રામનામ - 8 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રામનામ - 8

(8)

૪૦. પ્રાર્થનાપ્રવચનોમાંથી

૧. રામનામ - એનાં નિયમ અને શિસ્ત

પોતાના પ્રાર્થનાપ્રવચનમાં ગાંધીજીએ કહ્યું કે શરીરની બીમારીમાં રામનામ માણસને સહાયરૂપ થાય છે. પણ એને અંગેના નિયમો તેમ જ શિસ્ત તેણે પાળવાં જોઇએ. અકરાંતિયાની માફક ખાઇ માણસ ‘રામ રામ’ કરે અને પેટનો દુખાવો ન મટે તો મારો વાંક ન કાઢી શકે. વળી રામનામ લેતો કે મુક્તિની આશા ન રાખી શકે. જેઓ આત્મશુદ્ધિને માટે જરૂરી નિયમપાલનને માટે તૈયાર હોય તેમને માટે જ રામનામનો ઇલાજ છે.

મુંબઇ, ૧૫-૩-૧૯૪૬

૨. રામબાણ ઇલાજ

ઊરુળીકાંચનમાં પ્રાર્થનાસભાને સંબોધીને ગાંધીજીએ કહ્યું કે, શરીરના તેમ જ મનના સર્વ આધિવ્યાધિને માટે રામધૂન રામબાણ ઇલાજ છે. વળી ઔષધોથી માણસને સાજો કરવાની કોઇ દાક્તર કે વૈદ્ય બાંયધરી આપતા નથી. પછી આગળ ચાલતાં તેમણે ઉમેર્યું કે, “તમે ઇશ્વરની અંતરથી પ્રાર્થના કરો તો તે તમને તમારી બીમારીમાંથી કે ચિંતમાંથી ઉગાર્યા વિના નહીં રહે.” પરંતુ રામધૂનમાં પૂરા દિલથી ભાગ લે તો જ. પ્રાર્થના સફળ થાય અને માણસને શાંતિ તેમ જ સુખનો અનુભવ થાય.

આ ઉપરાંત રામનામનો ઇલાજ પૂરો અસરકારક બનાવવા બીજી પણ કેટલીક શરતો પાળવાની રહે છે. તે માટે માણસે યોગ્ય આહાર લેવો જોઇએ, પૂરતી ઊંઘ લેવી જોઇએ અને ક્રોધને વશ ન થવું જોઇએ. ઉપરાંત, માણસે કુદરત સાથે પૂરો મેળ સાધી તેના નિયમોનું પાલન કરવું જોઇએ.

પૂના, ૨૨-૩-૧૯૪૬

૩. તાલીમની જરૂર

પ્રાર્થના પૂરી થયા બાદ પ્રાર્થના માટે એકઠી મળેલી સભાને સંબોધીને ગાંધીજીએ જણાવ્યું કે, પ્રામાણિક તેમ જ સાચા દિલનાં સ્ત્રીપુરુષો મને આવીને કહે છે કે ગમે તેટલી કોશિશ કરવા છતાં રામનામ અમારા અંતરમાંથી ઊઠતું નથી. એવાં ભાઇબહેનોનેહું કહું છું કે તમારી કોશિશમાં અખૂટ ધીરજથી મંડ્યાં રહો. એક વિદ્યાર્થીને સારો દાક્તર થવાને સોળ વરસ સુધી સખત અભ્યાસ કરવો પડે છે. તો પછી વિચાર કરો કે રામનામને હ્યદયમાં સ્થિર કરવાને કેટલા વધારે સમયની જરૂર પડે !

નવી દિલ્હી, ૨૦-૪-૧૯૪૬

૪. આંતરબાહ્ય શુદ્ધિ

રામનામનો જપ કરી અંતરની શુદ્ધિ કરનારો માણસ બહારની ગંદકીને કેમ નભાવી લેશે ? લાખો લોકો અંતરની સાચી ઊલટથી રામનામ લે તો સમાજનેલાગુ પડેલી બીમારી જેવાં હુલ્લડો ન થાય અને કોઇની બીમારી પણ ન આવે. પછી આ પૃથ્વી પર રામરાજ્યનો સાચો અમલ શરૂ થાય.

નવી દિલ્હી, ૨૧-૪-૧૯૪૬

૫. રામનામનો ગેરઉપયોગ

ગાંધીજીએ ત્યાર પછીનાં પોતાનાં બે પ્રવચનોમાં કુદરતી ઉપચાર અથવા આધ્યાત્મિક, માનસિક તેમ જ શારીરિક સર્વે આધિવ્યાધિને મુખ્યપણે રામનામના ઇલાજથી મટાડવાનો વિષય ચર્ચ્યો. એક પત્ર લખનારે ગાંધીજીને જણાવ્યું હતું કે કેટલાક લોકો વહેમના માર્યા પોતાનાં કપડાં પર રામનામ લખે છે ને ‘પોતાના હ્ય્દયસરસું રામનામને રાખવાને’ તે કપડું છાતી પર પહેરે છે ! બીજા વળી ખૂબ ઝીણા અક્ષરે કરોડો વખત રામનું નામ એક કાગળના ટુકડા પર લખી જાય છે, પછી તે કાગળના કાપીને ઝીણા ઝીણા કટકા કરે છે તે બધા કકડાને ગળી જાય છે અને પછી એવો દાવો કરે છે રામનામે અમારા શરીરના અણુએ અણુમાં પ્રવેશ કર્ય ! બીજા એક લખનારે ગાંધીજીને પુછાવ્યું હતું કે, તમે રામનામનો રામબાણ ઇલાજ સર્વ આધિવ્યાધિને માટે સૌને બતાવો છો, તે રામ ઇશ્વરના કૃપાપાત્ર હતા અને દશરથના વંશજ તેમ જ અયોધ્યાના રાજા હતા તેથી, કે બીજા કોઇ હેતુથી ? એમ માનનારા લોકોયે છે કે, ગાંધીજી જાતે ભ્રમિત પાગલ છે અને હજારો વહેમોથી લદાયેલા આ મુલકમાં એક વધારે વહેમનો ઉમેરો કરી બીજા લોકોને ભરમાવે છે. આવી ટીકાનો ગાંધીજી પાસે શો જવાબ હોય ? તેમણે માત્ર પોતાની જાતને કહ્યું કે, બીજા સત્યનો લગી દુરુપયોગ કરે અને તેને નામે દગો રમે એમાં તારે શું ? જ્યાં લગી તને તારા સત્યને વિશે ભરોસો છે ત્યાં લગી તેનો દુરુપયોગ થશે યા તે કોઇને ઊંધું સમજાશે, એવા ડરના માર્યા તારાથી તેને જાહેર કર્યા વિના કેમ રહેવાય ? “આ દુનિયામાં સ્વતંત્ર, નિરપેક્ષ સત્યનો માલિક કોઇ નથી. તે કેવળ ઇશ્વરનું લક્ષણ છે. આપણે તો આપણી મર્યાદા સાપેક્ષ સત્યને જ જાણી શકીએ. તેથી આપણે જેવું જોઇએ તેવા સત્યને આધારે જ ચાલીએ. સત્યની આવી ઉપાસના કોઇને આડે માર્ગ કેમ લઇ જાય ?”

હરિજનબંધુ, ૨-૬-૧૯૪૬

૬. રામનામ કેવી રીતે લેશો ?

બીજે દિવસે ગાંધીજીએ પોતના પ્રવચનમાં, માણસ જે આધિ, વ્યાધિ તેમ જ ઉપાધિ એમ મનના, તનના અને હ્ય્દયના વિકારોને આધીન છે, તેમનો રામનામ સચોટ ઇલાજ થાય તે માટેની શરતોનો ખુલાસો કર્યો. પહેલા શરત તો એ કે, રામનામ અંતરના ઊંડાણમાંથી, દિલથી લેવું. પણ અંતરના ઊંડાણમાંથી અથવા દિલથી લેવું એટલે શું કરવું ? પોતાના શરીરનાં દર્દો, જે મનનાં તેમ જ આત્માનાં દર્દો કરતાં નજીવાં ગણાય, તેમનો ઇલાજ શોધવાને સારુ માણસો આખી ધરતી ખૂંદી વળવામાં પાછું ફરીને જોતા નથી. “માણસનો આ દેહ આખરે નાશવંત છે. તે છે જ એવો કે, કાયમ ટકે નહીં. છતાં માણસો તેને જ પોતાનું સર્વસ્વ માનીને વળગે છે અને અંતરમાં રહેલા અમર આત્માને વિસારી મૂકે છે.” રામનામને માનનારો દેહને કદી પોતાનું સર્વસ્વ ન માને, ઇશ્વરની સેવા કરવાને આપણને આ એક ઉમદા સાધન મળેલું છે એમ માને, અને તે સેવાને માટે શરીરને સંપૂર્ણ ઓજાર બનાવવાને રામનામ જેવો રામબાણ ઉપાય બીજો નથી.

રામનામને હ્ય્દયમાં કાયમનું અંકિત કરવામાં અખૂટ ધીરજ જોઇએ. તેમાં યુગના યુગ વહી જાય એમ બને. પણ તે છતાં એ મહેનત કરી જોવા જેવી છે. અને છતાં સૌ યાદ રાખજો કે આખરનું ફળ આપવાનું કેવળ ઇશ્વરના હાથમાં છે અને તેની કૃપા પર અવલંબે છે.

અંદર અને બહાર સત્ય, પ્રામાણિકતા અને શુદ્ધિના ગુણ ન કેળવો ત્યાં લગી રામનામનો નાદ દિલમાંથી નહીં ઊઠે. દરરોજ સાંજે પ્રાર્થનામાં આપણે સૌ ભેગા મળીને સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો ગણાવનારા શ્લોકો બોલીએ છીએ. તમારામાંનાં એકેએક સ્ત્રી કે પુરુષ, પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખો, કેવળ સેવા કરવાના હેતુથી શરીર નભાવવાને ખાતર ખાઓ કે પીઓ, આનંદ કે આરામ લો તો સ્થિતપ્રજ્ઞ થાઓ એમાં જરાયે શક નથી. માણસનો પોતાના મનમાં ચાલતા વિચારો પર કાબૂ ન હોય, વળી ધારો કે, માણસ ઉંદરના દર જેવા ઘરમાં બધાં બારીબારણાં વાસીને સૂઇ જાય ને મેલી હવા પોતાનાં ફેફસાંમાં ભર્યા કરે અને પાણી સ્વચ્છ ન પીતાં મેલું પીએ તો તેનું રામનામ લીધેલું ફોકટ સમજજો.

પણ આનો એવો અર્થ ન કરશો કે ચાલો આપણામાં તો જોઇતી શુદ્ધિ કે ચોખ્ખાઇ નથી, તો રામનામ લેવામાં ફાયદો નથી એટલે તે મૂકી દઇએ. એ શુદ્ધિ મેળવવા માટે પણ રામનામનું રટણ એ જ ઉપાય છે. “જે પોતાના દિલથી રામનું નામ રટે છે તેને તપ અને સંયમ સહેલાં થઇ જાય છે અને તંદુરસ્તીના ને તેને સાચવવાના નિયમોનું પાલન તેના સ્વભાવનું અંગ બને છે. તેનું જીવન સીધે સરળ રસ્તે ચાલે છે. તે કોઇને ઇજા કરવાની ઇચ્છા નહીં રાખે. બીજાનાં દુઃખોનું નિવારણ કરવાને ખાતર જાતે દુઃખ સહન કરવાનું તેના જીવનનો એક ભાગ બની તેને અનિર્વચનીય એવી શાશ્વત શાન્તિથી ભરી દેશે.” તે પછી ગાંધીજીએ આખરે જણાવ્યું કે, આથી તમે સૌ જાગતા હો તે દરમિયાન ખંતથી રામનામ લેવાનું અખંડ ચાલુ રાખો. પછી આખરે તે તમારા દિલમાં જડાઇ જશે, ઊંઘમાંયે તેનું તમને વિસ્મરણ નહીં થાય અને તમે ઇશ્વરની કૃપાના એવા અધિકારી થશો કે તમારાં શરીર, મન અને આત્મા સંપૂર્ણપણે નીરોગ રહેશે.

હરિજનબંધુ, ૨-૬-૧૯૪૬

૭. મૌન વિચારનું સામર્થ્ય

રવિવારે સાંજે પોતાનો કાર્યક્રમ જાહેર કરતાં તેમણે જણાવ્યું કે, મારી સાથે રામનામની ધૂનમાં જોડાવાને અથવા કહો કે ધૂન કેમ ગાવી તે શીખવાને તમે સૌ અહીં આ પ્રાર્થનાસભામાં આજ સુધી રોજ આવતાં હતાં. રામનામ મોઢાના બોલથી શીખવી શકાતું નથી. પરંતુ મોઢાના બોલ કરતાં મૌન વિચાર વધારે સમર્થ છે. “એક જ સાચો વિચાર આખી દુનિયાને છાઇ વળે. તે કદી મિથ્યા જતો નથી. વિચારને શબ્દોમાં કે કાર્યમાં ઉતારવાના પ્રયાસમાં જ તે કુંઠિત થાય છે. શબ્દોથી કે કાર્યથી પોતાના વિચારને સંપૂર્ણપણે વ્યક્ત કરવાનું તમે જાણ્યો છે ખરો ?”

પછી ગાંધીજી આગળ બોલ્યા, “તો કાયમનું મૌન લઇ કાં ન બેસી જઇએ ? તાત્ત્વિક રીતે એ બની શકે. પણ કર્મનું સ્થાન મૂક વિચાર પૂરેપૂરું લઇ શકે તે માટેની શરતો પૂરી કરવાનું કામ બહુ કઠણ છે.” વિચારની જરૂરી એકાગ્રત કે તેના પર જરૂરી કાબૂ મેળવ્યાનો દાવો હુંનથી કરી શકતો. મારા મનમાં નકામા કે અપ્રસ્તુત વિચારોને આવતા તદ્દન અટકાવવાનું હજી મારાથી બનતું નથી. તે દશા સિદ્ધ કરવાને માટે અખૂટ ધીરજ, અખંડ જાગૃતિ અને કઠોર તપશ્ચર્યાની જરૂર છે.

એ જ વિષય ચાલું રાખી તેમણે આગળ જણાવ્યું કે, ગઇ કાલે મેં તમને કહ્યું કે રામનામની શક્તિનો કોઇ અંત નથી ત્યારે એ કોઇ ઇતિશયોક્તિની કે અલંકારની ભાષા નહોતી. પણ તે શક્તિ અનુભવવાને માટે રામનું નામ તદ્દન સ્વચ્છ હ્ય્દયમાંથી નીકળવું જોઇએ. એવી સ્થિતિ મેળવવાને હું મથ્યા કરું છું. મારા મનમાં એ સ્થિતિની કલ્પના હું કરી શકું છું. પણ આચારમાં હજી તે સિદ્ધ થઇ નથી. એ દશાએ પહોંચ્યા પછી રામનામ લેવાની પણ જરૂર રહેતી નથી.

હું આશા રાખું છું કે મારી ગેરહાજરી દરમિયાન તમારે ત્યાં પોતપોતાને ઘેર તમે સૌ એકલા એકલા કે બીજાઓ સાથે ભેગા મળીને રામનામ લેવાનું ચાલુ રાખશો. સામુદાયિક પ્રાર્થનાનું રહસ્ય એ છે કે પ્રાર્થના દરમિયાન એક વ્યક્તિમાંથી બીજા પર પહોંચતો મૂક પ્રભાવ સૌને પોતપોતાની આધ્યાત્મિક સાધનામાં સહાયરૂપ થાય છે.

હરિજનબંધુ, ૨-૬-૧૯૪૬

૮. રામનામનો મંત્ર

આજે પ્રાર્થનાપ્રવચનમાં રામનામનો શાંતિવાહક સંદેશો આપતાં ગાંધીજીએ કહ્યું, “રામનામ કેવળ થોડા માણસોને માટે નથી, સૌને માટે છે. જે રામનામ રટે છે તે પોતાને માટે ખજાનો એકઠો કરે છે. એ ખજાનો એવો છે જે કદી ખૂટતો નથી. તેમાંથી જેટલું કાઢો તેટલું ભરાયા કરે છે. તેનો અંંત નથી. જેમ ઉપનિષદ કહે છે તેમ, ‘પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરો તોયે પૂર્ણ જ શેષ રહે છે,’ રામનામ શરીરના, મનના અને આત્માના, એમ સર્વ આધિ, વ્યાધિ અને ઉપાધિનો શરતી ઇલાજ છે.”

રામનામનો જપ પણ અંતરાયરૂપ થઇ પડે એવા સમયની હું ઉત્સુકતાથી વાટ જોઇ જ રહ્યો છું. રામ વાણી અથવા શબ્દથીયે પર છે એ મને સાક્ષાત્કાર થશે ત્યારે મારે તેનું નામ જપવાની જરૂર નહીં રહે. - ‘યંગ ઇન્ડિયા’, ૧૪-૮-૧૯૪૨.

પણ તેની શરત છે. તે એ કે, રામનું નામ દિલમાંથી ઊઠવું જોઇએ. “બૂરા વિચારો તમારા મનમાં આવે છે ? કામ અને લોભ તમને સતાવે છે ? એ દશામાં રામનામ જેવો બીજો કીમિયો નથી.” પછી પોતાનું કહેવાનું ગાંધીજીએ એક દાખલો આપીને સમજાવ્યું. “ધારો કે તમને લાલચ થઇ આવી કે, વગર મહેનતે, બેઇમાનીને રસ્તે, લાખો રૂપિયા જોડી લઉં. પણ તમે વિચાર કરો કે, મારાં બૈરીછોકરાંને માટે આવો પૈસો શું કામ એકઠો કરું ? બધા મળીને તે ઉડાવી નહીં મારે ? સારી ચાલચલગત, સારી કેળવણી અને સરસ તાલીમના રૂપમાં તેમને માટે એવો વારસો કેમ ન મૂકી જાઉં કે બચ્ચાં મહેનત કરીને પ્રામાણિકપણે પોતાની રોજી કમાય ? આવું બધું તમે જરૂર વિચારતા હશો પણ તેનો અમલ નથી કરી શકતા. પરંતુ રામનામ અખંડ રટશો તો એક દિવસ તે તમારા કંઠમાંથી હ્ય્દય સુધી ઊતરી જશે અને પછી રામબાણ બની જશે, તમારા બધા ભ્રમ ટાળશે, જુઠો મોહ અને અજ્ઞાન જે હશે તેમાંથી તમને છોડાવશે. પછી તમને તરત સમજાશે કે, હું કેવો પાગલ કે મારાં બાળબચ્ચાંને માટે જેની કિંમત કોઇથી થઇ નથી, જે મનને એક ડાળ પરથી બીજી પર વાંદરાની જેમ ભટકવા દેતો નથી, જે મુક્તિનો આપનાર છે, તે રામનામરૂપી ખજાનો મૂકી જવાને બદલે કરોડો રૂપિયા એકઠા કરીને મૂકી જવા ધારતો હતો ! પછી તમારા આનંદનો પાર નહીં રહે. તમે તમારાં બાળકોને અને પત્નીને કહેશો કે, ‘હું કરોડો કમાવા નીકળેલો પણ તે ભૂલી ગયો; પણ બીજો કરોડોનો ખજાનો લાવ્યો છું.’ તમારી સ્ત્રી તમને પૂછશે, ‘બતાવો તો ખરા ! એ હીરો કેવો છે ?’ જવાબ આપતાં તમારી આંખો હસે છે, મોં મલકાય છે. ધીરેથી તમે તેને કહો છો, ‘જે કરોડોનો પણ ધણી છે તેને હ્યદયમાં બેસાડીને લાવ્યો છું. હવે તું ને હું અને બાળકો સૌ આનંદથી રહીશું.’”

હરિજનબંધુ, ૧૬-૬-૧૯૪૬

૯. સર્વ પ્રાર્થનાનો મર્મ

સાંજની પ્રાર્થના પૂરી થયા પછી પ્રાર્થનાસભામાં એકત્ર થયેલાં ભાઇબહેનોને સંબોધીને ગાંધીજી બોલ્યા કે, તમે સૌ રોજ સાંજસવાર તમારે ઘેર નિયમિત રીતે પ્રાર્થના કરતાં રહો એવી હું અપેક્ષા રાખું છું. એ માટે તમારે ન શીખવા હોય તો સંસ્કૃત શ્લોકો શીખવાની જરૂર નથી. એ માટે રામધૂન પૂરતી છે. પ્રાર્થનામાત્રનો મર્મ એટલો જ છે કે આપણે આપણા અંતરમાં રામની સ્થાપના કરીએ. એટલું તમે સૌ કરી શકો તો તમારું, સમાજનું અને જગતનું કલ્યાણ થયા વિના ન રહે.

મસૂરી, ૮-૬-૧૯૪૬

૧૦. નર્યો દંભ

રામનું નામ લેવું ને રાવણનું કામ કરવું, એ ખરાબમાં ખરાબ વસ્તુ છે. આપણે આપણી જાતને છેતરી શકીએ, જગતને છેતરી શકીએ, પણ રામને છેતરી નહીં શકીએ.

હરિજનબંધુ, ૨૩-૭-૧૯૪૬