સવાઈ માતા - ભાગ 35 Alpa Bhatt Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સવાઈ માતા - ભાગ 35

રમીલાએ ઘરે આવીને આઈસ્ક્રીમનાં કપ સમુને પકડાવ્યાં થોડાં દિવસથી ફ્રિજ વાપરતી થયેલ ચતુર સમુએ ફ્રીજરનું બારણું ખોલી તેમાં બધાં કપ મૂકી દીધાં. ગઈકાલની જેમ જ જમતાં જમતાં બેય ભાઈ - બહેનની શાળાની તેમજ આજથી શરૂ થયેલ નવા ટ્યૂશનની વાતો સાંભળી. પછી, ચારેય જણે શાંતિથી બેસીને આઇસ્ક્રીમ ખાધો.

બેય બાળકો સૂવા ગયાં પછી લીલાએ વાત શરુ કરી, "રમુ, માર તો ઘેર જવું પડહે. માર મા નો ફોન આવેલો. મા ન બાપુ તંઈ રે'વા આવ્વાનાં સ. ન ઈ કે'તાંતાં ક રામજીન મા-બાપ હો આવ્વાનાં સ. એટલે... '

રમીલા મૃદુ હાસ્ય કરતાં બોલી, "તો બેન, શુક્રવારની બપોરે જ નીકળી જા. અવાય તો રવિવારે રાત્રે આવી જજે. મને શનિ-રવિ રજા છે. હું ઘરે સંભાળી લઈશ."

લીલા થોડી ચિંતા સાથે બોલી, "પણ મારથી રઈવાર પાસા ની અવાય તો માહી ઘેર આખ્ખો દા'ડો એકલી પડી જહે. એ કેમની રેહે?"

રમીલાએ પ્રત્યુત્તર વાળ્યો, "આમ પણ તારી કૉલેજ ડ્યૂટી શરુ થાય એટલે તારે પાછાં તો જવાનું જ છે. અને મા એ આજે નહીં તો કાલે, અહીં એકલાં રહેતાં શીખવાનું જ છે ને?"

લીલા બોલી, "હારું, ત ઉં જ ઉં તો સું પણ બને એટલી જલ્લી પાસી આવા. અન એક વાત કઉં? આ હામેવાળા બેન સે ને ઈ દિ માં એકાદવાર તો, 'કંઈ કામ સે?' એમ પૂસવા આવે જ સ. ઈમને કઈ દવું માહીન કંઈ પૂસવું-બૂસવું ઓય તો જોઈ લે?"

" હા, હા, કેમ નહીં? અને સાંભળ, કાલે સવારથી મા ને ફોન લગાડતા પણ શીખવી દે. ખાસ તો બાપુનો, તારો અને મોટી મા નો. એને કાંઈ જોઈતું કરતું હોય તો મૂંઝારો ન રહે. અને હા, આજથી ઘરમાં જે ચીજોની જરૂર રોજબરોજ પડતી હોય તે પિતાજીને જ કહી દેજો. એ જ ઘરે આવતાં લઈ આવશે. સમુ અને મનુને સાંજે ટ્યુશન હોઈ તેઓ નીકળી નહીં શકે. બાકી બચતું હું શનિ-રવિમાં લઈ આવીશ.",રમીલા બોલી.

લીલાનાં મોં ઉપર હાશકારો જણાયો. બેય બહેનો મોડે સુધી બેઠકરૂમમાં સોફા ઉપર બેસી રમીલાની ઓફિસની તેમજ લીલાનાં જીવનમાં શરૂ થવા જઈ રહેલા અધ્યાય વિશે વાતો કરતી રહી. જીવનમાં ખૂબ ઝડપથી બની રહેલી નવીન ઘટનાઓ સાથે ડગલાં માંડી ચાલવા તે બેય કટિબદ્ધ હતી. લગભગ બે નાં સુમારે બેય બહેનો સૂઈ ગઈ. પણ જીવનનાં નવાં ઉદ્દેશ્યે તેઓને ત્રણ જ કલાકની ગાઢ નીંદર પછી ઢંઢોળીને જગાડી દીધાં.

ઉઠીને રમીલા એ સમુ - મનુને શાળાએ મોકલવાની તૈયારી આદરી. આજથી બેયને નીચે સુધી રિક્ષામાં બેસવા એકલાં જ જવાનું છે તે જણાવી દીધું. તેમનાં ટિફીન બોક્સ પેક કરવામાં મા ને મદદ કરી. આ નવો ક્રમ સવલીને સહેલો પડી રહ્યો હતો. રમીલા અને લીલાને પણ લાગ્યું કે ઘરની અંદર તો તે સારી રીતે બધું સંભાળી શકશે. બેય બાળકોનાં શાળાએ ગયાં બાદ સવલીએ જાતે જ પોતાનાં પતિ અને રમીલા, બેયનાં ટિફિન ભર્યાં. આજથી રમીલાનાં પિતાને નવ વાગ્યે જ પહોંચવાનું હોઈ તેઓ દીકરીની સાથે જ ગાડીમાં ગયાં. બધું ધીમે ધીમે ગોઠવાઈ રહ્યું છે તેનો રમીલાને અનહદ આનંદ અને સંતોષ હતો.

આૅફિસ આવતાં જ તેણે સૌપ્રથમ સૂરજ સરને મળીને પછી જ પોતાનું કામકાજ શરૂ કરવાનો ક્રમ જાળવી રાખ્યો હતો. તેને જેટલો વિશ્વાસ પોતાની બુદ્ધિશક્તિ ઉપર હતો તેટલો જ સૂરજ સરની વિશુદ્ધ ભાવના ઉપર હતો. તેમનાં લીધે જ રમીલાનો પોતાનો એક વિચાર તેમજ તેનાં બતાવેલ સુધારા ગણતરીનાં કલાકોમાં જ મેનેજમેન્ટ સુધી પહોંચ્યાં અને રમીલાની, એકદમ ન માની શકાય તેટલી ઝડપે, બઢતી પણ થઈ. મૈથિલીને સાથે રાખી ત્રણેય ડિપાર્ટમેન્ટનાં મેનેજર્સ સાથે આવનારાં દિવસોનાં કામકાજનું પ્લાનિંગ અને કાર્યભારની વહેંચણી શરૂ કરી.

આવતીકાલની શહેરનાં નાનાં બ્યુટિપાર્લર તેમજ સલૂનનાં માલિકો સાથેની મિટીંગમાં દરમિયાન અપાનાર ખાદ્ય સામગ્રી, પાણી, કોલ્ડ ડ્રીંક્સ વગેરેની વ્યવસ્થા પર્ચેઝ ડિપાર્ટમેન્ટને સોંપી દેવાઈ. હ્યુમન રિસોર્સિઝ ડિપાર્ટમેન્ટને જાણીતાં બ્યુટિશીયન મહેશ કશ્યપ, શ્રેયા સહાય, હેર આર્ટિસ્ટ નીના મહેરા, તારિકા શ્રેષ્ઠા, મેકઅપ આર્ટિસ્ટ પરંતપ વિશાલ અને મોહન બાગચીને કોન્ટેક્ટ કરી આવતીકાલની મિટીંગના ત્રણેક કલાક પહેલાં હાજર રહેવાનું નિમંત્રણ અપાઈ ગયું. આ બધાં જ હિન્દી તેમજ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલાં હતાં તેમજ લેવેન્ડર કૉસ્મેટિક્સ બ્રાન્ડનાં ઉત્પાદનોની ભલામણ સમગ્ર ટેલિ તેમજ સિનેજગતને કરતાં હતાં. તે સર્વેની ઉપસ્થિતિ આ મિટીંગને સફળ બનાવવા માટે પૂરતી હતી.

સેલ્સ ડિપાર્ટમેન્ટને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ સાથે બેસિક પ્રોડક્ટસનો બસો જેટલાં સેટસનો જથ્થો અલગ રખાવવા કહેવાયું જેથી તેને આકર્ષક રીતે પેક કરી, આવનાર બ્યુટિશીયન તેમજ સલૂનનાં માલિકોને ભેટરૂપે આપી શકાય. સાંજે દરેક માર્કેટિગ એક્ઝીક્યુટીવે આવીને પોતે જેઓનો સંપર્ક કરી શક્યાં તે દરેકની વિગતો મૈથિલીને ઈ મેઈલ કરી જેનો સંયુક્ત ઇ મેઈલ મૈથિલીએ રમીલા તેમજ ત્રણેય વિભાગનાં મેનેજર્સને મોકલી દીધી. આખો દિવસ સતત કામકાજમાં ગયો. દિવસનાં અંતે રમીલા અને ત્રણેય મેનેજર એ તારણ ઉપર આવ્યાં કે આ કામ જો સફળતાપૂર્વક થાય તો આગળ ડિપાર્ટમેન્ટમાં કર્મચારીઓની સંખ્યા બમણી કે તેથી પણ વધુ કરવી પડશે.

ઓફિસ પછી કૉલેજ પૂર્ણ કરી રમીલા ઘરે આવી. સતત તેર જેટલાં કલાકો કામ તેમજ અભ્યાસને આપ્યાં પછી પણ રમીલાનાં મોં ઉપર તેજ યથાવત રહેતું. તેને માનસિક થાક ભાગ્યે જ લાગતો. તેની પાછળ તેની કારકિર્દીનાં શરૂઆતનાં વર્ષોમાં મેઘનાબહેન તરફથી સમયપાલન અને વ્યવસ્થાની તાલીમ ખૂબ કામ લાગતી. તે ઉપરાંત આજનું કાર્ય આવતીકાલ ઉપર ન છોડવાની ટેવ અને બને તેટલો સાત્વિક આહાર પણ તેમાં મોટો ભાગ ભજવતાં. આજે ઘરે આવીને જમીને તેણે વહેલા સૂઈ જવાની ઈચ્છા રાખી તો પણ બેય ભાઈબહેન તથા લીલાને પૂરતો સમય તેણે આપ્યો. એકાદ મહિના પછી બેય ભાઈઓ માટે કાંઈ કામકાજ શોધી, તેઓને પોતપોતાનાં પરિવાર સાથે અહીં જ બોલાવી લેવાનું નક્કી કર્યું જેથી નાનકડાં ભત્રીજા-ભત્રીજીઓને શરૂઆતથી જ સારું શિક્ષણ અને જીવન મળી શકે.

બીજી સવારે જ્યારે સમયસર આૅફિસ જવા નીકળી ત્યારે કાર સ્ટાર્ટ કરતાં પહેલાં જ મેઘનાબહેનને ફોન કરી તેમનાં આશિર્વાદ લીધાં. તેની આજની મિટીંગની સફળતા તેની કારકિર્દી માટે ખૂબ જ જરૂરી હતી. ઉપરાંત તેણે બે જ દિવસમાં સૂરજ સરનાં તેમજ પલાણ સરનાં અને બોર્ડ આૅફ ડિરેક્ટર્સનાં જીતેલા વિશ્વાસની આજે કસોટી હતી. નિયત સમયે આૅફિસ પહોંચી તેણે કામકાજનો આરંભ કરી દીધો. મૈથિલીને કહી ફિલ્મજગત અને સૌંદર્ય જગતની છ જાણીતી હસ્તીઓ સાથે મિટીંગ કરી. જેમાં તેણે તેઓને પોતાનો હેતુ સમજાવ્યો અને તેઓનો સહકાર તેમને ક્યાં અને કેવી રીતે જોઈશે તે સમજાવ્યું. એકદમ નાની ઉંમરની યુવતીની પ્રસ્તુતિકળા જોઈ તેઓ બધાં જ દંગ રહી ગયાં. તેઓએ આજ સુધી ઘણાંયે કલાકારોને શૂટિંગ દરમિયાન વારંવાર સંવાદો ગોખતાં જોયાં હતાં જ્યારે રમીલાએ તેની અડધા કલાકની સ્પીચ સંપૂર્ણપણે જાતે જ આપી હતી. તેની કોઈ લિખિત કે મુદ્રિત પ્રત તેની પાસે ન હતી. ઉપરાંત તેનો આ વિચાર ખૂબ જ ઉમદા હતો. રમીલાની સ્પીચ પૂર્ણ થયા પછી લંચબ્રેકમાં એક અનૌપચારિક મિટીંનું વાતાવરણ બની ગયું. સેલ્સ મેનેજર તેમજ સૂરજ સરને સારી રીતે ઓળખતી આ મહાન હસ્તીઓએ તેમની આગળ રમીલાનાં પ્રોજેક્ટનાં ભરપૂર વખાણ કર્યાં.

લગભગ સાડાત્રણ વાગ્યે જેઓને આમંત્રણ અપાયું હતું તે બધાં જ બ્યુટિશીયન તથા સલૂનનાં માલિકોનું આગમન શરૂ થયું. તેઓને ઓડિટોરિયમમાં સ્થાન આપી કોલ્ડ ડ્રિન્કથી તેઓનું સ્વાગ થયું. અહીં ફરીથી રમીલાએ તેમને પોતાનો વિચાર સમજાવ્યો અને તેમની પાસેથી સહકાર મળશે કે કેમ તેની પૃચ્છા કરી. પોતાનાં જેવડી કે કદાચ તેથીયે નાની ઉંમરની આ યુવતીની બિઝનેસ સ્કીલ અને તેની સમાંતરે ચાલતી સેવાભાવનાથી તેઓ બધાં જ લગભગ અંજાઈ ગયાં. તેઓને જ્યારે જાણ થઈ કે આ ફિલ્મજગત સાથે જોડાયેલાં દિગ્ગજ લોકો પાસેથી તેઓને શીખવા મળશે ત્યારે તો તેમનાં આનંદનો પાર ન રહ્યો. તેઓનાં તરફથી જરૂરી પ્રશ્નો પૂછાયાં જેનો રમીલા તરફથી સંતોષકારક ઉત્તર મળ્યાં.

અંતે દરેકને નાસ્તો પીરસાયો અને ત્યારબાદ એક કરાર કરવા આમંત્રણ અપાયું કરારની બધી જ શરતો બધાંએ વાંચી અને આખાંયે હોલમાંથી માત્ર બે યુવતીઓને છોડી બધાંએ કરાર ઉપર સહી કરી ધીમે ધીમે વિદાય લીધી.

બે યુવતીઓને બેઠેલ જોઈ મૈથિલીએ તેમની પાસે જઈ પૃચ્છા કરી, "આપ બંનેને કોઈ પ્રશ્ન હોય તો જણાવશો."

તેમાંની એક તો એમ જ બેસી રહી પણ બીજીબોલી ઊઠી, "અમારે રમીલાને... , સાૅરી, રમીલા મેડમને મળવું છે."

ક્રમશઃ

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા