Father's sympathy for children coming and going from abroad books and stories free download online pdf in Gujarati

વિદેશથી આવતી અને જતી દિકરીઓ માટે બાપની સંવેદના

કંઇ કેટલાય પુણ્યનું ભાથું ભેગું થાય ત્યારે માત્ર તેવા જ ઘરમાં દિકરીઓ જન્મ ધારણ કરતી હોય છે, સુખનું ભાથું એટલે ઘરમાં થતો દિકરીઓનો કિલકિલાટ,

ઉનાળાની ધોમ ધખતી ગરમીમાં પવનની એક હલકી લહેરખી તન મનને ઠંડક પ્રસરાવે તેમ વિદેશથી આવેલી દિકરીની અલપ ઝલપ પણ એક ઠંડા પવનની હલકી લહેરખી સમાન હોય છે, જે દરેક દિકરીના બાપને ખૂબ સુખ પહોંચાડે છે અને આનંદની ધોધમાર અનુભૂતિ કરાવે છે, પરંતુ જ્યારે તે વિદેશ પોતાના ઘેર પાછી ફરે છે ત્યારે એજ સૂકા પવનની લહેરખી દરેક બાપના શરીરને વાગે છે અને ભોંકાય પણ છે, દિકરીના જવાની વાત જ બાપના મનના કોઈ ઉંડા ખૂણે દુઃખનું મંડાણ કરી જ દે છે, દરેક દિકરી પોતાના બાપના ઘરનું આભા મંડળ હોય છે, જે આભા મંડળનું દિકરીનો બાપ સતત અનુભૂતિ કરતો હોય છે, દિકરીની હયાતી જ ઘરને આનંદ ઉત્સાહથી તરબતર કરી દેતી હોય છે, હવે આ વિદેશ પરત જવાની વાત જ બાપની આંખના ખૂણાઓ ભીના કરી દેતી હોય છે, પાંપણ રોકે આંસુઓને પરંતુ આંસુ કેમે કરીને બહાર નીકળી જ આવે છે..જીવનની એક મંઝિલ હોય છે અને એક વિરામ પણ હોય છે,બાળકો માટે મંઝિલ તરફ આગળ વધવાનું હોય છે જ્યારે મોટેરાઓ માટે વિરામ તરફ આગળ વધવાનું હોય છે,મોટેરાઓએ તો હવે બધું છોડીને.. બધું સોંપીને.. વર્તમાનનો લુપ્ત ઉઠાવી વિરામ તરફ આગળ વધવું જોઈએ..
એરપોર્ટની હજારોની મેદની વચ્ચે અને તોંતિગ કાચની દીવાલો વચ્ચેથી પસાર થતી પોતાની દિકરીને સતત શોધતી બે આંખો,ભીની થયેલી એ આંખોના આંસુ પાંપણની સરહદ ઓળંગીને બહાર આવવા મથી રહ્યા હોય છે, એ બીજું કોઈ નહિ એ છે એ દિકરીનો બાપ,
જતી દિકરીને જોઈ વલોવાય હ્રદય તણા તાર બાપના, એ આંસુ છે હરખના.. કે દુઃખના.. એ જાણી શકે ના કોઈ, પથ્થર જેવું હ્રદય પણ પીગળે વારંવાર આ વિદાયની ઘડીમાં, એરપોર્ટના જાડા જાડા કાચ પણ લાગે જાની દુશ્મન જેવા.. જે દીવાલ બની ઊભા બાપ દિકરી વચ્ચે..
આવ્યો વરસાદ ધોધમાર.. લાગ્યું મને કૈક એવું ...ખૂબ રડયુ હશે આકાશ દિકરી વિયોઞે, આંસુ વહ્યા અનરાધાર એટલા કે થંભી ઞયા નદીના વહેણ,પીડા દિકરી વિયોઞની એ બાપથી વધારે કોણ જાણી શકે ?
દિકરી માટે સાતેય પહોર ના સુખ નું સરનામું એટલે પોતાના બાપનું ઘર
મોટા મહેલ જેવા બંગલામાં રહેતી હોવા છતાં દિકરી માટે તો પોતાના બાપની ગોદડી નું સુખ અધિક હોય છે,બાપના ઘરનો એલ્યુમિનિયમનો ગોબાવાળો એ જ પાણીનો ગ્લાસ એની તરસ છિપાવે છે અને જે તૃપ્તિ ની અનુભૂતિ તેને થાય છે તે કદાચ ચાંદીના ગ્લાસમાં પણ નહિ થતી હોય, બાપ લાવે સાદુ કાપડું પરંતુ તે દિકરી માટે કુબેરના ભંડારથી પણ વિશેષ હોય છે, બાપ અને દિકરી બન્ને માંથી કોઈ જ કશું બોલતું ના હોય એમ છ્તાં બન્ને ઘણું બોલતા પણ હોય અને એકબીજાને સાંભળતા પણ હોય તેવું જબરદસ્ત બોન્ડિંગ બન્ને વચ્ચે હોય છે, એકબીજાના ચહેરા જોઈને જ એકબીજાને ખ્યાલ આવી જાય કે સામેનું પાત્ર શું કહેવા માંગે છે, પથ્થર જેવો બાપ જે જિંદગીમાં ક્યારેય રડ્યો નથી હોતો તે દિકરી વિદાયમાં ઘુસ્કે ઘુસ્કે રડી પડતો હોય છે, દિકરીને ઉગવા અને ખીલવા માટેની મોકળાશ પોતાના બાપના ઘરથી વિશેષ ક્યાંય ના હોય!!, જે હાશકારો તે બાપના ઘેર અનુભવે તે કદાચ સાતેય પહોરના સુખમાં પણ ના અનુભવે, "બાપુ જમ્યા તમે ??" આ દિકરીનો ટહુકો અચૂક બાપની આંખોના ખૂણા ભીના કરી નાખે તે નક્કી અને નિર્વિવાદ છે..
કોઈ છોડ ને તેની મૂળ જગ્યાએથી ઉખાડીને અન્ય જગ્યાએ પ્રત્યારોપણ કરવામાં આવે ત્યારે તે છોડની આજુબાજુની માટીને પણ જોડે લેવી પડે છે જેથી નવી જગ્યાએ એ છોડ ને પોતાપણું લાગે અને તે છોડ ને વિક્સવામાં તે માટી મદદરૂપ થાય, એ જ પ્રમાણે કોઈ દિકરી લગ્ન કરીને કોઈ નવા ઘરમાં જાય છે ત્યારે પિયર ની ખુશ્બુ તેને સતત સતાવતી હોય છે,ઘર નવું..સૂવાની જગ્યા નવી..પાણિયારું નવું..રસોડું મસાલા બધું જ નવું , અરે કુટુંબના સભ્યો પણ નવા ...આ બધું હોવા છતાં તે દિકરી નવા ઘરમાં..નવા કુટુંબના સભ્યો વચ્ચે પોતાની જાતને સેટ કરવા મથામણ કરતી રહેતી હોય છે..આવા સમયે સાસરી વાળા તેના પિયર ની ખુશ્બૂ બની જાય અને એજ પિયરના છોડની માટી બની જાય તો તે દિકરીને ખીલવામાં..વિક્સવામાં... સેટ થવામાં સાસરી વાળાનું ઘણું મોટું યોગદાન કહી શકાય, અને જો આવું બને છે તો પછી પિયર અને સાસરીમાં કોઈ ભેદ રહેતો નથી અને તે દિકરીનો પિયરનો ખાલીપો પુરાઈ જાય છે તે નિર્વિવાદ છે...
રસિક પટેલ
શિક્ષક અને લેખક (matrubharati.com)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED