રામનામ - 3 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રામનામ - 3

(3)

૧૧. રામનામની હાંસી

સ૦-બનારસની રામનામ બૅન્ક, રામનામ છાપેલું કાપડ, જે રામનામી કહેવાય છે, તે પહેરવું અથવા શરીર પર રામનામ લખીને ફરવું, એ રામનામની હાંસી નથી ? અને એમાં આપણું પતન નથી ? આ પરિસ્થિતિમાં રામનામનો પ્રચાર કરીને આપ આ ઢોંગી લોકોના ઢોંગને ઉત્તેજન નથી આપતા ? અંતઃપ્રેરણાથી નીકળતું રામનામ જ રામબાણ થઇ શકે, અને હું માનું છું કે આવી અંતઃપ્રેરણા સાચા ધાર્મિક શિક્ષણથી જ મળશે.

જ૦-આ વાત સાચી છે. આજકાલ આપણામાં વહેમ અને દંભ એટલાં વધી ગયાં છે કે, સાચું કામ કરતાં પણ ડરવું પડે છે. પણ આમ ડરતા રહીએ તો સત્યનેયે છુપાવવું પડે. એટલે સોનેરી નિયમ તો એ છે કે, આપણને ખરું લાગે તે નીડર બનીને કરીએ, દંભ અને જૂઠાણું તો જગતમાં ચાલતાં જ રહેવાનાં. આપણે ખરી વસ્તુ કરીશું, તો તેથી દંભ અને અસત્ય કાંઇકેય ઓછાં થશે; વધશે તો નહીં જ. એટલું જોવું જોઇશે કે, જ્યાં ચારે કોર અસત્ય ફેલાયેલું છે. ત્યાં આપણે પણ તેમાં ફસાઇને પોતાની જાતને છેતરીએ નહીં, ઢીલાશને કારણે અજાણપણેયે ભૂલ ન કરી બેસીએ. દરેક સંજોગોમાં સાવધ રહેવું એ જ કર્તવ્ય છે. સત્યનો પૂજારી બીજું કરી જ ન શકે. રામનામ જેવું રામબાણ ઓસડ લેવામાં સતત જાગૃતિ નહીં હોય, તો રામનામ ફોકટ જશે અને અનેક વહેમોમાં આપણે એકનો ઉમેરો કરીશું.

હરિજનબધું, ૨-૬-૧૯૪૬

૧૨. રામનામ ને જંતરમંતર

મારા રામનામને જંતરમંતર સાથે કશો સંબંધ નથી. મેં કહ્યું છે કે, કોઇ પણ રૂપમાં હ્ય્દયથી ઇશ્વરનું નામ લેવું એ એક મહાન શક્તિનો આધાર લેવા બરાબર છે. એ શક્તિ જે કરી શકે છે, તે બીજી કોઇ શક્તિ નથી કરી શકતી. એની સરખામણીમાં અણુબૉમ્બ પણ કશી વિસાતમાં નથી. એનાથી બધું દર્દ દૂર થાય છે. હા, એટલું ખરું કે, હ્ય્દયથી નામ લેવાની વાતો કરવી સહેલી છે, કરવું કઠણ છે. પણ ગમે તેટલું કઠણ હોય તોયે સર્વોપરી વસ્તુ એ જ છે.

