Mara Swapnnu Bharat - 4 books and stories free download online pdf in Gujarati

મારા સ્વપ્નનું ભારત - 4

પ્રકરણ ચોથું

ભારતની લોકશાહી

સર્વોચ્ચ પ્રકારની સ્વતંત્રતામાં ભારેમાં ભારે પ્રમાણમાં શ્સ્ત અને નમ્રતા હોય છે. શિસ્ત અને નમ્રતા દ્વારા મળેલી સ્વતંત્રતાનો કોઈ ઈન્કાર કરી શકે નહીં. નિરંકુશ સ્વચ્છંદતા એ પોતાને અને પોતાના પડોશીઓને નુકશાન કરનાર અસભ્યતાની નિશાની છે. ૧

કોઈ પણ માનવસંસ્થા તેનો દુરુપયોગ થવાના જોખમથી મુક્ત નથી હોતી. સંસ્થા જેમ મોટી તેમ તેનો દુરુપયોગનો સંભવ પણ વધારે. લોકશાહી એક મોટી સંસ્થા છે અને તેથી તેનો ભારે દુરુપયોગ થવાનો સંભવ છે. પરંતુ એનો ઈલાજ લોકશાહીથી દુર રહેવામાં નહીં પણ એના દુરુપયોગની શક્યતાને ઓછામાં ઓછી કરવામાં રહેલો છે. ૨

લોકપ્રિય સરકાર લોકમતથી આગળ વધીને કદી પગલું ભરી ન શકે. જો તે લોકમતી વિરુદ્ધ જાય તો તેના ભૂકા ઊડી જાય. નિયમનમાં રહેનારી અને જ્ઞનવાન એવી લોકશાહી એ જગતમાં સુંદરમાં સુંદર વસ્તુ છે. પૂર્વગ્રહવાળી, અજ્ઞાની અને વહેમી નોકરશાહી અંધાધૂંધીમાં ઊતરશે અને કદાચ પોતાને હાથે પોતાનો નાશ કરશે. ૩

મેં ફરી ફરીને કહ્યું છે કે કોઈ પણ સમપ્રદાયને પોતાનો વિચાર જ સાચો છે, એવો દાવો કરવાનો અધિકાર નથી. આપણે સૌ ભૂલને પાત્ર છીએ અને વારંવાર આપણને આપણા વિચાર બદલવા પડે છે. હિંદ જેવા વિશાળ દેશમાં દરેક પ્રામાણિક સંપ્રદાય માટે અવકાશ હોવો જ જોઈએ. એટલે આપણી પોતા પ્રત્યે તેમ જ પારકા પ્રત્યે ઓછામાં ઓછી એટલી ફરજ તો છે કે આપણે વિરોધીનો વિચાર સમજી લેવો અને જો તે ન સ્વીકારી શકીએ તો તેને એટલું જ માન આપવું કે જેટલાની આપણે આપણા વિચાર માટે તેની પાસેથી આશા રાખીએ. આ મનઃસ્થિતિ નીરોગ પ્રજાજીવનની એક અગત્યની કસોટી છે, અને ેમાં જ સ્વરાજની લાયકાત રહેલી છે. જો આપણામાં પ્રેમભાવ નમ હોય અને સહિષ્ણુતા ન હોય તો આપણે આપણા મતભેદો કદી શાંતિથી ઉકેલી શકવાના જ નથી. આપણે હંમેશાં ત્રીજા પક્ષની એટલે પરરાજ્યની લવાદીને આધીન રહેવું પડશે. ૪

