પ્રીતિ ખુબ સામાન્ય અને સીધું કહી શકાય એવું વ્યક્તિત્વ ધરાવતી હતી. મમ્મી અને પપ્પાના બંનેના સારા ગુણોનું વ્યક્તિત્વ પ્રીતિમાં વારસામાં જ મળ્યું હતું. પ્રીતિની બેન સૌમ્યા પણ એવું જ વ્યક્તિત્વ પણ અતિ વાતુડી, ચંચળ હતી. બન્ને બેનના સ્વભાવ અને પસંદગીમાં થોડો ફેર ખરો આથી બંને બાળપણમાં ક્યારેક ઝીણી ઝીણી વાત પર ઝગડી પડતી હતી. પ્રીતિને બોલવાનું ઓછું ગમતું આથી સૌમ્યા જ જીતી જતી હતી. જયારે એ બંને ઝગડતી ત્યારે એમના પેરેન્ટ્સ એમનો આ મીઠો ઝઘડો જોઈને હસતા હતા. ટૂંકમાં, ઘર કલબલાટથી ગુંજતું રહેતું હતું. સભ્યો ઓછા હતા, પણ ઘર લાગણીઓથી ધબકતું રહેતું હતું.
પ્રીતિને બાળપણથી જ કંઈકને કંઈક શીખવું ગમતું હતું. ડાન્સમાં ખૂબ રુચિ ધરાવતી હતી. પ્રીતિએ ભારતનાટ્યમાં વિશારદ કર્યું હતું. ભણવામાં રસ હતો આથી ક્યારેય એના અભ્યાસકાળમાં કોઈથી આકર્ષાઈ નહોતી. પ્રીતિને લખવાનો શોખ પણ એના પપ્પા પાસેથી વારસામાં મળ્યો હતો. એ સુંદર કાવ્યો, નાની વાર્તાઓ તેમજ શાયરીઓ લખતી હતી. એની મોટાભાગની રચનાઓ પ્રેમ પર લખેલી હતી. આ એ કાલ્પનિક જ લખતી. એને ક્યારેય હજુ સુધી પ્રેમનો અનુભવ નહોતો થયો. બસ દરેકમાં એ લાગણી જ જોઈ લેતી અને એને કાગળ પર ઉતારતી હતી. ખૂબ લાગણીશીલ હોવાથી ગુસ્સો જયારે આવે ત્યારે એ ગુસ્સો રડીને જ ઉતારતી હતી.
પ્રીતિનું મિત્રોને સખીઓનું ગ્રુપ બહુ મોટું હતું. સરળતાથી બધાની જોડે ફાવી જતું હતું. પ્રીતિના દરેક શોખને એના પેરેન્ટ્સે પુરા કરવાની છૂટ આપી હતી. હા, સંસ્કાર અને સમજણ પણ એટલી જ આપી હતી. ક્યારેય કોઈ સાથે એવી તકલીફો ઉભી જ નહોતી થઈ કે, છોકરી હોવાના લીધે એમની પરવરીશમાં અડચણ આવે. દીકરી અને દીકરાનો ભેદ પરવરીશમાં ક્યારેય નડ્યો નહોતો. ટૂંકમાં, પ્રીતિ અને સૌમ્યા એકદમ સારા અને અનુકૂળ વાતાવરણમાં જ મોટા થયા હતા. આથી એમને ક્યારેય પેરેન્ટ્સ તરફથી અસંતોષ થયો જ નહોતો. એથી ઉંધું મમ્મી ક્યાંય દીકરીઓ પાછી પડે તો હિંમત આપીને એને ઉત્સાહિત કરતા રહેતા હતા. જરૂર પડે ત્યારે પપ્પા તરફથી પણ પૂરતી હૂંફ એને મળતી રહેતી હતી. આમ, હંમેશા અનુકૂળ વાતાવરણ મળવાથી બંને દીકરીઓનું માનસિક વલણ ખૂબ જ હકારાત્મક બન્યું હતું. અને મનથી બંને કઠણ જ હતી. જલ્દીથી હાર માને એમ એ ઢીલી તો નહોતી જ.
પ્રીતિનું ભણતર હજુ ચાલુ જ હતું પણ સારો અને પ્રતિષ્ઠિત પરિવાર હોવાથી પ્રીતિ સાથે લગ્ન માટે ખૂબ યુવકોની વાતની પહેલ આવતી હતી. પણ પ્રીતિ હજુ ભણે છે એમ કહીને જ વાત અટકાવી દેતા હતા.
પરેશભાઈને આજ ફરી એમની જોબમાં સાથે કોન્ટેકમાં આવેલ મિત્ર સાગરભાઈનો ફોન આવ્યો હતો.
પરેશભાઈએ ફોન ઉપાડ્યો,'કેમ છો સાગરભાઈ? ઘણાં દિવસે યાદ કર્યો.. શું ચાલે છે?'
સાગરભાઈએ પ્રત્યુત્તર આપ્યો, 'બસ, બધું જ સરસ ચાલે છે.. ભગવાનની દયાથી તબિયત પણ સારી જ છે. આજે તો તમને એટલે યાદ કર્યા હતા કે, મારા મિત્રનો એક દીકરો છે જેના માટે તમારી પ્રીતિ મને યોગ્ય લાગે છે. જો તમારી પ્રીતિના લગ્ન માટેની ઈચ્છા હોય તો યુવકની બાયોડેટા મોકલાવું. આ બાબતે શું કહો છો આપ?'
સાગરભાઈની વાત સાંભળીને પરેશભાઈ સીધું એમને ના ન પાડી શક્યા. એમને થયું કે બાયોડેટા મંગાવી લઈએ, આમ પણ સાગરભાઈ કોઈક સારો યુવક હોય તો જ પહેલ કરે ને!
પરેશભાઈ બોલ્યા, 'હા સાગરભાઈ! તમારી વાતને તો વધાવી જ લેવાની હોય, તમે બાયોડેટા મોકલાવો હું ઘરે બધાને વાત કરીને જો પ્રીતિને યોગ્ય લાગશે તો તમને પ્રીતિના બાયોડેટા પણ મોકલીશ. છેલ્લો નિર્ણય પ્રીતિનો જ રહેશે. હું એના પર મારી મરજી થોપવા નથી ઈચ્છતો. એના જીવનસાથીની પસંદગી પ્રીતિ જ કરશે. આમ તો તમે મને ઓળખો જ છો. તેમ છતાં પહેલેથી જ તમને જણાવી આપું છું.' પરેશભાઈ એમના નિખાલસ સ્વભાવ મુજબ ચોખવટ કરતા બોલ્યા હતા.
સાગરભાઈએ તરત જ કહ્યું, 'અરે! પરેશભાઈ તમને હું જાણું જ છું. ચિંતા ન કરો, તમારી પ્રીતિ એ મારી પણ દીકરી જેવી જ છે. શાંતિથી વિચારીને મને ફોન કરજો. હું તમને વોટ્સઅપ પર મેસેજ કરી બાયોડેટા મોકલાવું છું.'
સાગરભાઈ સાથેની વાત અહીં પૂર્ણ કરી પરેશભાઈએ તરત જ પોતાના પત્ની કુંદનને આ વાત જણાવી હતી. એમણે પણ ઉત્સાહ સહ કહ્યું, 'સરસ સાગરભાઈએ કોઈ યુવકની વાત કરી છે તો એ યુવક આપણી પ્રીતિ માટે યોગ્ય જ હશે. તમે મેસેજ તો જુઓ. એમણે બાયોડેટા મોકલી હશે.'
પરેશભાઈએ મેસેજ જોયો. આખી બાયોડેટા જોઈ. બાયોડેટા પણ સારી લાગી હતી. યુવકનો ફોટો પણ સરસ હતો. પરેશભાઈએ કુંદનબેનને બાયોડેટા દેખાડતા કહ્યું, 'જો કુંદન! યુવકનું નામ અજય છે. મેડિકલ કોલેજનો પ્રોફેસર છે. અને એકનો એક પુત્ર છે. વળી, દેખાવમાં પણ સીધો અને સોહામણો લાગે છે.'
કુંદનબેને મેસેજ એકદમ ચીવટથી જોયો અને બોલ્યા, "વાહ! નાનો પરિવાર છે, એક બેન છે અને માતાપિતા પણ જોબ કરે છે. આથી આધુનિક વિચાર ધરાવતા હશે. અને અજય પ્રીતિને ગમશે એવું મને લાગે છે. અનુભવથી એટલું તો કહી શકું કે, આ પરિવાર પણ પ્રેક્ટિકલ વિચારો ધરાવતું હશે. બાકી પ્રીતિ જે ઈચ્છે એ જ થશે."
કુંદનબેને પ્રીતિ અને સૌમ્યાને બુમ પાડીને હોલમાં આવવા કહ્યું હતું. પ્રીતિ અને સૌમ્યા તરત જ હોલમાં આવી હતી. આથી કુંદનબેને બધી જ વાત બંનેને જણાવી હતી અને બાયોડેટા વિષે પણ બધું કહ્યું હતું. પ્રીતિ તો વધુ કંઈ બોલી કે, પૂછ્યું નહીં પણ સૌમ્યા પ્રીતિને ચીડવતી બોલવા લાગી હતી, 'સુન સુન સુન દીદી તેરે લિયે એક રિસ્તા આયા હે....' ગીત ગાતી પ્રીતિની આસપાસ ઘુમવા લાગી હતી. ગીત ગાઈને તરત બોલી વાહ! હવે આ સાસરે જશે એટલે એની બધી જ કોસ્મેટિક, અને આખા રૂમ પર મારો જ કબ્જો હશે.. વાહ ભગુ... તમે તો મારી લોટરી લગાડી દીધી.. એમ કહી હસવા લાગી હતી. પ્રીતિ મીઠો ગુસ્સો કરતા બોલી. ઉભી રહે.. તું તો મારા હાથનો મેથીપાક જ ખાઈશ. એમ અહીં સૌમ્યાની પાછળ મારવા દોડી. બંને બહેન આખા હોલમાં દોડાદોડી કરવા લાગી. કુંદનબેન મનમાં જ બોલી ઉઠ્યા, 'હવે આ મારી ફુલ જેવી દીકરી પારકી થઈ જશે. પછી મનને જ આશ્વાસન આપતા કહ્યું. હું પણ આવી જ છું ને! કુંદનબેને સૌમ્યાને પકડીને કહ્યું, "અરે! તમે બંને ક્યારે મોટા થશો? જયારે જોવ ત્યારે તોફાન જ કરતા હોવ છો. આ બાયોડેટા તો જોવા દે પ્રીતિને! એમ કહીને કુંદનબેને પ્રીતિના હાથમાં મોબાઈલ આપ્યો.
પ્રીતિએ બાયોડેટા વાંચી. અજયનો ફોટો પણ જોયો અને ક્ષણિક મનમાં જ વિચારવા લાગી, 'આમ એક ફોટો જોઈને જ કેમ કોઈની પસંદગી જીવનસાથી તરીકેની કરી શકાય? અજય દેખાવે તો સારો જ છે પણ એમ કેમ વિશ્વાસ બેસી શકે? આખું જીવન કેમ કોઈના હાથમાં કેમ સોંપી શકાય? આ વિચારોમાં ગુચવાયેલ પ્રીતિની વ્યથાનો અણસાર કુંદનબેનને આવી જ ગયો હતો.
કુંદનબેન બોલી ઉઠ્યા, 'તું ચિંતા ન કર તું હા પાડે તો જ તારી બાયોડેટા અમે મોકલશું.'
મમ્મીના શબ્દોએ પ્રીતિના વિચારોને તોડ્યા. એ બોલી ઉઠી, 'મમ્મી બાયોડેટા તો સારી જ છે, પણ મને કઈ હજુ સમજાતું નથી. આમ અજાણ્યા પર કેમ વિશ્વાસ બેસે? હું શું કરું? કંઈ સમજાતું નથી.'
શું હશે અજય અને પ્રીતિની પહેલી મુલાકાત?
કેવા હશે બંનેના એકબીજા માટેના વિચારો?
અજય કાજલને માટેની લાગણી ભૂલીને કેમ વધશે આગળ? જાણવા જોડાયેલા રહો 'ઋણાનુબંધ' સાથે.
વાંચકમિત્રો! વાર્તાપ્રવાહમાં જોડાયેલ રહીને મારા ઉત્સાહને વધારવા બદલ દરેકનો દિલથી આભાર. સારા નરસા જે પણ યોગ્ય લાગે એ પ્રતિભાવ આપી યોગ્ય સૂચનો પણ જણાવી શકો છો. એજ આશાસહ જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻.