આ તરફ રમીલાને તેની ડેસ્ક ઉપર જવા રજા અપાઈ. તેનાં કામકાજ માટે અલગ ખંડની વ્યવસ્થા કરવાનું કામ વિદિશા તેમજ તેની સહાયતા માટે પર્સનલ રિલેશન મેનેજરની આસિસ્ટન્ટ મૈથિલીને સોંપાયું. તેમને આ નવાં વિભાગ માટે જરૂરી ખરીદીનું લીસ્ટ બનાવી રમીલા તેમજ સૂરજને બતાવી ઝડપથી અમલમાં મૂકવાનું કહેવાયું.
જેવું બોર્ડ રૂમનું બારણું ખૂલ્યું કે સિક્યોરિટી ચીફ, જેઓ થોડીવારથી બહાર રાહ જોઈ રહ્યાં હતાં, પરવાનગી સહ અંદર પ્રવેશ્યાં. પલાણ સર તેમજ બીજાં ડિરેક્ટર્સ મનનનાં અનુસંધાને તેમનાં ત્વરિત તેમજ સઘન પ્રયાસોથી ખૂબ ખુશ હતાં. હજી સુધી સૂરજને આ બાબતની કશી જાણ ન હતી માટે સિક્યોરિટી ચીફને વાત થોડી વિગતે કરવા કહેવાયું. પોતે ભલામણથી નિયુક્ત કરાવાયેલ મનનની આ સૌથી મોટી, ગંભીર ભૂલ હતી. સૂરજે તેને બરતરફ કરવાની ભલામણ કરી પણ માનવતાનાં રખેવાળ એવાં પલાણ સર અને બીજાં ડિરેક્ટર્સે મનનને સુધરવા એક વધુ મોકો આપવાનું નક્કી કરી તે બાબતે વિચારણા કરવા સમય મળી જાય તે માટે મનનને તાત્કાલિક અસરથી એક અઠવાડિયા માટે સસ્પેન્ડ કર્યો અને આવતા અઠવાડિયે નિયત સમયે નવી જવાબદારી નિભાવવા માટે હાજર થવાની તાકીદ કરી.
પલાણ સર તેમજ બીજાં બે ડિરેક્ટર્સને બરાબર યાદ હતું કે મનન ઉપર આખાં ઘરની જવાબદારી છે. તેનાં માતા-પિતા પાંચ વર્ષ પહેલાં એક અકસ્માતમાં ગંભીરપણે ઘવાયાં હતાં. માતા પગ ગુમાવવાના કારણે હરીફરી શકતાં નહોતાં અને પિતાએ દ્રષ્ટિ ગુમાવી હતી. તે સમયે મનનનો અભ્યાસ ચાલી રહ્યો હોઈ તેમનાં ધંધાનો બધો જ વહીવટ તેમનાં મેનેજરનાં હાથમાં હતો. તે પોતાની કુટિલતા વાપરી આખો ધંધો ક્યારે સેરવી ગયો તેની કોઈને જાણ જ ન થઈ. તે ઉપરાંત મનનની એક નાની બહેન અને વૃદ્ધ દાદાજી હતાં.
બહેનનો અભ્યાસ અવિરતપણે ચાલતો રહે અને ઘરનાં કોઈને તકલીફ ન પડે માટે મનને ઘરમાં ચોવીસ કલાક માટે રસોઈયો, એક નોકર અને એક નર્સનું જોડલું રાખી લીધાં હતાં. તેઓ પતિ-પત્ની જ હતાં. પત્ની મનનનાં મમ્મીની સંભાળ રાખતી અને પતિ તેનાં પપ્પા અને દાદાજીની. આમ, મનનનું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું થયું ત્યાં સુધી બધી બચતો અને રોકાણોમાંથી સારી રીતે ઘર ચાલતું રહ્યું પણ બેઠાં બેઠાં તો કુબેરનો ખજાનોયે ખૂટી પડે.
મનનને અભ્યાસ પૂર્ણ કરી એક ખૂબ જ સારા પગારની નોકરીની જરૂર ઊભી થઈ. ઘરને કારણે થોડો વ્યસ્ત રહેતો મનન કેમ્પસ ઈન્ટરવ્યુમાં બહુ સારી નોકરી મેળવી ન શક્યો. વળી, તે શહેર બહાર નોકરી કરી પરિવારથી દૂર જવા માંગતો ન હતો. સૂરજે તેની વહારે આવી મામા તરીકેની ફરજ નિભાવી અને પલાણ સરને ભલામણ કરી તેને નોકરી અપાવી દીધી.
ખૂબ જ જાહોજલાલીમાં ઉછરેલાં અને અચાનક બધું ગુમાવી બેઠેલ મનન અહીં આવ્યાં પછી અતિ મહત્વાકાંક્ષી બની ગયો અને તેની પાછળની ભાવનાઓને કાબૂ ન કરી શકતાં થોડો સ્વાર્થી બની ગયો. જેણે તેનાં આચરણમાં લોભ અને લાલચને પગપેસારો સરળતાથી કરવા દીધો. તેની હરકતથી સૂરજ ખૂબ જ ગુસ્સામાં હતો જ્યારે પલાણ સરને તેની ઉપર સાચે જ કરૂણા ઉપજી. મનન ઘરે જવા રવાના થતાં પહેલાં પ્યૂન સાથે પોતાની ડેસ્ક ઉપર પોતાનો સામાન લેવા ગયો. કોઈનીયે સાથે બોલવાની કે નજર માંડવાની પણ તેની હિંમત ન હતી.
જેવો તે ખંડમાંથી નીકળ્યો કે કામ કરતાં લોકોની હળવા અવાજે ગુસપુસ સંભળાવા લાગી. રમીલા સુધી વાત પહોંચતાં વાર ન લાગી. આવી નાનીમોટી હરકતોથી ગભરાય તેવી ન હતી પણ મનનનાં સસ્પેન્શનથી તે દુઃખી જરૂર થઈ. તેનાં પરિવાર વિશે જાણીને તેને મનનની મનઃસ્થિતિ સમજાઈ. તેનો પોતાનો ભાઈ મેવો પણ તો આવો જ રાહ ભટકેલ હતો. તે રમીલાની જેમ ભણી ન શક્યો, પણ રમીલા જેવી જીંદગીની ઈચ્છા જરૂર રાખતો. તે કાયમ કામકાજનાં સ્થળેથી નાનીમોટી ચીજો લઈ તેને ચોરબજારમાં વેચી પોતાની સુવિધાઓ વધારવાની વ્યર્થ કોશિશમાં રહેતો. કોઈ કોઈ માલિક તેને માફ કરી દેતાંહતો કોઈ કોઈ તેનાં વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી તેને લોક અપની હવા પણ ખવડાવતાં.
રમીલાને મળેલ તક એ તેની બાહોશી, કુશાગ્રતાનાં પરિણામ રૂપે હતી જ્યારે મેવો અને મનન જે કરી રહ્યાં હતાં તે તેમની સારી કક્ષાનું જીવન જીવવાનાં શોર્ટ કટ હતાં જે તેમને તેમજ તેમની આસપાસનાં લોકો માટે ખતરાની ઘંટડી સમ હતાં. રમીલાએ થોડું પાણી પી મનમાં ઉછળી રહેલ લાગણીઓને સમાવી અને પોતાને સોંપાયેલ મોટી જવાબદારીનું વહન કરવા લેપટોપના કી-બોર્ડ ઉપર પોતાની આંગળીઓ ચલાવવા માંડી.
સૂરજ સરનું કામકાજ પૂર્ણ થતાં તેઓએ તેને બોલાવી અને તેની નવી ટીમનું બનાવાયેલ લીસ્ટ તેને સોંપ્યું.
રમીલા, "સર, આ બધું એટલું ઝડપથી બની ગયું છે કે મને સમજ નથી પડી રહી કે હું પ્રતિસાદ કઈ રીતે આપું? કામકાજ તો આવતીકાલે સવારથી જ શરૂ કરી દઈએ ને?"
સૂરજે વળતાં કહ્યું, "હા, પણ આજે તારાં નવા સ્ટાફને મળી લે. આપણી બાજુનાં જ ખંડમાં તારી આૅફિસ શરૂ થશે. તું ત્યાં બેસ, વિદિશાને કહી આ બધાંને તે જ ખંડમાં મોકલું છું અને પછી હું જાતે આવીને જાહેરાત કરું છું."
રમીલા સારી રીતે જાણતી હતી કે તેને આ તોતિંગ પગારની નોકરી માત્ર તેની બુદ્ધિશક્તિનાં આધારે મળી છે અને હવે તેને એક પણ મિનિટનો સમય વેડફવો પાલવે તેમ નથી. તે બનતી ત્વરાએ પ્યુન સાથે બાજુનાં ખંડમાં પ્રવેશી. આ ખંડ સૂરજ સરનાં ડિપાર્ટમેન્ટની પ્રતિકૃતિ જ હતો. ત્યાં ચાળીસ ડેસ્ક હતાં જ્યારે, અહીં વીસ જ ડેસ્ક હતાં તેથી મોકળાશ વધુ લાગતી હતી.
સાંજનાં લગભગ સાડાચાર વાગ્યા ત્યારે નવો સ્ટાફ જે જુદાં જુદાં વિભાગમાંથી ચયનિત હતો તે વિદિશાની પાછળ ખંડમાં પ્રવેશ્યો. રમીલાએ ઊભાં થઈ બધાનું અભિવાદન કર્યું અને તેઓને બેઠક લેવા જણાવ્યું. વિદિશા તેની બાજુમાં આવીને ઊભી રહી.
થોડી જ વારમાં સૂરજ સર પ્રવેશ્યાં. બધાંએ તેમનું અભિવાદન કર્યું. તેઓએ રમીલાની ઓળખ આપી. જુદાં જુદાં ડિપાર્ટમેન્ટમાંથી આવનાર આ બધાંને તેનો પરિચય ન હતો. ત્યારબાદ નોકરીનાં બીજાં જ દિવસનાં પૂર્વાર્ધમાં રમીલાએ કરેલ પ્રોજેક્ટની વિગતો અને આ નવાં જ ડિપાર્ટમેન્ટ વિશે માહિતી આપી. તેમની વાત પૂર્ણ થતાં સુધીમાં તો બધાં જ કર્મચારીઓ દંગ રહી ગયાં કારણ કે આવી સિધ્ધિ તો કંપનીમાં 'ન ભૂતો ન ભવિષ્યતિ' સમ હતી. બધાંએ રમીલાને નવાં ઉપરી તરીકે વધાવી લીધી પણ રમીલાને ક્યાંક કાંઈ ખૂટતું લાગી રહ્યું હતું. તેણે ઓફિસ છૂટતાં જ મોટી મા સાથે વાત કરવાનું નકકી કર્યું.
વિદિશાને આજનો બાકી દિવસ રમીલાની જ મદદમાં રહેવાનું કહી સૂરજ પોતાનાં વિભાગમાં પાછો ફર્યો. આ તરફ રમીલાએ ત્રણે મેનેજરને પોતાનો પ્રોજેક્ટ વિસ્તારપૂર્વક સમજાવ્યો અને બધાંએ પોતપોતાનાં કામકાજની ચર્ચા કરી લીધી. નવતર પ્રોજેક્ટની ખુશીમાં આૅફિસ મેનેજમેન્ટ તરફથી બધાંય કર્મચારીને લગભગ સવા પાંચ વાગ્યે પેસ્ટ્રી અને સમોસાનો નાસ્તો મોકલાયો જેનાં કારણે જેઓને પણ રમીલાની આ હરણફાળ વિશે જાણ નહોતી તેઓઓને પણ તેની માનસિક શક્તિનો પરિચય થયો.
છ વાગ્યે આૅફિસ છૂટતાં જ રમીલાએ પાર્કિંગમાંથી કાર લીધી અને કૉલેજ જવાના રસ્તે થોડાં પહોળાં રસ્તાની બાજુએ ઊભી રાખી અંદર બેઠાં-બેઠાં જ મોટીમાને ફોન જોડી આજનાં ચમત્કારની અને મનનનાં સસ્પેન્શનની વિગતે વાત કરી.
પોતાનાં જ્ઞાન સાથે સાથે સહ્રદયતા પણ જેનામાં આપોઆપ રોપાઈ ગઈ હતી તે દીકરીની વાતોથી મેઘનાબહેનનું મન ભરાઈને આંખોથી ઉભરાઈ આવ્યું પણ ગળાને સ્વસ્થ રાખતાં તેઓએ કહ્યું, "દીકરા, પહેલાં તો તારી આ સફળતાની ઊંચી કૂદ માટે અંતરતળથી અભિનંદન! અને વાત રહી મનનની, તો વધારે ચિંતા ન કર. તને જો યોગ્ય લાગે તો તારાં બોસને એકવખત કહી જો, તારી ટીમમાં, તારાં મદદનીશ તરીકે તને મનનની સહાય પણ આપી દે. આમ તો ઈર્ષ્યાળુ અને લોભી સાથે કામ કરવું અઘરૂં છે પણ, મને પૂરો વિશ્વાસ છે, તને તેનામાં તારો ભાઈ મેવો દેખાયો છે, તો તું તેને છરૂર સાચા માર્ગે વાળી લઈશ."
સામા છેડેથી રમીલા બોલી, "મોટી મા, તમે મારાં મનને ખૂબ સારી પેઠે સમજો છો, એની મને જાણ તો હતી જ, આજે વધુ એક વખત પૂરવાર થયું."
મેઘનાબહેન વળતાં બોલ્યાં," દીકરા, તને હું તો સમજીશ જ ને? જે રીતે તેં હંમેશા સફળતા પચાવી છે અનજ સાથે પૈતાનાં પરિવારનું સત્ય પણ સ્વીકાર્યું છે, તેને ક્યારેય છુપાવ્યું નથી તેમ બધાં જ કરી શકતાં નથી. ધન અને સવલતોનાં આવાગમન સાથે વ્યક્તિમાત્રનાં મનની સ્થિતિ બદલાતી રહે છે અને સમૃદ્ધિમાં ઉછરેલો મનન તેનું જ એક ઉદાહરણ છે. તેને સજાની નહીં, માર્ગદર્શનની જરૂર છે."
તેમની સાથે વાતો કરી રમીલાનાં મનની દ્વિધાનું સમાધાન થયું અને બેય છેડેથી ફોન મૂકાયો. કૉલેજ પૂર્ણ કરી રમીલા ઘરે પહોંચી ત્યારે લીલા અને બંને બાળકો જમીને નીચે બાગમાં બેઠાં હતાં. રમીલાનાં આવતાં જ તેની સાથે ઉપર ઘરમાં આવ્યાં. રમીલાનાં પિતા અને માતા આદતવશ વહેલાં જમીને સૂઈ ગયાં હતાં જેથી રમીલાને હાશકારો થયો. તેને એ કઠ્યું હતું કે સાદું, નિરામય જીવન જીવતી તેની માતાનું સાવ સરળ સમયપત્રક તેનાં કારણે ખોરવાય.
લીલાએ ગરમ રોટલી બનાવી અને સમુ અને મનુએ તેની થાળી પીરસી અને ડાઇનિંગ ટેબલની બે બાજુની ખુરશીઓ ખેંચી પોતાની દિવસભરની વાતો કહેવા લાગ્યાં. તેમની વાતો ચાલી ત્યાં સુધીમાં રમીલા જમી રહી અને પછી તેણે પોતાની વાત માંડી. બેય ભાઈબહેન અને લીલા, રમીલાની આ ઉપલબ્ધિથી ભાવવિભોર થઈ ગયાં.
મનુ બોલી ઊઠ્યો, "બુન, મારેય તે તાર જેવા બનવું છ."
રમીલાએ વહાલથી તેનાં વાળમાં હાથ ફેરવી કહ્યું, "હા, ભાઈલા, ખૂબ મનથી ભણહબીજું હું શીખવાડી દઈશ."
થોડી જ વારમાં બધાં સૂવા ગયાં. બેય બાળકો સૂઈ જતાં લીલા અને રમીલા વાતે વળગ્યાં. જેમ જેમ ચંદ્ર માથે ચઢતો ગયો, બેય બહેનોની આંખમાં નિંદ્રારાણી વસી રહ્યાં.
ક્રમશઃ
મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.
ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર 🙏🏻
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા