ગાંધીજી
સંકલન
હરિપ્રસાદ વ્યાસ
પ્રકાશકનું નિવેદન
દેશમાં જુદાં જુદાં રાજ્યોમાં પંચાયતી રાજનો આરંભ થયો છે; ત્યારે ગ્રામપંચાયતો વિષે મહાત્મા ગાંધીએ અવારનવાર જે લેખો લખ્યા છે તેનો સંગ્રહ તૈયાર કરવામાં આવે તો તે ઉપયોગી થાય એ ખ્યાલથી ‘ગ્રામ સ્વરાજ’ ની અંગ્રેજી આવૃત્તિ ગયા ડિસેમ્બર માસમાં નવજીવન ટ્રસ્ટે પ્રગટ કરી હતી. આ તેની ગુજરાતી આવૃત્તિ છે. તેની હિંદી આવૃત્તિ આ પછી બહાર પડશે. સામાન્ય જનતા અને ગ્રામપંચાયતોને આ પુસ્તક ઉપયોગી થશે એવી આશા છે.
ર૩-૩-’૬૩
અભ્યાસી પ્રત્યે
મારાં લખાણોના ઉદ્યમી અભ્યાસીને તેમજ એમાં રસ લેનાર બીજાઓને કહેવા ઇચ્છું છું કે, સર્વ કાળે એકરૂપ જ દેખાવાની કશી પરવા નથી. સત્યની મારી શોધમાં મેં ઘણા વિચારોનો ત્યાગ કર્યો છે ને ઘણી નવી વસ્તુઓ શીખ્યો છું. ઉંમરમાં હું ભલે વૃદ્ધ થયો હોઉં, પણ મારો આંતરિક વિકાસ થતો અટકયો છે અથવા દેહ પડ્યા પછી મારો વિકાસ અટકી જશે એવું મને લાગતું નથી. મને એક જ વસ્તુની પડી છે, ને તે પ્રતિક્ષણ સત્યનારાયણની વાણીને અનુસરવાની મારી તત્પરવા છે. અને તેથી કોઇને મારાં બે લખાણોમાં વિરોધ જેવું જણાય ત્યારે જો તેને મારા ડહાપણ વિશે શ્રદ્ધા હોય તો, એક જ વિષયનાં બે લખાણોમાંથી પાછલાને તે પ્રમાણભૂત માને
હરિજનબંધુ, ૩૦-૪-’૩૩
ગાંધીજી
શ્રીમન્નારાયણ
પ્રસ્તાવના
માનવ એકતાના આદર્શ આજે મુત્સદ્દી તથા સામાન્ય માનવીનું તેમ જ વિજ્ઞાની અને વિદ્રાનનું તીવ્રતાપૂર્વક એકસરખું ધ્યાન ખેંચ્યું છે. આ ઘટના ઇતિહાસમાં અભૂતપૂર્વ છે. શ્રી અરવિંદના શબ્દોમાં “માનવ એકતાનો આદર્શ, આપણી ચેતનાના મુખ-ભાગ પ્રત્યે વત્તેઓછે અંશે અસ્પષ્ટપણે આગળ માર્ગ કરતો રહ્યો છે. આ યુગના બૌદ્ધિક અને ભૌતિક સંજોગોએ, ખાસ કરીને વિજ્ઞાનની શોધોએ, જ્ેમણે આ પૃથ્વી એટલી નાની કરી નાખી છે કે, તેના વિશાળમાં વિશાળ વિસ્તારવાળાં રાજ્યો પણ આજે એક જ દેશના પ્રાંતો જેવાં બની ગયાં છે, તેમણે આપણી ચેતનાને એને માટે તૈયાર કરી છે અને લગભગ અના પર એ લાદી છે.”૧ આર્નોલ્ડ ટૉયન્બી સાચું વિધાન કરે છે કે, “હુન્નરવિજ્ઞાનમાં પશ્ચિમની શક્તિએ, કાવ્યમય ભાષામાં કહીએ તો, ‘અંતરન અંત આણ્યો છે’ અને સાથે સાથે ઇતિહાસમાં પહેલા વાર માનવીના હાથ એવાં શસ્ત્રોથી સજજ કર્યા છે જે માનવજીતિનું નિકંદન કાઢી શકે.... આપણે અત્યારે તાકીદે એકતા જોઇએ છે એનું રોમાંચક અને સાધારણ એવું બેવડું કારણ છે. ‘કાં તો એક જગત, અથવા કોઇ નહીં.’ આ સૂત્રવાક્યમાં આ વિચાર વ્યકત કરવામાં આવ્યો છે. આજે જગતમાં રાજકીય પરિબળોથી પરિચિત દરેક સ્ત્રી કે પુરુષ સમજે છે કે, અણુયુગમાં આપણે જો યુદ્ધનો નાશ નહીં કરીએ તો યુદ્ધ આપણો નાશ કરશે.”૨ જગતને જે વિકટ સમસ્યા મૂંઝવી રહી છે તેનું બ્યાન પિટિરીમ સૉરોકીન પોતાની અનોખી ભાષામાં આ પ્રમાણે આપે છેઃ “યુદ્ધના જખમથી માનજાત આજે લોહીલુહાણ થઇ છે; સંહારક અણુશક્તિના
૧. ‘ધી આઇડિયલ ઑફ હ્યુમન યુનિટી’
૨ ‘વન વર્લ્ડ ઍન્ડ ઇન્ડિયા’. ટૉયન્બીનાં બધાં અવતરણો આ પુસ્તકમાંથી લેવામાં આવ્યાં છે.
ભસ્મસુરના ભયથી ડરી ગઇ છે; તે મૃત્યુજાળમાંથી મુક્ત થવાનો માર્ગ શોધવા માટે ફાંફાં મારે છે. તે બેહાલ મૃત્યુંને બદલે જીવન ઝંખે છે, તે યુદ્ધને શાંતિ ચાહે છે. તે ઘૃણાની નહીં પણ પ્રેમની ભૂખી છે. અવ્યવસ્થાની જગ્યાએ તે વ્યવસ્થા સ્થાપવા અભીપ્સા સેવે છે. તે ઉચ્ચતર માનવતાનાં, અધિક ડહાપણનાં, તથા પોતાના દેહ પર યંત્રામાનવની સભ્યતાનાં લોહીથી ખરડાયેલાં ચીંથરાને બદલે વધુ ઉદાત્ત, સંસ્કારી વસ્ત્ર પરિધાન કરવાનાં સ્વપ્ન સેવે છે. પોતાની જ મૂર્ખતાને કારણે તે મૂત્યુની જાળમાં ફસાઇ ગઇ છે અને ‘હસ્તીનાસ્તિ’ નો કઠણ કોયડો તેની સામે આવીને ઊભો છે. તેથી પહેલાં કદી નહીં અનુભવેલી હતાશાથી જીવન અને અમરતાની સનાતન ખોજમાં નીકળવાની એને ફરજ પડી છે.
મૃત્યુ નિપજાવનારાં સંહારક શસ્ત્રોએ માનવજાતને પડકાર ફેંક્યો છે ત્યારે જો આપણે વેળાસર ચેતીને ખરો માર્ગ ગ્રહણ કરવામાં ચૂકીશું તો સર્વનાશ જ સર્જાશે. વિશ્વ સરકારની સ્થાપના કરીને જ માનવજાત ઊગરી શકે એમ છે. યુદ્ધને નિર્મૂળ કરવું હોય તો એ વિના છૂટકો નથી. સાચી વિશ્વ-સરકારની સ્થાપનાની સાથે વર્તમાન રાજ્યોના રાષ્ટ્રીય સાર્વભૌમત્યના વિસર્જનનો સવાલ અનિવાર્યપણે સંકળાયેલો છે.
વિશ્વ-સરકારની સ્થાપના કેવી રીતે કરવી એ મહત્ત્વનો સવાલ છે. કેમ કે, રાષ્ટ્રીય સાર્વભૌમત્વનુપં વિસર્જન કરવું સહેલું નથી. મહાત્મા ગાંધી જેવા થોડા રાજદ્ધારી પુરુષો હોય જેઓ કહે છે કે, “આપણા દેશના વતી કોઇ મહાન વસ્તુનો દાવો કરવા હું માગતો નથી. પણ સંપૂર્ણ સ્વતંત્રતા કરતાં અન્યોન્યાશ્રયી વિશ્વ-કુટુંબના કુટુંબી થવાની આપણી તૈયારી જાહેર કરવામાં મને તો મહાન વગર અશક્ય એવું કશું જ દેખાતું નથી...” “પોતાના સ્વાર્થનો ત્યાગ કરવાની ભાવનામાંથી એવું પરિણામ આવવું જોઇએ કે, વ્યક્તિ પોતાની કોમની સેવાને અર્થે સ્વાર્થત્યાગ કરે, કોમ જિલ્લાના હિતને અર્થે પોતાનો સ્વાર્થ છોડે, જિલ્લો પ્રાંતની સેવાને અર્થે પોતાનો સ્વાર્થ જતો કરે, અને પ્રાંત રાષ્ટ્રને અર્થે તથા રાષ્ટ્ર દુનિયાને માટે સ્વાર્થત્યાગ કરે.”
‘રિકન્સ્ટ્રકશન ઓંફ હ્યુમેનિટી’
આર્નોલ્ડ ટૉયન્બી કહે છેઃ “અણુયુગમાં આપણા રાજપુરુષોમાં અશોકે દર્શાવેલી (અહિસાની) ભાવનાની જરૂર છે. આપણને એકતા વિના ચાલી શકે એમ નથી એ ખરું. પણ આ આવશ્યક ઉદ્દેશની સિદ્ધિ માટે બળના માર્ગોનો આશ્રય લેવાથી આપણું કામ ચાલે એમ નથી. માનવજાતની એકતા નિર્માણ કરવા માટે આજે આપણી સમક્ષ બળના પ્રયોગનો નહીં પણ હ્ય્દયપરિવર્તનનો એક માત્ર માર્ગ ખુલ્લો છે. અણુયુગમાં બળનો આશ્રય લેવામાં આવે તો તેનું પરિણામ એકતામાં નહીં પણ આત્મવિનાશમાં જ આવે. સમ્રાટ અશોકે પોતાના જમાનામાં માત્ર અંતરાત્માની પ્રેરણાથી જેનો સ્વીકાર કર્યો હતો તે નીતિનો આશ્રય લેવાની આ યુગમાં ભય તેમ જ અંતરાત્મા બંને ફરજ પાડે છે. આમ વિચારતાં સ્પષ્ટ થાય છે કે, હિંસાનો રસ્તો માનવજાત માટે સદાકાળ બંધ થયો છે. શ્રી ભારતન કુમારપ્પાના ‘વિલેજિઝમ’ નામના અંગ્રેજી પુસ્તકની પ્રસ્તાવનામાં મહાત્મા ગાંધીએ લખ્યું છેઃ “આપણી પેઢીનાં ગયાં બે યુદ્ધોએ આવી અર્થવ્યવસ્થાઓનું સમૂળું દેવાળું સાબિત કર્યું છે. સાથે સાથે યુદ્ધોએ યુદ્ધની જ નાદારી સિદ્ધ કરી છે એમ મને જણાય છે.” શું આપણે એમ કહી શકીએ કે, હવે અહિંસાનો યુગ બેઠો છે ? દુનિયાના ડહાપણડાહ્યા મુત્સદ્દીઓ આજ દિન લગી અહિંસાની હાંસી ઉડાવતા હતા. હવે આજે તેમને જ અહિસાનો અખૂટ ખજાનો ખોજવાવારો આવ્યો છે ! ગાંધીજી માનતા હતા કે, ભારતનું જગતમાં એક વિશિષ્ટ કાર્ય છે. તેેમણે કહ્યું છે કે, “જાગ્રત અને સ્વતંત્ર ભારતે ત્રસ્ત જગતને શાંતિ અને શુભેચ્છાનો સંદેશ આપવાનો છે.” બીજે પ્રસંગે તેમણે કહ્યું છે, “મને મારા અંતરમાં ઊંડે ઊંડે એવી પ્રતીતિ થાય છે કે... જગત યુદ્ધથી અતિશય ત્રાસી ગયું છે અને તેમાંથી નીકળવાનો માર્ગ શોધી રહ્યું છે. મને લાગે છે કે, શાંતિના ભૂખ્યા જગતને માર્ગ બતાવવાનું માન કદાચ હિંદ જેવા પ્રાચીન દેશને ફાળે જશે.” આર્તોલ્ડ ટૉયન્બીના અભિપ્રાય પ્રમાણે “ભારતનો વિશિષ્ટ ફાળો તેની હ્યદયની ઉદારતા અને મનની વિશાળતા હશે. સંયુક્ત માનવજાતને ભારતની આ લાક્ષણિક ભેટ મળી છે એમ પાછળથી ભાવી પઢીઓ સ્વીકારશે એમ હું માનું છું.”
જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય કલહોનું નિરાકરણ લાવવા માટે લશ્કરી બળનો આશ્રય લેવામાં આવશે, ત્યાં સુધી વિશ્વ-સરકાર દ્ધારા શાંતિ સ્થાપવાની વાત હવામાં બાચકા ભરવા જેવી રહેશે. આપણે કાયમી શાંતિ સ્થાપવા ઇચ્છતા હોઇએ તો લશ્કરી બળનો ઉપયોગ તદ્દન રદબાતલ કરવો જોઇએ. નૈતિક તાકાતની પીઠબળવાહી વિશ્વ સરકાર જ કાયમી શાંતિની ખાતીર આપી શકે. નાનાં-મોટાં બધાં ઘટક એકમોની સમાનતા અને બંધુતાના પાયા પર વિશ્વસમૂહતંત્ર રચાય એ વિશ્વશાંતિની દિશામાં મોટું મહત્ત્વનું ચરણ બને. પણ એટલા માત્રથી કાયમી શાંતિ સ્થપાઇ જશે એમ નથી. વિશ્વસરકાર એની બાંયધરી ન આપી શકે, કેમ કે યુદ્ધનાં મૂળ રાષ્ટ્રોની સમાજવ્યવસ્થા અને અર્થવ્યવસ્થામાં પડેલાં હોય છે. જ્યાં સુધી સમાજવ્યવસ્થા અને અર્થવ્યવસ્થામાં આમૂલાગ્ર ક્રાંતિ કરવામાં ન આવે ત્યાં સુધી વિશ્વશાંતિનો આશા આકાશકુસુમવત્ રહે. તેથી વિશ્વસંસ્થાએ સાચી લોકશાહીનો અમલ સુરક્ષિત કરવો જોઇએ અને દરેક પ્રકારનું શોષણ નિર્મૂળ કરવું જોઇએ. નાનાં એકમો સાચી લોકશાહીના અમલ માટે અનુકૂળ છે તથા વ્યક્તિઓના પૂર્ણ વિકાસ માટે તે ક્ષેત્ર પૂરું પાડે છે. જેમ એકમો મોટાં, તેમ તેમાં વ્યક્તિઓની આપસૂઝ અને સ્વતંત્રતાને અવકાશ ઓછો. મોટી વ્યવસ્થાઓ અનેે રચનાઓનું વલણ હમેશાં વ્યક્તિઓને તથા નાના સમૂહોને કચડવા તરફ રહે છે. કારણ કે તેઓ નિયમના જડ પાલનનો આગ્રહ રાખે છે અને સૌને એક બીબામાં ઢાળવા ઇચ્છે છે. તેઓ અંતે વધુ ને વધુ નિષ્પ્રાણ, જડ અને જર્જરિત બને છે. તેથી સ્થાયી વિશ્વાશાંતિ સ્થાપવા માટે વર્તમાન રાજકીય અને આર્થિક વ્યવસ્થાઓને બદલીને તેમને સ્થાને નાનાં વિકેન્દ્રિત એકમો નિર્માણ કરવાનું અનિવાર્ય બને છે. એમ ન બને તો વિશ્વશાંતિનો મૂળ ઉદ્દેશ જ છિન્નભિન્ન થઇ જાય અને વિશ્વસરકારની હસ્તી જોખમમાં આવી પડે અને પરિણામે મોટી વિકટ સમસ્યાઓ ઊભી થાય. આમ, વિકેન્દ્રિત રાજકીય અને આર્થિક એકમો ઉપર અનિવાર્યપણે પસંદગી ઊતરે છે.
માનવજાતનો અનુભવ સાક્ષી પૂરે છે કે, નાનાં એકમોમાં અને વધુ સાદાં સંગઠનોમાં સમૂહજીવન કેન્દ્રિત થયું હોય ત્યારે તે વધુ પ્રાણવાન, વૈવિધ્યશાળી અને ફળદાયી હોય છે. નાનાં એકમોમાં જ જીવનનો ધબકાર વરતાયો છે. મોટા વિસ્તારોમાં લોકજીવનની રચના થાય છે ત્યારે તેમાંથી અસ્મિતા અને સર્જકતા લોપ પામે છે.
પ્રાચીન ગ્રીસનાં નગરરાજ્યો અને ભારતનાં ગ્રામ પ્રજાસત્તાકો સમૃદ્ધ અને પ્રભાવશાળી જીવનના સવાર્ંગી વિકાસનાં ઉદાહરણ છે.
પંડિત જવાહરલાલ નેહરુ લખે છે :
“ગ્રામ સ્વરાજ્યની આ પ્રથા આર્ય રાજકારણના પાયા સમાન હતી. એનાથી જ તેને બળ મળતું રહેતું. આ ગ્રામસભાઓ પોતાની સ્વતંત્રતા માટે એટલી બધી જાગૃતિ અને ચીવટ રાખતી હતી કે ખુદ રાજાની પરવાનગી વિના કોઇ પણ સૈનિક કોઇ પણ ગામમાં દાખલ ન થઇ શકે એવો નિયમ કરવામાં આવ્યો હતો. વળી ‘નીતિસાર’ કહે છે કે, કોઇ પ્રજાજન અમલદાર સામે ફરિયાદ કરે તો ‘રાજાએ અમલદારનો નહીં, પણ પ્રજાજનનો પક્ષ લેવો જોઇએ.’ અને જો કોઇ અમલદાર સામે ઘણા લોકો ફરિયાદ કરે તો તેને બરતરફ કરવો જોઇએ, કેમ કે ‘નીતિસાર’ કહે છે તેમ, ‘અધિકારની મદિરા પીને કોને નશો નથી ચડતો ?’ આ ડહાપણભર્યા શબ્દો છે. આ શબ્દો આપણા દેશમાં જે સંખ્યાબંધ અમલદારો આજે આપણી સાથે પરિવર્તન ચલાવે છે અને ગેરવહીવટ કરે છે તેમને લાગુ પડતા હોય એમ લાગે છે.”
“છેક ૧૮૩૦ની સાલમાં બ્રિટિશ ગવર્નર સર ચાર્લ્સ મૅટકાફ ગ્રામપંચાયતોનું આ પ્રમાણે વર્ણન કરે છેઃ”
‘ગ્રામપંચાયતો નાનાં નાનાં પ્રજાતંત્રો છે; પોતાને જરૂરી લગભગ બધી જ વસ્તુઓ તેમનામાં મોજૂદ છે અને બહારના સંબંધોથી તેઓ લગભગ સ્વતંત્ર છે. જ્યાં બીજી કોઇ વસ્તુ ટકી નથી ત્યાં એ (ગ્રામપંચાયતો) કાયમ ટકી રહેતી હોય એમ જણાય છે. જેમાં હરેક પંચાયત સ્વતઃ એક નાનકડા અલગ રાજય સમાન છે, એવો ગ્રામપંચાયતોનો એ સંઘ તેમની સુખશાંતિ, સ્વાયત્તતા અનેસ્વતંત્રતાના ઉપભોગ માટે ઘણે અંશે ઉપકારક છે.’
“પ્રાચીન ગ્રામવ્યવસ્થાનું આ બ્યાન અતિશય પ્રશંસાભર્યું છે. આપણી આંખો આગળ લગભય કાવ્યમય પરિસ્થિતિનું ચિત્ર ખડું થાય છે. ગામડાંઓને જેટલી સ્થાનિક સ્વતંત્રતા અને સ્વાયત્તતા હતાં, એ બહુ સારી વસ્તુ હતી, એમાં લેશમાત્ર પણ શંકા નથી. વળી એ ઉપરાંત, બીજી પણ સારી વસ્તુઓ એમાં હતી..... (ગ્રામ સ્વરાજ્યનાં) નવરચના અને નવસર્જન કરવાનું કામ આપણે માટે હજી બાકી જ છે.”
ગાંધીજીએ ગ્રામ સ્વરાજ્યના ચિત્રની જે કલ્પના કરી છે તે પ્રાચીન ગ્રામપંચાયતોને પુજર્જીવિત કરવાની નહીં, પણ આધુનિક જગતના સંદર્ભમાં સ્વરાજ્યનાં નાનાં નાનાં સ્વતંત્ર ગ્રામ એકમોના નવસર્જનની છે. ગ્રામ સ્વરાજ એ રાજકારણ, અર્થશાસ્ત્ર અને સમાજકરણનાં ક્ષેત્રોમાં અહિંસાનું પ્રગટ સ્વરૂપ છે.
ગાંધીજીના મત મુજબ આદર્શ સમાજ એ રાજ્યસત્તાવિહીન લોકતંત્ર છે, પ્રબુદ્ધ શાસનમુક્તિની સ્થિતિ છે, જેમાં સમાજજીવન એટલી પરિપૂર્ણતાએ પહોંચે છે કે, તે આત્મનિયંત્રિત હોય છે. “આદર્શ સ્થિતિમાં રાજકીય સત્તા જ નથી હોતી, કારણ કે ત્યાં રાજ્ય જ નથી હોતું.” ગાંધીજી માનતા કે આદર્શની સંપૂર્ણ સિદ્ધિ અશક્ય છે. “યુક્લિડે વ્યાખ્યા કરી છે કે, જેને પહોળાઇ નથી, તે લીટી. પણ એ લીટી આજ સુધી કોઇ દોરી શક્યું નથી, અને હવે પછી પણ કોઇ દોરી શકવાવું નથી છતાં એવી લીટીનો આદર્શ ખ્યાલમાં રાખવાથી જ ભુમિતિના જ્ઞાનમાં પ્રગતિ થઇ શકી છે. એ જ વાત દરેક આદર્શની બાબતમાં સાચી છે.” રાજનીતિના ક્ષેત્રમાં તેમણે આપણને તેમની રાજ્યસત્તાવિહીન લોકશાહીના આદર્શની કલ્પના નજીક પહોંચતું ગ્રામ સ્વરાજ આપ્યું જે ઓછામાં ઓછું શાસન કરે તે સર્વોત્તમ સરકાર એમ ગાંધીજી માનતા. સામ્યવાદી ફિલસૂકી પ્રમાણે આખરી અવસ્થા “રાજ્યનું વિલીનીકરણ” છે. પરંતુ રશિયાના આજના સર્વસત્તાધારી રાજ્ય તરફ જોઇએ છીએ ત્યારે ત્યાં તો આપણે રાજ્યમાં બધી સત્તા કેન્દ્રિત થયેલી દેખાય છે. ત્યાં ક્યારેય પણ રાજ્યસત્તા વિસર્જન પામશે એવું માનવું કઠણ
* ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’
પડે છે. મહાત્માં ગાંધી વ્યવહારુ આદર્શવાદી હતા તેથી તેમણે રાજ્યવિહીન લોકશાહીના આદર્શની ઉપયોગિતા સમજી લીધી અને આપણને ‘ગ્રામ સ્વરાજ’ની કલ્પનાની ભેટ આપી, જે “રાજ્યનું વિકેન્દ્રિકરણ” છે. આમ ગ્રામ સ્વરાજના રૂપમાં એ “રાજ્યના વિલીનીકરણ” ના દૂરના ધ્યેયને બદલે વ્યવહારુ ભૂમિકા ઉપર પ્રાપ્ત આદર્શને સિદ્ધ કરવાનો અમલી કાર્યક્રમ તેમણે આપ્યો છે.
આધુનિક લોકતંત્રો ચૂંટણી-કેન્દ્રી, પક્ષ-પ્રધાન, સત્તાલક્ષી, કેન્દ્રિત જટિલ તંત્રરચનાઓ છે. રાજ્યવ્યવસ્થા મૂડીવાદી, સમાજવાદી કે સમયવાદી હોય, પણ આ હરેક રાજકીય વ્યવસ્થા અતિશય મોટી અને ભારે મથાળાવાળી છે અને તેમાં સત્તાના કેન્દ્રીકરણનો દોષ ઘર કરી બેઠો છે. તેમાં વ્યક્તિઓની કશી ગણના હોતી નથી; ભલે મતદાતાઓ તરીકે તેમને માલિકનું નામ આપવામાં આવતું હોય. મતદારો મુદતે મુદતે થતી ચૂંટણી વખતે મતપત્રકમાં ચોકડી કરવા હાજર થાય છે અને પછી બીજી ચૂંટણી થતાં સુધી ઊંઘી રહે છે. અમુક ઠરાવેલી મુદતમાં ચોકડી કરવાનું હોય છે. તે પણ કેન્દ્રિત પક્ષ પદ્ધતિની સૂચના મુજબ અને કેન્દ્રિત આર્થિક સત્તાઓના મોટે ભાગે હાથરૂપ વર્તમાનપત્રોની ઘડવામાં વ્યક્તિનો ભાગ્યે જ અવાજ હોય છે, બલકે બિલકુલ હોતો નથી. કલ્યાણરાજ્યમાં કે કુલ સરમુખત્યારશાહી શાસનમાં વ્યક્તિ બાપડી, મનુષ્ય રૂપમાં સાર હ્ય્ષ્ટપુષ્ટ, મૂક અને બીજો દોરે એમ દોરાતા પ્રાણી જેવી બની રહે છે.
ગાંધીજી ભારતમાં સાચી લોકશાહી સ્થપાય એમ ઇચ્છતા હતા. તેથી તેમણે કહ્યું, “સાચી લોકશાહી કેન્દ્રમાં બેઠે બેઠે રાજવહીવટ ચલાવનારા વીસ માણસો નથી ચલાવી શકતા. તે ઠેક નીચેથી હરેક ગામના લોકોએ ચલાવવી રહેશે.” ગ્રામ સ્વરાજમાં દરેક ગામડું સર્વ અધિકાર ધરાવતું નાનું વિકેન્દ્રિત રાજકીય એેકમ એકમ છે. તેથી એમાં પ્રત્યેક વ્યક્તિને હાથે પોતાની સરકારનું ઘડતર થાય છે. તે નિયમ પ્રમાણે નક્કી કરવામાં આવેલી ઓછામાં ઓછી ચોક્કસ લાયકાતવાળાં ગામનાં પુખ્ત ઉંમરના સર્વ સ્ત્રી અને પુરુષો દર વર્ષે પાંચ જણની એક પંચાયત ચૂંટી કાઢશે અને તે ગામની સરકાર તરીકે બધાં જાહેર કર્યો કરશે. આ પંચાયતને જરૂરની બધી સત્તા અને અધિકાર આપવામાં આવશે. તેમાં શિક્ષાની કોઇ પદ્ધતિનો અમલ નહીં હોય. તેથી તે પંચાયત જ પોતે ગામની ધારાસભા, ન્યાયાધીશી અને કારોબારી મંડળ બનશે.
આવી રાજ્યવ્યવસ્થામાં જે નાગરિકો હશે તે આત્મનિયંત્રિત હશે સત્તા-નિયંત્રિત નહીં હોય; દરેક વસ્તુ માટે લાચાર બનીને સરકાર સામે મીટ માંડીને બેસી રહેનારા તે નહીં હોય પણ પોતાની આપસૂઝથી કામ કરનારા અને નાગરિક તરીકેની જવાબદારીનું ઊંચું ભાન ધરાવનારા હશે.
સાચી રાજકીય વ્યવસ્થાનું જે અંતિમ ચાલક બળ વ્યકિત છે તેનાં પૂર્ણ સ્વાતંત્રય અને વિકાસ માટે સાચી લોકશાહી હમેશાં કાર્યશીલ હોય છે.
ગાંધીજીની કલ્પનાનું ગ્રામ સ્વરાજ આમ સાચી અને શક્તિશાળી લોકશાહી છે, જેમાં આજની રાજકીય વ્યવસ્થાઓમાં જોવા મળે છે તે બધાં રાજકીય દૂષણોનો રામબાણ ઇલાજ રહેલો છે. આવી સાચી વિકેન્દ્રિત લોકશાહીમાં સમગ્ર માનવજાત માટે આશાનો સંદેશ પડેલો છે.
ગાંધીજીે મન રાજકીય સત્તા એ સાધ્ય નહીં, પણ સાધન માત્ર હતી. વિવિધ ક્ષેત્રોમાં લોકોની ઉન્નતિ સાધી શકાય એ માટે તેઓ સત્તાનો ઉપયોગ કરવા ઇચ્છતા હતા. તેથી તેમના છેલ્લા પ્રસિદ્ધ વસિયતનામામાં તેમણે કહ્યું કે, હિંદે જોકે રાજકીય સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે, પણ તેણે “શહેરો તથા કસબાઓથી ભિન્ન એવાં તેનાં સાત લાખ ગામડાંઓની દૃષ્ટિથી હિંદની સામાજિક, નૈતિક અને આર્થિક સ્વતંત્રતા સિદ્ધ કરવાની હજી બાકી છે.” તે વસિયતનામામાં તેમણે ગ્રામ સ્વરાજ અથવા પંચાયતરાજ એટલે કે સંપૂર્ણ રાજકીય સત્તા ધરાવતા અહિંસક સ્વાવલંબી આર્થિક એકમની રૂપરેખા અને તે સિદ્ધ કરવાનો કાર્યક્રમ આપ્યાં. ગાંધીજીની કલ્પનાનું ગ્રામ સ્વરાજ પશ્ચિમની જેમ સંપત્તિકેન્દ્રી અર્થરચના નથી, પણ માનવ કેન્દ્રી અર્થવ્યવસ્થા જીવનને પોષનારી છે.
ગાંધીજીના સ્વપ્નની ગ્રામવ્યવસ્થામાં સ્વાભાવિક રીતે જ ગ્રામસેવકનું સ્થાન ચાવીરૂપ છે. તેનાં કર્તવ્યોનું નિરૂપણ કરતાં તેઓ કહે છે કે, ગ્રામસેવક ખેતી તેમ જ ગૃહઉદ્યોગો દ્ધારા ગામડાંઓ સ્વયંપૂર્ણ બને એ રીતે તેમને સંગઠિત કરશે, ગ્રામવાસીઓને સફાઇ તેમ જ આરોગ્યનું શિક્ષણ આપશે અને તેમનાં માંદગી અને રોગો અટકાવવાના બધા ઉપાયો લેશે અને નઇ તાલીમને ધોરણે જન્મથી પર્યંતની સઘળા ગ્રામવાસીઓની કેળવણીનો પ્રબંધ કરશે.
જગતના જે રાજનીતિઓ વિશ્વશાંતિ માટે ઉત્સુક હોય તેઓ ટોચથી તળિયે જવાની યોજના કરવાનો વિચાર કરે, જ્યારે ગાંધીજીએ પાયાથી શરૂ કરી તે ઉપર ચણતર કરવાનું ધાર્યું. તેથી તેમણે કહ્યું : “સ્વતંત્રતાની શરૂઆત પાયામાંથી થાય, એટલે કે હિંદુસ્તાનનું એકેએક ગામ રાજ્યઅમલની પૂરેપૂરી સત્તા ધરાવનારું પ્રજાસત્તાક અથવા પંચાયત હોય. એનો અર્થ એ થયો કે, દરેક ગામ પોતાની તાકાત પર નભતું હોય, પોતાનો કુલ વહેવાર ચલાવવાને અને જરૂર પડે તો આખી દુનિયાની સામે પોતાનું રક્ષણ કરી લેવાને સમર્થ હોય. બહારથી આવતા કોઇ પણ પ્રકારના હુમલાની સામે પોતાનું રક્ષણ કરવાની તેને કેળવણી મળી હોય અને તે રક્ષણ પ્રયાસમાં ખપી જવાની તેની તૈયારી હોય, આમ સરવાળે જુઓ, તો રાજ્યનો પાયાનો ઘટક વ્યક્તિ બને છે.” ગાંધીજીને મન “સ્વરાજ એટલે સરકાર પરદેશી હોય કે દેશની. જો લોકો જીવનની દરેક વિગતના નિયમન માટે સ્વરાજ સરકાર તરફ જોશે તો તે સ્વરાજમાં ઝાઝો સાર નહીં હોય.” ગ્રામ સ્વરાજમાં અંતિમ સત્તા વ્યક્તિની હશે. તેણે ‘ગ્રામ સ્વરાજન’નું સંપૂર્ણ ચિત્ર પ્રત્યક્ષ કરવું હશે તો તેણે પોતે પ્રથમ પોતાનામાં ‘સ્વરાજ પ્રાપ્ત કરવું જોઇએ. યથા પિંડે તથા બ્રહ્માંડે, એ સનાતન સત્ય મૂજબ ગ્રામ સ્વરાજમાં તેના ઘટક એવા પ્રજાજનો પોતાના નિત્યજીવનમાં સ્વરાજની ભાવનાનું આચરણ કરતા હશે તે જ પ્રગટ થશે. તેની ગ્રામસેવકે ખરી કેળવણી ઉપર પોતાનું ધ્યાન એકત્રિત કરવું જોઇએ. ખરી કેળવણી એટલે મસ્તિષ્ક, હ્ય્દય અને હાથની શક્તિઓનો સુસંવાદી વિકાસ. નઇ તાલીમ એ ગાંધીજીની તપસ્યાનું ફળ છે. ગાંધીજી મનુષ્યની પાયાની વિવિધ શક્તિઓના સુસંવાદી પૂર્ણ વિકાસની મૂર્તિ હતા; દહેધારી પૂર્ણચેતના હતા. પાયાની કેળવણી જે હાથઉદ્યોગ વાટે બાળકનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક દૃષ્ટએ સર્વાંગી વિકાસ કરવા ઇચ્છે છે તેની આખી યોજનામાં અહિંસાનો આત્મા ઓતપ્રોત થયેલો છે આ યોજના પ્રમાણે જેમને કેળવણી મળી એવા નાગરિકો ગ્રામ સ્વરાજ નિર્માણ કરવમાં મૂળ મૂડીનું કામ આપે’
‘ગ્રામ સ્વરાજ’ માનવકેન્દ્રી, શોષણમુક્ત, વિકેન્દ્રિત, સાદી અર્થવ્યવસ્થા છે. તેમાં દરેક નાગરિકને પૂરી રોજગારી આપવાનો પ્રબંધ હોય. તેનું કામ ઐચ્છિક સહકારની ભૂમિકા પર ચાલતુ હોય. અન્નવસ્ત્ર અને બીજી પાયાની જરૂરિયાતોની બાબતમાં તે આત્મનિર્ભર થવા પ્રયત્નશીલ હોય.
આધુનિક અર્થવ્યવસ્થાઓ ભોગવિલાસ, ભૌતિક જરૂરિયાતની વુદ્ધિ અને નીતિશાસ્ત્ર તથા અર્થકારણ વચ્ચેના વિચ્છેદના પાયા પર ઊભેલી હોવાથી તે મોટા પાયા પરનાં યાંત્રિક, કેન્દ્રિત અને જટિલ સંગઠનો બની બેઠી છે. બેકારી, અર્ધ-બેકારી, ગરિબાઇ, શોષણ, બજારો કબજે કરવાની તથા કાચા માલ માટે મુલકો જીતવાની ગાંડી હરીફાઇનાં દૂષણો એમને વળેગલાં છે. સ્પર્ધા, સંઘર્ષ અને વર્ગવિગ્રહથી સમાજનો જીવનતંતુ ખવાઇ જાય છે. તેમાં વ્યક્તિની ગુલામી રહી છે, માણસને યંત્રના મોંમાં કોળિયો મૂકનાર હાથ તરીકે લેખવામાં આવે છે. યંત્રનો જાણે કે એ માત્ર બહારનો ભાગ ન હોય એવો એને મૂકે છે. આત્માને હણી નાખતા એકધારા કામને લીધે તેની સૂક્ષ્મ સંવેદનાઓ તે ખોઇ બેસે છે. પરિણામે કારખાનાના કંટાળાજનક કામના કષ્ટની તાણ હળવી કરવા માટે તે નીતિનાશક, સિનેમાઘરો, દારૂની દુકાનો અને ગણિકાઘરો તરફ દોડે છે. સમાજ ગરીબ અને તવંગર, સુખસગવડ ભોગવનારા અને અગવડ વેઠનારા એવા બે ભાગમાં વહેંચાઇ જાય છે. આજે જોવા મળે છે એટલી માત્રામાં આર્થિક વિષમતા અગાઉ કદી નહોતી. આજે એક બાજુએ કરોડપતિ શ્રીમંતો મોજશોખ અને આનંદપ્રમોદ કરે છે અને હેતુવિહીન જીવન ગાળે છે, બીજી બાજુએ સખત મહેનત કરનાર મજૂરને હાડચામ ભેગાં રાખવા પેટપૂર ખાવા પણ ભાગ્યે મળે છે. હુન્નરકળાની દૃષ્ટિએ ઘણા આગળ વધેલા એવા ઇંગ્લૅન્ડ અને અમેરિકા જેવા દેશોને પણ હજુ બેકારીનો સવાલ ઉકેલવાનો બાકી છે. ભારતમાં તો આ સવાલની માત્રા અનેકગણી વધી જાય છે. કારણે કે અહીં અનાદિ કાળથી મુખ્યત્વે ખેતી પર જીવનારાં સાત લાખ છૂટાંછવાયાં ગામડાંમાં વિસ્તરેલી કરોડોની સંખ્યાની રોજગારી સમસ્યા છે.
ગ્રામ સ્વરાજ એ ભારતની ભૂખથી પીડાતી કરોડોની જનતા સાથે હ્ય્દયની એકતા સાધીને તેનાં સુખદુઃખ સાથે એકરૂપ થવાની જીવન સાધનાના ફળરૂપે મહાત્મા ગાંધીને લાધેલી જડીબુટ્ટી છે. તેમાં ભારતના જ નહીં પણ સમગ્ર જગતના, જેના ઇતિહાસમાં ખેડૂતવર્ગનું હમેશાં સર્વત્ર શોષણ થયું છે અને તે હંમેશાં ભૂખમરાનો ભોગ બનતો આવ્યો છે તેના રોગનું અચૂક ઔષધ સમાયું છે.
પંડિત નેહરુને તા. ૫-૧૦-’૪૫ને રોજ પત્રમાં ગાંધીજીએ લખ્યું હતું :
“હું માનું છું કે હિંદુસ્તાને અને તેની મારફત દુનિયાએ પણ સાચી સ્વતંત્રતા મેળવવી હોય તો આજે નહીં તો કાલે ગામડાંમાં જ રહેવું પડશે; ઝૂંપડીમાં રહેવું પડશે, મહેલોમાં નહીં કહજો માણસો શહેરોમાં અને મહેલોમાં સુખશાંતિથી કદી નહીં રહી શકે; ન એકબીજાનું ખૂન કરીને એટલે કે હિંસાથી, ન જૂઠથી એટલે કે અસત્યથી રહી શકે. એ જોડી (એટલે સત્ય અને અહિંસા) વિના માણસજાતનો વિનાશ જ છે એમાં મને લેશ પણ શંકા નથી. એ સત્ય અને અહિંસાનાં દર્શન આપણે ગામડાંની સાદાઇમાં જ કરી શકીએ છીએ. એ સાદાઇ રેંટિયામાં અને તેમાં જે જે વસ્તુ સમાઇ જાય છે તેમાં રહેલી છે. દુનિયા ઊલટી બાજુ જતી દેખાય છે એથી હું ડરતો નથી, એમ તો જ્યારે પતંગિયું પોતાના વિનાશ તરફ જાય છે ત્યારે સૌથી વધારે નાચે છે અને એમ કરતાં બળી જાય છે. એમ બને કે હિંદુસ્તાન એ પતંગનૃત્યમાંથી ન બચી શકે. મારો ધર્મ છેલ્લા શ્વાસ સુધી એને એની મારફત જગતને બચાવવાની કોશિશ કરવાનો છે.”
“મારા કહેવાનો સાર એ છે કે મનુષ્યના જીવન માટે જે આવશ્યક ચીજો છે એના પર એનો પોતાનો કાબૂ હોવો જ જોઇએ. ન હોય તો વ્યક્તિ બચી જ ન શકે. છેવટે તો જગત વ્યક્તિઓનું જ બનેલું છે. જો બિંદુ નથી તો સાગર નથી. આ તો મેં દેખીતી વાત જ કહી, કંઇ નવું નથી કહ્યું.”
આમ ગાંધીજી જીવનમાં સાદાઇ અને ઐચ્છિક ગરીબાઇનો આગ્રહ રાખતા. એનો અર્થ એ નથી કે, માણસને જીવનને જરૂરી સગવડો ન મળવી જોઇએ. તેમણે કહ્યું કે દરેક માણસને યુક્તાહાર, આવશ્યક વસ્ત્ર અને આશ્રય મળવાં જોઇએ. તેઓ માનતા કે દરેક જીવંત પ્રાણીને આજીવિકાનો અધિકાર છે. તેમણે એક જગ્યાએ કહ્યું છે : “હિંદની બલકે આખા જગતની આર્થિક રચના એવી હોવી જોઇએ કે જેથી કોઇને પણ અન્નવસ્ત્રનો અભાવ વેઠવો ન પડે, એટલે કે બધાને પોતાના નિભાવ પૂરતો ઉદ્યમ મળી રહે અને એવી સ્થિતિ આખા જગતને માટે આપણે ઇચ્છતા હોઇએ તો અન્નવસ્ત્રાદિ પેદા કરવાનાં સાધનો દરેક માણસની પોતાની પાસે રહેવાં જોઇએ. તેમાંથી એકને ભોગે બીજાએ ધનસંપત્તિનો લોભ મુદ્દલ રાખવો ન જોઇએ. જેમ હવા અને પાણી ઉપર સૌને સરખો હક છે અથવા હોવો જોઇએ તેમ જ અન્નવસ્ત્રનું હોવું જોઇએ. તેનો ઇજારો કોઇ એક દેશ, પ્રજા અથવા પેઢીની પાસે હોય એ ન્યાય નહીં, અન્યાય છે. આ સરળ સિદ્ધાંતનો અમલ અને ઘણી વેળા વિચારમાંયે સ્વીકાર નથી થતો તેથી આ અભાગી દેશમાં જગતમાંના ત્રીજા ભાગોમાં પણ ભૂખનું દુઃખ જોવા મળે છે. ”
જેમાં બધા નાગરિકોને પૂરી રોજગારી મળી રહે એવી અહિંસક અર્થરચના નિર્માણ કરવા માટે તેમણે ઉદ્યોગવાદ, કેન્દ્રિત ઉદ્યોગો અને અનાવશ્યક યંત્રોનો છેદ ઉડાડી દીધો. તેમનો મત હતો કે શહેરો માત્ર ગામડાંના લોકોનું લોહી ચૂસીને જીવનારાં છે. તેમણે શહેરોને દેશના સમાજદેહ પરનાં ગૂમડાં પણ કહ્યાં છે, તેમણે સૂચવ્યું છે કે, ભાવિ વિશ્વવ્યવસ્થાની આશા ગામડાં એટલે કે નાનાં શાંતિમય સહકારી એકમોમાં રહી છે; જ્યાં કશી જબરદસ્તી કે બળનો ઉપયોગ થતો નથી, પણ જ્યાં સઘળી પ્રવૃત્તિ ઐચ્છિક સહકારની ભૂમિકા પર ચાલે છે. ગ્રામ સ્વરાજની સમગ્ર ઇમારતમાં પ્રેમનું સામ્રાજ્ય હોય, તેથી તેમાં ન કોઇ ઊંચ હોય ન કોઇ નીચ હોય, સૌ એકસરખા હોય, તેમાં ન હોય જ્ઞાતિઓના વાડા કે ન હોય વર્ગના ભાગલા; તેમાં ન હોય અસ્પૃશ્યતા કે ન હોય હિંદુૃ-મુસ્લિમના કલહો. તેમાં સૌ કોઇ પોતાની સ્વાભાવિક ઉચ્ચતા અને સ્થાન પર પહોંચ્યા હશે.
ગ્રામ સ્વરાજ જ્ચારે સોળે કળાએ ખીલી ઊઠશે ત્યારે તેની સુવાસ જગતમાં ચોમેર ફેલાશે અને જગતને અનુકરણીય આદર્શ મળશે. ત્યારે જગતની સેવામાં ભારત પોતાની પુષ્પાંજલિ અર્પણ કરશે. તે વખતે જગતનાં સ્વશાસન કરતાં ગ્રામએકમો મળીને એક ઉચ્ચ સંસ્કાર સંપન્ન, બુદ્ધિમાન અને પરાક્રમી સ્ત્રી અને પુરુષોનું ચૈતન્યપૂર્મણ ભ્રાતૃમંડળ બનશે. આવા સમાજમાં જીવવું એ પણ શિક્ષણ અને જીવનકૃતાર્થતા હશે. એમાં જીવન એટલે વ્યક્તિની બધી શક્તિઓની પૂર્ણ અભિવ્યક્તિ અને પરસ્પરઆદરની અને પરસ્પર સેવાનાં કૃત્યો દ્ધારા પ્રેમની ભાવનાનો વિનિમય હશે. સંસ્કૃતિ, કળા, કાવ્ય, ચિત્રકળા અને વિજ્ઞાન સૌ તેમાં પરિપૂર્ણતા પ્રાપ્ત કરશે. તે પૃથ્વી પર પ્રભૂનું પ્રત્યક્ષ રાજય હશે.
ગ્રામ સ્વરાજમાં બાપુએ આવું અદ્ભુત સ્વપ્ન નિહાળ્યું છે. તેમાં આવી ઊંચી શક્યતા છૂપી પડી છે તેને બહાર લાવવાનું અને પ્રત્યક્ષ કરવાનું આપણું સૌનું કાર્ય છે. આપણે ભારતવાસીઓ જેઓ રાષ્ટ્રપિતાના વારસદારો છીએ, જેમણે તેમની પાસેથી મસૃદ્ધ અને અમર વારસો મેળવ્યો છે તેમણે રાષ્ટ્રપિતાનું આ સ્વપ્ન પરિપૂર્ણ કરવાનું રહે છે.
તેથી વર્તમાન રાજ્ય સરકારોએ વધુ સત્તાવાળી ગ્રામપંચાયતોની સ્થાપના કરતા કાયદાઓ ઘડ્યા છે એ યોગ્ય કદમ ભર્યું છે. આપણે આશા રાખીએ કે, ગ્રામ પંચાયતો ગાંધીજીએ આલેખેલા ગ્રામ સ્વરાજના ચિત્રને પોતાની નજર સામે રાખશે અને તેમણે ચીંધેલા માર્ગે કામ કરશે.
ગાંધીજીએ જે ભાવનાથી ગ્રામ સ્વરાજની કલ્પના કરી છે તે ભાવના આચરણમાં ઉતારીને ગ્રામ સ્વરાજનો અમલ કરવો જોઇએ. ગ્રામપંચાયતોનો કારભાર જવાબદારી જેમને વહન કરવાની આવશે તેમનામાં નિઃસ્વાર્થ સેવાવૃત્તિનો અને નાતજાત, ધર્મપંથ, પક્ષ-વિપક્ષની વાડોથી પર ઊઠનાર પ્રેમભાવનો અભાવ હશે તો ગ્રામસ્વરાજનાં મીઠાં ફળની ગાંધીજીએ જે અપેક્ષા રાખી છે તે અધૂરી રહેશે.
ગ્રામ વ્યવસ્થાઓ સંબંધમાં પંડિત નેહરુના શબ્દો યાદ કરી લેવા જરૂરી છે : “કોઇ એક વ્યકિત સમૂહ જેટલે અંશે પોતપોતાનામાં જ મશગૂલ રહે તેટલે અંશે તે સ્વરત, સ્વાર્થી અને સંકુચિત મનનો થવાનો સંભવ રહે છે.” આપણાં ગામડાંઓ અત્યારે સામાજિક ઝઘડા, ન્યાતજાતવાદ અને સંકુચિતતાના દોષોથી પીડાય છે. ગ્રામપંચાયતોને યશસ્વી બનાવવાનું કાર્ય સરળ નથી, પણ ઘણું વિકટ છે. ગ્રામપ્રદેશના અગ્રણીઓમાં તે માટે ખરો મિશનરી જુસ્સો જોઇશે. આ પ્રાચીન ભૂમિ અપેક્ષા પ્રમાણે ઊંચે ઊઠે, ભારતનું મિશન પરિપૂર્ણ કરે અને જગતની સેવા માટે કાર્ય કરીને ખરા યશની ભાગીદાર બને !
મહાત્મા ગાંધીએ ‘નવજીવન’, ‘હરિજનબંધુ’ ઇ૦ સાપ્તાહિકો અને પુસ્તકોમાં વખતોવખત જુદા જુદા વિષયો પર પોતાના વિચારો વ્યકત કર્યા છે. તેમાંથી ‘ગ્રામ સ્વરાજ’ને લગતાં લખાણો એકત્રિત કરીને આ સંગ્રહ તૈયાર કરવામાં આવ્યો છે. બને ત્યાં સુધી વિચારો એકબીજા સાથે સંકળાયેલા રહે એ રીતે ફકરાઓ ક્રમબદ્ધ કરવાની કોશિશ કરવામાં આવી છે. સામાન્ય વાચકને તથા ગ્રામપંચાયતોને આ પુસ્તક ઉપયોગી થશે એવી આશા છે. શ્રી શ્રીમન્નારાયણે આ સંગ્રહનું આમુખ લખી આપ્યું છે તે માટે તેમનો આભાર માનું છું.
૨૧-૩’૬૩
હરિપ્રસાદ વ્યાસ
********
૧
સ્વરાજનો અર્થ
સ્વરાજ એ પવિત્ર શબ્દ છે, વેદકાળ જેટલો પ્રાચીન છે, અને એનો અર્થ પોતાનું નિયમન, પોતાનો અંકુશ એવો છે. ‘ઇન્ડિપેન્ડન્સ’ નો અર્થ જેમ કેટલીક વાર સંપૂર્ણ નિરંકુશતા થાય એવું ‘સ્વરાજ’ નું નથી.૧
જેમ દરેક દેશ ખાવાપીવાને અને શ્વાસ લેવાને લાયક છે તે જ પ્રમાણે દરેક રાષ્ટ્રને પોતાનો વહીવટ ચલાવવાનો અધિકાર છે, પછી ભલે તે ગમે એટલો ખરાબ વહીવટ ચલાવે.૨
પોતાનાં નામે મતદાર તરીકે નોંધવી આવવાની તસ્દી લેનાર તથા અંગમહેનત કરી રાજ્યને પોતાની સેવા આપનાર દરેક જણ, મરદ અથવા ઓરત, અસલ વતની અથવા હિંદુસ્તાનને પોતાનો દેશ કરી અહીં વસેલા, મોટી ઉંમરના વધારેમાં વધારે લોકોના મતો વડે મેળવેલી હિંદુસ્તાનની સંમતિથી થતું શાસન એટલે સ્વરાજ... . વળી કેટલાક લોકો અધિકારની લગામ મેળવી લે તેથી નહીં પણ બધા લોકો એ અધિકારના દુરુપયોગની સામે થવાની શક્તિ સમાનપણે મેળવ્યાથી જ ખરું સ્વરાજ મળવાનું છે... .બીજા શબ્દોમાં કહું તો સામાન્ય વર્ગને રાજ્યાધિકારીઓનાં મર્યાદામાં રાખવાની તથા તેમના ઉપર પોતાનો અંકુશ રાખવાની શક્તિનું પૂરેપૂરું ભાન કરાવવાથી સ્વરાજ મળી શકે તેમ છે.૩
રાજપ્રકરણી આઝાદી એ પણ હિંદુસ્તાની હોય, એ યુરોપીય નમૂનો ન હોય, અંગ્રેજી પાર્લમેન્ટ કે સોવિયેટ રશિયા કે ઇટાલીનો નમૂનો હું કેમ લઉં ? મારી રાજકીય આઝાદી આ જાતની ન હોય. એ તો હિંદુસ્તાનની ભૂમિને ભાવે એવી હશે. આપણે ત્યાં સ્ટેટ તો હશે પણ કારભાર કેવા પ્રકારનો હશે એ હુંં આજે ન બતાવી શકું... મારી કલ્પના પ્રમાણે તો એમાં ઉમરાવ અને ગરીબ બંને એક ઝંડાની સલામી કરે છે. પંચ કહે તે પરમેશ્વર. એટલે આપણે ત્યાંના ભલા માણસ, હિંદુસ્તાનને જાણવાવાળ કરોડો માણસો જે માગે તેવું તંત્ર આપણને જોઇએ. એ રાજકીય આઝાદી. એમાં એક આદમીનું નહીં, પણ સૌનું રાજ્ય હશે.૪
સ્વરાજ માત્રનો આધાર સર્વાંશે આપણી પોતાની જ આંતરિક શક્તિ પર છે, ભારેમાં ભારે સંકટો સામે લડી પાર ઊતરવાની આપણી તાકાત પર છે. ખરું જોતાં જ સ્વરાજને મેળવવામાં અને ટકાવવામાં એવા પુરુષાર્થની જરૂર નથી તેને સ્વરાજ જ નહી શકાય. તેથી મેં વાણીથી તેમ જ કર્મથી બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે રાજકીય સ્વરાજ - એટલે કે સ્ત્રીપુરુષોની મોટી સંખ્યાનું સ્વરાજ એ વ્યક્તિગત સ્વરાજ કરતાં જરાયે જુદી વસ્તુ નથી, અને તેથી વ્યક્તિગત સ્વરાજને માટે જે સાધનોની જરૂર છે તે જ સાધનોથી આ રાજકીય સ્વરાજ પણ મેળવવાનું છે.૫
સ્વરાજ એટલે સરકારના અંકુશમાંથી મુકત થવાનો સતત પ્રયાસ; પછી ભલે તે સરકાર પરદેશી હોય કે દેશની. જો લોકો જીવનની દરેક વિગતના નિયમન માટે સ્વરાજ સરકાર તરફ જોશે તો તે સ્વરાજમાં ઝાઝો સાર નહીં હોય.૬
મારું સ્વરાજ આપણી સંસ્કૃતિનો આત્મા અમર રાખવામાં રહેલું છે. હું અનેક નવી વસ્તુઓ લખવા માગું છું પણ તે હિંદી ધરતી ઉપર જ લખાવી જોઇશે. પશ્ચિમની પાસેથી લીધેલી વસ્તુ ઘટતા વ્યાજ સાથે હું પાછી શકીશ ત્યારે પશ્ચિમની પાસે કરજ લેતાં હું નહીં અચકાઉં.૭
સ્વરાજ ત્યાં જ જાળવી શકાય કે ક્યાં ઘણાં માણસો સાચાં ને
સ્વદેશાભિમાની એટલે પ્રજાના હિતમાં પોતાનું હિત સમજનારાં હોય ને થોડાં જ લાલચુ, સ્વાર્થી ને અપ્રામાણિક હોય. સ્વરાજનો એક અર્થ તો એ છે કે ‘ઘણાનું રાજ્ય’. એ ઘણા જો અનીતિમાન અથવા સ્વાર્થી હોય તો રાજ્યમાં અંધાધૂંધી જ હોય એ ચોખ્ખું છે.૮
મારા... આપણા સ્વપ્નના સ્વરાજમાં જાતી કે ધર્મના ભેદભાવને સ્થાન નથી. તેમ જ તે ભણેલાનો કે ધનિકનો ઇજારો નહીં હોય. સ્વરાજ બધાને માટે હશે. બધામાં ખેડૂતોનો અને ખાસ કરીને લૂલાલંગડા, આંધળા, અને ભૂખે મરતા કરોડો મહેનતુ લોકોનો સમાવેશ થઇ જાય છે.૯
કહેવાય છે કે હિંદુસ્તાનમાં જ્યારે સ્વરાજ આવશે ત્યારે જે કોમની સંખ્યા મોટી હશે તે કોમનું રાજ થશે. આના કરતાં મોટી ભૂલ બીજી કઇ હોઇ શકે ? જો આ વાત સાચી હોય આજે મારામાં એટલી શક્તિ છે કે હું એકલો એ રાજ્ય સામે લડું. એ રાજ્યને હું તો સ્વરાજ ન જ કહું. મારું હિંદ સ્વરાજ એટલે સૌનું રાજ્ય છે, ન્યાયનું રાજ્ય છે.૧૦
જો સ્વરાજ આપણી સભ્યતાનેસ્વચ્છ અને સ્થાયી કરવાને માટે ન હોય તો તે નકામું છે. આપણી સભ્યતાનો અર્થ કે નીતિને વ્યવહારમાત્રમાં - ધર્મ, રાજ્ય, સમાજ, તમામ વ્યવહારમાં - સર્વોપરી સ્થાન આપવામાં આવે છે.૧૧
પૂર્ણ સ્વરાજ... ‘પૂર્ણ’ એટલા માટે કે જાતિ, ધર્મ કે દરજ્જાના કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર એ જેટલું રાજા માટે તેટલું જ ખેડૂત માટે, જેટલું ધનિક જમીનદાર માટે તેટલું જ ભૂમિહીન ખેડૂત માટે, જેટલું હિંદુ માટે, તેટલું જ મુસલમાન માટે, જેટલું પારસી અને જૈન માટે, તેટલું જ યહૂદી અને શીખ માટે છે.૧૨
સ્વરાજ શબ્દનો અર્થ પોતે તથા એને સિદ્ધ કરવા માટેનાં સાધનો - સત્ય અને અહિંસા - જેના પાલન માટે આપણે પ્રતિજ્ઞા - બદ્ધ છીએ તે બધું - સ્વરાજ કોઇને માટે ઓછું તો કોઇને માટે વધારે, અમુકને માટે લાભદાયી અને બીજાને માટે નુકસાનકારક હોવાની બધી શક્યતાઓને અસંભવ બનાવી દે છે. ૧૩
મારા સ્વપ્નનું સ્વરાજ એ ગરીબનું સ્વરાજ છે. રાજા અને ધનિક વર્ગ જીવનની જે જરૂરિયાતોનો ઉપયોગ કરે છે, તે તમને પણ સુલભ હોવી જોઇએ. પણ એનો અર્થ એવો નથી કે તેઓની માફક તમારે પણ મહેલો હોવા જોઇએ. સુખને માટે તેની જરૂર નથી. તમે કે હું એમાં ભૂલા પડીએ. પણ તમને ધનિક ભોગવતો હોય એવી જીવનની બધી સામાન્ય સગવડો મળવી જોઇએ. એ બાબતમાં મને સહેજ પણ શંકા નથી જે જ્યાં સુધી સ્વરાજમાં આ સગવડો ની ખાતરી આપવામાં નથી આવતી ત્યાં સુધી એ પૂર્ણ સ્વરાજ નથી.૧૪
મારી કલ્પનાનું પૂર્ણ સ્વરાજ એકલવાયું સ્વાતંત્રય નથી પણ નીરોગી અને પ્રતિષ્ઠિત સ્વાતંત્રય છે, મારો રાષ્ટ્રવાદ ઉગ્ર છે છતાં એકલપેટો નથી, કોઇ પણ પ્રજા કે વ્યક્તિને હાનિ કરવાનો તેનો ઉદ્દેશ નથી. કાયદાનાં સૂત્રો જેટલાં કાયદાનાં નથી તેટલાં સદાચારનાં સૂત્રો છે. ‘તારા પડોશીની મિલકતને હાનિ ન પહોંચે એવી રીતે તારી મિલકત ભોગવે,’ એ સૂત્રના સનાતન સત્ય પર મારો વિશ્વાસ છે.૧૫
સત્ય અને અહિંસા વડે સંપૂર્ણ સ્વતંત્રતાની સિદ્ધિ એટલે ન્યાયજાત, વર્ગ કે ધર્મના ભેદ વિના રાષ્ટ્રના એકેએક ઘટકની, અને તેમાંયે તેના રંકમાં રંક ઘટકની સ્વતંત્રતાની સિદ્ધિ. આવી સ્વતંત્રતામાંથી કોઇનેયે અળગા રાખવાપણું ન હોય. અને તેથી રાષ્ટ્રની બહાર બીજાં રાષ્ટ્રો સાથેના અને પ્રજાની અંદર તેના જુદા જુદા વર્ગોના પરસ્પરાવલંબન સાથે એ સ્વતંત્રતાનો પૂરેપૂરો મેળ હશે. અલબત, જેમ આપણે દોરેલી કોઇ પણ લીટી યુક્લિડની તાત્ત્વિક વ્યાખ્યાની લીટીના કરતાં અધૂરી હોય તેમ તાત્ત્વિક સિદ્ધાન્તના કરતાં તેનો વહેવારમાં અમલ અધૂરો રહે છે. તેથી જેટલા પ્રમાણંમાં આપણે સત્ય ને અહિંસાનો વહેવારમાં અમલ કરીશું તેટલા જ પ્રમાણમાં આપણે મેળવેલી સ્વતંત્રતા સંપૂર્ણ હશે. ૧૬
એ બધાનો આધાર આપણે પૂર્ણ સ્વરાજનો શો અર્થ કરીએ છીએ અને તેની મારફતે શું સિદ્ધ કરવા માગીએ છીએ તેના પર છે. આપણે જો પૂર્ણ સ્વરાજનો અર્થ આમજનતાની જાગૃતિ અને તેનામાં તેમના સાચા હિતની સમજ અને તે હિતને માટે આખી દુનિયા સામે ઊભા રહેવાની શક્તિ એવો કરતા હોઇએ તથા પૂર્ણ સ્વરાજ દ્ધારા સંપ, અંદરના કે બહારના આક્રમણથી મુક્તિ, અને આમજનતાની આર્થિક હાલતમાં ઉત્તરોત્તર સુધારો ચાહતા હોઇએ, તો આપણે આપણું ધ્યેય રાજકીય સત્તા વગર અને ચાલુ સત્તા પર સીધો પ્રભાવ પાડીને હાંસલ કરી શકીએ. ૧૭
સ્વરાજ, પૂર્ણ સ્વરાજ કે આઝાદી એટલે આપણા ઉપર કોઇ પરદેશી સલ્તનત રાજ ન કરે. એ આઝાદી ચારે બાજુની હોવી જોઇએ : ૧. એમાં અર્થસિદ્ધિ હોવી જોઇએ. ૨. બીજી રાજ્યપ્રકરણી આઝાદી. ૩. સ્વરાજનો ત્રીજો ભાગ નૈતિક કે સામાજિક સ્વાતંત્રયનો છે. ૪. ચોથો ખૂણો ધર્મનો છે. તેમાં હિંદુ ધર્મ, ઇસ્લામ, ખ્રિસ્તીધર્મ વગેરેનો સમાવેશ થાય છે. છતાં તે બધાથી શ્રેષ્ઠ છે... આપણું સ્વરાજ ચતુષ્કોણ હોય... ચારે ખુણાને આપણે બરોબર સંભાળવાના છે એને કોઇ કાનસ લગાવીને ઘસી નાખી નહીં શકે. એ તો સૌ ૯૦ અંશના કાટખૂણાઓ છે. એ ચાર ખૂણાઓનું બનેલુંં જે રાજ્ય તેને સ્વરાજ કહો; હું એને રામરાજ્ય કહું. ૧૮
મારી કલ્પનાનું સ્વરાજ ત્યારે જ આવશે જ્યારે આપણે સૌ દૃઢપણે માનીશું કે એકમાત્ર સત્યઅહિંસા થકી જ સ્વરાજ મેળવાય, ચલાવાય અને નભાવાય. ખરા આમવર્ગનું પ્રજાતંત્ર ખોટાં અને હિંસક સાધનોથી કદી ન મળે. કારણ તેમાં દબાવીને અગર તો મારી નાખીને બધા વિરોધીઓના નાશને સ્વાભાવિક પરિણામ તરીકે સ્વીકારવો પડે. એમાંથી વ્યક્તિની મુક્તિ ન જ ફળે. વ્યકિતગત નિર્ભળ અહિંસામાંથી જ પરિણમે. ૧૯
અહિંસક સ્વરાજમાં લોકોએ પોતાના હક જાળવવાપણું નથી હોતું. પણ પોતાના ધર્મ જાણવા પાળવાપણું અવશ્ય હોય છે. કોઇ ફરજ એવી નથી કે જેને છેડે કંઇક હક ન હોય. અને ખરા હક કે અધિકાર એ કેજ ે કેવળ પાળેલા ધર્મમાંથી ઉત્પન્ન થાય છે. જે સેવાધર્મ પાળે છે તેને જ શહેરીના ખરા હક મળે છે, ને તે જ તેને જીરવી શકે છે. જૂઠૂું બોલવાનો, મારપીટ કરવાનો અધિકાર તો સહુને છે, પણ તે અધિકારનો અમલ કરતાં અમલ કરનારને તેમ જ સમાજને નુકસાન થાય છે. પણ જે જૂઠું ન બોલવાનો એટલે સત્યનો ને મારપીટ ન કરવાનો એટલે અહિંસાનો ધર્મ પાળે છે તેને જે પ્રતિષ્ઠા મળે છે તે તેને ઘણા અધિકાર અપાવે છે. અને તેવા માણસ પોતાના અધિકારને પણ સેવા સારુ વાપરે છે, સ્વાર્થ સારુ કદી નહીં.
પ્રજાનું સ્વરાજ એટલે પ્રત્યેક વ્યક્તિના સ્વરાજમાંથી ઉત્પન્ન થયેલું પ્રજાસત્તાક રાજય. આવું રાજ્ય એ કેવળ પ્રત્યેક વ્યક્તિના શહેરી તરીકેના ધર્મના પાલનમાંથી જ ઉત્પન્ન થાય છે. આ સ્વરાજમાં કોઇને પોતાના અધિકારનો ખ્યાલ સરખોય નથી હોતો. અધિકાર આવશ્યક હોય ત્યારે એની મેળે દોડી આવે છે.૨૦
અહિંસક સ્વરાજમાં કોઇ કોઇના દુશ્મન ન હોય. બધા પોતપોતાનો ફાળે ભરે. કોઇ નિરક્ષર ન હોય. ઉત્તરોત્તર તેનું જ્ઞાન વધતું જાય. આવી પ્રજામાં રોગ ઓછામાં ઓછા હોય. કંગાલ કોઇ હોય નહીં. મહેનત કરનારને મહેનત મળતી હોય. તેમાં જુગાર, મદ્યાપન, વ્યભિચાર ન હોય; વર્ગવિગ્રહ ન હોય. ધનિક પોતાનું ધન વિવેકસર વાપરે, ભોગવિલાસ વધારવામાં કે અતિશય રાખવામાં નહીં. મૂઠીભર ધનિક મીનાકારીના મહેલમાં રહે અને હજારો કે લાખો લોક હવાઅજવાળું ન હોય એવાં અંધારિયામાં રહે એમ ન હોય... કોઇના વાજબી હક ઉપર અહિંસક સ્વરાજમાં કોઇ તરાપ ન મારી શકે. એથી ઊલટું કોઇ ગેરવાજબી હક પણ ન ભોગવી શકે. જ્યાં તંત્ર વ્યવસ્થિત છે ત્યાં ગેરવાજબી હક પણ ન ભોગવી શકે. ગેરવાજબી હક ભોગવનારની સામે હિંસાનો ઉપયોગ કરવાપણું નથી રહેતું.