હરિજનબંધુ, ૧૩-૧૦-૧૯૪૬

૧૩. રામનામનો પ્રચાર

રામનામનો મહિમા મારે શીખવાપણું નથી એમ મને ભાસે છે. કારણ કે એનું મને અનુભવજ્ઞાન છે. તેથી જ મારો અભિપ્રાય એવો છે કે રામનામનો પ્રચાર ખાદીના કે સ્વરાજ્યના પ્રચારની એવો છે કે રામનામનો પ્રચાર ખાદીના કે સ્વરાજ્યના પ્રચારની જેમ ન થઇ શકે. આ અતિશય કઠિન કાળમાં રામનામ પણ અવળું જ જપાય છે. એટલે કે એ પણ ઘણે ઠેકાણે આડંબરને ખાતર, કેટલીક જગાએ પોતાના સ્વાર્થને ખાતર અને કેટલીક જગાએ વ્યભિચારને પોષવાને ખાતર પણ જપાયેલું મેં ભાળ્યું છે. જો માત્ર અક્ષર જ અવળા જપાઇ જાય તો તો કાંઇએ કેહવાપણું ન રહે. શુદ્ધ હ્ય્દયવાળા અવળો જાપ જપીને પણ મુક્તિ મેળવી ગયા છે એમ આપણે વાંચીએ છીએ. અને અમે આપણે માની પણ શકીએ. પણ શુદ્ધોચ્ચારણ કરનારા પાપી પાપને ખાતર રામનામનો મંત્ર જપે તેનુંં શું કહીએ ? તેથી જ રામનામના પ્રચારથી હું ડરી જાઉ છું. જે માણસો એમ માને કે મંડળમાં બેસી નામનો શોર કરી મૂકીએ એટલે ભૂતકાળનાં, ચાલતાં અને ભવિષ્યનાં બધાં પાપ ધોવાઇ જાય છે અને શોર ઉપરાંત કાંઇ જ કરવાપણું નથી રહેતું એ દૂરથી વંદના કરવા યોગ્ય છે. એનું અનુકરણ ન કરાય....

.... તેથી જે રામનામનો પ્રચાર કરવાને ઇચ્છે તેણે પોતે એ પ્રચાર પોતાના હ્યદયમાં કરી કામનું સામ્રાજ્ય ત્યાં સ્થાયી પ્રચાર કરવો. એ વસ્તુને જગત ઝીલી લેશે અને રામનામ જપશે. પણ જ્યાંત્યાં અને જેમતેમ રામનામનો જપ કરાવવો એટલે તો પાખંડમાં પાખંડને ઉમેરી રામનામને નિંદવું અને નાસ્તિકતાનો ધોધ ચાલી રહ્યો છે તેનો વેગ વધારવો.

નવજીવન, ૧૫-૧૧-૧૯૨૫

૧૪. મારો રામ

એક વખત એવો સવાલ પુછાયો કે, “રામધૂનમાં જે હિંદુ નથી તે કેમ જોડાય ?” તેનો જવાબ આપતાં ગાંધીજી બોલ્યા :

જ્યારે જ્યારે કોઇ વાંધો ઉઠાવે છે કે રામનું નામ અથવા રામધૂનનું ગાયન તો ફક્ત હિંદુઓને સારું છે એટલે મુસલમાનો તેમાં કેમ જોડાઇ શકે, ત્યારે મને મનમાં હસવું આવે છે. તો શું મુસલમાનોનો એક ખુદા છે અને હિંદુ, ખ્રિસ્તી કે પારસીનો બીજો છે ? ના, સર્વસમર્થ અને સર્વવ્યાપી ઇશ્વર એક જ છે. કતેનાં નામો અનેક છે. આપણને જે સૌથી વધારે જાણીતું હોય તે નામથી આપણે તેને ઓળખીએ છીએ.

મારો રામ-જે રામની આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ તે રામ, અયોધ્યાના રાજા દશરથનો પુત્ર નથી કે ઇતિહાસમાં થઇ ગયેલો રાજા રામચંદ્ર નથી. મારો રામ તો સનાતન છે, તે કદી જન્મ લેતો નથી, અને તેની જ સહાય માગું છું. તમે પણ તેમ જ કરો. તે સૌનો છે. તેના પર સૌનો સરખો હક છે. તેથી, તેનું નામ લેવામાં મુસલમાને કે કોઇએ શા સારું વાંધો ઉઠાવવો જોઇએ તે મારી સમજમાં આવતું નથી. પરંતુ બેશક, મુસલમાને કે બીજા કોઇએ માત્ર રામનામથી જ ઇશ્વરને ઓળખવો એવી જબરજસ્તી ન હોય. જેને જે રુચે તે નામ લે, અલ્લાનું નામ લે કે ખુદાનું નામ લે. પણ ધૂનના સંગીતને કોઇ ન બગાડે.

હરિજનબંધુ, ૫-૫-૧૯૪૬

૧૫. રામ કોણ

પ્ર૦-આપ કહ્યા કરો છો કે, પ્રાર્થનામાં જે રામનું નામ લેવામાં આવે છે તે દશરથપુત્ર નહીં, પણ જગન્નિયંતા પરમેશ્વર છે. પણ અમે બરાબર જોયું છે કે, રામધૂનમાં ‘રાજા રામ, સીતારામ’નું કિર્તન થાય છે અને ‘સિયાવર રામચંદ્રકી જય’ બોલાય છે. હું નમ્રતાપૂર્વક પૂછું છું કે, આ સિયાવર રામ કોણ ? રાજા રામ કોણ ? શું એ દશરથપુત્ર રામ નથી ? ઉપરનાં વાક્યોનો સ્પષ્ટ અર્થ તો એ જ જણાય છે કે, પ્રાર્થનામાં જે રામની આરાધના થાય છે તે જાનકીપતિ રામ જ છે.

ઉ૦-રામધૂનમાં જે ‘રાજા રામ’, ‘સીતારામ’નું રટણ થાય છે, તે દશરથનંદન રામ ન હોય તો બીજો કોણ ? આનો ઉત્તર તુલસીદાસજીએ તો આપ્યો છે. પણ મારે મારો અભિપ્રાય જણાવવો જોઇએ. રામ કરતાં રામનામ મોટું છે. હિંદુ ધર્મ મહાસાગર છે. તેમાં અનેક રત્નો પડેલાં છે. જેટલા ઊંડા જાઓ તેટલાં વધારે રત્નો મળે. હિંદુ ધર્મમાં ઇશ્વરનાં અનેક નામ છે. હજારો લોકો રામ અને કૃષ્ણને ઐતિહાસિક વ્યક્તિઓ માને છે. વળી તે લોકો માને છે કે, દશરથના પુત્રરૂપે ઇશ્વરે પૃથ્વી પર અવતાર લીધો અને તેમની પૂજા કરવાથી માણસને મુક્તિ મળે છે. આવું જ શ્રીકૃષ્ણને વિશે મનાય છે. ઇતિહાસ, દંતકથા અને સત્ય એટલાં બધાં ઓતપ્રોત થઇ ગયાં છે કે, તેમને છૂટાં પાડવાં અસંભવિત છે. હું તો બધાંનામો કાયમ રાખીને બધાંમાં નિરાકાર, સર્વવ્યાપી રામને જોઉં છું. મારો રામ સીતાપતિ, દશરથનંદન કહેવાતો છતો સર્વશક્તિમાન ઇશ્વર જ છે. એનું નામ હ્ય્દયમાં હોય, તો સર્વે દુઃખો નાશ પામે છે.

હરિજનબંધુ, ૨-૬-૧૯૪૬

ગાંધીજીએ આગળ ચાલતાં ફરી સ્પષ્ટ કર્યું કે સર્વ આધિવ્યાધિના રામબાણ ઇલાજ લેખે જેનું નામ રટવાનું મેં બતાવ્યું છે, તે ઇતિહાસમાં થઇ ગયેલા અયોધ્યાના રાજા રામચંદ્ર નથી, કે જંતરમંતરવાળા જેનું નામ લખી તાવીજમાં બાંધી આપે છે તે રામ પણ નથી. સર્વ દર્દના સર્વોપરી ઇલાજ તરીકે જેનું નામ લેવાનું હું સૂચવું છું તે જગન્નિયંતા પરમેશ્વર છે, જેના નામનો જપ કરી ભક્તોપોતાના હ્યદયનો મેલ સાફ કરે છે અને શાંતિ મેળવે છે. વળી મારો એવો છે કે એ જ પરમેશ્વરના નામનું રટણ મનની, આત્માની કે તેમની સર્વ આધિ, વ્યાધિ કે ઉપાધિનો સચોટ ઇલાજ છે. દાકતર કે વૈદ્યની મદદથી શરીરના વ્યાધિ અલબત્ત મટાડી શકાય. પણ રામનું નામ લેવાથી માણસ પોતાનો વૈદ્ય અથવા દાકતર બની પોતાની જાતમાંથી જ સર્વ વ્યાધિનું નિવારણ કરનારું ઔષધ મેલવવાને સમર્થ થાય છે. અને શારીરિક દૃષ્ટિથી અસાધ્ય હોવાને કારણે શરીરનો વ્યાધિ ન મટે તોયે રામનું નામ રટી માણસતેને મનની શાંતિ તેમ જ સમતાથી સહન કરવાની શક્તિ મેળવે છે. “જેને રામનામનો ઇતબાર છે તે ગમે તે ઉપાયે પોતાનું આવરદા લંબાવવાને ખાતર એક નામાંકિત દાકતરને બારણેથી બીજાને બારણે કે એક વૈદ્યને ત્યાંથી બીજાને ત્યાં ધકકા નહીં ખાય. વળી વૈદ્ય કે દાક્તકનું હવે કશું ચાલતું નથી એમ જોઇ, ચાલો હવે રામનું નામ લઇએ, એ રીતે લેવાનો એ લાચારીનો ઇલાજ પણ નથી, રામનામનું રટણ તો તે બંને વિના ચલાવી લેવાની તાકાત મેળવવાને સારુ છે. રામનામના રામબાણ ઉપાય પર ભરોસો રાખનારને સારુ તે પહેલો તેમ જ છેલ્લો ઇલાજ છે.”

હરિજનબંધુ, ૨-૬-૧૯૪૬

 

૧૬. દશરથનંદન રામ

એક આર્યસમાજી ભાઇ કહે છે :

“અવિનાશી રામને આપ ઇશ્વરરૂપ માનો છો. એ દશરથનંદન સીતાપતિ રામ કેમ હોઇ શકે ? આવા મનના મૂંઝારામાં હું આપની પ્રાર્થનામાં બેસું છું પણ રામધૂનમાં ભાગ નથી લેતો. પણ મને એ વાત ખૂંચે છે. કેમ કે બધા એમાં ભાગ લે એમ આપ કહો છો, એ બરોબર છે. બધા ભાગ લઇ શકે એવું આપ ન કરી શકો ?”

બધાનો અર્થ મેં કહી દીધો છે. જે અંતરની ઊલટથી ભાગ લઇ શકે, એકસૂરમાં ગાઇ શકે, એ જ ભાગ લે ભાગ લઇ શકે, એકસૂરમાં ગાઇ શકે, એ જ ભાગ લે. બાકીના શાંત રહે. પણ આ તો નાની વાત થઇ. મોટો સવાલ એ છે કે, દશરથનંદન અવિનાશી કેમ હોઇ શકે ? આ પ્રશ્ન તુલસીદાસજીએ ઉઠાવ્યો અને પોતે જ તેનો જવાબ પણ દીધો. આવા પ્રશ્નોના જવાબ નથી બુદ્ધિથી અપાતા, કે નથી બુદ્ધિને અપાતા. આ હ્ય્દયની વાત છે, અને હ્ય્દયની વાત હ્ય્દય જાણે. મેં રામને સીતાપતિના રૂપમાં જોયો. પણ જેમ જેમ મારું જ્ઞાન વધતું ગયું ને અનુભવ પણ વધતો ગયો, તેમ તેમ મારો રામ અવિનાશી, સર્વવ્યાપક થયો અને છે. ેએની મતલબ એ કે, તે સીતાપતિ નથી મટ્યા, પણ સીતાપતિનો અર્થ વ્યાપક થયો. સંસાર આમ જ ચાલે ને વિકસે છે. જેનો રામ દશરથ રાજાનો કુમાર જ રહ્યો, તેનો રામ સર્વવ્યાપી ન થઇ શકે. પણ સર્વવ્યાપી રામના પિતા દશરથ પણ સર્વવ્યાપી થઇ જાય છે. આ બધા મનના તરંગ છે, એમ કહી શકાય. જૈસી જિસકી ભાવના વૈસા ઉસકા હોય. આમાં બીજો ઉપાય હું નથી જોતો. બધા ધર્મ આખરે એક જ હોય, તો બધાનું ્‌એકીકરણ કરવાનું છે. જુદા તો પડ્યા જ છીએ. અને જુદા સમજીને એકબીજા સાથે લડીએ છીએ. થાકીએ ત્યારે નાસ્તિક બનીએ છીએ. પછી તો નથી ઇશ્વર રહેતો કે નથી બીજું કંઇ. રહે છે ખાલી અહં, જ્યારે એમ જાણીએ કે, આપણે કંઇ જ નથી, જે છે તે ઇશ્વર જ બધું છે, ત્યારે દશરથનંદન રામ સીતાપતિ છે, ભરતલક્ષ્મણના ભાઇ પણ છે અને નથી પણ. જે દશરથનંદન રામને ન માનવા છતાં બધાની પ્રાર્થનામાં બેસે છે તેની બલિહારી. આ બુદ્ધિવાદ નથી. હું જે કરું છું, માનું છું, તે બતાવી રહ્યો છું.

હરિજનબંધુ, ૨-૯-૧૯૪૬

૧૭. મારો રામ કોણ ?

મારી તમને સલાહ છે કે તમે સૌ ગમે તે નામથી ઓળખાતા પણ એકમાત્ર સર્વસમર્થ ઇશ્વરની ગુલામી સ્વીકારો. પછી તમે કોઇ એક માણસ અગર માણસોની ટોળી સામે તમારી ગરદન કોઇ નહીં ઝુકાવો. હું ખુદાને કેવળ માનવ એવા રામની સાથે જોડું છું એમ માનવામાં અજ્ઞાન છે. મેં હજાર વાર ખુલાસો કર્યો છે કે, મારો રામ તે મારો ઇશ્વર જ છે. એ રામ પહેલાં હતો, આજે છે અને સનાતનકાળ રહેવાનો છે. તેને જન્મ નથી. તેને કોઇએ બનાવ્યો નથી કે નિર્માણ કર્યો નથી. તેથી તમે સૌ જુદા જુદા ધર્મો પ્રત્યે સહિષ્ણુ થઇ તે એકેએકને આદર આપો. હું જાતે મૂર્તિભંજક છું પણ બુતપરસ્તોને નામે ઓળખાતા માણસોને વિશે પણ મને સરખો જ આદર છે. જે માણસો મૂર્તિઓની પૂજા કરે છે તે સૌ પણ સર્વ સ્થળ વ્યાપી રહેલા બલકે એક કાદવના ગોળામાં, અરે માણસની આંગળીએથી ઉતારેલા નખમાં પણ વાસ કરતા ઇશ્વરને જ ભજે છે. રહીમ, રહેમાન અને કરીમ માનવાળા મારા મુસ્લિમ મિત્રો છે. તે મિત્રોને હું તેમનાં નામ લઇને બોલાવું તો શું મેં તેમને ખુદા સાથે જોડી આપી શિર્કનો ગુનો કર્યો ગણાશે ?

હરિજનબંધુ, ૨૩-૨-૧૯૪૭

૧૮. ઇશ્વર ક્યાં ને કોણ ?

ઇશ્વર મનુષ્ય નથી. એટલે એ કોઇ પણ મનુષ્યમાં ઊતરે છે કે અવતરે છે એમ કહેવું એ પણ પૂર્ણ સત્ય નથી. એમ કહી શકાય છે ઇશ્વર કોઇ મનુષ્યમાં અવતરે છે એનો અર્થ માત્ર એટલો કે તે માણસમાં આપણે વધારે ઐશ્વર્ય કે ઇશ્વરપણું જોઇએ છીએ. ઇશ્વર તો સર્વવ્યાપી હોઇ બધેય ને બધામાં છે. એ અર્થમાં આપણે બધા જઇશ્વરના અવતાર કહેવાઇએ. પણ એમ કહેવાથી કશો, અર્થ સરતો નથી. રામ, કૃષ્ણ આદિ અવતાર થઇ ગયા એમ કહીએ છીએ કેમ કે તે તે વ્યક્તિઓમાં ઐશ્વર્યનો અનુભવ લોકોએ કર્યો હતો. અંતે તો કૃષ્ણાદિ મનુષ્યની કલ્પનામાં વસે છે, તેની કલ્પનાના છે. એવી ઐતિહાસિક વ્યક્તિ થઇ ગયેલ છે કે નહીં તેની સાથે કલ્પનાને કંઇ લેવાદેવા નથી. કેટલીક વેળા ઐતિહાસિક રામ ને કૃષ્ણને માનવા જતા આપણે જોખમભરેલે રસ્તે ચડી જઇએ છીએ ને અનેક તર્કોનો આશ્રય લેવો પડે છે.

ખરું જોતાં ઇશ્વર એક શક્તિ છે, તત્ત્વ છે; તે શુદ્ધ ચૈતન્ય છે, સર્વવ્યાપક છે; છતાં તેનો આશ્રય કે ઉપયોગ બધાને મળતો નથી; અથવા કહો કે બધા તેનો આશ્રય મેળવી શકતા નથી.

વીજળી મહાશક્તિ છે પણ તેનો ઉપયોગ૮ બધા મેળવી શકતા નથી. તેને પેદા કરવાના અનિવાર્ય કાયદા છે તેને વશ વર્તીએ તો જ તે મળી શકે. વીજળી જડ છે. તેના ઉપયોગના કાયદા માણસસ, જે ચેતન છે તે મહેનત વડે જાણી શકે છે.

ચેતનમય મહાશક્તિ, જેને આપણે ઇશ્વર નામ આપીએ છીએ તેના ઉપયોગના કાયદા છે જ; પણ તે શોધવામાં બહુ વધારે મહેનત પડે એ દીવા જેવું સ્પષ્ટ હોવું જોઇએ. તે કાયદાનું ટૂંકું નામ બ્રહ્મચર્ય. એના પાલનનો એક ધોરી માર્ગ રામનામ છે એમ હું તો અનુભવે કહી શકું છું. તુલસીદાસ જેવા ભક્ત ઋષિમુનિઓએ એ માર્ગ બતાવ્યો જ છે. મારા અનુભવનો વધારે પડતો અર્થ કોઇ ન કરે. રામનામ સર્વવ્યાપક રામબાણ દવા કે ઉપાય છે એ તો ઊરુળીકાંચનમાં જ મને કદાચ ચોખ્ખું જણાયું. તેનો સંપૂર્ણ ઉપયોગ જે જાણે તેને જગતમાં ઓછામાં ઓછું કરવાપણું રહે છતાં તેનું કામ મહાનમાં મહાન લાગે.

આમ વિચાર કરતાં હું કહી શકું છું કે બ્રહ્મચર્યની ગણાતી વાડો આળપંપાળ છે. ખરી ને અમર વાડ રામનામ છે. રામ જ્યારે જીભેથી ઊતરીને હ્ય્દયમાં વસે ત્યારે જ તેનો પૂરો ચમત્કાર જણાય છે.

હરિજનબંધુ, ૨૨-૬-૧૯૪૭