Runanubandh - 12 books and stories free download online pdf in Gujarati

ઋણાનુબંધ - 12

પ્રીતિની વાત સાંભળીને કુંદનબેન બોલ્યા, જો બેટા તને બાયોડેટા સારી લાગી છે તો એક, બે વાર એને મળી જો, થોડી વાતચીત કરીને તને જો ઠીક લાગે તો જ આપણે આગળ વધવાનું છે. અને હા, આ બાબતમાં બુદ્ધિ ૫૦% હા પાડે તો બાકીનો જવાબ મન પાસેથી લેવાનો, કારણ કે મન તને સાચે રસ્તે જ ચલાવશે. હું તો તારા પપ્પાને મળી હતી, પણ પેલાના સમયમાં તો લગ્નમંડપમાં જ પતિ પત્ની એકબીજાને જોતા હતા. તો પણ જિંદગી ખુશખુશાલ નીકળી જ જતી હતી. તું જાજુ વિચાર નહીં બેટા, ઋણાનુબંધ જેની સાથે હશે એજ તારી સાથે આગળ વધશે. જેવા વિચાર તને આવે છે, એવા જ વિચાર બધાને આવતા જ હોય છે. આ એક સામાન્ય જ બાબત છે. તુ મન પર ભાર રાખી કોઇ જવાબ ન આપીશ. શાંતિથી વિચારી જો પછી જવાબ આપ. આપણે તુ જેમ ઇચ્છે એમ જ કરવુ છે.' આટલી વાત કરીને એમણે પ્રીતિના કપાળ પર હળવું ચુંબન કર્યું હતું. પ્રીતિના ચહેરે આછું ગુલાબી હાસ્ય ફરકવા લાગ્યું એ પોતાના મમ્મીને બોલી, 'તો ભલે, તમને ઠીક લાગે તો મારો બાયોડેટા પણ મોકલી આપો.' આટલું તો પ્રીતિ માંડ બોલી શકી. બસ, આજ તકનો લાભ લેવા સૌમ્યા બેઠી હોય એમ તરત એના મમ્મીનો દુપટ્ટો ઓઢીને ગાવા લાગી, 'રાજાકી આયેગી બારાત
મેરે આંગનમેં..' અને એક તીરછી નજર પ્રીતિ સામે કરી. પ્રીતિ ખોટો ગુસ્સો દેખાડતી પોતાના રૂમમાં ઊંઘવા માટે જતી રહી હતી.

મનમાં ઉઠ્યું એક ભવંડર
વિચારોમા થનગની ઉઠ્યુ મન,
અજબની કસ્મક્શ ભર્યુ અંતર
દોસ્ત! ઋણાનુબંધ ખેચી રહ્યુ બન્નેના મન.

પ્રીતિ પોતાના રૂમમાં જઈને પલંગ પર આરામ કરતા, અજયના વિચારમાં સરી પડી. એ અજાણ્યા ચહેરામાં પણ એને આકર્ષણ લાગી રહ્યું હતું. લવ એટ ફસ્ટ સાઇડ જેમ પ્રીતિ અજય તરફ વળી, રહી હતી. એક ઉત્કંઠા જાગતી હતી કે, અજયને પોતે પસંદ પડશે કે કેમ, એના વિચારો અને પસંદ બંને સરખા હશે કે નહીં! આવા જ વિચારો જે સામાન્ય યુવતીને પજવતા હોય એમ પ્રીતિને પજવી રહ્યા હતા. પણ એ વિચારોનો રોમાંચ પણ કંઈક અલગ જ હોય છે. એ અનુભવ ફક્ત એરેન્જ મેરેજ વાળાને જ થયો હોય! વિચાર કરતી પ્રીતિ ક્યારે ઊંઘી ગઈ એ એને જ ખબર ન રહી.

આ તરફ અજય એવા વિચારમાં હતો કે, હું તો મમ્મીથી ઉપરવટ થઈ ના ન પાડી શક્યો, પણ કદાચ પ્રીતિ ના પાડી દે તો હું જલ્દી કોઈ યોગ્ય સમય જોઈને કાજલને એના પ્રત્યેની મારી લાગણી હું જણાવી દઉં, અને એ શું વિચારે છે એ પણ જાણી લઉં.

અજય એ વિચારે હતો કે એ કાજલની સમક્ષ કેમ મારા પ્રેમને રજુ કરું અને પ્રીતિ અજય તરફ ખેંચાઈ રહી હતી. બંનેના વિચારોમાં ખુબ ફેર હતો.

અજય સવારે કોલેજ પહોંચી ગયો હતો એ એવા વિચારે ગયો કે, આજ તો ઘરે જાવ એ પહેલા મારે થોડી અણસાર મારા પ્રેમની કાજલને આપી જ દેવી છે. એવું વચન ખુદને આપીને અજય કોલેજ પહોંચ્યો હતો. પણ કુદરતે એના લેખ કંઈક જુદા જ લખ્યા હતા. અજય કોલેજ પહોંચીને કાજલને શોધી રહ્યો હતો. પણ કાજલ આજ કોલેજ આવી જ નહોતી. અજય નું મન એકદમ ઉદાસ થઈ ગયું. ખુદને આપેલ વચન એ તોડી રહ્યો હતો. મન ખુબ દુઃખી હતું. આથી એ કોલેજથી ઘરે જવાને બદલે કોફી શોપ માં થોડો ટાઈમ પસાર કરવા ગયો કે જેથી મન થોડું ફ્રેશ થાય. એ કોફી શોપમાં જવા જ જતો હતો ત્યાં જ એને કાજલનું એક્ટીવા ત્યાં બહાર દેખાયું. એના ચહેરા પર ચમક આવી ગઈ, પોતે આ સંજોગને કુદરતનો સાથ સમજી હરખે અંદર જવા જઇ રહ્યો હતો ત્યાં જ અંદરથી નીકળતા એક કપલ તરફ એની નજર ગઈ હતી. બસ, આ દ્રશ્ય જોઈ ને અજયના પગતળે જમીન સરકી ગઈ હતી. અજયના ચહેરાનું સ્મિત અચાનક છીનવાય ગયું હતું. કાજલ કોઈ અન્ય પુરુષની સાથે બહાર નીકળી રહી હતી. આછા ગુલાવી ડ્રેસમાં એ ખુબ સુંદર લાગી રહી હતી. કાનમાં પહેરેલ લોન્ગ ઍરિંગ્સ એના ગળાને અડકીને જુમી રહ્યા હોય એમ હલી રહ્યા હતા. આટલી ખુશ ક્યારેય અજયે એને જોઈ જ નહોતી. અજયે એક પલકભરી નજરે કાજલનું બારીક નિરીક્ષણ કરી લીધું. એની જોડે ચાલી રહેલ પુરુષ પણ ખુબ આકર્ષક બાંધાનો અને સ્મિતભર્યા ચહેરે કાજલ સાથે કદમ મિલાવી રહ્યો હતો. અજય તો જ્યા હતો ત્યાં જ રહી સ્તબ્ધ થઈ એમને પોતાની તરફ આવતા જોઈ રહ્યો. કાજલ અને પેલો પુરુષ એકબીજાની સાથે વાત કરી રહ્યા હતા. એમની નજર એકબીજા પર જ હતી અને તેઓ બહાર નીકળી રહ્યા હતા. કાજલની તરફ ઉભેલો અજય એને જોઈ જ રહ્યો હતો અને કાજલની નજર પેલા પુરુષ પરથી હટી જ નહીં કે એ અજય સાઈડ પર છે એ જોઈ શકે.

અજય એની તરફ કાજલ ક્યારે નજર કરે એમ વિચારી એને જોઈ રહ્યો હતો. અને કાજલની નજર પેલા પર પુરુષ પરથી હટી જ નહીં કે એ અજય ત્યાં છે એ જાણી શકે. ખુબ બંનેની લાગણીમાં ફેર હતો.

આ ક્ષણે અજય કાજલને જોઈને વધુ દુઃખી થઈ ગયો હતો. એને પોતાની આંખ પર વિશ્વાસ આવતો નહોતો. એનું હૃદય એક ધબકાર જ ચુકી ગયું હતું. હૃદય આ ક્ષણને સહી શકે એમ જ નહોતું. એ પોતાના મગજનું સંતુલન રાખી શકે એવી સ્થિતિમાં જ નહોતો. એ કોફી શોપમાં જવાને બદલે હવે એને ઘરે જવાનું જ ઉચિત લાગ્યુ હતું.

ઘરે પહોચતાની સાથે જ ભાવિની બોલી, 'ભાઈ ઠીક નથી. મોઢું કેમ ઉતરેલું છે?'

અજય બોલ્યો, 'માથું દુખે છે. બસ બાકી કંઈ જ નહીં.' અજય આ કઈ જ નહીં માં બધું જ છુપાવીને ગળી ગયો હતો. એ સીધો પોતાના રૂમમાં ગયો હતો. પહેલા નાહીને પોતાના શરીર સાથે મનને પણ ધોવાની કોશિષ કરી રહ્યો હતો. પણ એ એમ ધોવાય એ ક્યાં શક્ય જ હતું? અજય ફ્રેશ થઈને બહાર આવ્યો, ભાવિનીએ સ્વાદિષ્ટ નાસ્તો અને ચા તૈયાર રાખ્યા હતા. બંને ભાઈબહેન હજુ નાસ્તો કરવા બેસી જ રહ્યા હતા ત્યાં જ હસમુખભાઈ એકદમ ખુશ થતા ઘરમાં પ્રવેશતા બોલ્યા, 'કેમ છો બંને?' ભાવિનીએ પણ ખુશ થતા કહ્યું, 'અરે પપ્પા! આજ તમે વહેલા આવી ગયા.' અજય કંઈ જ બોલ્યો નહીં પણ એ એના વિચારમાં જ હતો.

હસમુખભાઈ બોલ્યા,' હા દીકરા! આજ હું વહેલો આવી ગયો છું. એટલું જ નહીં પણ એક ખુશી સમાચાર પણ લાવ્યો છું. હરખ સાથે તેઓ બોલી જ રહ્યા હતા. પ્રીતિના બાયોડેટા આવી ગયા છે.'

પ્રીતિ નામ સાંભળતા જ અજયની તંદ્રા તૂટી હતી. અજય વિચારવા લાગ્યો કે આ શું થઈ રહ્યું છે. કુદરત શું મારી સમક્ષ રજુ કરી રહી છે. આ કુદરતના મારે માટે કોઈ સંકેત તો નથી ને! કેટલું મગજ પર ભાર વધી રહ્યું હતું એ અજય જ જાણતો હતો. અજય પોતાને એવા સ્થાન પર જોઈ રહ્યો હતો જ્યાંથી એ આગળ વધે તો કાજલને ભૂલવી જ પડે. અને આમ પણ એને ભૂલી જાય એજ એને ઉચિત લાગતું હતું. પણ આટલી ઝડપથી એ કેમ કોઈની નજીક આવી શકે? પ્રેમની તડપ એને તકલીફ આપી રહી હતી, એને એ દુઃખ વધુ હતું કે પોતાની લાગણી જતાવી શકે એવો એને સમય કાઢતા પણ ન આવડ્યો. અજય પોતાને કોષી રહ્યો હતો.

શું હશે અજયનો પરિવાર સાથેનો વાર્તાલાપ?
શું અજય પ્રીતિને મળશે ત્યારે સામાન્ય વલણ રાખી શકશે?
શું અજય કાજલને ભૂલી જશે કે પ્રીતિ સાથે એ કરશે અન્યાય જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોતસાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED