‘આ છોકરાંઓ મા-બાપનું જરાય કહ્યું નથી માનતા.’
‘અરે છોકરાંઓને જરાક કંઈ સારું કહેવા જઈએ, તો તે સામા તડૂકી ઊઠે છે! મમ્મી, તું પાછી થઈ ગઈ શરું...!’
‘અરે કેટલાક છોકરાં તો મા-બાપ જીભ ઉપાડવા જાય તે પહેલા જ કહી દે, ‘હવે તારી કચકચ બંધ કર !’
આવી હૈયાવરાળ જે મા-બાપ દરરોજ ઠાલવતા ના હોય, તે મા-બાપ ખરેખર મહાપુણ્યશાળી છે. એના ઘેર શ્રવણ કે રામ અવતર્યા હોવા જોઈએ, આ હળાહળ કળિયુગમાંય ! આ પરથી એક પ્રસંગ યાદ આવે છે.
અમેરિકામાં એક બહેન આવતા જ કહેવા લાગી, ‘મારે એકનો એક દીકરો છે. સોળ વરસનો છે પણ મારે એની જોડે બહુ માથાકૂટ થાય છે. રોજ કકળાટ થાય છે.’
એને પૂછ્યું, ‘બહેન શું ખામી છે દીકરામાં ? ભણતો નથી?’
‘અરે ભણવામાં તો એ એ-પ્લસ લાવે છે. પહેલા નંબરે જ પાસ થાય છે. બહુ હોશિયાર છે ? રમત-ગમતમાંય ફર્સ્ટ પ્રાઈઝ કાયમ લાવે છે !’ એ બહેને કહ્યું.
‘તો શું છોકરાને ખરાબ સોબતો છે ? બુરી આદતો છે ? છોકરીઓના લફરામાં છે ?’ મેં પૂછ્યું.
ત્યારે એ બહેન બોલ્યા, ના ના. એ બધી બાબતોમાં તો મારો દીકરો એકદમ સીધો ને ચોખ્ખો છે. એની તો મને સો ટકા ખાત્રી છે !’ ખૂબ જ દીકરા પરના વિશ્વાસના રણકાથી બોલી એ.
‘ત્યારે તમારા દીકરામાં ક્યાંય કહેવાપણું છે જ ક્યાં ? ક્યાં તમને પ્રોબ્લેમ થાય છે એની જોડે ?’ અમને બધાને એ બહેનનું દીકરાનાં સદગુણો સાંભળીને ઉપરથી મુંઝવણ થઈ !
એ બહેને કહ્યું, ‘અરે, તમને શું ખબર ? મારો દીકરો આખું ઘર મેસ કરી નાખે છે. એનો રૂમ એટલે ગામડાની ગુજરી જેવો હોય છે. સ્કૂલે જાય તો કપડાં ગમે ત્યા નાખતો જાય. ચોપડા, બોલ, બેટ બધું આડુંઅવળું નાખે. સ્કૂલેથી આવે તો બૂટ ક્યાં નાખે ને મોજા ક્યાં ! ચોપડાઓ તો બધી જ રૂમોમાં પડ્યા હોય એના ! એટલે એ સ્કૂલ જાય ત્યારથી મગજમાં ઘોળાવાનું ચાલુ થઈ જાય કે ઘેર એ ક્યારે આવે ને ક્યારે એને લેવડાટી નાખું. એને આજે તો સીધો દોર કરી જ નાખવો છે !’
એ બહેને મેં પૂછ્યું, ‘પછી? એ સીધો થઈ ગયો ?’
‘ના રે બહેનશ્રી ! એ તો એવો ને એવો જ છે. ઉપરથી હવે તો એ મને કહેતો થઈ ગયો છે, કે મમ્મી, હવે તારી કચકચ બંધ કર ! આ શું કચકચ કહેવાય ?’
મેં એમને પૂછ્યું, ‘તમારા પતિ શું કહે છે ?’ ત્યારે એમણે કહ્યું, ‘અરે એ કહેવા લાગતા હોત તો તો વળી બીજું મારે શું જોઈતું હતું ! એ તો એને એક અક્ષરેય કહેતા નથી. ઉપરથી મને જ કહે, કે તું હવે કચકચ બંધ કર !’ બહેને કહ્યું.
‘તમારા પતિ ક્યારેક છોકરાને કહે તો એમનું દીકરો મને ?’ મેં પૂછ્યું.
‘અરે, એનું તો અક્ષરેઅક્ષર માને. મને મહીં બહુ થાય, કે આ છોકરો એના બાપનો છે – મને તો ઘરમાં બેઉએ મળીને એકલી પાડી છે ! અને આ વાત પરથી તો મારે ને મારા હસબંડનેય હવે તો બહુ ઝગડા થાય છે !’
મેં બહેનેને પૂછ્યું, ‘તો શું તમારું ઘર કાયમ અસ્તવ્યસ્ત જ હોય છે ? કે તમે વ્યવસ્થિત કરી લો છો ?’ બહેને કહ્યું, ‘એ તો પછી મારે જ કરવું પડે ને ! એમ તો ઘર કંઈ ગંદુ રખાય ? હું જોબ કરતી નથી, એટલે ઘરમાં એટલું તો પછી કરી જ લઉને !’
હવે આ હૈયું બાળવું એનાં કરતા હાથ બાળવા શા ખોટા ? બધી રીતે હોનહાર દીકરો હોય અને એકાદ બાબતમાં કકળાટ કરી જીવનને શા માટે વિષમય બનાવવું ? જરાક સમજી જાય ને કહેવાનું બંધ કરો તો ઘર સ્વર્ગ થઈ જાય તેમ છે ! આ તો આપણી જ અણસમજણ આપણને દુઃખી કરે છે. આપણી લાખ સાચી વાત હોય, પણ સામાને એ સ્વીકાર્ય ના હોય તો તેની કોડીની કિમંત છે. સાચી વાત પણ કહેતા આવડવી જોઈએ. હીત, મીત ને પ્રીય હોય તો તે સત્ય, સત્ય કહેવાય અને તે બધાંને સ્વીકાર્ય થાય ! અને સામાને કચકચ લાગે તો તો ખલાસ થઈ ગયું !! આપણાથી એક અક્ષરેય પછી કેમ બોલાય ?
વ્યવહાર જીવનના અમુક પ્રિન્સીપલ જીવનમાં વણી લીધા હોય તો કોઈની જોડે ક્યાંય પ્રોબ્લેમ આવે એવો નથી. એમાં મુખ્ય એ, કે ઘરમાં કે બહાર ક્યાંય નાની બાબતમાં ક્યારેય કશું જ કહેવાનું ના હોય. અમુક મોટી બાબત જે આપણને લાગતી હોય તેમાં જ કહેવાય. અને તેય વારે વારે તો નહીં જ. અને મોટી બાબત એટલે છોકરો દારૂ-માંસ ખાતો હોય, છોકરીના ચક્કરમાં હોય, ભણતો જ ના હોય, તેટલી જ બાબતો મોટી ગણાય. બીજું બધું નાનું નાનું કહેવાય. કાર ઠોકી આવ્યો હોય કે કંઈ ખોઈ આવ્યો, નુકસાન કર્યું, કંઈ ભૂલી ગયો, ભૂલ કરી એ બધું નાનું નાનું કહેવાય. આ બધામાં મા-બાપ મૌન રહે. સમતાપૂર્વક ને પ્રેમપૂર્વક એને ઝીલી લો, તો તે મોટી બાબતમાં તમારા શબ્દને નહીં ઉથામે. આ તો કચકચ થાય એટલે વક્કર જતો રહે. મા-બાપનો પ્રતાપ જતો રહે. વગર કહ્યે તાપ રહે તે કામનો. આપણે છોકરાંને કંઈ કહીએ, એ એને સાચું લાગે ને સ્વીકારે એ રીતે કહેવામાં આવે તો જ કહેવાનો રાઈટ છે. નહીં તો ઊલટા છોકરાં વધારે વિકૃત આપણે જ કરીએ છીએ. બહું કહે... કહે... કહે... કરીએ, એટલે એ સાચી વાતનેય કચકચ કરી નાખે છે. બે કે ત્રણ વારથી વધારે કહીએ, પછી એમને કચકચ લાગે. પ્રેમથી દાબ રાખેલો દાબ રહે; ખખડાવીને કે મારીને નહીં. એ તો ઊલટા સામા થાય !
આ વાત એ બહેને જીવનમાં અપનાવી. અને વરસ પછી એ મળ્યા ત્યારે કહેવા લાગ્યા, કે ‘મારું ઘર સ્વર્ગ બની ગયું છે હવે, અને જીવનમાં ખૂબ જ આનંદ આનંદ વર્તાય છે. મારી ભૂલ મને સમજાણી ને મેં તે ભાંગી નાખી.”