Savai Mata - 42 books and stories free download online pdf in Gujarati

સવાઈ માતા - ભાગ 42

નવો સંસાર માંડેલ આ દંપતિને કૉલેજ તરફથી વધુ એક કામ સોંપાયું. લીલાએ પોતાનું કૉલેજનું આર્ટવર્ક કરવા રામજી તથા મેઘજીનાં ગામમાં રહેતાં બીજાં કેટલાંક સાથીઓને બોલાવી લીધાં હતાં. તેઓ કૉલેજનાં જ કામ પૂરતાં શહેર આવ્યાં હોવાથી તેઓની રહેવાની વ્યવસ્થા હંગામી ધોરણે કૉલેજનાં જ બે ખાલી રહેલ ક્વાર્ટર્સમાં થઈ ગઈ. લીલાની આગેવાની અને પ્રિન્સીપાલ મેડમની સૂચના હેઠળ કૉલેજનાં એડિટોરિયમ, ઓપન એર થિયેટર, દરેક માળની લૉબી, ભોજનખંડ અને પ્રાર્થનાખંડ તેમજ વિદ્યાર્થીઓની હૉસ્ટેલ તથા પ્રોફેસર્સ અને અન્ય કર્મચારીઓનાં ક્વાર્ટર્સનાં બહારનાં ભાગ અદભૂત પિથોરા આર્ટથી શોભી ઊઠ્યાં. આ બધું કાર્ય પૂર્ણ થતાં લગભગ સવા વર્ષ જેવો સમય લાગ્યો.

તે દરમિયાન થયેલા પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે પધારેલાં ઓસ્ટ્રેલિયાનાં નૉબલ યુનિવર્સિટીનાં રોબોટિક્સ ડિપાર્ટમેન્ટનાં ડીન મિ. રોડ્રિગ્સની નજરમાં પિથોરા આર્ટ વસી ગયું.

તેઓએ પ્રિન્સીપાલ મેડમને પૂછ્યું, "શું આ આર્ટિસ્ટ અમારી યુનિવર્સિટી પણ આવી જ પેઇન્ટ કરી આપે?"

પ્રિન્સીપાલ મેડમને એક તરફ અનહદ આનંદ થયો કે, લીલાની આ મહેનત અને ધગસ થકી તેનાં વડવાઓએ જાળવેલ આર્ટ આજે દૂર દેશથી પધારેલા મહેમાનની આંખમાં વસ્યું છે. બીજી તરફ એ વાતની અવઢવ હતી કે લીલા તેનાં પતિ રામજીથી દૂર અને તે પણ અજાણ્યા દેશમાં જવા તૈયાર થશે કે કેમ?

તેઓએ મિસ્ટર રોડ્રિગ્સ પાસે એક દિવસનો સમય માંગ્યો લીલાને પૂછવા માટે. સાંજે જ્યારે પ્રિન્સીપાલ મેડમ કામકાજથી ફારેગ થયાં એટલે તેઓએ લીલાને પોતાની આૅફિસનાં બદલે ક્વાર્ટર ઉપર બોલાવી. રામજીને તેમજ લીલાને નવાઈ તો ઘણી જ લાગી કેમ કે મેડમ ક્યારેય કોઈને પણ પોતાનાં ક્વાર્ટર ઉપર ન બોલાવતાં હંમેશા આૅફિસમાં જ મળતાં. સમય ગમે તે હોય, તેમને તૈયાર થઈ આૅફિસ સુધી આવતાં ક્યારેય કંટાળો ન ઉપજતો. લીલા થોડી જ વારમાં મેડમ પાસે પહોંચી. દરવાજે ઘંટડી વગાડતાં મેડમે જાતે જ દરવાજો ઊઘાડ્યો અને લીલાને આવકારી. લીલા ખૂબ જ ખચકાતાં ઘરમાં દાખલ થઈ. મેડમે પોતે બેઠક લઈ સામેનાં સોફા ઉપર તેને બેસવા કહ્યું. લીલાએ બેઠક લીધાં બાદ મેડમે તેનાં ઘર-પરિવાર વિશે વાતો કરી.

તેનો ખચકાટ જતો રહ્યો છે એમ લાગતાં મેડમે તેને જણાવ્યું, "આપણી કૉલેજમાં પેલા ઓસ્ટ્રેલિયાવાળા સર આવ્યા છે ને, તેમને તારાં અને તારી ટીમનાં પેઈન્ટિંગ ખૂબ જ પસંદ આવ્યાં."

લીલાને તો આ વાત માન્યામાં જ નહોતી આવતી. તેને વળતો પ્રશ્ન પૂછ્યો, "હું કયો સો, મેડમ! એમનેય તે આવું ચિતરામણ ગમે કાંઈ? આ તો હાવ દેસી."

મેડમ બોલ્યાં, "હા, લીલા. તેમને પસંદ તો આવ્યું જ છે. વળી, તેઓ તને અને તારી ટીમને તેમની યુનિવર્સિટી પણ આપણાં જેવી જ પેઈન્ટ કરવા માટે બોલાવવા ઈચ્છે છે."

લીલા તો સાચે જ ડઘાઈ ગઈ આ વાત સાંભળીને. તેણે પૂછ્યું," તે મેડમ, ઈમનાં દેસમાં કોઈ ચિતર નંઈ દોરતુ ઓય? સેક આંયથી અમન લઈ જવા માગે સ તે?"

મેડમે તેને કહ્યું, "તેમનાં દેશમાંય તે ચિત્રકાર તો ઘણાં બધાં છે, પણ આપણાં દેશની કલાઓ તો અલગ જ છે. લીલા, તને ખબર નથી, કે તમારું પોતીકું, આ પિથોરાઆર્ટ શહેરોમાં તેમજ વિદેશોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમને પણ પસંદ તો આવ્યું જ છે. જો તમે લોકો એક વ્યવસ્થિત ટીમ બનાવી કામ કરો, તો તે આર્ટવર્ક થી મળતું ફંડ તમારાં જ લોકોને ખેતી સુધારવા, સારાં રહેઠાણો બનાવવા તેમજ બાળકોને શિક્ષણ આપવાં જેવાં કેટલાંય પાયાનાં અને ઉમદા કાર્યોમાં ઉપયોગમાં આવે. અને સૌથી મોટી વાત તો એ છે કે, તું તમારી કળાની, પ્રદેશની અને દેશની પ્રતિનિધિ બની વિદેશમાં પગ માંડીશ. તારું, રામજીનું, પરિવારનું, આ કોલેજનું અને આ દેશનું નામ રોશન કરીશ, ખબર છે એની? બોલ, તું જઈશ?"

લીલા ઊંડા વિચારમાં ગરકાવ થઈને વિમાનની પાંખ ઉપર બેસીને કાળાં-ધોળાં અને ઘાટાં ભૂરાં વાદળોની પેલે પાર ઊડી આવી. સૂર્યનારાયણને તેમનાં રથમાં બેઠેલાં જોતી આવી અને નીચે પાછાં ફરતાં બહુમાળી ઈમારતોની રંગબેરંગી છતને નિહાળતી, તાડ, નાળિયેરી, આંબો, લીમડો, ગરમાળો અને ગુલમહોર, બધાંયને અડતી, તેમની ડાળીઓને હળવેથી ઝૂલાવતી આવી.

જ્યારે તંદ્રામાં સરી ગયેલી લીલાને મેડમે બોલાવી ત્યારે તે જાણે અધૂરી સફર છોડીને આવી હોય તેવી હેરાન લાગતી હતી.

તેના વિચારોમાં જબરું મંથન ચાલ્યું, ‘હું ઉંય તે વિદેશની ધરતી પર પગ માંડી હકું? માર જવું જોયે? જો આ, તો રામજીન મુકીન તો મારથી કેમ કરી જવાય? ઈમ નોકરી સોડીન ઈ માર હંગાથ આવે? બીજાં બધાંન લય જઉં, તો રે’વાનું, ખાવાનું એ બધાનું હું?’

તેને વિચારોમાં ખોવાયેલી જોઈને મેડમે કહ્યું, “હું પણ સમજી શકું છું કે, તને કેવાં વિચારો આવતાં હશે. ઘરે જા, રામજી સાથે અને બીજાં આર્ટીસ્ટ સાથે વાત કર. પછી, કાલે સાંજે છ વાગ્યા આસપાસ બંને અહીં જ મારી પાસે આવજો. તમારા બધાં જ સવાલોનાં જવાબ મળી જશે.”

લીલા ઉઠી અને મેડમને પ્રણામ કરતાં બોલી, “બોવ જ આભાર, તમારો મેડમ.”

લીલાને બારણા તરફ આગળ વધતી જોઈ મેડમે કહ્યું, “લીલા, મેં તને વિચારવાનું કહ્યું છે. પણ જવાબ ‘ના’ માં નથી જોઈતો, બરાબર?”

હસતા મુખે માથું હલાવતી લીલા તેમનાં ઘરમાંથી બહાર નીકળી. તેના પગ નીચે જાણે સખત જમીન નહીં, પણ પોચાં - પોચાં વાદળો હોય એમ તેને લાગ્યું. પોતાની આ ખુશી અને ચિંતા મિશ્રિત લાગણીઓની લહેરખી સાથે તે પોતાનાં ક્વાર્ટર તરફ ચાલી નીકળી. ઘર નજીક પહોંચીને અધખુલ્લા બારણે પણ ઘંટડી વગાડી.

અંદરથી રામજીનો આવાજ આવ્યો, “કોણ? દરવાજો ખૂલ્લો જ છે.”

તેના સાદ પછી પણ કોઈ અંદર ન આવ્યું એટલે તેને લાગ્યું કે કોઈ મહેમાન કે અજાણ્યું હશે. ઉભા થઈ બારણા પાસે જઈ, તેને આખું ઉઘાડતાં સામે લીલાને ઊભેલી જોઈ તેને નવાઈ લાગી.

તે પૂછી બેઠો, “અરે! બારણું ખૂલ્લું જ છે તો બહાર કેમ ઊભી છો?”

લીલાએ ત્યાંજ ઊભાં ઊભાં તેને કહ્યું, “મન ચૂંટલી તો ખણ. ખબર નંઈ, આજ ઉં જે હાંભળી આઈ એ હાચું છ ક ખોટું?”

રામજીએ તેનો હાથ પકડી તેને ઘરમાં લીધી અને પૂછ્યું, “એવું તો શું થયું મેડમનાં ઘરે, તે તારે આમ ખાતરી કરવી પડશે?”

લીલા બોલી, “અરે, પેલા ગોરા સાયેબ આઈવા સે ન, ઈમને મન ન આપણા ચીતર દોરનાર બીજા હગાન પોતાની હારે વિદેસ લઇ જવા સ. ઈમની કોલેજનેય આપણી આ કોલેજ જેવી રંગવી સ.”

રામજીએ ખુશીથી લીલાને ઊંચકી લીધી અને ગોળ ગોળ ફરતાં બોલ્યો, “શું વાત કરે છે? તો તું પ્લેનમાં બેસીને વિદેશ જઈશ! અરે વાહ! આટલી બધી પ્રગતિ તો કોઈએ પણ આપણા સમાજમાં કરી નથી.”

લીલા બોલી, “અરે આમ પણ માર માથું ક્યારનું ચક્કર ચક્કર ભમી રહ્યું સ. મન નીસે ઉતારો. અં હમજો જરા, ઉ કાંઈ આટલે દૂર જવાની નથી. ટાઢા પડો.”

રામજી બોલ્યો, “તે તું મેડમને ના પાડીને આવી છું?”

લીલા બોલી, “આ, પણ મેડમે મને કયું, કાલે હાંજે આવજે. અન ઈ પેલાં તમાર જોડે બેહીન બરાબર વિસરવાનું સ.”

અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા
alpapurohit4@gmail.com

આપનાં અમૂલ્ય પ્રતિભાવની પ્રતિક્ષા રહેશે.
(આ નવલકથા તથા તેનાં કોઈપણ ભાગને લેખકનાં નામ, ફોન નંબર / ઇ-મેઈલ આઈ.ડી. સહિત જ શેર કે ફોરવર્ડ કરવી. વાર્તા કે વાર્તાનાં કોઈપણ ભાગનો કોઈ પુસ્તક, મેગેઝિન, દ્શ્ય કે શ્રાવ્ય માધ્યમ ઉપર ઉપયોગ કરવાનાં તેમજ અન્ય ભાષામાં અનુવાદ /ભાવાનુવાદ કરવાનાં તમામ હક્ક લેખક અલ્પા ભટ્ટ પુરોહિતનાં જ છે.)

ક્રમશઃ

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED