વિરહ વગર પ્રેમ અધૂરો Kishan Didani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિરહ વગર પ્રેમ અધૂરો

વાર્તા વિષે…

આ ટૂંકી વાર્તા આપ વાંચવાનું શરૂ કરો એ પહેલા એક રસપ્રદ વાત તમને જણાવી દઉં, કે આ ટૂંકી  વાર્તા મે ૧૫ જૂન ૨૦૧૫ ના રોજ લખી હતી, અને એ પણ કોઈ રફ પેપર માં જે મારી કોલેજના કોઈ સ્પાઇરલ લિથો માંથી કાઢેલા હતા, અને આજે તારીખ ૨૩ મે ૨૦૨૩ દરમિયાન માં હું એક વ્યવસાય માં છું, અને મારી ઓફિસ બદલતા સમયે આ બંને રફ પેપર મારા હાથમાં આવ્યા, આ ટૂંકી વાર્તા નહીં પરંતુ એક નવલકથા તરીકે માટે લખવાની શરૂવાત કરી હતી. અને હવે વાંચ્યા પછી એક અંત મગજ માં આવી ગયો તો ટૂંકી વાર્તા તરીકે લખી કાઢી.


પ્રેમ ના પુસ્તકમાં તમે એક તથ્ય ઉમેરી દેજો.

વિરહ વગર પ્રેમ અધૂરો એ સત્ય ઉમેરી દેજો.

-અજ્ઞાત

આજે પણ કદાચ એના ગાયેલા ગીતો સવારમાં નથી સાંભળતી તો દિવસની શરૂઆત નથી થતી, લાગે છે જાણે દિવસ અધૂરો છે. મન હજી પણ સ્વીકારવા તૈયાર નથી કે આદિ હવે મારી સાથે નથી, અને સ્વીકારે પણ શા માટે ? મારો જિગરનો ટુકડો હતો મારો આદિ. રાશિ, ચાર વર્ષ એ કોઈ નાનો સમય નથી.


‘માને તો મનાવી લેજો રે… મારા વ્હાલાને વઢીને કેજો જી’ આ ગીત જ્યારે હું તેના અવાજ માં સાંભળું છું ત્યારે મારી આંખો ભીની થયા વિના નથી રહેતી.


અદબ છોડી બંને હાથ ખુલ્લા કરી અગાસીની પાળીનો ટેકો લેતા ધર્મીએ આકાશ તરફ નજર કરી. થોડીવાર આકાશ ને તાકતી રહી અને અચાનક આંખો બંધ કરી પવનના સુસવાટનો અનુભવ કરવા લાગી. તેની આંખોની પાંપણો સહેજ ભીની થઈ ગઈ.


પાળી પર રાખેલા તેના હાથો પર એક નરમ હાથ પડ્યો અને તેની આંખો ખુલી ગઈ, હાથ હટાવી આસું લૂછયા. રાશિ પાણીનો ગ્લાસ લઈ ધર્મીની પાસે ઊભી હતી. રાશિનો પણ અવાજ જાણે બહાર આવવા તૈયાર નહતો અને તેની આંખો પણ ભીની હતી.


ધર્મીએ પાણીનો ગ્લાસ લઈ બે ઘૂંટ પાણી પીધું અને રાશિનાં હાથમાં ગ્લાસ આપી તેને પણ પાણી પીવા ઈશારો કર્યો. પોતાના ચશ્મા કાઢી આસું લૂછયા અને ધર્મીના હાથમાંથી ગ્લાસ લઈ તેણે પણ પાણી પીધું અને ગ્લાસ પાળી પર મૂક્યો.


ઢળતી સાંજમાં પવનના સુસવાટા વધી રહ્યા હતા. પવનની સાથો સાથે વૃક્ષોના પણ અવાજ અને પક્ષીઓનો કલબલાટ સંભાળાઈ રહ્યો હતો. કદાચ આંખો બંધ કરી શાંતિથી સાંભળીએ તો કોઈ નદી કિનારે બેઠા હોયે તેવું લાગે.


ધર્મીના મનની વાત રાશિ ખૂબ સારી રીતે સમજતી હતી, ઉંમરમાં ભલે રાશિ ધર્મી કરતાં ઘણી નાની હતી પણ, સમજશક્તિ તો કોઈ વડીલ જેવી હતી. બંને વચ્ચે નણંદ ભાભી જેવા સંબંધો ઓછા અને બે મિત્ર હોય તેમ બંને એક બીજાના ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ હતા.


વીસ વર્ષ ની રાશિ કૉલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી. સ્વભાવે સમજદાર પણ ખૂબ ચંચળ. પોતાની કૉલેજ અને ક્લાસની બધી જ વાત ધર્મી જોડે શૅર કરતી. ક્યાં જાય છે?  કોને મળે છે? તેની બધી જ જાણ ધર્મીને રહેતી. ધર્મી પણ રાશિનું નાની બહેનની જેમ ધ્યાન રાખતી અને તેના દરેક સિક્રેટ્સ ઘરનાં લોકોથી છુપાવતી, પણ રાશિ આડા રસ્તે ન જાય તેનું પણ ધ્યાન રાખતી.


કૉલેજથી આવ્યા બાદ રાશિ અને ધર્મી બંને ઘરની બાજુ માં આવેલા બગીચામાં ઈવનિંગ વૉક કરવા જતાં અને આખા દિવસનાં લેખા જોખા પર ચર્ચા કરતા, અને બગીચાથી પાછા ફરતી વખતે પાણીપૂરી અથવા તો સોડા પી ને જ પાછા આવતા તેવો બંનેનો નિયમ હતો.


પરંતુ આજે માહોલ કંઈક અલગ હતો. ખૂબ જ પવન અને વંટોળ સાથે વરસાદના એંધાણ હતા, માટે બંને એ આજે બગીચામાં જવાનું ટાળીને ઘરની અગાસીએ જઈ વરસાદી માહોલનો આનંદ લેવાનું નક્કી કર્યું.


સંધ્યા ઢળવા લાગી અને વીજળીના ચમકારા શરૂ થયા, જાણે કુદરત એક પછી એક ફોટો પાડતો હોય. પાળી પર પડેલી બોટલ અને ગ્લાસ હાથમાં લઈ, રાશિ એ ધર્મીને કહ્યું…


"ચાલો ભાભી મને લાગે છે વરસાદ આવવાની તૈયારીમાં છે, અને આમ પણ આજે સાનિયા મિર્જાની ની ટેનિસ લાઈવ મેચ મારે મિસ નથી કરવાની"


"મારે પણ એ મિસ નથી કરવી, રસોઈ બનાવતા બનાવતા જોઈશું બંને"


"હમ્મ.."


વાતો કરતાં કરતાં બંને અગાસીનો દરવાજો બંધ કરી, ઘરની અંદર જતાં રહ્યા, ધર્મી પણ પોતાના વર્તમાનમાં પછી આવી ગઈ, બંને ટેનિસ મેચ અને રસોઈની વાતોમાં ખોવાઈ ગયા.


***


દેવમે ડોર બેલ મારી, રાશિ ટીવી જોઈ રહી હતી, તેને મેઇન ડોર તરફ નજર કરી, અને સોફા પરથી ઊભી થઈને દરવાજો ખોલ્યો અને ફરી પોતાની જગ્યા પર બેસી ટીવી જોવા લાગી. દેવમ ઘરમાં પ્રવેશ્યો, હાથમાં લેપટોપ બેગ હતું એ સોફા પર મૂક્યું, એટલામાં જ ધર્મી એક નાની સર્વિંગ ટ્રેમાં પાણીનો ગ્લાસ લઈને રસોડામાંથી બહાર આવી અને ગ્લાસ દેવમ સામે ધર્યો, દેવમ દરવાજાની નજીક જ ઊભો હતો અને ટ્રે માંથી ગ્લાસ લઈને એક ઘૂંટડે આખો ગ્લાસ પાણી પી ગયો. ધર્મી દેવમની સામે જોતી રહી,દેવમ એ પાણીનો ગ્લાસ ટ્રેમાં મૂક્યો અને પોતાના રૂમ તરફ જતો રહ્યો. ધર્મી પણ સોફા પર પડેલા લેપટોપ બેગને લઈને દેવમની પાછળ પોતાના રૂમમાં ગઈ.

 

દેવમનો ચહેરો થોડો થાકેલો જાણતો હતો, ધર્મી એ લેપટોપ બેગ સ્ટડી ટેબલ પર મૂક્યું અને ટ્રે પણ ત્યાં જ મૂકી અને દેવમ બાથરૂમ તરફ જઈ રહ્યો હતો ત્યારે જ ધર્મી દેવમને પાછળથી ભેટી પડી.


દેવમે ધર્મીના બંને હાથ પકડી લીધા, અને જોરથી દબાવી દીધા, અમુક ક્ષણ માટે રૂમમાં એકદમ શાંતિ છવાયેલી હતી. થોડીવાર પછી ધર્મી સહજ થઈ આંખો ખોલી, દેવમથી અલગ પડી, દેવમ એ ધર્મી તરફ મોં કર્યું અને તેના વાળ માં હાથ ફેરવતા પૂછ્યું, શું થયું ધર્મી ?


'આદિ…' ફક્ત આટલું બોલી ધર્મીની આંખો થોડી નમ થઈ ગઈ. દેવમ પણ વધુ કંઇ બોલી ન શક્યો, અને તેના બેડરૂમની દીવાલ પર બેડની ઉપર લગાવેલ ફોટોફ્રેમ ને જોતો રહ્યો અને તેની આસપાસ પડેલા એવોર્ડસ, મેડલ્સ સાથે દીવાલ પર લગાવેલા સર્ટિફિકેટસને જોતાં જોતાં બેડ પર ફસડાઈ પડ્યો. સાથે ધર્મી પણ તેની બાજુમાં બેસી ગઈ અને દેવમ ને ફરી ભેટી પડી. ફોટોફ્રેમમાં ક્લોઝ અપમાં દેવમ, ધર્મી અને બંનેની વચ્ચે આદિ સનગ્લાસ પહેરી કોઈ દરિયા કિનારે ઉભેલા નજરે પડતાં હતા. રૂમમાં ફરી એ જ શાંતિ છવાઈ ગઈ.


***


ફક્ત ૧૪ વર્ષની ઉમરમાં જ આદિ લગભગ ૭ જેટલા સિંગિંગ શૉમાં વિજેતા બન્યો હતો અને ૨૩ થી વધુ ફંકશન્સમાં પર્ફોર્મન્સ આપી ચૂક્યો હતો. લગભગ ૧૨ વર્ષની નાની ઉઁમરે ગળાનો કોઈ જીવલેણ રોગ આદિને થયો, છતાં તે ગાવાનું ના છોડી શક્યો, સમય જતાં ડોક્ટરની સલાહ મુજબ તેને ગાવાનું છોડવું પડ્યું અને તે જીવલેણ રોગ તેના પર આટલો હાવી થઈ ગયો કે ચાર વર્ષ પહેલા આદિનું મૃત્યુ થયું.


સંગીત પ્રત્યેનો આદીનો પ્રેમ અધૂરો રહી ગયો, અને તેના વિરહમાં ધર્મી અને દેવમની હાલત પણ કંઈક તેવી જ થઈ ગઈ હતી. નાની ઉંમરમાં પોતાના બાળકને આટલી ઊંચાઈઓ સર કરતાં જોયાનો આનંદ પણ હતો અને તેને ગુમાવ્યાનું દુઃખ પણ.


Writer:

Kishan Didani

www.instagram.com/thedidani

www.facebook.com/kdidani