પ્રજાના હાથમાં રાજ્યનું તંત્ર પૂરેપૂરું આવે ત્યારે તેની દખલગીરી વધવાને બદલે ઘટવી જ જોઈએ. આ જ વસ્તુને બીજી રીતે આમ મૂકી શકાયઃ’જે પ્રજાના ઘણા માણસો બાહ્ય અંકુશ વ્ના પોતાનાં કામ સરસ રીતે, સુસંગઠિત કરીને ચલાવે છે તે જ પ્રજા પ્રજાસતાક રાજ્ય કરી શકશે.’જયાં આ સ્થિતિ નથી વર્તતી ત્યાં તંત્ર પ્રજાસતાક કહેવાતા છતાં પ્રજાસતાક નથી એમ સિદ્ધ થઈ શકશે. ૫

લોકશાહી અને હિંસાનો મેળ ન ખાય. જે રાજ્યો આજે નામનાં લોકશાહી છે તેમણે કાં તો ઉધાડેચોક એકબથ્થુ સતાવાદી બનવું રહ્યું છે, અગર તો જો સાચી લોકસતા તેમનામાં વ્યાપી હોય તો હિંમતપૂર્વક તેમણે અહિંસાવાદી થવું રહ્યું છે. અહિંસાનું આચરણ માત્ર વ્યક્તિઓ જ કરી શકે, અને વ્યક્તિઓની બનેલી પ્રજાઓથી એ ન બની શકે એમ કહેવું એ તો નરી નાસ્તિકતા છે. ૬

પ્રજાસતાનો અર્થ એ જ છે કે તેની હેઠળ દરેક વ્યક્તિ જે જુદી જુદી કોમો, વર્ગો અને હિતોની પ્રજા બનેલી હોય તે તમામનું પ્રતિ-નિધિત્વ રજૂ કરતી હોય. ભલે ખાસ હિતોનાં ખાસ પ્રતિનિધિત્વને એ ન નકારે, પણ એવું પ્રતિનિધિત્વ એ એની કસણી નથી, એની અપૂર્ણતાનું જ લક્ષણ છે. ૭

ખરા આમવર્ગનું પ્રજાતંત્ર ખોટાં અને હિંસક સાધનોથી કદી ન મળે. કારણ તેમાં દબાવીને અગર તો મારી નાખીને બધા વિરોધીઓના નાશને સ્વાભાવિક પરિણામ તરીકે સ્વીકારવો પડે. એમાંથી વ્યક્તિની મુક્તિ ન જ ફળે. વ્યક્તિગત મુક્તિ નિર્ભેળ અહિંસામાંથી જ પરિણમે. ૮

સ્વતંત્ર અને લોકશાસનવાળું હિંદુસ્તાન બીજી સ્વતંત્ર પ્રજાઓ સાથે પરસ્પર બચાવ ને આર્થિક સહકાર માટે ખુશીથી જોડાશે. સ્વતંત્રતા ને લોકશાસન પર રચાયેલી સાચી જગતવ્યવસ્થાની સ્થાપના માટે અને માનવજાતિની પ્રગતિ ને આગેકૂચ માટે જગતનાં જ્ઞાન અને સાધનસામગ્રીના ઉપયોગ માટે અમે કામ કરીશું. ૯

મારી લોકશાસનની કલ્પના એવી છે કે તેની હેઠળ નબળામાં નબળાને સૌથી સબળાના જેટલી જ તક હોવી જોઈએ. કેવળ અહિંસા દ્વારા જ આ થઈ શકે, બીજી રીતે નહીં. આજે દુનિયાનો કોઈ દેશ નબળાને માટે મુરબ્બીવટભરી રહેમ નજર વિના બીજી વૃતિ બતાવતો નથી....પાશ્વાત્ય લોકશાસન આજે જેવું છે તે સ્વરૂપમાં તે હળવા નાઝીવાદ કે ફાસીવાદથી જુદું નથી. બહુ તો સામ્રાજ્યવાદની નાઝી કે ફાસિસ્ટ વલણોને ઢાંકવાનો એ માત્ર એક અંચળો છે... સાચું એટલે કે હિંસા વિનાનું લોકશાસન ખીલવવા હિંદ પ્રયાસ કરી રહ્યું છે. અમારાં હથિયાર સત્યાગ્રહનાં છે જેનાં પ્રતિક રેંટિયો, ગ્રામો- ધોગ, હાથહુન્ની દ્વારા શિક્ષણ, અસ્પૃશ્યતાનિવારણ, કોમી સંપ, દારૂબંધી અને અહિંસાને ધોરણે મજૂર વર્ગોનું સંગઠન-જેવું અમદાવાદમાં ચાલી રહ્યું છે-વગેરે છે. આનો જ અર્થ સામુદાયિક પ્રયાસ અને સામુદાયિક શિક્ષણ અને તાલીમ છે. આ પ્રવૃતિઓ ચલાવવા સારુ અમારે ત્યાં મોટા મોટા સંઘો છે. બધા કેવળ સ્વયંસેવાના પાયા ઉપર ઊભા થયેલા છે અને નીચલામાં નીચલા થરના દરિદ્ર લોકોની સેવા એ જ તેમનું એક-માત્ર પીઠબળ છે. ૧૦

પ્રજાતંત્રવાદી જન્મથી જ શિસ્તવાદી હોય. માનવી અગર દૈવી એવા તમામ કાયદાઓને જે સ્વેચ્છાએ પાળનારો છે, તેને જ પ્રજાતંત્ર સદે છે. હું સ્વભાવે તેમ જ શિક્ષણે પ્રજાતંત્રવાદી હોવાનો દાવો કરું છું. જેમને પ્રજાતંત્રની સેવાની મહત્વાકાંક્ષા છે તેઓ પ્રથમ પ્રજાતંત્રની આ પસોટચીમાં પાસ થાય. વળી પ્રજાતંત્રવાદી સાવ નિઃસ્વાર્થી હોવો જોઈએ. તેણે પોતાની અગર પોતાના પક્ષની દ્રષ્ટિએ નહીં પણ સમસ્ત પ્રજાના તંત્રની દ્રષ્ટિએ બધું વિચારવું જોઈએ, બધાં સ્વપ્નનાં ઘડવાં જોઈએ. ત્યારે જ સવિનયભંગનો તે અધિકારી બને છે... વ્યક્તિસ્વાતંત્ર્‌યની મને કિંમત છે. પણ માણસ મૂળે સામાજિક પ્રાણી છે તે ન ભૂલવું જોઈએ. સામાજિક પ્રગતિની જરૂરિયાતોને વ્યક્તિ-રૂપે બંધબેસતા થવાનું શીખતાં શીખતાં જ તે આજની સ્થિતિએ પહોંચ્યો છે. નિરંકુશ વ્યક્તિસ્વાતંત્ર્‌ય એ તો જંગલના પશુનો જીવનનિયમ છે. આપણે વ્યક્તિસ્વાતંત્ર્‌ય અને સામાજિક અંકુશ વચ્ચે મધ્યમમાર્ગ કાઢતાં શીખ્યા છીએ. સામાજિક અંકુશોનો આખા સમાજના કલ્યાણના હિતની દ્રષ્ટિએ સ્વેચ્છાપૂર્વક સ્વીકાર કરવામાં જ વ્યક્તિનો તેમ જ સમાજનો અભ્યુદય રહેલો છે. ૧૧

જે પ્રજા પોતાની ફરજો અદા કરતાં શીખશે તેમને તેમના હકો તેમાંથી આપમેળે મળી આવવાના જ છે. ખરેખરો હક એક જ છે અને તે પોતાની ફરજ અદા કરવાનો. બધા ન્યાય્ય હકો આમાં આવી જાય છે. બાકી બધો એક કે બીજા રૂપમાં લોભ જ છે, અને તેનાં ગર્ભમાં હિંસાનાં બીજ પડેલાં હોય છે. ૧૨

લોકશાહીમાં વ્યક્તિની ઈચ્છાનું નિયમન સમાજની ઈચ્છાથી થાય છે, વ્યક્તિની ઈચ્છા પર સમાજની ઈચ્છાની મર્યાદા મૂકવામાં આવે છે. એ સમાજની ઈચ્છા અથવા સંકલ્પનો અમલ રાજ્ય કરે છે કેમ કે રાજ્યનો વહીવટ પ્રજા જ પોતાના હિતને ખાતર કરે છે. દરેક વ્યક્તિ કાયદાનો અમલ પોતે કરવા મંડી જાય તો પછી રાજ્યસંસ્થા જેવું કંઈ રહેતું નથી ;એ અંધેર કહેવાય એટલે કે એમાં સમાજના કાયદાનો અથવા રાજ્યનો અભાવ હોય. એ રસ્તો સ્વતંત્રતાના વિનાશનો છે. તેથી આપણે સૌએ આપણા ગુસ્સા પર કાબૂ રાખવો જોઈએ અને ન્યાય મેળવવાનું કામ રાજ્યને હસ્તક છોડી દેવું જોઈએ. ૧૩

સરકારની કોઈ ભૂલ થઈ હોય તો તે તરફ તેનું ધ્યાન ખેંચવાની લોકશાહી રાજ્યપદ્ધતિમાં પ્રજાની ફરજ છે અને એવી રીતે એક વાર સરકારનું તેની ભૂલ તરફ ધ્યાન દોરીને પ્રજાએ સંતોષ માનવો જોઈએ. પ્રજાની મરજી હોય તો સરકારને રુખસદ આપવાનો તેને અખત્યાર છે. પણ તેની સામે નકામી ચળવળ ઉપાડી તેના કામમાં પ્રજા બાધા ન કરે.આપણી સરકાર જોરાવર લશ્કર અને તેવા જ જોરાવર નૌકાદળના જોર પર આધાર રાખનારી નથી. આપણી સરકારે તાકાત અને આધાર પ્રજા પાસેથી જ મેળવવાનાં રહે છે. ૧૪

સાચી લોકશાહી કેન્દ્રમાં બેઠે બેઠે રાજવહીવટ ચલાવનારા વીસ માણસો નથી ચલાવી શકતા, તે ઠેઠ નીચેથી હરેક ગામના લોકોએ ચલાવવી રહેશે. ૧૫

ટોળાંશાહી અંગત રીતે ટોળાના ઝનૂનની મને જેટલી ચિંતા છે તેટલી સરકારી ઝનૂનની નથી. ટોળાનું ઝનૂન એ રાષ્ટ્રીય બેચેનીની નિશાની છે અને તેથી સરકારી ઝનૂન એ રાષ્ટ્રીય બેચેનીની નિશાની છે અને તેથી સરકારી ઝનૂન જે એક નાનકડા મંડળ પૂરતું મર્યાદિત છે તેના કરતાં તેની સાથે કામ લેવું વધારે આઘરું છે. ટોળામાંના અજાણ્યા લોકોને તેમના ગાંડપણથી મુકત કરવા કરતાં રાજય કરવાને નાલાયક ઠરેલી સરકારને ઉથલાવી પાડવાનું કામ વધારે સહેલું છે. ૧૬

ટોળાંઓને કેળવવા જેટલી સહેલી બીજી એકે વસ્તુ નથી. કારણકે ટોળાંઓના લોકો લાંબી નજર પહોંચાડીને, ગણતરીઓ કરીને, ઠંડે મગજે અગાઉથી નક્કી કરી મૂકેલ કાર્યક્રમનો અમલ કરનારા નથી હોતા. એક ઘા ને બે ટુકડા કરનારા હોય છે. ભૂલ જુએ કે તેટલી જ ત્વરાએ તેનું પ્રાયશ્વિત કરવા તૈયાર થાય છે....અત્યારે અસહકાર ચલાવીને હું અન્યાયની દશામાંથી લોકસતા ઘટાવી કાઢવાનો જ કેવળ પ્રયત્ન કરી રહ્યો છું. ૧૭

આ લોકસમુદાય, જેનું હ્ય્દય શુદ્ધ છે, જેને દેશ માટે લાગણી છે, જે શીખવા માગે છે અને દોરવણી માગે છે તેને આપણે તાલીમ આપવી જોઈએ. થોડા બુદ્ધિશાળી અને નિષ્ઠાવાન કાર્યકરો મળી જોય તો બુદ્ધિપૂર્વક કામ કરવા માટે આખા દેશને સંગઠિત કરી શકાય અને ટોળાશાહીમાંથી લોકશાહી વિકસાવી શકાય. ૧૮

સરકાર તરફથી કે પ્રજા તરફથી ત્રાસવાદ ચાલતો હોય ત્યારે લોકશાહીની ભાવના સ્થાપી શકાય નહીં. કેટલીક બાબતોમાં સરકારના ત્રાસવાદ કરતાં પ્રજાનો ત્રાસવાદ લોકશાહીની ભાવનાના વિકાસને વધારે પ્રતિકૂળ છે. કારણ કે સરકારનો ત્રાસવાદ લોકશાહીની ભાવનાને મજબૂત કરે છે જ્યારે પ્રજાનો ત્રાસવાદ તેને હણે છે. ૧૯

વધુમતી અને લઘુમતી આપણે લોકશાહીની સાચી ભાવના ખીલવવી હોય તો અસહિષ્ણુ થવાનું આપણને પાલવે નહીં. અસહિષ્ણુતા આપણા કાર્યમાં આપણી શ્રદ્ધાનો અભાવ સૂચવે છે. ૨૦

આપણે સ્વતંત્ર રીતે અભિપ્રાય વ્યક્ત કરવાનો અને સ્વતંત્ર રીતે કામ કરવાના હકનો દાવો કરીએ છીએ, તો આપણે બીજાઓને પણ તેવો હક આપવો જોઈએ. બહુમતીનો અમલ જ્યારે જુલમી બને ત્યારે તે અલ્પસંખ્યક લોકરશાહીના અમલ જેટલો જ અસહ્ય બને છે. નમ્ર સમજાવટથી અને દલીલોથી લઘુમતીને આપણા મત તરફ વાળવા માટે આપણે ધીરજપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. ૨૧

બહુમતીનો નિયમ અમુક હદ સુધી જ લાગુ પડે છે. નાની બાબતો-માં જ બહુમતીને અધીન થવાય.બહુમતીના ગમે તેવા ઠરાવને વશ થવું એ તો ગુલામી જ કહેવાય..લોકશાસન એટલે જેમાં લોકો ગાડરની માફક વર્તે એવું રાજ્ય નહીં. લોકશાસનમાં વ્યક્તિગત વિચારની અને કાર્યની સ્વતંત્રતાનું સાવધાનીપૂર્વક રક્ષણ થવું જોઈએ. તેથી હું માનું છું કે મહાસભાને નામે કંઈ ન કરે ત્યાં સુધી લઘુમતીને પોતાના મત પ્રમાણે વર્તવાનો પૂરો હક છે. ૨૨

જો વ્યક્તિ કંઈ જ નથી તો સમષ્ટિ તો નથી જ. વ્યક્તિસ્વાતંત્ર્‌ય હોય તો જ વ્યક્તિ સ્વેચ્છાએ આત્મસમર્પણ કરી શૂન્યવત્‌ થઈ સમાજ-સેવા કરી શકે. જો એ સ્વાતંત્ર્‌ય હણી લેવામાં આવે તો મનુષ્ય યંત્રવત્‌ બની જાય ને છેવટે સમાજનો નાશ થાય. આવી સમાજરચના થવાનો જરા સરખો પણ સંભવ નથી, કેમ કે તે મનુષ્યના મૂળ સ્વભાવની વિરુદ્ધ છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED