Savai Mata - 36 books and stories free download online pdf in Gujarati

સવાઈ માતા - ભાગ 36

મૈથિલી બેય યુવતીઓની ઈચ્છા સાંભળી થોડી ખચકાઈ કારણ કે તે જાણતી હતી કે આૅફિસનો સમય પૂર્ણ થવામાં પંદર જ મિનિટ બાકી છે અને રમીલાને અહીંથી તરત જ નીકળી કૉલેજ પહોંચવાનું હોય છે.

તેણે યુવતીઓને વિનંતી કરી, "મેડમને તરત જ અહીંથી નીકળવું પડશે. આપને વાંધો ન હોય તો આપનાં સોમવારે મુલાકાત ગોઠવી દઉં?"

તેમાથી એક બોલી, "મેડમ, આજે તો પાર્લર બંધ રાખ્યું છે. સોમવારે પાછી રજા કેવી રીતે રખાય? એક તો આટલી હરિફાઈ હોય તેમાં પાર્લર બંધ રાખીએ તો કેમ ચાલે? જુઓ ને, કાંઈ થતું હોય તો? આમ પણ અમે તેમને ઓળખીએ છીએ."

મૈથિલીને તેમનું કારણ યોગ્ય લાગ્યું. સાથે-સાથે રમીલા પણ તેમને હમણાં સમય ન આપી શકે તેની તેને જાણ હતી. શું કરવું એ ન સમજાતાં તેણે જે વાત હતી તે રમીલાને કહી દેવાનું જ યોગ્ય ગણ્યું.

રમીલા પાસે પહોંચીને મૈથિલી બોલી, "મેડમ, ત્યાં બેઠેલ બેય યુવતીઓ આપને મળવા માંગે છે. કહે છે કે, તમને ઓળખે છે. શું કરીએ? તમારે પણ કૉલેજ પહોંચવાનું હશે ને?"

રમીલાને તેઓને ટાળવાં યોગ્ય ન જણાયું. તેણે પોતાની ચીજો સમેટતાં સમેટતાં જ કહ્યું, "વાંધો નહીં, બોલાવો ને? હું કાર પાર્કિંગ સુધી જતાં જતાં તેમની વાત તો સાંભળી લઉં. આટલાં બધાં ખુશ થઈને ગયાં છે તો આપણાં નવાં પ્રોજેક્ટમાં તે બેય નિરાશ થઈને જશે તો મને મનમાં કાંઈક ખૂંચતું રહેશે."

મૈથિલીને રમીલાની આ નિખાલસતા અને સંવેદનશીલતા અડી ગઈ. તેને લાગ્યું કે પોતાનાંથીયે ચાર-પાંચ વર્ષ નાની, આ તેની બોસમાં બુદ્ધિશક્તિની સાથે સાથે માનવતા પણ ભારોભાર ભરેલી છે. આટલી ઝડપથી પ્રગતિ માટે તે સર્વથા યોગ્ય જ છે.

રમીલા તેનાં ખંડમાં ગઈ અને લેપટોપ લૉકરમાં મૂકી પોતાની જરૂરી ચીજો લઈ બહાર આવી. મૈથિલી બેય યુવતીઓ સાથે ત્યાં જ ઊભી હતી.

રમીલાએ તેમનું અભિવાદન કર્યું, "નમસ્તે. શું આપનાં નામ જાણી શકું?"

તેમાની એક યુવતી જે વધુ શાંત હતી તે ન બોલતાં બીજીએ શરૂઆત કરી, "નમસ્તેજી, મેડમ આપ કંપની તરફથી આટલાં બધાં બ્યુટિશીયનને મદદ કરી રહ્યાં છો એ ખુબ જ ખુશીની વાત છે. પણ અમને આપની પાસેથી કાંઈ બીજું પણ જોઈએ છે. શું માંગી શકીએ?"

આ દરમિયાન રમીલા સતત તેનાં ચહેરા તરફ જોતી હતી. તેનાથી પૂછાઈ ગયું, "શું તમારું નામ યોગિતા છે અને આ ભૈરવી?"

બેય યુવતીઓ અનહદ ખુશ થઈ ગઈ. યોગિતા આગળ બોલી, "અરે વાહ, મેડમ. તમે અમને ઓળખી લીધાં! સામાન્ય રીતે માણસ જીંદગીમાં આગળ વધી જાય ને, તો પાછળ રહી ગયેલાંઓને યાદ રાખતો નથી."

રમીલાએ પ્રત્યુત્તર વાળ્યો, "હા, પણ એવું મને પસંદ નથી. તમે બેય કુશળ તો છો ને?"

"હા, આમ તો મઝામાં. પણ તમને જોયાં તો એક વાત તમને કહેવાની ઈચ્છા થઈ આવી અને માટે જ આજે કરાર ઉપર સહી નથી કરી.", યોગિની બોલી.

ત્રણેય લિફ્ટમાં પ્રવેશ્યાં. લિફ્ટ બંધ થાય, ત્યાં જ રમીલાનાં ખંડમાં ફરજ બજાવતો પ્યુન અંદર પ્રવેશ્યો. રમીલાએ તેને સ્મિત આપ્યું અને વાત આગળ ધપાવી.

રમીલાએ હકારમાં માથું હલાવતાં પહેલી વખત ભૈરવી બોલી," રમીલાજી, તમને યાદ જ હશે કે, અમે તમારી સાથે જ ધોરણ અગિયાર સુધી સ્કૂલમાં ભણતાં. અમારું અચાનક એક દિવસ શાળાએ આવવાનું બંધ થયું અને પછી ત્રણ મહિનામાં તો અમે બેય આ યોગિનીની મમ્મીનાં પાર્લર ઉપર શિખાઉ તરીકે કામ કરતાં થઈ ગયાં."

રમીલા બોલી, "હા, તમે બેય અભ્યાસમાં ઘણાં હોશિયાર હતાં તે મને યાદ છે. તમારાં શાળા છોડ્યા પછી ઘણી અટકળો ચાલતી પણ કોઈને ખાસ માહિતી ન હતી. પણ આમ કેમ?"

ભૈરવી આગળ બોલી,"અમારાં બેયનાં પિતા ટ્રક ચલાવતાં. તે રાત્રે, યોગિનીનાં પપ્પા ટ્રક લઈને મહારાષ્ટ્ર બાજુ જતાં હતાં. મારાં પપ્પાને મારી બહેનનાં લગ્ન માટે મોટી રકમની જરૂર હતી તે અમારું ગામ જે મહારાષ્ટ્રમાં છે ત્યાંની જમીન ગિરો મૂકવા કે વેચવાની તેમની ઈચ્છા હતી. ખૂબ જ સાવચેતીથી ટ્રક ચલાવતાં આ યોગિનીનાં પપ્પાની ટ્રક તે જ દિવસે કેમ કરી કાબૂ બહાર થઈ ગઈ અને અકસ્માત થતાં તે બેય ત્યાં સ્થળ ઉપર જ જીવ ગુમાવી બેઠાં. મારી બહેનનું લગ્ન તેમની ઈચ્છાથી ખૂબ સારા પરિવારમાં ગોઠવાયેલું. તેમણે આ પરિસ્થિતિમાં પણ લગ્ન કરવાનું મંજૂર રાખ્યું. મારી મમ્મીએ જે કાંઈ ઘરેણાં હતાં એ વેચી અને થોડું દેવું કરી પ્રસંગ તો પાર પાડ્યો પણ હવે મારું ભણતર ચાલુ રાખવું કપરું હતું. તે જ રીતે યોગિનીનાં પણ બે નાનાં ભાઈ-બહેન હતાં. તેની મમ્મીએ ઘરનાં જ એક ખૂણે પાર્લર ચલાવતી. ઘર સાથે અભ્યાસનો ખર્ચો તે પણ પહોંચી વળતી નહીં. છેવટે અમનેય શાળામાંથી ઉઠાડી તેમણે પાર્લર અને ઘરનાં કામકાજમાં જોતરી દીધાં. મારી મમ્મી બેય ઘરનું જમવાનું બનાવી યોગિનીનાં ભાઈ બહેનને સાચવતી અને યોગિનીની મમ્મી બહારનાં ઓર્ડર લઈ ઘરે-ઘરે જઈને સેવા આપવવા માંડી. તેમાં રકમ વધુ મળતી. અમારી ટ્રેઈનિંગ પૂરી થતાં અમારાંમાંથી એકને પાર્લર સંભાળવા છોડી જતાં અને બીજાને સાથે લઈ જતાં. તમે બધાં ગ્રેજ્યુએટ થયાં અને અમે એક બીજું પાર્લર ખોલ્યું. હવે યોગિનીનાં મમ્મીથી કામ થતું નથી. અમે બે જ ઘર ચલાવીએ છીએ. તમારો પ્રસ્તાવ તો મંજૂર જ છે, પણ અમારે આગળ ભણવું છે. પણ આ આખાં દિવસનાં પાર્લર, બહારનાં ઓર્ડર, બધાં સાથે સમય કેમ કરી મળશે? કરશો કોઈ મદદ?"

ત્યાં સુધીમાં બધાં પાર્કિંગમાં આવી ગયાં હતાં. રમીલાએ તેમને આગળ અભ્યાસની વ્યવસ્થા માટે વિચારીને સોમવારે જણાવવા કહ્યું. પોતાનો ફોનનંબર આપ્યો અને તેમનાં ફોનનંબર પણ લઈ લીધાં. જે રીતે વિજયામાસી અને મેઘનાબહેનનાં મનમાં ફૂટેલી સ્નેહની સરવાણીએ તેનું જીવન સીંચ્યું હતું, તે જ રીતે રમીલાને પણ કોઈકનો હાથ પકડી આગળ લાવવાનું શ્રેય મળવાનું હતું. તેણે આવતીકાલની રજાનો સદુપયોગ મોટી મા ને મળવા જવામાં તેમજ પોતાની કૉલેજનાં પ્રિન્સીપાલને મળવા જવા માટે કરવાનું વિચાર્યું અને તે કૉલેજ તરફ નીકળી ગઈ.

રસ્તામાં તેને ફોન ઉપર મૈથિલીનો મેસેજ વંચાયો, "મેડમ, બધું બરાબર છે ને? આમ તો મને પ્યુને કહ્યું જ પણ થયું આપને પણ પૂછી લઉં."

રમીલાને વાતનો તાળો મેળવતાં વાર ન લાગી કે બે અજાણી યુવતીઓ સાથે તે નીચે પાર્કિંગ સુધી વાતો કરતી કરતી આવી માટે જ તેની ચિંતામાં મૈથિલીએ તેની સાથે પ્યુનને મોકલ્યો હતો. તેણે મલકતાં ઉત્તર આપ્યો," મૈથિલીજી, બધું જ બરાબર છે. ચિંતા ન કરશો. મળીએ સોમવારે."

રાત્રે ઘરે પરત આવતાં તેને યાદ આવ્યું કે, લીલા તો તેનાં ક્વાર્ટર ઉપર જતી રહી હશે. તેને એક ફોન કરી તેનાં ક્ષેમકુશળ પૂછી લીધાં. તેનાં માતા-પિતા અને ભાઈ-બહેનો પણ થોડાં દિવસ માટે તેની સાથે રહેવા આવી ગયાં હતાં. રામજીનો પરિવાર પણ બે દિવસ પહેલાંથી જ તેનાં ઘરે આવ્યો હતો. રામજીએ તેમને લીલા વિશે જણાવવાનું કાર્ય કરી દીધું હતું. તેની વાત સાંભળીને માતા-પિતા થોડાં ખિન્ન થઈ ગયાં હતાં પણ તેનાં ભાઈઓ રાજી હતાં.

તેઓ બાજુનાં જ, મેઘજીનાં માતા-પિતાનાં ઘરે વહુ તરીકે આવતી ઠાવકી લીલાને સારી રીતે ઓળખતાં હતાં. તેનાં વૈધવ્યને બાદ કરતાં તે સંપૂર્ણપણે રામજીને યોગ્ય જ હતી. વળી, તેમનો ભાઈ જે રીતે શહેરની કૉલેજનાં ક્વાર્ટરમાં રહેતો ત્યાં હવે કોઈ ગામમાં રહેતી યુવતીને અહીં ભાઈ સાથે ગોઠવવી અઘરૂં પડે તેમ હતું. વળી, લીલા ભવિષ્યમાં નોકરી કરે કે ન કરે તે અલગ જ બાબત હતી, પણ ભાઈની શહેરી રહેણીકરણીને તે સારી રીતે સમજે એવી હતી.

તો બીજી તરફ રામજીની બહેનોને તો લીલા પહેલેથી જ પસંદ હતી. તે જ્યારે પણ ગામ આવતી પાડોશ અને સાસરીની દૂરની નણંદો ગણી તેમનાં માટે ક્યારેક રંગબેરંગી ઓઢણી, બંગડીઓ, ચાંદલાનાં પેકેટ અને બિસ્કીટ તેમજ મિઠાઈ લઈ જતી. વળી, તે જ્યારે મેઘજીના ઘરે આવે ત્યારે રસોઈ તે જ બનાવતી અને પાડોશીનાં નાતે વાટકી વ્યવહાર કરવા આવતી. તેનાં જ હાથની પાઉં-ભાજી, રગડા-પેટિસ, લીલવાની કચોરી, ચણાની દાળનાં સમોસાં અને એવું કેટલુંય તેમણે ચાખ્યું હતું. એટલે, સમજાવવાનાં માત્ર માતા-પિતાને જ હતાં.

લીલાએ અને રામજીએ હવે છેલ્લો અંતરાય પાર કરવાનો હતો જેથી તેમનું લગ્ન શક્ય બને. રામજીનાં ભાઈ-બહેનોએ તેને હૈયાધારણ આપી હતી કે તેઓ માતા-પિતાને સમજાવશે.

આ તરફ ઘરે આવી રમીલા ફ્રેશ થઈ જમવા બેઠી. લીલાની ગેરહાજરીમાં તેનાં માતા-પિતા બેય તેની વાટ જોતાં જાગતાં બેઠાં હતાં. બેય સાથે વાતો કરતાં કરતાં તેણે જમી લીધું અને આવતીકાલે પોતાને રજા હોવાનું યાદ કરાવ્યું અને તેમને સૂવા મોકલ્યાં. રાત્રીનાં અગિયાર વાગ્યા સુધી જાગવું તેમનાં માટે ખરેખર અઘરૂં કાર્ય હતું.

તેણે સમુ અને મનુ સાથે બેસી થોડી વાતો કરી અને તેમને પણ સૂઈ જવા કહ્યું. તેમની શાળા શનિવારે અડધો જ દિવસ ચાલતી, પણ જવાનું તો હતું જ.

છેલ્લે પથારીમાં સૂવા જતાં તેને ઘણાંય વિચારો ઘેરી વળ્યાં. હવે, તેની એક અઠવાડિયાની સાથી બનેલ લીલા અહીં ઝાઝું રહેવાની ન હતી. મોટી મા નો સાથ પણ પ્રત્યક્ષ રીતે છૂટી ગયો હતો. નિખિલ સાથે વિતાવેલો ધમાચકડી અને અભ્યાસ બંને સમયનો સાથ પણ છૂટી ગયો હતો. ભૈરવી અને યોગિની જેવી લાયક વિદ્યાર્થીનીઓનાં માથે ઘર ચલાવવાનોહભાર અકાળે જ આવી પડ્યો હતો.

સવારે બધુંય નવાં સ્વરૂપે આવશે એમ વિચારી તે નિંદ્રાધીન થઈ ગઈ.

ક્રમશઃ

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED