૮
સમાનતા
સમાજની મારી કલ્પના એ છે કે આપણે બધા સરખા જન્મેલા છીએ, એટલે કે આપણનેસરખી તક મેળવવાનો અધિકાર છે, છતાં સૌની શક્તિ સરખી નથી. એ વસ્તુ સ્વભાવતઃ જ અશક્ય છે. દાખલા તરીકે સૌની ઉંચાઇ, રંગ કે બુદ્ધિ સરખી ન હોઇ શકે. એટલે કુદરતી રીતે કેટલાકની શક્તિ વધારે કમાવાની હશે અને કેટલાકની ઓછું કમાવાની. બુદ્ધિશાળી માણસોની હશે અને તેઓ પોતાની બુદ્ધિનો એ માટે ઉપયોગ કરશે. તેઓ જો રહેમ રાખીને બુદ્ધિ વાપરશે તો તેઓ રાષ્ટ્રની સેવા કરશે. એવા લોકો રક્ષક તરીકે જ રહી શકે, બીજી કોઇ રીતે નહીં. હું બુદ્ધિશાળી માણસને વધારે કમાવા દઉં. હું તેની બુદ્ધિના વિકાસને રોકું નહીં. પણ જેમ બાપના બધા કમાતા દીકરાની આવક કુટુંબના સહિયારા ખાતામાં જમા થાય છે તેમ એમની વધારે કમાણીનો મોટો ભાગ રાષ્ટ્રના હિત માટે વપરાવો જોઇએ. તેઓ પોતાની કમાણી રક્ષક તરીકે જ રાખી શકે.૧
આર્થિક સમાનતા એટલે જગતના બધા મનુષ્યો પાસે એકસરખી સંપત્તિ હોવાપણું, એટલે કે સહુની પાસે પોતાની કુદરતી આવશ્યકતા પૂરતી સંપત્તિનું હોવું. કુદરતે જ એક માણસને નાજુક હોજરી આપી હોય ને તે પાંચ તોલા આટો જ ખાઇ શકે અને બીજાને વીસ તોલા જોઇએ, તો બંનેને પોતોપાતાની હોજરી પ્રમાણે આટો મળવો જોઇએ. બધા સમાજનું ઘડતર આ આદર્શને અવલંબીને થવું જોઇએ. અહિંસક સમાજને બીજો આદર્શ ન પાલવે. છેક આદર્શને આપણે કદી નહીં પહોંચીએ. પણ એને નજરમાં રાખીને આપણે બંધારણો રચીએ ને વ્યવસ્થા કરીએ. જેટલે અંશે આપણે આદર્શને પહોંચીએ એટલે જ અંશે આપણે સુખ અને સંતોષ પામીએ, એટલે જ અંશે આપણે સામાજિક અહિંસા સિદ્ધ કરી કહેવાય.૨
આવકની સમાનતા
તમારી બુદ્ધિને પૈસામાં વટાવવાને બદલે તેને દેશસેવામાં વાપરો. તમે ડોકટર હો તો તમારી બધી ડોંકટરી આવડત ખપી જાય એટલા રોગો હિંદુસ્તાનમાં ભરેલા છે. તમે વકીલ હો તો હિંદુસ્તાનમાં રગડા-ઝઘડા ઓછા નથી. એમાં ઘી હોમવાને બદલે તમે એ ઝઘડા સાંધો અને લોકોને અદાલતમાં જતા રોકો. તમે ઇજનેર હો તો આપણા લોકોની સંપત્તિ અને હાજતોને બંધબેસતા અને છતાં આરોગ્યદાયી અને સ્વચ્છ હવાવાળઆં નમૂનેદાર ઘરો બાંધો. તમે શીખ્યા હો એવી કોઇ વસ્તુ નથી જેનો ઉપયોગ દેશસેવામાં ન થઇ શકે. (જે મિત્રે આ સવાલ પૂછેલો તેઓ હિસાબનીસ હતા.) મહાસભા અને તેના સહાયક મંડળોના હિસાબો તપાસવાને ઠેરઠેર હિસાબનીસોની અતિશય જરૂર છે. હિંદુસ્તાન આવો, હું તમને પૂરતું કામ આપીશ, અને રોજનું ચાર આનાનું મહેનતાણું પણ ્આપીશ. હિંદુસ્તાનમાં કરોડો લોકોને મળે છે તેના કરતાં આ રોજી ઘણી વધારે છે.૩
વકીલાત કરવાનો અર્થ, ગામડાનો સુતાર કે એવો કારીગર પોતાના મહેનતાણા દાખલ જે રોજી લે તેના કરતાં વધુ કમાણી કરવાનો ન જ હોવો જોઇએ.
હિંદુસ્તાનને બીજા લોકોને ધડો લેવા જેવું ને દુનિયાને આરત થાય એવું સ્વતંત્રતાનું આદર્શ જીવન ગાળવું હશે તો બધા ભંગીઓને દાક્તરોને, વકીલોને, શિક્ષકોને, વેપારીઓને અને બીજાઓને એક દિવસની પ્રામાણિક મજૂરીના બદલામાં સરખો પગાર, વેતન અથવા મજૂરી મળવી જોઇશે. એ વિષે મારા મનમાં રજભાર શંકા નથી. હિંદી સમાજ એ ધ્યેયને પૂરપૂરું સિદ્ધ ન કરી શકે એમ બને. પણ હિંદુસ્તાનને સુખની ભૂમિ બનાવવી હોય તો સૌ કોઇએ બીજા કોઇ નહીં પણે એ જ એક ધ્યેય તરફ નજર રાખીને કૂચ કરવી જોઇએ.