સવાઈ માતા - ભાગ 34 Alpa Bhatt Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સવાઈ માતા - ભાગ 34

સૂર્યદેવનાં કોમળ કિરણો ખુલ્લી બારીમાંથી ઓરડામાં પ્રવેશ્યાં અને બેય યુવતીઓનાં નવલ જીવનનું વધુ એક અનોખું પ્રભાત લેતાં આવ્યાં. રમીલાની આજમાં તેણે નવાં કાર્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું જ્યારે લીલાએ નવાં જીવન માટે આંતરિક ભાવનાઓ સાથે બાહ્ય દેખાવને પણ મઠારવાનો હતો.

સવાર પડતાં જ પોતપોતાનાં કામમાં પરોવાઈ ગયેલી બહેનોને સવલીએ ચા નાસ્તો કરાવ્યાં અને રસોડાનો સંપૂર્ણ હવાલો સંભાળી લીધો. રસોડું ભલે આધુનિક હતું પણ તેમાં રહેલ રસોઈની સામગ્રી અને બનતી વાનગીઓ પરંપરાગત જ હતી જેથી સવલીને બહુ વાંધો આવ્યો નહીં. તેનાં નાનાં બેય બાળકોને આધુનિક ઢબનાં ફાસ્ટફૂડની આદત ન હતી. તેમનો જીવ રોટલા - શાક, ખિચડીમાં જ ધરાઈ જતો. લીલા પણ મેઘજી સાથે કરકસરથી જીવવા ટેવાયેલી જેથી તેનાં માતા-પિતાને દર મહિને સારી એવી રકમ મોકલી શકાય. મેઘજીનાં સ્વર્ગવાસ બાદ લીલાએ તે બંને પ્રથા ચાલવા જ દીધી હતી માટે તેને પણ સાદું જ ભોજન ફાવતું.

રમીલા કવચિત બહારનું ભોજન ખાઈ લેતી. તેને ચટાકેદાર વાનગીઓ ભાવતી પણ અને રાંધતાં પણ આવડતી પણ હાલ આ નવી નોકરી અને અભ્યાસ સાથે એ શક્ય નહોતું.

તેણે નાસ્તો કરતી વેળા પોતાની માતાને કહ્યું, "મા, હજીય બે દિવસ રસોડું સંભાળી લો. શનિ-રવિની રજાઓમાં બધું જ હું રાંધીશ. તમે આરામ કરજો."

આવાં શબ્દોથી જરાય ન ટેવાયેલ સવલી બોલી, "રાંધાં નંઈ તો બીજું હું કરા ઉં?"

એટલામાં મનુ શાળાએ જવા તૈયાર થઈને આવી ગયો. તે વચ્ચે બોલી ઊઠ્યો, "અરે મા, તું માર જોડ બેહીન ટીવી જોજે. બૌ મઝા આવહે."

લીલાએ તેને ટપારતાં કહ્યું," ભૈ, ટીવી તો તારુંય બંદ જ થવાનું સ. તું તંઈ બેહી રૈશ તો ભણહે કુણ. કાલ ઉં મેઘનામાહી પાંહે ગયલી તે એ જ કે'તા ઉતા કે આ બેયને ઉં નૈ ભણાવી હકું. બૌ જ દૂર રયે છે. એમને હારુ એક ટીચર રાખવા પડહે."

મનુને આમેય ભણવામાં થોડો કંટાળો ઉપજે. તે આ વાત સાંભળીને તો ડરી જ ગયો," ના ના, ઉં જાતે ભણી લેવા. મન વધારાનું નથ ભણવું. ઈસ્કૂલ તો રોજે જૈશ જ ને?"

રમીલાએ તેને સમજાવીને સમુની સાથે સ્કૂલ જવા મોકલ્યો. તેણે ઓફિસ જતાં પહેલાં મેઘનાબહેન સાથે મનુ અને સમુના અભ્યાસ વિશે વાત કરી લીધી. મેઘનાબહેને તેને એક શિક્ષકનો ફોનનંબર આપ્યો. રમીલાએ આ કાર્ય આૅફિસ જતાં પહેલાં જ પૂર્ણ કરવાનું વિચાર્યું. ફોન જોડયો. બીજી રીંગ પૂરી થતાં જ સામા છેડેથી ફોન ઉપાડાયો.

એક થોડો કઠોર એવો અવાજ આવ્યો, "કોણ બોલો છો?"

રમીલા વળતાં બોલી, "હું, રમીલા. મને આપનો નંબર મારાં મોટી મા - મેઘનાબહેને આપ્યો છે. આપ જ શ્રીકાંત દેસાઈ છો ને?"

સામા છેડેથી આવતો એ અવાજે ઘણી નરમાશ ધારણ કરી કહ્યું, "હા, હા, રમીલાજી, બોલો. હું આપની શી મદદ કરી શકું?"

"આપ શિક્ષક છો ને? મારાં ભાઈ-બહેન છે, તેઓ આજ સુધી શહેરની મજૂરવાસની શાળામાં ભણ્યાં છે. ત્યાં બાળકો નિયમિત ભણવા જતાં નથી અને જાય તોયે ગંભીરતાપૂર્વક ભણતાં નથી. હાલ તેમને અહીંની શાળામાં દાખલ કર્યાં છે ધોરણ આઠ અને નવમાં. તેમનો બધાં જ વિષયોમાં સારો એવો મહાવરો ઘરે પણ થઈ શકે તે માટે આપ તેમને રોજ અમારાં ઘરે આવી માર્ગદર્શન આપી શકો તો બહુ જ સારું રહેશે."

સામે છેડે રહેલ વ્યક્તિ બોલી, "રમીલાજી, મેઘનાબહેનના મારાં ઉપર એટલાં ઉપકાર છે કે તેમનું સોંપાયેલું કામ કરવામાં હું ધન્યતા જ અનુભવીશ. મારાં પપ્પાનું અકસ્માતમાં મૃત્યુ થયેલું. મારી મમ્મી સાવ છ ધોરણ પાસ. તેને પપ્પા જે નોકરી કરતાં હતાં ત્યાં જ સાફસફાઈ માટેનું અને પાણી ભરવાનું કામ મળેલું. હું તે સમયે નવમા ધોરણમાં.

મારો અભ્યાસ આગળ ચાલી શકે તેવી કોઈ જ બચત નહીં, પપ્પાનું કુટુંબ મોટું તે દર મહિને આવતા પગારનો મોટોભાગ ગામડે મોકલવામાં જ વપરાઈ જાય પણ મમ્મીનો તો પગારેય ટૂંકો. મારે અભ્યાસ છોડવાનો વારો આવ્યો. અમે શહેર છોડીને ગામ પાછાં જવાનું નક્કી કર્યું. તે જ દિવસે જન્માષ્ટમીનાં ઉત્સવમાં ભરબપોરે અમે કનૈયાનાં દર્શન કરવા એ જ મંદિરે ગયાં જ્યાં મારી મમ્મી કાયમ ભજનો ગવડાવતી. તેનાં મીઠા સૂરની ભક્તિ સરિતામાં કીર્તન માટે આવનારાં સૌ વહી જતાં.

મેઘનાબહેનની નજર મારી મમ્મી ઉપર પડી. તેનું નંદવાયેલું સ્વરૂપ જોઈ તેમણે પૃચ્છા કરી. છેલ્લાં બે મહિનામાં ઘણોય ભાર હ્રદય ઉપર ઝીલીને સહન કરી રહેલ મારી મમ્મી રડી પડી. મેઘનાબહેને અમને બહાર બાંકડે બેસાડી નજીકમાં ઉભેલ લારીવાળા પાસેથી લીંબુ શરબત લઈ પીવડાવ્યું. થોડી કળ વળતાં મમ્મીએ તેમને અમારી કથની સંભળાવી.

તેમણે એક દુકાનમાંથી થોડો નાસ્તો ખરીદી મને આપ્યો અને સાંજે છ વાગ્યે તેમનાં ઘરે બોલાવ્યાં. મમ્મીને તેમનામાં ભરોસો બેઠો અને અમે તેમની સાથે વાત થઈ જાય ત્યાં સુધી તો શહેર ન છોડવાનું નક્કી કર્યું. પહેલાં અમે ગામ જવાનાં હોઈ, મમ્મીએ નોકરી તો છોડી જ દીધી હતી. અમે ઘરે જઈને નાસ્તો કરી અમારો જે થોડોઘણો સામાન હતો તે બાંધી દીધો અને ઘરમાં જ્યાંય કોઈ બચતની રકમ મળી તે ભેગી કરી મમ્મીએ અમારાં મકાનમાલિકને આપવાં એક પરબિડીયામાં એકત્ર કરી.

સાંજે ઘરેથી નીકળી અમે મેઘનાબહેનનાં સરનામે ચાલીને જ પહોંચી ગયાં. ત્યાં પ્રવેશતાં જ અમને વાતાવરણમાં ખાસ્સી હૂંફ જણાઈ. મેઘનાબહેને તેમની એક સહેલી, શિલ્પાબહેનને બોલાવી રાખ્યાં હતાં, જેઓ લગ્ન અને એવાં બીજાં પ્રસંગોએ સંગીત સંધ્યાનાં કાર્યક્રમનું આયોજન કરતાં. તેમની સાથે મમ્મીની ઓળખાણ કરાવી અને તેમણે મમ્મીને એકાદ ગીત ગાવા કહ્યું.

મમ્મીએ તો કનૈયાનું ભજન જ એવા મધુર સ્વરે ઊપાડ્યું કે અમે બધાં મંત્રમુગ્ધ થઈ ગયાં. મમ્મી પાસ થઈ ગઈ. અમારી નબળી આર્થિક પરિસ્થિતિ જાણતાં શિવાનીબહેને મમ્મીને ઓર્ડર દીઠ નહીં પણ માસિક પગારથી જ કામ આપ્યું જેથી અમારી આવક નિયમિત રહે. એટલું જ નહીં, મેઘનાબહેને મને મફતમાં જ ટ્યૂશન આપવાનું શરૂ કર્યું અને તેમની મહેનત અને આશિર્વાદથી હું આજે સરકારી શાળાનો શિક્ષક છું. અહીં મકાન લીધું અને ગામનાં ઘરનું પણ સમારકામ કરાવી શક્યો."

રમીલા મનમાં જ પોરસાઈ રહી કે તે જ મેઘનાબહેનને 'મા' નિખિલ ઉપરાંત કહેવાનો લાભ તેને પોતાને જ મળેલ છે. તેણે શ્રીકાંત સરને આજથી જ સાંજે પાંચ વાગ્યે આવવા જણાવી દીધું અને આવીને પોતાની બહેન લીલાને મળવા કહ્યું અને પોતાનું આખું સરનામું લખાવી લીલાનો ફોન નંબર પણ આપી દીધો.

ફોન મૂક્યા પછી તેને ઘણો જ હાશકારો થયો કે બેય બાળકોને એક સારાં શિક્ષકનું માર્ગદર્શન મળી રહેશે. તેણે લીલાને વિગતો આપી અને ઝડપથી તૈયાર થઈ ઓફિસ જવા નીકળી. આજે લીલા ઘરે જ હતી. સાંજે શ્રીકાંત સર આવ્યાં અને બાળકો અને લીલા સાથે વાત કરી તેમનો અભ્યાસ આગળ ધપાવ્યો. બાળકો અભ્યાસમાં થોડાં નબળાં જણાયાં, પણ શ્રીકાંતને પોતાનામાં પૂરો ભરોસો હતો કે તે બાળકોને તેમનાં ધોરણની કક્ષા સુધી જલ્દી જ લાવી શકશે.

ટ્યુશન લગભગ સાત વાગ્યે પૂરું થતાં લીલાએ સાંજની રસોઈ માટે તૈયાર કરેલ દાળ-બાટી પીરસી. ખૂબ જ નમ્રતાથી કાંઈપણ ન લેવાનો આગ્રહ રાખતાં શ્રીકાંતે કહ્યું, "લીલાબહેન, મને રોજ માત્ર અભ્યાસ જ કરાવવા દેશો. નાસ્તો કરવા હું અચૂક આવીશ આ રવિવારે અને તે પણ મારી મમ્મી અને પત્નીને લઈને. રમીલા બહેનને પણ મળી શકાય અને બાળકોને હું અઠવાડિયે એક રજા પણ આપીશ જેથી તેમની રમતગમતમાં અભ્યાસથી અંતરાય ઊભો ન થાય. ટ્યૂશન આપ્યા પછીના નાસ્તાની આદત મને અહીં બાળકોને ભણાવવા નહીં પણ નાસ્તો કરવા ખેંચે એમ હું ઈચ્છતો નથી. "

લીલા તેની વાતોથી ખૂબ જ સંતોષ પામી. રમીલાની જેમ તેને પણ ચિંતા હતી કે આ બાળકોને મેઘનાબહેન કે રમીલા નહીં ભણાવી શકે તો તેમની શાળા બદલવાનો કોઈ જ અર્થ નહીં રહે.

બીજી તરફ, આૅફિસ પહોંચેલી રમીલાની આકરી કસોટી આજથી શરૂ થઈ ગઈ હતી, પણ આવાં સંજોગોને આવકારતી તેણે પોતાનાં પ્રોજેક્ટ ઉપર ટીમવર્ક કરવાનું આજથી જ આરંભી દીધું. આજથી તેની પૂર્ણસમયની આસિસ્ટન્ટ તરીકે મૈથિલી હાજર હતી.

હ્યુમન રિસોર્સિઝનાં મેનેજર સાથે ચર્ચા કરી ચાર માર્કેટિંગ એક્ઝીક્યુટિવને શહેરનાં જુદાં જુદાં ભાગોમાં ફરી કુલ બસો જેટલાં બ્યુટિપાર્લર અને સો જેટલાં સલૂન ચલાવનારાં નાનાં ગજાનાં માલિકોને બે દિવસ પછી કંપનીમાં આવવાનું નિમંત્રણ અપાયું. તેમને યોજના સમજાય તે માટે સેલ્સ ડિપાર્ટમેન્ટ તરફથી લોકબોલીમાં સુંદર મઝાનું પ્રેઝન્ટેશન તૈયાર કર્યું. પર્ચેઝ ડિપાર્ટમેન્ટને હાલ બીજું ખાસ કામ ન હોવાથી તેનો સ્ટાફ પણ માર્કેટિંગ વિભાગ સાથે જોડાઈને કામ કરવા લાગ્યો.

બધું જ કામકાજ રમીલાનાં પ્લાન મુજબ ચાલી રહ્યું હતું જેનો લંચ બાદ રિપોર્ટ પણ તૈયાર કરવાનો હતો. રમીલાને સતત કાંઈ ખૂટતું હોય તેમ લાગ્યા કરતું હતું. આટલી મોટી જવાબદારી અને બઢતી સમકક્ષ માન મળ્યાં છતાં તેને જોઈએ તેવી ખુશી થઈ રહી ન હતી. થોડાં વિચાર પછી તેણે એક ભલામણપત્ર તૈયાર કર્યો અને તેને સૂરજ સર, ડિરેક્ટર્સ તેમજ પલાણ સરને ઇ-મેઈલ કર્યો. તે પછી તેને ઘણી રાહત લાગી. લગભગ એકાદ કલાકમાં આ બધાંની સંયુક્ત રીતે સહી થયેલ ઇ-મેઈલ રૂપે તેને પ્રત્યુત્તર પણ મળી ગયો. ત્યાર બાદ લંચબ્રેક દરમિયાન તે ઘણી જ હળવાશથી અને ઉમંગથી બધાં સાથે ભળી ગઈ.

આજે સાંજે કૉલેજ પૂર્ણ કરી ઘરે જતાં તેણે આઈસક્રીમ ખરીદ્યો. સવારની તુલનાએ તેનાં મનમાં ખૂબ જ હળવાશ ભરેલ હતી. વ્યક્તિની સંવેદનશીલતા વધુ હોય ત્યારે તેણે પોતે ભલે કોઈનું અહિત ઈચ્છ્યું કે કર્યું ન હોય પણ જે-તે વ્યક્તિને તકલીફ પડે તેમાં પોતે પરોક્ષ કારણ પણ બન્યાં હોય તો તેમાંયે તેમને પારાવાર પીડા થાય છે. રમીલા પણ આવું જ સંવેદનોથી છલોછલ ભરેલ એક વ્યક્તિત્વ હતું.

આ સંવેદનશીલતાને ઘણી વખત નબળાં મનની નિશાની પણ માની લેવાય છે, પરંતુ આ જ સંવેદનશીલતા કુટુંબ તેમજ સમાજનાં વિકાસ માટે સૌથી મહત્વનું પાસું છે. તેનું એક અતિ સરળ ઉદાહરણ એ જ કે રસ્તાની બાજુએ બેસી ભિક્ષા માંગી રહેલનાં વાટકામાં પાંચ-દસ રૂપિયા મૂકી આપણને ધન્યતા અનુભવાય તો તે આપણાંમાંની સંવેદનાનું બૂઠું થયેલ સ્વરૂપ ગણાય. પણ તેની ગરીબી અને લાચારી આપણને તેને બીજે દિવસથી ભિક્ષા ન માંગવી પડે તેવું કાંઈક કરવા પ્રેરે, ત્યારે તે ભાવના જ સાચી સંવેદનશીલતા કહેવાય જે એક વ્યક્તિને બીજી વ્યક્તિનાં ઉત્કર્ષ માટે પ્રેરે છે.

ક્રમશઃ

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર 🙏🏻
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા