સવાઈ માતા - ભાગ 32 Alpa Bhatt Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સવાઈ માતા - ભાગ 32

ગઈકાલે જ જે ઓફિસમાં જોડાઈ હતી તે તાજી તાજી જ બી. બી. એ. થયેલ પ્રતિભાશાળી યુવતી, રમીલાએ તેને ઉડવાનું આકાશ મળતાં જ એક હરણફાળ ભરી. સામાન્ય રીતે નવાં ઉત્પાદન કે ફેરફાર થઈને સુધારા સહિત બજારમાં મૂકાતાં ઉત્પાદનની જાહેરાત જોર પકડતી હોય છે જ્યારે રમીલાને સોંપાયેલ આજનું કામ જ એક સ્થાપિત ઉત્પાદનની તે જ સ્વરૂપે અને તે પણ કંપનીનાં પોતાનાં જ શહેરમાં માર્કેટિંગ વ્યુહરચનાનું હતું. તે આજે રમીલા દ્વારા બનેલ વ્યુહરચનાને લીધે કંપનીનો ભૂતકાળમાં ક્યારેય ન થયો હોય એવો વ્યાપ કરવા તૈયાર થઈ હતી.

સૂરજ સરની અનુભવી આંખોએ આ આવતીકાલ આજે જ જોઈ લીધી અને તેઓએ લંચબ્રેક દરમિયાન એક વિડીયો મિટિંગથી કંપનીનાં બોર્ડ આૅફ ડિરેક્ટર્સને તેમજ પલાણ સાહેબનાં સચિવને રમીલા દ્વારા બનાવાયેલ વ્યુહરચના સમજાવી અને રમીલા માટે કેટલીક ભલામણ કરી. બધાંએ થોડો વિચાર કરવાનો સમય માંગ્યો અને વિડિયોના બદલે પ્રત્યક્ષ મિટિંગ બોલાવવામાં આવી. બે ડિરેક્ટર્સ જેઓ શહેરની બહાર હતાં તેઓ પણ વિડિયો મિટિંગમાં તો જોડાયાં જ અને સૌનાં આશ્ચર્ય વચ્ચે માલિક રમેશભાઈ પલાણ પણ ઉપસ્થિત થયાં.

બોર્ડ મિટિંગરૂમની તૈયારીઓ જોતાં લંચબ્રેક પૂરો કરી પોતપોતાનાં ડેસ્ક ઉપર જતાં સૌકોઈને જીજ્ઞાસા થઈ આવી, 'નોટિસ મૂકાયા વિના આજે પ્રથમ વખત આ મિટિંગ કેવી?'

તેમની જીજ્ઞાસાની પૂર્તિ કરવા પ્યૂન તેમજ સૂરજ સરની સેક્રેટરી હાજર જ હતાં. તેમનાં દ્વારા કહેવાયું, "રમીલાએ બનાવેલ એક વ્યૂહરચના અદ્ભુત છે અને તેને તાત્કાલિક ધોરણે અમલમાં મૂકાય માટે જ આ મિટિંગ અચાનક આયોજાઈ છે."

ગમે તેટલી શિસ્તબદ્ધ કામકાજ કરતી ઓફિસ હોય, પણ આખરે ત્યાં કામ કરનાર વ્યાવસાયિકો અને નોકરિયાતોની અંદર એક સામાન્ય માનવીનું મન જ ધબકતું હોય છે. આ જ માનવીઓએ આખાંયે પરિસરમાં વાતને 'ટેલિફોનની રમત' ની માફક ફેલાવી દીધી.

'રમીલાનું પ્રમોશન થશે.'
'રમીલાનું બોર્ડ આૅફ ડિરેક્ટર્સમાં ચયન થશે.'
'તેનાં હાથ નીચે સૂરજ સરને કામ કરવા મૂકાશે.'
'તેને બોનસમાં કંપનીનાં શેર્સ અપાશે?'

જેટલાં મગજ અને મોં, એટલી નવી વાતો ફેલાતી હતી પણ હકીકતમાં રમીલાએ શું કામ કર્યું છે તેની વિગતો તો માત્ર સૂરજ સર પાસે જ હતી.

કંપનીનાં કર્મચારીઓને અને ખાસ કરીને માર્કેટિંગ વિભાગના ફ્લોર ઉપર, શિસ્તભંગ કરી આમતેમ ફરતાં જોઈ સૂરજ સરનો અવાજ સ્પીકર ઉપર ગૂંજ્યો, "દરેક કર્મચારી પોતાનું સ્થાન ગ્રહણ કરી બાકી રહેલ કામકાજ આગળ ધપાવે. જ્યાં સુધી આપને પોતાને કોઈ ઉપરી દ્વારા ન બોલાવાય, પોતાનું સ્થાન ન છોડવા વિનંતી.'

આ વિનમ્રતાથી ભરપૂર અવાજમાં રહેલી મક્કમતા બધાં જ પારખી ગયાં અને અટકળોને વિરામ આપી પોતપોતાનું કામ આટોપવા લાગ્યા. થોડી જ વારમાં મિટિંગ શરૂ થઈ. મિટિંગની પંદરેક મિનિટ વીત્યાં બાદ સૂરજ સરની સેક્રેટરી રમીલાને બોલાવવા આવી. રમીલા લેપટોપ ઉપર જે કાર્ય કરી રહી હતી તેને સેવ કરી, ફાઈલ બંધ કરી લેપટોપ શટડાઉન કરી તેની સાથે ગઈ.

માનવમનનાં સકારાત્મક પ્રવાહોની સમાંતરે જ નકારાત્મક ઉર્જા પણ વહેતી જ રહે છે. રમીલાનાં જતાં જ તેનાથી થોડે દૂર બેસતો કર્મચારી મનન ઊભો થયો અને ચાલમાં સાહજિકતા રાખવાનો પ્રયાસ કરતો તેની ડેસ્ક સુધી આવી ગયો. લેપટોપ સ્ટાર્ટ કરી ફંફોસવાનો પ્રયત્ન કરવા વિચાર્યું પણ તે પાસવર્ડ પ્રોટેકશન હેઠળ હતું જેથી ખોલી ન શકાયું. ડેસ્ક ઉપર ન તો કોઈ કાગળ કે ડાયરી હતાં કે ન તો તેની હેન્ડબેગ. ડ્રોઅર ખેંચી જોયાં. તે પણ લોક હતાં. તેની આંખ સામે રહેતાં સોફ્ટબોર્ડ ઉપર પણ કામકાજને લક્ષ્યમાં રાખી કોઈ નોંધ લગાડાઈ ન હતી માત્ર મહાન કવિ શ્રી બરકત વિરાણીનો એક શેર હતો સુંદર અક્ષરોથી લખાયેલ :
સફળતા જીંદગીની હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.

અકકલથી થોડું ઓછું વિચારી શકનાર મનનને આ શેરમાં ઝાઝી સમજ ન પડી. તેને કાંઈ કોયડા જેવું લાગ્યું. પોતાનો ઈરાદો બર ન આવતાં, તે પાછો પોતાની ડેસ્ક તરફ ગયો અને કામકાજ કરવાનો ડોળ કરી રહ્યો. આ દરમિયાન તેની એક એક હરકત રિકોર્ડ થઈ છે અને તે સેફ્ટી અને સિક્યોરિટી ડિપાર્ટમેન્ટનાં કર્મચારી દ્વારા નોંધ સહિત માલિકોને ઈ- મેઈલ થઈ રહી છે તેનો મનનને સહેજપણ ખ્યાલ ન રહ્યો.

તેનો આજે એકમાત્ર ઉદ્દેશ હતો, રમીલાને નોકરીનાં બીજા જ દિવસે મળનાર આટલાં મહત્ત્વનું. આૅફિસનાં દરેક ઓરડાની બહાર અને અંદર એક એક કેમેરા મૂકાયેલ હતાં જે દિવસ-રાત સતત રિકોર્ડિંગ કરતાં હતાં. આ બાબતની જાણ દરેક કર્મચારીઓને હતી જ. પણ મનન આજે એ વાત ઉપર ધૂંધવાયો હતો કે પોતે સૂરજનો સગો ભાણેજ હતો, કૉલેજનો ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થી હતો પણ છેલ્લાં બે વર્ષથી માર્કેટિંગ વ્યુહરચનાઓ ઉપર નજર રાખી તેમને સઘન અને સફળ બનાવવાની કોશિશ કરતી ટીમનો સભ્ય માત્ર હતો. આ આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે તેણે કેટલાંય પ્રયત્નો કર્યાં હતાં પણ તેને ક્યારેય એક પ્રોજેક્ટ પણ સ્વતંત્ર રીતે અપાયો ન હતો.

આગળ વધવાની અભિલાષા હોવી, તેને માટે કાર્યરત રહેવું એ મનુષ્યમાત્રનો સ્વભાવ હોય એમાં કાંઈ જ ખોટું નથી પણ બીજાની પ્રગતિ અવરોધવાનાં પ્રયાસ કરી પોતાને ત્યાં ગોઠવવાની કોશિશ, એ ખૂબ જ અનુચિત છે. પોતાનાં દુષ્પ્રયાસોનાં ફળ બદલ, મનનને સિક્યોરિટી ડિપાર્ટમેન્ટમાંથી તેડું આવ્યું અને ખાસી અડધો કલાકની સઘન પૂછપરછ પછી તેને ત્યાં જ બેસાડી રખાયો જ્યાં સુધી સૂરજ સર અને ચીફ મેનેજર સાથે વાતચીત થઈ જાય. મનન સામે બિનજરૂરી હરકતો કરવા બદલ રિપોર્ટ તો બની જ ગયો હતો.

આ તરફ શરૂ થઈ ગયેલ બોર્ડ મિટિંગ રૂમમાં સૂરજ સરની સેક્રેટરી, વિદિશા સાથે રમીલા પ્રવેશી. સૂરજ સરે તેની ઓળખાણ બધાં સભ્યો સાથે કરાવી અને રમીલાએ દરેકનું બે હાથ જોડી સસ્મિત અભિવાદન કર્યું. જીવનમાં પહેલી વખત આવાં બોર્ડ રૂમમાં બિઝનેસમેન વચ્ચે ઉભેલ રમીલા માટે આ પ્રસંગ ભલે પહેલી વખત આવ્યો હતો પણ તેનો આત્મવિશ્વાસ અને બુધ્ધિશક્તિ તેને ક્યાંય પાછી પડવાં દે તેવાં ન હતાં.

પલાણ સરે તેને પોતાનો અંગૂઠો ઉંચો કરી, "વેલ ડન" કહ્યું.

સૂરજ સરે બોર્ડને સંબોધતાં કહ્યું, "સર એન્ડ મેડમ, રમીલાની જે શહેરનાં માર્કેટિંગની વ્યુહરચનાની કોપી આપ સર્વેની પાસે છે તેને વિગતે સમજાવવા હું રમીલાને કહીશ પણ માફ કરશો, મને તેનું આ કાર્ય એટલું સચોટ લાગ્યું કે તેને પ્રેઝન્ટેશન બનાવવાનું પણ કહ્યું નથી તો આજે તેની સ્પીચથી જ ચલાવી,,,"

ત્યાં જ રમીલા બોલી," સૉરી સર, પણ આ છેલ્લા અડધા કલાકમાં જ મેં તે પ્રેઝન્ટેશન બનાવી લીધું છે, લેપટોપ ઉપર."

હવે બોર્ડ રૂમમાં બેઠેલ દરેક સભ્યને સૂરજની ઉતાવળ એકદમ યોગ્ય લાગી. આવાં ઝળકતા સિતારા જેવા કર્મચારીને બિલકુલ યથોચિત પ્રાધાન્ય મળી રહ્યું હતું.

પલાણ સર હવે પોતે જ બોલ્યાં," તો ચાલો, સ્ટાર્ટ કરો અહીં."

" હા સર, પણ મને જાણ નહોતી કે મને અહીં કેમ બોલાવવામાં આવી હતી. હું લેપટોપ ડેસ્ક ઉપર જ મૂકીને આવી છું.", રમીલા બોલી.

ત્યાં જ સૂરજની સૂચક નજર વિદિશા ઉપર પડી અને વિદિશાએ બારણા બહાર ઊભાં રહેલ પ્યૂનને મોકલી તેનું લેપટોપ મંગાવી લીધું. રમીલાએ તેને સ્ટાર્ટ કર્યું અને વિદિશાએ તેને દિવાલ ઉપર રહેલાં વિશાળ સ્ક્રીન સાથે એટેચ કર્યું જેથી બધાં જ પ્રોજેક્ટ ડિટેઈલ્સ જોઈ શકે.

રમીલાએ વિસ્તારપૂર્વક સમજાવવાનું શરૂ કર્યું, "આપણાં શહેરની કામકાજ કરતી મોટાભાગની વસ્તી વિવિધ કંપનીનાં કોસ્મેટિક્સ રોજબરોજનાં જીવનમાં પણ વાપરે જ છે, તેનો આ બે મહિના જૂનો સર્વે છે. તેઓમાંથી ત્રીસ ટકા લોકો આપણી જ કંપનીનાં ઉત્પાદન વાપરે છે. તે ઉપરાંત આઠ-દસ ટકા લોકો એવાં છે કે તેમને કોસ્મેટિક્સ આઈટમ્સ વાપરવી તો છે પણ કોઈપણ કંપનીનું ઉત્પાદન ચાલે. બ્રાન્ડ બાબતે તેઓ જરાપણ ગંભીર નથી. તેમને જે વસ્તુ નજીકમાંથી મળી જાય એ બધું જ ચાલે.

આપણે આ લોકોને આવરી લઈએ તો દર મહિને તેમનાં ઓર્ડર લઈ તેમની જરૂરિયાતનું પેકેજ તેમનાં ઘર સુધી પહોંચાડાય તે માટે આપણું એપ્પ બનાવી શકાય. વળી, જે લોકો નિયમિત ઓર્ડર આપે અથવા મહિને ત્રણથી પાંચ હજાર રૂપિયાનો એકસામટો ઓર્ડર મૂકે તેમને મહિનામાં એક વખત ઘરબેઠાં બ્યુટી ટ્રીટમેન્ટ મફત.

કોઈ પણ મોટી રકમનાં ઓર્ડર સામે, તેની રકમ આપણે નક્કી કરી શકીએ, દિવાળી, નવરોઝ, ઈદ, નાતાલ કે એવાં કોઈ ખાસ તહેવાર નિમિત્તે સંપૂર્ણ ટ્રીટમેન્ટ મફત. તેનાં પણ ધારાધોરણોની સંભવિત યાદી પ્રોજક્ટમાં સામેલ જ છે.

આ માટે બ્યુટિશીયન્સ જોઈશે, તો કેટલાંય યુવક-યુવતીઓ જે નાનાં- મોટાં પાર્લર કે સલૂન ધરાવે છે તેમને જ આપણી કક્ષાની તાલીમ આપી તેમનાં સાધનો, સામગ્રી અને થોડું સ્ટાન્ડર્ડ ફર્નિચર કરાવી આપી આપણે આ નવતર પ્રયોગ શરૂ કરી શકીએ. તેમની તેમનાં પોતાનાં વિસ્તારમાં શાખ હશે અને આપણી ગુણવત્તા અને નામ જોડાશે એટલે તેમનો અને આપણો, બેય બિઝનેસ નવી ઊંચાઈએ પહોંચશે.

આપણાં પોતાનાં આધુનિક સેલૉન ઊભાં કરીએ તો તેમનું ભાડું - ડિપોઝીટ - ઈલેક્ટ્રીસીટી બિલ - વેરા - ફર્નિચર - સ્ટાફ મળીને તોતિંગ ખર્ચ આવશે જ્યારે અહીં ગીવ એન્ડ ટેઈક પદ્ધતિથી ખર્ચ ઓછો અને થોડી સમાજમાં આગળ આવવા મથતાં યુવાનોની મદદ પણ થશે. અને શહેરમાં આ પ્રોજેક્ટ સફળ થયે ધીમે ધીમે જિલ્લા, રાજ્ય અને દેશ કક્ષાએ મૂકી શકાશે.

આખોય બોર્ડ રૂમ તેને એકકાન થઈ સાંભળી રહ્યો હતો. રમીલાએ વિચારેલાં મુદ્દા અને રજૂ કરેલ વ્યૂહ આજ સુધી કોઈનાયે ધ્યાનમાં નહોતાં આવ્યાં.

રમીલાને જરૂરી પ્રશ્નો પૂછી તેને વિદિશા સાથે થોડીવાર માટે વિઝિટર્સ રૂમમાં બેસવાનું કહેવાયું. અંદર એક બીજી વ્યુહરચનાએ આકાર લીધો. સૂરજ સરને પોતે રમીલાની આ કુશાગ્રતાને ખૂબ જલ્દી બહાર લાવી શકવા બદલ અનહદ આનંદ હતો તો બીજી તરફ આવાં સ્ટાફ મેમ્બરને ગુમાવવાનું દુઃખ પણ હતું. પલાણ સરનાં ચહેરા ઉપર પોતાની કંપનીમાં એક અનોખી પ્રતિભાને સમાવિષ્ટ કરવાનું ગૌરવ જણાતું હતું.

રમીલાને બોર્ડરૂમમાં બોલાવાઈ અને બોર્ડનાં ચેરમેન તેમજ કંપનીનાં માલિક એવાં પલાણ સરે જાતે જ જાહેરાત કરી, "રમીલાને શહેરી માર્કેટિંગ બોર્ડની હેડ બનાવવા સાથે તેનાં હાથ નીચે ત્રણ મેનેજર - સેલ્સ, માર્કેટિંગ અને હ્યુમન રિસોર્સિઝને મૂકવાનો નિર્ણય સર્વાનુમતે લેવાય છે તથા કુલ આઠ માર્કેટિગ એક્ઝીક્યુટીવ તેમજ ત્રણ-ત્રણ મદદનીશ સેલ્સ અને હ્યુમન રિસોર્સિઝ મેનેજરનાં હાથ નીચે અપાયાં આ સત્તર વ્યક્તિઓની હેડ તરીકે રમીલા રહેશે. તે હવે સૂરજની આસિસ્ટન્ટ નહીં રહે પણ સૂરજનાં અનુભવનું માર્ગદર્શન તેને હંમેશ મળશે."

રમીલાનાં મનમાં આ અચાનક મળેલ બઢતીથી સ્તબ્ધતા, ખુશી, ચિંતા જેવી અનેક ભાવનાઓએ આકાર લઈ લીધો.

તેણે પલાણ સર અને સૂરજ સરને બે હાથ જોડી થોડું ઝૂકી દૂરથી જ પ્રણામ કરી તેમનાં પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી.

ક્રમશઃ

મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.

ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર 🙏🏻
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા