૨૨
નાણું, વિનિમય અને કર
મારી યોજનામાં ચલણી નાણું તે ધાતું નથી પણ શ્રમ છે. જે શ્રમ કરી શકે તેને એ નાણું મળે છે, તેને ધન પ્રાપ્ત થાય છે. તે પોતાના શ્રમનું રૂપાંતર કાપડમાં કરે છે, અનાજમાં કરે છે. તેને જો પૅરૅફીન તેલ જોઇએ ને એ તેનાથી પેદા ન થઇ શકતું હોય તો તે પોતાની પાસેનો વધારવાનો દાણો આપીને સાટે તેલ લેશે. એમાં શ્રમનો સ્વતંત્ર, ન્યાયી, અને સમાનભાવે વિનિમય છે; તેથી તે લૂંટ નથી. તમે વાંધો લેશો કે આ તો પાછા છેક જૂના જમાનાની માલનું સાટું કરવાની રીત પર આવ્યા. પણ આખો આંતરરાષ્ટ્રીય વેપાર સાટાની પદ્ધતિ પર ગોઠવાયેલો નથી ?૧
હિંદનું દરેક ગામડું તોપણ અને રક્ષણ માટે પોતા ઉપર જ આધાર રાખતું બનશે, અને જે વસ્તુની સ્થાનિક પેદાશ નહીં જ હોય તેવી જ જણસોની આયાત તથા નિકાસ કરશે.૨
મારો અનુભવ મને એમ કહે છે કે, શહેરો અને ગામડાં બંનેમાં ખાદી સાર્વત્રિક કરવા માટે સૂતરના બદલામાં જ ખાદી મળવી જોઇએ. વખત જતાં લોકો પોતે સૂતરના ચલણ મારફત ખાદી ખરીદવાનો આગ્રહ રાખશે એવી હું આશા રાખું છું.૩
ખરું જોતાં મજૂરી એ પણ ધાતુના સિક્કાના જેટલું જ દ્રવ્ય છે. કેટલાક લોકો અમુક કારખાનામાં પૈસા રોકે તો તમે એમાં તમારી મજૂરી રોકો છો. જેમ પૈસા વિના તમારી મજૂરી નકામી થઇ જાય, તેમ તમારી મજૂરી વિના જગતમાં તે બધા પૈસા નકામા થઇ પડે.૪
સ્વાવલંબનનો અર્થ કૂપમંડૂકતા નથી. કોઇ પણ સ્થિતિમાં આપણે બધી ચીજો પેદા કરી શકીએ નહીં અને આપણે કરવી પણ નથી. આપણે તો પૂર્ણ સ્વાવલંબનની નજદીક પહોંચવું છે. જે વસ્તુઓ આપણે પેદા ન કરી શકીએ એના બદલામં આપવા માટે આપણે આપણી આવશ્યકતાથી વધારે પેદા કરવું જ પડશે.૫
જેમ ટંકશાળામાં સોનુંરૂપું લેવાય, પણ તેમાંથી બહાર તો સોનારૂપાના સિક્કા જ જાય. તેમ સૂતરભંડારમાંતી માત્ર ખાદીરૂપી સિક્કા જ જઇ શકે.૬
અગાઉ કોડી અને બદામ ચલણી નાણા તરીકે વપરાતી, ને લોકો તેમ જ રાજ્યોની તિજોરીઓ તે સ્વીકારતાં. ઉપયોગિતાની દૃષ્ટિએ જોતાં એ ચીજોની કશી કિંમત ન હતી. લોકોની કંગાલિયત કેટલી ભારે છે એનું માપ એના પરથી નીકળતું. લોકો તાંબાનાં પાઇ પૈસા પણ મેળવી ન શકતા. પાંચ કોડી આપે એટલે જરાક શાકભાજી કે એકાદ સોય મળે. હવે મેં નાણાનું એક માપ સૂચવ્યું છે. તે કેવળ ધનના એક ચિહ્નરૂપે નહીં હોય પણ તેની ઉપયોગિતાની દૃષ્ટિએ હમેશાં તેની કંઇક કિંમત હશે અને તે બજારમાં વેચતાં તેના કંઇક દામ પણ ઊપજશે. એ અર્થમાં એ એક આદર્શ નાણું હશે. હાલતુરતને માટે, એક પ્રયોગ તરીકે, મેં સૂતરની તાણીના એક તારને નાનામાં નાના ચલણી નાણા તરીકે સૂચવ્યો છે. તેનો ઉપયોગ મુખ્યત્વે કાંતનારીઓ અને સામાન્યપણે ખાદીપ્રેમીઓ જોડેના વહેવારમાં થઇ શકે છે. કાંતનારીઓ અમુક વાર સૂતર આપે તો તેમને તેમની રોજની જરૂરિયાતની બધી ચીજો મળી રહે. આને માટે ચરખા સંઘે, ગ્રામઉદ્યોગ સંઘનો સહકાર મેળવીને અને આખરે જેઓ સાથ આપે તે બધાની સાથે મળીને, ભંડારો ચલાવવા પડશે. મારી કલ્પના પ્રમાણે આ પ્રથાને અમલ તો જ થઇ શકે જો એનો વહીવટ એકહથ્થું ન રાખતાં ગામડાંનાં મથકોને જ સોંપી દેવામાં આવે. એ વસ્તુ આ યોજનાનો અવગુણ નથી, પણ ગુણ છે.૭
મહેનતરૂપી કર પ્રજાને પુષ્ટ કરે છે. જ્યાં પ્રજાજન સ્વેચ્છાએ પ્રજાસમસ્તના કલ્યાણ અર્થે મહેનત કરે છે ત્યાં નાણાંની આપણે કરવાની ઓછી જરૂર રહે છે, કર વસૂલ કરવાની અને તેનો હિસાબ રાખવાની મહેનત બચી જાય છે; છતાં પરિણામ કર આપ્યા જેટલું જ આવે છે.૮