Savai Mata - 44 books and stories free download online pdf in Gujarati

સવાઈ માતા - ભાગ 44

નવલકથા : સવાઈ માતા (ભાગ - ૪૪)
સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા
લેખન તારીખ : ૧૬-૦૬-૨૦૨૩

નવી સવાર ઊગી. કેટલાંક દિવસો, મહિનાઓ અને વર્ષો બીબાઢાળ જતાં હોય છે તો ક્યારેક એક-એક દિવસ અને તેની એક એક પળ અવનવાં અનુભવો થી ભરપુર હોય છે. તેવાં દિવસો જ વ્યક્તિને અનુભવ કરાવે કે તેની અંદર કેટલી બધી ક્ષમતા રહેલી છે. આજે, લીલાનો એવો જ એક દિવસ ઊગ્યો હતો. ઝડપથી પરવારી, તેણે બેય જણ માટે નાસ્તો બનાવી ઘરનું બધું કામકાજ પતાવી દીધું. રામજી પરવાર્યો એટલે બેય જણે નાસ્તો કરી લીધો પછી તે કૉલેજ જવા નીકળ્યો.

લીલાએ તેને મોબાઈલ ફોન અને પાણીની બોટલ પકડાવતાં પૂછ્યું, “મને એક વચાર આયવો સ. આપણ બેય ઓર્સ્તાલીયા જાઈ તો કેવું? તમન તો પિથોરા આર્ટ આવડે જ સ. તમ જ મન હીખ્વાય્ડું’તું.”

રામજીએ બહુ જ નરમાશથી તેને કહ્યું, “જો, આ મોટી મા એવું કહે, તો હું ચોક્કસ અહીંની નોકરી છોડી તારી સાથે આવીશ. એક વાર તું તેમને મળી આવ.” પછી તે કોલેજ જવા નીકળ્યો.

લીલાએ મોટી મા ને ફોન કરી પૂછી લીધું કે તેઓ હમણાં ઘરે છે કે નહિ. મોટી મા એ જણાવ્યું કે તેઓ ઘરે જ છે અને લીલાને બપોરના જમવાનું નિમંત્રણ પણ આપી દીધું. લીલાએ બપોરના સમય માટે રામજી પૂરતું ભોજન બનાવી ઢાંકી દીધું. રામજી રોજ લગભગ એક વાગ્યે જમવા આવતો. હવે, પોતે જમીને આવવાની હતી એટલે રામજીના મોબાઈલ ઉપર એક મેસેજ મોકલી દીધો અને જમવાનું ઢાંકેલ હતું, એ મેજ ઉપર પણ એક સંદેશ ચિઠ્ઠીમાં લખી તેને ચમચીઓના સ્ટેન્ડ નીચે દબાવી દીધી.

લગભગ સાડા નવે તે મોટી મા નાં ઘરે જવા નીકળતાં તેને ઘરની વાડીનાં શાકભાજી ભરી લીધાં. મોટી મા હંમેશા તેનાં ઘરનાં ઉગાડેલાં શાકભાજીનાં વખાણ કરતાં. લીલા આ બધાં શાકભાજી કોઈપણ કૃત્રિમ ખાતર વિના જ ઉગાડતી જે તેમની ખાસિયત હતી. તેને કેમ્પસ બહારથી જ રિક્ષા મળી ગઈ. થોડી જ વારમાં મોટી મા નાં ઘરબહાર આવી તેણે દરવાજાની ઘંટડી વગાડી. ભલે, મેઘનાબહેને રમીલાને જ પોતાની સાથે રાખી હતી, પણ જેમ જેમ તેઓ લીલા, સમુ, મનુનાં સંપર્કમાં આવતા ગયા, તેમનું હેત આ બધાં ઉપર પણ વરસતું રહેતું. તેઓએ ઘણા સમયે મળેલી લીલાને ખૂબ પ્રેમથી આવકારી.

તેઓ બોલ્યાં, “આવ લીલા, બેસ. તારું કોલેજનું આર્ટવર્ક કેટલે પહોંચ્યું?”

લીલા બોલી, “મોટી મા, બસ ઈ તો ગયા અઠવાડિયે જ પૂરું થ્યું.”

મેઘનાબહેન બોલ્યાં, “હું પચીસેક દિવસ પહેલાં તમારાં પ્રિન્સીપાલ મેડમને મળવા આવી હતી ત્યારે તેમણે મને આખી કોલેજમાં ફેરવીને તારું અને તારી ટીમનું કામ બતાવ્યું હતું. ખૂબ જ સુંદર છે તમારું કામ. તમે થોડું કોલેજથી બહાર નીકળી શકો, તો તમને આ આર્ટ થકી ઘણુંય આગળ વધવા મળે.”

લીલા બોલી, “અરે , મોટી મા, ઈ જ પુસવા તો આજ ઉ આવેલી સું.”

મેઘનાબહેન રસોડામાં ગયાં અને એક ડીશમાં ઝડપથી ગઈકાલે જ બનાવેલી સુખડી લઇ પાછાં ફર્યા. લીલાને ડીશ ધરતાં તેણે હરખભેર આખી ડીશ જ હાથમાં લઇ લીધી.

એક ટૂકડો ડીશમાંથી ઉઠાવતાં જ બોલી, “તમન કેવી રીત ખબર પડી ક આજ ઉ આવાની સું?"

મેઘનાબહેન બોલ્યાં, “ઘણા સમયથી આપણે મળ્યાં ન હતાં. મારે આમ પણ એક-બે દિવસમાં કોલેજ આવવાનું હતું, એટલે વિચાર્યું હતું કે, તમારાં બેય માટે સુખડી લેતી જાઉં. રામજીને ય તે સુખડી બહુ જ ભાવે છે ને?”

“અરે, મોટી મા, સુખડી નહીં, તમારાં હાથની સુખડી.”, લીલા વળતાં બોલી.

તેણે ધરાઈને, શાંતિથી સુખડી ખાધી. પછી રસોડામાં જઈ ડીશ મુક્તિ આવી અને પાણી પીતી આવી. બહાર આવીને બોલી, “આજ તમન કંઈ ખાસ પૂસવા આવી સું. મન કાલ મોટાં બુને એમના ઘેર બોલાવી’તી. કોઈ દા’ડો ઘેર ની બોલાવે. ઓફિસમાં જ મલે. મન બી નવાઈ લાગેલી. પન વાત બી તો નવાઈની જ ઉતી.”
આટલું બોલતાં તો લીલાનાં મુખ ઉપર ખુશી, દર્દ, દ્વિધાનાં કઈ કેટલાંય ભાવ ફરી વળ્યાં.

મેઘનાબહેન તેનાં મો સામે જોતાં પૂછી રહ્યાં, “કેમ બોલાવી હતી મેડમે?”

પેલા ધોળિયા સાયેબ આઇવા ઉતા કઈ ઓર્સ્તાલીયાથી. ઈમને અમારા ચિતર બોવ જ ગયમાં. તે બેનને પૂઈસું, કે આ ચિતર દોરનારાં ઈમની કોલેજમાં જાઈન કામ કરે ક નઈ. ઉં તો કોઈ દિ’ માર ગામ ને આ શેર સિવાય કંઈએ ગઈ નથ. આ ચિતર દોરનારા માર ગામના ખરાં, પણ ઈમની હારે આટલે દૂર વિદેસ કેમ કરી જવાય? વળી, આંય જ કામ એક વરહથી ઉપ્પર ચાયલું, તો તઈ તો કેટલુંય ચાલહે, મને ખબર બી નઈ. માર નથી જવું રામજીન સોડીન આટલે દૂર.”

મેઘનાબહેન બોલ્યાં, “અરે વાહ! ખૂબ સુંદર અવસર મળ્યો છે તને. ગુમાવીશ નહીં. આ તો તારી ઓળખ બનાવશે અને તમારાં આ સુંદર આર્ટવર્કની પણ દેશ-વિદેશમાં ખ્યાતિ ફેલાશે.”

લીલાએ વળતી ચિંતા વ્યક્ત કરી, “પણ, રામજીન કૂના ભરોસે સોડી ન જઉં? પે’લાં બરાબર કે ઈ એકલા ઊતા. અવ તો ઉ ઈમને કેમ કરી મૂકી ન જઉં. ને મન તો શે’રની ભાસા બી નઈ આવડતી, તો ઈ દેસ ની ભાસા મન કેમ કરી હમજાહે?”

મેઘનાબહેન બોલ્યાં, “જો દીકરા, તને સાવ નાની ઉંમરે તારા માતા-પિતાએ પરણાવીને અહીં, આ શહેરમાં મોકલી હતી, ત્યારે તને અહીંની કોઈ પણ રીતભાત કે બોલી સમજાતી હતી?”

લીલા બોલી, “ના, મન તો થતું, કે પાસી ગામ ભાગી જઉં. પણ, લગન કરેલા, તે કેમ કરી પાસાં જવાય?”

મેઘનાબહેન તેને સમજાવતાં બોલ્યાં, “તો એટલી નાની ઉમરે સમજી ગઈ, અને હવે કેમ મૂંઝાય છે? એવું જ કરવાનું છે. પહેલાં તો મેઘજી પણ અજાણ્યો જ હતો ને? તેની જોડે કેવી ગોઠવાઈ હતી?”

લીલા બોલી, “આ, પણ એ તો...”

મેઘનાબહેન બોલ્યાં, “સમય પ્રમાણે માત્ર કારણ જ બદલાયું છે દીકરા, પરિસ્થિતિ એ જ છે. થોડું વિચાર, કામ વિના રામજી તારી પાછળ નોકરી છોડીને આવે, તો તને સારું લાગશે? એ ભલે અહીં કામ કરતો. તેને રજાઓ પડશે એટલે ત્યાં ફરવા આવશે. તું તારી ટીમ જોડે જ ઓસ્ટ્રેલિયા જા. અને, રહી વાત ભાષાની, તો આજે જ પ્રિન્સીપાલ મેડમને પૂછી લેજે, કે છે કોઈ તમારી કોલેજનું જે શહેરમાં તારે જવાનું છે?”

લીલા હજી યે અવઢવમાં લાગી. મેઘનાબહેને કોલેજમાં પ્રિન્સીપાલ મેડમને ફોન જોડ્યો.

બે રીંગ વાગ્યા પછી મેડમે ફોન ઉઠાવ્યો અને બોલ્યાં, “બોલો, બોલો, મેઘનાબહેન, શું કામ હતું?”

મેઘનાબહેને તેમને લીલા વિશે માંડીને વાત કરી. સામેથી પ્રિન્સીપાલ મેડમે ખૂબ જ રસપૂર્વક તેમની વાત સાંભળી અને જરૂરી પ્રયુત્તર આપ્યા. મેઘનાબહેને ધન્યવાદ વ્યક્ત કરો ફોન મૂક્યો.

લીલાને સંબોધી બોલ્યાં, “દીકરા, તારે કોઈ જ ચિંતા કરવાની નથી. મેડમે પણ તારાં માટે ઘણુંય વિચારી રાખ્યું છે. તમારી ટીમ સાથે કોલેજની જ બે વિદ્યાર્થીનીઓ માસ્ટર્સ કરવા તે જ યુનિવર્સીટીમાં જઈ રહી છે તેઓ જ તમારાં માટે ભાષાની અડચણ દૂર કરવા હંમેશા તૈયાર રહેશે. તેમની સાથે વાત કરીને જ કોઈ પણ ડોકયુમેન્ટ્સ તમારે સહી કરવાનાં. તે પહેલાં મેડમને પણ તેના ફોટા મોકલી દેવાનાં એટલે કોઈ ભૂલચૂક થાય જ નહીં. અને તમારે છ મહિના પછી ત્યાં જવાનું થશે ત્યાં સુધી પાસપોર્ટ બની જશે, ત્યાંથી ઓછામાં ઓછાં બે વર્ષનાં વિઝા આવી જશે અને તમારી આખી ટીમનાં અંગ્રેજી બોલવાનાં ક્લાસ કોલેજમાં જ શરુ કરાવાશે. અને, હવે નવાં ફોન આવી રહ્યાં છે, તેમાં વાત તો થશે જ પણ, એકબીજાને જોઈ પણ શકાશે – વિડીઓ કૉલ, સમજી? તું જાણે રામજી સામે ઉભો હોય તેમ તેની સાથે વાતો કરી શકીશ.”

લીલા આ બધું જાણે કોઈ અજાણ લોકમાં પ્રવેશવાની હોય તેમ સાંભળી રહી. તેને હજીયે માન્યામાં આવતું ન હતું, કે સાચે જ મેડમે આટલી બધી તૈયારી કરી દીધી છે.

મેઘનાબહેને આગળ ચલાવ્યું, “મેડમે કહ્યું છે કે ભલે તારી ટીમમાં કોઈ પણ સ્ત્રી કલાકાર હમણાં ન હોય, તારે આટલે દૂર જવાનું છે તો, તું તારી ઓળખીતી કોઈ પણ એક-બે સ્ત્રીઓને તારી સાથે લઇ જઈ શકે છે. તેઓ ભલે તમારાં કામકાજમાં પૂરક મદદ કરે. અને, રામજી અહી જ રહેશે. તેને કામ છોડવાની છૂટ નથી, દીકરા.”

લીલાને આ બાબતે લગભગ બે કલાક સુધી મેઘનાબહેને સમજાવી. જમતાં-જમતાં પણ એ જ વાતો ચાલી રહી. લીલાએ ઘણાં પ્રશ્નો પૂછ્યાં અને મેઘનાબહેન તેના સંતોષકારક ઉત્તરો આપી શક્યાં. આખરે બેયને સંતોષ થયો કે, લીલા ઓસ્ટ્રેલિયા જઈ રહી છે.

છેલ્લાં દોઢ વર્ષમાં લીલા અને રામજી લગ્નગ્રંથિથી જોડાયા પછી લીલાનાં જીવનની દિશા જ બદલાઈ ગઈ હતી તો આ તરફ નિખિલનું સ્નાતકનું છેલ્લું વર્ષ પૂર્ણ થયાં બાદ તેને બનારસ હિંદુ યુનિવર્સીટીમાં તેનાં મનપસંદ કોર્સમાં પ્રવેશ પણ મળી ગયો હતો. મેઘનાબહેને પણ કોલેજમાં રમીલાના પરિણામ સમયે પ્રિન્સીપાલ મેડમ સાથે થયેલ વાતચીતનાં આધારે, પોતાની આજુબાજુમાંથી અભ્યાસ કરવા ઈચ્છતી ઘરકામ કરતી બાળકીઓ અને યુવતીઓનાં માતા-પિતાને મળી, રમીલાનું ઉદાહરણ આપી, કોલેજે શરુ કરેલ શાળામાં વિનામૂલ્યે અભ્યાસ કરવા માટે તૈયાર કરી. આ દોઢ વર્ષમાં તે બાળકીઓ અને યુવતીઓની એડમિશન સમયે પ્રાથમિક બૌદ્ધિક કસોટી કરી ઉચિત વર્ગોમાં પ્રવેશ અપાયો. મેઘનાબહેન થકી બીજી એકસો દસ જેટલી બાળકીઓ અને યુવતીઓ હાલ કોલેજની શાળામાં ભણતર લઇ રહી હતી.

ક્રમશઃ

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED