હિંદુ ધર્મનું હાર્દ - 20 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હિંદુ ધર્મનું હાર્દ - 20

(20)

૯૩. ગીતાપીઠીઓ

ગીતાનું મારે મન કેટલું મૂલ્ય છે તે હરિજનના વાચકો જાણે છે.

ગીતા જેવા ગ્રંથોના મુખપાઠને મેં હંમેશાં અતિ આવશ્યક ગણ્યો છે પણ હું અનેક પ્રયત્નો કરવા છતાં ગીતાના બધા અધ્યાપકો કદી મોઢે કરી શક્યો નથી. ગોખી કાઢવાની બાબતમાં હું ઠોઠ છું એ હું જાણું છું. તેથી જ્યારે ગીતા જેને કંઠસ્થ હોય એવાં કોઇ ભાઇ કે બહેન મળે છે ત્યારે મને તેમના તરફ માન ઊપજે છે. તામિલનાડુના આ પ્રવાસમાં મને બે જણ એવાં મળ્યાં છે.

મદુરામાં એક ભાઇ અને દેવકોટામાં એક બહેન મળેલાં. મદુરામાં મળેલા ગૃહસ્થ વેપારી છે ને પ્રસિદ્ધિમાં આવેલા નથી. અને દેવકોટાની બહેન તે સ્વ. ન્યાયમૂર્તિ સદાશિવ આયરની દીકરી. એમના પિતાએ જીવતાં ઉત્તમ ગીતાપાઠીને આપવા માટે વાર્ષિક પારિતોષિક ઠરાવી રાખેલું. પણ ગીતાપીઠીઓ એટલું સમજે એમ હું ઇચ્છું છું, કે માત્ર ગીતાના સંદેશનું ચિંતન કરવામાં ને અને હ્યદયમાં ઉતારવામાં મદદગાર થઇ પડવો જોઇએ. ધીરજથી પોપટને પણ એ પાઠ શીખવી શકાય. પણ એ પાઠથી પોપટને કંઇ જ્ઞાન ન આવે. ગીતાપાઠીએ ગીતાકાર અને જેવો ઇચ્છે છે એવો - એટલે કે વિશાળ અર્થમાં યોગી થવું જોઇએ. ગીતાના અનુરાગી પાસેથી ગીતા એવી અપેક્ષા રાખે છે કે તેના

પ્રત્યેક વિચાર, વચન અને વર્તનમાં સમત્વ હોય અને ત્રણેની વચ્ચે સંપૂર્ણ મેળ

હોય. જેનાં વાણી અને વર્તનનો તેના વિચારોની જોડે મેળ નથી તે મિથ્યાચારી છે, દંભી છે.

હરિજનબંધુ, ૧૧-૨-૧૯૩૪, પા. ૩૮૯

૯૪. ગીતાદર્શન

(સાબરમતી આશ્રમમાં રહેનારાઓને સંબોધતા ગાંધીજીએ કહ્યું :) હું તો ગીતાજીનો ભક્ત રહ્યો. ઠેસ વાગે એ પણ કોઇ એક કર્મનું ફળ છે, એવું માનનારો છું. એટલે હું સહેજે મારા મનને પૂછું કે ગીતાભક્તને આવા રોગો કેમ થાય ? આ રોગનું કાંઇ શારીરિક કારણ નથી એમ મને દાકતરો કહે છે, અને એ ખરું હોય તો એનું કારણ મારા મનમાં હોય. હું વધારે પડતી ચિંતાઓ કરતો હોઉં, અનેક ઘોડાઓ ઘડતો હોઉં, ક્રોધ કરતો હોઉં, કોઇ ને કોઇ વિકારને વશ હોઉં તો જ મને આવો રોગ થાય. શાંતિ અને સમતા જાળવવાના મારા આટલા પ્રયત્ન છતાં મને રોગ થાય એટલો હું ગીતાભકત ઓછો, ગીતાના ઉપદેશમાં ખામી એમ નહીં. ગીતામાં તો સનાતન સત્ય ભરેલું છે. તેનાં દર્શનમાં અને તે અનુસાર આચરણમાં હું અધૂરો.

હરિજનબંધુ, ૧-૩-૧૯૩૬, પા. ૪૦૫

વિભાગ - ૫ : પ્રાર્થના અને નામજપ

૯૫. સનાતન દ્વંદ્વયુદ્ધ

એક મિત્ર લખે છે :

“અહિંસાની ગૂંચ વિશેના ૧૧મી ઓક્ટોબરના

ના તમારા લેખમાં તમે અતિશય સ્પષ્ટ રીતે બતાવી શક્યા છો કે નામર્દી અને અહિંસા બે વુરોધી વસ્તુઓ છે. તમારી દલીલમાં ક્યાંયે શંકાને સ્થાન નથી. પણ સવાલ એ ઊઠે છે કે : માણસ નામર્દી કેમ કાઢી શકે ? માણસની ટેવમાંથી તેનું ચારિત્ર બંધાય છે, ત્યારે આપણે આપણી જૂની ટેવો કઈ રીતે કાઢી શકીએ, અને હિંમતની, સમજણની ને સાહસની નવી ટેવો કઈ રીતે બાંધી શકીએ ?

મને આચલો તો વિશ્વાસ છે કે જૂની ટેવો રદ કરી શકાય છે, અને વધારે સારી ઉમદા ટેવો પાડી શકાય છે, અને તેમ કરીને માણસ પોતાનું ચારિત્ર ઘડી શકે છે. મને લાગે છે કે તમે પ્રાર્થના, વ્રતો, અભ્યાસ, વગેરેની ટેવ પાડેલી છે. અને માણસ કેમ એ વડે નવું જીવન ઘડી શકે એ તમે જાણો છો. ત્યારે એ વિશે કંઈક નહીં લખો ? તમારા અનુભવનો લાભ ના વાંચનારને નહીં આપો ?”

આ પ્રશ્નના ગર્ભમાં જગતમાં ચાલી રહેલા સનાતન દ્વંદ્વયુદ્ધનો સમાસ થઈ જાય છે. એનું આબેહૂબ ચિત્ર મહાભારતકારે ઈતિહાસને બહાને આપી દીધું છે. આ યુદ્ધ અબજોના હૃદયમાં નિત્ય ચાલી રહ્યું છે. પોતાની જૂની કુટેવોને બદલવાને, તેનામાં રહેલી ખરાબ વાસનાઓને જીતવાને, અને જે સત છે તેને તેનું યોગ્ય સ્થાન આપવાને મનુષ્ય સરજાયેલો છે. ધર્મ એ આપણને આટલું ન શીખવતો હોય તો તે કંઈ કામનો નથી. પણ આ પુરુષાર્થ સાધવાને સારુ કોઈ સીધો અને સટ માર્ગ આજ લગી જડ્યો નથી. આપણામાં નામર્દી એ કદાચ મોટામાં મોટો દોષ છે અને તેવડી જ મોટી તે હિંસા છે.

ખૂનામરકી ઈત્યાદિ જેને આપણે હિંસાને નામે ઓળખીએ છીએ તેના કરતાં નામર્દી એ મોટો દોષ છે એ વિશે તો કાંઈ શંકા જ નથી. કેમ કે તેનું મૂળ આપણી ઈશ્વરને વિશે રહેલી અશ્રદ્ધામાં અને તેના ગુણોના અજ્ઞાનમાં છે. પણ મારે દિલગીરીની સાથે કબૂલ કરવું જોઈએ કે નામર્દી ઈત્યાદિ દોષો કેમ કાઢી શકાય એનું જ્ઞાન અથવા એ વિશેની ચોક્કસ સલાહ આપવાની મારામાં શક્તિ નથી. હા, હું એક કામ કરી શકું છું ખરો. હું મારો પુરાવો આપી શકું છું. અને કહી શકું છું કે પોતાના દોષનું નિવારણ કરવાને સારુ મનુષ્યની પાસે મોટામાં મોટું શસ્ત્ર એ અંતરમાં ઊઠેલો આર્તનાદ અથવા તો પ્રાર્થના છે.

જ્યાં સુધી આપણામાં ઈશ્વરને વિશે જીવતી ઉજ્જવળ શ્રદ્ધા ન હોય ત્યાં સુધી પ્રાર્થના એ કેવળ પ્રલાપ છે.

જેને આપણે આસુરી અને દૈવી વૃત્તિઓનું દ્વંદ્વયુદ્ધ કહીએ છીએ તેને ખ્રિસ્તી ધર્મ અને ઈસ્લામ ખુદા અને શેતાનને નામે વર્ણવે છે. જરથોસ્તી દાદા અહુર્મજ્‌દ અને અહરિમાનની વચ્ચે ચાલતું યુદ્ધ ગણાવે છે. આવા પ્રખ્યાત યુદ્ધને વિશે આપણે પસંદગી કરવાની રહેલી છે કે આપણે કાય પક્ષનો આશ્રય લઈશું. એટલે પ્રાર્થનાનો અર્થ એ થયો કે આપણે રાવણના પંજામાંથી નીકળવાને સારુ રામની સાથે અતીટ સંબંધ બાંધ્યો, તેને આપણે સર્વાર્પણ કર્યું. આવી પ્રાર્થના એ કાંઈ મોઢાનો બકવાસ નથી. એ તો આપણા હૃદયના ઊંડામાં ઊંડા ઉદ્‌ગાર છે, જે આપણા દરેક વચનમાં, દરેક વર્તનમાં અને દરેક વિચારમાં જોઈ શકાય. જ્યારે આપણી ઉપર એક પણ મલિન વિચાર સવાર થઈ બેસે ત્યારે આપણે અચૂક સમજવું કે આપણે કરેલી પ્રાર્થના કેવળ જીભેથી કરેલું ઉચ્ચારણ જ હતું. અને જો પ્રત્યેક મલિન વિચારના વિજયને વિશે આપણે એમ કહી શકીએ તો વાચા અને વર્તનના વિશે તો કહીએ જ શું ?

અંતરની પ્રાર્થના એ આ વિવિધ તાપના નિવારણનું રામબાણ ઔષધ છે.

આવી પ્રાર્થનાના આરંભમાં જ આપણે સફળતાને જોઈ નથી શકતા, એમ

છતાં શ્રદ્ધાપૂર્વક આપણે પ્રાર્થનારૂપી હોડીને વળગી રહેવાનું છે, પછી ભલે સફળતાના દર્શન કરતાં આપણને મહિનાઓ જાય કે વર્ષો જાય. એનું નામ જ શ્રદ્ધા છે. અને આપણાં વર્ષો તે ઈશ્વરની એક પળ બરાબર છે. તેથી જો આપણે પ્રાર્થનાની સફળતાનો સાક્ષાત્કાર કરવા ઈચ્છતા હોઈએ તો આપણામાં અખૂટ ધીરજ હોવી જોઈએ. અસંખ્ય મુનિઓ, ઋષિઓ, ઓલિયાઓએ પોતાની શ્રદ્ધાના બળ વડે પ્રાર્થનામાં લોહીનાં આંસુ ઢાળ્યાં છે. હાડકાંની અને માંસની સુકવણી કરી છે. આપણા રસ્તામાં કાદવ, કીચડ, જંગલ, ઘોર અંધારું, ઝાખરાં, પહાડો, ખાઈઓ, વાઘ, વરુ, અનેક જાતના ભયો અને ત્રાસો આવવાનાં જ છે. તેમ છતાં નામર્દ ન થઈને એ બધી મુસીબતોની સામે થવાની હિંમત આપણે કેળવવી રહેલી છે. પ્રાર્થનામય પુરુષના શબ્દકોશમાં પાછા હઠવું, હાર ખાવી, પલાયન કરવું, એવી વસ્તુ જ નથી.

મેં આ લખ્યું છે એ કાંઈ કાલ્પનિક ચિત્ર નથી. મેં તો આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવીણ થયેલા ઋષિઓ, મુનિઓ, અવતારો અને પેગંબરોના અનુભવોનો શુદ્ધ સાર આપ્યો છે. પોતાના દોષની સામે તેમણે કેમ વિજય મેળવ્યો તેનો ઈતિહાસ આપણી સામે મોજૂદ છે. એ ઈતિહાસ એટલે ભૂતકાળમાં થઈ ગયેલી હોય એવી બીનાઓ વિશે કેવળ અનુમાન નહીં પણ આજે પણ અનુભવગમ્ય એવી એ ચમત્કારી વાતો છે. તેમાં મેં મારો પોતાનો અલ્પ અનુભવ પણ મેળવ્યો છે. જેમ જેમ વર્ષો વીતતાં જાય છે, તેમ તેમ હું દીવા જેવું સ્પષ્ટ જોઈ શકું છું કે આ જગતમાં મેલવવા જેવું જે કાંઈ મેળવ્યું છે તે શ્રદ્ધા અને પ્રાર્થનાને આધારે મળેલું છે. આ અનુભવ એક ક્ષણની વસ્તુ નથી, થોડા દહાડા કે એક હપતાની વાત નથી, પણ લગભગ ચાળીસ વર્ષનો એક ધારાએ ચાલતો આવેલો અનુભવ છે. મારે ભાગે નિરાશાઓ આવેલી છે, ઘોર અંધકાર અનુભવ્યો છે. ચોમેરથી ‘પાછા હઠો’ એવા ભણકારા કાને સાંભળાલા છે. ‘જોજો પસ્તાશો’ એવી સાવચેતીના અવાજો આજે પણ સાંભળી રહ્યો છું. બધાથી પણ ચડી જાય એવા સૂક્ષ્મ અને લલચાવે એવા અભિમાનના હુમલાઓના પણ મને તાજાં સ્મરણ છે. એમ છતાં હું કહી શકું છું કે મારી શ્રદ્ધા એ બધા શત્રુઓને રામની મદદથી હાંકી શકી છે. અને મારે કબૂલ કરવું જોઈએ કે મારી શ્રદ્ધા હું જે પ્રમાણમાં તે માગું છું તે પ્રમાણમાં હજુ તો નહીં જેવી છે. પણ આટલું કહી દઉં કે જો આપણામાં એવી ખરી શ્રદ્ધા હોય, પછી ભલે તે અંશમાત્ર હોય, આપણી પ્રાર્થના એ અંતરના જ ઉદ્‌ગાર હોય, પછી ભલે તે અંશમાત્ર હોય, આપણી પ્રાર્થના એ અંતરના જ ઉદ્‌ગાર હોય, પછી ભલે તે ગમે તેવી મંદ હોય, તો આપણે ઈશ્વરની પરીક્ષા કોઈ દિવસ નહીં કરીએ. તેના સાથે સાટું કરે છે, તે દીકરો નથી. જે મિત્ર મિત્રની પાસેથી ખોળાધરી માંગે છે, તે મિત્ર નથી. જે પત્ની પતિની પાસેથી શરતનામું માગે છે, તે પત્ની નથી. અને ઈશ્વર એ તો મહાન પિતા છે, સાચો મિત્ર છે, એક જ પતિ છે, એ સર્વસ્વ છે. બડાદાદાએ (કવિ રવીન્દ્રનાથ ટાગોરના ભાઈ) એક વખત મને નાનકડો સરખો મીઠો કાગળ લખ્યો હતો, તેના લખાણનો ભાવાર્થ એ હતો કે જે શૂન્યતાને નથી પામ્યો તે ભક્ત કહેવાવાને લાયક નથી. આપણે તેની પાસે જ્યાં લગી ખાલી હાથે ન જઈએ, આપણી અશક્તિનો નમ્રતાપૂર્વક તેની પાસે સ્વીકાર ન કરીએ, ત્યાં સુધી આપણને મલિન વૃત્તિઓરૂપી અસંખ્ય રાક્ષસોની સામે વિજય મેળવવાને શક્તિ મળતી નથી.

, ૨૩-૧૧-૧૯૨૮, પા. ૧૩૨

૯૬. ભૂલના એકરારનું મહત્ત્વ

(દિલ્હીની જાહેર જનતાને સંબેધન,‘સાપ્તાહિક પત્ર’ માંથી) કોઈએ પોતાને હાથે દિવસ દરમિયાન થયેલી ભૂલનો એકરાર સાંજ પડ્યા પહેલાં કરી લીધા વિના રહેવું નહીં, એ સિદ્ધાંતનું હું હંમેશ પાલન કરતો આવ્યો છું. ભૂલ કરવામાંથી કોઈ માણસ બચતો નથી. એટલે જોખમ ભૂલ કરવામાં નથી, તેને છૂપાવવામાં છે, અને તેને છાવરી વાળવાને અથવા તેના પર ઢોળ ચઢાવવાને ખાતર તેમાં જૂઠાણાનો ઉમેરો કરવામાં આવે છે.

શરીર પર થયેલા ગૂમડામાં પરુ ભરાય, ત્યારે તેને દબાવી તેમાંથી પરુનું ઝેર કાઢી નાખવું જોઈએ. આમ કરવાથી ગૂમડું બેસી જાય છે. પણ જેર અંદર ફેલાયું, તો ચોક્કસ મોત આવ્યું સમજવું. ઘણાં વરસ પર અમારે ત્યાં સાબરમતી આશ્રમમાં સૈયડનો ચેપ ફેલાયો હતો, ને બળિયા નીકળવાથી ઘણા દર્દી ખાટલે પડ્યા હતા. પણ જેમને ફોલ્લા ઊઠ્યા, તેના બળિયાનું ઝેર બહાર નીકળી ગયું. તે બધા બચી ગયા પણ એક દર્દીને ફોલ્લા ન ઊઠ્યા, તેનું આખું શરીર સૂજીને લાલ થઈ ગયું, અને તે બિચારો ન બચ્યો. ભૂલનું ને પાપનું આવું જ સમજવું. આપણે હાથે ભૂલ કે પાપ થયું છે, એમ માલૂમ પડે તેની સાથે તેનો સાફ દિલથી એકરાર કરવાથી તેનું ઝેર બહાર નીકળી જાય છે.

અંગ્રેજીમાં એક વચન છે કે, પોતાના ઉદ્ધારનો દૃઢ સંકલ્પ હોય, તો

ચાહે તેટલી અધોગતિએ પહોંચેલો માણસ પોતાનો ઉદ્ધાર કરી શકે છે.

આપણને એવો કોલ આપવામાં આવેલો છે કે, પાપીએ ગમે તેટલાં પાપ કાં ન કર્યાં હોય, અંતની ઘડીએ પણ પોતાના પાપનો એકરાર કરી તે જો પશ્ચાતાપ કરે, તો ઈશ્વર તેને જરૂર માફ કરે. હું મરણ પછીના જીવનને અને અનેક જન્મોના ફેરામાં અખંડ ચાલુ રહેતા કર્મને માનનારો છું. આપણે અહીં

જે વાવીએ, તે બીજે લણવાનું રહે છે; આ નિયમમાંથી કોઈનો ઉગારો નથી.

પરંતુ, પોતાની અંતઘડીઓએ માણસ પશ્ચાતાપ કરે, તો તે પસ્તાવાના તાપમાં તેનાં પાપ બળીને ખાખ થઈ જાય છે.

, ૨૦-૧૦-૧૯૪૬, પા. ૩૬૭-૮

૯૭. પ્રાર્થનાનો અર્થ

એક વૈદક વિદ્યાલયનો સ્નાતક પૂછે છે :

“પ્રાર્થના સરસમાં સરસ કઈ ? એમાં કેટલો સમય લેવો જોઈએ ?

મારા ધારવા પ્રમાણે તો ન્યાય કરવો જ એ જ ઉત્તમાત્તમ સેવા છે, અને સૌને ન્યાય આપવાનું જેના દિલમાં હશે તેણે પ્રાર્થના કરવાની જરૂર નથી. ઘણા લોકો સંધ્યામાં પુષ્કળ સમય ગુમાવે છે. તેમાંના ૯૫ ટકા કેવળ નાકની દાંડી જ ઝાલી જાણે છે. મારા ઘારવા પ્રમાણે પ્રાર્થના તો પોતાની ભાષામાં કરવી જોઈએ, તો જ તેની આત્મા ઉપર અસર થાય. મારે જણાવવું જોઈએ કે પ્રાર્થના ખરા દિલથી એક મિનિટ માટે પણ કરીએ તો તે પૂરતી છે. ઈશ્વરને આપણે વચન આપીએ કે પાપ કરશું નહીં એટલું બસ છે.”

પ્રાર્થના એટલે ઈશ્વર પાસેથી ભક્તિભાવે કાંઈક માગવું. પણ પ્રાર્થનામાં બધીજ પૂજા આવી જાય છે. પત્રલેખક જે વસ્તુ ધ્યાનમાં રાખીને લખે છે તે પ્રાર્થના નથી પણ પૂજા છે. પણ વ્યાખ્યાનું તો જાણે ઠીક. કરોડો હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, યહૂદી અને બીજા પોતપોતાને પ્રાર્થનાને સમયે કરે છે તે શું કરે છે ? મને લાગે છે કે તે જગતકર્તાની સાથે એક થવાની હૃદયની યાચના છે, ઈશ્વરના આશીર્વાદ માટે વિનંતી છે. અને આ યાચના તે કેવે ભાવે થાય છે તેની ઉપર આધાર છે, કયા શબ્દમાં થાય છે તેના ઉપર આધાર નથી. હા, ઘણી વાર પ્રાચીન કાળથી ચાલ્યા આવેલા શબ્દની આસપાસ એવું વાતાવરણ રચાઈ ગયેલું હોય છે કે તેમાંથી જે ધ્વનિ નીકળે તે પ્રાકૃત ભાષાના પ્રયાય શબ્દોમાંથી ન નીકળશે.દાખલા તરીકે ભાષાંતર કરીને ગાયત્રી બોલીએ તો મૂળમાં તેનું ઉચ્ચારણ કરીએ ને જે અસર થાય તે નહીં થાય. ‘રામ’

નામના ઉચ્ચારથી કરોડો હિંદુઓનાં હૃદય હાલી ઊઠશે, જ્યારે ‘ગૉડ’ શબ્દનો અર્થ તેઓ સમજતા હશે તો પણ તે તેમના એક કાનમાં થઈને બીજામાંથી નીકળી જશે. લાંબા કાળના વપરાશને લીધે અને તેની સાથે જોડાયેલા ત્યાગને લીધે શબ્દોમાં કંઈક અજબ શક્તિ આવે છે. એટલે જે ખાસ પ્રચલિત મંત્રો છે તે તો મૂળ સંસ્કૃતમાં જ બોલવા જોઈએ એમ માનવાને માટે ઘણું કારણ છે. તેનો અર્થ બરોબર સમજવો જોઈએ એ વાત સાચી.

પ્રાર્થના અથવા પૂજામાં કેટલો સમય આપવો એની કંઈ મર્યાદા બંધાય ? એ તો જેવી જેની પ્રકૃતિ. પૂજાનો સમય એ જીવનનો અમૂલ્ય સમય

છે. પૂજા એટલા માટે આપણે કરીએ છીએ કે તેથી આપણે વિવેકથી વિનમ્ર થઈ ઈશ્વરની સત્તા વિના એક તરણું સરખું પણ હાલતું નથી એ વસ્તુનું જ્ઞાન

મેળવીએ. આપણે તો માત્ર એ મહા પ્રજાપતિના હાથમાં માટી રૂપ છીએ એવું ભાન મેળવીએ. એ સમય એવો છે કે જ્યારે માણસ ગઈ કાલે શું કર્યું તેનો વિચાર કરી લે છે, પોતાની ભૂલોની કબૂલાત કરે છે, તેને માટે ક્ષમા માગે છે, અને સુધરવાનું બળ માગે છે. આને માટે કોકને એક પળ પણ બસ થાય, અને કેટલાકને આખો દિવસ પણ પૂરો ન થાય. જેમનામાં રગે રગે ઈશ્વર વ્યાપેલો છે તેનું તો પ્રત્યેક હલનચલન, પ્રત્યેક પ્રવૃત્તિ પૂજારૂપ છે. તેઓનું

ચાલવું-હાલવું ‘પરિકમ્મા’ છે, અને તેઓનું કર્મ માત્ર સેવા છે. પણ જેઓનો જન્મારો પાપ વિના જતો નથી, જેઓ ભોગ અને સ્વાર્થનું જીવન ગાળે છે તેઓ તો જેટલી પ્રાર્થના કરે તેટલી ઓછી. જો તેમનામાં ધૈર્ય અને શ્રદ્ધા હોય, અને પવિત્ર થવા સંકલ્પ હોય, તો જ્યાં સુધી પોતાના હૃદયમાં ઈશ્વરનો વાસ તેઓ ન અનુભવે ત્યાં સુધી પ્રાર્થના કરવી ચાલુ રાખશે. આપણા જેવા સામાન્ય માણસો માટે આ બે છેડા વચ્ચેનો માર્ગ બરોબર છે. આપણે એટલા

ચડેલા નથી કે આપણું કાર્ય માત્ર સહજ સમાધિરૂપ છે એમ આપણે કહી શકીએ, અથવા તો આપણે છેક પેટભરા છીએ એમ પણ ન કહેવાય. એટલે દરેક ધર્મમાં સામુદાયિક પ્રાર્થનાને માટે સમય અલગ નિયત કરેલો છે. દુર્ભાગ્યે આજકાલ આ પ્રાર્થના કેવળ યાંઘિક થઈ ગઈ છે, અને પાખંડ નહીં તો કેવળ

બાહ્ય આચાર જ તેમાં ભરેલો છે. એટલે આજે તે પ્રાર્થના ખરા ભાવથી થવાની જરૂર છે.

ઈશ્વરની પાસે કોઈ યાચનારૂપ પ્રાર્થના તો પાતપોતાની ભાષામાં જ થાય. અને પ્રાણીમાત્રની પ્રત્યે આપણે ન્યાયથી, પ્રેમભાવથી વર્તતાં શીખીએ એ યાચના કરતાં વધારે ભવ્ય યાચના ઈશ્વર પાસે કઈ કરી શકાય ?

૯૮. પ્રાર્થના કેવી રીતે અને કોને કરવી ?

“ઈશ્વરભજન - પ્રાર્થના કેવી રીતે કરવી અને કોને કરવી એ સમજાતું નથી. અને તમે તો વારંવાર પ્રાર્થના કરવાનું લખો છો; એ કેમ થાય

એ સમજાવશો ?” આમ નો એક વાચક પૂછે છે.

ઈશ્વરભજન એટલે તેના ગુણનું ગાન; પ્રાર્થના એટલે આપણી અયોગ્યતાનો, આપણી અશક્તિનો સ્વીકાર. ઈશ્વરનાં સહસ્ત્ર એટલે અનેક નામ છે અથવા કહો કે તે નામો છે. જે નામ આપણને ગમી જાય તે નામથી આપણે ઈશ્વરને ભજીએ, પ્રાર્થીએ. કોઈ તેને રામ તરીકે ઓળખે છે, કોઈ કૃષ્ણ નામે; કોઈ તેને રહીમ કહે છે, તો કેઈ ગૉડ કહે છે. એ બધા એક જ ચૈતન્યને ભજે છે. પણ જેમ બધો ખોરાક બધાને રુચતાં નથી. જેને જેનો સહવાસ હોય છે તે જ નામે તે ઈશ્વરને ઓળખે છે. અને તે અંતર્યામી, સ્રવશક્તિમાન હોવાથી આપણા હૃદયના ભાવ ઓળખી, આપણી યોગ્યતા પ્રમાણે આપણને જવાબ આપે છે.

એટલે કે પ્રાર્થના કે ભજન જીભેથી ન થાય પણ હૃદયથી થાય તેથી જ મૂંગાં, તોતડાં, મૂઢ પણ પ્રાર્થના કરી શકે છે. જીભે અમૃત હો. ને હૃદયે હલાહલ હોય તો જીભનું અમૃત શા કામનું ? કાગળના ગુલાબમાંથી સુગંધ કેમ નીકળે ? તેથી જેને સીધી રીતે ઈશ્વરને ભજવો છે તે પોતાના હૃદયને ઠેકાણે બેસાડે. હનુમાનની જીભે જે રામ હતો તે જ તેના હૃદયનો સ્વામી હતો, અને તેથી જ તેનામાં અપરિમિત બળ હતું. વિશ્વાસે વહાણ ચાલે છે, વિશ્વાસે પર્વત ઉપાડાય છે, વિશ્વાસે સમુદ્ર ઉપરથી કૂદકો મરાય છે; તેનો અર્થ એ છે કે જેના હૃદયમાં સર્વશક્તિમાન ઈશ્વર વસે છે તે શું ન કરી શકે ? તે ભલે કોઢિયો હોય કે ક્ષયનો રોગી હોય. જેના હૃદયમાં રામ વસે છે તેના બધા રોગનો સર્વથા નાશ થઈ જાય છે.

“આવું હૃદય કેમ થાય ?” એ સવાલ પ્રશ્નકારે નથી પૂછ્યો પણ

મારા જવાબમાંથી ઉદ્‌ભવે છે.. મોઢેથી બોલતાં તો આપણને હરકોઈ માણસ શીખવી શકે, પણ હૃદયની વાણી કોણ શીખવે ? એ તો ભક્તજન શીખવે.

ભક્ત કોને કહેવો એ ગીતાજીમાં ત્રણ જગ્યાએ ખાસ અને બધી જગ્યાએ સામાન્ય રીતે શીખવ્યું છે. પણ તેની સંજ્ઞા કે વ્યાખ્યા જાણવાથી કંઈ ભક્તજન

મળી રહેતા નથી. આ જમાનામાં એ દુર્લભ છે. તેથી મેં તો સેવાધર્મ સૂચવ્યો છે. જે પારકની સેવા કરે છે તેના હૃદયમાં ઈશ્વર પોતાની મેળે, પોતાની ગરજે આવીને વાસ કરે છે. તેથી જ અનુભવજ્ઞાન મેળવેલા નરસિંહ મહેતાએ ગાયું કે, ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે’ અને પીડિત કોણ છે ? અંત્યજ અને કંગાળ. એ બેની સેવા તનથી, મનથી અને ધનથી કરવાની રહી. અંત્યજને અસ્પૃશ્ય ગણે તે તેની તનથી સેવા શું કરવાના હતા ?

જેઓ કંગાળને અર્થે રેંટિયો ચલાવવા જેટલું શરીર ચલાવતાં આળસ કરે, અનેક બહાનાં કાઢે, તે સેવાનો મર્મ જાણતા જ નથી. કંગાશ જે અપંગ હોય

તેને સદવ્રત અપાય પણ જેને હાથપગ છે તેને વગર મહેનતે ભોજન આપવું તે તો તેનું પતન કર્યા બરાબર છે. જે માણસ કંગાળની સામે બેઠો રેંટિયો

ચલાવે છે ને તેને રેંટિયો ચલાવવાને સારુ નોતરે છે, તે ઈશ્વરની અનન્ય સેવા કરે છે. “જે મને પત્ર, પુષ્પ, પાણી ઈત્યાદિ ભક્તિપૂર્વક આપે છે તે મારો સેવક છે” એમ ભગવાને કહ્યું છે. ભગવાન કંગાળને ઘેર વધારે વસે છે, એ તો આપણે નિરંતર સિધ્ધ થતું જોઈએ છીએ. તેથી કંગાળને અર્થે કાંતવું એ

મહાપ્રાર્થના છે, એ મહાયજ્ઞ છે, એ મહાસેવા છે.

હવે પ્રશ્નકારનો જવાબ આપી શકાય. ઈશ્વરની પ્રાર્થના ગમે તે નામે કરાય. કરવાની રીત હૃદયથી પ્રાર્થના કરવામાં છે, હૃદયની પ્રાર્થના શીખવાનો

માર્ગ સેવાધર્મ છે. આ યુગમાં જે હિંદુ અંત્યજની સેવા હૃદયથી કરે છે તે શુદ્ધ

પ્રાર્થના કરે છે. હિંદુ તેમ જ હિંદુસ્તાનના બીજા વિધર્મી કંગાળોને અર્થે જે હૃદયપૂર્વક રેંટિયો ચલાવે છે તે પણ સેવાધર્મ આચરે છે અને હૃદયની પ્રાર્થના કરે છે.