ગતાંકથી.....
ઓળખાણ ની વિધિ પતાવ્યા બાદ રાજશેખર સાહેબે પ્રશ્ન પૂછ્યો : " પાટીલ શા સમાચાર છે ?"
પાટીલે અચકાતા અચકાતા કહ્યું : "કેટલાક અગત્યના સમાચાર મેળવ્યા છે. મને લાગે છે કે અત્યારે આ સમય બહુ કીંમતી છે. આપને ખાનગીમાં કહેવા ઈચ્છું છું."
રાજશેખર સાહેબે હસતા ચહેરે કહ્યું :"હવે વ્યોમકેશ
બક્ષી પાસે છૂપું રાખવા જેવું કંઈ છે જ નહીં. આપણે તેની મદદ લેવાનું નક્કી કર્યું છે. માટે તમારે જે કંઈ કહેવાનું હોય તે તેની હાજરીમાં પણ કહી શકો છો."
હવે આગળ.....
પાટીલે માથું હલાવી કહ્યું : "ત્યારે સાંભળો મેં બે પોલીસ બાતમીદારોને ગોઠવ્યા હતા. તેમની પાસેથી ખબર મળતા હું છેલ્લા સાત દિવસથી તપાસ કરતો હતો. એ બાતમીદારોના સમાચાર મને સાચા લાગ્યા છે. એન્ટોની બજારની પૂર્વ બાજુએ જે કાદરી મહંમદની સાંકડી ગલી આવેલ છે. તે ગલીમાં કેટલાક માણસો રહે છે. તેમના પર મને સંદેહ હતો. અને સંદેહ રાખવાના કારણો પણ છે.
રાજશેખર સાહેબે કહ્યું : પરંતુ, તે બાબતની કઈ સાબિતી મળી છે?"
"સાબિતી ! સાબિતી તો કંઈ મળી નથી અને તે માટે જ એ મકાનની તપાસ કરી શકું તેમ નથી .થોડા દિવસ પહેલા મારા બે ખબરીઓ એ મકાનમાં રહેતી એક યુવતી ને રાતના વખતે પકડવાનો પ્રયત્ન કર્યો હતો .પરંતુ તેમાં તેને સફળતા મળી નહોતી. એ ટોળીના કોઈ એક બદમાશે તેને મારી હટાવ્યા હતા. પરંતુ અત્યારે એ યુવતી ની તપાસમાં જ હું છું."
રાજશેખર સાહેબે કહ્યું : " હું ઈચ્છું છું કે તમારી એ શોધ સફળ થાય."
વ્યોમકેશ બક્ષી પણ રાજશેખર સાહેબની શુભેચ્છા ને અનુમોદન આપવા લાગ્યો. ત્યારબાદ તે ઉઠ્યો અને બારી પાસે ઉભો ઉભો બહારના નજારા ને નિહાળવા લાગ્યો. રાજશેખર સાહેબ પાટીલ ને કેટલાક પ્રશ્નો પૂછી તપાસ માટે કેટલી ખાસ સૂચના આપવા લાગ્યા.
થોડીવાર પછી પાટીલ રવાના થયો એટલે રાજશેખર સાહેબ ખુરશી પરથી ઉભા થઈ બારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા : "મિ. બક્ષી આટલું બધું બારીકાઈથી શું નિહાળો છો !"
વ્યોમકેશ બક્ષી એ કહ્યું : જુઓ પહેલા ફૂટપાથ ઉપર એક અતિશય સુંદર છોકરી ફુલ વેચે છે તે હું જોઉં છું .તે છોકરી બહુ સુંદર છે તેના બધા ફુલ વેચાઈ ગયા છે ફક્ત એક મોટું ગુલાબ બાકી રહ્યું છે હું એ ફૂલ ખરીદી લઈશ."
રાજશેખર સાહેબે બારીમાંથી ફૂટપાથ પર જોયું. ખરેખર ! અતિશય સુંદર ફુલવાળીની છાબડીમાં એક મોટું લાલ ગુલાબ દેખાઈ રહ્યું છે .તેઓ હસતા ચહેરે બોલ્યા : વાહ ! જેવું ફૂલ સુંદર છે, તેવી ફૂલવાડી પણ સુંદર છે."
વ્યોમકેશ બક્ષી કંઈ બોલવા જતો હતો. એવામાં તેને લાગ્યું કે મદદનીશ કમિશનર શિવાનંદ પાટીલ પોલીસ સ્ટેશનમાંથી બહાર આવ્યા અને તે સાથે જ પેલી ફૂલવાળીએ છાબડી સાથે ફૂલ તેમના સમક્ષ ધયુૅ.
પાટીલને ફુલ બહુ ગમતા તેણે મંદ સ્મિત કરી પાકીટમાંથી પાંચ રૂપિયાનો કોઈન કાઢી ફૂલવાળીને આપ્યો કે તરત ફૂલવાળીએ ગુલાબ તેના હાથમાં આપી દીધું .પાટીલ બે ચાર વાર ફૂલને સુંઘી પ્રસન્નવદને પોતાના રસ્તે ચાલ્યો.
અચાનક વ્યોમકેશ પોતાની ભાષામાં બૂમ પાડી ઉઠ્યો. તેણે જોયું કે પાટીલ થોડા જ પગલાં આગળ વધ્યો ગતિ તેની સ્પીડ અચાનક બંધ પડી ગઈ. એક બે વાર પોતાના ગળા નજીક હાથ લઈ જાય માથું ધુણાવતો ધુણાવતો તે રસ્તા પર જ ઢળી પડ્યો.
રાજશેખર સાહેબ બોલી ઉઠ્યા :" શું થયું?..."
પરંતુ કંઈ જ જવાબ ન આપતા વ્યોમકેશ ઉતાવળે પગલે નીચેની તરફ ભાગતા ફટાફટ પાટીલ પાસે પહોંચ્યો. પરંતુ બહુ મોડું થઇ ગયું હતું.
પોલીસ સ્ટેશનની અંદર આવેલા રૂમમાં ના પાટીલના શબને સુવડાવામાં આવ્યું હતું. ડોક્ટરી તપાસમાં માલુમ પડ્યું કે રસ્તા પર પડતા જ તરત જતેમનું મૃત્યુ થયું હતું.
વ્યોમકેશ બક્ષી એ પૂછ્યું : "પરંતુ ,સાહેબ તેના મૃત્યુનું કારણ શું છે?"
ડોક્ટર માથું હલાવી બોલ્યા : "અચાનક હૃદય કામ કરતું બંધ પડી ગયું તે સિવાય બીજું કારણ હું કલ્પી શકતો નથી."
વ્યોમકેશ બક્ષીએ ઝીણવટપૂર્વક જોતા પાટીલના શબ ના ગળા પાસે ચામડી ઉપર એક લાલ ડાઘ જોયો. તેણે ડોક્ટરનું ધ્યાન તે તરફ ખેચ્યું . ડોક્ટર ,આ ડાઘ સાથી પડ્યો? તેના શરીર પર એવો ડાઘ અગાઉ તો નહોતો.
ડોક્ટર આ બાબતમાં સંતોષજનક ખુલાસો આપી શક્યો નહીં. બધા બહાર આવ્યા ઇન્સ્પેક્ટર પવન સિંહે રૂમને તાળું માર્યું.
થોડીવાર પછી ચિંતાતુર સ્થિતિમાં વ્યોમકેશ પોતાના ઘેર ગયો. તે એકદમ દોડીને નીચે ગયો છતાં તેણે પેલી ફૂલવાડી છોકરીને જોઈ નહોતી. કોણ જાણે સાથી તેને એવો ભાસ થતો હતો કે કમિશનર પાટીલના મૃત્યુને એ ફૂલવાડી સાથે ગુઢ સંબંધ છે.
આ તરફ...
રામલાલે ધીરે ધીરે આંખો ખોલી માથા પર અસહ્ય પીડા થતી હતી. માથાની રગો હજુ ખેંચાઈ રહી હતી .આ કયું સ્થળ હશે? અંધારામાં ચારે તરફ નજર કરી તેણે જોયું કે રૂમ બહુ નાનો છે ને પોતે જમીન પર પડ્યો છે. અને રૂમને નાનું સરખું બારણું છે.
અચાનક નાના બારણા આગળ ઘંટારવ થવા લાગ્યો. રામલાલ હાલ્યાં ચાલ્યાં વગર પડ્યો રહ્યો .તેણે સહેજ આંખ ઉઘાડી જોયું કે એક માણસ હાથમાં ટોર્ચ લઈ પોતાના રૂમમાં પ્રવેશ કરે છે.
તેના મુખ પર ટોર્ચ નો પ્રકાશ ફેંકી તે માણસ થોડીવાર નિસ્તબ્ધ બની ઉભો રહ્યોં. રામલાલ હજુ બેભાન છે એમ ધારી સંતુષ્ટ ચીતે બહાર ચાલ્યો ગયો.
રાત બરાબર જામી હતી ઘોર અંધારી રાત !!
રામલાલ આવી સ્થિતિમાં જમીન પર ઘણી વાર સુધી પડ્યો રહ્યો. રાતના ત્રીજા પહોરના સમયે અચાનક બાજુના રૂમમાં માણસોની ધીમી વાતચીત થતી સાંભળી તેની તંદ્રા ચાલી ગઈ .આટલી રાતે વાત કોણ કરતું હશે? રામલાલે કુતુહલવશ થઈ દીવાલની પાસે કાન લગાડી સાંભળવાનો પ્રયત્ન કર્યો.
તેણે નીચેની વાત સાંભળી.
તારો સમય પૂરો થયો છે આદિત્ય વેંગડું ......તું એમા જ ખુશ છે ?જો ખુશ ન હોય તો તારું આવી બન્યું છે..... કહે... હમણાં જ કહે. સાયન્સમાં તે જે રિસર્ચ કર્યું છે તે મારે જાણવું છે .કા તો તું તારી શોધનું કામ પૂરું કરી મને તેનું રિઝલ્ટ બતાવ. તારે એ શોધ મને આપવી જ પડશે નહી..તો...નહીં તો આમ પીડાતો પીડાતો મૃત્યુ પામ...."
રામલાલ કંઈ સમજી શક્યો નહીં તે વિસ્મય પામી આ વાત સાંભળવા લાગ્યો.
*******************************
જૂલીના મકાનમાંથી બહાર આવતા દિવાકરને લાગ્યું કે એક માણસ તેની પાછળ પડ્યો છે. આ ગેંગમાં જોડાયા બાદ દિવાકરે બરાબર જોયું છે કે જ્યારે જ્યારે તે બહાર જાય છે ત્યારે કોઈને કોઈ માણસ તેની પાછળ પીછો કરતું જ હોય છે.
આવી શંકાશીલ સ્થિતિમાં તે ખૂબ અકળાવવા લાગ્યો. શું તેઓ એક ક્ષણ ખાતર પણ તેના પર વિશ્વાસ રાખી શકતા નથી? તે મનમાં ખૂબ જ ક્રોધે ભરાયો.
આજે તો ગમે તે રીતે તેના પર આ ચાંપતી નજર રાખનારની નજર બહાર થવું એવો તેમણે દૃઢ નિશ્ચય
કર્યો. આ ત્રણ દિવસ થયા તે ઘેર ગયો નથી .રામલાલ શું કરે છે તે કોણ જાણે ? તેને આજ તો મળવું જ જોઈએ.
ટ્રેન પર ચઢતાં જ તેણે જોયું કે તેની પાછળ પડનાર પણ ટ્રેનમાં ચડી તેમનો પીછો કરે છે.
દિવાકરે એ યુક્તિ અજમાવવાનો વિચાર કરી ચાલતી ટ્રેને એક ગલી આગળ ઉતરી ગયો. તેની પાછળ પીછો કરનાર પણ કુદકો મારીને તેવી જ રીતે ઉતરી તેની પાછળ તે ગલીમાં આવ્યો.
શું દિવાકર તેની નજરથી દૂર જતો રહેવામાં સફળ થશે?
જાણવા માટે વાંચો આગળ નો ભાગ.....
ક્રમશઃ.........