પતિ પત્નીના અગાધ પ્રેમનું ઉંડાણ ક્યારેક બન્ને વચ્ચેના મૌનમાં સમાયેલું હોય છે, મૌન એટલે બન્ને પાત્રો વચ્ચે અબોલા નહિ..કારણ કે મૌન અને અબોલા માં બહુ મોટો ફરક છે,એક પાત્ર વિદેશ હોય ત્યારે વાતચીતનું મુખ્ય માધ્યમ વિડિયો કોલ હોય છે, એક ક્ષણ એવી આવે કે ચાલુ વાતચીતમાં બન્ને વચ્ચે મૌન છવાઈ જાય ..બન્ને માંથી કોઈ કશું જ બોલે નહી.. બસ બન્ને એકબીજાને જોયા કરે..કવિઓ કહે છે કે આ એજ ક્ષણ છે કે બન્ને દૂર હોવા છતાં બન્ને એકબીજાની ખૂબ નજીક હોય છે, બન્ને વચ્ચે એક આભા પ્રસરેલી હોય છે.અને આ આભામંડળના સ્નેહાળ ભાવમાં બન્ને ભીંજાતા રહેતા હોય છે,બન્ને એકબીજા સાથે વાત કરીને પોતાનો ભાર ઓછો કરતા હોય છે..હળવા થઈ જતાં હોય છે,જ્યારે વિડિયો કોલનું સ્થળ કોઈ ગાર્ડન હોય ત્યારે બન્નેના મૌનના સાક્ષી આજુબાજુ ઉભેલા વૃક્ષો..પક્ષીઓ..ખિસકોલીઓ..બની જતા હોય છે, દૂર ઝાડ ઉપર બેઠેલા હોલાનું ઘુ.ઘું..ઘૂ. સતત ચાલતું હોય છે, વળી ક્યાંક માળી દ્વારા પાણીની પાઇપથી પાણીનો છંટકાવ કર્યો હોય તેના કારણે નાનકડું ખાબોચિયું ભરાઈ ગયું હોય..આવું ખાબોચિયું ૨૦ - ૨૫ કબૂતરો માટે નાહવાનું તળાવ બની ગયું હોય, વળી કેટલીક ખિસકોલીઓ મુક્ત રીતે સડસડાટ ઝાડ ઉપર ચડતી હોય અને ઉતરતી હોય..આવા કુદરતી વાતાવરણમાં બન્નેની વાતચીત વગરનું મૌન બન્નેને એક બીજાના ગાઢ સાનિધ્યનો અચૂક અનુભવ કરાવે છે.
પતિ પત્ની નું સાથે ચાલવા જવું અને રસ્તો માપતા જવું એ જીવનને માપતા જવા જેવું છે,જોડે રહેવું અને જોડે ચાલવું એ આત્મીયતા ઉભી કરે છે... સાનિધ્ય.. હુંફ ઉભી કરે છે, બન્ને વચ્ચેનો ખટરાગ જોડે ચાલવાથી દૂર થાય છે, બે પતિ પત્ની જ્યારે જોડે ચાલતા હોય છે ત્યારે રસ્તાને સાથે લઈને ચાલતા હોય છે અને જીવનને પણ જોડે લઈને ચાલતા હોય છે, રસ્તો માપતા માપતા બન્ને જીવનનની આંટી ઘૂંટીઓ અને ગુંચોને પણ ઉકેલતા રહેતા હોય છે, સંયુક્ત ફેમિલીમાં રહેતી પત્ની માટે તો પતિનું જોડે ચાલવા આવવું તે ઘણું રાહત આપનારનું હોય છે, આખા દિવસની ભેગી થયેલી વાતો જે ઘરમાં ના થઈ શકે.. તેવી વાતો જે ફકત પોતાના પતિને કહેવા ઈચ્છતી હોય છે તે ચાલતા ચાલતા કહી શકે છે અને પોતાનું હૈયું હળવું કરી શકે છે, જ્યાં તે પોતે અને ફકત પોતાનો પતિ જ હોય છે, ચાલતા ચાલતા.. વાતો કરતા કરતા.. બન્ને વચ્ચે જે સાનિધ્ય ઉભુ થાય છે તે બન્નેના જીવનને મધુરતાથી ભરી દે છે, ચાલવાનો લય તેમના જીવનનો લય બની જાય છે, પતિ પત્ની જોડે ચાલતા હોય છે ત્યારે બન્ને ના હ્રદય પણ.. એક બીજાની હુંફ માણતા હોય છે, બન્ને ના હ્રદયની ધડકનનો ધબકારો પણ જોડે ચાલતો હોય છે, ચાર પગ જ્યારે જોડે ચાલતા હોય છે ત્યારે ઘણીવાર રસ્તો પોતે થંભી જતો હોય છે અને બન્ને પતિ પત્નીની વાતો સાંભળવામાં મશગુલ - તલ્લીન થઈ જતો હોય છે, ચાર પગ જ્યારે ઘમ ઘમ કરતા જોડે ચાલતા હોય ત્યારે દુનિયાની મજાલ છે કે તેમને જુદા કરી શકે!!, રસ્તાની આજુબાજુ ઉભેલા વૃક્ષો.. પક્ષીઓ પણ આ જોડે ચાલતા કપલ ને સલામી આપતા હોય તેમ દૂર ઝાડ ઉપર બેઠેલી કોયલ પણ પોતાના મીઠા મધુર ટહુકાથી આ બન્ને પતિ પત્નીનું અભિવાદન કરતી હોય તેવું લાગી રહ્યું છે,રસ્તાની બાજુમાં ઉભેલા વૃક્ષોને પણ લાગે છે કે આ સુંદર કપલ હમણાં પસાર થઈ જશે તે પહેલાં હું એમનું અભિવાદન કરવામાં રહી ના જવું.. તે માટે વૃક્ષ પણ પોતાના પાંદડા અને ડાળીઓ હલાવી પોતાની હાજરી પૂરાવે છે અને આ સુંદર કપલ નું અભિવાદન કરે છે,
પતિ પત્ની ના સબંધોમાં એક બીજા ઉપરનો ભરોસો લગ્ન જીવનની ઇમારતને મજબૂતાઇ બક્ષે છે, કોઈ પણ પ્રકારનો સંદેહ કે શંકા આ ઇમારતને હલાવી દે છે, સંપૂર્ણ વિશ્વાસ સાથે આગળ વધતો સબંધ લગ્ન જીવનનો આધારસ્તંભ બની જાય છે, ભરોસો તૂટે એટલે લગ્ન જીવનની નૌકા ડોલવા માંડે છે અને ક્યારેક ડૂબી પણ જાય છે, સંવાદ એ લગ્નજીવનનું ઘરેણું છે તો સામે અબોલા એ લગ્નજીવન માટે ઘાતક સિદ્ધ થઈ શકે છે, જે સબંધોમાં વારંવાર ચોખવટો..સ્પષ્ટતાઓ..કરવી પડતી હોય તેવા સબંધોનું આયુષ્ય ખૂબ ટૂંકું હોય છે,અઢળક પ્રેમ..સમર્પણ..એક બીજા માટેનો ત્યાગ, લગ્ન જીવનને ઉચ્ચ શિખરે પહોંચાડે છે તેમાં કોઈ જ મિન મેખ નથી, એક બીજાથી કંઇ પણ છુપાવ્યા વગરના.. જૂઠ જ્યાં પ્રવેશ કરી ના શકે તેવા સાચુંક્લા સ્વચ્છ નિર્મળ પતિ પત્નીના સબંધો ઉંચાઈ પ્રાપ્ત કરે છે અને તેવા સબંધો એક રોલ મોડેલ બની જાય છે, એવા જ સબંધો બેમિસાલ અને સુંદર જીવન આપે છે અને બન્ને પાત્રો ને સુખદ અનુભૂતિ કરાવે છે, એક વખતનું જૂઠ અગ્નિના તણખા જેવું હોય છે જે ધીરે ધીરે પતિ પત્નીના સબંધોમાં અગન જ્વાળાનું રૂપ ધારણ કરે છે, એક બીજા ઉપરનો ભરોસો અને વિશ્વાસ લગ્ન જીવન ને લાંબા ગાળા માટે સુદ્રઢ બનાવે છે.
પતિ પત્નીના નાજુક સબંધોમાં જ્યારે "ચાલાકી" પ્રવેશ કરે છે ત્યારે હૂંફાળા સબંધો તેની નિર્દોષતા ગુમાવી દે છે,બન્ને પાત્રો વચ્ચે જ્યારે હુકમનું પાનું કે વર્ચસ્વ જમાવવાની લડાઈ ચાલુ થાય છે ત્યારે અહમનો ટકરાવ થતો હોય છે, ત્યારે તેમના સબંધો કાચી દોરી જેટલા નાજુક બની જાય છે, બંધ મુઠ્ઠીના સબંધો કરતા ખુલ્લી મુઠ્ઠીના સબંધોનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે કારણ કે તેમાં કપટ હોતું નથી, "ચાલાકી" ની જગ્યાએ સમર્પણ અને ત્યાગની ભાવના લગ્નજીવનને એક આગવી ઉંચાઈ ઉપર પહોચાડે છે, ક્યારેક વધારે પડતી ચાલાકી લગ્નજીવનના ભંગાણનું કારણ પણ બની જાય છે, માણસનું ભોળપણ ક્યારેક પ્રેમનું ઉદભવ બિંદુ બની જાય છે..કોઈ પુષ્પ ઉપર જેમ કોઈ અંકુર ફૂટે તેમ પ્રેમનું અંકુર ફૂટવાનું નિમિત્ત પણ માણસનું ભોળપણ બની જતું હોય છે, આપણે જેવા છીએ તેવા જ આપણે દેખાઈએ છીએ ત્યારે આડંબર.. દેખાદેખી આપણા વ્યક્તિત્વથી જોજનો દૂર રહે છે, જે ઉપર ઉપર દેખાતું હોય છે તે ઘણીવાર અંદર હોતું નથી જેમ કે નાળિયેર ઉપર ઉપરથી કઠોર રુક્ષ હોય છે પરંતુ તેની અંદર મુલાયમ મલાઈ અને મીઠું પાણી ઉપલબ્ધ હોય છે,નિર્દોષ અને ભોળા માણસનું વ્યક્તિત્વ બસ આવું જ કંઇક હોય છે તે નિર્વિવાદ છે...
-- રસિક પટેલ
લેખક ( matrubharati .com)
9825014063