પ્રણય પરિણય - ભાગ 49 M. Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રણય પરિણય - ભાગ 49

પ્રણય પરિણય ભાગ ૪૯


વૈભવી અને ગઝલ ઘરે જવા નીકળ્યા. એ લોકો ગયા પછી દસ જ મિનિટમાં વિવાન પાર્ટીમાં આવ્યો. ગઝલએ મોકલેલા કપડાં પહેરીને એ આવ્યો હતો. તેણે પાર્ટીમાં બધે નજર ફેરવી.


'અરે! આવ આવ વિવાન..' તેને જોઈને હીરાલાલ સામે ગયાં.


'ગુડ ઇવનિંગ અંકલ..'


'ગુડ ઇવનિંગ બેટા, કેમ લેટ થઈ ગયું?' હીરાલાલે પૂછ્યું.


'મુંબઈનો ટ્રાફિક..' વિવાન હસતાં હસતાં બોલ્યો.


'હમ્મ.. કમ.' ઝવેરી અંકલ તેને પાર્ટીમાં લઈ ગયા. તેની નજર ગઝલને શોધી રહી હતી. હીરાલાલ ઝવેરી તેને બધા સાથે મળાવી રહ્યા હતા. વિવાન મન વગર બધાને મળી રહ્યો હતો. બધાને મળીને તે દાદી પાસે ગયો.


'તું ક્યારે આવ્યો?' દાદીએ આશ્ચર્યથી પુછ્યું.


'થઇ દસ પંદર મિનિટ, ગઝલ ક્યાં.' વિવાન આજુબાજુમાં નજર ફેરવતાં બોલ્યો.


'એ તો ગઈ ઘરે.'


કેમ?


'કેમ શું? એક તો તારા વિના એ અહીં આવવાની જ નહોતી, એમાં એ બોર થતી હતી એટલે વૈભવી તેને ઘરે લઈ ગઈ.'


વિવાન ઉદાસ થઈ ગયો.

'હું પણ જઉં છું તો પછી.' એ બોલ્યો.


'ના, આવ્યો છે તો રોકાવું પડે, એમ ના જવાય. ખરાબ લાગે.' દાદીએ કહ્યુ.

પછી વિવાન યંગસ્ટર્સ બેઠા હતાં ત્યાં ગયો.


વિવાનને જોઈને બધા ઉભા થઈ ગયા. અને એક પછી એક તેને મળવા લાગ્યા. એમાંથી ઘણા વિવાનના કોલેજ ફ્રેન્ડસ પણ હતા. ખાસ કરીને છોકરીઓ તો એને ઘેરો વળી ગઈ. ઘણાં સમયે મળ્યા એટલે બધાએ સેલ્ફીઓ પણ લીધી.


મળવાનું અને સેલ્ફીનું પુરુ થયું એટલે આરવીએ બધાને ડાન્સ માટે કહ્યું.


આરવી આવીને વિવાનને ડાન્સ માટે ખેંચી ગઈ.

પછી તો વારા ફરતી વિવાનની તેમજ આરવીની ફ્રેન્ડઝ પણ વિવાન સાથે ડાન્સ કરવા લાગી.

કોઈ કોઈ છોકરી તો તેને એકદમ ચીપકીને ડાન્સ કરતી હતી. કોઈ તેને હગ કરી રહી હતી.એક છોકરીએ તો વળી વિવાનના ગાલ પર કિસ પણ કરી.

આ બધી વાતનો ફાયદો ઉઠાવીને મલ્હારે અલગ અલગ એંગલ્સથી તેના ફોટા પાડી લીધા. તેણે આ બધા ફોટા ગઝલને સેન્ડ કરી દીધા.


ગઝલ જસ્ટ હમણાં જ ચેઈન્જ કરીને બેડ પર આડી પડી હતી.

મલ્હારનો નંબર તેના મોબાઈલમાં સેવ ન હોવાથી અનનોન નંબર પરથી કોનો મેસેજ આવ્યો તે ચેક કરવા તેણે વ્હોટસ્અપ ઓપન કર્યું તો સામે અલગ અલગ છોકરીઓ સાથે વિવાનના હોટ કહી શકાય તેવા ફોટા હતાં.

