Shamanani Shodhama - 25 books and stories free download online pdf in Gujarati

શમણાંની શોધમાં - પ્રકરણ 25

          અજવાળું આવતું હતું એ રૂમના દરવાજા પાસે જ પીટબુલ બેઠો હતો. એ રૂમના દરવાજા તરફ જોઇને બેઠો હતો. પીટબુલનું મો અને ગળું વ્હાઈટ હતા જે આછા અંધારામાં પણ સ્પષ્ટ દેખાતાં હતા. પાછળનો ભાગ ભૂખરા રંગનો હશે એવું અંધારામાં લાગતું હતું.

          પીટબુલની પાછળના ભાગમાં એટલે કે એ રૂમના દરવાજાની સામે સીડીઓ નીચે ઉતરતી હતી. શ્યામે મનમાં મકાનનો નકશો સમજવાની કોશીશ કરી. તેમને જે રૂમમાં પૂરેલાં હતા કદાચ એ હાફ બેઝમેન્ટ હશે. બેઝમેન્ટમાં બે રૂમ હતા અને ઉપર પણ એમ જ બે રૂમ હતા. નીચેના રૂમ સામ સામે હતા જયારે ઉપર બંને રૂમ જોડે જોડે હશે પણ વચ્ચે નીચે જવાની સીડીઓ હશે જેના ઉપર અત્યારે એ અને ચાર્મિ હતા.

          એણે ચાર્મિ સામે જોયું. પેલા જે રૂમમાં હતા એ રૂમનો દરવાજો બંધ કઈ રીતે કરવો? પીટ બુલ દરવાજા પાસે જ બેઠો હતો. પેલાનું પેન્ટ કે જેકેટ હવે તેમને મદદ કરી શકે એમ નહોતા. તેમની પાસે ત્રણ હથિયાર હતા. રિવોલ્વર, પેલાનું પેન્ટ અને પાણી ભરેલી બાલટી. એમને ખબર હતી કે જો સમય થશે અને પેલો બેભાન થનાર વ્યક્તિ પાછો નહિ જાય તો રૂમ અંદરના માણસો બહાર આવશે.

          સમય બગાડવાનું પોષાય એમ નહોતું. ચાર્મિએ એને ઈશારાથી બહાર જવાની સીડી બતાવી અને એક આંગળીનો ઈશારો કર્યો. ચાર્મિ કહેવા માંગતી હતી પ્રથમ રસ્તો છે કે દોડીને બહાર નીકળી જવું. એ કઈ સમજ્યો નહિ. ચાર્મિએ રિવોલ્વર બતાવીને બે આંગળીનો ઈશારો કર્યો. ચાર્મિ કહેવા માંગતી હતી કે બીજો રસ્તો ડોગને શૂટ કરવાનો હતો. હવે શ્યામ સમજ્યો કે એ અલગ અલગ પ્લાન વિશે વિચારી રહી હતી. પણ શું પ્લાન એ શ્યામ સમજ્યો નહિ.

          ચાર્મિએ પગથીયા પર હાથ ફેરવ્યો અને પછી દરવાજા તરફ સંકેત કરીને બંને હાથ ભેગા કર્યા જે દરવાજો બંધ કરવાનો ઈશારો સૂચવતા હતા. દરવાજો બંધ કરવાનો ઈશારો તો શ્યામ સમજ્યો પણ ફર્શ પર એણીએ હાથ ફેરવ્યો એ ઈશારો એને સમજાયો નહિ.

           આ ચાર્મિનો ત્રીજો પ્લાન હતો જે એને અડધો જ સમજાયો હતો.

           ત્રણ આંગળીયો બતાવીને પછી અંગુઠાના ઈશારા દ્વારા ચાર્મિએ એને સમજાવ્યું કે ત્રીજો પ્લાન તેના મતે બેસ્ટ છે. શ્યામને ત્રીજો પ્લાન સમજાયો નહોતો પણ ચાર્મિ આ બાબતોની અનુભવી હતી એટલે એણે હકારમાં માથું હલાવ્યું.

           ચાર્મિએ રિવોલ્વર તેના બે દાંત વચ્ચે દબાવી અને સીડીઓ પર ઉંધી સુઈ. એણીએ ધીરેથી પોતાનું માથું બહાર સરકાવ્યું. પીટ બુલનું ધ્યાન દરવાજા તરફ હતું. ચાર્મિ ગોકળગાયની ગતિએ ધીમે ધીમે બંને હાથનો ઉપયોગ કરીને જમીન પર ઘસડાતી ઘસડાતી આગળ વધવા લાગી. શ્યામ અને ચાર્મિ બંનેને પીટબુલના શ્વાસોશ્વાસ સંભળાતા હતા. શ્યામ મહા મુશ્કેલીએ પોતાના શ્વાસોશ્વાસને કાબુમાં રાખતો હતો.

           ચાર્મિએ શ્યામ બેઠો હતો અને બહાર જવાની સીડીઓ વચ્ચેનું અડધું અંતર કાપ્યું હશે ત્યાંજ પીટ બુલ ઉભો થયો. ચાર્મિએ તરત જ રિવોલ્વર દાંતમાંથી હાથમાં લઇ લીધી.

           શ્યામને પોતાના શ્વાસ થંભી ગયા હોય એમ લાગ્યું. અચાનક પીટ બુલ ચાર્મિ તરફ ફર્યો અને કુદયો, શ્યામને બુલેટનો અવાજ સંભળાયો. બીજી જ પળે ચાર્મિ ઉભી થઇ ગઈ હતી. કદાચ ચાર્મિએ ફાયર કર્યું એ સાથે જ ડોગે કુદકો માર્યો હશે. ચાર્મિની બુલેટ નિશાન ચુકી ગઈ હતી. શ્યામ પણ ઉભો થઈ ગયો. ચાર્મિ દરવાજા તરફ દોડી અને કુતરો ચાર્મિ તરફ દોડ્યો.

           શ્યામ બાલટી સાથે બહાર આવી ગયો. એને બહાર આવતો જોઇને કુતરાનું ધ્યાન ફંટાયું હશે કે કેમ પણ કુતરો એક પળ માટે અટકી ગયો અને લેડીઝ ફસ્ટના નિયમને ન માનતો હોય એમ ચાર્મિના બદલે શ્યામ તરફ ધસ્યો. શ્યામનું ધ્યાન કુતરા તરફ જ હતું.

          એક સાથે બે ઘટના ઘટી. એક શ્યામને બુલેટનો અવાજ સંભળાયો અને બીજું પોતાના જમણા પગની સાથળ પર ચાર ખીલા ભોંકાયા હોય એવું લાગ્યું. એને ખબર પણ ન પડી કે પીટ બુલ કયારે આવીને એની સાથળને વળગી ગયો હતો. એણે પૂરી તાકાત સાથે પાણીની બાલટી પીટ બુલને ફટકારી. પીટ બુલે એની સાથળ છોડી દીધી.

          બાલટીના પાણીએ પીટ-બુલને પૂરો નવરાવી દીધો હતો. ફર્શ પર ચારે બાજુ પાણી પાણી થઇ ગયું હતું. શ્યામ દોડવા ગયો પણ પાણીના લીધે લપસ્યો અને પડ્યો. પડતાં પડતાં એણે પોતાના માથાને તો બચાવી લીધુ હતું પણ માથા નીચે રાખેલી એની હથેળીઓનો છૂંદો વળી ગયો હોય એમ એને લાગ્યું.

          એને કોઈકના પડવાનો અને દરવાજો ધડાકા સાથે બંધ થવાનો અવાજ સંભળાયો. જો ચાર્મિને કઈ થયું હશે તો આ કુતરો પેલા લોકોને મને મારી નાખવાનો મોકો આપવાનો નથી એમ શ્યામે વિચાર્યું.

          પીટબુલે શરીરને ધ્રુજારી આપીને પાણી ઉડાડ્યું. પીટબુલ સાવધ થઇ ગયો હતો. પીટબુલ ધીમે ધીમે શ્યામની તરફ આગળ વધતો હતો. પીટબુલની નજર શ્યામના ગળા પર જ હતી કેમકે એ કોઈ સાધારણ કુતરો નહોતો. એ તાલીમ આપેલો કુતરો હતો. ઠંડા પાણીના કારણે એ વધારે છંછેડાયો હતો. એ ઘુરકતો હતો. એની અને શ્યામની વચ્ચે હવે અડધા ફૂટનું અંતર હતું. પીટ બુલ મો ફાડીને એનું ગળું તેના દાંત વચ્ચે દબાવે એટલું શ્યામ અને મૃત્યુ વચ્ચે અંતર હતું. શ્યામને કૂતરાની લાલચોળ આંખોમાં અચાનક હિંસક ચમક દેખાઈ.

          શ્યામ સમજી ગયો કે કુતરાની હિંસક આંખોમાં શેની ચમક હતી. એણે તાકાત સાથે એના માથા નીચે રહેલી ડાબા હાથની હથેળી કાઢી. કશુ જ વિચાર્યા વિના એનો ડાબો હાથ પોતાના ગળા તરફ લાવ્યો. એના કાંડામાં ફરીવાર ચાર ખીલા ભોકાયા. એ દર્દથી ચીસ પાડી ઉઠ્યો.

          એણે બીજો હાથ માથા નીચેથી કાઢ્યો અને કુતરાના ગળાને પકડ્યું. એક હાથમાં એનું ગળું આવે તેમ તો નહોતું પણ એના ગળાના સહારે એ બેઠો થયો. પણ એ સાથે જ એને એનો ડાબો હાથ ચીરાતો હોય એવી વેદના થઇ. કુતરાએ એનો ડાબો હાથ છોડ્યો.

                                                                                                          *

          જેવી ચાર્મિએ ગોળી છોડી એ જ સમયે પીટ બુલ એના ઉપરથી કુદીને બીજી તરફ પડ્યો હતો. ચાર્મિને શ્યામ ઉપર ભરોષો હતો ને શ્યામે પણ એ જ સમયે પીટ બુલ સામે ખુલ્લા આવીને હિમત બતાવી એટલે કુતરો તગતગતી આંખો લઈને શ્યામ તરફ ધસ્યો હતો.

          બુલેટના ધમાકાથી રૂમના દરવાજા પાસે ઉભો એક માણસ બહાર દોડી આવ્યો એને ચાર્મિએ એક જ ગોળીથી વીંધી નાખ્યો હતો. અંદર બીજા માણસો હતા એ બહાર દોડી આવે એવા મુર્ખ નહોતા ઉપરાંત દરવાજો બે ફડકિયાવાળો હતો એટલે પેલો બહાર આવ્યો ત્યારે એક જ ફડકિયુ બહારની તરફ ખોલ્યું હતું. ચાર્મિએ ઝડપથી બીજું ફડકિયુ આડું કરીને દરવાજાને કુંડી લગાવી દીધી અને કુદીને શ્યામ જે તરફ હતો એ તરફ પડી હતી કેમકે એ જાણતી હતી કે દરવાજો બંધ થતા જ અંદરથી ગોળીઓ વછૂટશે અને પોતે વીંધાઈ જશે.

                                                                                                          *

          શ્યામના મગજે ડાબા હાથને આદેશ આપ્યો કે એ ડાબો હાથ પણ કુતરાના ગળા પર વીંટળાઈને એનું ગળું દબાવી નાખે પણ એનો ડાબો હાથ કામ કરતો નહોતો. એનો હાથ મગજના આદેશનું પાલન કરી ન શક્યો. અચાનક કુતરો દુર ફેકાયો અને બુલેટનો અવાજ થયો. એણે કુતરા સામે જોયું. એ તરફડતો હતો. એના ગળામાં ગોળી વાગી હતી. ચાર્મિએ કુતરાને લાત મારીને દુર ફેક્યો અને ફાયર કર્યું એની એને હવે ખબર પડી. એની આંખો સામે અંધારા આવી રહ્યા હતા. ચાર્મિએ બાવડામાંથી એના હાથ પકડ્યા. એને ઉભો કર્યો.

          એણે દરવાજા તરફ નજર કરી. ત્યાં એક માણસ પડ્યો હતો. પણ એ બલબીર નહોતો. દરવાજાને અંદરથી તોડવા માટે બલબીર અને એના સાથી લાતો મરતા હશે એટલે દરવાજાની અંદરની તરફ ભારે શોર થતો હતો. ચાર્મિ એની જમણી બાજુ આવી અને એનો જમણો હાથ તેના ખભા પર મુકાવ્યો. તેનો ડાબો હાથ એની પીઠ પાછળ રાખ્યો. એનો ડાબો હાથ અને જમણો પગમાંથી લોહી વહેતુ હતું. ચાર્મિ એને લઈને સીડીઓ ઉતરવા લાગી.

          બંને સીડીઓથી નીચે ઉતર્યા. સામે મોટું મેદાન હતું. હજુ એને સમજાતું નહોતું કે તેઓ કઈ જગ્યાએ હતા. એને હવે જોવામાં પણ તકલીફ પડતી હતી. મકાન સામે બે બાઈક પડ્યા હતા. ચાર્મિએ એને નીચે બેસાડ્યો.

          ચાર્મિએ બંને બાઈક ચેક કર્યા. એક બાઈકને સ્ટેરીંગ લોક નહોતું. ચાર્મિએ બાઈકના થ્રોટલ કેબલ નજીકના કોઈ વાયર કાઢીને દાંતથી તોડીને ભેગા કર્યા અને કિક મારીને બાઈક ચાલુ કર્યું. સદભાગ્યે બાઈકનું એન્જીન ધબકવા લાગ્યું એ જોઈને શ્યામના ધબકારા હળવા થવા લાગ્યા. ચાર્મિ ઝડપથી બાઈક શ્યામ નજીક લઈ ગઈ અને શ્યામ સામે જોયું.

          “હરી અપ....” શ્યામને એક જ ઝાટકે બેઠો થવાની હિમત આપે એવા આવજે ચાર્મિએ ત્રાડ પાડી.

                                                                                                          *

          મેરી મી ડોટ કોમનું હેડ કવાટર નોઈડામાં હતું. એ વેસ્ટ રીવરથી સાત આઠ બ્લોક જેટલું દુર આવેલી એક ભવ્ય ઈમારત હતી. મેરી મી ડોટ કોમના દરેક કાનૂની કામો ત્યાંથી થતા અને અંદરની ઓફિસમાં જ્યાં ખાસ એમ્પ્લોયીઓને આવવાની પરવાનગી હતી ત્યાંથી દરેક ગેર-કાનૂની વ્યવહારો કરવામાં આવતા હતા.

          એ ઓફીસમાં જવાની પરવાનગી માત્ર ખાસ માણસોને જ હતી. ત્યાં કામ કરતા મોટા ભાગના કામદારો એમ જ સમજતા કે મેરી મી ડોટ કોમ એક મેટ્રિમોનીઅલ પોર્ટલ છે પણ હકીકતમાં એ સ્કીન ટ્રેડને સહેલો બનાવવા માટે હતું. બંધ બારણે એ પોર્ટલ પર લાગેલા યુવતીઓના બાયોડેટા કસ્ટમર ચેક કરતા અને એમાંથી જે યુવતી એમને પસંદ આવે એ યુવતી એમના માટે મામુલી કહી શકાય તેવી બે ચાર લાખની રકમ ભરી અમીર જાદાઓ ગોવા કે મુંબઈની હોટલમાં મંગાવતા અને એ યુવતી રાતોરાત કિડનેપ થઇ ત્યાં પહોચી જતી અને ત્યારબાદ એ પંખી વિદેશ વેચાઈ જતું જ્યાંથી એ તો શું એની કોઈ ખબર પણ ક્યારેય ભારત ન આવતી.

          જોકે આ બાબત મેરી મી ડોટ કોમના માલિક અને કેટલાક ખાસ લોકો જ જાણતા હતા. ત્યાં કામ કરતા મોટાભાગના લોકોની જેમ અંજલી ધીમન પણ આ બાબતથી અજાણ હતી. કદાચ એટલે જ એ વીરપ્રીત સરની એ ચેમ્બર તરફ એમને મળવા જઈ રહી હતી જ્યાં જવું એના માટે હાનીકારક સાબિત થઇ શકે તેમ હતું.

          ચેમ્બરમાં બેઠેલ વીરપ્રીત એના સામેના ટેબલ પર ગોઠવેલ એલ.ઈ.ડી. મોનીટરપર કોઈક ડેટા તપાસી રહ્યો હતો ત્યાં જ એકાએક બાજુના ડેસ્ક પર રહેલા તેના પ્રાયવેટ ફોનની રીંગ વાગી ઉઠી. એ જાણતો હતો કે એ નંબર ખાસ હતો એના પર ક્યારેય એને વીરપ્રીત તરીકે ઓળખાનારા લોકોનો ફોન ન આવતો એ નબર તેની એક અલગ પહેચાન હતો. એના પર કોલ કરનારા એને એક અલગ જ નામથી ઓળખતા હતા -  વિકટર.

          “હલો..” તેણે રીસીવર કાને ધર્યું.

          “શ્યામ ઔર વો જાસુસ લડકી ભાગ ગયે હે...” સામે છેડેથી હેરિસનો અવાજ સંભળાયો. એ અવાજમાં ડર અને શરમીંદગી બંને હતી.

          “હાઉ..?”

          “આજ ઉનકો ખાના દેને નયા લોંડા ગયા થા તો ઉન્હોને ઉસપે હમલા કરકે ઉસે માર ડાલા હે, ભાગતે વકત એ.સી.પી. કો ભી મારકે ગયે હે સાલે..”

          “કુત્તો તુમ ક્યાં કર રહે થે..?”

          “હમ... બલબીર..”

          “ક્યાં બલબીર...?” વીરપ્રીત ઉર્ફે વિક્ટર જોરથી બરાડ્યો.

          “બલબીરકા જન્મદિન મના રહે થે..” સામેથી આવતો હિરીસનો અવાજ ધ્રુજવા લાગ્યો.

          “કેચ ધેમ અધરવાઈઝ આઈ વિલ સેલીબ્રેટ યોર ડેથ ડે..” વિક્ટરે ફ્યુરીયસ ટોનમાં કહ્યું અને રીસીવર સ્લેમ્ડ સાથે નીચે મુક્યું.

          અંજલી ચેમ્બરના દરવાજા આગળ જ ઉભી હતી. વિકટરની ફોન પરની વાતચીત સાંભળી રહી હતી.

          વિકટરે રીસીવર ઉઠાવી એક નંબર ડાયલ કર્યો. સામેથી ફોન રીસીવ થતા જ એ ફટાફટ સુચના આપવા લાગ્યો, “આઈ એમ વિકટર, ગો ફાસ્ટ એન્ડ કિડનેપ અર્ચના, શ્યામ હેઝ સક્સીડેડ ટુ બ્રેક, માય મેન વિલ કિલ હિમ. યુ જસ્ટ ફાઈન્ડ અર્ચના. શ્યામ ઈઝ ઓલરેડી ડેડ.”

          અંજલિ પાસે વધુ સાંભળવા રોકાવાનો સમય ન હતો. એ પોતાના હાથમાં રહેલી ફાઈલને હાથમાં જ દબાવી રાખી દબાતે પગલે બહાર નીકળી ગઈ. એ જાણી ચુકી હતી કે એનો બોસ ખરેખર કોણ હતો.

                                                                                                     *

          સાંજે આઠેક વાગ્યે અર્ચના ડોક્ટરના કલીનીકમાં હતી.

          “તેરે પતિસે તુને ડીસકસ કરલી હે?” ડોકટરે પૂછ્યું.

          દસ હજાર આપીને પણ આવા પ્રશ્નોના જવાબ આપવા પડે એ એને પસંદ ન આવ્યું પણ કોઈ છૂટકો ન હતો.

          “હમ દોનો ઇસ બચ્ચે કો નહિ ચાહતે હે...” એણીએ ખોટો જવાબ આપ્યો.

          તેના મનમાં વિચાર આવ્યો કે બાળક કેવું દેખાતું હશે પણ શ્યામનો ચહેરો નજર સામે આવતા જ તેણીએ નફરત સાથે એ વિચારને મનમાંથી કાઢી નાખ્યો. શિયાળામાં પણ તેનું શરીર પરસેવાથી રેબજેબ થઇ ગયું હતું. દિલ્હીમાં પ્રેક્ટીસ કરતો ડોક્ટર થોડોક અનુભવી હતો. તેણે તેને તણાવ મુક્ત થવાનું ઇન્જેક્શન આપ્યું.

          “ડરને કી કોઈ બાત નહિ હે. અબ પેહલે જેસા નહિ હે. તુમે નોર્મલ એનેસ્થેસિયા દુંગા મેં. ઔર આરામસે ગર્ભપાત કર લુંગા. તુમે દર્દ નહિ હોગા.” ડોક્ટરને લાગ્યું કે એ પોતાને થનારા દર્દથી ડરી રહી હશે એ કદાચ ભૂલી ગયો હતો કે મા માટે પોતાના કરતા પોતાના બાળકનું દર્દ વધુ દર્દ આપનાર નીવડે છે.

          બાળકને પીડા થશે કે નહિ એવો વિચાર એના મનમાં આવ્યો. ત્રણ મહિનાનો ગર્ભ દર્દ અનુભવી શકે નહિ એ વાતનો ખ્યાલ આવતા એને નિરાંત થઇ. એને લાગ્યું કે એ બાળકને પ્રેમ કરે છે. શ્યામની સાથે સાથે એ બાળકમાં એનો પણ અંશ હતો.

          ડોકટરે એને હોસ્પિટલના કપડાં આપ્યા. એ કપડા બદલવા જતી હતી ત્યાંજ એના મોબાઈલની રીંગ વાગી. અંજલિનો ફોન હતો. એણીએ ફોન ઉપાડ્યો.

          “અર્ચના, મેં અંજલિ.”

          “બાદ મેં બાત કરતી હું.” એ બોલી.

          “પ્લીઝ ફોન કાટના મત. અરજન્ટ હે.” અંજલિ ગભરાયેલી હતી.

          “કયા હે, બોલ?”

          “શ્યામ કો વિક્ટરને માર ડાલા હે.” એ બોલી.

          “કોન વિક્ટર?” અર્ચના બોલી.

          “મેરી કંપની કા બોસ. ઉસને શ્યામ કો માર ડાલા હે તીન મહિનો પેહલે. અબ વો તુજે મારનેવાલા હે.” અંજલિ ઝડપથી બોલતી હતી.

          “પર કયું?” એણીએ પૂછ્યું. એને કઈ સમજાયું નહિ.

          “મેરે પાસ જ્યાદા ટાઈમ નહિ હે. મેં બાદમેં બતાઉંગી. વિક્ટરને શ્યામ ઔર તુમે ફસાયા થા. અભી અભી મુજે પતા ચલા હે કી ઉસને ઉસકે આદમિયોંકો તુજે મારને કા ઓર્ડર દિયા હે. ઉસકે આદમી તેરે ઘરપે આ રહે હે. પ્લીઝ તુમ ભાગ જાઓ. આઈ એમ સોરી. મુજે પતા નહિ થા કી મેરા બોસ ગલત કામ કર રહા હોગા. પ્લીઝ તુમ ભાગ જાઓ. તુમ્હારા ફોન તુમ સાથમે મત રખના વરના વિક્ટર તુમે આસાનીસે ઢુંઢ લેગા. સારી બાત મેં બાદમે બતાઉંગી....” કહીને અંજલીએ ફોન કાપી નાખ્યો.

          અર્ચનાને સમજતા વાર ન થઇ કે શ્યામ નિર્દોષ હતો અને વિક્ટર કે જેને એ ઓળખતી પણ ન હતી એણે એમણે બંનેને ફસાવ્યા હતા. એક પળ પહેલા એ નફરત કરતી હતી એ બાળક પ્રત્યે એને અપાર પ્રેમ ઉભરાઈ ગયો. એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ‘શ્યામકો વિક્ટરને માર ડાલા’ એ શબ્દો એના મગજમાં હથોડાની જેમ ઝીંકાવા લાગ્યા. એણીએ નક્કી કર્યું કે એ હવે મરી જશે. એનો શ્યામ જેને એ બેવફા ગણતી હતી એ ખરેખર બેવફા ન હતો. તરત જ એને પેટમાંના બાળકનો વિચાર આવ્યો. શ્યામ હવે રહ્યો નહોતો. શ્યામની છેલ્લી નિશાની એના પેટમાં હતી. એણીએ એક જ પળમાં નિર્યણ કર્યો. એ બાળકને જન્મ આપશે. ડોક્ટર રૂમમાં આવે એ પહેલા રૂમમાંથી એ બહાર નીકળી.

          કાઉન્ટર પર બેઠી રીસેપ્નીસ્ટને દસ મીનટ મેં આતી હું કહીને એ તરત બહાર નીકળી. બહાર એક ઓટો રોકાવી એ ઓટોમાં બેઠી.

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED