરતાં માંદગીના ડરથી વધારે માણસો મરણને શરણ થાય છે.

-સિમલા, ૭-૫-’૪૬

આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રણેને માટે રામનામ રામબાણ ઇલાજ છે.

-નવી દિલ્હી, ૨૪-૫-’૪૬

રામનામને શરણે જનારની બધી આશા પૂરી પડે છે.

-નવી દિલ્હી, ૨૫-૫-’૪૬

રામનામરૂપી અમૃતનું પાન કરવાની આકાંક્ષા રાખનારે કામક્રોધાદિ શત્રુઓને અંતરમાંથી હાંકી કાઢવા જોઇએ એમાં કંઇ શક છે કે ?

-નવી દિલ્હી, ૨૦-૫-’૪૬

બધાં રૂડાં વાનાં હોયત્યોર અલબત્ત સૌ કોઇ ઇશ્વરનું નામ લે છે; પણ જ્યારે બધું વાંકું પડવા બેઠું હોય ત્યારેયે ઇશ્વરનું નામ લેવું ન છોડે તે જ સાચો ભક્ત છે.

-મુંબઇ, ૬-૭-’૪૬

રામનામનું અમૃત આત્માને આનંદ આપનારું અને દેહના રોગોને હરનારું છે.

-પૂના, ૯-૭-’૪૬

૪૨. બે પત્રો

યરવડા મંદિર,

નવેમ્બર ૧૨, ૧૯૩૦

પ્રિય . . .

તારા શરીરના આરોગ્યને માટે તારે સિટ્‌ઝ અને સૂર્યસ્નાન કરવું જોઇએ. અને મનની શક્તિને માટે રામનામ જેવી બીજી ઔષધિ નથી. કામક્રોધ કે રાગદ્ધેષ જેવો કોઇ આવેગ તને કનડે ત્યારે તારી જાત પર કાબૂ રાખ. ઇશ્વરના છત્ર નીચે ચાલવાનો એકમાત્ર રસ્તો તેની સૃષ્ટિની સેવા કરવાનો છે. બલકે, ઇશ્વરની રહેમ અથવા તેના જ્ઞાનનો બીજો અર્થ જ નથી.

બાપુના આશીર્વાદ

સેવાગ્રામ,

જાન્યુઆરી ૯, ૧૯૪૫

પ્રિય . . .

તમારો કાગળ મળ્યો. તમે સાજા થાઓ કે ન થાઓ એ કંઇ મહત્ત્વની વાત નથી. ઇશ્વર પર આપણે જેટલો વધારે આધાર રાખીએ તેટલી વધારે મનની શક્તિ આપણને મળે. વૈદ્યો ને દાક્તરો તો અલબત્ત છે જ; પણ એ બધા આપણને ઇશ્વરથી વધારે ને વધારે દૂર કરવાવાળા કહેવાય. એથી મેં તમને ત્યાં મોકલવાનું વધારે નજીક લઇ જનારી છે. એ પદ્ધતિ આપણને ઇશ્વરની વધારે નજીક લઇ જનારી છે. એ પદ્ધતિનો આધાર લીધા વિનાયે આપણું કામ સસ્તું હોય તો વળી વધારે સારું. એમાં મારે વાંધો લેવાનો ન હોય. પણ ઉપવાસથી ડરવું શું ? ને વધારે ચોખ્ખી હવા લેવાની મળે તે શા સારુ ટાળવું ? કુદરતી ઉપચારનો અર્થ કુદરતની એટલે કે ઇશ્વરની વધારે નજીક જવું એ જ નથી કે ? આમાં હું કેટલો સફળ થાઉં છું તે આપણે જોવું રહ્યું. હું વધારે પડતી તાણ વહોરવાનો નથી એટલી ખાતરી રાખજો.

બાપુના આશીર્વાદ

પરિશિષ્ટ

૧. રામનામ

નોઆખલીમાં આમકી કરીને એક ગામડું છે. તે ગામમાં બાપુજી માટે મને બકરીનું દૂધ ક્યાંય ન મળ્યું. આસપાસ ઘણી તપાસ કરાવી. અંતે હારીને બાપુજી પાસે ગઇ અને એમને એ વાત કહી. બાપુજીએ મને કહ્યું : “એમાં શું ? નાળીયેરનું દૂધ બકરીના દૂધની ગરજ બરાબર સારશે. અને બકરીના ઘીને બદલે આપણે નાળિયેરનું તાજું તેલ કાઢીને ખાશું.”

એ તૈયાર કરવાની રીત બાપુજીએ મને શીખવી અને મેં નાળિયેરનું દૂધ તથા તેલ તૈયાર કરી બાપુજીને આપ્યાં. બાપુજી બકરીનું દૂધ હંમેશ આઠ ઔંસ લેતા, એ રીતે નાળિયેરનું દૂધ આઠ ઔંસ લીધું, પણ એ દૂધ પચવામાં ઘણું ભારે પડ્યું અને બાપુજીને દસ્ત થવા લાગ્યા. એથી સાંજ સુધીમાં એટલી બધી નબળાઇ આવી ગઇ કે બાપુજી બહારથી ઝુંપડા સુધી અંદર આવતા હતા ત્યાં તેમને ચકરી આવી ગઇ.

બાપુજીને જ્યારેજ્યારે ચક્કર આવતાં ત્યારે ત્યારે એની નિશાની રૂપે એમને બગાસાં બહુ આવવા લાગે, પસીનો પુષ્કળ થાય, હાથપગ ઠંડા પડી જાય અને ક્યારેક આંખો ચડી જાય. એ પ્રમાણે ચક્કર આવવાની શરૂઆતની સૂચના તો બગાસાં ખાવા લાગ્યા એટલે મને મળી ચૂકી. પણ મારા મનમાં એમ કે, હવે ચાર જ ફૂટ પથારી દૂર છે ત્યાં સુધી તો પહોંચી જ જવાશે. પણ એ ગણતરી ખોટી નીવડી, અને બાપુજી મારે ટેકે ચાલતા હતા તે પડવા લાગ્યા. મેં સંભાળથી માથું પકડી રાખ્યું અને બૂમ મારી નિર્મળબાબુને બોલાવ્યા. એ આવ્યા અને અમે બંનેએ મળી બાપુજીને પથારીમાં સુવાડ્યા. પછીમને થયું કે, લાવને ડૉ. સુશીલાબહેન પાસેના ગામડામાં ખપીશ. એ હિસાબે ચિઠ્ઠી લખવા બેઠી. તે મોકલાવવા નિર્મળબાબુના હાથમાં જેવી આપી તેવા જ બાપુજી જાગ્યા. મને બોલાવી, “મનુડી ! (બાપુજી જ્યારે લાડથી બોલાવતા ત્યારે હંમેશાં મને મનુડી કહેતા) તે બૂમ મારીને નિર્મળબાબુને બોલાવ્યા એ મને માફી આપી શકું છતાંયે તારી પાસેથી તો આવા સમયે મને કંઇ જ ન કરતાં હ્ય્દયથી રામનામ લેવાની આશા રાખું. હું તો મનમાં રામનામ લેતો જ હતો. પણ તેં નિર્મળબાબુને બોલાવવાને બદલે રામનામ લેતો જ હતો. પણ તેં નિર્મળબાબુને બોલાવવાને બદલે રામનામ લેવું શરૂ કરી દીધું હોત તો મને અત્યંત ગમત. હવે તું આ વિશે સુશીલાને ન કહેતી કે ન લખીને બોલાવતી, કારણ મારો સાચો દાક્તર તો રામ જ છે. એને મારી પાસેથી કામ લેવાની ગરજ હશે ત્યાં સુધી જિવાડશે અને નહીંતર ઉપાડી લેશે.”

‘સુશીલાને ન લખતી’ એ શબ્દ કાન ઉપર પડ્યા અને હું ઘડીભર કંપી ગઇ. નિર્મળબાબુના હાથમાંથી ચિઠ્ઠી ઝૂંટવી લીધી. ચિઠ્ઠી ફાટી ગઇ. બાપુજીએ કહ્યું : “કેમ, તેં લખી પણ નાખ્યું હતું ને ?” મેં લાચારીએ હા પાડી.

મને કહે, “આજે તને અને મને ઇશ્વરે બચાવ્યાં. જોકે આ ચિઠ્ઠી વાંચીને સુશીલાબહેન તો પોતાનું કામ છોડી મારી પાસે દોડતી આવી જાત, પણ મને એ જરાયે ન ગમત. તારી ઉપર અને મારી ઉપર હું ચિડાત. આજે મારી કસોટી થઇ. જો રામનામ મંત્ર મારા હ્ય્દયમાં સોંસરવો ઊતરી જશે તો હું કદી માંદો પડીને મરવાનો નથી. આ નિયમ દરેક માણસ માટે છે, મારા એકને માટે નહીં. માણસ જે ભૂલ કરે, તેનું ફળ એને ભોગવ્યે જ છૂટકો છે. એ રીતે મેં દુઃખ સહન કર્યું. માણસના આકરના શ્વાસ સુધી રામનું નામસ્મરણ હોવું જોઇએે, પણ પોપટની માફક નહીં, હ્યદયથી. જેમ રામાયણમાં છે કે, જ્યારે સીતાજીએ હનુમાનજીને માળા આપી ત્યારે તે તેમણે તોડી નાખી, કારણ તેમાં રામ શબ્દ છે કે નહીં તે તેમને જોવું હતું. તે પ્રસંગ સાચો હશે કે નહીં તેની પંચાતમાં આપણે શા માટે પડીએ ? હનુમાનજી જેવું પહાડી શરીર કદાચ આપણે નકરી શકીએ. પણ આત્મા તો પહાડી કરી શકીએ. માણસ ધારે તો ઉપરનું ઉદાહરણ સિદ્ધ કરી શકે. સિદ્ધ કદાચ ન કરી શકે તોપણ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે તોયે બસ છે. ગીતા માતાએ કહ્યું છે ને કે માણસે પ્રયત્ન કરે તોયે બસ છે. ગીતા માતાએ કહ્યું છે ને કે માણસે પ્રયત્ન કરે તોયે બસ છે. ગીતા માતાએ કહ્યું છે ને કે માણસે પ્રયત્ન કરવો, ફળ ઇશ્વરના હાથમાં સોંપવું. એ રીતે તારે, મારે અને બધાએ પ્રયત્ન કરી જ છૂટવું જોઇએ.”

“હવે તું સમજી હશે કે મારી, તારી, કે કોઇ પણ દરદીની માંદગીમાં મારું શું માનસ છે.”

અને એક માંદી બહેનને કાગળ લખતાં એમણે અંદર લખ્યું, “રામબાણ દવા તો જગતમાં એક જ છે. તે રામનામ. અને એ નામ રટનારે અધિકાર પરત્વે જે નિયમોનું પાલન કરવું જોઇએ તે નિયમો નું તે પાલન ન કરે; પણ એ રામબાણ દવા આપણે બધા ક્યાંં કરી શકીએ છીએ ?”. . . (મારી રોજની નોઆખલીની નોંધપોથીમાંથી)

ઉપરનો પ્રસંગ ૩૦મી જાન્યુઆરી, ૧૯૪૭ના રોજ બનેલ. બરોબર એ જ દિવસ એક વર્ષ અગાઉ !

રામનામ વિશેની આવી અચળ શ્રદ્ધા એમની આખરી પળ સુધી રહી. ૧૯૪૭ની ૩૦મી જાન્યુઆરીને દહાડે ઉપરનો મીઠડો પ્રસંગ બની ગયો અને ૧૯૪૮ની ૩૦ મી જાન્યુઆરીને દિવસે મને કહેલ કે, “છેલ્લા શ્વાસ સુધી રામનામ રટવું જોઇએ.” એમ બે વખત અને પછી ત્રીજી વખત આખરે એ જ મુખેથી છેલ્લા શ્વાસે પણ રા. . .મ મારે જ કાને સાંભળવાનો કારમો અવસર આવશે તેની શી કલ્પના ! ઇશ્વરની ગતિ એવી ગહન છે.

‘બાપુ - મારી મા’માંથી, મનુબહેન ગાંધી

૨. ‘રામ ! રામ !’

પ્રાર્થનાર્થીઓની કૉર્ડન કરેલી હારમાં થઇને તે જતા હતા ત્યારે પ્રાર્થનાર્થીઓના નમસ્કારના વળતા નમસ્કાર કરવાને તેમણે બે બાળાઓના ખભા પરથી પોતાના હાથ ઉપાડી લીધા. એકાએક જમણી બાજુઓથી જોરથી માર્ગ કરતો એક માણસ ટોળામાંથી આવ્યો. ગાંધીજીના પગને સ્પર્શ કરવાને માટે તે આવ્યો છે એમ સમજીને મનુએ પ્રાર્થનાનું મોડું થવા છતાંયે તમે આવી રીતે વખત લો છો એવી મતલબનું ઠપકારૂપે તેને કહ્યું અને તેનો હાથ પકડીને આ ધસી આવનારને અટકાવવા પ્રયત્ન કર્યો. તેણે તેને જોરથી હડસેલી મૂકી. એથી કરીને તેના હાથમાંની ભજનાવલિ, બાપુની થૂંકદાની તથા માળા નીચે પડી ગયાં. એ વસ્તુઓ લેવાને તે નીચે વળી એટલામાં પેલો બાપુની છેક સામે આવીને ઊભો. બાપુની એટલો સમીપ તે આવ્યો હતો કે ગોળીનું એક ખાલી કોચલું બાપુના કપડાની ગડીમાંથી મળી આવ્યું હતું. સાત બારની ઑટોમેટિક પિસ્તોલમાંથી ધડાધડ ત્રણ બાર થયા. પહેલા ગોળી મધ્ય રેખાથી સાડા ત્રણ ઇંચ જમણી બાજુએ નાભિથી અઢી ઇંચ ઉપર પેટમાંં વાગી હતી. પહેલી અને બીજી મધ્ય રેખાથી એક ઇંચ દૂર વાગી હતી. પહેલી અને બીજી ગોળી શરીરની આરપાર નીકળી ગઇ હતી. ત્રીજી ફેફસામાં ભરાઇ રહી હતી. પહેલી ગોળી વાગી ત્યારે જે પગ ગતિમાં હતો તે વળી ગયો. બીજી ગોળી વખતે પણ તે ઊભા હતા અને પછી તે ઢગલોથઇને પડ્યા. ‘રામ, રામ’ એ તેમના છેલ્લા બોલ હતા. તેમનો ચહેરો ફિક્કો પડી ગયો.

હરિજનબંધુ, ૧૫-૨-૧૯૪૮, પ્યારેલાલ