જે સ્વયં શુદ્ધ છે તેની પરીક્ષા ના હોય Rasik Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જે સ્વયં શુદ્ધ છે તેની પરીક્ષા ના હોય

આપણે આપણી જાત ને સાચી સાબિત કરવાની મથામણ માં ના પડવું જોઈએ, કારણકે તમે જેટલી વધુ મથામણ કરશો તેટલું લોકો તમને ખોટા સાબિત કરતા રહેશે...કૂવો ખોદતી વખતે કૂવો ખોદવામાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો,લોકો કૂવો ખોદવાનું કામ જોવે છે કે નહિ તે તરફ લક્ષ રાખવાનું છોડી દો, જે લોકો તમારા સંઘર્ષ માં જોડે હોતા નથી તે જ લોકો તમારી સફળતા વધાવવા આવી પહોંચશે, આપણે આપણી જાતને પ્રુવ કે પુરવાર કરવાનુ છોડી દેવું જોઈએ, શુદ્ધ દાનતથી કરેલું કોઈપણ કામ પાર પડે જ છે, સ્વયં ને શુધ્ધતા ની કસોટી માં હોમવાની બિલકુલ જરૂર નથી,જે સ્વયં શુદ્ધ છે તેણે કોઈ પરીક્ષા ની જરૂર નથી, આપણે જેવા છીએ તેવા જ રહીએ, હમેંશા અધૂરો ઘડો જ છલકાય છે... પૂર્ણ રીતે ભરેલો ઘડો છલકાતો નથી, જેનામાં કંઇક અધૂરપ છે તે જ વધારે ઉછળકૂદ કરે કે ઠેકડા મારે છે ,અજ્ઞાની લોકો વધારે જ્ઞાની હોવાની સાબિતી માટે સાચું ખોટું જ્ઞાન લોકોમાં પ્રસારિત કરતા રહે છે, પરંતુ જે જ્ઞાની છે તેને તેના જ્ઞાન ને પુરવાર કરવું પડતું નથી તેતો સ્વયં પ્રમાણિત છે, લોકોને તમારી ખામીઓ જલ્દી દેખાશે,તમારા ગુણો વિશે ખબર હશે તો પણ લક્ષ માં નહિ લે, મીઠું પાણી શાંત સરોવર માં જ હોય... ઉછળકૂદ કરતા અને ઘૂઘવાટ કરતા દરિયામાં ક્યારેય ના હોય.!!
જે વૃક્ષ ને ઉધઈ ખાઈ ગઈ હોય,વૃક્ષના મુળિયા ને ઉધઇએ ફોલી ખાધા હોય તેવા સુકાયેલા વૃક્ષ નું ગમે તેવું જતન કરો પરંતુ તે ફરી નવજીવન પામવાનું નથી..માટે તેને ઉખાડી નાખવું હિતાવહ છે, આવા વૃક્ષ ને વારંવાર નવજીવન આપવાના તમામ પ્રયત્નો નિષ્ફળ સાબિત થવાના,માનવીય સંબંધો ની વ્યાખ્યા પણ આવી જ કંઇક હોય છે,પથ્થર વાળી જમીન ઉપર ખોદકામ કરતા કાંકરા અને પથ્થરો સિવાય કંઇ હાથમાં આવવાનું નથી,પાણીમાં તરતા વીંછી ને બચાવવાનો પ્રયાસ એ સાધુ કે સંત જ કરી શકે,સામાન્ય માનવી... એ સંત કે સાધુ નથી,એટલે સામાન્ય માનવી જોડે સંત ના કાર્ય ની અપેક્ષા રાખવી તે વિવેક શૂન્યતા છે..અને વિદ્વતા પણ નથી, અઘરી વસ્તુ હમેંશા દુર્લભ હોય છે તેમજ અમૂલ્ય પણ હોય છે,દરિયામાં છીપલાં અને શંખ સહેલાઈથી મળી જાય છે પરંતુ મોતી શોધવા દરિયાની અંદર ઉંડે સુધી મર્જીવાઓએ જવું પડતું હોય છે, એ જ રીતે માણસની માણસાઈ સારાપણું પણ એકદમ સહેલાઈથી પ્રાપ્ત થાય તો સામેવાળા ને તેનું કોઈ મૂલ્ય રહેતું નથી,દરેક વ્યક્તિએ પોત પોતાનું મૂલ્ય અંકિત કરવા માટે ક્યારેક પૂર્ણ વિરામ મૂકવું જરૂરી હોય છે
જેના વિશે જે વ્યક્તિ કંઇ જાણતો નથી તે વ્યક્તિ તેના વિશેનો અભિપ્રાય આપે તો તે વિશ્વસનીય હોતો નથી તેમજ તેવા અભિપ્રાય નું કોઈ મૂલ્ય પણ હોતું નથી તેમજ તેવા અભિપ્રાય ની કોઈ સચોટતા હોતી નથી,જેમ કે કોઈ વ્યક્તિ કારેલા કે કડવા લીમડાના ગુણો વિશે જ્ઞાત નથી તે વ્યક્તિ નો કારેલા અને લીમડા માટેનો અભિપ્રાય ખોટો પડવાનો એ નક્કી છે,એતો એમજ કહેશે કે બન્ને વસ્તુ ભયંકર કડવી છે પરંતુ એના અંદરના ગુણો થી તે સભાન હોતો નથી, આપણા જીવનમાં પણ એવા કેટલાક માણસો આવશે કે જેમના ગુણો થી આપણે સભાન નથી હોતા, નાળિયેર બહારથી સખત હોય છે પરંતુ એની અંદર મીઠું મધુર પાણી અને મીઠી મલાઈ છૂપાયેલી હોય છે, કોઈપણ વ્યક્તિ ને જાણવા સમજવા ઓળખવા માટે ઊંડા ઉતરવું જરૂરી હોય છે, ખાલી બહાર બહાર થી જોઈ ને નક્કી ના કરાય કે વ્યક્તિ કેવો છે, સારા ગુણો ધરાવતો વ્યક્તિ પણ ક્યારેક થોડાક સમય માટે નિષ્ઠુર બની જતો હોય છે તો એવું માની ને ના ચલાય કે આ વ્યક્તિ ખરાબ છે,એની અંદર એ સારા ગુણો આજે પણ છુપાયેલા છે જ, કોઈ મૃદુ વ્યક્તિ.... ઉપર નું સખત પડ તોડે તો ખબર પડે કે અંદર તો પ્રેમ લાગણી નો મહાસાગર હિલોળા રહી રહ્યો છે, એ મહાસાગર માં હિલોળા લેવા માટે આપણે આપણી જાતને સમૃધ્ધ બનાવવી પડે , કુરુક્ષેત્ર માં મોટા મોટા મહારથીઓ વચ્ચે ગીતા જ્ઞાન નું રસ પાન ફકત અર્જુન ને જ પ્રાપ્ત થયું, ભગવાન પણ યોગ્ય વ્યક્તિની શોધમાં જ હોય છે અને એ વ્યક્તિ ની શોધ અર્જુન માં પૂરી થઇ, જે સારું છે, જે શુદ્ધ છે, જે અમૂલ્ય છે તે વસ્તુઓ અઘરી રહેવાની અને દુર્લભ પણ રહેવાની પરંતુ જે શુદ્ધ છે તે સ્વયં પ્રમાણિત છે માટે તેની પરીક્ષા ના હોય તે નિર્વિવાદ છે.
-- રસિક પટેલ