Pranay Parinay - 50 books and stories free download online pdf in Gujarati

પ્રણય પરિણય - ભાગ 50

પ્રણય પરિણય ભાગ ૫૦



સ્થળ: હોટેલ બ્લુ ડાયમંડનો વેઈટિંગ લાઉન્જ.


'ગુડ મોર્નિંગ ભાઈ.' વિવાને મિહિરનુ અભિવાદન કર્યું.


'ગુડ મોર્નિંગ વિવાન..' મિહિરે તેને ગળે લગાવ્યો.


'ગઝલ કેમ છે?' મિહિરે પુછ્યું.


'એકદમ મજામાં છે.'


'હેરાન તો નથી કરતી ને?'


'બહુ ખાસ નહીં.. હમણાં તો ભાભીનો શોપિંગ ફેસ્ટિવલ ચાલે છે, રોજ ભાઈના કાર્ડની લિમિટ ક્રોસ થઇ જાય છે.' રઘુ હસતા હસતા બોલ્યો.


'ઓહ રિયલી!? હું સમજાવીશ તેને..' મિહિરે કહ્યુ.


'ના મિહિર ભાઈ, આ રઘુ તેની ભાભીની ખીંચાઈ કરે છે. બાકી બૈરાઓ થોડું ઘણું શોપિંગ તો કરે જ ને?' વિવાન ગઝલનો પક્ષ લેતાં બોલ્યો.


'પણ એટલું બધું શોપિંગ?' મિહિર આશ્ચર્યથી બોલ્યો.


'ડેડીની લાડકી વહુ છે. કોઈની હિંમત નથી એને રોકવાની.. તેમના ચહેરા પર થોડી પણ ઉદાસી દેખાય તો પણ ડેડી ભાભીનો પક્ષ લઈને વિવાન ભાઈની ધૂળ કાઢી નાખે..' રઘુ હસતા બોલ્યો.


'નાદાન છે..' મિહિરે કહ્યુ.


'એકદમ..' વિવાન મનમાં બોલ્યો.


'બોસ, મિટીંગ ચાલુ થવામાં છે.' વિક્રમ ત્યાં આવતા બોલ્યો.


વિવાનની લગભગ પાછળ પાછળ જ મલ્હાર પણ હોટલમાં દાખલ થયો હતો. તેણે એ લોકોની બધી વાતો સાંભળી હતી. એ મનમાંને મનમાં ધૂંધવાતો હતો. રુદ્રપ્રતાપે તેનો સેવન સ્ટાર હોટેલ તથા અન્ય ચાર પ્રોજેક્ટ જે મલ્હાર કરી રહ્યો હતો તેને પરત લેવાની કારણદર્શક નોટિસ મલ્હારને ફટકારી હતી એ બાબત માટે તે રુદ્રપ્રતાપને મળવા આવ્યો હતો. જોકે એ બાબતમાં તે બિલકુલ બે ખબર હતો કે રુદ્રપ્રતાપની કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા તેના હાથમાંથી પ્રોજેક્ટ છીનવી લેવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો હતો.


'ચલો મિહિર ભાઈ..' વિવાને કહ્યું.


'બેસ્ટ ઓફ લક..' મિહિરે વિવાનની પીઠ થપથપાવીને અંદર જતાં કહ્યુ.


વિવાન, મિહિર, રઘુ, વિક્રમ અને મલ્હાર તથા તેનો મેનેજર અને એકાઉન્ટ ઉપરાંત બીજા બે ચાર બિઝનેસમેન પણ સાથે કોન્ફરન્સ રૂમમાં પ્રવેશ્યા. એટલા બધા લોકોને સાથે જ અંદર આવતા જોઇને મલ્હારને ખૂબ આશ્ચર્ય થયું.


રુદ્રપ્રતાપે બધાનું સ્વાગત કર્યું. સૌ પ્રથમ તેણે વિવાનને પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કરવાનું કહ્યું. મલ્હારને ફરીથી આશ્ચર્યનો આંચકો લાગ્યો. તે મનમાં બોલ્યો: 'આ શું? રુદ્રપ્રતાપ કોઈ નવો પ્રોજેકટ શરૂ કરવાના છે અને મને ખબર પણ નથી?'


વિવાને એકદમ શાંતિથી ભરપુર આત્મવિશ્વાસ સાથે તેનુ પ્રેઝન્ટેશન બતાવવાનું શરૂ કર્યું.

અને મલ્હારને એક પછી એક આઘાત લાગવાના શરૂ થયા. કેમકે વિવાનના પ્રેઝન્ટેશન અને પોતાની પાસે જે સેવન સ્ટાર હોટેલનો પ્રોજેક્ટ ચાલુ હતો તેમાં ખૂબ જ સામ્ય હતું. ફકત વિવાનની ડિઝાઇન તથા અંદરની સુવિધા અત્યંત આધુનિક હતી. વિવાનનું પ્રેઝન્ટેશન લગભગ એક કલાક સુધી ચાલ્યું. તેણે એટલું બધું ડિટેઈલિંગ કર્યું હતું કે બાકીના બિઝનેસમેનોએ પોતાનો વારો આવતા પહેલા જ હાર સ્વીકારી લીધી હતી. વિવાને પ્રેઝન્ટેશન પુરુ કરીને પ્રોજેક્ટનો ખર્ચ અને પૂર્ણ થવાનો સમય એક બંધ કવરમાં રુદ્રપ્તાપને સોંપ્યો.

પછી બાકીના બિઝનેસમેનોએ લગભગ નિરસતાથી પોતપોતાના પ્રેઝન્ટેશન રજૂ કર્યા.


ત્યારબાદ રુદ્રપ્રતાપ ઉભા થયા અને પોતાના લેપટોપ પર ક્લિક કર્યું. એ સાથે જ સામેની મોટી સ્ક્રીન પર એક પછી એક ડોક્યુમેન્ટ આવવા લાગ્યા.


'મિસ્ટર મલ્હાર રાઠોડ, અત્યારે તમે સ્ક્રીન પર જે ડોક્યુમેન્ટસ જોઈ રહ્યા છો એ મારા અને તમારા વચ્ચે થયેલા એગ્રીમેન્ટસ છે.'


'જી સર.' મલ્હાર સ્ક્રીન સામે જોઈને બોલ્યો. તેને ખબર હતી કે તેને નોટિસ બાબતે જ બોલાવ્યો છે. પણ આમ આ બધાની સામે મોટી સ્ક્રીન પર એગ્રીમેન્ટ શું કામ બતાવી રહ્યા છે એ તેને નહોતું સમજાતું.


'થેન્ક યુ વેરી મચ ફોર યોર એક્નોલેજ મિ. રાઠોડ. નાઉ પ્લીઝ રીડ કન્ડિશન નંબર એઈટ પારા થ્રી ફોર મી.'


'માય પ્લેઝર સર..' એ થોડી અસ્વસ્થતાથી બોલ્યો અને વાંચવાનું શરૂ કર્યું.


'શરત ક્રમાંક આઠનો પારા છ એ જણાવે છે કે અગર ઉપરોક્ત પ્રોજેક્ટનું સ્ટેજ ટુ સુધીનું કામ એટલે કે પ્લિંથ ભરવા સુધીનું કામ નેવું દિવસમાં ના થાય તો રુદ્રપ્રતાપ રિયલ્ટર્સ એક તરફી રીતે આ પ્રોજેક્ટને રાઠોડ ગૃપ પાસેથી લઈને કોઈ બીજી પાર્ટીને આપી શકે છે. અને જો એકસો વીસ દિવસમાં સ્ટેજ થ્રી..'


'બસ બસ.. આગળ વાંચવાની જરુર નથી.' રુદ્રપ્રતાપ બોલ્યા અને સ્ક્રીનને સ્ક્રોલ કરી એટલે ડિસ્પ્લે પર નવુ પેઈજ આવ્યું. આ બાજુ મલ્હારનું ગળુ સૂકાઈ રહ્યું હતું. સામે ટેબલ પર પાણીનો ગ્લાસ પડ્યો હતો પરંતુ તે ઉપાડીને પીવાની પણ તેની હિંમત નહોતી થતી.


'પ્લીઝ, થોડું પાણી પી લો મલ્હાર ભાઈ.' રુદ્રપ્રતાપે કહ્યુ.


મલ્હારે ધ્રુજતા હાથે ગ્લાસ ઉઠાવ્યો અને એકી શ્વાસે બધુ પાણી ગટગટાવી ગયો. તેને ગળામાં ઠસકું આવી ગયું. તેણે બે ત્રણ ઉધરસ ખાધી.


'રિલેક્સ મલ્હાર ભાઈ રિલેક્સ.' રુદ્રપ્રતાપ બોલ્યાં. એકાદ ક્ષણના વિરામ પછી એ બોલ્યાં: 'મલ્હાર ભાઈ, હવે કન્ડિશન નંબર દસ 'સી' વાંચો.'

મલ્હાર સ્ક્રીન સામે જોઈ રહ્યો. કંઈ બોલ્યો જ નહી.


'ચલો, તમારા બદલે હું વાંચી આપુ.' કહીને રુદ્રપ્રતાપ વાંચવા લાગ્યાં: આ આખા પ્રોજેક્ટમાં ક્યાંય પણ બ્લેક મની વપરાશે નહીં, અને જો એવું થશે તો પ્રોજેક્ટમાં અત્યાર સુધીના થયેલાં કામમાં વપરાયેલા તથા કોઈને પણ ચૂકવવાના બકી રહેલા બધા નાણાંની જવાબદારી રાઠોડ ગૃપની રહેશે અને એ વપરાયેલા તથા ચૂકવવાના બાકી રહેલાં નાણાં માટે રુદ્રપ્રતાપ રિયલ્ટર્સ એક પણ પૈસો નહીં ચૂકવે.'


એક મિનિટ માટે કોન્ફરન્સ રૂમમાં સન્નાટો છવાઈ ગયો. બધાની નજર મલ્હાર પર મંડાયેલી હતી. મલ્હાર નીચી મુંડી રાખીને ઉભો હતો.


'હાં, તો મિસ્ટર મલ્હાર રાઠોડ..' રુદ્રપ્રતાપનો ભારેખમ અવાજ કોન્ફરન્સ રૂમમાં ગુંજી ઉઠ્યો. તમને યાદ છે ને કે આ પ્રોજેક્ટ મેળવવા માટે કામ સમયસર પૂર્ણ કરવાની શરત મુખ્ય હતી? તમે એના સિવાયની એગ્રીમેન્ટની શરતોનો પણ ભંગ કર્યો છે એથી સેવનસ્ટાર હોટેલના મારા ડ્રીમ પ્રોજેક્ટ ઉપરાંતના જે ચાર પ્રોજેક્ટની ડીલ તમારી સાથે થઈ છે એ ડીલ આ ઘડીથી કેન્સલ કરવામાં આવે છે અને એ પ્રોજેક્ટ કાપડિયા કંપનીઝ અને શ્રોફ ગૃપના જોઈન્ટ વેન્ચર એવા "ગઝલ એન્ડ કાવ્યા કંપની પ્રાઈવેટ લિમિટેડ" ને આપવામાં આવે છે.


બે સેકન્ડની સ્તબ્ધતા પછી કોન્ફરન્સ રૂમમાં હાજર હતા એ બધા લોકોએ તાળીઓ પાડી. પછી વિવાન અને મિહિરને અભિનંદન આપ્યા અને એક એક કરીને બધા બહાર નીકળ્યા.


મલ્હારની હાલત કાપો તો લોહી ના નીકળે એવી થઈ ગઈ હતી. વિવાન તેની નજીક ગયો અને બોલ્યો: 'મને અભિનંદન નહીં આપે મલ્હાર?'


મલ્હાર ખુન્નસ ભરી નજરે તેની સામે જોઈ રહ્યો. એ ધારે તો પણ કશું કરી શકે તેમ નહતો.


'રિમેમ્બર વન થિંગ મલ્હાર.. તે વિવાન શ્રોફ સાથે પંગો લીધો છે. મારા માટે જે કંઈ છે તે મારી ફેમીલી છે. તે મારી ફેમીલી પર હાથ નાંખ્યો છે.. તું બરબાદ થઇ જઈશ..' વિવાન તેની આંખોમાં જોઇને બોલ્યો. પછી આંખો પર ગોગલ્સ ચઢાવીને બહાર જતો હતો ત્યાં એને કશું યાદ આવ્યું એટલે પાછો મલ્હાર તરફ ફર્યો.


'હજુ એક વાત.. ગઝલ ફક્ત મારી છે, એટલે ચિપ ફોટો મોકલવાનું રહેવા દે. તારી એ નીચ હરકતને કારણે અમારા વચ્ચે ગેરસમજ થવાને બદલે એ મારી વધુ નજીક આવી ગઈ. પ્યારમાં જેલસી પણ પ્રેમ વ્યક્ત કરવાનું એક માધ્યમ છે. જોકે એ સમજવું તારા ગજા બહાર છે.' એમ કહીને વિવાને મલ્હારનો ગાલ થપથપાવ્યો અને ત્યાંથી નીકળી ગયો.


**


મલ્હાર ઘરે પહોંચીને સીધો પોતાની રૂમમાં ઘૂસ્યો.

રૂમનો દરવાજો અંદરથી લોક કરીને બેડ પર બેસીને મલ્હારે પોતાના જ વાળ ખેચીને રાડ નાખી: 'આઆઆઆ…'


વિવાનનો દાવ તેની કલ્પના બહારનો હતો. એક તરફ ઈડી બીજી તરફ ધંધામાં જબરદસ્ત ફટકો. કંપનીના બેંક એકાઉન્ટ પર ટાંચ.. વ્હાઈટની ક્લીન પ્રોપર્ટી ગીરવે પડી હતી.. એને કંઈ સુઝતુ નહોતું.

ઘડીકની વારમાં શુંનુ શું થઈ ગયું હતું.

એક સમયે તે પોતે ગઝલની પ્રોપર્ટી હડપ કરવાની વેતરણમાં હતો અને કાવ્યાને ફસાવીને શ્રોફ ગૃપના પ્રોજેક્ટ કબજે કરવા માંગતો હતો. એના બદલે આજે ગઝલના અને કાવ્યાના નામ પર એક અલગ કંપની બની ગઈ હતી. અને એ નવી બનેલી કંપની પોતાના હાથમાંથી પ્રોજેક્ટ પણ છીનવી ગઈ હતી. પોતે રીતસરનો રસ્તા પર આવી ગયો હતો. માર્કેટમાં એના વિષે વાતો ફેલાઇ ગઇ હતી. એ હજુ વિચારતો જ હતો ત્યાં બે ત્રણ ઉઘરાણી વાળાનાં ફોન આવી ગયા.


એ ચાલ પણ વિવાનની હતી તેણે જ માર્કેટમાં ખબર ફેલાવી હશે તે વાત સમજવી મલ્હાર માટે અઘરી નહોતી. મલ્હાર હવે ખરેખરો ગિન્નાયો હતો. તેણે એક નંબર ડાયલ કર્યો.


'મને લાગે છે કે વિવાનને આપણી બાબતની બધી માહિતી છે. તો જ આટલી તૈયારી સાથે એક પછી એક ચાલ ચાલી શકે. તપાસ કર એની બહેન હોશમાં આવી કે નહીં?' મલ્હારે ફોન પર સૂચના આપી.


'યસ બોસ.' સામે વાળી વ્યક્તિએ કહ્યુ.


એક દોઢ કલાક પછી મલ્હાર પોતાની કેબિનમાં સિગરેટના ધૂમાડા છોડતો બેઠો હતો ત્યાં એના મોબાઈલ પર પેલી વ્યક્તિનો ફોન આવ્યો.


'બોલ.' મલ્હારે ફોન ઉઠાવીને કહ્યુ.


'બોસ, એની બહેન હજુ હોસ્પિટલમાં બેહોશ પડી છે. તેનું ખૂબ મોટું ઓપરેશન થવાનું છે. તેના માટે સ્પેશિયલી અમેરિકાથી ડોક્ટર આવવાના છે. આ ઓપરેશન પછી યા તો કાવ્યા સાજી થઈ જશે યા તો હંમેશાં માટે..' પેલી વ્યક્તિએ માહિતી આપી.


'તેના સાજી થવાના ચાન્સિસ કેટલા છે?'


'મેં જે માહિતી મેળવી છે એ મુજબ તો આવા ઓપરેશનમાં પેશન્ટની બચવાની શક્યતા નહીંવત્ હોય છે, પણ આ લોકોએ જે અમેરિકન ડોક્ટર શોધ્યો છે તેના લગભગ બધા ઓપરેશન સફળ રહ્યા છે. તેના બહુ ઓછા કેસ બગડ્યા છે.'


'એ ડોક્ટર કાવ્યા સુધી પહોંચે એના પહેલા કાવ્યા ઉપર પહોંચી જવી જોઈએ..' મલ્હારે આદેશ આપ્યો.


'અઘરું છે બોસ, વિવાને સિક્યોરિટી ખૂબ ટાઈટ કરી દીધી છે. હોસ્પિટલમાં ઠેર ઠેર તેના માણસો ગોઠવાયેલા છે.'


ફોન કટ કરીને મલ્હાર વિચારમાં પડ્યો. ફોન પર વાત કર્યા પછી તેનુ ટેન્શન ઉલટું વધી ગયું હતું. ઈડીની પુછપરછ હજુ બાકી હતી, ક્યારે શું થાય તે નક્કી નહોતું. ધરપકડ થવાની શક્યતા પણ હતી. જોકે તેની ધરપકડ થાય તો પણ ઈડીના કેસમાં બે ચાર વરસ કરતાં લાંબી સજા થાય તેમ નથી. પણ જો કાવ્યા હોશમાં આવીને બયાન આપે તો લગ્નની લાલચ આપીને બળાત્કાર અને ઉપરથી એટેમ્પટ ટુ મર્ડરના કેસમાં તેને બહુ લાંબી સજા થાય એ ચોક્કસ વાત હતી. એવું તેના વકીલનુ કહેવું હતું.

તેને કોઈ એવી વ્યક્તિ જોઈતી હતી જે તેને કાવ્યા સુધી પહોંચાડી શકે.

ગઝલ પાસેથી આ કામ લેવું અઘરું હતું કેમ કે હવે વિવાન ચેતી ગયો હતો. હવે તે એને ગઝલ સુધી પહોંચવા નહીં દે એની તેને ખબર હતી.


સૌથી પહેલા તેણે તેના વકીલને ફોન કરીને સુપ્રીમ કોર્ટમાં એન્ટિસિપેટરી બેલ એટલે કે આગોતરા જામીનની અરજી કરવાનું કહી દીધું.


પછી તેણે ડ્રોવરમાંથી વિવાનના ફેમીલી મેંબર્સની ફાઈલ કાઢી.

ફાઈલ જોતા જોતા તેની નજર સમાઈરાના ફોટા પર પડી. તેને તરતજ કાવ્યાએ કહેલી વાતો યાદ આવી. સમાઈરા અને વિવાન વિશેની ઘણી બધી વાતો કાવ્યાએ તેને કહી હતી.


'સો મિસ સમાઈરા.. તમારે તમારા વિવાન પાસે અરજન્ટ આવવું પડશે.. નહિતર તમારો વિવાન આ જન્મે તો તમારો નહીં થાય..' તેના મોબાઈલમાં ગુગલ બ્રાઉઝર ખોલીને ખંધુ હસતાં મલ્હાર એકલો એકલો બબડ્યો.

પછી ગુગલ પર સર્ચ કરીને તેણે સમાઈરા અમેરિકાની જે કોલેજમાં એમ એસ કરી રહી હતી એ કોલેજની વેબસાઇટ શોધી. એ વેબસાઈટ પરથી તેને સમાઈરાનું ઈમેલ એડ્રેસ મળ્યું. વિવાને ફેક ઈમેલ આઈ ડી પરથી સમાઈરાને મેલ કર્યો અને સાથે થોડાં ફોટા પણ સેન્ડ કર્યા.

પછી લાંબા પગ કરીને તેણે એક સિગરેટ સળગાવી.


'ધ રીયલ ગેમ સ્ટાર્ટસ નાઉ..' સિગરેટનો ધૂમાડો હવામાં ઉંચે સુધી છોડીને એ બોલ્યો.



**


થોડા દિવસ એમ જ વિતી ગયા.

કોર્ટમાંથી મલ્હારને એકવીસ દિવસનાં આગોતરા જામીન મળ્યા હતા.


આ બાજુ, દિવસભરનાં ફોન કોલ્સ અને મિટિંગો એટેન્ડ કરી કરીને વિવાન નીચોવાઈ જતો હતો. હવે તેની જવાબદારી પણ ડબલ થઈ ગઈ હતી. મિહિર સાથેની નવી કંપની હેન્ડલ કરવા ઉપરાંત તેની પોતાની કંપનીનું કામકાજ પણ સંભાળવુ પડતું હતું. રાતે ઘરે આવવામાં પણ મોડું થઈ જતું હતું. ઘણીવાર એવું બનતું કે તે આવે ત્યાં સુધીમાં ગઝલ ઉંઘી ગઈ હોય. દાદી અને ફઈ વચ્ચે પણ આ વિશે ચર્ચા થઈ હતી પણ તેમની પાસે આનો કોઈ ઉપાય નહોતો.


છેવટે એક દિવસ દાદીએ વિવાન પાસે પોતાના મનની વાત ઉચ્ચારી:

'વિવાન બેટા, તારા નવા નવા લગ્ન થયા છે, તું આમ રોજ રોજ મોડો આવે તો વહુંને કેવું લાગે? તું વહુને સમય નથી આપી શકતો એમાં તમારી વચ્ચે વાતચીત પણ ઓછી થઈ ગઈ છે. એ બિચારી શું વિચારતી હશે?'


'દાદી, એક સાથે બે કંપનીઓ સંભાળવી ઈઝી નથી, ખૂબ કામના લીધે ઘરે આવતાં મોડું થઈ જાય છે અને થાકી જવાય છે. બાકી બીજુ કંઈ નથી.' વિવાનના અવાજમાં અત્યારે પણ થાક વર્તાઈ રહ્યો હતો.


'બરોબર છે બેટા, હું તારી વાત માનું છું. પણ કામની પાછળ ઘર પર દુર્લક્ષ કરીને કેમ આલશે?'


'ગઝલએ કોઈ ફરિયાદ કરી કે તમને?'


'ના એ તો કંઈ નથી બોલી પણ તારી રાહ જોતી હોય છે એ તો અમને દેખાય ને? અમારી પાસે બેસીને પણ કેટલી વાર વાતો કરે બિચારી?'


'હમ્મ.. ઓકે, આવતા રવિવારે તેને ક્યાંક બહાર લઈ જઈશ. ઠીક છે?'


'હા. ઠીક છે.'


સવારે દાદીએ વૈભવીને વિવાન સાથે થયેલી વાત કરી. એ સાંભળીને વૈભવી ફઈ પણ ખૂબ ખુશ થયા.


રવિવાર આવ્યો. દાદી અને ફઈએ સામેથી યાદ કરીને તેઓને બહાર મોકલ્યા.


'આપણે ક્યાં જઇ રહ્યા છીએ?' ગઝલએ ગાડીમાં બેસીને પુછ્યું.


'અલીબાગ..' વિવાને કહ્યુ.


'વાઉઉ.. અલીબાગ..' ગઝલ ખુબ ખુશ થઈ..


સવાર સવારમાં ટ્રાફિક ઓછો હતો એટલે બે સવા બે કલાકમાં તેઓ પોતાના અલીબાગ ખાતેના બંગલા પર પહોચી ગયા.


ગાડી જોઈને વોચમેને ગેટ ખોલ્યો. વિવાને ગાડી અંદર લીધી. અંદર ચોતરફ મોટી મોટી નાળિયેરી અને આંબાના વૃક્ષો હતા. વચ્ચે બેઠા ઘાટનો એક માળ વાળો સરસ મજાનો બંગલો હતો. બંગલાની પાછળ થોડાક જ અંતર પર સમુદ્ર હતો. બંગલા અને સમુદ્ર વચ્ચેના મુલાયમ સફેદ રેતીના બીચને કારણે એકદમ મનોહર દ્રશ્ય રચાતુ હતું. તેના બંગલાની આજુબાજુમાં ઘણા ફિલ્મ સ્ટાર્સના પણ બંગલાઓ હતા.


બંગલાની અંદર સુંદર ફર્નિચર અને કલાત્મક પેઇન્ટિંગ્સ તથા બારીઓ પર સરસ મજાના પરદાઓ લગાવવેલા હતા. બંગલામાં અદ્દભુત ઠંડક અને શાંતિ હતી. ગઝલ ખુબ કુતુહલથી બધુ જોઈ રહી હતી.


'ગમ્યું?' વિવાને પૂછ્યું.


ગઝલ હકારમાં માથું હલાવીને બોલી: 'તમારો આ બંગલો ખૂબ જ સરસ છે.'


એ સાંભળીને વિવાને "ના"માં માથુ ધુણાવ્યું.


'તો?' ગઝલ આશ્ચર્યથી તેની સામે જોતા બોલી.


'આપણો બંગલો..' વિવાન તેની નજીક આવીને બોલ્યો.


ગઝલ મીઠું હસી.


'ઉપર દરેક રૂમમાં બાથરૂમ છે. તુ ફ્રેશ થઇ જા એટલે આપણે બહાર જઈએ.' વિવાને કહ્યુ.


'હાં.' કહીને ગઝલ દાદરા ચઢી ગઈ.


ઉપર એક રૂમમાં જઈને ગઝલ ફ્રેશ થઇ. વાળ સરખા કરીને મેકઅપનો ટચ અપ કર્યો અને નીચે આવી.

નીચે વિવાન તેની રાહ જોતો કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. ગઝલ આવી એટલે તેણે ફોન મુક્યો અને તેની પાસે જઈને કહ્યુ: 'નીકળશું?'


ગઝલએ માથુ હલાવીને 'હાં' કહ્યુ.

બંને જણ બહાર ફરવા નીકળી ગયા. વિવાને તેને અલીબાગના બધા ફેમસ પોઈન્ટ્સ બતાવ્યા. દરેક જગ્યાએ ગઝલએ ખૂબ બધા ફોટા લીધા. તેને ત્યાંના બીચ અને ત્યાંનું ખુશનુમા વાતાવરણ ખુબ પસંદ આવ્યું. બેઉ જણા હાથમાં હાથ પરોવીને બધી જગ્યાએ ફર્યા. ગઝલને હવે વિવાન જોડે ફાવી ગયું હતું. વિવાન જે રીતે તેની કાળજી લેતો હતો એ તેને ખૂબ ગમતું હતું. હવે ગઝલ તેની સાથે બિન્દાસ વર્તી શકતી હતી. વિવાન હોય ત્યાં તેને ડર નહીં પણ કમ્ફર્ટેબલ ફીલ થતું, સેફ લાગતું.


ફોટો લેતાં લેતાં એક જગ્યાએ ભીની માટીને લીધે ગઝલ લપસીને પડી ગઈ. તેને ખાસ વાગ્યું તો નહીં પણ ડ્રેસ ખરાબ થઇ ગયો.


'તને વાગ્યું કે?' વિવાને તેને ઉભી કરતાં પુછ્યું.


'નહીં પણ આ કિચડ લાગી ગયો.. હું તો બીજા કપડાં પણ નથી લાવી..'


'કોઈ વાંધો નહી, સામે ઘણી બધી દુકાનો છે. નવો લઈ લેશુ.' વિવાને કહ્યુ.


બંને જણ ત્યાંથી નીકળ્યા. ગઝલનો ડ્રેસ ખરાબ થયો હતો એટલે એ ગાડીમાં જ બેસી. વિવાન સામેની માર્કેટમાં જઈને તેના માટે નવો ડ્રેસ ખરીદી લાવ્યો.


'આ લે.' કહીને વિવાને શોપિંગ બેગ ગઝલના હાથમાં આપી.


'થેન્કસ.' ગકલએ સ્માઈલ કરી.


'તને ભુખ લાગી હશે ને? ચલ કંઈ ખાઈ લઇએ.' વિવાન ગાડી સ્ટાર્ટ કરતાં બોલ્યો.


'ના, નહીં.. મારે પહેલા આ ડ્રેસ ચેઈન્જ કરવો છે.'


'ઠીક છે, તો જમવાનુ આપણે બંગલા પર જ મંગાવી લઈએ.'


'હાં, ઓકે.'

થોડીવારમાં બંને બંગલા પર આવ્યા. ગઝલ ડ્રેસની બેગ લઇને ઉપરની રૂમમાં ગઈ. અલીબાગ સુધીનું ટ્રાવેલીંગ અને ફરવાને કારણે ગઝલને થાક લાગ્યો હતો એટલે તેણે ગરમ પાણીનો શાવર લીધો. નાહીને શરીર પર ટોવેલ વીંટાળીને એ બહાર આવી. બેડ પર પડેલી બેગમાંથી તેણે નવો ડ્રેસ કાઢ્યો.


ડ્રેસ જોઇને તેની આંખો પહોળી થઈ. વિવાન તેની માટે ફ્રોક જેવો સાવ ટૂંકો વન પીસ લઈને આવ્યો હતો. એની લેન્થ સાથળ સુધી માંડ હતી.


'વિવાન મારી માટે આવો ડ્રેસ લાવ્યા? હે ભગવાન! આ કેટલો શોર્ટ છે! આ હું કેવી રીતે પહેરું..' તે મૂંઝાઈને બબડી.

.

.


**

ક્રમશઃ


શું મલ્હારનો કાવ્યાને પતાવી દેવાનો ઈરાદો સફળ થશે?


તેને મળેલા જામીનનો ઉપયોગ મલ્હાર કેવી રીતે કરશે?


તેણે મોકલેલા ઈમેઈલ જોઈને સમાઈરાનું રિએક્શન કેવું હશે?


શું સમાઈરા ઇન્ડિયા આવશે? અગર હાં, તો વિવાનના જીવનમાં કેવું તોફાન આવશે?


શું ગઝલ વિવાને લાવેલો ટૂંકો ડ્રેસ પહેરશે?


**


મિત્રો, આ નવલકથા લખવાની શરૂઆત કરી ત્યારે મને બિલકુલ ખબર નહોતી કે હું આટલું બધું લખી શકીશ. આજે આ નવલકથાનું પચાસમુ પ્રકરણ પ્રકાશિત થઈ શક્યું છે, તેની પાછળ આપ સૌનો પ્રેમ અને તમારા પ્રેરણાદાયી તથા લાગણી ભીના સંદેશાઓને કારણે મને સતત મળતું મોટિવેશન જવાબદાર છે. આ સફળતાના ખરા હકદાર આપ સૌ છો. 🙏 તમારામાંથી ઘણા બધા વાચકો સાથે ઘર જેવો સંબંધ બંધાઇ ચૂક્યો છે. ઘણા બધા નવા મિત્રો પણ બન્યાં છે. આપ સૌ વાચકોનો હૃદયથી આભાર 🙏

❤ નવલકથાનું આ પ્રકરણ વાંચીને તમારા પ્રતિભાવો જરૂરથી આપશો. ❤










બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED