Pranay Parinay - 51 books and stories free download online pdf in Gujarati

પ્રણય પરિણય - ભાગ 51

પ્રણય પરિણય ભાગ ૫૧


અલીબાગ સુધીનું ટ્રાવેલીંગ અને ફરવાને કારણે ગઝલને થાક લાગ્યો હતો એટલે તેણે ગરમ પાણીનો શાવર લીધો. નાહીને શરીર પર ટોવેલ વીંટાળીને એ બહાર આવી. બેડ પર પડેલી બેગમાંથી તેણે નવો ડ્રેસ કાઢ્યો.


ડ્રેસ જોઇને તેની આંખો પહોળી થઈ ગઈ. વિવાન તેની માટે ફ્રોક જેવો સાવ ટૂંકો વન પીસ લઈને આવ્યો હતો. એની લેન્થ સાથળ સુધી માંડ હતી.


'વિવાન મારી માટે આવો ડ્રેસ લાવ્યા? હે ભગવાન! આ કેટલો શોર્ટ છે! આ હું કેવી રીતે પહેરું..' તે મૂંઝાઈને બબડી.


પણ આ શોર્ટ વન પીસ પહેર્યા સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. કેમકે શાવર લેતી વખતે જ પેલો તો ડ્રેસ તેણે પલાળી નાખ્યો હતો. એટલે તેણે એ વન પીસ પહેર્યો અને મિરર સામે જઈને ઉભી રહી. તેના ગોરા શરીર પર ચપોચપ બેસી ગયેલો રોયલ બ્લૂ કલરનો વન પીસ અદ્દભુત લાગી રહ્યો હતો.

બરાબર એજ વખતે વિવાન અંદર આવ્યો. ગઝલને શોર્ટ વન પીસમાં જોઈને તેની તો આખી સિસ્ટમ જ હેંગ થઈ ગઈ. ગઝલનું પ્રતિબિંબ મિરરમાં પડતુ હોવાથી એ આગળ પાછળ બંને તરફથી પુરેપુરી દેખાઈ રહી હતી.

તેની તપાવેલા તાંબા જેવી કથ્થઈ બોલકી આંખો, લાંબી પાંપણ, ગુલાબની પાંખડી જેવા નાજુક હોઠ, ગાલમાં ખંજન, જ્યાં જરુર હોય ત્યાં જ ભરાયેલા રસરસીત ગોરા દેહ પર ફિટોફીટ બેસી ગયેલો બ્લુ વન પીસ.. ગઝલની કાયામાંથી દેવરાજ ઈન્દ્રને પણ ઘાયલ કરી દે એવું રુપ નીતરતું હતું.

ડ્રેસની બેક સાઇડ ડીપ હોવાથી તેની લીસી ગોરી પીઠ દેખાઈ રહી હતી.

મિરરમાંથી વિવાનને જોઈને તે એની તરફ ફરી.

ગઝલનું રસપ્રચુર સૌદર્ય જોઈને વિવાનનું પૌરુષત્વ ફુંફાડા મારવા લાગ્યું. હમણાં જ જઈને તેને બાહુપાશમાં કચકચાવીને જકડીને તેને આખા શરીરે ચુમી લેવાનું મન થઇ રહ્યું હતું. તે ગઝલને એકીટશે જોઈ રહ્યો હતો.


'કેટલી હોટ દેખાય છે, આજે ચોક્કસ મારો જીવ લેવાની છે..' વિવાન મનમાં બોલ્યો.


વિવાનની નજર એકદમ ગઝલ પર ખોડાઈ ગઈ હતી તેથી એ શરમાઈ ગઈ. તેણે ટૂંકા વન પીસ ઘણી વાર પહેર્યા હતાં, પણ આટલા બધા ટૂંકા નહીં. કૃપા ભાભી તેને ઘૂંટણથી ટૂંકો ડ્રેસ પહેરવા જ નહોતી દેતી.

વિવાનના એકધારુ જોવાના લીધે ગઝલએ પીઠ ફેરવી લીધી અને માથું નીચે ઝુકાવીને ઉભી રહી.

ડ્રેસના પાછળના હૂક સુધી તેનો હાથ પહોચ્યો નહોતો એટલે તેની પાછળની ઝીપ સરકીને થોડી નીચે આવી ગઈ હતી. વિવાન ધીરેથી તેની નજીક ગયો. તે નજીક આવ્યો છે એ ગઝલને સમજાયું. તેની છાતીમાં ધડધડ થવા લાગ્યું. વિવાને તેની ખૂલ્લી પીઠ પર આંગળીઓ ફેરવી. તેની આંગળીઓના સ્પર્શથી ગઝલએ પીઠ સંકોરી. વિવાને હળવેથી ઝીપ ઉપર ખેંચીને બંધ કરી. તેની ઠંડી આંગળીઓનો સ્પર્શ ગઝલથી હવે સહન થતો નહોતો, તે ઝડપથી ફરી અને વિવાનને લીપટી ગઈ. વિવાને પણ પોતાના હાથ તેની કમર ફરતે વીંટાળ્યા.


બંને એકબીજાને બાથમાં લઈને ઊભા હતા. તેઆોની પ્રેમની ગાડી હળવે હળવે ટ્રેક પર ચડી રહી હતી. દ્રશ્ય અદ્દલ ગઝલનાં વહેલી સવારનાં સપનામાં આવતું હતું એ જ હતું. આ સપનું નહોતું પણ હકીકત હતી અને મલ્હારની જગ્યાએ આજે તેનો સાચો પ્રેમ વિવાન હતો.


'ગઝલ..'


'હં..'


'મે આઈ કિસ યૂ?' વિવાન હળવેથી તેના કાનમાં બોલ્યો. તેના ગરમ શ્વાસ ગઝલની ગરદન પર અફળાયા. તેણે પોતાની આંગળી વડે ગઝલનો ચહેરો ઉપર કર્યો. બંનેની આંખો મળી. બેઉની નજરો એકબીજાને પ્રેમથી ભીંજવી રહી હતી, વિવાનની પાણીદાર આંખો ગઝલને ઘાયલ કરી રહી હતી. વિવાન ગઝલના ચહેરા પર હળવેથી ઝુક્યો. એ લજાઈને એક ડગલું પાછળ હટી અને પીઠ ફેરવીને ઉભી રહી.


વિવાને એને પાછળથી બાહોંમાં લીધી અને ગઝલના રેશમી ખુલ્લા વાળને ડોક પરથી હળવેથી સરકાવીને આગળ તરફ ધકેલ્યા. તેણે ગઝલની ડોક પર હળવું ચુંબન કર્યુ. એની ગરદન પર વિવાનનાં ગરમ ગરમ શ્વાસ અફળાવાથી તેનું રોમરોમ પુલકિત થઇ ઉઠ્યું અને તેની આંખો આપોઆપ બંધ થઈ ગઈ.


વિવાને ગઝલના બેઉ હાથ પોતાના હાથમાં લઈને ગઝલના પેટ ફરતાં ફોલ્ડ કર્યા. અને એ તેની બાહોંમાં કેદ થઈ ગઈ.


વિવાને પોતાના હોઠ વચ્ચે ગઝલના કાનની બૂટ દબાવી. ગઝલના શરીરમાં પગથી માથા સુધી ઝણઝણાટી વ્યાપી ગઈ.. એ ધીરેથી વિવાન તરફ ફરી.


બંનેની નજર મળી, વિવાને માર્દવતાથી પોતાની હથેળીના સંપુટમાં ગઝલનો ચહેરો લીધો અને એના કપાળ પર કિસ કરી, ગઝલએ પાંપણો ઝુકાવી, વિવાને એના ગાલ પર ચૂમી ભરી. ગઝલની હળવી કંપારી છૂટી. તેણે એના ગળા પર ચુંબન કર્યું, ગઝલના શરીરમાંથી જાણે કરંટ પસાર થઈ ગયો. ગઝલએ બેઉ હાથની મુઠ્ઠીઓ ટાઈટ કરી અને આંખો બંધ કરી લીધી. તેના અંગ પર વિવાનના ગરમ શ્વાસનો સ્પર્શ થવાથી ગઝલની જાંઘના સ્નાયુ તંગ થયા, હોઠ થરથરવા લાગ્યા.


તેણે ગઝલનાં કાંપતા હોઠ પર પોતાનો અંગૂઠો રબ કર્યો અને પછી એમજ પોતાનો હાથ ગઝલનાં કાનની પાછળથી એના રેશમી વાળમાં પરોવ્યો અને બીજા હાથની આંગળી વડે ગઝલનો ચહેરો ઉંચો કર્યો. વિવાને તેના હોઠ પર ચુંબન કરવા પોતાનો ચહેરો ઝૂકાવ્યો, ગઝલનાં પેટમાં પતંગિયા ઉડ્યાં, એના ગાલ પર લોહી ધસી આવ્યું એ લાલ લાલ થઇ ગઇ. બંનેનાં હોઠ ઓર નજીક આવ્યા, બેઉના શ્વાસ અથડાવા લાગ્યા. ગઝલનાં ગળામાં ભૂરી નસ ઉપસી આવી. ગઝલના હાથ આપોઆપ વિવાનના ગળા ફરતાં વીંટળાયા. એ પોતાના પગનાં પંજા પર ઉંચી થઇ.


વિવાનના સખત હોઠ ગઝલના કાંપતા હોઠ પર ચંપાવાની તૈયારીમાં જ હતાં કે..

ડોર બેલ વાગી..


ગઝલએ ઝબકીને આંખો ખોલી. વિવાન પણ તરતજ તેનાથી દૂર થયો.


'રોંગ ટાઈમિંગ.' વિવાન બબડીને નીચે ગયો.


ગઝલ મનમાં હસી. તેણે બાથરૂમમાંથી ડ્રેસ લીધો અને બાલ્કનીમાં જઈને સૂકવ્યો. વન પીસ પહેરીને ઘરે જવામાં તેને સંકોચ થતો હતો. તે નીચે આવી ત્યારે વિવાન જમવાની પ્લેટસ લગાવતો હતો.


'હોટેલનો માણસ જમવાનુ આપવા આવ્યો હતો.' વિવાન એક નિઃશ્વાસ છોડીને બોલ્યો.


ગઝલ તેની બાજુમાં જઈને બેઠી. બંનેએ જમી લીધુ.

કિસ નહીં થવાનો વિવાનને અફસોસ હતો. તેને મન તો ઘણું હતું પણ ગઝલ મોબાઈલમાં ફોટો જોવામાં વ્યસ્ત થઇ ગઇ એટલે વિવાન હોઠ પર આવેલી વાત ગળી જઈને મેઈલ્સ તથા મેસેજ ચેક કરવા લાગ્યો.


'કોલ મી.' તેમાં એક મેસેજ રઘુનો પણ હતો. વિવાને ફોન લગાવ્યો.


'હેલો.'


'ભાઈ, ડોક્ટરે તમને મળવા બોલાવ્યા છે.'


'કાવ્યા ઠીક છે ને?' વિવાને ચિંતિત થઈને પૂછ્યું.


'હાં ભાઈ, એ ઠીક છે.'


'ઓકે, હું નીકળુ છું' વિવાને કહ્યુ.

ગઝલ તેની વાતો સાંભળતી હતી.


'ગઝલ..' ફોન કટ કરીને વિવાને તેની સામે જોયું.


'હું ફટાફટ ચેઈન્જ કરીને આવું.' ગઝલએ કહ્યું.


'આઇ એમ સોરી.. આપણે અહીં સાંજ સુધી રોકાવાના હતા પણ..'


'અરે! કોઈ વાંધો નહી.. આપણે નીકળી જઈએ. હું બસ પાંચ મિનિટમાં આવી.' ગઝલ હસીને બોલી.


'અરે! આમ જ ચલને.. સારી લાગે છે આ કપડામાં.'


'આવા કપડાંમાં ઘરે જવું છે?' ગઝલ આંખો પહોળી કરીને બોલી.


'એમાં શું વાંધો છે?'


'વિવાન.. ત્યાં બા, ફઈ, પપ્પા બધા હોય ને?'


'એમાં શું થઈ ગયું! કાવ્યા અને સમાઈરા ઘરે આવા જ કપડાં પહેરે છે.'


'ફરક પડે, હું વહુ કહેવાઉં.'


'આપણાં ઘરમાં વહું અને દિકરીઓ વચ્ચે કોઈ ભેદભાવ નથી. તું બિન્દાસ આ પહેરીને ચલ.'


'પણ એ લોકો સામે આવા કપડાં પહેરીને જવામાં મને અનકમ્ફર્ટેબલ લાગે વિવાન..'


'અને મારી સામે?' પૂછીને વિવાન લુચ્ચુ હસ્યો.


'શું તમે પણ..'


'બોલને.. મારી સામે આવા કપડાંમાં અનકમ્ફર્ટેબલ ફીલ નથી થતુ?'


ગઝલ નકારમાં માથું ઘુણાવીને શરમથી નીચે જોઈ ગઈ. તેના ગાલ લાલ થઈ ગયાં.


'તો હવેથી મારી સાથે બહાર જવાનું હોય ત્યારે આવા કપડાં જ પહેરવાના..' વિવાન નશીલા અવાજમાં બોલ્યો.


ગઝલ શરમાઈને ઉપર ચેઈન્જ કરવા જતી રહી.

વિવાન ખૂબ ખુશ થયો.


બંને અલીબાગથી સીધા હોસ્પિટલ આવ્યા. ગઝલએ પહેલીવાર કાવ્યાને જોઈ. તેની આજુબાજુમાં ઘણા બધા મશીન લાગેલા હતાં. કાવ્યાના ફેસ પર ઓક્સિજન માસ્ક લગાવેલો હતો. અને એ બેડમાં નિશ્ચેતનની જેમ પડી હતી. તેના શરીર પર હવે ઝખમ નહોતાં પણ માથા પર હજુએ પટ્ટી બાંધેલી હતી.

વિવાન ડોક્ટર સાથે વાત કરી રહ્યો હતો.


'વિવાન, ડોક્ટર સ્ટીફન ખૂબ બિઝી હોવાથી તેમની એપોઇન્ટમેન્ટ હજુ બે અઠવાડિયા પોસ્ટપોન થઈ છે. એટલે આપણે કાવ્યાનાં ઓપરેશન માટે હજુ પંદર દિવસ વેઈટ કરવી પડશે.' ડો. આચાર્યએ શોકિંગ ન્યુઝ આપ્યા.


'વ્હોટ? તમે તો કહેતાં હતા કે કાવ્યાની તબિયત હવે સુધારા પર છે અને બને એટલા જલ્દી આપણે ઓપરેશન કરીશું..' વિવાનને આંચકો લાગ્યો.


'હાં, તારી વાત સાચી વિવાન, કાવ્યા હવે ઓપરેશન માટે ફિઝિકલી ફીટ છે. કદાચ ઓપરેશન થોડું મોડું થાય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ઉલટું તેની સ્ટેમિના હજુ વધશે. અને ડો. સ્ટિફને પંદર દિવસમાં આવવાનું પ્રોમિસ કર્યુ છે, સો ડોન્ટ વરી.. તેણે પેશન્ટની કન્ડિશન જોયા પછી જ ડિસિઝન લીધુ છે.' ડોક્ટરે કહ્યુ.


'ઠીક છે ડોક્ટર..' વિવાન થોડો નિરાશ થઇને બોલ્યો. ડોક્ટર નીકળી ગયા. વિવાન કાવ્યા પાસે ગયો. તેના માથા પર હાથ ફેરવ્યો પણ તેને ક્યાં કંઇ ફીલ થતું હતું! વિવાનની આંખોમાં આંસુ આવી ગયા.


ગઝલ તેની નજીક સરકી અને તેના ખભા પર હાથ મૂક્યો. વિવાને ગઝલના પેટ પર માથું રાખીને આંસુ છુપાવ્યા.


'નિરાશ નહીં થાવ વિવાન.. થોડા દિવસોનો તો સવાલ છે, કાવ્યા બેન જરૂર સાજા થઈ જશે.' ગઝલ વિવાનના વાળમાં આંગળીઓ ફેરવતાં બોલી.


વિવાને આંસુ લૂછ્યા, પછી કાવ્યાના કપાળ પર હોઠ અડાડીને ઉભો થયો

બે પળ તેની સામે જોઈ રહ્યો.

'ટેક કેર બચ્ચા..' બોલીને તે ગઝલને લઈને બહાર નીકળ્યો.


આખો દિવસ ખુશ રહેલો વિવાન ઘરે પરત ફરતી વખતે એકદમ ઉદાસ હતો. તે કંઈ બોલ્યા વગર શાંતિથી કાર ચલાવી રહ્યો હતો.


ગઝલએ તેના ઘૂંટણ પર હાથ મૂક્યો. વિવાને તેનો હાથ પોતાના હાથમાં લઇને કિસ કરી. ઘર આવતા સુધી તેણે ગઝલનો હાથ પોતાના હાથમાં પકડી રાખ્યો.


ગાડી પાર્ક કરીને બંને જણ અંદર આવ્યાં.


'અરે! ગઝલ, વિવાન તમે આવી પણ ગયાં?' તેમને જલ્દી આવેલા જોઈને વૈભવી ફઈ બોલ્યા.


'હાં ફઈ..' વિવાને કહ્યુ.


'પણ તમે લોકો તો મોડે સુધી રોકાવાના હતા ને?' દાદીએ પૂછ્યું.


'હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો દાદી..' કહીને વિવાને કાવ્યા વિષેના બધી વાત કરી.


'ઠીક છે, ભગવાનની મરજી પ્રમાણે જ બધું થાય.. આપણે થોડી રાહ જોઈશું.' દાદીએ કહ્યુ.


વિવાન ઉપર પોતાની રૂમમાં જતો રહ્યો. ગઝલ થોડી વાર દાદી અને ફઈ સાથે બેઠી.


'ગઝલ બેટા, તું પણ રૂમમાં જા, વિવાન ત્યાં એકલો બેસીને રડી રહ્યો હશે.' દાદીએ કહ્યુ.


'હાં.' કહીને ગઝલ ઉભી થઇ.


'એ હવે નીચે નહીં આવે, તમારૂ ડિનર ઉપર મોકલી દઈશ..' દાદીએ કહ્યુ.


'હાં બા..' ગઝલ બોલી અને ઉપર તેના રૂમમાં ગઈ.


વિવાન ફ્રેશ થઈને બેડ પર આડો પડ્યો હતો. ગઝલએ દરવાજો બંધ કરીને તેની સામે જોયું. વિવાન માથા પર હાથ રાખીને સુતો હતો. ગઝલએ વોર્ડરોબમાંથી પોતાના કપડાં લીધા અને ફ્રેશ થવા બાથરૂમમાં ગઈ.


ગઝલ ફ્રેશ થઈને બહાર આવી. વિવાન હજુ એમ જ સૂતો હતો. નોકર આવીને જમવાનું મુકી ગયો હતો.


'વિવાન.. ચલો ઉઠો, જમી લઇએ.' ગઝલ તેની નજીક જઈને બોલી.


'મને બિલકુલ ભુખ નથી લાગી ગઝલ, તું જમી લે.' વિવાન બંધ આંખે જ બોલ્યો.


'ઠીક છે તો પછી, મને પણ ભુખ નથી લાગી.' ગઝલ બોલી.


વિવાને તરતજ આંખો ખોલીને તેની સામે જોયું.


'થોડુ એવું જમી લો ને વિવાન પ્લીઝ..' ગઝલ ક્યુટ ફેસ બનાવીને બોલી.


વિવાન ઉભો થયો. ગઝલએ જમવાની પ્લેટ તૈયાર કરી. અને બંને જણ એક જ પ્લેટમાં જમ્યા.


જમી લીધા પછી ગઝલ બેડ પર વિવાનની બાજુમાં આવીને બેઠી.

વિવાને તેના ખોળામાં માથું મૂક્યું. ગઝલ તેના વાળમાં આંગળીઓ ફેરવી રહી હતી.


'કાવ્યા ખૂબ નાની હતી ત્યારે મોમ અમને છોડીને ભગવાન પાસે જતી રહી. કાવ્યા મારુ સર્વસ્વ છે. જો એને કંઈ થઈ ગયું તો હું..' બોલતાં બોલતાં વિવાનનો સ્વર ગળગળો થઇ ગયો.


'શશીઈઈશશ.. કાવ્યા બેનને કશું નહી થાય. એ એકદમ સાજા થઈ જશે. તમારા જેવો ભાઈ જેની પાછળ ઉભો હોય એને કંઈ ના થાય. એ ચોક્કસ સારા થઇ જશે.' ગઝલ તેને સમજાવતા બોલી.


વિવાન હજુ એમ જ ગઝલનાં ખોળામાં માથું રાખીને સૂતો હતો. અને ગઝલ હળવે હળવે થપકી મારી રહી હતી. વાતો કરતાં કરતાં બંનેને એમજ ઉંઘ આવી ગઈ.


સવારે વિવાનની આંખ ખૂલી. તેણે જોયું તો તેને ખ્યાલ આવ્યો કે પોતે ગઝલના ખોળામાં સૂતો છે. તેણે ગઝલ સામે જોયુ તો એ પણ એમ જ બેડને ટેકે બેઠા બેઠા જ સૂઈ ગઈ હતી. તેને ગઝલ પર હેત ઉભરાઇ આવ્યું. ઉભા થઈને તેણે ગઝલને સરખી સુવડાવી અને તેના કપાળ પર હળવું ચુંબન કરીને એ ફ્રેશ થવા બાથરૂમમાં જતો રહ્યો.


થોડીવારમાં ગઝલની નીંદર પણ ખૂલી ગઈ. તેણે એક બગાસું ખાધું પછી અંગડાઈ લઇને આળસ મરડી અને ઉઠીને બેડ પર બેઠી.


વિવાન હંમેશની માફક આજે પણ કમર ફરતે એક ટોવેલ લપેટીને બીજા ટોવેલથી માથું લૂછતો બાથરૂમમાંથી બહાર આવ્યો.


'ગુડ મોર્નિંગ..' વિવાન ગઝલ સામે જોઈને બોલ્યો.


'ગુડ મોર્નિંગ..' ગઝલ મીઠું હસીને બોલી.


'વિક્રમનો ફોન આવ્યો હતો એટલે મારે જલ્દી ઓફિસ જવા નીકળવું પડશે.' વિવાન વોર્ડરોબ ખોલતાં બોલ્યો.


'નાસ્તો કરીને નીકળશો ને?'


'ના, હું નાસ્તો ઓફિસમાં જ કરી લઈશ.' વિવાન કપડાં પહેરતાં બોલ્યો.


'ઠીક છે, હું શાવર લઇને આવું છું.' ગઝલ બાથરૂમ તરફ જતાં બોલી.


'આરામથી આવ.'


ગઝલ બાથરૂમમાં ગઈ અને વિવાન તૈયાર થઈને નીચે ગયો. થોડીવાર પછી ગઝલ પણ તૈયાર થઈને રૂમની બહાર આવી.


તે દાદરા ઉતરતા નીચે આવી રહી હતી ત્યારે સામેનો સીન જોઈને જ્યાં ઉભી હતી ત્યાં જ થંભી ગઈ.


નીચે એક છોકરી વિવાનના ગળે લટકીને તેના ચહેરા પર કિસ કરી રહી હતી.


'પતિદેવ.. આઈ મિસ્ડ યૂ સો મચ..'


એ જેવી રીતે વિવાનને આલિંગનમાં જકડીને વર્તી રહી હતી એ જોઈને ગઝલ ઉપરથી નીચે સુધી હલી ગઈ હતી.


'સમાઈરા.. સ્ટોપ ઈટ પ્લીઝ..' વિવાન બોલ્યો.


'નો.. એટલા દિવસો પછી ઘરવાળીને મળ્યો છે તો કચકચાવીને ભેટવાને બદલે સ્ટોપ ઈટ બોલે છે?' કહીને સમાઈરા હસવા લાગી.


'ઘરવાળી? પતિદેવ? આ બધું શું છે?' ગઝલ ભયંકર ગડમથલથી એ લોકો સામે જોઈ રહી હતી.


રઘુનું ધ્યાન દાદારા પર ઉભેલી ગઝલ તરફ ગયું અને તેણે વિવાનને કોણી મારીને તેનું ધ્યાન એ તરફ દોર્યું.


વિવાને દાદરા તરફ જોયું તો ત્યાં ગઝલ સ્તબ્ધ થઈને એના સામે જોઈ રહી હતી. ગઝલનાં ચહેરા પર આઘાતનાં ભાવ આવીને થીજી ગયાં હતાં.

.

.


**

ક્રમશઃ


વિવાન અને ગઝલનું લગ્ન જીવન થાળે પડવાની તૈયારીમાં જ હતું ત્યાં સમાઈરાનું આગમન થયું છે.


શું ગઝલ, વિવાન અને સમાઈરાના ભૂતકાળ વિશે જાણશે?


ગઝલના પ્રત્યાઘાત કેવા હશે?


સમાઈરા તો વિવાન માટે એકદમ પઝેસિવ છે, તેને વિવાનના લગ્નની જાણ થશે ત્યારે એ શું કરશે?


શું મલ્હાર તેના આ કાવતરામાં સફળ થશે?



**

આ પ્રકરણ વાંચીને આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો. 🙏



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED