કસ્તર Jatin Bhatt... NIJ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કસ્તર

' નિજ' રચિત એક અલગ જ પ્રકારની સ્ટોરી

કસ્તર

" જિંદગી કીતની ખૂબસૂરત હે ” હેમંતકુમારના અવાજમાં
' બિન બાદલ બરસાત ' નું આ ગીત રમ્યા નું ફેવરિટ ગીતોમાનું એક હતું, પોતેય સાથ આપતી રમ્યા એમ તો આજે ખુશ હતી કારણ કે આજે એને ચાર્મીને લઈ LKG માં એડમીશન માટે જવાનું હતું, પણ કોણ જાણે કેમ આજે જ આંખમાં કસ્તર ઘુસી ગયું હતું ,કેમેય કરીને નીકળતું જ ન હતું , કેટલી બધી વાર આંખો ચોળી, પાણી છાંટ્યું, અરે કોઈના કહેવાથી મધ પણ નાખ્યું પણ કસ્તર કેમેય કરીને નીકળ્યું નહીં.
રમ્યા નાનપણથી જ રમતિયાળ, શાળામાં કે ઘરે, આજુબાજુ, અડોશપડોશ બધી જ જગ્યાએ રમ્યા પ્રીતિપાત્ર, ભણવામાં હોંશિયાર, ગાવામાં હોંશીયાર, મધુર અવાજની સ્વામિની.
કોલેજ કરી, કૉલેજમાં જ એક યુવાન શિરીષ સાથે પ્રેમ થઈ ગયો. માબાપ ની અનિચ્છા છતાં લવ મેરેજ કર્યા. શરૂઆતમાં શિરીષ બહુ પ્રેમ જતાવતો પણ પછી અસલ લક્ષણ પર આવી ગયો.દારૂ, જુગાર બધી જ આદતો લાગી ગઈ હતી, અરે હવે તો બહાર જતો પણ થઈ ગયો હતો.
મમ્મી પપ્પાને શિરીષ જરાય ન ગમતો. એ લોકો કાયમ જ વલોપાત કરતા કે દિકરીના નસીબમાં જરાય સુખ નથી.રમ્યા સામું જોઈને જ એક સારા વિસ્તારમાં દસમા માળે વન બીએચકે ફ્લેટ લઈ આપેલો, ગેલેરી રોડ સાઇડ પડતી હતી.
રમ્યાનો સંસાર ખાસ કોઈ રસકસ વગરનો ચાલ્યા જ કરતો હતો, પણ ઉફ્ફ આ શિરિયાની આદતો. રમ્યા એ બહુ કોશિશ કરી પણ શિરીષની આદતો જરાય ગઈ નહીં. સંસારમાં એક દિકરી ચાર્મી પણ આવી. રમ્યા ને એમ કે હવે શિરીષ સુધરી જશે, પણ સુધરે એ બીજા, ને હવે તો રમ્યાને મારઝૂડ પણ કરતો,પોતે નોકરી કરતો ન હતો. એટલે રમ્યાએ કમ્પ્યુટર શીખી લીધેલું અને વર્ક ફ્રોમ હોમ ચાલુ કરેલું, પણ મહિનાની શરૂઆતમાં જ શિરીષ મારીને થોડા ઘણા રૂપિયા લઈ જતો. રમ્યા પાસે માંડ માંડ થોડા રૂપિયા બચતા, એમાંથી ઘર ચાલતું.
આજે એ ઉત્સાહમાં હતી. ચાર્મીને LKG માં એડમીશન લેવા જવાનું હતું પણ ખબર નહીં ક્યાંથી આંખ માં કસ્તર પડ્યું. પોતે કસ્તર કાઢવા બહુ ટ્રાય કર્યો, આંખો લાલ થઈ ગઈ પણ કસ્તર કેમેય કરીને નીકળ્યું નહીં. વાર પણ બહુ લાગતી હતી. ટાઈમે પહોચવું જરૂરી હતું.
શિરીષના કોઈ ઠેકાણા લાગતા ન હતા, રમ્યાએ જવાની તૈયારી ચાલુ કરી, ચાર્મીને સરસ બે ચોટલા વાળી આપ્યા, નાનકડું ગુલાબી ફ્રોક પહેરાવી દીધું, ગાલની સાઇડ પર મેશ નો ટિક્કો લગાવી દીધો, પોતેય વ્યવસ્થિત તૈયાર થઈ. ને હજુ તો બારણું ખોલવા જાય ને શિરીષ બારણાંને જોરથી અવાજ કરી ખોલીને અંદર આવી ગયો, એના મોઢા માંથી દારૂની બદબૂ આવી રહી હતી,
' ઓય, લાવ રૂપિયા લાવ.'
' નઈ મળે, તને ભાન છે? આજે આપણે ચાર્મીના એડમિશન માટે જવાનું હતું?'
'આજે તો થોડાય પૈસા નઈ મળે તો ક્યાં તો હું મરી જઈશ ક્યાં તો તું '
આમ કહી રમ્યા તરફ ધસ્યો.
ચાર્મી રડતી રડતી એક ખૂણામાં ઊભી રહી ગઈ. રમ્યાએ પર્સ ફીટ પકડી રાખ્યું. શિરીષ રમ્યા તરફ એકદમ ધસી ગયો. રમ્યા પાછલા પગે ગેલેરી તરફ આવી, પર્સ ગેલેરીની બહાર ફેંકવા ગઈ, શિરીષ જોઈ ગયો ને પર્સ પર તરાપ મારી.અચાનક ઠોકર વાગી, એટલે લથડયો ને સિધ્ધો ગેલેરીની બહાર ફેંકાઈ ગયો. નીચે ફટ અવાજ આવ્યો. એનું માથું ફુટી ગયું . ને ઓન ધ સ્પોટ જ મરી ગયો.
' ઓ શિરિયા ' ચીસ પાડતી પાડતી રમ્યા પણ નીચે આવી, રોડ પર જ બેભાન થઈ ગઈ. ભાનમાં આવ્યા પછી એના હૈયાફાટ રૂદનથી આજુબાજુવાળા પણ ગમગીન થઈ ગયા. પોલીસ આવી. પૂછપરછ ચાલી ને અકસ્માત મૃત્યુનો કેસ ફાઈલ કરી દિધો.
તેર દિવસ નીકળી ગયા, રમ્યાએ બધી વિધિ સરસ રીતે કરાવી, બધાને પણ લાગ્યું કે ભલે શિરીષ આઉટ લાઈનનો થઈ ગયેલો પણ રમ્યા તો રમ્યા જ. બહુ પ્રેમ કરતી હતી શિરીષને.
આજે રમ્યાને ચાર્મીનું LKG નું એડમિશન લેવા જવાનું હતું.
બરાબર તેર દિવસ પહેલા રમ્યાના જમણા પગની ઘૂંટી કશાની સાથે જોરથી અથડાઈ હતી, જોરથી દુખાવો શરૂ થઈ ગયેલો પણ એ દુઃખાવો આજે મટી જ ગયો , સાથે સાથે આંખનું કસ્તર પણ નીકળી ગયું.
રમ્યાના હોઠ પર એક રહસ્યમય મુસ્કાન આવી ગઈ.
.
.
.
..
જતીન ભટ્ટ ( નિજ)
94268 61995