શમણાંની શોધમાં - પ્રકરણ 24 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શમણાંની શોધમાં - પ્રકરણ 24

          “શ્યામ, શામસે પેહલે કોઈ આઈડિયા દેગા યા સોચતા હી રહેગા?” ચાર્મિનો અવાજ સાંભળી શ્યામ વિચારો બહાર આવ્યો.

          “આઈડિયા તો છે પણ કામ કરશે કે નહિ એ ખબર નથી.”  

          “આઈડિયા આપ તો ખરો! કામ કરશે કે નહિ એ તો જોયું જશે.”

          “ઓકે તો સાંભળ, લેબ્રા રાતના અંધારામાં માણસના કપડાની ગંધથી એ માણસને ઓળખી શકે છે. એ પોતાના માલિકને પણ એના કપડા અને એના પરસેવાની ગંધ પરથી જ અંધારામાં ઓળખે છે. જો આપણે એ વ્યક્તિને માત કરી લઈએ અને બહાર નીકળતા પહેલા એના કપડા પહેરી લઈએ તો લેબ્રાને છેતરી શકીએ.”

          “ગુડ. પણ કપડાં તો આપણા બેમાંથી એક જણ જ પહેરી શકે ને? અને એમ પણ બે કુતરા છે. બીજાનું શું?”

          “લેબ્રા ઠંડીમાં ભીંજાય તો પણ એની તાકાત ક્ષીણ થઇ જાય છે એના પર ઠંડુ પાણી રેડી દઈએ તો એ રીતસર હોશ ગુમાવી નાખશે..”

          “પીટબુલ? એના પર પાણીની કોઈ અસર નથી થતી?”

          “મને માત્ર લેબ્રા વિશે જ ખબર છે પણ લેબ્રા અને પીટબુલ બંને આખરે તો કુતરા જ છે ને... કુત્તે કુત્તે ભાઈ ભાઈ.. બંને પર એક જેવી અસર થતી પણ હોય..?” 

          “હા, આમ પણ એમના પર વાપરવા માટે આપણી પાસે પાણી સિવાય કોઈ બીજું હથિયાર છે પણ ક્યા?”

          “એક બીજી પણ મુશ્કેલી છે."

          “એ વળી શું..?”

          “આપણને ખબર નથી કે આ રૂમની બહાર શું છે? કાશ! આપણી પાસે આ બિલ્ડીંગનો એક નકશો હોત!”

          “હા, એ બલબીર ફરી આવે ત્યારે એની પાસે માંગીએ.” ચાર્મિએ દાંત કાઢ્યા, “જો હવે આવી સેન્સ વિનાની વાતો ન કર અને આગળનો પ્લાન સાંભળ.. હું એ બલબીરને બેભાન કરી એના કપડા પહેરી લઈશ.”

          “તો કુતરા મારા એકલા પર જ હુમલો કરશે એમને?” શ્યામ વચ્ચે જ બોલી ઉઠ્યો.

          “હા, હવે તે સેન્સ વાળી વાત કરી પણ કુતરા કરતા મહત્વનું આપણને જેમણે કેદ કર્યા છે એમને માત કરવા છે. એક વાર આપણે એમને એમના કમરામા કેદ કરી લઈએ તો એ પછી કુતરાઓ પર ગન યુઝ કરવામાં કોઈ વાંધો નથી.”

          “તો પ્લાન સમજાવ.”

          “એ જ કરું છું. હું બહાર નીકળી વિજળી વેગે એ કમરાને કુંડી લગાવી દઈશ જેની લાઈટો સળગતી હશે કે જેમાં શોર થતો હશે ત્યાં સુધી તારે કુતરાઓને સંભાળવા પડશે મને એ કામ કરતા બસ કેટલીક સેકંડ થશે.”

          “પણ કુતરાઓ સામે હું જ કેમ?”

          “કેમકે કદાચ કુંડી લગાવતા પહેલા એ લોકો સાવધાન થઇ જાય અને ગોળીબાર ચાલુ થઇ જાય તો મને નથી લાગતું કે તું મીની મશીન ગન કે ઓટોમેટીક પિસ્તોલની ગોળીઓથી તારી જાતને બચાવી શકે છે. હું તને કુતરાઓ સામે મૂકી રહી છું કેમકે એ ઓછું જોખમી છે.”

          “એ ઓછું જોખમી છે!” શ્યામના મો માંથી ઉદગાર શબ્દો સરી પડ્યા.

          “હા, ઓછું જોખમી છે કેમકે કુતરાથી બચવું સહેલું છે અને એના કરડયા પછી ઇન્જેક્શન પણ કામ આવી શકે છે. ગોળી લાગ્યા પછી કોઈ ઇન્જેક્શન અસર નથી કરતુ. એમાં ખાસ છાતી કે માથામાં બુલેટ ઉતરી જાય તો ઇન્જેક્શન લેવા ડોક્ટર પાસે પહોચવાનો સમય જ નથી મળતો.”

          “અને તને કાઈ થઇ ગયું તો?”

          “તો તું નીકળી જજે.”

          “હું તને છોડીને કઈ રીતે જઈ શકું?”

          “કેમ આપણે કોલેજ ટાઈમના લવર છીએ કે મને એકલી છોડીને જતા તારો જીવ ન ચાલે?”

          “એમ નહિ પણ..” શ્યામના અવાજમાં અણગમો ભારોભાર દેખાતો હતો.

          “જો શ્યામ આ સ્થિતિમાં આપણા બેમાંથી કોઈ એક પણ જો બચી નીકળશે તો એ બહુ કહેવાય માટે જો મને કાઈ થઇ જાય તો સમય બગડ્યા વિના અહીંથી નીકળી જજે. મારું માને તો ગુજરાત સુધી ફરી આ તરફ લમણો પણ ન કરતો.”

          “પણ..”

          “પણ બણ કશું નહિ. આ આર્મી નિયમ છે અને દેશના સારા નાગરિક તરીકે તારે એ માનવો જ પડશે.. હવે ધ્યાનથી સાંભળ મને માત્ર દસ સેકંડ જેટલો સમય કુંડી લગાવતા થશે. ત્યાં સુધી તારે તારી ગરદનને કુતરાઓથી બચાવવાની છે. તારે એમની સામે એ રીતે લડવાનું છે કે એ તારી ગરદન સુધી ન પહોચી શકે બીજે ક્યાય જખમ થશે તો વાંધો નહિ પણ જો તારી ગરદન એમના મોમાં આવી ગઈ તો એ જીવલેણ નીવડશે. હું શું કહી રહી છું તું સમજી શકે છે ને?”

          “દરવાજો બંધ કરતા એ તને જોઈ જાય એની શક્યતા બહુ છે ચાર્મિ..” શ્યામને કુતરા કરતા પેલા લોકોની બુલેટ ચાર્મિનું માથું ફોડી નાખે એની દહેશત થતી હતી.

          “ના, ખાસ નથી.. આ ગુજરાત નથી અહી બેહદ ઠંડી છે માટે એ લોકો નશામાં ધુત અને દરવાજો બંધ કરીને જ બેઠા હશે કેમકે એકનો જન્મ દિવસ છે તો એમણે સો ટકા આજે બહારથી કોઈ ડાન્સર કે કોલગર્લ તો લાવી જ હશે માટે નાઈન્ટી નાઈન પર્સન્ટ દરવાજો અંદરથી બંધ જ હશે. મારે ફક્ત બહારથી કુંડી લગાવવાની છે જેમાં દસ સેકંડ કરતા વધુ સમય નહિ લાગે.”

          “સમજી ગયો, લેબ્રાને આપણે ચીકન અને એના માલિકના કપડાંથી છેતરી લઈશું.”

          “ગુડ. પણ જ્યાં સુધી હું એ લોકોને એમના કમરામા લોક કરી લઉં ત્યાં સુધી તારે પીટબુલથી લડવું પડશે.. તારે બહાદુર બનવું પડશે..”

          “લડવાની તો ખબર નહિ પણ એ દસ સેકંડ સુધી ચોક્કસ મારી ગરદન તો બચાવી જ રાખીશ. હું એને મારી ગરદન સુધી નહિ જ પહોચવા દઉં..”

          “ધેટ્સ કોલ સ્પીરીટ.. અને હા પાણી વિશે તો આપણે ભૂલી જ ગયા...”

          “શું..?”

          “તું આપણા રૂમમાં જે પાણી પીવા માટે એમણે મુકેલ છે એ પ્લાસ્ટિકની બાલદીનો ઉપયોગ કરી શકે છે. કદાચ એ કઈક ફાયદો કરી જાય...”

          “ઓકે. બેસ્ટ ઓફ લક...” એણે કહ્યું.

          “બેસ્ટ ઓફ લુક ટુ યુ, ટુ.” એ હસી, “અને ફરી એકવાર યાદ રાખીલે હું પકડાઈ જાઉં તો પણ તારે ભાગી જવાનું છે કેમકે તું ભાગવામાં સફળ રહ્યો તો એ પછી તું ફરી ન મળે ત્યાં સુધી એ લોકો મને નહિ જ મારે અને જો તું પકડાઈ ગયો તો હું પણ એ જ કરીશ..”

          “સમજી ગયો..” શ્યામે કહ્યું, “હું પાણીની બાલદી ચેક કરી લઉં આપણી પાસે ખાસ સમય નથી...”

          “ગુડ. મને લાગે છે કે તું હવે બધું સમજી ચુક્યો છે. થોડોક રેસ્ટ કરીલે એટલે સ્ટેમિના વધી જાય..”

          “ઓકે. તુ પણ આરામ કરી લે..”

          “મારે રેસ્ટની જરૂર નથી. મને મારી ટ્રેનીંગ પર ભરોષો છે. હું ત્રણ દિવસ ભૂખ્યા તરસ્યા પણ થાક્યા વિના ત્રણ કિલોમીટર દોડી શકું છું.” એ ફરી હસી. આ વખતે ગર્વથી.

          “મારે પણ હવે તારી ટ્રેનીંગ પર જ ભરોષો રાખવાનો છે..” શ્યામે ડોલમાં કેટલું પાણી છે એ તપાસતા કહ્યું.

          “પાણી પુરતું છે..”

          “હમમ...” ચર્મીએ એની આંખોમાં જોયું.

          એ રાહ જોવા લાગ્યા કે કયારે દરવાજો ખુલે અને કયારે એ ખડતલ માણસ અંદર દાખલ થાય.

                                                                                                           *

          એમને લાંબો સમય રાહ ન જોવી પડી. પગલાંનો અવાજ સંભળાયો. બંને સાવધ થયાં અને મનોમન પોતાની જાતને તૈયાર કરી લીધી. સમય બહુ ઓછો હતો અને નાની સરખી ચૂક થાય તો જીવ જશે એ નક્કી હતું. એ કરો યા મરોની સ્થિતિ હતી.

          શ્યામ ફરસ પર ઉભડક બેઠો હતો. એનાથી એકાદ મીટર દુર ચાર્મિ પણ એમ જ બેઠી હતી. એનું હ્રદય ડીઝલ પંપની જેમ ધબકતું હતું. એ ઊંડા શ્વાસ લેવા લાગ્યો જેથી આવેગો પર કાબુ કરી શકાય. અંતે, અનંત કહી શકાય એટલી લાંબી એક પળ વીતી અને એ દરવાજો ખુલ્યો.  

          આગંતુકના એક હાથમાં મોટી પ્લેટ હતી. શ્યામ અને ચાર્મિ બેઠા હતા ત્યાં એ બંનેની વચ્ચે આવીને ઉભો રહ્યો. એણે નીચે નમીને પ્લેટ ફર્શ પર મૂકી. પણ એ બલબીર નહોતો. આજે બલબીરને બદલે બીજો માણસ આવ્યો એ જોઈ પહેલા તો બેય ડઘાઈ ગયા પણ એમને જે કરવાનું હતું એમાં બલબીર હોય કે કોઈ બીજું એનાથી કોઈ ફેર પડે એમ નહોતો.

          “ચીકન લાયા હું.” એ માણસે કહ્યું. એણે જેકેટના ઉપસેલા ખીસામાંથી એક બોટલ કાઢી. “શરાબ ભી લાયા હું. બલબીર લડકિયોં કો નીરાશ નહિ કરતા... ઉશને તેરે લિયે યે ચીકન ઓર શરાબ ભેજી હે....”

          “થેન્ક્સ.” શ્યામે કહ્યું.

          “છોરી તું કુછ કયું નહિ બોલ રહી હે?” એ બોલ્યો.

          “મુજે બુખાર હે.” ચાર્મિ મંદ મંદ બોલી.

          “ચીકન શરાબ અજમા લે. બુખાર એક સાલ તક વાપસ નહિ આયેગા.” એ ખડખડાટ હસ્યો.

          એ પાછો જવા માટે વળ્યો એવો જ શ્યામ ઉભો થયો. ચાર્મિની ગણતરી કરતા પણ એ વધારે સાવધ હતો. એનો એક હાથ તરત જ રિવોલ્વરવાળા પોકેટમાં ગયો પણ કદાચ ચાર્મિ થોડાક દિવસોથી જ અહી હતી એટલે એ ચાર્મિની હાજરી ભૂલી ગયો હશે કે ચાર્મિ વધુ ચાલાક હતી એ શ્યામ સમજે કે પેલો સમજે એ પહેલા ચાર્મિએ એના બંને પગ પર લાત મારી. એ સાથે જ શ્યામમાં કયાંથી જોર આવી ગયું એની શ્યામને પણ ખબર ન પડી પણ શ્યામે પેલાને ધક્કો માર્યો. એ બેવડો હુમલો ખાળી શક્યો નહિ.

          એ પડતો હતો ત્યાંજ એની ગરદન નીચે ચાર્મિનો એક હાથ હતો અને એક હાથ એની કમરમાં. ચાર્મિએ એને નીચે પડવા દીધો નહિ. શ્યામે એના મો પર કસીને એની બંને હથેળીઓ દબાવી દીધી હતી. પેલાની આંખો ચકળ-વકળ થતી હતી. એ બેહોશ થઇ ગયો. ચાર્મિએ એને જમીન પર સુવાડી દીધો.

          “કઈ કર્યા વિના આ બેભાન કઈ રીતે થઈ ગયો...?” શ્યામ કઈ સમજ્યો નહિ.

          “જયારે એ પડતો હતો ત્યારે મેં એને સપોર્ટ આપવા માટે એને પકડ્યો નહોતો પણ મેં એની રીડની હડ્ડીના ત્રીજા મણકા પર ફટકો આપવા માટે સપોર્ટ આપ્યો હતો. એ હવે પીસ્તાલીશ મિનીટ માટે હોશ ખોઈ ચુક્યો છે.”

          શ્યામ તરત દોડીને દરવાજા પાસે ગયો. અંદરના ભાગમાં ઉભા રહીને સ્લાઈડર દરવાજાની ગ્રીલ પર એણે પગ રાખ્યો જેથી દરવાજો ઓટોમેટીક કે રીમોટથી બંધ ન થાય. ચાર્મિએ પેલાનું જેકેટ ઉતારીને પહેરી લીધું. જેકેટના એક પોકેટમાંની રિવોલ્વર બહાર કાઢીને ચાર્મિએ મેગેજીન ચેક કરી લીધું.

          ચાર્મિના ચહેરા પરની ચમક જોઈ શ્યામ સમજી ગયો કે મેગેજીન ફૂલ લોડેડ હશે. જેકેટના બીજા પોકેટમાં સિગારેટનું પેકેટ અને લાઈટર હતું. ચાર્મિએ બપોરવાળી બે સિગરેટ અને લાઈટર ખૂણામાં મુક્યા હતા ત્યાંથી લઈને પોકેટમાં ભરીને પોકેટ જેકેટના ખિસ્સામાં ભર્યું અને ઝડપથી એના પેન્ટના ખીસા ફંફોસ્યા. એક ખીસામાંથી એનું પર્સ નીકળ્યું. પર્સમાં શું છે એ જોયા વિનાજ ચાર્મિએ પર્સ પોતાના ખીસામાં મુક્યું. પેલાના પેન્ટના બીજા ખીસામાં એક ચાવી હતી. એ કોઈ વિહીકલની ચાવી તો ન હતી પણ કોઈ સેફની ચાવી હોય એમ લાગતું હતું. ચાર્મિએ એ ચાવી પણ પોતાના જીન્સના પોકેટમાં સરકાવી.

          શ્યામનું ધ્યાન ચાર્મિ અને દરવાજા તરફ સતત બદલાયા કરતુ હતું. ચાર્મિએ પેલાનું પેન્ટ ખેચીને કાઢ્યું. પેન્ટ કાઢવામાં થોડી તકલીફ પડી. પેલાને બે ત્રણ વાર આમથી તેમ કરવો પડ્યો ત્યારે પેન્ટ નીકળ્યું. ચાર્મિએ પેલાનું પેન્ટ પોતાના જીન્સ પર જ ચડાવી દીધું અને ચીકનની પ્લેટ પોતાના હાથમાં લીધી. એ શ્યામની પાસે આવીને બોલી, “પાનીકી બાલટી ઔર શરાબકી બોટલ લેકે આ.”

          એ એક હાથમાં બાલટી અને બીજા હાથમાં શરાબની બોટલ લઈને દરવાજા પાસે આવ્યો. ચાર્મિએ એના હાથમાંની બોટલ લઈને જેકેટના પોકેટમાં મૂકી. જેકેટ હતું કે સંતા ક્લોઝનો ડ્રેસ એ શ્યામને ન સમજાયું. ચાર પોકેટ હતા જેકેટને. બે ઉપર જે નાના હતા પણ નીચેના બે પોકેટ એટલા મોટા હતા કે આખો હાથ એમાં જતો રહે.

          ચાર્મિએ એને ઈશારામાં જ દરવાજાની ગ્રીલ પર પગ મુકીને ઉભા રહેવા કહ્યું અને બહાર જોયું.

          શ્યામ ધીમેથી બોલ્યો, “લેબ્રા ખડા હે.”

          ચાર્મિ હિંમત કરીને બહાર નીકળી. શ્યામની છાતીમાંથી બહાર નીકળી જવા માંગતું હોય એમ એનું હ્રદય ધબકારા મારતું હતું. એણે જરાક ડોકિયું કરીને બહાર જોવાનો પ્રયત્ન કર્યો. લેબ્રા એને દેખાયો. લેબ્રાની પીઠ એની સામે હતી એટલે એ એને જોઈ શકે એમ હતો નહિ. ચીકનના ટુકડા વેરાયેલા પડ્યા હતા પણ લેબ્રા એને માત્ર સુંઘતો હતો, ખાતો ન હતો.

          શ્યામના પગની નળીઓનું લોહી ઠંડુ થઇ ગયું. પેલાના કહેવા મુજબ હવે પીટબુલ જ ભૂખ્યો હતો. એ લોકો રાત્રે પીટ બુલને ભૂખ્યો રાખતા હતા અને દિવસે લેબ્રાને. કદાચ ભૂખ્યો નહિ રાખતા હોય તો પણ બંને કુતરાને એક સમયે ભરપેટ ભોજન તો નહિ જ આપતા હોય.

          લેબ્રા હવે ચાર્મિના પેન્ટને સુંઘતો હતો. ચાર્મિ જોડે માત્ર 10-15 મિનટ હતી કેમકે 15 મિનટ પછી કપડા ચાર્મિની ગંધ પકડી લેવાના હતા. ચાર્મિ આ વાત ભૂલી તો નહિ ગઈ હોયને! ના ,ના, એ જાસુસ છે. એણે મનને મનાવ્યું.

          ચાર્મિ કેમ કશું કરતી નથી એણે વિચાર્યું. પણ કરે તો પણ બિચારી શું કરે. ચાર્મિના પગને લેબ્રા સુંઘતો હતો અને પાછો એ હવામાં સુંઘતો હતો. આમ બે ત્રણ વાર લેબ્રાએ કર્યું. શ્યામને પોતાને શું કરવું એ સમજાતું નહોતું. લેબ્રા ફરીવાર ચાર્મિના પગને સુંઘવા જતો હતો ત્યાંજ ચાર્મિએ પોતાના પગ ખોલીને લેબ્રાનું ગળું પોતાના પગ વચ્ચે લઇ લીધું. ચાર્મિએ પોતાના પગની આંટી લગાવીને એકદમ જોરથી ઝટકા સાથે પગની આંટી એમ જ રાખીને ફરી.

          લેબ્રાને મરણ-ચીસ નાખવાનો મોકો પણ કદાચ નહી મળ્યો હોય. લેબ્રાનું ગળું હજુ પણ ચાર્મિના પગની વચ્ચે દબાયેલું હતું પણ લેબ્રાના પાછલા પગ નકામા થઇ ગયા હોય એમ એનું શરીર પાછળથી ધીમે ધીમે જમીન તરફ જઈ રહ્યું હતું. ચાર્મિએ ધીમે ધીમે પોતાના પગની આંટી ખોલી અને લેબ્રાના શરીરનો આગળનો ભાગ પણ ચાર્મિના પગ વચ્ચેથી ધીમે ધીમે નીચે તરફ જતો હતો. ચાર્મિએ પોતાના પગની આંટી પૂરી ખોલી નાખી એટલે લેબ્રા જમીન પર પડ્યો. આ બધું મીનીટોમાં થઇ ગયું પણ ચાર્મિએ બિલકુલ અવાજ થવા દીધો નહોતો.

          ચાર્મિએ પેલાનું પેન્ટ પહેરેલ હતું તે ઉતારી નાખ્યું. શ્યામ સમજી ગયો કે હવે ચાર્મિ દોડવા અને લડવા માટે તૈયાર થઇ રહી હતી અને પેલાનું પેન્ટ ચાર્મિની અડધી ચપળતા ખાઈ જાય એમાં કોઈ બેમત હતો નહિ.

          ચાર્મિએ પેલાનું પેન્ટ હાથમાં લીધું. શ્યામને સંકેત કરીને બહાર આવવા કહ્યું. એ બાલટી સાથે બહાર આવ્યો. પહેલીવાર તેઓ રૂમની બહાર શું હતું એ જોઈ રહ્યા હતા. તેઓ જે રૂમમાં હતા એ રૂમની એકદમ સામે પણ એક રૂમ હતો. એ રૂમને સ્લાઈડર દરવાજો નહોતો અને દરવાજા પર મોટું તાળું લાગેલું હતું. તેઓ જે રૂમમાંથી બહાર નીકળ્યા હતા એની ડાબી બાજુએ ઉપરની તરફ સીડીઓ જતી હતી. ચાર્મિએ રિવોલ્વર હાથમાં લીધી અને પેલાનું પેન્ટ એના બંને ખભા પરથી છાતી પર લટકે એમ વીંટાળી દીધું.

          ચાર્મિ સીડીઓ પર ઉભડક બેસીને ધીમે ધીમે આગળ વધતી હતી. શ્યામ એની જગ્યા પર જ એમ જ ઉભો હતો. કેમકે એના હાથમાં બાલટી હતી અને એ ચાર્મિની જેમ ઉભડક બેસીને ધીમે ધીમે આગળ વધી શકે તેમ નહોતો. શ્યામને શું કરવું એ સમજાતું નહોતું. ચાર્મિને આમ ધીમે ધીમે સીડીઓ ચડતા પાંચ મિનીટ લાગે એમ હતી.

          ચાર્મિએ પાછળ જોયા વિના જ એને હાથથી આગળ વધવા ઈશારો કર્યો. શ્યામ ચાર્મિની પાછળ જઈને બેસી ગયો. બાલટી એણે પગથીયા પર મૂકી. ચાર્મિ એની તરફ ફરી. એ થોડી સાઈડમાં ખસી. શ્યામને ઈશારો કરીને આગળ વધવા કહ્યું. શ્યામ ચાર્મિ પહેલા જ્યાં હતી ત્યાં ખસીને આગળ આવ્યો. એ સમજી ગયો હતો કે ચાર્મિ કહેવા માંગતી હતી કે સીડી પૂરી થયા પછી શું દ્રશ્ય છે એ જોઈ લે. એણે જરાક ડોકિયું કરીને જોયું.

          દૃશ્ય જોઇને એ હેબતાઈ ગયો.

          નિર્વિઘ્ને ચાલેલો એમનો ભાગવાનો પ્લાન હવે આગળ આમ જ સુખપૂર્વક આગળ વધે એવી આશા રાખવી નકામી હતી. સીડી પૂરી થાય એટલે લોબી હતી. સીડીઓની બંને બાજુ એક એક રૂમ હતો એવું એને લાગ્યું. ડાબી બાજુના રૂમના દરવાજામાંથી આછું અજવાળું બહાર આવતું હતું. જમણી બાજુ અંધકારમાં ખાસ કઈ દેખાતું નહોતું.

ક્રમશ: