હિંદુ ધર્મનું હાર્દ - 5 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હિંદુ ધર્મનું હાર્દ - 5

(5)

દુર્ભાગ્યે આજકાલ હિંદુ ધર્મ માત્ર ખાવા અને અભડાવાની ચર્ચામાં જ આવી રહેલો જોવામાં આવે છે. એક વાર એક ધર્મશીલ હિંદુ ભાઈ સમક્ષ મેં મુસલમાનના ઘરમાં બેઠા ડબલ રોટી ખાવાનું સાહસ કરી તેમને થથરાવી મૂક્યા હતા. મેં જોયું કે એક મુસલમાન મિત્રે આણી આપેલા પ્યાલામાં મને દૂધ રેડી લેતો જોઈને તેમને ભારે દુઃખ થયું. પણ જ્યારે તેમણે મને એ મુસલમાન મિત્રના હાથની ડબલ રોટી લેતો જોયો ત્યારે તો તેમની વ્યથાનો પાર જ રહ્યો નહીં ! મને ભય છે કે શું કાવું અને કોની જોડે ખાવું એની ઝીણામાં ઝીણા વિધિનિષેધ નક્કી કરવા પાછળ જ જો હિંદુ ધર્મ પોતાનું બધું બળ રોકશે તો તે થોડા જ વખતમાં ખરી વસ્તુને ખોઈ બેસશે. માદક પદાર્થો અથવા ખોરાકોના સેવનથી દૂર રહેવું અગર તો માંસાહાર ન કરવો એ આત્માના વિકાસની દિશાએ ભારે મદદકર્તા છે એ સાવ સાચું, પણ તેથી તો એક જ વસ્તુ કંઈ ધર્મનું સારસર્વસ્વ નથી. હરકોઈની જોડે બેસીને ખાનારા ને માંસાહાર કરનારા અને છતાં ઈશ્વરથી ડરનારા અનેક માણસો માંસાહારથી અને બીજી વસ્તુઓથી ભારે ચુસ્તતાપૂર્વક દૂર રહેનાર અને છતાંયે પોતાના પ્રત્યેક કાર્યથી ઈશ્વરને અપમાન પહોંચાડનારા માણસના કરતાં મોક્ષદશાની વધુ જ નજીક છે.

આ બધુ છતાં હિંદુ ધર્મની પ્રધાન વસ્તુ જ નિરાળી છે. તે ગૌરક્ષા.

ગોરક્ષા એ મનુષ્યના આખા વિકાસક્રમમાં ભાસી છે. ગાનો અર્થહું માણસની નીચેની આખી મૂંગી દુનિયા આવો કરું છું.

ગાયને બહાને એ તત્ત્વ દ્વારા માણસને આત્મીયતાનો અનુભવ કરાવવાનો એમાં પ્રયત્ન છે. આવો દેવભાવ ગાયને જ કેમ આપવામાં આવ્યો હશે એ પણ જ હિંદુસ્તાનમાં માણસનો સૌથી સાચટો સાથી - સૌથી મોટો આધાર હતી.

એ જ એક હિંદુસ્તાનમાં કામધેનુ હતી. તે માત્ર દૂધ જ આપનારી નહોતી.

આખી ખેતીનો આધારસ્તંભ હતી.

ગાય એ દયાધર્મની મૂર્તિમંત કવિતા છે. આ ગરીબ અશરાફ

પ્રાણીમાં આપણે કેવળ દયા જ ઊભરાતી જોઈએ

શરૂઆત કરેલી. એથી નિરાળું બીજું કશું એનું ધ્યેય હોઈ જ ન શકે. આ પશુસૃષ્ટિની અરજ મૂંગી છે તેથી વળી વધારે અસરકારક છે. ગોરક્ષા એ હિંદુ ધર્મે દુનિયાને આપેલી બક્ષિસ છે. હિંદુ ધર્મ પણ જ્યાં સુધી ગાયની રક્ષા કરનારા હિંદુઓ છે ત્યાં સુધી જ રહેશે.

એ ગાયની રક્ષા કઈ રીતે થાય ? રસ્તો એ જ છે કે ગાયને બચાવવા જાતે મરવું. ગાયને બચાવવા ખાતર માણસને મારવા તૈયાર થવું એ તો હિંદુ ધર્મ તેમ જ અહિંસા ધર્મ બંનેનો ઈન્કાર કર્યા સમાન છે.

હિંદુઓને તો પોતાની તપસ્યાના, પોતાની આત્મશુદ્ધિના અને આપભોગના બળથી ગાયની રક્ષા કરવાનું કહેલ છે. આજકાલની ગોરક્ષા તો મુસલમાનો જોડે કાયમના કંકાસ અને ઝેર કરવામાં આવી રહી છે; જ્યારે ખરું જોતાં ગોરક્ષાનો અર્થ એ થાય છે કે આપણે આપણી પ્રેમસેવાથી મુસલમાનોનાં મન જીતી લેવાં.

પણ ખુદ હિંદુઓ પોતે અત્યારે ગોરક્ષા કેટલી સમજે છે ? થોડા અરસા ઉપર એક મુસલમાન મિત્રે મને એક પુસ્તક મોકલેલું, તેમાં ગાય અને તેની ઓલાદ ઉપર આપણે જે ઘાતકીપણું ગુજારીએ છીએ તેનાં વિગતવાર વર્ણન કરેલાં હતાં. તેનું ટીપેટીપું દૂધ ખેંચી લેવાને ખાતર આપણે તેનું કેવું લોહી લઈએ છીએ, આપણે તેને ભૂખે મારી કેવી હાડપિંજર કરી મૂકીએ છીએ, તેનાં વાછરડાંઓની આપણે કેવી દુર્દશા કરીએ છીએ, તેમને આપણે કેવા પૂરું ધાવવા પણ દેતા નથી, બળદો ઉપર આપણે કેવા જુલમ ગુજારીએ છીએ, આપણે તેમને કેવા ખસ્સી કરીએ છીએ, તેમને આપણે કેવા ચાબખા, પરોણી અને આરોના માર મારીએ છીએ, આપણે તેમના પર કેવા અનહદ બોજા લાદીએ છીએ. -આ બધાનું એમાં વર્ણન હતું. જો તેમને વાચા હોત તો કદાચ તેઓ આપણી સામે એવા તો અમાનુષી અપરાધોની સાક્ષી પૂરત કે દુનિયા બધી કમકમી ઊઠત !

આ મૂંગાં પશુઓ પર ઘાતકીપણાના પ્રત્યેક કર્મથી આપણે હિંદુ ધર્મનો અને ઈશ્વરનો ઈન્કાર કરીએ છીએ. હું નથી માનતો કે દુનિયાના બીજા કોઈ પણ દેશમાં તેનાં ઢોરોની હાલત હિંદુસ્તાનનાં કરતાં ભૂંડી હોય.

આમાં અંગ્રેજનો દોષ આપણે નહીં કાઢી શકીએ. આમાં આપણી ગરીબી પણ આપણે નહીં ગાઈ શકીએ. આપણાં ઢોરોની આ દુર્દશા આપણી ઘાતકી બેદરકારી સિવાય બીજા કશાની જ સૂચક નથી. આપણી પાંજરાપાળો આપણી દયાુૃત્તિ ઉપર ખડી થયેલી સંસ્થાઓ છતાં તે વૃત્તિનો અતિ બેહૂદો અમલ કરનારી સંસ્થાઓ માત્ર છે. તેઓ નમૂનેદાર ગોશાળાઓ કે ડેરીઓ અને ધીકતી રાષ્ટ્રીય સંસ્થાઓ તરીકે ચાલવાને બદલે માત્ર ખોડાં ઢોરો રાખવાનાં ધર્માદા ખાતાંઓ જ થઈ પડા છે !

હિંદુઓની પરીક્ષા ટીલાં કર્યાથી, સ્વરશુદ્ધ મંત્રો ભણ્યાથી, તીરથજાત્રાઓ કર્યાથી કે ન્યાતફિરકાઓના ઝીણામાં ઝીણા નિયમો ચીવટથી પાળ્યાથીયે નહીં, પણ ગાયને બચાવવાની તેમની શક્તિથી જ થવાની છે.

અત્યારે તો ગોરક્ષાધર્મનો દાવો કરનારા આપણે ગાયને અને તેના વંશને ગુલામ બનાવી જાતે ગુલામ બન્યા છીએ.

હું શા સારું મને પોતાને સનાતની હિંદુ કહેવડાવું છું એ વાચકને હવે સમજાશે. ગાય પ્રત્યેના મારા પૂજ્યભાવમાં હું કોઈથી ઊતરું એમ નથી.

ખિલાફતની લડતને મેં અપનાવી છે, કારણ કે હું જોઈ રહ્યો છું કે ખિલાફતની રક્ષા મારફત ગાયની સંપૂર્ણ રક્ષા છે. મારી સેવાના બદલા તરીકે ગાયને બચાવવા હું મુસલમાન મિત્રોને નથી કહેતો. હું ઈશ્વર પાસે રોજ એટલી જ પ્રાર્થના કરું છું કે જે લડતને હું સચ્ચાઈની લડત માનું છું, તેને વિશેની મારી સેવા એની નજરમાં એટલી સમાય કે તે મુસલમાનોનાં દિલ પલટાવે અને તેમને વિશે પોતાના હિંદુ બિરાદરોને માટે એટલી મહોબત પેદા કરે કે હિંદુઓ જેને પોતાના પ્રાણ સમાન પ્રિય સમજે છે તે જાનવરને તેઓ બયાવી લે.

હિંદું ધર્મ પ્રત્યેનો મારો ભાવ હું કઈ રીતે વર્ણવી શકું ? મારી સ્ત્રી પ્રત્યેનો મારો ભાવ હું વર્ણવી શકું તો હિંદુ ધર્મ પ્રત્યેનો મારો ભાવ વર્ણવી શકું. મારી સ્ત્રી મારા અંતરને જે રીતે હલાવે છે તે રીતે દુનિયાની બીજી કોઈ સ્ત્રી હલાવી શકે એમ નથી. આનો અર્થ એવો નથી કે એનામાં હું કંઈ દોષ જોતો નથી. હું કહું કે હું જોઈ શકું છું તે કરતાં પણ ઘણા વધારે દોષો તેનામાં હશે. છતાં એક અતૂટ મતાના બંધનની ભાવના અહોરાત્ર મારા અંતરમાં જાગ્રત છે. તે જ મમતાની ભાવના હિંદુ ધર્મને માટે પણ તેના બધા દોષો અને મર્યાદાઓ છતાં મારા અંતરમાં છે. ગીતા કે તુલસીરામાયણ (જે બે પુસ્તકોનું જ આખા હિંદુ ધર્મગ્રંથરૂપી અર્ણવવમાં મને જ્ઞાન છે એમ કહેવાય)નું સંગીત મારામાં જે જીવન પૂરે છે તે દુનિયામાં બીજો કોઈ ગ્રંથ પૂરી શકે એમ નથી. જ્યારે હું અંતકાળને કિનારે છું એમ મને લાગ્યું હતુંત્યારે ગીતા જ મારા અંતરનો વિશ્રામ હતી. હિંદુ મંદિરો અને દેવસ્થાનોમાં આજકાલ જે અનાચાર પ્રવર્તે છે તેથી હું અજાણ નથી. પણ એ બધા અકથનીય દોષો છતાં હું એ સંસ્થાઓને ચાહું છું.

એની વાતોમાં મને જે રસ આવે છે તે બીજીમાં નથી આવત. હું ઠેઠનો સુધાકર છું; છતાં સુધારાની વ્યાકુળતામાં હું હિંદુ ધર્મના કોઈ પણ આવશ્યક અંગનો ત્યાગ કરવા તૈયાર નથી. હું પાછળ કહી ગયો કે

મૂર્તિપૂજા પ્રત્યે મારી અનાસ્થા નથી. મૂર્તિ મારા મનમાં કશો પૂજ્ય ભાવ પણ પેદા નથી કરતી. છતાં હું માનુ છું કે મૂર્તિપૂજા એ મનુષ્યસ્વભાવનું જ એક અંગ છે. આપણે કંઈ ને કંઈ સ્થૂળ વસ્તુને માનવા પૂજવાના તરસ્યા રહીએ છીએ. માણસ બીજી જગાના કરતાં મંદિર કે કે દેવાલયમાં જ કંઈક વધારે શાંત અને સાત્ત્વિક મનોવૃત્તિવાળો બને છે એનું રહસ્ય બીજુ શું છે ? મૂર્તિ એ ઉપાસનાની સહાયક છે. કોઈ હિંદુ મૂર્તિને ઈશ્વર નથી સમજતો. હું મૂર્તિપૂજાને પાપ માનતો નથી.

આટલા ઉપરથી સમજાયું હશે કે હિંદુ ધર્મ કોઈ સાંકડો ધર્મમત કે સંપ્રદાય નથી. એના ઉદરમાં સંસારની સર્વ વિભૂતિઓની પૂજાને સ્થાન છે.

ધર્મપ્રચારનો જે સામાન્ય અર્થ લેવાય છે તે અર્થમાં એને ધર્મપર્ચારક પંથ નહીં કહી શકાય. એણે અનેક જાતિઓને પોતામાં સમાવી એ સાચું, પણ એ બધું વિકાસક્રમને ન્યાયે અદૃશ્ય ગતિએ બન્યું છે. હિંદુ ધર્મ દરેક માણસને તેની પોતાની શ્રદ્ધા અગર ધર્મની ઢબે ઈશ્વરને ભજવાનો આગ્રહ કરે છે અને તેથી સર્વ ધર્મોની જોડે એની સુલેહ છે.

આવી મારી હિંદુ ધર્મની સમજણ હોવાથી હિંદુ ધર્મમાં અસ્પૃશ્યતાને હું કદી પણ સાંખી શક્યો નથી. અસ્પૃશ્યભાવનાને હું હમેશાં હિંદુ ધર્મની ઉપર વળગેલો મેલ માનતો આવ્યો છું. અનેક પેઢીઓથી એ ચાલતો આવ્યો છે એ ભલે. પણ એવી બીજી અનેક પ્રથાઓ આજદિન લગી ચાલતી આવી છે. દેવદાસીઓ અને મુરલીઓની પ્રથા હિંદુ ધર્મનું એક અંગ છે એ વિચારે હું તો શરમથી મરી જ રહું. અને છતાં દેવધર્મને નામે આ ઉઘાડો વ્યભિચાર હિંદુસ્તાનના ઘણા ભાગોમાં હિંદુઓમાં પ્રવર્તે છે. વળી કાળીને બકરાંનો ભોગ આપવો એ વસ્તુને પણ હું નર્યો અધર્મ માનું છું અને એ હિંદુ ધર્મનું અંગ છે એવું માનતો નથી. હિંદુ ધર્મ એ તો અનેક યુગોનો વિકાસ છે. હિંદુ ધર્મ એ નામ પણ હિંદુસ્તાનના લોકોના ધર્મને સારુ પરદેશીઓએ શોધી કાઢેલો શબ્દ છે. એક કાળે અહીંયાં ધર્મને નામે પશુઆનું બલિદાન અપાતું. પણ એ વસ્તુ ધર્મ ન હોય, ત્યાં હિંદુ ધર્મ તો ક્યાંથી જ હોય ?

અને એ જ પ્રમાણે મને લાગે છે કે જ્યારે ગોરક્ષાએ આપણા બાપદાદાઓમાં ધર્મનું સ્વરૂપ લીધું ત્યારે જેમણે ગોમાંસભક્ષણ ન જ છોડ્યું તેમને સમાજે બહિષ્કૃત કર્યા હશે. એ સામાજિક વિગ્રહ પણ જબરો ચાલ્યો હશે, અને ગોમાંસભક્ષણનો આગ્રહ ધરાવનારાઓની સામેનો એ સામાજિક બહિષ્કાર એકલા તેમની સામે જ ચાલીને ન અટકતાં તેમની પુત્રપૌત્ર પરંપરાની સામે પણ ચાલુ રહ્યો હશે. આમ ઘણે ભાગે મૂળ શુભ ઈરાદાઓથી શરૂ થયેલી પ્રવૃત્તિ કાળે કરીને એક કઠણ નિર્ઘૃણ પ્રથા બની ગઈ, તે એટલે સુધી કે એ પ્રથાને કેવળ અનુસૂચિતપણે કાયમનો ટેકો આપનારા કે તેની વિધિઓ સૂચવનારા શ્લોકો સુધ્ધાં ધીમે ધીમે શાસ્ત્રગ્રંથોમાં ઘૂસી ગયા ! આ મારી કલ્પના સાચી હોય કે ન હોય તોપણ અસ્પૃશ્યભાવના આપણી વિવેકબુદ્ધિની સાવ વિરુદ્ધ અને પ્રેમ કે દયાધર્મના આપમા કુદરતી ભાવોની વિરોધી છે એ તો નિઃસંદેહ છે. જે ધર્મ ગાયની પૂજા પ્રવર્તાવતાં અચકાતો નથી તે માણસ જેવા માણસનો આટલો ઘાતકી બહિષ્કાર કેમ બરદાસ કરી જ શકે અગર તો તેને ટેકો આપી શકે ?

અને તેથી આટલા કાળ કચડાયેલા આ અસ્પૃશ્યવર્ગને તજવા કરતાં તો મારા ચૂરેચૂરા થઈ જાય તોપણ હું સંતોષ જ માનું. હિંદુઓ જો પોતાના ઉદાત્ત ઉજ્જવળ ધર્મને આ અસ્પૃશ્યભાવનાના કલંકથી છોડાવી ન લેતાં આમ ને આમ કલંકિત રાખશે તો તેઓ કદી પણ સ્વતંત્રતાને લાયક ગણાશે નહીં. અને હું હિંદુ ધર્મને મારા પ્રાણથી પણ અધિક વહાલી વસ્તુ ગણું છું તેથી જ આ કલંકનો ભાર મને અસહ્ય થઈ પડ્યો છે. હિંદુ સમાજના એકપંચમાંશ હિસ્સાને આપણી જોડે સમાનભાવે મળવાભળવાનો અધિકાર આપવાનો ઈન્કાર કરીને ઈશ્વરનો ઈન્કાર કરવાનો શું હિંદુઓ આગ્રહ ધરશે ?

૧૬. હિંદુ ધર્મમાં સેતાન છે ?

એક પત્રલેખક જણાવે છે :

“કેટલાક મહિના પહેલાં કેટલીક ધાર્મિક વિચારસરણીઓ તથા ઈશ્વરના અસ્તિત્વ વિશેની શ્રદ્ધા વિશેનો મારો જે પત્ર આપે છાપ્યો હતો, એનું મથાળું તેના લખાણને પૂરો ન્યાય આપે એવું નહોતું. હવે હું એના (સેમિટિક માન્યતાઓ મુજબ) પ્રતિસ્પર્ધી અંગે એક પ્રસ્ન પૂછવા લલચાયો છું આપનાં લખાણો તથા ભાષણોમાં આપ એનું નામ, બેશક, બહુ અસરકારક રીતે વારંવાર વાપરો છો. આપના તા. ૬-૮-૧૯૨૫ના અંકનો લેખ

‘સેતાનની જાળ’ એનો નમૂનો પૂરો પાડે છે. ખ્રિસ્તીઓના સેમિટિક સંપ્રદાય મારફત સેતાનના અસ્તિત્વમાં માનવાનું શીખેલા લોકોની ભાષામાં આપ બોલી રહ્યા હતા તેથી માત્ર વાક્‌છન્કી અસર ઉપજાવવા માટે જ એ શબ્દ વપરાયો હોય તો મારે કશું કહેવાનું નથી. પરંતુ જે લેખનો ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમાં બીજી બાબતો સાથે આપ સેતાનના અસ્તિત્વમાં માનતા હો એવું અવશ્ય સૂચિત થાય છે. મારા નમ્ર મત અનુસાર એ માન્યતા હિંદુ ધર્મને જરાયે બંધબેસતી નથી. માનવ વારંવાર શા કારણે પતન પામે છે એવા અર્જુનના પ્રશ્નના જવાબમાં શ્રીકૃષ્ણે કહ્યું :

(એ કામ છે, એ ક્રોધ છે). હિંદુ માન્યતા અનુસાર એવું જણાશે કે આપણને ભુલાવનાર કોઈ આપણાથી બહારની વ્યક્તિ નથી, તેમ તે કેવળ એક એટલે ઈશ્વર પણ નથી; કેમ કે શાસ્ત્રોની ગણતરી અનુસાર માનવના છ શત્રુઓ છે

કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ પરથી ચોખ્ખું છે કે હિંદુ ધર્મમાં સેતાનને સ્થાન નથી. સેતાન, પતન પામેલો દેવદૂત, લલચાવનાર, અગર ફ્રેંચ લેખક ((આનાતોલ ફ્રાન્સ) જણાવે છે તેમ ‘ઈશ્વરનો વહીવટડાર’ છે ! આપ તો હિંદુ છો છતાં ‘સાચેસાચ સેતાન છે’ એવી માન્યતા ધરાવનાર તરીકે આપ કેમ બોલી કે લખી શકો ?”

આ પત્રલેખક

ના વાચકોના સારી રીતે પરિચિત છે. એ ભાઈ એટલા બધા જાગ્રત છે કે જે અર્થમાં છું તે તેઓ સમજી ન શકે એમ બને જ નહીં. પણ એ ભાઈમાં મેં એક એવી વૃત્તિ જોઈ છે કે સહેજ પણ ગેરસમજ થવાનો સંભવ હોય એવી ઘણી બાબતો અગર તો જેનો વધારે વિસ્તૃત ખુલાસો કરવાનું આવશ્યક જણાય તેમાં, તેઓ મારી પાસેથી વધારે સ્પષ્ટતા કરાવ્યા વિના રહેતા નથી. મારી માન્યતા પ્રમાણે હિંદુ ધર્મની ખૂબી એની સર્વગ્રાહી સમાવેશ કરવાની વૃત્તિમાં રહેલી છે.

મહાભારતના આર્ષ દૃષ્ટિવાળા લેખકે પોતાની મહાન કૃતિ વિશે જે કહ્યું છે તે હિંદુ ધર્મ બાબતમાં પણ એટલું જ સાચું છે. કોઈ પણ અન્ય ધર્મમાં જે કાંઈ મહત્ત્વનું હોય તે હિંદુ ધર્મમાં મળે છે. એમાં જે નથી હોતું તે બિનમહત્ત્વનું અગર બિનજરૂરી હોય છે. હિંદુ ધર્મમાં સેતાનને અવકાશ રહેલો છે એમ હું જરૂર માનું છું. બાઈબલમાંની કલ્પના નવી અગર મૌલિક નથી. બાઈબલમાં પણ સેતાન કોઈ વિશિષ્ટ વ્યક્તિ નથી. અથવા હિંદુ ધર્મમાં જેટલે અંશે રાવણ અથવા તો રાક્ષસોની આખી જાતિ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે તેટલે જ અંશે બાઈબલમાં એ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. દસ માથાંવાળા અને વીસ હાથવાળા રાવણના ઐતિહાસિક અસ્તિત્વમાં હું માનતો નથી. વળી, જેમ સેતાન અને એના સાથીઓ પતન પામેલા દેવદૂતો છે અગર તમને કહેવાનું રુચે તો પતન પામેલા દેવો છે. જો દુષ્ટ વિકારો અને ઉન્નત ભાવોને વ્યક્તિનું રૂપ આપવામાં ગુનો થતો હોય તો કદાચ હિંદુ ધર્મ એવા ગુના માટે સૌથી વધારે જવાબદાર છે. મારા પત્રલેખકે ગણાવ્યા છે તે છ તથા બીજા અનેક વિકારોને હિંદુ ધર્મમાં મૂત્તિમંત કરવામાં નથી આવ્યા ? ધૃતરાષ્ટ્ર અને તેના સો પુત્રો શું છે અને કોણ છે ? કલ્પના એટલે કે કાવ્ય માનવીની ઉત્ક્રાંતિમાં અનંતકાળ સુધી ઉપયોગી અને આવશ્યક ભાગ ભજવ્યા કરશે. વિકારો જાણે વ્યક્તિઓ ન હોય એ રીતે જ આપણે તેને વિશે વાત કરવાના છીએ. દુષ્ટ વ્યક્તિઓના જેટલો જ એ આપણને ત્રાસ નથી આપતા ? એટલે બીજી અસંખ્ય બાબતોની પેઠે પ્રસ્તુત વિષયમાં પણ કહી શકાય કે શબ્દો ન પકડો, સાર ગ્રહણ કરો.