એ ફોટા જોઈને ગઝલને ન સમજાય તેવી ફીલિંગ થવા લાગી. તેને લાગતુ હતુ કે કોઈ તેના હક્ક પર કબજો જમાવી રહ્યું છે.


'મેં કહ્યું ત્યારે પાર્ટીમાં આવ્યા નહીં, અને હવે હું નથી તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે.' ગઝલ મનમાં બોલી. તેને જેલસી, પઝેસિવનેસ અને હાર્ટબ્રેકની મિશ્ર લાગણી થવા લાગી. તેને એવું લાગ્યું કે કદાચ એ રડી પડશે.


'તું શું કામ સેડ ફીલ કરે છે?' તેના અંતરમનની ગઝલ ફરીથી તેની સામે આવી.


'જોને, તુ જ સવારે બહું પ્રેમ પ્રેમ કરતી હતીને?' ગઝલ બોલી.


'હાં પણ તને શેનું ખોટું લાગે છે?' અંતરમન વાળી ગઝલ બોલી.


'આ બધું જોયા પછી પણ તું મને પુછે છે? જોયું નહીં પેલી વાંદરી કેવી ચીપકતી હતી એને?' ગઝલ ગુસ્સાથી બોલી.


'એ કંઇ પણ કરે તને શું ફરક પડે છે? તને તો એ બિલકુલ ગમતો નથીને?'


'ના, નથી ગમતો. '


'ગુડ, તો પછી એ કંઇ પણ કરે કરવા દે ને.. તું આરામથી સૂઈ જાને!' અંતરમન મશ્કરી ભર્યા સ્વરે બોલ્યું.


'મારે જેમ કરવું હોય તેમ કરીશ. તને શું છે? તું જા હવે..' ગઝલ બોલી અને એક ઓશીકું ઉઠાવીને અંતરમન સામે ફેંક્યું. એનુ અંતરમન હસતુ હસતુ ગાયબ થઇ ગયું.


'બોલે છે કે તને શું ફરક પડે છે!' ગઝલ ઊલટા હાથે આંસુ લુછતા બોલી.


રાતનાં લગભગ અગિયાર વાગ્યે વિવાન, દાદી અને કૃષ્ણકાંત સાથે ઘરે આવ્યો. એ બંનેને ગુડ નાઈટ કહીને વિવાન ઉપર બેડરૂમમાં આવ્યો. ગઝલ તો ક્યારની લાઈટ બંધ કરીને ઉંઘી ગઈ હતી. તેના પર નજર ફેરવીને તે ચેઈન્જ કરવા જતો રહ્યો. ચેઈન્જ કર્યા પછી તે બેડ પર ગઝલની બાજુમાં આવીને સૂતો. તેની તરફ ગઝલની પીઠ હતી. રોજની આદત મુજબ થોડું સરકીને તેણે ગઝલને પાછળથી આલિંગી. તે જાગતી જ હતી. થોડું ખસીને તે વિવાનથી દૂર થઈ.


'અરે! તું જાગે છે હજુ?' વિવાન ફરી તેની નજીક સર્યો.


'વિવાન તમે તમારી જગ્યા પર સૂઓ. ગઝલ બોલી.


'હું તો મારી જગ્યાએ જ સૂતો છું ને!' વિવાને ફરી તેને આલિંગનમાં લીધી.


'છોડો, અને દૂર હટો..' ગઝલ ગુસ્સાથી બોલી.


'વ્હોટ હેપન્ડ?'


'કશુ નહીં, મને નીંદર આવે છે.'


'હાં તો ઉંઘી જાને, મે ક્યા ના પાડી?'


'તમે આઘા ખસો પહેલા..' ગઝલ બેઠી થઈને બોલી.


'પણ થયું છે શું એ તો બોલ..' વિવાનને કશું સમજાતું નહોતું.


'કીધું ને કે કંઈ નથી થયું.' ગઝલ મોઢું ફુલાવીને બોલી.


'આઇ એમ સોરી.. હું તો ટાઈમ પર જ નીકળયો હતો પણ ટ્રાફિકને લીધે મોડું થયું.' વિવાન તેનો હાથ પોતાના હાથમાં લઈને બોલ્યો.

ગઝલએ ઝટકો મારીને તેનો હાથ છોડાવી લીધો.


'ગઝલ..!!'


'મને ખબર છે કે તમને બિઝનેસથી આગળ કશું દેખાતું જ નથી.'


'અરે! હવે આ શું નવું આવ્યું?' વિવાનથી મલકી જવાયું.


'તમને બિઝનેસ સિવાય બીજા કોઈની પરવા જ નથી ને?'


'અરે પણ એવું કોણે કહ્યું તને?' વિવાન અકળાઈને બોલ્યો.


'મને બધી ખબર છે.' કહીને એ બે પિલો લઈને સામે સોફા પર જતી રહી.


'ગઝલ.. હું પાર્ટીમાં આવ્યો હતો પણ તુ નહોતી.'


'હાં આવ્યા હતાં ને.. અને છોકરીઓને ચીપકીને નાચ્યા પણ હતા.. હું જ મૂરખ, એકલુ એકલુ ગમતુ નથી કરીને આટલી મસ્ત પાર્ટી છોડીને ઘરે આવી ગઈ.' ગઝલ ગુસ્સાથી બોલી.


'એક મિનિટ, એક મિનિટ.. તને વાંધો શાનો છે? હું સમયસર પાર્ટીમાં આવ્યો નહીં એનો કે છોકરીઓ સાથે ડાન્સ કર્યો એનો?' વિવાન હસીને બોલ્યો.


'મને નથી ખબર..' કહીને ગઝલએ છેક માથા સુધી બ્લેંકેટ ઓઢી લીધો.


તેનુ વર્તન જોઈને વિવાન અંદરથી ખુશ થતો હતો. ગઝલને ઈર્ષ્યા થઈ રહી હતી એ જાણીને તેને મજા આવતી હતી.


'મેં એ છોકરીઓ સાથે એન્જોય કર્યું તેમા તને શું પ્રોબ્લેમ થયો? તું તો એમ પણ ક્યાં મને નજીક આવવા દે છે?' વિવાન એકદમ ભોળો બનીને બોલ્યો.


'અચ્છા? તો જાઓને જઈને હજુ એન્જોય કરો જાઓ.' ગઝલએ ગુસ્સામાં માથા નીચેથી તકિયો કાઢીને વિવાનને માર્યો.


વિવાનને ખૂબ હસવું આવ્યું. એટલે ગઝલને વધુ ગુસ્સો આવ્યો. તે ઉભી થઇને તકિયા વડે તેને મારવા લાગી. વિવાન હસતાં હસતાં માર ખાઈ રહ્યો હતો. છેવટે ગઝલ થાકીને બેસી ગઈ. વિવાને તરતજ તેને આલિંગનમાં જકડી લીધી.


'છોડો મને..' ગઝલ છૂટવાની કોશિશ કરતા બોલી.


'શશશ.. કેટલો ગુસ્સો કરે છે? તને તો ખબર છે ને કે આવી પાર્ટીઓમાં ફોરવર્ડ છોકરા છોકરીઓ હોય છે. કોઇ હગ કરે કે કોઈ ગાલ પર કિસ કરે તેને કોઈ મનમાં ન લેતું હોય.. તુ ત્યાં હોત તો મેં તારી સાથે ડાન્સ કર્યો હોતને? કોઈ મારાથી કેટલી પણ નજીક આવે કે મને હગ કરે.. તારી જગ્યા અહીં છે.. અહીં મારા હૃદયમાં અને તે હંમેશા રહેશે...' વિવાન તેના હૃદય પર હાથ મૂકીને બોલ્યો. પછી કહ્યુ: 'તારી જગ્યા કોઈ નહીં છીનવી શકે એ વાત હંમેશાં ધ્યાનમાં રાખજે.' વિવાને તેના કપાળ પર હળવું ચુંબન કર્યું.

હવે ગઝલએ જ આલિંગનની ભીંસ વધારી. તે ધીમે ધીમે તેના પ્રેમમાં પડવા લાગી હતી.


'પગલી..' વિવાન તેના કાનમાં બોલ્યો. પછી પૂછ્યું: 'મને કહે તો, આ બધું તને કોણે કહ્યું?'


'કોઈ અનનોન નંબર પરથી મેસેજ આવ્યો હતો. તેમાં તમારા પાર્ટીના ફોટા હતાં.'


'ઓકે, ઠીક છે.. હવે આવા કોઈ મેસેજ કે ફોટા આવે તો પણ તેનો વિશ્વાસ કરવાનો નહીં. હું હંમેશા માટે તારો જ છું.' વિવાન તેનો ચહેરો બેઉ હાથમાં લઈને બોલ્યો.


પછી બંને બેડ પર આડા પડ્યાં. ગઝલ તો તરતજ ઉંઘી ગઈ. વિવાન જાગતો હતો, તેણે ગઝલનો મોબાઈલ લઇને વ્હોટસ્એપ ચેક કર્યું. જે નંબરથી ફોટા આવ્યા હતા તે નંબર તેણે પોતાના મોબાઈલના ટ્રૂ કોલરમાં નાખીને જોયું તો એ મલ્હારનો નંબર હતો.


'થેન્કસ મલ્હાર.. તારી આ ચીપ હરકતને કારણે ગઝલ મારી વધુ નજીક આવી.' વિવાન ખંધુ હસતાં મનમાં બોલ્યો. ફોન મુકીને તેણે ગઝલને નજીક ખેંચીને ગાઢ આલિંગનમાં લઈને ઉંઘી ગયો.


**

આજે વિવાનની ખૂબ મહત્વપૂર્ણ મિટિંગ હતી, આજે તેના ધ્યેય તરફનું મહત્વપૂર્ણ પગલું ભરવાનું હતું. તેનું ધ્યેય એટલે મલ્હારની બરબાદી.


વિવાન સવારમાં વહેલો ઊઠીને ફ્રેશ થઈને બહાર આવી કપડાં બદલી રહ્યો હતો.


'ગઝલ.. મારી ટાઈ નથી મળતી..' વિવાન વોર્ડ રોબમાં શોધતાં બોલ્યો.


'ગઝલ..' વિવાનને મોડું થઈ રહ્યું હતું.


'બોલો..' ગઝલ તાજી જ ન્હાઈને બાથરૂમમાંથી બહાર નીકળી હતી.


'મારી ટાઈ..' કહેતો વિવાન પાછળ ફર્યો અને ગઝલને જોઇને તે સ્થિર થઈ ગયો. તેની નજર તેના પર ફરી વળી. સ્નિગ્ધસ્નાતા ગઝલએ લેમન યલો કુર્તી અને વ્હાઈટ સિગરેટ પેન્ટ પહેર્યું હતું.

ભીના વાળ ટોવેલમાં બંધાયેલા હતા. તેમાંથી થોડા વાળ ગળા પર ચીપકેલા હતા. વાળમાંથી થોડા થોડા પાણીનાં ટીપાં રેલાઈને તેની કુરતીને ભીંજવી રહ્યાં હતાં. ભીંજાયેલી કુરતીનો એટલો ભાગ અર્ધપારદર્શક થઈ ગયો હતો. તે ભાગમાંથી ગઝલના સુકોમળ અંગો જરાં તરાં ઝલકી રહ્યાં હતાં. એ તાજી નાહીને આવી હોવાથી તેના શરીરમાંથી અંત્યત માદક ખુશ્બુ આવી રહી હતી. વિવાન હિપ્નોટાઈઝ થઇને તેની સામે જોઈ રહ્યો. તે ચાલતી તેની નજીક આવી.


'શું શોધી રહ્યા છો?' ગઝલએ વોર્ડ રોબમાં નજર નાંખીને પૂછ્યું.


'હં, હે!' વિવાન ભાનમાં આવ્યો.


'શું શોધી રહ્યા છો?' ગકલએ ફરીથી પુછ્યું.


'ટાઈ.' વિવાનની નજર હજુ પણ તેના પરથી હટી નહોતી.


'કઈ ટાઈ જોઈએ છે? 'ગઝલએ વોર્ડ રોબના ખાનાઓમાં જોતા પુછ્યું.


વિવાન પણ વોર્ડ રોબમાં શોધી રહ્યો હતો.


'આ રહી મળી ગઈ..' કહીને તેણે હાથ ઉપર કર્યો.


ગઝલ આંખો ફાડીને જોઇ રહી. તેની ફાટેલી આંખો જોઈને વિવાનને પણ કંઇક ગરબડ થઈ હોય તેમ લાગ્યું. તેણે પોતાના હાથમાં જોયું તો ગઝલની બ્રા હતી. તેની પોતાની આંખો પણ ફાટી રહી. ગઝલએ તરતજ તેના હાથમાંથી બ્રા ખેંચી લીધી અને પીઠ ફેરવી લીધી. વિવાનને પણ સંકોચ થવા લાગ્યો, તે બે ડગલા પાછળ જઈને ઉભો રહ્યો. અને બોલ્યો: 'જરા જલ્દી શોધી આપને મારે મોડું થાય છે.'


ગઝલએ એક મરૂણ કલરની ટાઈ શોધીને તેને આપી. બંને જણ એકબીજા સામે જોવામાં શરમાઈ રહ્યા હતા. વિવાન ઉતાવળે ટાઈ બાંધતો હતો એથી તેના લીધે ટાઈ ઉલટી બંધાઈ ગઈ. તેણે ફરીથી ખોલીને બાંધવાનો પ્રયાસ કર્યો તો ગાંઠ બરાબર ના આવી. તેની ગડમથલ જોઈને ગઝલએ તેના હાથ પર હાથ મૂક્યો. વિવાને ચમકીને તેની સામે જોયું અને પોતાનો હાથ નીચે કર્યો. તે એની સામે જોઈ રહ્યો. ગઝલ તેની ટાઈ બાંધવા લાગી. પણ વચ્ચે જ ગઝલને હસવું આવી ગયું. એ જોઈને વિવાન પણ હસી પડ્યો. બંને જણા એકબીજાની આંખોમાં જોઈ રહ્યા.


વિવાને તેના બંને હાથ ગઝલની ફરતે વીંટાળી દીધા. તેણે પણ હળવી સ્માઈલ કરીને પોતાનુ માથું વિવાનની છાતી પર ઢાળી દીધું. ગઝલના ગરમ ગરમ શ્વાસ વિવાનના શર્ટની આરપાર થઈને તેની છાતી સાથે અફળાતા હતા. વિવાનના હાથ ગઝલની પીઠ પર ઉપર નીચે ફરી રહ્યાં હતાં એથી તેને મીઠી ઝણઝણાટી થઈ રહી હતી. ગઝલએ ધીરેથી આંખો બંધ કરી લીધી. વિવાને હળવેથી તેના માથા પરનો ટોવેલ કાઢી લીધો. એ સાથે જ જાણે મદારીના ટોપલામાંથી અસંખ્ય નાગ એક સાથે વછૂટ્યા હોય તેમ ગઝલના જથ્થાદાર કાળા ભમ્મર, સુંવાળા લાંબા વાળ વળ ખાઈને તેના નિતંબ સુધી જઈને પથરાઈ ગયાં.


વિવાને તેની ગરદન પરથી થોડા વાળને દૂર કરીને એક હળવેકથી હોઠ અડાવ્યા. ગઝલના શરીરમાંથી વિજળી પસાર થઈ ગઈ. તેણે તેના ખભા સંકોર્યા.


'ભાઈઈઈ..' રઘુ દરવાજા પર નોક કરીને તરતજ અંદર ઘૂસ્યો. ગઝલ ઝબકીને તરતજ બાજુમાં ખસી ગઈ.


'રોંગ ટાઈમિંગ..' એક ગુસ્સા ભરી દ્રષ્ટિ રઘુ તરફ ફેંકીને વિવાન બોલ્યો.


'મને શું ખબર કે તમે લોકો અત્યારે રોમાંસ કરતા હશો?' રઘુ ઓશિયાળું મોઢું કરીને બોલ્યો. એ સાંભળીને ગઝલ બાલ્કનીમાં ભાગી ગઈ.


'આ અમારો બેડરૂમ છે! અમે અહીં એ જ કરતા હોઈએ ને?' વિવાન કડક અવાજે બોલ્યો.


'હાં તો? એના માટે દરવાજો લોક કરવાની સિસ્ટમ છે મારા ભાઈ, ઘરમાં નાના બાળકો છે એ ખબર છે ને! તેના બાળ મન પર શું અસર પડશે એનો તમારે વિચાર કરવો જોઈએ.' રઘુ પોતાને નાનો બાળક ગણાવતાં નાટકીય અંદાજમાં બોલ્યો. ગઝલ આ બધુ સાંભળી રહી હતી.


'શટ અપ.. પેલી બેગ ઉઠાવ અને નીકળ ફટાફટ, હું આવું છું પાછળ.' વિવાને કહ્યુ.


'જલ્દી આવજો.. બાકી રહેલો રોમાંસ રાતના કન્ટિન્યુ કરશો તો પણ ચાલશે.' રઘુ હાથે કરીને જોરથી બોલ્યો.


'ગેટ આઉટ..' વિવાન ચિડાયો.


'જાઉં છું જાઉં છું.. એમ ચિડાઓ નહીં.. બાહોં મેં ચલે આ….ઓ.. હમસે સનમ ક્યા પરદાઆઆઆ..' ગણગણતો રઘુ બહાર નીકળી ગયો.


રઘુના ગયા પછી વિવાને ટાઈ સરખી કરીને બ્લેઝર પહેર્યું. ગઝલ હજુ બાલ્કનીમાં જ હતી. તેને હવે વિવાન સામે જોવામાં પણ ખુબ સંકોચ થતો હતો.


'હું નીકળું છું..' વિવાને પાછળથી અવાજ દીધો પણ ગઝલએ પાછુ વળીને જોયું જ નહી. વિવાન મનમાં હસતો હસતો બહાર નીકળી ગયો.


દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો એટલે ગઝલએ ગરદન ફેરવીને જોયુ તો વિવાન નીકળી ગયો હતો. તેણે છાતી પર હાથ મૂકીને વધી ગયેલા શ્વાસને નીચે બેસાડવાની કોશિશ કરી અને અંદર આવીને બેડ પર આડી પડી. તેને થોડીવાર પહેલાનો બનાવ યાદ આવી ગયો. એ મીઠું શરમાઈ.


વિવાન તેને પ્રેમ કરે છે એ તો ગઝલ જાણતી હતી પરંતુ તેના મનમાં પણ વિવાન પ્રત્યે મીઠી લાગણી ઉત્પન્ન થવા લાગી છે એ વાત હવે તેના ધ્યાનમાં આવી.

થોડીવારમાં વિવાનની ગાડી બહાર નીકળવાનો અવાજ આવ્યો અને તે બેડ પરથી ઉભી થઇને દોડતી બાલ્કનીમાં ગઈ.

વિવાન જસ્ટ ગાડીમાં બેસવા જતો જ હતો ને તેણે ઉપર જોયું. ગઝલનું બાલ્કનીમાં આવવું અને વિવાનનું ઉપર જોવું બંને ક્રિયા એક સાથે થઈ.

તેને બાલ્કનીમાં ઊભેલી જોઈને વિવાન ખુબ ખુશ થયો. હોઠ પર પહોળી સ્માઈલ લાવીને તેણે ગઝલને ફ્લાઈંગ કિસ કરી.

એ જોઇને ગઝલએ હસતા હસતા હાથ હલાવીને બાય કહ્યું.


.

.


ક્રમશઃ


**


ગઝલને ભડકાવવાનો વિવાનનો દાવ ઉંધો પડી ગયો. શું મલ્હાર હવે કોઈ નવી ચાલ રમશે?


ગઝલ ધીરે ધીરે વિવાનને પસંદ કરવા લાગી છે, શું એ વિવાનને પૂર્ણ પણે સ્વીકારશે?


વિવાનની આજે ખુબ મહત્વની મીટીંગ છે, એમાં શું થશે?


વિવાનનું ધ્યેય મલ્હારની સંપૂર્ણ બરબાદી છે, શું એ તેમા સફળ થશે?


**


મિત્રો, આ નવલકથા પ્રત્યેના આપના એકધારા પ્રેમને કારણે માતૃભારતીના ટોપ ટ્રેંન્ડિંગ સેકશનમાં આ નવલકથા હંમેશાં ટોચ પર રહે છે. આપ સૌ વાચકોના આશીર્વાદથી દર અઠવાડિયે ટોપ ૧૦ લેખકોમા મારો નંબર આવે છે. તમારા સૌના અવિરત પ્રેમને કારણે જ એ શક્ય બને છે. આ નવલકથાને ટોચ પર પહોંચાડવા માટે હું મારા સૌ વાચકોનો હૃદયથી આભાર માનું છું.


❤ આપના પ્રતિભાવોની પ્રતિક્ષા રહેશે. ❤