પ્રારંભ - 62 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

પ્રારંભ - 62

પ્રારંભ પ્રકરણ 62

દહીસર આવ્યું એટલે કેતને ગાડી ઠાકુર મોલ તરફ લેવાનું કહ્યું. રવિ ઠાકુર મોલની બહાર જ ઉભો હતો. કેતને એને દૂરથી જોઈ લીધો અને ગાડી એના તરફ લીધી. રવિ દરવાજો ખોલીને કેતનની બાજુમાં ગોઠવાઈ ગયો.

" મનસુખભાઈ હવે ગાડીને હાઈવે થઈને વલસાડ તરફ લઈ લો. " કેતને સૂચના આપી.

"બહુ રાહ જોવી નથી પડી ને ? પાર્લા થી દહીસરનો રસ્તો લાંબો છે અને ટ્રાફિક પણ ઘણો છે. " કેતને સહજ પૂછ્યું.

" ના ના. મને બસ પંદરેક મિનિટ જ થઈ છે." રવિ બોલ્યો.

"બોલ હવે આપણે તારા કેસ વિશે થોડી ચર્ચા કરી લઈએ. કોને મળવા જઈ રહ્યા છીએ આપણે ? " કેતને પૂછ્યું.

"૧૭ ૧૮ વર્ષની ઉંમરના એક મંદબુદ્ધિ બાળકને ! મારા એક કસ્ટમર વલસાડમાં છે જે દર ત્રણ-ચાર મહિને એમના દીકરાની ટ્રીટમેન્ટ કરાવવા મુંબઈ આવે છે. મારી હોટલમાં ઉતરે છે એટલે એમની સાથે પરિચય થયો. એમનો દીકરો એકદમ મંદબુદ્ધિનો છે. ખાવાપીવાનું કે ઝાડા પેશાબનું પણ એને કોઈ ભાન નથી. ૨૪ કલાક ડાઇપર પહેરાવી રાખવું પડે છે. મેન્ટલી રિટાર્ડેડ છે." રવિ બોલી રહ્યો હતો.

"તારી શક્તિઓ જોઈને મને બસ વિચાર આવ્યો કે આ બાળક પણ કદાચ નોર્મલ થઈ શકે ! આપણે એક પ્રયાસ કરવાનો છે કેતન. રીઝલ્ટ મળવું ન મળવું ઈશ્વરને હાથ છે ! " રવિ બોલ્યો.

" તારી ભાવના સાચી છે. મને ખબર નથી મને સફળતા મળશે કે નહીં પરંતુ કોશિશ જરૂર કરીશ. " કેતન બોલ્યો.

બંને મિત્રો વાતો કરતા કરતા પોણા બાર વાગે વલસાડ પહોંચી ગયા.

" આપણે ધરમપુર રોડ ઉપર અબ્રામા વિસ્તારમાં રિયા રેસીડેન્સી પહોંચવાનું છે. તું ગૂગલમાં ડાયરેક્શન મૂકીને મનસુખભાઈને મોબાઈલ આપી દે. કારણ કે મેં પણ રસ્તો જોયો નથી. હું પણ એમના ઘરે પહેલી વાર જાઉં છું. મેં સવારે એમની સાથે ફોન ઉપર વાતચીત કરી લીધી છે. છતાં અત્યારે ફરી ફોન કરી દઉં છું. " રવિ બોલ્યો.

કેતને પોતાના મોબાઈલમાં લોકેશન શોધીને ડાયરેક્શન સ્ટાર્ટ કર્યું અને મોબાઈલ મનસુખભાઈને આપી દીધો.

ડાયરેક્શન પ્રમાણે અડધા કલાકમાં ગાડી રિયા રેસીડેન્સી પહોંચી ગઈ.

રવિએ ફોન કરેલો એટલે શ્રીકાંતભાઈ સોસાયટીના ગેટ બહાર જ ઉભેલા હતા. ગાડીમાં મુંબઈનો નંબર જોયો એટલે એમણે હાથ લાંબો કર્યો. મનસુખ માલવિયાએ ગાડીને સાઈડમાં દબાવી અને પાર્ક કરી.

" આવો આવો રવિભાઈ. તમારી જ રાહ જોતો હતો. તમે આવવાના હતા એટલે આજે બેંકમાં રજા રાખી છે. " શ્રીકાંતભાઈ બોલ્યા. એમની ઉંમર લગભગ ૪૫ આસપાસ લાગતી હતી.

"આ મારા મિત્ર કેતનભાઇ સાવલિયા. ખાસ તમારા માટે એમને સાથે લઈ આવ્યો છું. એ તમારા દીકરાને જોવા માંગે છે. " રવિ બોલ્યો.

" જી નમસ્તે. આપે અમારા માટે અહીં સુધી આવવાની તસ્દી લીધી એ બદલ આભાર. " શ્રીકાંતભાઈ કેતન સામે હાથ જોડીને બોલ્યા.

" તમે મારા કરતાં ઉંમરમાં મોટા છો. હાથ ના જોડશો. રવિએ મને વાત કરી એટલે હું આવ્યો છું. " કેતન બોલ્યો.

" જી. રવિભાઈ મારા દીકરા વિશે બધું જ જાણે છે. ચાલો આપણે ઘરે જઈએ " કહીને શ્રીકાંતભાઈ આગળ ચાલ્યા. એમનો ફ્લેટ બીજા માળે હતો.

ઘરે પહોંચ્યા પછી કેતન અને રવિ મોટા સોફા ઉપર બેઠા. શ્રીકાંતભાઈ નાના સોફા ઉપર બેઠા અને એમનાં
પત્નીને ધવલને લઈ આવવાનું કહ્યું.

થોડીવારમાં શ્રીકાંતભાઈનાં પત્ની એમના દીકરા ધવલને લઈને બહાર આવ્યાં અને એને સામેની ખુરશી ઉપર બેસાડ્યો.

કેતન ધવલની સામે પાંચ મિનિટ સુધી એકીટશે જોઈ રહ્યો.

" તમે જૈન છો ? " કેતને અચાનક શ્રીકાંતભાઈને પૂછ્યું.

" હા શ્રીકાંત શાહ મારું નામ છે. "

" તમારા દાદાનું નામ ચુનીલાલ શાહ." કેતન બોલ્યો.

" જી બિલકુલ સાચું. " શ્રીકાંતભાઈ આશ્ચર્યથી બોલ્યા.

" ચુનીલાલના પિતાનું નામ તલકચંદ. આ તલકચંદ વ્યાજવટાનો ધંધો કરતા હતા. લોકોની જમીન લખાવીને અથવા દાગીના મૂકાવીને ઊંચા વ્યાજે પૈસા ધીરતા હતા. મોટાભાગના લોકો ગરીબીના કારણે મૂડી ના આપી શકે એટલે મૂડી કરતાં બમણું વ્યાજ લીધું હોવા છતાં જમીન અને દાગીના પચાવી લેતા. આ રીતે મફતમાં લોકોનું સોનું અને જમીનો પચાવી પચાવીને એ શ્રીમંત જાગીરદાર બની ગયા અને રહેવા માટે મોટી હવેલી બનાવી." કેતન બોલતો હતો.

"મહેનત વગરનો પૈસો હાથમાં આવ્યા પછી એ ઐયાશી બની ગયા હતા. અનેક ગરીબ લોકોની આંતરડી કકળાવી હતી. જ્યારે અંતિમ સમય આવ્યો ત્યારે પોતાની દોલત અને જમીન જાગીર ઉપરનો મોહ છૂટતો ન હતો એટલે જીવ જતો ન હતો. કાળ કોઈને છોડતો નથી. બધું અહીને અહીં મૂકીને મરવું પડ્યું. મર્યા પછી એમનો જીવ પ્રેત બની વર્ષો સુધી હવેલીમાં જ ભટકતો રહ્યો. " કેતન બોલતો હતો.

"તમારો દીકરો એ તલકચંદ પોતે જ છે. આ ઘરની માયા છૂટી નહીં એટલે છેવટે આ જ ઘરમાં પશુયોનિમાં એનો જન્મ થયો છે. એની મમતા અને મોહના કારણે આ જ ઘરમાં એનો જન્મ તો થયો પરંતુ એ પોતે એને ભોગવી શકતો નથી. એટલા માટે જ એને શરીરનું કોઈ જ ભાન નથી. " કેતન બોલ્યો.

સૌ સ્તબ્ધ બનીને સાંભળી રહ્યાં. કેતને જે તલકચંદ નામ આપ્યું હતું એ પણ સાચું હતું. કારણ કે શ્રીકાંતભાઈના પરદાદાનું નામ તલકચંદ જ હતું !!

"તમારી વાત એકદમ સાચી છે. બાપ દાદા વખતની અમારી એક બંધ હવેલી પણ મારા વતનમાં હતી જે દસ વર્ષ પહેલાં જ એક બિલ્ડરને વેચી દીધી." શ્રીકાંતભાઈ અહોભાવથી બોલ્યા.

" માયા અને મમતાના કારણે જ જનમો જનમનું ચક્કર ચાલ્યા કરતું હોય છે. " કેતન બોલ્યો.

" હવે ધવલના સારા થવાનો કોઈ ઉપાય જ નથી ? શું એ આખી જિંદગી આવો જ રહેશે ? અમે છીએ ત્યાં સુધી તો બધું બરાબર પરંતુ અમારા પછી એનું કોણ ? " શ્રીકાંતભાઈ ચિંતિત થઈને બોલ્યા.

"તમારી વાત સાચી છે અંકલ. પરંતુ આપણે એમાં કંઈ જ કરી શકતા નથી. હું એને એકદમ નોર્મલ તો ના કરી શકું. પરંતુ એની કર્મેન્દ્રિયો જાગૃત થાય એટલું કરી આપું. એને પશુયોનિમાંથી મનુષ્યયોનિમાં લાવવાની કોશિશ કરું જેથી એને થોડી સમજણ પડે. એને ભૂખ લાગે, તરસ લાગે, બાથરૂમ લાગે કે હાજત લાગે તો ઈશારો કરીને કહી શકે. એનામાં થોડી વાણી પણ આવે. તમારી ભાષા પણ થોડી થોડી સમજી શકે. બસ એથી વિશેષ કંઈ જ નહીં. કારણ કે દરેકે પોતાના કર્મોનાં ફળ તો ભોગવવાં જ પડે છે. " કેતન બોલ્યો.

"બસ એટલું કરી આપો તો પણ અમારા માટે ઘણું છે. કારણ કે અત્યાર સુધીમાં ડૉક્ટરો પાછળ ઘણા પૈસા બરબાદ કર્યા છે પરંતુ કોઈ રીઝલ્ટ આવતું નથી. અત્યારે તો એને એના શરીરનું કોઈ ભાન જ નથી. તમે કહો છો તેમ પશુ જેવું જીવન જીવે છે. " શ્રીકાંતભાઈ બોલ્યા.

કેતન થોડી વાર માટે સોફામાં જ ધ્યાનસ્થ થઈ ગયો. પાંચેક મિનિટની નિરવ શાંતિ પછી કેતન ઉભો થયો અને ધવલના માથા ઉપર હાથ રાખ્યો. બે મિનિટ સુધી માથા ઉપર હાથ રાખીને એ સ્થિર ઉભો રહ્યો.

બધાના આશ્ચર્ય વચ્ચે આ બે મિનિટ દરમિયાન ધવલનો ચહેરો જે સાવ વિકૃત લાગતો હતો એ નોર્મલ થવા લાગ્યો. આંખો પહેલાં ચકળવકળ થતી હતી એના બદલે સ્થિર રહેવા લાગી. મોઢામાંથી લાળ પડતી હતી એ બંધ થઈ ગઈ.

"હવે મને એક વાડકીમાં થોડું પાણી આપો. અડધી વાડકી જેટલું જ લાવજો. " સોફા ઉપર બેઠા પછી કેતન બોલ્યો.

ધવલની મમ્મી પાણી લઈ આવી. કેતને વાડકી હાથમાં લઈને બે મિનિટ માટે એના ઉપર ફોકસ કર્યું. મનમાં એ કોઈ મંત્ર બોલતો હતો. એ પછી સિદ્ધ કરેલા પાણીની વાડકી એણે ધવલની સામે ધરી. બધાના આશ્ચર્ય વચ્ચે ધવલે કેતનના હાથમાંથી વાડકી લઈને જાતે પાણી પી લીધું.

આ એક સૌથી મોટો ચમત્કાર હતો. આજ સુધી ક્યારેય પણ આવું વર્તન કર્યું ન હતું. જ્યારે આજે એણે હાથ લંબાવીને વાડકી પોતાના હાથમાં લીધી અને પાણી પી લીધું.

"બસ સાહેબ મારું કામ પૂરું થઈ ગયું છે. હવે એક મહિનામાં તમારો દીકરો ભલે મંદબુદ્ધિનો રહેશે પરંતુ પોતાની બધી જ ક્રિયાઓ જાતે કરશે. કંઈ જરૂર હશે તો તમને ઈશારો પણ કરશે. જેથી તમારે એની કોઈ ચિંતા કરવી નહીં પડે. " કેતન હસીને બોલ્યો.

" અરે કેતનભાઇ તમે તો મારા દીકરાને નવી જિંદગી આપી છે. મને તો કલ્પના પણ ન હતી કે આવી રીતે પાંચ દસ મિનિટમાં ધવલ આટલો બધો નોર્મલ થઈ જશે !! " શ્રીકાંતભાઈ બોલ્યા અને એમની આંખોમાં આંસુ આવી ગયાં.

શ્રીકાંતભાઈનાં વાઈફ મંજુલાબેન તો ઊભાં થઈને સૌથી પહેલાં પોતાના દીકરાને ભેટી પડ્યાં અને પછી કેતનના પગમાં પડી ગયાં.

" સાહેબ હું એક માં છું. મારી લાગણી હું વ્યક્ત કરી શકતી નથી. તમે આજે જે કર્યું છે એ ઈશ્વર સિવાય કોઈ જ ના કરી શકે. " મંજુલાબેન આંસુ ભરી આંખે બોલ્યાં.

" અરે માસી તમે મારા પગમાં ના પડો. મને પાપ લાગે. તમે વડીલ છો. તમારા દીકરાને સારું થવાનું હશે એટલે થયું. હું તો માત્ર નિમિત્ત છું. " કેતન બોલ્યો.

" રવિભાઈ જરા બે મિનિટ અંદર આવો ની " શ્રીકાંતભાઈએ રવિને બીજા રૂમમાં બોલાવ્યો.

" મારે કેતનભાઈને કંઈ વ્યવહાર કરવાનો હોય તો મને કહી દો. કારણ કે આપણે આ બાબતમાં કોઈ ચર્ચા થઈ નથી. એમણે આજે ખરેખર ચમત્કાર કર્યો છે. " શ્રીકાંતભાઈ બોલ્યા.

" અરે શ્રીકાંતભાઈ, કેતન તો ૨૦૦ ૩૦૦ કરોડની અબજોપતિ પાર્ટી છે. આ તો માત્ર એ શોખથી જ કરે છે. એની પાસે કોઈ દિવ્ય શક્તિ છે. મેં એના બે ત્રણ અનુભવો જોયા છે. " રવિ બોલ્યો.

" માની જ શકાતું નથી કે આટલી મોટી પાર્ટી આટલી બધી નમ્ર અને વિવેકી હોય ! " કહીને શ્રીકાંતભાઈ બહાર હોલમાં આવ્યા. રવિ પણ પાછળ પાછળ આવ્યો.

"કેતનભાઈ બપોરના ૧૨:૩૦ વાગી ગયા છે. હવે તમે લોકો જમીને જ જાઓ. તમે અમારા મહેમાન છો. આપણે હવે કોઈ સારા ડાઇનિંગ હોલમાં જઈએ. " શ્રીકાંતભાઈ બોલ્યા.

જમવાનો ટાઈમ તો થઈ જ ગયો હતો એટલે કેતને પછી કોઈ આનાકાની કરી નહીં.

" ચાલો તો પછી આપણે અન્નકૂટ થાળમાં જ જમવા જઈએ. નવી ખુલી છે પણ જમવાનું ઘણું સારું છે." શ્રીકાંતભાઈ બોલ્યા.

કેતન અને રવિને લઈને શ્રીકાંતભાઈ નીચે ઉતરીને કેતનની ગાડી પાસે આવ્યા.

" હું મારી ગાડી લઈ લઉં છું. તમે સ્ટેશન રોડ ઉપર મારી પાછળ પાછળ આવો." શ્રીકાંતભાઈ બોલ્યા.

" અરે તમે એકલા જ છો તો અમારી સાથે આવી જાઓ. અમે તમને મૂકી જઈશું. એકલા માટે અલગ ગાડી લેવાની કોઈ જરૂર નથી." રવિ બોલ્યો.

શ્રીકાંતભાઈ ડ્રાઇવરની બાજુમાં આગળ બેઠા જેથી રસ્તો બતાવી શકાય. કેતન રવિની સાથે પાછળ બેઠો. મનસુખ માલવિયાએ ગાડી સ્ટાર્ટ કરી અને સ્ટેશન રોડ ઉપર માન સરોવર હોટલ તરફ લીધી. અન્નફૂટ થાળ ત્યાં જ હતો.

જમવામાં ઘણી બધી વેરાયટીઝ હતી. ઘણી બધી મીઠાઈઓ હતી. કેરીનો રસ તો અનલિમિટેડ હતો કારણ કે વલસાડ આમ પણ હાફૂસ કેરીનું હબ ગણાય છે.

જમ્યા પછી ગાડી ફરી રિયા રેસીડેન્સી તરફ લેવડાવી અને શ્રીકાંતભાઈને ઉતારીને ગાડીને મુંબઈ હાઇવે તરફ વાળી લીધી.

"કેતન ખરેખર તારી શક્તિઓને સલામ કરવી પડે ! ૧૭ વર્ષ સુધી પશુની જેમ જીવતો મંદબુદ્ધિનો બાળક માત્ર પાંચ મિનિટમાં તેં એક્ટિવ કરી દીધો. તારી શક્તિઓને બહાર લાવવાની બહુ જરૂર છે. દુનિયામાં આવા ઘણા બધા કેસ છે કે મા-બાપ બિચારાં હેરાન થઈ રહ્યાં છે. " રવિ કેતનની સામે જોઈને બોલ્યો.

" મને પોતાને પણ આશ્ચર્ય થાય છે રવિ. જ્યારે હું આ બધું કરતો હોઉં છું ત્યારે મને ખરેખર કોઈ ભાન નથી હોતું. બધું યંત્રવત્ થાય છે. જ્યારે બધું પતી જાય છે ત્યારે જ હું જાગૃત થાઉં છું. મારા ગુરુજીના મારા ઉપર ચારે હાથ છે. " કેતન બોલ્યો.

"તારી વાત સાચી છે કેતન પરંતુ ધંધામાં રચ્યા પચ્યા રહેવાને બદલે આ દિશામાં તું વિચારવાનું ચાલુ કરી દે. તું કોલેજમાં હતો ત્યારે જનસેવા એ જ પ્રભુ સેવા એવી વાતો મારી આગળ કરતો હતો. સ્વામી વિવેકાનંદ તારા આદર્શ હતા. શું તારા વિચારો બદલાઈ ગયા ? " રવિ બોલી રહ્યો હતો.

"માનવસેવાને તારો જીવનમંત્ર બનાવી દે. તારી પાસે ઈશ્વર કૃપાથી કરોડો રૂપિયા છે. તારી સાત પેઢી કંઈ ના કરે તો પણ આરામથી ખાઈ પી શકે. પછી ખોટી હાયવોય કરવાનો કોઈ મતલબ નથી. " રવિ બોલ્યો.

રવિ બોલતો હતો ત્યારે કેતનને ધ્યાન અવસ્થામાં ચેતન સ્વામીએ કહેલા શબ્દો યાદ આવ્યા. ચેતન સ્વામીએ પણ આવું જ કંઈક કહ્યું હતું.

-- હવે તારા જીવનનો નવો અધ્યાય શરૂ થશે. તને નવા નવા માણસો મળશે. તારા જીવનમાં જે જે ઘટનાઓ બને એના ઉપર તું નજર રાખતો રહેજે. એ ઘટનાઓ અને એ અનુભવોથી તને સ્પષ્ટ સમજાઈ જશે કે તારો માર્ગ કયો છે ! તારા ભાવિ માર્ગ માટે કેટલીક નવી વ્યક્તિઓ પણ તારી સાથે જોડાશે. તારી બધી સિદ્ધિઓ હવે પછી કામ આવવાની છે.-- કેતનને બધું યાદ આવ્યું.

મનસુખ માલવિયાએ દહીસર આવ્યું એટલે ગાડી ઠાકુર મોલ તરફ લીધી.

" હવે એક બે દિવસ પછી આપણે સાન્તાક્રુઝ ખીરાનગર જવાનું છે. આ તારી છેલ્લી પરીક્ષા છે. ખૂબ જ અટપટો કેસ છે. અહીં જો તું સફળ થઈ ગયો તો પછી તારે માનવું જ પડશે કે તારી પાસે ઘણી બધી શક્તિઓ છે. તારે એને ઓળખવાની જરૂર છે. " ગાડીમાંથી ઉતરતાં રવિ બોલ્યો.

" ઠીક છે. જ્યારે જવાનું હોય ત્યારે મને ફોન કરી દેજે. " કેતન બોલ્યો અને એણે મનસુખભાઈને ગાડી પાર્લા લેવાની સૂચના આપી.

હજુ સાંજના પાંચ વાગ્યા હતા. આટલા વહેલા ઘરે જઈને કોઈ મતલબ ન હતો. એણે જયદેવ ઠાકરને ફોન કર્યો.

" જયદેવ ક્યાં છે તું ?" કેતને પૂછ્યું.

" આજે સવારે શૂટિંગ હતું. હમણાં ચાર વાગે જ ઘરે આવ્યો છું. " જયદેવ બોલ્યો.

" હું લગભગ એકાદ કલાકની અંદર ગોરેગાંવના આપણા પ્લૉટ ઉપર પહોંચું છું. તું પણ ત્યાં આવી જા. આપણે ઝૂંપડપટ્ટી જોઈ હતી. ખાલી થયેલો પ્લૉટ મેં હજુ જોયો નથી. " કેતન બોલ્યો.

"ઠીક છે. હું પહોંચી જઈશ." જયદેવ બોલ્યો.

" મનસુખભાઈ પાર્લા પછી જઈશું. પહેલાં આપણે ગોરેગાંવ ડિંડોશી જવાનું છે. ત્યાં આપણે એક પ્લૉટ રાખેલો છે. " કેતન બોલ્યો.

હાઇવે છોડીને ગાડી ગોરેગાંવ તરફ વળી એટલે કેતને મનસુખભાઈને આગળનો રસ્તો બતાવી દીધો. ગાડી પ્લૉટ આગળ જઈને ઉભી રહી.

જયદેવ પ્લૉટની સામેની નાનકડી ચાની હોટલના બાંકડે જ બેઠો હતો. કેતનને જોઈને એ ઉભો થયો અને ગાડી પાસે આવ્યો.

"શું વાત છે ! બીએમડબલ્યુ લીધી ? તારા મેરેજમાં પણ આજ ગાડી મેં જોઈ હતી !" નવી ગાડી જોઈને જયદેવ બોલ્યો.

"હા લાડી આવે પછી ગાડી તો બદલવી જ પડે ને !" કેતન હસીને બોલ્યો અને બંને મિત્રો પ્લૉટના ગેટ પાસે જઈને ઊભા રહ્યા.

લલ્લન પાંડેએ પ્લૉટની રોડ સાઈડે ઊંચી દિવાલ બનાવી દીધી હતી. અંદર જવા માટે એક નાનકડો ગેટ ખુલ્લો રાખ્યો હતો. ત્યાં પણ કાંટાળા તારની વાડ બનાવી દીધી હતી જેથી કોઈ અંદર પ્રવેશી ના શકે. આખો પ્લૉટ માટી પાથરીને એક સરખા લેવલનો બનાવેલો હતો !! લલ્લનનું કામ ચીવટવાળું હતું.

"ખાલી થઈ ગયા પછી પ્લૉટ કેટલો બધો વિશાળ લાગે છે ! આખો સીન જ જાણે કે બદલાઈ ગયો છે !! ૬૦૦૦ ચોરસ વાર જગ્યા છે. " પ્લૉટની સામે લાંબી નજર ફેરવીને કેતનથી બોલાઈ ગયું.

"હા કેતન.. ખુલ્લો પ્લૉટ ક્રિકેટના વિશાળ સ્ટેડિયમ જેવો બની ગયો છે ! લોકેશન પણ સરસ છે. તારી સ્કીમ અહીં ખૂબ જ સરસ ઉપડશે !!" જયદેવ બોલ્યો.

જયદેવ બોલતો હતો પરંતુ કેતનનું ધ્યાન તો પ્લૉટની વચ્ચોવચ ઊભેલી એક દિવ્ય આકૃતિ તરફ હતું ! એની ચારે બાજુ પ્રકાશ ફેલાયેલો હતો !! કોણ હતું એ !!!
ક્રમશઃ અશ્વિન રાવલ (અમદાવાદ)