સવાઈ માતા - ભાગ 40 Alpa Bhatt Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સવાઈ માતા - ભાગ 40

સૂતી વેળાએ લીલાનાં મનમાં અનેક વિચારોનાં ઘાટાં-ઘેરાં વાદળો ઉમટ્યાં. હાલ તેની નોકરીના પગારનો એક મોટોભાગ મેઘજીનાં માતા-પિતાને તે આપતી હતી જેમાંથી તેમને ખેતી વધુ સારી રીતેયકરવા ટેકો મળતો હતો. પાછલાં વર્ષોમાં મેઘજીએ પણ મોકલેલ રકમથી જ નાની બહેન અને એક ભાઈનાં લગ્ન પ્રસંગો ઉકેલાયાં હતાં. તે વિચારી રહી કે, "તેમનો દીકરો તો ગયો, પાછળ ઉંય તે પૈણી જાંવ, તો આ આવક તો બંધ જ થઈ જશે. ભલેને રામજી ક્યે, પણ મારથી કેમ કરી મેઘજીન ઘેર પૈહા મોકલાય?"

ત્યાં જ તેનાં મનમાં એક નવા જ વિચારનો ફણગો ફૂટ્યો, "મેઘજીનાં નાના ભૈ ને આંય નોકરીની વાત તો કરાય જ ને? ઈય તે દસ પાસ ગઈ સાલ જ થ્યો સ. ઉં નોકરી છોડી દેવા ને મેઘજીન જગાએ એનો ભૈ જ નોકરીએ લાગે તો તો ઈની આવક જેમ મળતી'તી ઈમ જ ચાલુ રયે. વાત રૈ મારી આવકની, તો મન તો આ ચિતર ને ભરત બધુંય આવડે સ. ઉં એ જ ચાલુ રાખા એટલે રામજીનેય અને વધારાની આવકનો ટેકો રયે."

પછી એક બીજોય વિચાર આવ્યો," આ તો માર મનનો વચાર સે. ઈ રામજીન ને ઈનાં ઘરનાંન પસંદે આવહે?"

વિચારોએ તેનાં મનને ઘેરો ઘાલ્યો હતો. બારી બહાર ઘાટાં વાદળોએ વરસાદની રમઝટ છેડી. વાતાવરણમાં અતિશય ઠંડક વ્યાપી ગઈ. રાત્રે માંડ ચાદર ઓઢીને બધાં સૂતાં હતાં એટલી ગરમી હતી. વાતાવરણમાં અચાનક થયેલ પરિવર્તને જંપી ગયેલાં બધાંયને ટાઢની ધ્રુજારી ચઢી અને તેમની ઊંઘ તૂટી. લીલાએ પેટી પલંગમાં મૂકેલાં ગોદડાં કાઢી બધાંયને ઓઢાડ્યાં અને ઊઘાડેલી બારીઓ બંધ કરી. થોડીવાર વરસાદનો મારો ચાલ્યો ત્યાં વીજળી જતી રહી. કાંઈ જ ન ભળાય એવું ઘોર અંધારું થઈ ગયું. લીલાએ રસોડામાં જઈને મીણબત્તીઓ કાઢી. બે બેઠકખંડમાં સળગાવીને મૂકી અને એક-એક રસોડામાં અને શયનખંડમાં મૂકી. બધાં જ બેઠકખંડમાં આવ્યાં. થોડી ઠંડી ઊડે તે હેતુથી લીલાએ બધાંની ચા મૂકી. તાજાં વટાયેલ આદુ અને ઉકળી રહેલ લીલી ચા નો ગરમાટો આખાયે ઘરમાં ફરી વળ્યો. લીલાએ ચા એક થર્મોસમાં ગાળી તેને સજ્જડ બંધ કર્યું અને બાકીની ચા માંથી પાંચ મોટાં કપ ભર્યાં. માધી રસોડામાં જ હતી તેણે બધાંયને અંદર જ બોલાવી લીધાં. મેઘજીનાં સમયથી હંમેશની ટેવ હતી કે એકલાં રહેતાં રામજીને જરૂરિયાતનાં સમયમાં લીલા પોતાનાં રસોડે જમાડીય દેતી.

ક્વાર્ટર એકદમ પાકાં મકાનોમાં હતું માટે પાણી ટપકવાની સંભાવના નહીંવત હતી પણ એકાદ કલાકથી મૂશળધાર વરસતા વરસાદે કૉલેજ કેમ્પસને પાણીથી ભરાવા માંડ્યું હતું.

લીલાએ મા ને કહ્યું કે, "બાજુમ ચા આપીન આઉં. તાંય બધાંન ઠઃડી લાયગી અહે."

છત્રી અને થર્મોસ લઈ બારણું ઊઘાડ્યું ત્યાં છત્રી સાથે બહાર જ રામજી ઊભો હતો.

તે બોલ્યો, "આ કૅમ્પસમાં પાણી ભરાઈ ગયું છે. પ્રિન્સિપાલ મેડમનો વોચમેન ઉપર ફોન હતો. અમારે પાંચ જણને કૉલેજની આૅફિસમાંથી જરૂરી કાગળો અને ફાઈલ્સ સલામત જગ્યાએ ખસેડવા માટે જવું પડશે. વોચમેને એમ પણ કહ્યું છે કે શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા માંડ્યાં છે. જો આ વરસાદ નહીં અટકે તો તકલીફમાં મૂકાઈ જઈશું. તમે સાચવજો અને જરા મારાં ઘરમાં પણ બધાંનુ થોડું ધ્યાન... "

લીલાએ ઘરમાં પાછા ફરી એક કપ લીધો અને તેમાં થર્મોસમાંથી ચા ભરી તેને ધરતાં કહ્યું, "આ પી લો. હારું લાગહે. તમાર ઘરનાંની ચિંતા નંઈ કરતાં. તમ આવો તંઈ હુધી ઉં બધાંને માર ઘેર જ લઈ આઉં છું. તમાર ઘરને તાળું મારી દઉં છું."

રામજીને ચા પીને શરીરમાં હૂંફ વર્તાઈ અને લીલાની પોતાનાં ઘરનાં સભ્યો માટેની કાળજી જોઈ મન પણ હૂંફાયું. તેણે ખાલી કપ લીલાને પકડાવ્યો અને સ્મિત આપી આૅફિસ તરફ વળ્યો. લીલા કપ ઘરમાં મૂકી રામજીના ઘર તરફ ચાલી.

તેમનાં ઘરનું બારણું ખટખટાવી બોલી, "અમુ, એ અમુ, બાયણું ખોલ. ઉં લીલા."

અમુ જાણે બારણા પાછળ જ ઊભી હોય તેમ ત્વરાથી બારણું ઊઘાડ્યું. અમુને તો જ્યારથી રામજી લીલા સાથે લગ્ન કરવા માંગે છે એ વાતની જાણ થઈ ત્યારથી જ તેણે લીલાને પોતાની ભાભી માની જ લીધી હતી.

તે બોલી ઉઠી, "બોલ ભાભી, ભઈ તો નથ. તાર મારું કામ સ?"

અમુનાં આમ બોલવાથી લીલા થોડી ઓઝપાઈ ગઈ અને પ્રત્યુત્તર વાળ્યો, "અમુ, માર ઈમનું કામ નથ. તમન બધ્ધાંન ચા પીવડાવ્વા આઈ સું. ઈમને ત પેલ્લાં પાઈ દીધી."

અમુ બોલી, "બવ જ ઓંશિયાર થૈ ગ્યાં સો તમ તો. બારોબાર જ સા પીવડાવી દીધી ભૈ ને?"

લીલા બોલી, "અરે અમુ, આમ કાં બોલે? ઈ આયવા તાં કે'વા કે તમાર બધ્ધાનું ધ્યાન રાખું ન ઉં તો ચા લઈન આંય જ આવતી ઉતી. ત ઈ જતાં તાં, ઈમને પેલ્લાં પીવડાવી દીધી. અવ આડુંઅવળું બોયલા વિના મન અંદર આવ્વા દે."

અમુને બહારની ઠંડીનાં થરથરાટ કરતાંય વધુ ધ્રુજારી લીલાનાં અવાજમાં લાગી. તેણે લીલાને બારણામાંથી અંદર આવવા જગ્યા કરી આપી અને મધરાત છે એવું ભૂલીને ઊંચા સાદે બોલી, "મા, બાપુ બહાર આવજો. આ લીલાભાભી સા લાઈવાં સ."

રામજીનાં માતા-પિતા અને બેય ભાઈઓ બહાર આવ્યાં. લીલાએ બધાંને ચા આપી જે પીને તેમનાં શરીરમાં થોડી હૂંફ અનુભવાઈ. વરસાદ થંભવાનું નામોનિશાન ન હતું. લીલાએ રામજીએ કહેલ વાત તેનાં ઘરનાંને કરી બધાંયને પોતાની સાથે પોતાનાં ઘરે લીધાં. પાછળનું બારણું અને બધી બારીઓ બંધ કરી, આગળનાં બારણે તાળું મારીને ચાવી રામજીનાં બાપુને આપી. પોતાનું ઘર બાજુમાં જ હોઈ બધાં ઝડપભેર લીલાનાં ઘરે પહોંચીને બેઠકખંડમાં જ પલંગ અને ખુરશીઓમાં ગોઠવાઈ ગયાં. હવે સવાર પડે કે વરસાદ બંધ થાય તો જ આગળ કાંઈ સૂઝ પડે એવું થઈ ગયું.

લીલાનાં, મેઘજીનાં અને રામજીનાં માતા-પિતા વાતે વળગ્યાં. લીલા રામજીનાં ત્રણેય ભાઇ-બહેનને લઈ રસોડામાં ગઈ.

ક્રમશઃ

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા