Savai Mata - 45 books and stories free download online pdf in Gujarati

સવાઈ માતા - ભાગ 45

આખરે લીલાનાં મનનું સમાધાન થતાં તેણે મેઘનાબહેનનાં ઘરેથી વિદાય લીધી. આમ પણ સાંજે બધાં ફરીથી રમીલાનાં ઘરે મળનાર જ હતાં. લીલાની કદાચ આ છેલ્લી મુલાકાત હતી રમીલા સાથે. હવે તે ઓસ્ટ્રેલિયા જવા નીકળે ત્યારે કદાચ રમીલા ન પણ આવી શકે. લીલાની જીંદગીમાં રમીલાનાં પ્રવેશથી જ ઘણુંય બદલાયું હતું, તેથી લીલાને તેનું આટલે દૂર જવું થોડું કઠી રહ્યું હતું, તો બીજી તરફ તેની ઉત્તરોત્તર પ્રગતિ અને નામના થઈ રહી હતી તેનો આનંદ પણ અઢળક હતો.

લીલાએ ઘરે પહોંચી સાંજે પહેરવા માટે પોતાનાં અને રામજીનાં કપડાં તૈયાર કરી દીધાં. હજી કૉલેજ છૂટવાને અડધા કલાકની વાર હતી. આજે મેડમને પણ મળવાનું હતું, પણ મેડમને મળતા પહેલાં તેને મેઘનાબહેન સાથે થયેલ બધી જ વાતો રામજી સાથે કરી લેવી હતી. તે રામજીના આગમનની કાગડોળે વાટ જોઈ રહી હતી. કૉલેજ છૂટવાની ઈલેક્ટ્રીક બેલની આજે તે વિદ્યાર્થીઓ કરતાંય વધુ આતુરતાથી જોઈ રહી હતી. આખરે કૉલેજનો બેલ વાગ્યો અને વિદ્યાર્થીઓનાં ટોળાં બહાર આવવા લાગ્યાં.

તેનું મગજ એક તરફ સ્વપ્નમાં વિહરતું હતું કે તે ઓસ્ટ્રેલિયા પહોંચી ત્યાં પોતાનાં પ્રદેશની કળાનાં અજવાળા પાથરી રહી છે, તો બીજી તરફ રામજી વિના જવું તેને ભારે કઠી રહ્યું હતું. તેણે બધાં પાસાં વિચારી તેનો છેલ્લો નિર્ણય મેડમને જણાવવાનો હતો. ત્યાં જ સામેથી રામજી દેખાયો. તેના મોં ઉપરનું હંમેશનું આછું સ્મિત આજે થોડું વધુ વિસ્તરેલું હતું. ના, ના, તેની ખુશીનું કોઈ નવું કારણ ન હતું, હંમેશા ઘરકામમાં ગૂંથાયેલ રહેતી લીલાને આજે બારણાં ખોલી બહાર આંટા મારતી જોઈ આપોઆપ તેની મનઃસ્થિતિ સમજી ગયેલ રામજીએ કાંઈક વિચારી લીધું કે જે થકી તે લીલાનાં મનને વધુ મક્કમ કરી શકે.

રામજી નજીક પહોંચતાં જ બેય ઘરમાં પ્રવેશ્યાં. લીલાએ ધડ કરતુંકને બારણું બંધ કર્યું. પહેલાંથી જ ટિપોય ઉપર મૂકી રાખેલ પાણી ભરેલો ગ્લાસ રામજીને ધર્યો. રોજ ઊભાં ઊભાં ગ્લાસ ભરી પાણી ગટગટાવી જતો રામજી આજે જાણી જોઈને ખુરશીમાં બેસી ધીમે ધીમે પાણી પીવા લાગ્યો. લીલાનાં મોં ઉપર વાત કહેવાની તાલાવેલી જોઈ, અવગણીને હાથપગ ધોવાં ચોકડીમાં જતો રહ્યો.

આજે તો ચા પણ ઠંડી જ મળવાની હતી એ તેણે પ્લેટફોર્મ ઉપર ચા ભરેલાં બે કપ જોઈને જાણી લીધું. આટલી આકળી થયેલ લીલા તેણે ક્યારેય જોઈ ન હતી. એક તરફ તેને ગમ્મત પડી રહી હતી તો બીજી તરફ તેને લીલાની મનઃસ્થિતિ પણ સમજાઈ રહી હતી-એક તો તેને આવો મઝાનો, વણકલ્પ્યો અવસર મળ્યો હતો. તેને ઊંડે ઊંડે ખાતરી હતી કે જે કામ થકી રામજી અને તેનો પરિવાર આગળ આવ્યાં છે તે નોકરી છોડી રામજી ક્યારેય તેની સાથે નહીં આવે અને તેને જવા રોકવાનું તો દૂર, ઉપરથી પ્રોત્સાહન જ આપશે.

રામજીનું આ શહેર ન છોડવાનું બીજું કારણ તેનાં, મેઘજીના અને લીલાનાં પરિવારની સંભાળ પણ હતું. તે હાથપગ ધોઈને પાછા આવતી વેળા પ્લેટફોર્મ ઉપરથી ચાનાં કપ લેતો આવ્યો. એક કપ લીલાને ધરી બીજો લઈ પોતે ખુરશીમાં બેઠો. લીલા જાણે તકની રાહ જ જોઈ રહી હતી. તેણે લગભગ ઠંડી પડવા આવેલ ચા ને એક જ ઘૂંટડે ગળા નીચે ઉતારી અને સામેની ખુરશીમાં બેસી વાત માંડી.

મેઘનાબહેનની સાથે થયેલ બધી જ વાતો અને તેમણે સૂચવેલ બાબતો તેણે એકશ્વાસે રામજીને કહી દીધી. પછીયે તેને પૂછી રહી, "તે ઉં કઉં કે તમાર વગર નંઈ જ જઉં, તોય તમ ના આવો?"

રામજી બોલ્યો, "અરે લીલા, મને તો ઈચ્છા હોય જ ને તારી સાથે રહેવાની. પણ જ્યાં તારું જ કામ છે ત્યાં સાથે ન આવું એ વધુ સારું છે. ઉપરથી તું આટલી દૂર હોઈશ તો ઘરનાંને સંભાળવા પણ કોઈક તો જોઈશે ને અહીં? હવે વધુ વિચારીશ નહીં. મેડમ તેમનાં ઘરે પહોંચી ગયાં હશે. તું જા અને તેમને જણાવી દે કે તું જાય છે. હજી આપણે રમીલાનાં ઘરે પણ જવાનું છે."

થોડું વિચારી, જાણે જાતે જ પ્રશ્નોત્તરી કરી રહી હોય તેવાં ભાવ સહ, કાંઈક સમાધાનની મુખમુદ્રા સાથે રામજીને કહી મેડમનાં ઘરે જવાં પગ ઉપાડ્યાં. રામજી ભલે લીલા આગળ સ્વસ્થ રહ્યો પણ તેનાં જવાનાં વિચારથી થોડો ઢીલો તો થઈ જ ગયો હતો.

તેની અંદર ચાલી રહેલ મનોમંથનમાં તેનો જ એક ભાગ કહી રહ્યો હતો કે, "કોઈ જરૂર નથી લીલાને ક્યાંય જવા દેવાની. અહીં તું જે કમાય છે તે પણ પૂરતું છે તમારાં બેય માટે."

જ્યારે બીજો ભાગ કહેતો હતો, "આવી લાગણીઓનાં પાશમાં તેને ન બાંધ. સ્ત્રીની જીંદગી તો આમ પણ પિતા, ભાઈ, પતિ, પુત્ર સાથે બંધાયેલી હોય છે. આજે તમારી સાત પેઢીમાં આ પહેલી યુવતી છે જે દરિયાપાર જ ઈ રહી છે અને તેય પોતાનાં બળે. તું એની આગળ જરાય ઢીલો ન પડતો. તેને જવા દે. અને એ કાયમ માટે થોડી જ જાય છે? વર્ષ - બે વર્ષમાં કામ પૂરું થતાં તો પાછી આવી જ જશે ને? અને હા, હું તેનો અને મારો પેલો વિડીયોકૉલ કરાય તેવો ફોન લઈ લઈશ અને પછી રોજેરોજ અમે બેય એકબીજા સાથે વાતો કરીશું."

તેનાં મનમાં વિચારયુદ્ધ ચાલતું જ હતું ત્યાં જ લીલા આવી ગઈ. તેનાં પગલાં મક્કમ હતાં તે જઈ રહી છે તે વાતે પણ અવાજમાં નર્યી લાગણી છલકતી હતી કે જેણે તેનાં જીવનમાં ફરી રંગ પૂર્યાં તેને જ છોડીને તે જઈ રહી છે. તે પોતાની કાજળ છલકાવવા આતુર આંખો સંતાડતી સાડી બદલવા જતી રહી. રોજ કરતાં ખૂબ જ ઓછાં સમયમાં તૈયાર થઈ તે બહાર નીકળી. રામજીએ બગીચામાંથી ચંપાનાં ફૂલ ચૂંટી, તેનાં લાંબાં ચોટલાની જમણી તરફ ખોસી દીધાં જાણે પોતાનું હ્રદય તેનાં વાળની ગાંઠમાં સાચવવા મૂકતો હોય. પછી જાતે બોલી ઊઠ્યો, "તારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે સોહામણી ઝૂલ."

લીલાની આંખનું કાજળ મહાપ્રયત્ન પછી પણ રેલાઈ ગયું. આ ગીત રામજી ત્યારે ગાતો જ્યારે તેનો લીલા પ્રત્યેનો પ્રેમ છલકતો હોય. લીલા ખૂબ જ ભાવુક થઈ ગઈ.

રામજીએ પોતાનાં મનોભાવ સંકેલતાં કહ્યું, "ચાલ, હવે જઈએ? મોટરબાઈક ઉપર જવાનું છે. તું પાછી ધીમે ચલાવવાનું કહીશ. મોડું થશે તો માસી ખિજાશે."

તે ઘર અને બાઈકની ચાવીઓ લઈ બહાર નીકળ્યો. તેની. પાછળ-પાછળ લીલા પોતાનાં મનોભાવને સંકેલતી ઘર બંધ કરી બહાર નીકળી. ઘરને બારણે અને એકબીજાં પ્રત્યેની ભાવનાઓને થોડીવાર માટે તાળું મારી બેય રમીલાની ખુશીમાં સામેલ થવા નીકળી પડ્યાં.

ક્રમશઃ

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED