મારા સ્વપ્નનું ભારત - 29 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા સ્વપ્નનું ભારત - 29

પ્રકરણ ઓગણત્રીસમું

રેંટિયાનું સંગીત

હું પ્રત્યંક તાર કાંતતાં હિંદુસ્તાનના કંગાલોનું ચિંતન કરું છું.

હિંદુસ્તાનના કંગાલ લોકોનો ઈશ્વર પરથી વિશ્વાસ ઊઠી ગયો છે; પછી

મધ્યમ વર્ગ અથવા તો ધનિક વર્ગ ઉપર તો શેનો જ હોય ? જેના પેટમાં ભૂખ છે અને જે તે ભૂખ મટાડવા ઈચ્છે છે તેનું તો પેટ જ પરમેશ્વર છે.

જે માણસ તેને રોટીનું સાધન આપશે એ તેનો અન્નદાતા બનશે, અને તેની મારફત એ ઈશ્વરનું દર્શન પણ કદાચ કરશે. આ માણસોને હાથપગ હોવા છતાં કેવળ અન્નદાન કરવું એ તો પોતે જ દોષમાં પડી તેઓને પણ દોષિત કરવા બરોબર છે. તેમને કંઈક પણ મજૂરી મળવી જોઈએ. કરોડોની મજૂરી તો રેંટિયો જ હોઈ શકે.. કાંતવાની ક્રિયાને હું તપશ્ચર્યા અથવા યજ્ઞરૂપ ઓળખાવું છું. અને જ્યાં ગરીબોનું શુદ્ધ ચિંતન છે ત્યાં ઈશ્વર છે જ એમ માનતો હોવાથી પ્રત્યેક તાંતણઁ હું ઈશ્વરને જોઈ શકું છું. ૧

મને ખાતરી છે કે હાથકાંતણ અને હાથવણાટને સજીવન કરવામાં આવે તો તે હિંદના આર્થિક અને નૈતિક નવનિર્માણમાં મોટામાં મોટો ફાળો આપશે. કરોડોની ખેડૂત વસ્તીને ખેતીની આવકમાં પુરવણી કરવા કોઈ

સાદો ઉધોગ આપવો જોઈએ. વરસો પહેલાં કાંતણ આવો ગૃહઉધોગ હતો, અને કરોડોને ભૂખમરામાંથી બચાવવા હોય તો તેમને પોતાના ઘરમાં રેંટિયો ફરીથી દાખલ કરવામાં મદદ કરવી જોઈએ અને દરેક ગામે ફરીથી વણકરને વસાવવો જોઈએ. ૨

લોકો માટે વધારેમાં વધારે સ્વીકાર્ય અને અનુકૂળ ક્ષમયજ્ઞ તરીકે

મને રેંટિયો જ સૂઝે છે. આપણે બધા એક કલાક માટે ગરીબોને જે મજૂરી કરવી પડે છે તે કરીએ અને એ રીતે તેમની સાથે તથા તેમની મારફત સમગ્ર માનવજાત સાથે એકતા સાધીએ એના કરતાં વધારે ઉમદા કે વધારે રાષ્ટ્રીય બીજું કંઈ હું કલ્પી શકતો નથી. ઈશ્વરને નામે મારે ગરીબોને માટે તેમની માફક મજૂરી કરવી જોઈએ. એનાથી વધુ સારી ઈશ્વરપૂજા હું કલ્પી શકતો નથી. રેંટિયો દ્વારા દુનિયાની દોલતની વધુ ન્યાયી વહેંચણી થાય છે.

આ દેશના દારિધ્ર દુઃખના પ્રશ્નનો ઉકેલ અત્યંત સ્વાભાવિક રીતે, સહેલાઈથી, બહુ ખર્ચમાં ઊતર્યા વિના ને વહેવારની રીતે લાવી આપવાનું

માન રેંટિયાને જ મળવાનું છે, એ મારો દાવો છે...રટિયો નિરુ-પયોગી તો નથી જ, પણ તે દરેક ઘરની આવશ્યક ને જેના વિના ન ચલાવી શકાય

એવી ઘરવખરી છે. દેશની બરકતનું ને દેશની મુક્તિનું તે ચિહ્ન છે.

દુનિયાના દેશોને દ્વેષનો નહીં પણ પ્રીતિનો ને સ્વાશ્રયનો સંદેશો તેના મીઠા ગંભીર સૂરથી તે સંભળાવે છે. જગતની શાંતિમાં ભંગાણ પાડનાર દરિયાઈ

કાફલાના અંગરક્ષકની તેને જરૂર નથી. કરોડોના એક એટલા દઢ નિશ્ચયની જ તેને જરૂર છે, કે અમારા જ ઘરમાં આજે જેમ અમે અમારા કુટુંબ માટે અન્ન રાંધી લઈએ છીએ તેમ અમારા જ ઘરમાં અમે અમારા કુટુંબને માટે સૂતર કાંતી લઈશું. મારી ઘણી ભૂલચૂકોને માટે હું ભવિષ્યની પ્રજાના શાપને પાત્ર ભલે હોઉં, પણ રેંટિયાને સજીવન કરવાની સલાહ આપવા સારુ તો તેઓ મને આશિષ જ આપશે અવો મારો અચળ વિશ્વાસ છે.

આના ઉપર મારું સર્વસ્વ હુ વારી જાઉં છું. કેમ કે રેંટિયાને આંટે આંટે શાંતિના ને પ્રીતિના ને બંધુભાવના તાર કંતાય છે. અને એ સાથે જ, જેમ

તેના નાશથી હિંદની ગુલામી આવી તેમ તેનું સ્વેચ્છાપૂર્વક પુનર્જીવન

હિંદુસ્તાનને મુક્તિ પણ આપશે જ. ૪

રેંટિયાનો દાવો છે કે,

૧. જેમને નવરાશ છે અને થોડા પૈસાની જરૂર છે તેમને તે તરત ધંધો આપે છે.

૨. કાંતતાં હજારોને આવડે છે.

૩. સહેલાઈથી શીખી શકાય છે.

૪. તેમાં મૂડી રોકવી પડતી નથી.

૫. તે સહેલાઈથી અને સસ્તો બનાવી શકાય છે. ઘણાને ખબર નહીં હોય કે વાંસની સળી ને નળિયાના કટકા વડે કાંતી શકાય છે.

૬. લોકોને તેના પ્રત્યે અરૂચિ કે વિરોધ નથી.

૭. દુકાળ કે અછતના સમયમાં તે તાત્કાલિક રાહત આપે છે.

૮. પરદેશી કાપડ ખરીદવામાં જે સંપતિ હિંદ બહાર ઘસડાઈ જાય

છે તે રેંટિયો જ અટકાવી શકે.

૯. આ રીતે બચતા કરોડો રુપિયા ગરીબોમાં આપમેળે વહેંચાય

છે.

૧૦. આમાં થોડી પણ સફળતા મળે તો લોકોને તેટલા તાત્કાલિક

લાભ થાય છે.

૧૧. લોકોમાં સહકારની ભાવના ખીલવવા માટે એ જબરજસ્ત સાધન છે. ૫

એ’.......રેંટિયામાં આટલા બધા ગુણો હોય તો લોકોએ એને ઉપાડી કેમ નથી લીધો ?’એમ ટીકાકાર પૂછે છે. સવાલ વાજબી છે. જવાબ પણ સીધો છે. રેંટિયાનો સંદેશ તદ્‌ન નિરાશ થઈ બેઠેલા, નિરાધાર થઈ

બેઠેલા, અને કામ ન આપવામાં આવે તો કામ વિના ભૂખે મરવાનું પસંદ

કરનારા લોકોને બારણે લઈ જવાનો છે. પહેલાં આ સ્થિતિ ન હતી, પણ

લાંબા સમયની બેપરવાઈને લીધે આળસુપણું તેમના હાડમાં ભરાઈ બેઠું છે.

એ આળસ તો ચારિત્રવાન અને ઉધોગી માણસ તેમની આગળ જઈને રેંટિયો ચલાવે અને તેને રસ્તો બતાવે તો જ ઊડી શકે.

બીજી મુશ્કેલી ખાદી માટે તુરત બજાર નથી મળી શકતું તે બતાવવામાં આવે છે.

હું કબૂલ કરું છું કે હાલતુરત ખાદી મિલનાં કપડાં સાથે હરીફાઈ ન કરી શકે. એવી ઘાતક હરીફાઈમાં હું ઊતરું એમ નથી. મૂડીવાળો તો બજાર પોતાનું કરવાને પોતાનો કૅલિકો મફત પણ વેચે. પણ જેની એકમાત્ર મૂડી મજૂરી છે એવા મજૂર બિચારાને એ ન પાલવે. ગમે તેવા એકસરખી પાંદડીઓવાળા કાગળના કે કપડાંના ગુલાબની, અસરખી પાંદડીવાળા પણ સ્વાભાવિક જીવંત ગુલાબની સાથે સરખામણી થઈ શકશે?

ખાદી તો જીવંત વસ્તુ છે. પણ હિંદુસ્તાનને ખરી કળા દેખાતી નથી, અને ઉપરની ભભકથી એ મોહાય છે. ખાદીને માટે લોકોમાં નિર્દોષ શોખ ઉત્પન્ન કરો એટલે દરેક ગામડું રેંટિયા-સાળથી ગુંજી ઊઠશે તો ખાદી કાર્યાલયોને ખાદી ખપાવવાને માટે અનેક તરકીબો કરવી પડે છે, અને કોઈક વાર તેમની મતિ મૂંઝાય છે. આશ્ચર્યની વાત એ છે કે ભયંકર મુશ્કેલીઓ છતાં ખાદીની પ્રવૃતિ આગળ ધપી રહી છે.

આમ વધારાના ઉધોગ તરીકે વણવાના ઉધોગ વિરૂદ્ધ કાંતવાના ઉધોગના પક્ષમાં મારી દલીલ ટૂંકમાં મેં રજૂ કરી છે. પણ આનો કોઈ અનર્થ ન કરે. હાથસાળની હું વિદ્‌ર્ધ નથી. હાથસાળનો ધંધો મોટો ધીકતો ધંધો છે. પણ મારું કહેવું એ છે કે રેંટિયો ઘર-ઘર દાખલ થાય તો એ ધંધો આપોઆપ વધી જશે, જો રેંટિયો બંધ થાય તો એ ધંધો બંધ થશે. ૬

રેંટિયો મારે મન આમપ્રજાની આજ્ઞાનું પ્રતિક છે. આપણી પ્રજાએ તેની પાસે જે કંઈ સ્વતંજ્ઞતા હતી તે રેંટિયો ખોઈને ગુમાવી.રેંટિયો ગામડાંના ખેડૂતની ખેતીમાં પૂરણી રૂપ હતો અને એની ખેતીને મોભો આણતો. વિધવાનો એ મિત્ર ને વિસામો હતો. ગામડાંના દેહાતીને તે રોકાયંલો રાખતો ને આળસ-એદીપણાથી બચાવતો. કારણ રેંટિયા જોડે લોઢાઈ, પીંજણ, તાણીવાણી, પવાયત, રંગકામ, વણાટ ઈત્યાદિ આગળપાછળની તમામ ક્રિયાઓ આવતી. આને લીધે ગામડાંના સુતાર લુહારને પણ કામ રહેતાં. રેંટિયો હિંદનાં સાત લાખ ગામડાંને સ્વયંપૂર્ણ રહેવામાં મદદ કરતો. રેંટિયો જતાં તેલઘાણી વગેરે બીજા ધંધા પણ ગયા.

આ ઉધોગોને સ્થાને નવું કશું ન આવ્યું. તેથી ગામડાંના અનેક-વિધ ધંધા, તેની પાછળની ગામડિયાઓની સર્જનશક્તિ અને એ ધંધાઓથી એમના ઘરમાં આવતું થોડુંધણું ધન, બધું સુકાઈ ગયું.

જો ગામડાંની પ્રજાને ફરી ટટાર કરવી હોય તો તેનો સૌથી સ્વાભાવિક માર્ગ એ જ છે કે રેંટિયો અને તેની આગળપાછળ રહેલા તમામ વ્યવસાયોને સજીવન કરવા.

આવી નવરચના કરવા નિઃસ્વાર્થી, બુદ્ધિમાન, દેશભક્તિપરાયણ અને અનન્ય સંવાભાવથી રેંટિયાના સંદેશાને ગામેગામ ફેલાવીને ભાંગી ગયેલ ગામડાંને સજીવન કરવાના અને તેના દરિદ્રનારાયણોની નિસ્તેજ આંખોમાં અને તેમના હૈયાં આશાના કિરણનો ઉજાસ પૂરવાના સંકલ્પવાળા હિંદીઓની સેના જોઈએ. આનું નામ જ વિશાળ પાયા પરની અને સાચા સ્વરૂપની સહકાર અને પ્રૌઢશિક્ષણ પ્રવૃતિ આમાંથી રેંટિયાના મૂંગા, નિશ્ચિત અને જીવનદાયી ફેરાના જેવી જ મૂંગી અને નિશ્ચિત ક્રાંતિની નીપજ થશે.