૨
આદર્શ સમાજનું ચિત્ર
(નવી દિલ્હીમાં, ભંગી કૉલોનીમાં સાંજની પ્રાર્થનામાં એક દિવસે ગાવામાં આવેલા ભજનમાં ગાંધીજીએ તેમના આઝાદ હિંદનું ચિત્ર તેના મહત્ત્વના અંશોમાં મૂર્ત થતું ભાળ્યું. એ ચિત્ર તેમના ચિત્તમાં ચોેંટી ગયું. તેમણે તેનો અનુવાદ અંગ્રેજીમાં કર્યો અને તે લૉર્ડ પૅથિક લૉરેન્સને મોકલી આપ્યો. એ ભજન આ પ્રમાણે છે)
(હિન્દ)
(જે ઉદ્ભવ્યું એ, તેમના સ્વપ્નના હિંદનું ચિત્ર હતું.)
એ જ્ઞાતિવિહીન અને વર્ગવિહીન સમાજનું, જેમાં ઊર્ઘ્વગામી (વર્ટિકલ) વિભાગો બિલકુલ ન હોય, પણ સમાન્તર (હોરિઝોન્ટલ) વિભાગો હોય તથા જેમાં કોઇ ઊચુંં કે કોઇ નીચું ન હોય, એવા સમાજનું ચિત્ર હતું. એમાં બધી સેવાઓનો દરજ્જો સમાન હશે. તથા તેને માટે એકસરખું વેતન મળતું હશે, જેમની પાસે વધારે હશે તેઓ પોતાના એ લાભનો ઉપયોગ પોતાને માટે નહીં કરે, પણ જેમની પાસે ઓછું હોય તેમની સેવા માટે ટ્રસ્ટ તરીકે કરશે. ધંધોરોજગાર પસંદ કરવા પાછળનો આશય, અંગત બઢતી નહીં પણ સમાજની સેવા દ્ધારા આત્મ-અભિવ્યક્તિ અને આત્મસાક્ષાત્કાર હશે.
એવા સમાજમાં બધી સેવાઓનો દરજ્જો તથા તેને માટે મળતું વેતન સરખાં હશે. એટલે, વંશપરંપરાથી ઊતરી આવેલાં કળા કૌશલ્યનો, અંગત ફાયદાને લોભે ભોગ આપવાને બદલે તે પેઢી દર પેઢી સાચવી રાખવામાં આવશે તેમ જ વિકસાવવામાં આવશે. બેલગામ અને હૈયાસૂની હરીફાઇનું સ્થાન સમાજની સેવાનો સિદ્ધાંત લેશે. દરેક જણ મહેનત મજૂરી કરતો હશે, પરંતુ કેળવણી અને સંસ્કારિતા માટે તેને પૂરતી નવરાશ, તક અને સગવડો મળી રહેશે. ગૃહઉદ્યોગની તતા નાના પાયા પરની સઘન ખેતીની સહકારી મંડળીઓની એ અદ્ભુત દુનિયા હશે અને તેમાં કોમવાદ અથવા જ્ઞાતિઓને કશું પણ સ્થાન નહીં હોય. છેલ્લે, એ સ્વદેશીની દુનિયા હશે, જેમાં આર્થિક સીમાઓ બહુ નજીક નજીક આવેલી હસે, પરંતુ વ્યક્તિસ્વાતંત્ર્યના ક્ષેત્રની સીમા વધારેમાં વધારે વિસ્તારવામાં આવી હશે; પ્રત્યેક વ્યક્તિ પોતાની સાવ નજીકની વસ્તુસ્થિતિ માટે જવાબદાર હશે અને સઘળી વ્યક્તિઓ સમાજ માટે જવાબદાર હશે. હકો તથા ફરજોનું નિયમન પરસ્પરાવલંબન તથા અન્યોન્યાશ્રયના સિદ્ધાંત દ્ધારાં કરવામાં આવતું હશે. સમગ્ર વસ્તુ અને તેનાં અંગ વચ્ચે ઘર્ષણ નહીં હોય, રાષ્ટ્રવાદ સંકુચિત, સ્વાર્થી કે આક્રમણકારી થવાનો અથવા આંતરરાષ્ટ્રીયવાદ, જેના ગગનવિહારના ઘૂમસમાં નક્કર વસ્તુ ખોવાઇ જાય. એવી કેવળ તાત્ત્વિક કલ્પના બની જવાનો કશો પણ ભય નહીં હોય.૨
તેમાં કોઇ ગરીબ નહી હોય, ભિખારી નહીં હોય; કોઇ ઊંચો નહીં હોય ને કોઇ નીચો નહીં હોય; કોઇ તેમાં કારખાનાનો કરોડાધિપતિ માલિક નહીં હોય, ને કોઇ અંધે પેટે કામ કરનારો મજૂર નહીં હોય; નહીં તેમાં દારૂ જોવાને મળે, નહીં બીજી કેફી ચીજો જોવાની જડે; તેમાં સૌ રાજીખુશીથી મને અભિમાનથી પોતાનો રોટલો કમાવાને અંગમહેનત કરતાં હશે; એ સ્વર્ગમાં જેવો પુરુષોનો દરજ્જો હશે ને તેમનાં માનઆબરૂ હશે તેવાં જ સ્ત્રીઓનાં હશે; એમાં સ્ત્રી અને પુરુષ બન્નેની પવિત્રતાની પૂરતી સંભાળ રાખવામાં આવતી હશે. ઉંમર પ્રમાણે હરેક સ્ત્રીને એમાં વસતા હરેક ધર્મને અનુસરનારા પુરુષો પોતાની મા, બહેન અગર દીકરી ગણશે; એ દેશમાં અસ્પૃશ્યતા નહીં હોય ને સર્વ ધર્મોનો સરખો આદર રાખવામાં આવશે. જે કોઇ આ બધું સાભળે અગર વાંચે તે સૌ સૂર્યના જીવનદાયી તડકામાં પડ્યો પડ્યો હું આ કાલ્પનિક ચિત્રના આનંદની લહેરમાં ઘસડાયો તે માટે મને માફ કરે. ૩