Mara Swapnnu Bharat - 2 books and stories free download online pdf in Gujarati

મારા સ્વપ્નનું ભારત - 2

પ્રકરણ બીજુ

સ્વરાજનો અર્થ

સ્વરાજ એ પવિત્ર શબ્દ છે, વેદકાળ જેટલો પ્રાચીન છે અને એનો અર્થ પોતાનું નિયમન, પોતાનો અંકુશ એવો છે. ‘ઈન્ડિપેન્ડન્સ’નો અર્થ જેમ કેટલીક વાર સંપૂર્ણ નિરંકુશતા થાય છે એવું ‘સ્વરાજ’નું નથી. ૧

પોતાનાં નામો મતદાર તરીકે નોંધાવી આવવાની તસ્દી લેનાર તથા અંગમહેનત કરી રાજ્યને પોતાની સેવા આપનાર દરેક જણ, મરદ અથવા ઓરત, અસલ વતની અથવા હિંદુસ્તાનને પોતાનો દેશ કરી અહીં વસેલા, મોટી ઉંમરના વધારેમાં વધારે લોકોના મતો વડે મેળવેલી હિંદુસ્તાનની સંમતિથી થતું શાસન એટલે સ્વરાજ...વળી કેટલાક લોકો અધિકારની લગામ મેળવી લે તેથી નહીં પણ બધા લોકોએ અધિકારના દુરુપયોગની સામે થવાની શક્તિ સમાનપણે મેળવ્યાથી જ ખરું સ્વરાજ મળવાનું છે...બીજા શબ્દોમાં કહું તો સામાન્ય વર્ગને રાજ્યાધિકારી-ઓને મર્યાદામાં રાખવાની તથા તેમના ઉપર પોતાનો અંકુશ રાખવાની શક્તિનું પૂરેપૂરું ભાન કરાવવાથી સ્વરાજ મળી શકે તેમ છે. ૨

સ્વરાજમાત્રનો આધાર સર્વાંશે આપણી પોતાની જ આંતરિક શક્તિ પર છે, ભારેમાં ભારે સંકટો સામે લડી પાર ઊતરવાની આપણી તાકાત પર છે. ખરું જોતાં જે સ્વરાજને મેળવવામાં ને ટકાવવામાં એવા સતત પુરુષાર્થની જરૂર નથી તેને સ્વરાજ જ ન કહી શકાય. તેથી મેં વાણીથી તેમ જ કર્મથી બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે રાજકીય સ્વરાજ-એટલે કે સ્ત્રીપુરુષોની મોટી સંખ્યાનું સ્વરાજ એ વ્યક્તિગત સ્વરાજ કરતાં જરાયે જુદી વસ્તુ નથી, અને તેથી વ્યક્તિગત સ્વરાજને માટે જે સાધનોની જરૂર છે તે જ સાધનોથી આ રાજકીય સ્વરાજ પણ મેળવવાનું છે. ૩

સ્વરાજ એટલે સરકારના અંકુશમાંથી મુક્ત થવાનો સતત પ્રયાસ; પછી ભલે તે સરકાર પરદેશી હોય કે દેશની. જો લોકો જીવનની દરેક વિગતના નિયમન માટે સ્વરાજ સરકાર તરફ જોશે તો તે સ્વરાજમાં ઝાઝો સાર નહીં હોય. ૪

મારું સ્વરાજ આપણી સંસ્કૃતિનો આત્મા અમર રાખવામાં રહેલું છે. હું અનેક નવી વસ્તુઓ લખવા માગું છું પણ તે હિંદી ધરતી ઉપર જ લખાવી જોઈશે. પશ્વિમની પાસેથી લીધેલી વસ્તુ ઘટતા વ્યાજ સાથે હું પાછી વાળી શકીશ ત્યારે પશ્વિમની પાસે કરજ લેતાં હું નહીં અચકાફં. ૫

સ્વરાજ ત્યાં જ જાળવી શકાય કે જ્યાં ઘણાં માણસો સાચાં ને સાવદેશાભિમાની એટલે પ્રજા હિતમાં પોતાનું હિત સમજનારાં હોય ને થાડાં જ લાલચું, સ્વાર્થી ને અપ્રામાણિક હોય. સ્વરાજનો એક અર્થ તો એ છે જ કે ‘ઘણાનું રાજ્ય’. એ ઘણા જો અનિતિમાન અથવા સ્વાર્થી હોય તો રાજ્યમાં અંધાધૂંધી જ હોય એ ચોખ્ખું છે. ૬

મારા...આપણા સ્વપ્નના સ્વરાજમાં જાતિ કે ધર્મના ભેદ-ભાવને સ્થાન નથી. તેમ જ તે ભણેલાનો કે ધનિકનો ઈજારો નહીં હોય. સ્વરાજ બધાને માટે હશે. બધામાં ખેડૂતોનો અને ખાસ કરીને લૂલાલંગડા,આંધળા અને ભૂખે મરતા કરોડો મહેનતુ લોકોનો સમાવેશ થઈ જાય છે. ૭

કહેવાય છે કે હિંદુસ્તાનમાં જ્યારે સ્વરાજ આવશે ત્યારે જે કોમની સંખ્યા મોટી હશે તે કોમનું રાજ થશે. આના કરતાં મોટી ભૂલ બીજી કઈ હોઈ શકે ? જો આ વાત સાચી હોય તો આજે મારામાં એટલી શક્તિ છે કે હું એકલો એ રાજ્ય સામે લડું. એ રાજ્યને હું તો સ્વરાજ ન જ કહું. મારું હિંદ સ્વરાજ એટલે સૌનું રાજ્ય છે, ન્યાયનું રાજ્ય છે. ૮

જો સ્વરાજ આપણી સભ્યતાને સ્વચ્છ અને સ્થાયી કરવાને માટે ન હોય તો તે નકામું છે. આપણી સભ્યતાનો અર્થ એ કે નીતિને વ્યવહાર- માત્રમાં-ધર્મ, રાજ્ય, સમાજ, તમામ વ્યવહારમાં-સર્વોપરી સ્થાન આપવામાં આવે. ૯

પૂર્ણ સ્વરાજ...’પૂર્ણ’એટલા માટે કે જાતિ, ધર્મ કે દરજજાના કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એ જેટલું રાજા માટે તેટલું જ ખેડૂત માટે, જેટલું ધનિક જમીનદાર માટે તેટલું જ ભૂમિહીન ખેડૂત માટે, જેટલું હિંદુ માટે તેટલું જ મુસલમાન માટે, જેટલું પારસી અને જૈન માટે, તેટલું જ યહૂદી અને શીખ માટે છે. ૧૦

સ્વરાજ શબ્દનો અર્થ પોતે તથા એને સિદ્ધ કરવા માટેનાં સાધનો એટલે સત્ય અને અહિંસા-જેના પાલન માટે આપણે પ્રતિજ્ઞાબદ્ધ છીએ-તે સ્વરાજ કોઈને માટે ઓછું તો કોઈને માટે વધારે, અમુકને માટે લાભદાયી અને બીજાને માટે નુકસાનકારક હોવાથી બધી શક્યતાઓને અસંભવિત બનાવી દે છે. ૧૧

મારા સ્વપ્નનું સ્વરાજ એ ગરીબનું સ્વરાજ છે. રાજા અને ધનિક વર્ગ જીવનની જે જરૂરિયાતોનો ઉપયોગ કરે છે તે તમને પણ સુલભ હોવી જોઈએ. પણ એનો અર્થ એવો નથી કે તેઓની માફક તમારે પણ મહેલો હોવા જોઈએ. સુખને માટે તેની જરૂર નથી. તમે કે હું એમાં ભૂલા પડીએ. પણ તમને ધનિક ભોગવતો હોય એવી જીવનની બધી સામાન્ય સગવડો મળવી જોઈએ. એ બાબતમાં મને સહેજ પણ શંકા નથી કે જ્યાં સુધી સ્વરાજમાં આ સગવડોની ખાતરી આપવામાં નથી આવતી ત્યાં સુધી એ () સ્વરાજ નથી. ૧૨

મારી કલ્પનાનું પૂર્ણ સ્વરાજ એકલવાયું સ્વાતંત્ર્‌ય નથી પણ નીરોગી અને પ્રતિષ્ઠિત સ્વાતંત્ર્‌ય છે. મારો રાષ્ટ્રવાદ ઉગ્ર છે છતાં એકલપેટો નથી, અને કોઈ પણ પ્રજા કે વ્યક્તિને હાનિ કરવાનો તેનો ઉદેશ નથી. કાયદાનાં સૂત્રો જેટલાં કાયદાનાં નથી તેટલાં સદાચારનાં સૂત્રો છે. ‘તારા ુડોશીની મિલકતને હાનિ ન પહોંચે એવી રીતે તારી મિલકત ભોગવ,’એ સૂત્રના સનાતન સત્ય પર મારો વિશ્વાસ છે. ૧૩

એ બધાનો આધાર આપણે પૂર્ણ સ્વરાજનો શો અર્થ કરીએ છીએ અને તેની મારફત શું સિદ્ધ કરવા માગીએ છીએ તેના પર છે. આપણે જો પૂર્ણ સ્વરાજનો અર્થ આમજનતાની જાગૃતિ અને તેમનામાં તેમના સાચા હિતની સમજ અને તે હિતને માટે આખી દુનિયા સામે ઊભા રહેવાની શક્તિ એવો કરતા હોઈએ તથા પૂર્ણ સ્વરાજ દ્વારા સંપ, અંદરના કે બહારના આક્રમણથી મુકિત, અને આમજનતાની આર્થિક હાલતમાં ઉતરોતર સુધાર ચાહતા હોઈએ, તો આપણે આપણું ધ્યેય રાજકીય સતા વગર અને ચાલુ સતા પર સીધો પ્રભાવ પાડીને હાંસલ કરી શકીએ. ૧૪

સ્વરાજ, પૂર્ણ સ્વરાજય કે આઝાદી એટલે આપણા ઉપર કોઈ પણ પરદેશી સલ્તનત રાજ્ય ન કરે. એ આઝાદી ચારે બાજુની હોવી જોઈએ : (૧) એમાં અર્થસિદ્ધિ હોવી જોઈએ. (૨) બીજી રાજ્યપ્રકરણી આઝાદી. (૩) સ્વરાજયનો ત્રીજો ભાગ નૈતિક કે સામાજિક સ્વાતંત્ર્‌યનો છે...(૪) ચોથો ખૂણો ધર્મનો છે. તેમાં હિંદુ ધર્મ, ઈસ્લામ, ખ્રિસ્તી ધર્મ વગેરેનો સમાવેશ થાય છે, છતાં તે બધાથી શ્રેષ્ઠ છે.. આપણું સ્વરાજય ચતુષ્કોણ હોય...ચારે ખૂણાને આપણે બરોબર સંભાળવાના છે. એને કોઈ કાનસ લગાવીને ઘસી નાખી નહીં શકે. એ તો સૌ ૯૦ અંશના કાટખૂણાઓ છે. એ ચાર કાટખૂણાનું બનેલું જે રાજ્ય તેને સ્વરાજ્ય કહો; હું એને રામરાજ કહું. ૧૫

મારી કલ્પનાનું સ્વરાજ ત્યારે જ આવશે જ્યારે આપણે સહુ દઢપણે માનીશું કે એકમાત્ર સત્યઅહિંસા થકી જ સ્વરાજ મેળવાય, ચલાવાય અને નભાવાય. ખરા આમવર્ગનું પ્રજાતંત્ર ખોટાં અને હિંસક સાધનોથી કદી ન મળે. કારણ તેમાં દબાવીને અગર તો મારી નાખીને બધા વિરોધીઓના નાશને સ્વાભાવિક પરિણામ તરીકે સ્વીકારવો પડે.એમાંથી વ્યક્તિની મુક્તિ ન જ ફળે. વ્યક્તિગત મુક્તિ નિર્ભેળ અહિંસા-માંથી જ પરિણમે. ૧૬

અહિંસક સ્વરાજમાં લોકોએ પોતાના હક જાણવાપણું નથી હોતું પણ પોતાના ધર્મ જાણવા પાળવાપણું અવશ્ય હોય છે. કોઈ ફરજ એવી નથી કે જેને છેડે કંઈક હક ન હોય. અને ખરા હક કે અધિકાર એ કે જે કેવળ પાળેલા ધર્મમાંથી ઉત્પન્ન થાય છે. જે સેવાધર્મ પાળે છે તેને જ શહેરીના ખરા હક મળે છે, ને તે જ તેને જીરવી શકે છે. જૂઠું બોલવાનો, મારપીટ કરવાનો અધિકાર તો સહુને છે, પણ તે અધિકારનો અમલ કરતાં અમલ કરનારને તેમ જ સમાજને નુકસાન થાય છે. પણ જે જૂઠું ન બોલવાનો એટલે સત્યનો ને મારપીટ ન કરવાનો એટલે અહિંસાનો ધર્મ પાળે છે તેને જે પ્રતિષ્ઠા મળે છે તે તેને ઘણા અધિકાર અપાવે છે. અને તેવા માણસ પોતાના અધિકારને પણ સેવા સારુ વાપરે છે, સ્વાર્થ સારુ કદી નહીં. પ્રજાનું સ્વરાજ એટલે પ્રત્યેક વ્યક્તિના સ્વરાજમાંથી ઉત્પન્ન થયેલું પ્રજાસતાક રાજ્ય. આવું રાજ્ય એ કેવળ પ્રત્યેક વ્યક્તિના શહેરી તરીકેના પોતાના ધર્મના પાલનમાંથી જ ઉત્પન્ન થાય છે. આ સ્વરાજમાં કોઈને પોતાના અધિકારનો ખ્યાલ સરખાોય નથી હોતો. અધિકાર આવશ્યક હોય ત્યારે એની મેળે દોડી આવે છે. ૧૭

અહિંસક સ્વરાજમાં કોઈ કોઈના દુશ્મન ન હોય. બધા પોત- પોતાનો ફાળો ભરે. કોઈ નિરક્ષર ન હોય. ઉતરોતર તેનું જ્ઞાન વધતું જાય. આવી પ્રજામાં રોગ ઓછામાં ઓછા હોય. કંગાલ કોઈ હોય નહીં. મહેનત કરનારને મહેનત મળતી હોય. તેમાં જુગાર, મધપાન, વ્યભિચાર ન હોય; વગ્રવિગ્રહ ન હોય. ધનિક પોતાનું ધન વિવેકસર વાપરે,ભોગવિલાસ વધારવામાં કે અતિશય રાખવામાં નહીં. મૂઠીભર ધનિક મીનાકારીના મહેલમાં રહે અને હજારો કે લાખો લોક હવા અજવાળું ન હોય એવાં અંધારિયામાં રહે એમ ન હોય. કોઈના વાજબી હક ઉપર અહિંસક સ્વરાજમાં કોઈ તરાપ ન મારી શકે. એથી ઊલટું કોઈ ગેરવાજબી હક પણ ન ભોગવી શકે. જ્યાં તંત્ર વ્યવસ્થિત છે ત્યાં ગેરવાજબી હક કોઈથી યભોગવી શકાતા જ નથી. ગેરવાજબી હક ભોગવનારની સામે હિંસાનો ઉપયોગ કરવાપણું નથી રહેતું. 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED