ગ્રામ સ્વરાજ - 10 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આશાબા

    સુરજ આજે અસ્તાચળ પર હતો છતાં પણ કાઈક અલગજ રોશની ફેકી રહ્યો હ...

  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

શ્રેણી
શેયર કરો

ગ્રામ સ્વરાજ - 10

૧૦

સ્વદેશીભાવના

સ્વદેશી આપણામાં રહેલી તે ભાવના છે કે જે આપણને આપણી પાસેની પરિસ્થિતિનો ઉપયોગ કરવા અને તેની સેવા કરવા તથા દૂરની પરિસ્થિતિ નો ત્યાગ કરવા પ્રેરે છે. દાખલા તરીકે, મારામાં સ્વદેશીભાવના હોય તો ધર્મના વિષયમાં, મારે મારા બાપદાદાના ધર્મને જ વળગી રહેવું જોઇએ. તેમ કરવાથી હું મારી નિકટની ધાર્મિક પરિસ્થિતિનો ઉપયોગ કરું છું. જો મને તેમાં ખામી જણાય, તો તે દૂર કરીને મારે તેની સેવા કરવી જોઇએ.રાજકીય વિષયમાં મારે દેશી સંસ્થાઓનો જ ઉપયોગ લેવો જોઇએ, અને તેની પુરવાર થયેલી ખામીઓ કાઢી નાખીને મારે તેની સેવા કરવી જોઇએ. આર્થિક વિષયમાં મારે મારી પાસે વસનારાઓએ ઉત્પન્ન કરેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઇએ, અને જે ઉદ્યોગમાં ન્યૂનતા જણાય તે દૂર કરી તેને પગભર કરી મારે તેની સેવા કરવી જોઇએ. એમ કહેવામાં આવ્યું છે કે, જો સ્વદેશીભાવના અનુસાર આચરણ કરવામાં આવે, તો સત્યયુગ જલદી આવે... .

સ્વદેશીના ઉપર વર્ણવેલાં ત્રણ ક્ષેત્રોનો આપણે ટૂંકમાં વિચાર કરીશું. હિંદુ ધર્મ પરંપરાને જાળવી રાખે છે, તેથી કરી તે જબરદસ્તી સત્તાવાળો થયો છે. આમ થવાનું કારણ એ છે કે તેના મૂળમાં સ્વદેશીભાવના રહેલી છે. તે અત્યંત સહિષ્ણુ છે, કારણ કે તે કોઇ પાસે ધર્મની ફેરબદલી કરાવતો નથી, અને જેમ તેનો વિકાસ ભૂતકાળમાં થતો જણાયો છે તેમ આજે પણ થઇ શકે છે. કેટલાક ખોટી રીતે માને છે તેમ, હિંદુ ધર્મે બૌદ્ધ ધર્મને હાંકી કાઢયો નથી, પરંતુ તેણે તે ધર્મને પોતામાં જ મેળવી દીધો છે. સ્વદેશીભાવનાને લઇને હિંદુ પોતાનો ધર્મ બદલવા ના પાડે છે. તેમ કરવામાં તેની એવી કંઇ ખાસ માન્યતા હોતી નથી કે હિંદુ ધર્મ સર્વોત્તમ ધર્મ છે : પરંતુ, તે જાણે છે કે તે પોતે તેમાં સુધારા દાખલ કરીને તેને ન્યૂનતારહિત બનાવી શકે છે. આ જે હિંદુ ધર્મ વિષે કહ્યું છે તે, હું માનું છું કે, જગતના બીજા મોટા ધર્મોને પણ લાગુ પડે છે. છતાં, એટલું તો ખરું કે, હિંદુ ધર્મની બાબતમાં આમ ખાસ કરીને છે. જે કહેવાને હું મથી રહ્યો છું તે હવે હું જણાવી શકીશ. હિંદમાંની મોટી ધર્મપ્રચારક સંસ્થાઓએ હિંદ માટે જે કંઇ કર્યું છે અને કરે છે તે વાસ્તે હિંદ તેનો બહુ ઋણી છે. પરંતુ, જે મેં કહ્યું છે તેમાં કંઇ સાર હોય તો, આ સંસ્થાઓ ધર્માંતર કરાવવાની પ્રવૃત્તિ છોડી દઇ માત્ર પરોપકારી કર્યો ચાલુ રાખે, તો શું તેઓ વધારે સારી રીતે ન કરી શકે ?... .

સ્વદેશીભાવનાનું પાલન કરતો હોવાથી હું દેશી સંસ્થાઓ ઉપર મારું લક્ષ આપું છું; એટલે હું ગ્રામપંચાયતોને જ વળગી રહું છું હિંદ ખરેખર એક પ્રજાસત્તાક દેશ છે, અને તેને લઇને જ તે અત્યાર સુધી તેના પર કરવામાં આવેલ દરેક પ્રહાર સામે ટકી શક્યું છે. રાજા અને અમીરો, પછી તેઓ હિંદી હો કે પરદેશી હો, તેઓ માત્ર કર ઉઘરાવવાના પ્રસંગ ઉપર વિશાળ જનસમૂહના સંબંધમાં આવતા; અન્યથા તેવું ભાગ્યે જ બનતું. પ્રજા પણ રાજાને રાજાનો ભાગ આપી છૂટતી, અને પછી પોતાની રુચિમાં આવેતેનું ઘણુંયે કરતી. જ્ઞાતિનું વિસ્તૃત બંધારણ પ્રજાની ધાર્મિક જરૂરિયાતો પૂરી પાડતું એટલું જ નહીં, પરંતુ તેની રાજકીય આવશ્યકતાને પણ પહોંચી વળતું. ગ્રામજનો ગ્રામવ્યવહાર જ્ઞાતિબંધારણ દ્ધારા ચલાવતા; અને તેનાથી જ તેઓ રાજ્યસત્તાના જુલમની સામે થતા. જે પ્રજા જ્ઞાતિવ્યવસ્થા કરવાની અદ્‌ભુત શક્તિ નથી એમ કહેવું અધટિત છે. ગયે વર્ષે હરદ્ધારમાં ભરાયેલા મોટા કુંભમેળામાં કોઇ ગયું હતે તો તેને જણાતે કે જે વ્યવસ્થાને લીધે દશ લાખ કરતાં પણ વધારે યાત્રાળુઓને, કોઇ પણ દેખીતા પ્રયત્ન વિના, ખોરાક પૂરો પાડવાનું કામ બની શક્યું હતું, તેવી વ્યવસ્થા રચવામાં કેટલી બધી ચતુરાઇ વાપરવામાં આવી હશે. છતાં અમારામાં પ્રકારની કેળવણી મળી છે, તેઓ માટે આમ કહેવું, મને લાગે છે કે, અમુક અંશે વાજબી છે.

સ્વદેશીભાવનાના ત્યાગથી અમને બહુ હાનિ પહોંચી છે; અમે કેળવાયેલા લઇને અમારે ભારે મુશ્કેલી વચ્ચે કામ કરવું પડ્યું છે. અમે કેળવાયેલા વર્ગે અમારું શિક્ષણ વિદેશી ભાષા મારફત લીધું છે. પરિણામે અમારા જનસમૂહ ઉપર અસર કરી શક્યા નથી. અમે જનસમૂહના પ્રતિનિધિ થવા ઇચ્છિએ છીએ, પરંતુ તેમાં અમે નિષ્ફળ નીવડીએ છીએ. લોકો અંગ્રેજી અમલદારોની જેટલી કદર કરે છે તેના કરતાં અમારી કદર વધારે કરતા નથી. આ બેમાંથી એકે વર્ગ તેઓના અંતરપટ ઉપર સંસ્કાર પાડી શકતો નથી. તેઓની અભિલાષાઓ અમારી અભિલાષા નથી. એટલે અમારી વચ્ચે અંતરાય પડ્યો છે. ખરી રીતે જોતાં તમને જણાશે કે, અમારામાં વ્યવસ્થા કરવાની શક્તિ નથી એમ નથી. પરંતુ પ્રતિનિધિઓ અને જેઓના અમે પ્રતિનિધિ થવા ઇચ્છીએ છીએ તેઓ બંને વચ્ચે સંબંધ નથી. છેલ્લાં પચાસ વર્ષ દરમ્યાન અમને અમારી માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવ્યું હોત, તોઅમારા વડીલોને, અમારા નોકર-ચાકરોને, અમારા પાડોશીઓને અમારા જ્ઞાનનો લાભ મળ્યો હોત. બોઝ (જગદીશચંદ્ર) અને રાય (પ્રફુલ્લચંદ્ર) જેવાની શોધો રામાયણ અને મહાભારતની પેઠે ઘરઘરનો ખજાનો થઇ પડી હોત. અત્યારે તો, તે શોધો પરદેશીઓએ કરેલી શોધો જેટલી જ લોકોને અજાણી છે. વિષયમાત્રનું શિક્ષણ માતૃભાષા દ્ધારા આપવામાં આવ્યું હોત, તો હું એમ કહેવા હિંમત કરું છું કે, તેનો વિકાસ આશ્ચર્યકારક રીતે થયો હોત : ગ્રામસુખાકારી અને એવા બીજા પ્રશ્નનો નિવેડો કયારનો આવી ગયો હોત; ગ્રામપંચાયતો અત્યારે વિશેષ રીતે જીવંત સંસ્થાઓ બની હોત; અને હિંદ અત્યારે પોતાની પરિસ્થિતિનેઅનુકૂળ એવું સ્વરાજ ભોગવી રહ્યું હોત, અથવા તો ભોગવવાની તૈયારીમાં હોત; અને તેની પવિત્ર ભૂમિ ઉપર યોજનાપૂર્વક થતી ખુનામરકી જોવાનો શરમાવનાર પ્રસંગ આવ્યો ન હોત. ભૂલ સુધારવા માટે હજી પણ મોડું થયું નથી.

હવે હું સ્વદેશીની છેલ્લો ભાગ હાથ ધરું છું. આર્થિક અને ઔદ્યોગિક જીવનમાં સ્વદેશીનો ત્યાગ કરવાથી દેશને હાનિપહોંચી છે. લોકોની અત્યંત ગરીબાઇ તેને આભારી છે. હિંદની બહારની એક પણ જણસ વ્યાપાર અર્થે અહીં લાવવામાં આવી ન હોત, તો હિંદ આજે દહીંદુધથી છલકાવી ભૂમિ થઇ રહી હોત. પરંતુ તેવું ભાગ્ય જ ન હતું; આપણે લોભી બન્યા હતા. ઇંગ્લંડનું પણ તેમ જ હતું. ઇંગ્લંડે હિંદ સાથે સંબંધ દેખીતી રીતે કુદૃષ્ટિથી બાંધ્યો હતો; પરંતુ હવે સંબંધ ચાલુ રાખવામાં તેની દૃષ્ટી તેવી નથી રહી. તેણે પોતાની નીતિ જાહેર કરી છે કે, હિંદીઓના હિત માટે જ તે હિંદને સંભાળે છે. જો આ ખરું હોય, તો લૅંકેશાયરને વચ્ચેથી ખસી જવામાં કંઇ નુકસાન નહીં થાય, જોકે ક્ષણભર તો તેને ધક્કો પહોંચવા જેવું લાગશે. વેર લેવાના ભાવથી ઉપાડવામાં આવેલી બૉયકોટની ચળવળ જેવી સ્વદેશીની ચળવળ હું લેખતો નથી. હું તો તેને સૌ કોઇને પાળવાના ધાર્મિક નિયમ તરીકે માનું છું. હું અર્થશાસ્ત્રી નથી; પણ મેં એવા કેટલાક ગ્રંથો વાંચ્યા છે, કે જેના ઉપરથી મને જણાય છે કે, ઇંગ્લંડ પોતાને જોઇતી બધી વસ્તુ ઉપજાવીને પોતાનું પોષણ કરી શકે એમ છે. આ વાત સાવ હસી કાઢવા જેવા લાગશે. અને તેમાં સત્ય ન હોઇ શકે એનો સૌથી સરસ પુરાવો આ આપવામાં આવશે કે, દુનિયાના સૌથી મોટા આયાત કરનારા દેશો માંહેનો તે એક છે. પરંતુ હિંદ પોતાનો નિભાવ ન કરી શકે ત્યાં સુધી તેને માટે લૅંકેશાયર કે પછી બીજા કોઇ દેશની ઉપાધિ કરવી શક્ય નથી. અને પોતાની હદમાં જ પોતાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે જોઇતી દરેક વસ્તુ તે પેદા કરે, અને તેમ કરવામાં આવે તેને મદદ કરવામાં આવે તો જ હિંદ પોતાનો નિભાવ કરી શકે. ગાંડી અને નાશકારક હરીફાઇ, જે અંદર અંદર લડાવી મારે છે, જે ખાર અને બીજા અનેક દોષોને પોષે છે, તેના વમળમાં હિંદને પડવાની જરૂર નથી, હિંદ પડવું નહીં જોઇએ. પરંતુ, તેના મોટા કરોડાધિપતિઓને દુનિયાની સાથે હરિફાઇમાં ઊતરતાં કોણ રોકી શકશે ? ખચીત કાયદાથી તેમ થઇ શકશે નહીં. છતાં પ્રજામતનું દબાણ અને યોગ્ય શિક્ષણ મનમાનતું ઘણંયે કરી શકે એમ છે. સાળનો ઉદ્યોગ મરવા પડ્યો છે. ગયે વર્ષે મારી મુસાફરી દરમ્યાન જેટલા બને તેટલા વણકરોને મળવા મેં ખાસ પ્રયત્ન કર્યો હતો. તેઓની સંખ્યામાં ઘટાડો થતો જોઇ તથા એક પછી એક કુટુંબને એક વખત આબાદી ભોગવતા આબરૂદાર ધંધામાથીં ફારગ થતા જોઇ, મારું હૈયું પીડાયું હતું.

આપણે સ્વદેશી સિદ્ધાંતોનું પાલન કરતા હોઇએ, તો તમારી અને મારી આ ફરજ છે કે, આપણી જરૂરિયાતો પૂરી પાડી શકે એવા પાડોશીઓ શોધી કાઢવા જોઇએ. તથા જેઓને તે કામ કરતાં નથી આવડતું તેઓને તે શિખવાડવું જોઇએ. આમ કહેવા ટાણે, હું એમ માની લઉં છું કે, આપણા કેટલાક એવા પાડોશીઓ છે કે જેઓ ઉપયોગી ધંધાની શોધમાંછે. આમ થશે ત્યારે જ હિંદનું દરેક ગામડું પોષણ અને રક્ષણ માટે પોતા ઉપર જ આધાર રાખતું બનશે, અને જે વસ્તુની સ્થાનિક પેદાશ નહીં જ હોય તેવી જ જણસોની આયાત તથા નિકાસ કરશે. આ બધામાં તમને ઘેલછા જણાશે. ગમે તે હો, પણ હિંદ તો ઘેલો દેશ છે. કોઇ મયાળુ મુસલમાન પીવા માટે ચોખ્ખું પાણી આપવા તૈયાર હોય, તોયે તે ન લેતાં તરસ વેઠી પોતાનું ગળું સૂકવી નાખવું. એ ગાંડાઇ છે. છતાં હજારો હિંદુઓ મુસલમાનના ઘરનું પાણી પીવા કરતાં તરસથી મરી જવું પસંદ કરે છે. આ જ ઘેલા માણસને જો એક વખત એવી ખાતરી થઇ જાય કે, તેઓનો ધર્મ માત્ર હિંદમાં જ બનેલાં કપડાં પહેરવાનો અને હિંદમાં જ ઉત્પન્ન થયેલો ખોરાક લેવાનો છે, તો પછી તેઓ બીજાં કોઇ કપડાં પહેરવાને અથવા બીજો કોઇ ખોરાક લેવાને લલચાશે નહીં.

ભગવદ્‌ગીતામાં એક એવો શ્લોક છે કે, જેનું તાત્પર્ય આ છે, કે લોક શિષ્ટોને પગલે ચાલે છે. પ્રજાનો વિચારશીલ વર્ગ સ્વદેશીવ્રત અંગીકાર કરે, - જોકે તેમ કરવા જતાં તેને થોડોક વખત ઘણી અગવડ વેઠવી પડે એમ છે, - તો આ દોષ દૂર કરવો સહેલો છે. જીવનની કોઇ પણ પ્રવૃત્તિમાં કાયદો વચ્ચે પડે એ મને ઇષ્ટ નથી. કાયદો ગમે તેવો હોય, તોપણ તે એક પ્રકારનું અનિષ્ટ જ છે. તેમ છતાં, પરદેશી માલ ઉપર કડક આયાતવેરો નાખવામાં આવે, તો હું તેને ચલાવી લઇશ, બલકે વધાવી લઇશ, તેનો બચાવ કરીશ. નાતાલના બ્રિટિશ સંસ્થાને, મોરિશિયસ નામના બીજા બ્રિટિશ સંસ્થાનમાંથી આવતી ખાંડ ઉપર જકાત નાખી પોતાના ખાંડના ઉદ્યોગનું રક્ષણ કર્યું હતું. હિંદનો વ્યાપાર હિંદની મરજી ઉપરાંત અરક્ષિત રાખી ઇંગ્લંડે હિંદના વ્યાપાર હિંદની મરજી ઉપરાંત અરક્ષિત રાખી ઇંગ્લંડે હિંદના સંબંધમાં પાપ કર્યું છે. તેમ કરવામાં વખતે તેને અમૃત મળ્યું હસે, પરંતુ આ દેશને તો તે ઝેરરૂપ થઇ પડ્યું છે.

ઘણી વાર એમ કહેવામાં આવ્યું છે કે, આર્થિક જીવનમાં તો હિંદ સ્વદેશીનો સ્વીકાર કરી શકે એમ નથી. જેઓ તરફથી આ વાંધો રજૂ કરવામાં આવે છે, તેઓ સ્વદેશીને જીવનના એક નિયમ તરીકે નથી ગણતા. તેઓની નજરે આ કેવળ દેશાભિમાનથી પ્રેરાયેલો પ્રયત્ન છે, અને તેમાં કોઇ પણ જાતનો આત્મત્યાગ કરવો પડે, તો તે છોડી દેવો જેવો છે. આગળ આપવામાં આવેલાં લક્ષણ પ્રમાણે, સ્વદેશી એક ધાર્મિક નિયમ છે, અને કદી કોઇ વ્યકિતને શારીરિક અગવડ વેઠવી પડે. તોપણ તેનો વિચાર કર્યા વિના તેનું પાલન કરવાનું છે. અને તેમ કરવા જતાં, એક સોય કે ટાંકણી વાપરવી છોડી દેવી પડે, - કારણ કે આ વસ્તુઓ હિંદમાં નથી બનતી, - તો તેથી આપણને મૂંઝવણ થવી ન જોઇએ. સ્વદેશી વ્રત પાળનાર સેંકડો જણસો, જે આજે તેને જરૂરની જણાય છે, તે વિના ચલાવી લેતાં શીખે છે. વળી, સ્વદેશી ધર્મ પાળવો શક્ય નથી એવી દલીલ કરી જેઓ સ્વદેશી છોડી દે છે તેઓ ભૂલી જાય ચે કે, સ્વદેશી તો એક લક્ષ્ય છે જેની પ્રાપ્તિ માટે એકસરખો પ્રયત્ન કરવાનો છે. આપણા દેશમાં મળી શકતી ન હોય એવી વસ્તુઓ માટે હાલ તુરત તો છૂટ મૂકી, અમુક નક્કિ કરેલી વસ્તુઓના સંબંધમાં આપણે સ્વદેશીનું પાલન કરીશું, તોપણ આપણે આપણા લક્ષ્ય ભણી જતાં થઇશું.

સ્વદેશી સામે રજૂ કરવામાં આવતા વાંધાઓમાં હવે એક જ વાંધાનો વિચાર કરવો બાકી છે. વિરોધીઓ તેને એક અતિ સ્વાર્થિ નિયમ તરીકે ગણે છે, અને કહે છે કે, તેને માટે ચડિયાતા નીતિશાસ્ત્રમાં પ્રમાણ નથી. તેઓના મતે તો, સ્વદેશીનું પાલન કરવું એ જંગલી દશા પાછી સ્વીકારવા સમાન છે. હું આ દલીલનું વિસ્તારથી પૃથક્કરણ કરવા નથી ઇચ્છતો. છતાં હું એટલું જણાવીશ કે, સ્વદેશીએ એક જ એવો સિદ્ધાંત છે કે, જે નમ્રતા અને પ્રેમને અનુકૂળ છે. હું મારા કુટુંબની ભાગ્યે જ સેવા કરી શકતો હોઉં, તેવે વખતે આખા હિંદની સેવા કરવા બહાર પડવા વિચાર કરવો એ મદ જ કહેવાય. હું મારા કુટુંબને જ મારા પ્રયત્નનું લક્ષ્ય બનાવું, અને તેમ કરીને હું એમ માનું કે હું આખા રાષ્ટ્રની સેવા કરું છું, બલકે આખી માણસજાતની સેવા કરું છું, તો તે વધારે સારું કહેવાય. આમાં જ નમ્રતા છે, આમાં જ પ્રેમ છે. કર્મના સારાસારનો નિર્ણય વૃત્તિ ઉપરથી કરાય છે. બીજાઓને હું પીડા કરતો હોઉં છતાં, તે ઉપર ધ્યાન આપ્યા વિના, મારા કુટુંબની સેવા કરવી મારે માટે શક્ય છે. જેમ કે, હું એક એવું કામ લઉં કે જેને લઇ હું લોકો પાસેથી પૈસા કઢાવી શકું, અને તેમ કરી હું પૈસાદાર બનું અને પછી કુટુંબની કે નથી કરતો પૂરી પાડું. આમ કરવાથી હું નથી સેવા કરતો કુટુંબની કે નથી કરતો રાજ્યની. અથવા, હું એમ માનું કે મારા તથા જેઓ મારા ઉપર આધાર રાખે છે તેઓના ભરણપોષમ માટે કામ કરવા વાસ્તે જ ઇશ્વરે મને હાથપગ આપ્યા છે, તો પછી હું મારું તથા જેઓ ઉપર હું સીધી અસર કરી શકું તેઓનું જીવન એકદમ સાદું કરી નાખું. આમ કરવાથી બીજા કોઇને હાનિ કર્યા વિના હું મારા કુટુંબની સેવા કરું છું. દરેક જણ આવા પ્રકારનું જીવન અંગીકાર કરે, તો આપણું રાજ્ય તરત જ આદર્શરૂપ બને. બધા આ સ્થિતિએએક વખતે જ નહીં પહોંચી શકે. પરંતુ આપણામાંથી જેઓને એમાં સત્ય જણાય છે અને જેઓ તેને અમલમાં મૂકે છે, તેઓ તે પુણ્યશાળી દિવસ ક્યારે આવશે તેનો ખ્યાલ અચૂક રીતે કરી શકશે તથા તે જલદીથી આવે એમ કરશે. જીવનરેખા આ પ્રમાણે દોરવાથી, બીજા બધા દેશોને બાતલ કરી હિંદની સેવા કરતો જણાવા છતાં, હું બીજા બધા દેશોને બાતલ કરી હિંદની સેવા કરતો જણાવા છતાં, હું બીજા કોઇ દેશને નુકસાન પહોંચાડતો નથી. મારું દેશાભિમાન વ્યાવર્તક તેમ અભિવ્યાપક છે. મારી જન્મભૂમિની સેવામાં હું મારું ચિત્ત પૂર્ણ નમ્રતાથી પરોવું છું : એટલે તે વ્યાવર્તક છે. પરંતુ મારી સેવા સ્પર્ધા કે વિરોધ - રૂપે નથી; એટલે તે અભિવ્યાપક છે. ‘તમારી પ્રવૃત્તિ એવી રીતે ગોઠવો કે જેથીતમારા પડોશીને ખલેલ ન પહોંચે.’ આ સૂત્ર કેવળ કાયદાનું જ નથી, પરંતુ એ તો જીવનનો એક મહાન નિયમ છે. અહિંસા અથવા પ્રેમનાં યોગ્ય પાલનની એ કૂંચી છે.૧

સ્વદેશી ધર્મ જાણનાર પોતાના કૂવામાં ડૂબી નહી જાય. જે વસ્તુ સ્વદેશમાં ન બને અથવા મહાકાષ્ટથી જ બની શકે તે પરદેશના દ્ધેષને લીધે પોતાના દેશમાં બનાવવા બેસી જાય તેમાં સ્વદેશી ધર્મ નથી. સ્વદેશીના ધર્મ પાળનાર પરદેશીનો કદી દ્ધેષ કરશે જ નહીં. એટલે પૂર્ણ સ્વદેશીમાં કોઇનો દ્ધેષ નથી. એ સાંકડો ધર્મ નથી. એ પ્રેમમાંથી, અહિંસામાંથી ઉત્પન્ન થયેલો સુંદર ધર્મ છે.