સવાઈ માતા - ભાગ 41 Alpa Bhatt Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સિક્સર

    મેથ્યુ નામનો વ્યક્તિ હોય છે. તે દૈનિક ક્રિયા મુજબ ઓફિસથી આવત...

  • જીવન ચોર...ભાગ ૧ ( ભૂખ)

    ભાગ ૧  : ભૂખ મહાદેવી શેઠાણી: એ પકડો એને... પકડો.. મારા લાખો...

  • ડેટા સેન્ટર

    ડેટા સેન્ટર : ડિજિટલ યુગના પાવરહાઉસ એઆઇના વધતા ઉપયોગ વચ્ચે ભ...

  • સંઘર્ષ - પ્રકરણ 12

    સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દ...

  • એટૉમિક હૅબિટ્સ

    પુસ્તક: એટૉમિક હૅબિટ્સ, લેખક: જેમ્સ ક્લિયરપરિચય: રાકેશ ઠક્કર...

શ્રેણી
શેયર કરો

સવાઈ માતા - ભાગ 41

લીલાએ રામજીનાં ભાઈ-બહેનને માટે બીજી થોડી ચા બનાવી જેને ધીમે-ધીમે પીતાં તેમણે ટાઢ ઉડાડી. ત્યારબાદ શયનખંડનાં પેટીપલંગમાંથી બીજાં થોડાં ગોદડાં અને રજાઈઓ કાઢ્યાં જેને ઓઢી પાથરી બધાંય બેઠકખંડ અને શયનખંડમાં વહેંચાઈને સૂતાં. આમ તો બહાર વરસાદ થંભવાની કોઈ સંભાવના દેખાતી ન હતી અને રામજી પણ બહાર હતો એટલે લગભગ કોઈનીયે આંખોમાં ઊંઘ નહોતી. આખીય રાત ધીમો ગણગણાટ ચાલી રહ્યો.

છેક સવારે પાંચ વાગ્યે દરવાજે ઘંટડી વાગી. લીલાએ સફાળા ઊભાં થઈ દરવાજા ભણી દોટ મૂકી.

નટખટ અમુ તરત જ ટહૂકી, "જો ભઈ આયો લાગે છે, ભાભી કેવી દોડી?"

હંમેશા પોતાને મેઘજીની વહુનાં નાતે ભાભી કહેતી અમુનાં આજનાં બોલવામાં લીલાને કાંઈક જુદો જ સૂર પકડાયો. તે શરમાઈ અને થોડી ખચકાઈ અને ઉંબરે ઠેસ વાગી.

"ઓ મા", તેનાં મોંમાંથી સરી ગયું.

બારણું ખોલાતાં જ ભીંજાયેલો રામજી દેખાયો. તેણે બાજુએ ખસી રામજીને અંદર આવવા રસ્તો કરી આપ્યો પણ ભીંજાયેલ હોવાથી રામજી અંદર આવતાં ખચકાયો.

લીલા બોલી, "બાથરૂમમાં જ જતાં રો. તંયે બા'ર જ ઘોડામ ઈમનાં કપડાં ધોયલાં પઈડાં સ. લઈન બદલી લો. નંઈ તો માંદા પડહો. ઉં થોડી સા બનાઈ લાઉં."

આટલી રાત્રે લીલાને તકલીફ આપવી ન ગમી છતાંય ધ્રુજતાં શરીરને ગરમાવાની સખત જરૂર હતી તેથી રામજી કાંઈ બોલ્યો નહીં. તે ઝડપભેર બાથરૂમ તરફ ગયો અને અંધારે જ ઘોડામાંથી કપડાં ઉઠાવી, બદલીને બહાર આવ્યો. કોરાં કપડાંમાં તેને સુતરાઉ કાપડ ઉપરાંત મિત્રતાની હૂંફનો આછેરો અનુભવ થયો. મેઘજી યાદ આવી જતાં તેની આંખનાં ખૂણા થોડાં ભીનાં થયાં. એક ટુવાલ લઈ વાળ લૂછતાં-લૂછતાં તે બેઠકખંડમાં આવ્યો. તે ખુરશી ઉપર બેઠો. લીલા ચા નો કપ ભરી, લઈને બહાર આવી અને થોડાં બિસ્કીટ પણ એક પ્લેટમાં લેતી આવી.

કૉલેજ પરિસરમાં વીજળી ન હોવાથી સ્ટાફ માટે મૂકેલ લિફ્ટ પણ બંધ જ હતી તેથી બધો જ સામાન રામજી અને બીજાં કર્મચારીઓએ દાદર ચઢ ઉતર કરીને જ ઉપરનાં માળે પહોંચાડ્યો. રામજીને થાક અને ભૂખ બેય લાગ્યાં હતાં. જરાય આનાકાની વગર તેણે ચા સાથે બિસ્કીટ ખાઈ લીધાં અને બેઠકખંડમાં જ પોતાનાં ભાઈની બાજુમાં જ જંપી ગયો. તેને આવી ગયેલો જાણી બધાંય વડીલો પણ શયનખંડમાં ઘસઘસાટ ઉંઘી ગયાં. આખાંયે શહેરમાં વરસાદ હજી પણ બંધ ન થયો હોવાથી કૉલેજ તો આજે બંધ જ રહેવાની હતી. રામજી અને તેની સાથે ગયેલાં સાથીઓનું કામ પૂરું થતાં હવે તેમણે સવારે કૉલેજ જવાનું ન હતું. બીજાં ત્રણ પ્યુનની હવે પાંચ વાગ્યાથી નવ વાગ્યા સુધી ડ્યુટી હતી.

તેમનાં ક્વાર્ટર્સ થોડી ઉંચાઈ ઉપર બાંધેલાં હોવાથી ઘરમાં પાણી ભરાવાની કોઈ જ સંભાવના ન હતી. લીલા અમુની બાજુમાં સૂતી. તેની આંખોમાં જરાય ઘેન ન હતું. અમુ ઘણીય સમજદાર હતી. તેણે પોતાનો હાથ લીલાનાં ઉપર મૂકી દીધો અને તેને થોડીવાર સૂઈ જવા કહ્યું.

રાત્રીનો ઉજાગરો, બહારની ઠંડક, સૂર્ય નારાયણની ગેરહાજરી અને ઘરમાંની નિશ્ચિંતતાએ બધાંયને મોડે સુધી સૂવાડી રાખ્યાં. સવારે લગભગ સાડા આઠ વાગ્યે લીલા સફાળી ઊઠી. રાત્રે વીજળીનો પ્રવાહ ખોરવાયો અને જે ઘટનાઓ બની તેમાં એલાર્મ મૂકવાનું જ ભૂલી ગઈ હતી. તેણે જલ્દીથી અમુને ઉઠાડી. બંનેએ પોતે પરવારી બીજાંને પણ ઉઠાડ્યાં. હજી વીજળીનું આગમન થયું ન હતું તેથી પાણીની ટાંકી ખાલીખમ હતી.

મ્યુનિસિપાલિટીનાં નળે પાણી લગભગ અગિયાર વાગ્યે આવતું. ક્વાર્ટર્સની પાછળ આવેલાં કૂવો જેનું પાણી મોટર મૂકી કૉલેજ કેમ્પસનાં બાગમાં પાણી છાંટવા વપરાતું તેની ચોતરફ બધાંય રહેવાસીઓ વળ્યાં. બધાંયને જરૂર પૂરતું પાણી ત્યાંથી મળી રહ્યું. કૂવો પૂરી ન દેવા માટે સઘળાંએ મેનેજમેન્ટનો અંતઃકરણથી આભાર માન્યો. લીલાનાં ઘરમાં તો ઘરમાં દૂધ રાત્રે જ પૂરું થઈ ગયું હતું અને આજે આટલાં વરસાદી વાતાવરણમાં ડેરીમાંથી દૂધનો ટેમ્પો પણ આવ્યો હોય એમ જણાયું નહીં. અમુ ઘરે જઈને ફ્રીજમાં પડેલું અડધો લિટર જેવું દૂધ લઈ આવી. લીલાએ તેમાં જ પાણી મેળવી લગભગ અગિયાર જણની ચા બનાવી દીધી. સાથે બિસ્કીટ અને ગરમાગરમ ઉપમા પણ પીરસ્યાં.

લીલાની કુનેહ જોઈ રામજીનાં માતાપિતાને લાગ્યું કે, "ભલે શહેરમાં રહી છે પણ છોકરીમાં લાગણી ભરપૂર છે. પોતાની ચિંતા છોડીનેય પાડોશીની મદદ કરે એવી છે. વળી, મેઘજીની વિધવા છે પણ સાથે સાથે રામજીનીય ઘણી દરકાર રાખે છે બાકી અમે અમારાં હાલ ઉપર ઘરમાં પડી જ રહ્યાં હોત. અજાણ્યાં શહેરમાં, અંધારી મેઘલી રાતે, રામજીને ફરજ ઉપર હાજર થવાનું હોય ત્યારે કેમનું વરતવું એનીય અમને ખબર નહોતી. આપણાં ગામને તો આપણે સારી પેઠે જાણતાં હોઈએ. વળી, આડોશપાડોશ પણ પરિચિત હોય તેથી જરૂર પડ્યે કોઈનુંય બારણું નિઃસંકોચ ખટખટાવી શકાય. અહીં તો આ લીલાએ મદદ ન કરી હોત તો આપણે શુંય કરત? ગઈ રાત્રે તેનો સધિયારો જ સૌથી મહત્ત્વની વાત હતી."

તેઓએ કાંઈક મસલત કરી અને નિર્ણય ઉપર આવ્યાં. આ તરફ ચા-નાસ્તો કરી રામજી દૂધ લેવા ઉપડ્યો. તેની સાથે તેનોહભાઈ પણ એક કરતાં બે ભલાનાં દાવે ગયો. લગભગ એકાદ કલાકની દડમજલ બાદ તેઓને માંડ એક લિટર દૂધ મળ્યું. હવે આવાં વાતાવરણમાં શાકભાજી તો મળવું મુશ્કેલ હતું. તે કરિયાણાની દુકાનેથી મગ, મગની દાળ, ચણા, તુવેર જેવાં કઠોળ અને દૂધનો પાઉડર તથા થોડાં દાળ-ચોખા અને લોટ પણ ખરીદી લાવ્યો. આ બધું તેણે પોતાનાં ઘરે ન મૂકતાં લીલાને જ આપ્યું. તેણે સામાન મૂકતાં રસોડામાં જોયું કે, એક નાની વાંસની ટોપલીમાં તાજાં રવૈયાં અને મેથીની ભાજી પડ્યાં છે.

તે સહજ પૃચ્છા કરી બેઠો, "આ ક્યાંથી લીધાં?"

તેને જવાબ અમુ પાસેથી મળ્યો, "આ તો લીલાભાભીએ પાસળના વાડામાં ઉગાયડાં સ. જરા આવીન જોવ તો ખરા, ભઈ. કારેલાં ન કંટોલા, પરવર ને દૂધી, મરસાં, ધાણા, ભાજી ન કંઈ કેટલુંય સાકભાજી ઉગાઈડું છ એમણે. ને ખાલી પોતાન માટ નંઈ, આજુબાજુન બધ્ધાંયને બોલાવીન આજ ચાલે એટલું સાક આઈપું સ."

રામજીનાં મોં ઉપર કૃતજ્ઞતા ભર્યું હાસ્ય આવી ગયું. બપોરે જમતાં સુધી તો વીજળી આવી ગઈ. રામજી અને લીલા કૉલેજની ડ્યૂટી ઉપર ગયાં અને પાછળ સઘળાંય ઘરે વાતો કરતાં બેઠાં.

વાતચીતનો મુખ્ય મુદ્દો જ લીલા અને રામજી હતાં. એક દોઢ કલાકની વાતોનો અંત ખૂબ જ સુખદ આવ્યો. બે ય જે રીતે એકમેકને મદદ કરી જાણતાં હતાં તે જ રીતે જીવનભર એકબીજાની પડખે ઊભાં રહી પરસ્પર મદદરૂપ થતાં રહે એવી દરેકની ઈચ્છાને માન આપી આવનારી પૂનમે બેયનું લગ્ન ગામનાં મંદિરમાં જ કરવાનું નકકી થયું. લીલાનાં માતા-પિતા ઘણી સાદાઈથી લગ્ન ઈચ્છતાં હતાં જ્યારે મેઘજીની માતાએ તમામ ધામધૂમ તેમનાં રીતરિવાજ મુજબ કરવાનો આગ્રહ રાખ્યો. રામજીનાં માતા-પિતાને તો મોટો દીકરો પરણતો હતો એટલે બધાં જ કોડ પૂરાં કરવાં હતાં.

તે બેયનો કૉલેજથી પરત આવવાનો સમય થયો એટલે વડીલોએ વાત કેમ કરી તેમની સામે રજૂ કરવી તેની ભૂમિકા બાંધવા માંડી. આ બધું થોડું અટપટું લાગતાં અમુ રસોડામાં ધસી ગઈ અને ડબ્બા ફંફોસી કંસારનો લોટ શોધ્યો. પિત્તળની કડાઈ શોધી તેમાં મઝાનો કંસાર બનાવી દીધો. તેની સોડમ દૂર સુધી પ્રસરી ગઈ. લીલા અને રામજીનાં ઘરે આવતામાં રામજીનાં ભાઈઓ તેમને ખુશીથી ઘેરી વળ્યાં અને અમુએ થોડો કંસાર પ્લેટમાં લઈ બેયનાં મોં માં એક એક કોળિયો હોંશભેર મૂકી દીધો.

મેઘજીની માતા લીલાને ભેટી પડી અને માથે હાથ મૂકી આશિષ આપ્યાં, "તારો નવો ચૂડી-ચાંદલો અખંડ રયે, બેટા."

સાંભળતાં જ લીલાની આંખે આંસુનાં તોરણ બંધાયાં. તે મેઘજીનાં અને પછી રામજીનાં માતા-પિતાને પગે લાગી. રામજી ક્રમશઃ લીલાનાં, મેઘજીનાં તેમજ પોતાનાં માતાપિતાને પગે લાગ્યો. લીલાની અને મેઘજીની માતાએ રામજીનાં હાથમાં સવા-સવા રૂપિયો મૂક્યો. ઘરમાં આનંદ છવાઈ ગયો. રામજીએ સમીરભાઈને ફોન કરી તેમનો આભાર માન્યો. આખરે મેઘજીનાં અને રામજીનાં પિતાને સમજાવનાર તેઓ જ હતાં. રામજીએ સમીરભાઈને કહી મેઘજીનાં ભાઈને તેમની ઓળખાણવાળી શાળામાં કારકુન તરીકે રખાવી દીધો જેથી તેનું ભણતર લેખે લાગે અને મેઘજીનાં પરિવારની આવક ચાલુ જ રહે. તેનાં નાનાં ભાઈને ખેતી સંભાળવી હતી તો રામજીનાં બે ભાઈઓ તૈની સાથે જોડાયાં અને આવનાર પાંચ વર્ષમાં ગામની ખેતીને સહિયારી ખેતીનું સ્વરૂપ આપી મબલખ કમાણી કરતાં થયાં. ગામનાં લોકોને પણ આ ભાગીદારીનો ઘણો ફાયદો થયો. જેમનાં ઘરે કોઈ ખેડનાર ન હોય તેમની જમીનો પણ પાકથી લહેરાતી થઈ.

લીલા અને રામજીએ લગ્ન દિવાળી પછી કરવા માટે ઘરનાંને વિનંતી કરી. થોડી આનાકાની બાદ બધાં માની ગયાં. દિવાળી પછી ગામમાં જ નિરધારાયેલ તેમનાં લગ્નમાં મેઘનાબહેન, સમીરભાઈ, રમીલા અને તેનો પરિવાર, કૉલેજનાં પ્રિન્સીપાલ મેડમ અને આખોયે સ્ટાફ હાજર હતાં. પ્રિન્સિપાલશ્રી એ પગે લાગતાં વરઘોડિયાંને એક બંધ પરબિડીયામાં ભેટરૂપે એક ઓર્ડર આપ્યો. તે મુજબ લીલાને આખીયે કૉલેજને પિથોરા ચિત્રકળાથી સજાવવાનો કાૅલેજ ટ્રસ્ટનો એડવાન્સ ચેક હતો. અઠવાડિયું ગામમમાં રોકાઈ, રીતરિવાજો પૂરાં કરી બેય જણ કૉલેજમાં ફરજ ઉપર હાજર થઈ ગયાં. તેઓને બે માંથી એક ક્વાર્ટર હવે કૉલેજને સુપરત કરવાનું હોઈ, રામજીએ પોતે રહેતો હતો તે ક્વાર્ટર સોંપી દીધું. લીલાનાં ક્વાર્ટરમાં તેની કળાનાં નમૂનાઓની ઉપસ્થિત હોવાથી તેની સાથે જ રહેવાનું નક્કી થયું. એક કર્મચારી તરીકે ક્વાર્ટરનાં હકદાર એવાં રામજીને કૉલેજ ટ્રસ્ટે ક્વાર્ટરનું ભથ્થું આપવાનું શરૂ કર્યું. તે રટમ બેય જણે પૂર્ણ ઈચ્છાથી મેઘજીનાં માતા-પિતાને આપવાનું નક્કી કર્યું.

ક્રમશઃ

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા