Featured Books
શ્રેણી
શેયર કરો

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 6

ચોકીદારથી બચવા માટે હું ચાલુ બસમાં ચડી ગયો હતો જેને કારણે કંડકટર મારાથી નારાજ થઈ ગયો હતો. મને બીક લાગી કે ક્યાંક કંડકટર મને બસમાંથી ઉતારી ન દે એટલા માટે મેં એક બહાનું કર્યું કે મારા પિતાજીને એક્સિડન્ટ થયો હતો અને તે આઈસીયુમાં હતા. આ સાંભળીને કંડકટર પીગળી ગયો ને મને ટિકિટ આપી દીધી.
પણ ત્યાં જ એક અણધારી મુસીબત ગળે પડી ગઈ.
"અરે શું થયું સમીરભાઈ ને? હજી હમણાં દસ મિનિટ પહેલા તો હું એમને મળીને બસમાં ચડ્યો હતો!" એક જાણીતો અવાજ બસમાં ગુંજ્યો.
મેં ચમકીને અવાજની દિશામાં જોયું તો તે નવનીત ભાઈ હતા. અમારા પડોશી.
કંડક્ટરે પણ પ્રશ્નસૂચક નજરે નવનીતભાઈ તરફ જોયું "એટલે તમે એવું કહેવા માંગો છો કે આના પિતા સાથે તમે મુલાકાત કરીને આવી રહ્યા છો?"
"હા.અને એટલી વારમાં શું થઈ ગયું?"નવનીતભાઈએ પોતાની લવારી ચાલુ રાખી. તેને સહેજ પણ અંદાજો ન હતો કે તે મારી કેટલી મોટી વાટ લગાડી રહ્યા હતા.
પણ કંડકટર મૂર્ખ ન હતો. તેણે મારી સામે ડોળા કાઢીને કહ્યું," અચ્છા! તો મને મૂર્ખ બનાવવામાં આવી રહ્યો છે, એમ!ચલ બસમાંથી ઉતર."
"અરે પણ મેં ટિકિટ લીધી છે." મેં હિંમત કરીને પ્રતિકાર કર્યો.
કંડકટરને ગુસ્સો આવ્યો,"તારી ટિકિટની તો હમણાં કહું તે! ચલ ઉતર નહી તો.."
વધુ વિવાદ કરવાનો અર્થ ન હતો. આમ પણ મારો ટાર્ગેટ તો કોલેજથી દૂર થવાનો હતો તે તો હું નીકળી ચૂક્યો હતો. "ઠીક છે ઉતરું છું." કહીને હું કંડકટર બસ રોકે પહેલા જ કૂદી ગયો.
"એ ગધેડા!" કંડકટરનો અવાજ મારી પાછળથી સંભળાયો.
મેં રસ્તા પર ઉભા રહીને કંડકટરને ડીંગો દેખાડ્યો પણ આ મારી ભૂલ હતી.
અચાનક જ મારી સામે એક કાર આવી ગઈ.મેં ટક્કર ટાળવાનો બહુ પ્રયત્ન કર્યો પણ ટક્કર ટાળી ન શક્યો.મારું માથું રોડ પર જોરથી અથડાયું અને મારી આંખો સામે અંધારપટ છવાઈ ગયો.હું બેભાન થઈ ચૂક્યો હતો!
મને ખબર નથી હું કેટલો સમય બેભાન રહ્યો હોઈશ.પણ હું ભાનમાં આવ્યો ત્યારે હું સ્પષ્ટપણે એક હોસ્પિટલ રૂમ માં હતો.થોડી ક્ષણોની ગૂંચવણ પછી મને યાદ આવ્યું કે હું એક કારની ટક્કરથી બેભાન થઈ ગયો હતો.
તો શું મને કાર ચાલક હોસ્પિટલ લઈ આવ્યો હતો?
મેં ધીમે ધીમે પોતાની આસપાસનું નિરીક્ષણ કરવાનું ચાલુ કર્યું.અને મારી નજર સામેનું દ્રશ્ય જોઈને મને એક સાથે બે ત્રણ હાર્ટ એટેક આવી ગયા.
સામે તે જ છોકરી બેઠી હતી.
મારી સ્વપ્નસુંદરી!
પણ તેનું ધ્યાન મારી તરફ નહોતું.તે પોતાની સહેલી સાથે વાત કરવામાં વ્યસ્ત હતી.
"પપ્પાને ખબર પડશે કે મેં તેમની કારથી એક્સિડન્ટ કરી નાખ્યો છે તો તે બહુ ગુસ્સે થશે." તે ચિંતિત સ્વરમાં બોલી.
"પણ એમાં તારો વાંક ક્યાં હતો? આ માણસ જ અચાનક કાર સામે આવી ગયો હતો."
"પણ પપ્પા આ વાત સમજશે?"
આ પ્રશ્ન પર કોઈ કશું ન બોલ્યું કારણકે તેનો જવાબ બંને ને ખબર હતી.
"તો હવે શું કરીએ?"
"મને લાગે છે આપણે આ માણસના ભાનમાં આવવાની પ્રતીક્ષા કરીયે."
"પણ...આ ભાનમાં ન આવ્યો તો?"
સ્વપ્નસુંદરી કશું બોલી નહિ પણ તેના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ.
તેને વધુ સમય દુઃખી જોવું તે મારા માટે શક્ય નહોતું.એટલે મેં ધીરેથી ઉંહકારો કર્યો.
બંને છોકરીઓ એ તાત્કાલિક મારી સામે જોયું.
"અરે આ તો ભાનમાં આવી ગયો!" સહેલીએ ખુશી વ્યક્ત કરી.
સ્વપ્નસુંદરીએ સહેજ આગળ નમીને પ્રશ્ન કર્યો,"હવે કેમ છે તમને?"
"સીને મેં જલન,આંખો મેં તુફાન સા ક્યો હૈ?" મેં પ્રશ્ન કર્યો.
સ્વપ્નસુંદરીના ચહેરા પર વિચિત્ર ભાવ આવ્યા. તેણે બીજો પ્રશ્ન કર્યો."તમારું નામ શું છે?"
મેં મારો પરિચય આપ્યો,"મૈં હું ઝૂમઝૂમઝૂમઝૂમ ઝુમરૂ ફક્કડ ઘુમુ બન કે ઘુમરુ."
સહેલી ધીરા સ્વરમાં બોલી,"એના મગજ પર અસર તો નહી થઈ હોય ને?"
મેં હકારમાં માથું ધુણાવ્યું,"કહેતા હૈ જોકર સારા ઝમાના,આધી હકીકત આધા ફસાના."
હવે બંને છોકરીઓ ચિંતિત દેખાવા માંડી.હું રમત વધુ લાંબી ચલાવત પણ ત્યાં ડોક્ટરે પ્રવેશ કર્યો.
"સો યંગ મેન, હાઉ આર યુ?"ડોક્ટરે પૂછ્યું.
"સારું છે.શરીર દુખે છે પણ બીજી કોઈ તકલીફ નથી લાગતી." મેં કહ્યું અને તીરછી નજરે બંને છોકરીઓ તરફ જોઈ રહ્યો.હવે તે સમજી ગઈ કે હું મજાક કરી રહ્યો હતો.
તેમના ચહેરા પર તણાવ અદ્રશ્ય થઈ ગયો.
ત્યાં જ મારા મોબાઈલની રીંગ વાગી. મારો મોબાઈલ હૉસ્પિટલ બેડ પાસેના ટેબલ પર હતો.
મેં મોબાઇલના સ્ક્રીન પર ઉપસી આવેલ નામ વાંચ્યું અને મારા મોઢામાંથી સ્વંયભૂ ઉદગાર નીકળી ગયો." અરે નહી!"

ક્રમશ: