હિંદુ ધર્મનું હાર્દ - 2 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હિંદુ ધર્મનું હાર્દ - 2

(2)

૬. એક હિંદુ હિંદુ ધર્મને જ શા સારુ વળગી રહે ?

(‘સાચી અંતરદૃષ્ટિ’માંથી - મ.દે)

હિંદુ ધર્મમાં એવી કઈ ખાસ સુંદરતા છે કે જે કારણે હિંદુ એ ધર્મને જ વળગી રહે છે ?

આ સવાલ ન પૂછવો જોઈતો હતો. એ ચર્ચવાથી શો લાભ મળવાનો હતો ? છતાં મારે એનો જવાબ આપ્યે જ છૂટકો; કેમ કે મારે મન ધર્મ એટલે શું એ તો હુ સ્પષ્ટ કરી શકું. ધર્મ માટે અત્યંત નજીકની - જોકે અત્યંત અધૂરી - સરખામણી જે મને જડે છે તે વિવાહની છે. વિવાહ એ કોઈ કાળે ન છૂટે એવું બંધન છે અથવા આજ સુધી એમ જ મનાતું હતું. ધર્મનો સંબંધ એથીયે અવિભાજ્ય છે. પતિ પત્નીને અને પત્ની પતિને વફાદાર રહે છે એનું કારણ એ નથી કે પોતાની પત્ની અથવા પોતાનો પતિ તમામ સ્ત્રીઓમાં અથવા તમામ પુરુષોમાં વિશેષપણે શ્રેષ્ઠ છે એવું એને ભાન છે. એ વફાદારીનાં મૂળમાં કોઈ અકળ અને અતૂટ આંતરિક આકર્ષણ હોય છે. એ જ રીતે માણસને પોતાના ધર્મ પ્રત્યે કોઈ રીતે ન તોડાય એવી વફાદારી હોય છે. અને એવી નિષિઠામાં જ એને સંપૂર્ણ સમાધાન મળે છે. અને જે પ્રમાણે કોઈ પણ પતિને પોતાની સ્ત્રી પ્રત્યેની વફાદારી ટકાવવા માટે બીજી બધી સ્ત્રીઓ ઊતરતી છે, હીન છે એમ માનવાની જરૂર નથી. એ જ ઉપમા જરા આગળ લંબાવીએ તો એમ કહી શકાય કે પોતાની પત્ની પ્રત્યે નિષ્ઠા જાળવવા માટે એની અંદર રહેલી ઊણપો વિશે આંધળા રહેવાની જરૂર નથી, તે જ પ્રમાણે પોતાના ધર્મ પ્રત્યે નિષ્ઠા જાળવવા માટે પોતાના ધર્મમાં પહેલી એબો પ્રત્યે આંધળા થવાની જરૂર નથી. એટલું જ નહીં, પણ જો આંધળાપણે પોતાના ધર્મને વળગી ન રહેવું હોય પણ ખરેખરી નિષ્ઠા કેળવવી હોય તો પોતાના ધર્મમાં રહેલી ઊણપોનું તીવ્ર ભાન હોવું જ જોઈએ. અને એ ઊણપો દૂર કરવાના સાચા ઉપાયો વિશેની ઉત્કટતા પણ તેટલી જ હોવી જોઈએ. ધર્મ વિશેની મારી માન્યતા આવી હોવાથી હિંદુ ધર્મની ખાસ વિશેષતા અથવા ખૂબીઓ તપાસવાની મારે કશી જરૂર નથી. વાચક એટલી કાતરી રાખે કે હું જે હિંદુ રહ્યો છું તે કાંઈ એની અનેક સુંદરતાઓ જાણ્યા વગર ન રહી શકત, પણ એ સુંદરતાઓ મારા જ ધર્મમાં છે; બીજા ધર્મમાં નથી એમ જોવા હું નથી બેસતો.

અને તેથી જ બીજા ધર્મોનું જ્યારે હું અવલોકન કરું છું ત્યારે દોષ શોધનાર ટીકાકાર તરીકે નહીં, પણ ભક્તની દૃષ્ટિથી; બીજા ધર્મોમાં પણ મારા ધર્મ જેવી જ સુંદરતાઓ જોવાની આશાએ અને મારા ધર્મોમાં નથી એવી કોઈ સુંદરતાઓ બીજાના ધર્મમાં જડી આવે તો તે મારા ધર્મમાં દાખલ કરવાના હેતુએ જ.

૭. હિંદુ ધર્મની ખરી મહત્તા

(‘સાપ્તાહિક પત્ર’માંથી - મ.દે)

એક અમેરિકન સન્નારી એમના દેશમાં તુલનાત્મક ધર્મશાસ્ત્રનાં અધ્યાપિકા છે, તે બારતવર્ષના ધર્મોનો સૂક્ષ્મ અભ્યાસ કરવાને અહીં આવ્યાં છે. એમણે ગાંધીજીને કહ્યું હતું કે હિંદુ ધર્મની ખરી મહત્તા શામાં કહેલી છે તેટૂંકમાં કહો. એ બહેને સાંભળેલું કે ગાંધીજી ‘હિંદુ ધર્મના પ્રાણ છે’, એટલે તેમને મળવા આવેલાં. તે કહેવા લાગ્યાં, “પુસ્તકોમાંથી જેટલું મળે તે શીખવીને સંતોષ માનવો એ યોગ્ય ન ગણાય. આ જીવતા ધર્મોના સાચા પ્રતિનિધિઓને મળવું જોઈએ.”

એમને જવાબ આપતાં ગાંધીજીએ કહ્યું : હિંદુ ધર્મની ખરી મહત્તા એ છે કે તે માને છે કે જીવમાત્ર (માત્ર મનુષ્યો જ નહીં પણ સચેતન પ્રાણીમાત્ર) છે; એમાં એક સર્વવ્યાપી મૂળમાંથી ઉદ્‌ભવતા જીવમાત્રનો સમાવેશ થાય છે

- પછી એ મૂળને ‘અલ્લા’ કહો, ‘ગૉડ’ કહો, કે ‘પરમેશ્વર’ કહો. હિંદુ ધર્મમાં ‘વિષ્ણુસહસ્ત્રનામ’ નામનો એક નાનો ધર્મગ્રંથ છે, તેનો અર્થ ઈશ્વરનાં હજાર નામ એટલો જ છે. એનો અર્થ એવો નથી કે ઈશ્વરનાં નામ એટલાં જ છે, પણ એનો અર્થ એ છે કે તમે એને જેટલાં નામ આપી શકો તેટલાં એનાં નામ છે. તમારે એને આપવાં હોય એટલાં નામ આપો; માત્ર જેનું નામ તમે લો છો એ ઈશ્વર એકમેવાદ્વિતીય હોવો જોઈએ. એનો અર્થ એ પણ છે કે ઈશ્વર અનામી પણ છે.

“આ જીવમાત્રની એકતા એ હિંદુ ધર્મની વિશેષતા છે. હિંદુ ધર્મ કહે છે મોક્ષ એકલા મનુષ્યોને જ મળી શકે એવું નથી, ઈશ્વરનાં સરજેલાં સર્વ પ્રાણીઓને મળી શકે છે. મનુષ્યદેહ સિવાય બીજા દેહ દ્વારા મોક્ષ મળી શકે એવો ન હોય એમ બને, પણ એથી મનુષ્ય સૃષ્ટિનો સ્વામી નથી બનતો.

એથી તો એ ઈશ્વરની સૃષ્ટિનો સેવક બને છે. હવે જ્યારે આપણે માનવી બંધુત્વની વાત કરીએ છીએ ત્યારે ત્યાં અટકી જઈએ છીએ, અને આપણને થાય છે કે બીજા બધા જીવો માણસના ઉપભોગને અર્થે સરજેલા છે. પણ એ ઉપભોગનો વિચાર હિંદુ ધર્મે ત્યાજ્ય ગણેલો છે. જીવમાત્રની સાથે આ એકતા સાધવાને માણસ જેટલો ત્યાગ કરે એટલો ઓછો છે, પણ એ આદર્શ એટલો વિશાળ છે કે એથી માણસની હાજતો પર તો અંકુશ મુકાય જ છે. તમે જોશો કે આ વસ્તુ આધુનિક સુધારાથી ઊલટી છે. એ સુધારો તો કહે છે કે, ‘તમારી હાજતો વધારો.’ જે એવી માન્યતા રાખે છે તેઓ મોને છે કે હાજતો વધારવાથી જ્ઞાન વધે છે ને એ જ્ઞાન દ્વારા આપણે અનંત ઈશ્વરને વધારે સારી રીતે સમજી શકીએ છીએ. એથી ઊલટું હિંદુ ધર્મ ભોગવિલાસ અને હાજતોના વધારાને ત્યાજ્ય ગણે છે કેમ કે એ પરમાત્મપ્રાપ્તિ માટેના આત્મવિકાસમાં અંતરાયરૂપ થઈ પડે છે.”

૮. ડૉ. આંબેડકરના આરોપ

(મૂળ ‘ડૉક્ટર આંબેડકરના આરોપ -૨’માંથી)

ચડૉ. આંબેડકર ગયા (૧૯૩૬) મે મહિનામાં લાહોરના જાતપાત તોડક મંડળની વાર્ષિક પરિષદના પ્રમુખ થવાના હતા. પણ ડૉ. આંબેડકરનું ભાષણ સ્વાગત સમિતિને અસ્વીકાર્ય લાગ્યું એટલે પરિષદ જ પડતી મૂકવામાં આવી .... તેમના સવર્ણોની સામે ત્રણ આરોપો છે - અમાનુષી વર્તન; એ વર્તનનો જુલમગારો તરફથી નિર્લજ્જપણે થતો બચાવ; અને એ બચાવને માટે તેમનાં શાસ્ત્રોમાં આધાર છે એવી પોતે પાછળથી કરેલી શોધ. આ આરોપો પુરવાર કરવાને આ ભાષણના લેખકે શાસ્ત્રોનાં અવતરણો, કયા પુસ્તકમાં કઈ જગ્યાએ આવેલા તેની નોંધ સાથે આપેલાં છે. ડૉ. આંબેડકરના આરોપોમાંથી નીચેના પ્રશ્નો સૂચિત થાય છે :

૧. ધર્મશાસ્ત્રો કોને કહેવાં ?

૨. છાપેલાં બધાં પુસ્તકોને ધર્મશાસ્ત્રનાં આવશ્યક અંગ ગણવાં કે એમાંના અમુક ભાગોને અપ્રમાણ ક્ષેપક ગણીને કાઢી નાખવાં ?

૩. આવા ક્ષેપક ભાગ કાઢી નાખ્યા પછી સપ્રમાણ તરીકે સ્વીકારેલાં શાસ્ત્રો અસ્પૃશ્યતા, જાતિભેદ, દરજ્જાની સમાનતા અને વર્ણાંતર રોટીબેટી-વહેવાર વિશે શા જવાબ આપે છે ?

ડૉ. આંબેડકરે તેમના ભાષણમાં આ બધા પ્રશ્નોની કુશળતાથી ચર્ચા કરેલી છે, પણ ડૉ. આંબેડકરનાં ભાષણોમાં ઘણી બધી ખામીઓ છે. આ ત્રણે પ્રશ્નોના મારા (ગાંધીજીના) પોતાના જવાબ અને ડૉ. આંબેડકરના ભાષણમાંની દેખીતી ખામીઓ વિશે નીચેના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.

વેદ, ઉપનિષદ, સ્મૃતિ, પુરાણ અને રામાયણ, મહાભારત એ હિંદુઓનાં ધર્મશાસ્ત્ર છે. આ યાદી સંપૂર્ણ તો નથી જ. દરેક યુગે જ નહીં પણ દરેક પેઢીએ એ યાદીમાં ઉમેરો કર્યો છે. એટલે એના પરથી ફલિત થાય છે કે છાપેલું કે હસ્તલિખિત મળી આવેલું પણ, દરેક પુસ્તક ધર્મશાસ્ત્ર નથી.

દાખલા તરીકે સ્મૃતિઓમાં ઘણું એવું છે કે જે ઈશ્વરપ્રણીત માની શકાય જ નહીં. એટલે ડૉ. આંબેડકરે જે સ્મૃતિવચનો ટાંક્યાં છે તે પ્રમાણભૂત તરીકે સ્વીકારી શકાય એવાં નથી. સાચાં ધર્મશાસ્ત્રો સનાતન સત્યો સાથે જ સંબંધ રાખનારાં હોઈ શકે, અને કોઈ પણ મનુષ્યના અંતરાત્માને એટલે કે જેનાં જ્ઞાનચક્ષુ ઊઘડ્યાં હોય એવા કોઈ પણ હૃદયને સ્વીકારવા યોગ્ય લાગવાં જોઈએ. જે વસ્તુની કસોટી બુદ્ધિથી ન કરી શકાય અથવા જેનો આધ્યાત્મિક અનુભવ ન કરી શકાય એવી કોઈ વસ્તુનો ઈશ્વર વચન તરીકે સ્વીકાર ન થઈ શકે. અને શાસ્ત્રોમાંથી ક્ષેપક ભાગો કાપી નાખી સુધારેલી આવૃત્તિ તૈયાર કરવામાં આવશે ત્યાર પછી પણ શાસ્ત્રોના અર્થનો સવાલ તો રહેશે જ.

શાસ્ત્રોના ખરેખરા અર્થ કરવાની વધારેમાં વધારે પાત્રતા કોની ? વિદ્વાનોની તો નહીં જ. વિદ્વતા હોવી તો જોઈએ. પણ ધર્મ વિદ્વતાને આધારે નભતો નથી. ધર્મ તેના સાધુસંતો અને ઋષિઓના ધર્માનુભવમાં, તેમના જીવનમાં ને કવનમાં વસે છે. શાસ્ત્રોના ભારેમાં ભારે વિદ્વાન એવા સર્વ ટીકાકારો જ્યારે છેક જ ભુલાઈ ઝસે ત્યારે પણ ઋષિઓ ને સાધુસંતોને અનુભવ ટકી રહેશે અને યુગો સુધી પ્રેરણા આપ્યા કરશે.

જાતિભેદને ધર્મ સાથે કશો જ સંબંધ નથી. એ એક રૂઢિ છે. એની ઉત્પત્તિ ક્યારે અને કેવી રીતે થઈ એ હું જાણતો નથી; મારી આધ્યાત્મિક જિજ્ઞાસાની તૃપ્તિને અર્થે એ વસ્તુ જાણવાની મને જરૂર પણ નથી. પણ હું એટલું તો જાણું જ છું કે જાતિભેદ એ આત્માના તેમ જ રાષ્ટ્રના વિકાસને હાનિકર્તા છે. વર્ણ અને આશ્રમની પ્રથાઓને જાતિભેદ સાથે કશી લેવાદેવા નથી. વર્ણધર્મ આપણને શીખવે છે કે આપણે દરેકે આપણા બાપદાદાના વખતથી ઊતરી આવતો ધંધો કરીને તેમાંથી આજીવિકા મેળવવી, વર્ણધર્મ આપણા હકો નહીં પણ આપણાં કર્તવ્યો નિયત કરે છે. જે વ્યવસાયો મનુષ્યજાતિનું હિત કરનારા છે તેની જ ગણતરી વર્ણધર્મ નિયત કર્મમાં કરેલી છે, બીજાની નહીં. એમાંથી એ પણ ફલિત થાય છે કે કોઈ ધંધો નીચો નથી ને કોઈ ઊંચો નથી. બધા ધંધા સારા છે, ધર્મ્ય છે, અને સૌનો દરજ્જો સરખો છે. આધ્યાત્મિક જ્ઞાન આપનાર બ્રાહ્મણ અને ભંગીના ધંધા સમાન છે, અને તેના નિષ્ઠાપૂર્વક કરેલા પાલનમાં ઈશ્વરની દૃષ્ટિએ સરખું પુણ્ય છે, અને એક કાળે માનવસમાજમાં પણ એનો સરખો બદલો અપાતો એમ જણાય છે. બંનેને ફક્ત આજીવિકા પૂરતું જ - જરાયે વધારે નહીં - મેળવવાનો અધિકાર હતો.

ગામડામાં આજે પણ ક્યાંક ક્યાંક વર્ણધર્મના આ સુંદર પાલનની ઝાંખી રેખા રહી ગયેલી જણાય છે. છસો માણસની વસ્તીવાળા સેગાંવમાં રહેતાં હું જોઉં છું કે બ્રાહ્મણની તેમ જ જુદાં જુદાં ધંધાદારીઓની કમાણીમાં ભારે ફરક નથી.

હું એમ પણ જોઉં છું કે આજની પતિત દશામાં પણ એવા સાચા બ્રાહ્મણો મળી આવે છે જે કેવળ ભિક્ષાન્ન પર નિર્વાહ કરે છે અને પોતાની પાસે જે આત્માનું ધન હોય તે છૂટે હાથે લોકોને આપે છે. વર્ણધર્મના પાલનનો એકમાત્ર મુખ્ય નિયમ છડેચોક તોડવા છતાં જેઓ પોતાને અમુક વર્ણના કહેવડાવે છે એવા માણસોના જીવનમાં પ્રગટ થતા વર્ણધર્મના વિકૃત રૂપ પરથી એ મહાનિયમનો આંક બાંધવો એ ખોટું અને અયોગ્ય છે. કોઈ વર્ણ પોતાને બીજા કરતાં ચડિયાતો મનાવે એમાં વર્ણધર્મનો ચોખ્ખો ઈન્કાર છે અને વર્ણધર્મમાં અસ્પૃશ્યતાને ટેકો આપે એવું તો કશું જ નથી. (હિંદુ ધર્મે એક અને અદ્વિતીય એવા ઈશ્વરને સત્યરૂપે વર્ણવ્યો છે અને અહિંસાનો માનવકુટુંબના આચારધર્મ તરીકે હિંમતભેર સ્વીકાર કર્યો છે એમાં જ હિંદુ ધર્મનો બધો સાર સમાઈ જાય છે.)

હું જાણું છું કે હિંદુ ધર્મના મેં કરેલા અર્થની સામે ડૉ. આંબેડકર ઉપરાંત બીજા ઘણા વાંધો ઉઠાવશે. એનાથી મારી સ્થિતિમાં ફરક પડે એમ નથી. લગભગ પચાસ વર્ષ થયાં એ અર્થને હું અનુસર્યો છું અને એને આધારે મારું જીવન ઘડવાનો યથાશક્તિ પ્રયત્ન મેં કર્યો છે.

મારા મત પ્રમાણે ડૉ. આંબેડકરે એમના ભાષણમાં ભારે ભૂલ કરી છે કે તેમણે શક પડતા પ્રમાણ અને મહત્વવાળાં શાસ્ત્રવચનો અને જે અધઃપાત પામેલા હિંદુઓ તેમના ધર્મના અતિઅયોગ્ય નમૂના છે અને જેઓ એ ધર્મના વિકૃત રૂપને અનુસરે છે આવાઓના આચરણનાં દૃષ્ટાંતો વીણીવીણીને ચાંક્યાં છે. ડૉ. આંબેડકરે વાપરેલ ગજથી માપતાં આજે પ્રચલિત એકેએક જાણીતો ધર્મ કદાચ અધૂરો અને અયોગ્ય માલૂમ પડશે.

આ વિદ્વાન લેખક એમના ભાષણમાં એમને કહેવાનું પુરવાર કરવા જતાં વધારે પડતું બોલી ગયા છે. જે ધર્મને ચૈતન્ય, જ્ઞાનદેવ, તુકારામ, તિરુવલ્લુવાર, રામકૃષ્ણ પરમહંસ, રાજા રામ મોહનરાય, મહર્ષિ રવિેન્દ્રનાથ ટાગોર, વિવેકાનંદ અને બીજા અનેક જ્ઞાનીઓ અને સાધુસંતો અનુસર્યા તે ધર્મ ડૉ. આંબેડકરના ભાષણમાં બતાવ્યો છે એવો છેક ગુણહીન નો નિઃસત્ત્વ હોઈ શકે ખરો ? કોઈ પણ ધર્મની પરીક્ષા તેના ખરાબમાં ખરાબ નમૂના પરથી નહીં પણ તેણે ઉપજાવેલા સર્વશ્રેષ્ઠ નમૂનાઓ ઉપરથી જ થવી જોઈએ. કેમ કે તે નમૂના જ આપણે માટે સુધારવાના નહીં તો અનુસરવાના આદર્શરૂપ ગણી શકાય.

૯. પારકાની દૃષ્ટિએ

નીચેનો કાગળ કેટલોક વખત થયો મારી પાસે પડી રહ્યો છે :

“આપ ધર્માતર વિશે જે વલણ રાખો છો ને કાસ કરીને હિંદુ ધર્મની અંદર રહીને હરિજનો સુખી થશે એવી જે આશા આપ સેવી રહ્યા છો, તેમાં આપે આજે હિંદુસ્તાનમાં ચાલતા હિંદુ ધર્મમાં પ્રચલિત પ્રથાઓ પ્રત્યે દુર્લક્ષ કરેલું છે. વિવેકાનંદ અને સર સર્વપલ્લી રાધાકૃષ્ણને હિંદુ ધર્મની જે સુંદરતા ને ભવ્યતા બતાવી છે તે કબૂલ કર્યા વિના ન જ ચાલે. પણ એવો હિંદુ ધર્મ હિંદુસ્તાનના આમ વર્ગને શીખવવામાં આવે છે કે હિંદુ ધર્મના અધિષ્ઠાતાઓ એનું આચરણ કરે છે ખરા ? સાત લાખ ગામડાંમાં રહેતા કરોડો ગરીબ હિંદીઓ - આપ કહો છો તેમ ભૂખે મરતા કરોડો - શું માગે છે ? એમને સૌથી પહેલી જરૂર યોગ્ય અન્ન, આશ્રય અને વસ્ત્રની છે, જેથી તેઓ પશું કરતાં ઊંચી કોટિએ ચડે. હરિજનો મંદિરપ્રવેશ માટે આતુર છે ખરા ?

કોઈ ધર્મની કસોટી એના ફળ પરથી થઈ શકે. મેં ઉપર વર્ણન કર્યું એથી ઊલટું આ ચિત્ર જુઓ. રોમન કૅથલિક કે પ્રોટેસ્ટંટ ખ્રિસ્તી ધર્મને દાખલો લો. એમાં તવંગર તેમ જ ગરીબ પાસેથી જે પૈસા ભેગા કરવામાં આવે છે તેનો કાળજીપૂર્વક હિસાબ રખાય છે ને તે દવાની કે શિક્ષણની મદદરૂપે લોકોને પાછા અપાય છે. ધાર્મિક ઉપાસના સૌને માટે ખુલ્લી હોય છે, તે તે સંપ્રદાયની ધર્મસંસ્થાઓ જે અનેક નિશાળો, કોલેજો, દવાખાનાં, ઈસ્પિતાલો અને અનાથાલયો ચલાવે છે તે એમની ધર્મશ્રદ્ધાનો જીવતોજાગતો પુરાવો આપે છે. એમનાં ઈશ્વરવાદ ને તત્ત્વજ્ઞાન નહીં પણ એમની આ પુષ્કળ પ્રમાણમાં કરેલી સર્વ મનુષ્યોની નિઃસ્વાર્થ સેવા, એની અને હિંદુ મંદિરોને મઠોની સેવા વચ્ચે કોઈ સરખામણી છે ખરી ? મંદિરો ને મઠોની સંપત્તિનો શો ઉપયોગ થાય છે ? એ વહેમ અને જુલમના શસ્ત્રો નથી ? આ મઠોના અધિપતિઓ અઢળક ધનના માલિક હોઈ રાજા-મહારાજાની પેઠે રહે છે, ને જ્યારે બહાર નીકળે છે ત્યારે એમની જોડે પાલખી, મોટરો, હાથી, ઊંટ અને ચેલાઓનો મોટો રસાલો હોય છે, તે લઈને ગરીબ ગામડાં ને કસબાઓ પર લાગા ઉઘરાવવા માટે તીડની પેઠે ઊતરી પડે છે. એમના ચેલાઓ જાસૂસોની પેઠે ગામેગામ માધવ, લિંગાયત શૈવ વગેરે અનેક સંપ્રદાયના લોકો પાસેથી ભેગા કરવા નીકળી પડે છે. પૈસા ન આપે તેને નાતબહાર કરવામાં આવે છે ને તેનો બહિષ્કાર કરવામાં આવે છે. મેં સાંભળ્યું છે કે આ ધર્માધિકારીઓ, સ્વામીઓ ને ગુરુઓના લાગા ઉઘરાવવા ને તેમનો સ્વાર્થ સંભાળવા માટે રીતસર વકીલો રોકેલા હોય છે. આ સ્થિતિ તો પોપની ગાદીના ભૂંડામાં ભંડા દિવસો કરતાંયે નપાવટ જુલમની થઈ. આ મઠોમાં ભેગી કરેલી સંપત્તિ ને વાર્ષિક લાગા મળીને અબજો રૂપિયા હોવા જોઈએ; ક્યાંયે એનો રીતસર હિસાબ નથી રખાતો, છતાં આ બેહૂદી લૂંટની જબરદસ્ત પદ્ધતિને હજુ ઘણાખરા બુદ્ધિશાળી લોકનેતાઓ ટેકો આપ્યા કરે છે, જાણે એને વિશે શંકા ઉઠાવવાથી હિંદુ સમાજ રસાતાળ ન જવાનો હોય. વ્યવહારમાં હિંદુ ધર્મ આવો છે, જે પદ્ધતિ હરિજનોને દેવની પૂજા કરવાનો સમાન હક નથી આપતી એટલું જ નહીં પણ તેમને કાયમની સામાજિક બહિષ્કૃતપણાની સ્થિતિમાં રાખે તે પદ્ધતિની સામે તેઓ એકલા જ બળવો ઉઠાવે એમાં જરાયે નવાઈ જેવું શું છે ? આ ધર્માધિષ્ઠાતાઓનો જુલમ, જે વાટે લોકોનું ધન વરસોવરસ શોષાઈ જાય છે ને જેના બદલામાં તેમને કશી સેવા નથી મળતી, તેની સામે બોલવાની હિંમત કેમ કોઈ કરતું નથી ? કરોડો માણસો ભૂખ્યા, અજ્ઞાન ને નિરક્ષર છે તેવે વખતે પણ મઠો અને મંદિરોની સંપત્તિનો જરા સરખો ભાગ પણ માણસના દુઃખનું નિવારણ કરવાને વપરાતો નથી. હિંદુ ધર્મ એટલો આધ્યાત્મિક છે કે એવું તે નહીં કરે ! હિંદુ દેવો શું એટલા ખાઉધરા છે કે ેમને દર વરસે આટલા બધા પૈસા જોેઈએ ને છતાં એ આપનાર વિશે તેઓ પૂરેપૂરી ઉપેક્ષા કરે ?મને તો એ વિશે શંકા છે.

જમીનની ઊપજ એક બાજુ જમીન મહેસૂલ રૂપે રાજ્ય ઘસડી જાય છે ને બીજી બાજુ આ ધર્મને નામે ચાલતીલૂંટમાં ઘસડાઈ જાય છે, પછી કરોડો માણસ અધભૂખ્યા ને ગરીબ હોય એમાં કશી નવાઈ છે ખરી ? પાક લીધા પછીના ફુરસદના મહિનાઓમાં વધારે સખત ને વધારે પદ્ધતિસર મહેનત કરો એમ એમને કહેવાથી એમનું કંઈ દળદર ફીટે ખરું ? એમની પાસે પૈસા, દાણી વગેરેના રૂપમાં જે લેવામાં આવે છે તે, તેમને અતિ આવશ્યક એવી સેવાના રૂપમાં પાછું અપાવું જોઈએ. હિંદુસ્તાનના ગરીબ અભાગી આમવર્ગને તેમનાં નિરક્ષરતા, અજ્ઞાન, હૂકવર્મ મલેરિયા, રક્તપિત્ત, અતિસાર, મરડો, કૉલેરા,

મરકી - જે શારીરિક રોગોમાંથી આજે તેઓ બહારની મદદ વિના નીકળી શકે એમ નથી - વગેરેને હઠાવવામાં હિંદુ મઠોની સંપત્તિની મદદ ન આપવામાં આવે તો કુદરતી સાધમસામગ્રીનો વધારે બુદ્ધિપૂર્વક લાભ ઉઠાવવાની શક્તિ એમનામાં કદી નહીં આવે. ધર્મના અધિષ્ઠાતાઓએ લોકોને કચડ્યા છે, એમાં જે અધૂરું હતું તે શાહુકાર ને સરકારે પૂરું કર્યું છે. આ અર્ધા મરેલા, અર્ધા જીવતા આમવર્ગના લોકોને વધારે કામ કે વધારે સખત કામની જરૂર નથી, પણ વધારે ધંધાની નિશાળો ને દવાખાનાં, સુવાવડખાનાં ને બાળમંદિરો અને વધારે સારા ખોરાકની જરૂર છે. એમણે એના પૂરેપૂરા દામ આપ્યા છે, છતાં ધર્મસંસ્થા અને રાજ્ય પાસેથી તેમને જે સેવા મળવી જોઈએ તેથી તેમને છેતરીને વંચિત રાખવામાં આવ્યા છે. ગામડાંનાં બાળકોની આંખોમાં પ્રભાતનું તેજ ક્યારે દેખાશે ? કાળે કરીને હિંદુ ધર્મમાં જે કંઈ મેલ છે તે ખરી પડશે એમ માનવું એ એવી આશા રાખવા બરોબર છે કે અત્યારની સરકારમાં જે કંઈ બૂરું થાય છે તે પણ ખરી પડે એવી ઈચ્છા કરવાથી ખરી પડશે. આપના ભગીરથ પ્રયાસોથી રાજ્ય સહેજે હાલતું નથી, તો હિંદુ ધર્મને તો એથી ઘણા જલદ ઈલાજની જરૂર છે, કેમ કે, એ ધર્મ આ વિદેશી સંસ્કારના કરતાં હજારો વરસ અગાઉનો જામેલો છે. આ ધર્મ જે કશું કરતો નથી તેના કરતાં આ સરકાર જે મહેસૂલ ઉઘરાવીને લોકોની બધી જાતની સેવા કરે છે તે મને તો વધારે ગમે છે.