૨૦
બીજા ગ્રામોદ્યોગો
ગ્રામોદ્યોગ શા માટે ?
૧૯૨૦માં હુંસ્વદેશીની પ્રવૃત્તિનું પગરણ માંડવાવી તૈયારી કરી રહ્યો હતો તેવામાં મારે ફાઝલભાઇની સાથે વાત થયેલી. એ ચતુર રહ્યા એટલે મને કહ્યું, ‘તમે મહાસભાવાદીઓ અમારા માલની જાહેરાત કરનાર એજન્ટ બનશો તો અમારા માલના ભાવ વધારવા ઉપરાંત દેશને બીજો કશો લાભ તમે નહીં કરી શકો.’ એમની દલીલ સાચી હતી. પણ મેં એમને કહ્યું કે, ‘હું તો હાથે કાંતેલીવણેલી ખાદીને ઉત્તેજન આપવાનો છું. એ ઉદ્યોગ પડી ભાગ્યા જેવો છે, પણ જો કરોડો ભૂખે મરતાં બેકાર માણસોને કંઇક ઉદ્યમ આપવો હોય તો એ ઉદ્યોગને સમજીવન કર્યે જ છૂટકો છે.’ એ સાંભળીને તેઓ શાંત થયા.
પણ ખાદી એ કંઇ એક જ એવો જીવવાને ફાંફા મારતો મૃતપ્રાય ઉદ્યોગ નથી. તેથી મારી સૂચના તમને એ છે કે જેટલા નાના ગામઠી ઉદ્યોગોને આજે પ્રજાના ઉત્તેજનની જરૂર હોય તે બધા તરફ તમારે લક્ષ આપવું ને એનું કામ હાથમાં લેવું. એમને ટકાવી રાખવાને ને ઉત્તેજન આપવાને કંઇ પ્રયત્ન નહીં થાય તો એનો નાશ થઇ જશે. આજે મોટા પાયા પર ચાલતા ઉદ્યોગો પોતાના માલનો બજારોમાં ધોધ વહેવડાવી રહ્યા છે ને આ નાના ઉદ્યોગોમાંના કેટલાકને હઠાવી રહ્યા છે. તમારી મદદની ખરેખરી જરૂર તો એ નાના ઉદ્યોગોને છે.૧
આપણે નાના પાયા પર ચાલતા ઉદ્યોગોને મદદ કરીએ તો રાષ્ટ્રીય સંપત્તિમાં ઉમેરો થાય એ વિષે મારા મનમાં તલભાર શંકા નથી. આ ગૃહઉદ્યોગોને ઉત્તેજન આપવું ને તેને સજીવન કરવા એ જ સાચું સ્વદેશી છે. એ વિષે પણ મને કશો સંશય નથી. મૂંગાં કરોડોને મદદ કરવાનો એ જ એક રસ્તો છે. પ્રજાની સર્જનશક્તિ ને કળા કારીગરીના વિકાસનાં દ્ધાર એ રીતે જ ખૂલે એમ છે. દેશમો જે સેંકડો જુવાનો બેકાર પડ્યા છે તેમને પણ એ વાટે કંઇક ઉપયોગી વ્યવસાય મળી રહેશે. આપણી જે શક્તિ અત્યારે વેડફાઇ રહેલી છે તે બધીનો એ કામમાં ઉપયોગ કરી શકાશે. જેઓ અત્યારે બીજા ઉદ્યોગધંધા કરીને વધારે કમાણી કરતા હોય તેવા કોઇએ એ ધંધા છોડીને નાના ઉદ્યોગો કરવા મંડી જવું એવું હું કહેવા માગતો નથી. રેંટિયાને વિષે મેં કહેલું તેન આને વિષે પણ હું એમ જ કહું છું, કે જેઓ બેકારી ને દારિદ્ય ભોગવતા હોય તેઓ આમાંનો કોઇ ઉદ્યોગ હાથમાં લે અને પોતાની જૂજ જેવી આવકમાં ઉમેરો કરે.
આ ઉપરથી જોઇ શકાશે કે હું તમને તમારી પ્રવૃત્તિમાં જે ફેરફાર કરવાનો સૂચવું છું તેમાં મોટી મિલોના ઉદ્યોગોના હિત જોડે કોઇ પણ જાતનું ઘર્ષણ રહેલું નથી. હું તો આટલું જ કહેવા ઇચ્છું છું કે તમે રાષ્ટ્રીય સેવકો તમારી પ્રવૃત્તિ કેવળ નાના ઉદ્યોગો પૂરતી જ મર્યાદિત રાખો અને મોટા ઉદ્યોગો પૂરતી જ મર્યાદિત રાખો અને મોટા ઉદ્યોગો આજ સુધી પોતાની સંભાળ પોતે લેતા આવ્યા છે એમ એમને લેવા દો. મારી કલ્પના તો એવી છે કે નાના ગૃહઉદ્યોગો મોટા મિલઉદ્યોગને હઠાવીને તેની જગા નહીં લે, પણ તેમાં પૂર્તિ કરશે.૨
કાપડની, ખાંડની અને ચોખાની મિલોને આપણી મદદની જરૂર ન હોય; પણ જો અણમાગી મદદ આપણે આપવા જઇએ તો રેંટિયા, હાથસાળ અને ખાદીને, ગામડાંમાં ચાલતા ગામઠી કોલુને, જીવક અને પોષક તત્ત્વોથી ભરેલા ગોળને તથા એવાં જ તત્ત્વોથી ભરેલા હાથે ખાંડેલા ચોખાનો બહિષ્કાર કરીએ છીએ. એટલે આપણી ફરજ છે કે રેંટિયોસાળ, ગામઠી કોલુ, અને ગામઠી ખાંડણિયાને સજીવન કેવી રીતે રાખી શકાય તેની આપણે બરોબર તપાસ કરવી જોઇએ અને એમાંથી ઉત્પન્ન થતી વસ્તુઓનો જ પ્રચાર કરીને, તેના ગુણો પ્રગટ કરીને, તેમાં રોકાયેલા કામ કરનારાઓની સ્થિતિ તપાસીને, અને મિલોમાંથી બેકાર થઇ પડેલા કારીગરોની સંખ્યાની ગણતરી કરીને અને એ ગામઠી સાધનોને ગામઠી રાખીને તેમાં સુધારો કરવાની રીત શોધીને, મિલોની હરિફા સામે ટક્કર ઝીલવાને તેમને મદદ કરવી જોઇએ. એ ગ્રામઉદ્યોગો વિષે આપણે કેવી ભયંકર અને અક્ષમ્ય બેદરકારી બતાવી છે ! આમ એ ઉદ્યોગોને સજીવન કરવાના પ્રયાસમાં કાપડ કે ખાંડ, ચોખાની મિલની સામે વિરોધ નથી રહેલો. પરદેશી ખાંડ કે પરદેશી ચોખાના કરતાં તો મિલનાં છતાં આપણા દેશમાં બનતાં કાપડ, ખાંડ ને ચોખા જ વાપરવાં જોઇએ; જો પરદેશીના હુમલા સામે ઊભા રહેવાની તેની શક્તિ ન હોય તો તેને પૂરેપૂરી મદદ મળવી જોઇએ. પણ એવી મદદની જરૂર એ માલને આજે નથી. પરદેશી માલની સામે દેશી માલ બરોબર ટક્કર ઝીલી રહ્યો છે. જરૂર તો આજે ગ્રામઉદ્યોગોને રક્ષણ આપવાની છે, ગ્રામઉદ્યોગોમાં પડેલા રહ્યાસહ્યા કામ કરનારાઓને રક્ષણ આપવાની છે, અને પરદેશી કે સ્વદેશી મિલના હુમલાથી તેમને બચાવવાની છે. સંભવ એ છે કે ખાદી, ગોળ અને હાથે ખાંડેલા ચોખા મિલના એ જ માલ કરતાં ઊતરતા હોય અને તેથી તે તેની સામે ટકી નથી શકતા.
પણ ખરી વાત એ છે કે ખાદીના ઉદ્યોગ વિષે જેટલી શોધખોળ થઇ છે તેટલી ગોળ અને હાથે ખાંડેલા ચોખાના ઉદ્યોગ પાછળ રહેલા હજારો કામ કરનારાઓની સ્થિતિ વિષે નથી થઇ.૩
મેં મોટા પાયા પર ચાલતા સંગઠિત ઉદ્યોગોને બાતલ કર્યા છે એનું કારણ એ નથી કે એ સ્વદેશી નથી; પણ એમને ખાસ મદદની જરૂર નથી. એ પોતાના પગ પર ઊભા રહી શકે એમ છે, અને અત્યારની જાગૃતિની દશામાં તો એના માલનો ઉઠાવ સહેલાઇથી થાય એવો છે.૪
આ બધાનો સાર એ છે કે ગામડાંમાં બનતી હોય એવી જ ચીજો આપણે ખરીદવી ને એટલી જ વાપરીને ચલાવવું. એ ચીજોની બનાવટ અણઘડ પણ હોય. એ લોકોને એમની કારીગરીમાં સુધારા કરવાને આપણે સમજાવી જોવા. પરદેશી ચીજો કે શહેરોમાં એટલે કે મોટાં કારખાનાંમાં બનતી ચીજો ચડિયાતી હોય એટલા માટે ગામડાંની ચીજો ફેંકી દેવી કે એની સામે જ ન જોવું એ બરાબર નથી. બીજા શબ્દોમાં કહીએ તો ગ્રામવાસીમાં જે કલા ને સર્જનશક્તિ રહેલી છે તેને આપણે જાગ્રત કરવી જોઇએ. આપણે માથે એમનું જે દેવું છે તે કંઇક અંશે પણ ફેડવાનો આ એક જ રસ્તો છે. આવા પ્રયત્નમાં આપણને કદી પણ સફળતા મળશે કે નહીં એ વિચારથી આપણે ભડકી જવાની જરૂર નથી. આપણા જમાનામાં જ આપણે એવા પ્રસંગો યાદ કરી શકીએ છીએ કે જ્યારે અમુક કામ રાષ્ટ્રની પ્રગતિને માટે થવું જ જોઇએ એમ જાણ્યા પછી આપણે વિઘ્નોથી અને મુસીબતોથી ડર્યા કે હાર્યા વિના આગળ ધપ્યા છીએ. તેથી, જો આપણે પોતે માનતા હોઇએ કે આપણે જીવવું હોય તો હિંદુસ્તાનના ગ્રામઉદ્યોગોને ફરી સજીવન કર્યે જ છૂટકો છે. એ રીતે જ આપણે અસ્પૃશ્યતાની જડ ઉખાડી શકીશું, એમ આપણે માનતા હોઇએ તો આપણે આપણાં મનને પાછાં ગામડાં તરફ વાળવાં જોઇએ, અને એમને શહેરી જીવનનું અનુકરણ કરવાનો ઉપદેશ કરવાને બદલે આપણે ગ્રામજીવનને આદર્શરૂપ ગણીને તેને છાજે એવી રહેણી રાખવાનો પ્રયાસ કરવો જોઇએ. આ મનોવૃત્તિ જો સાચી હોય તો આપણે પંડથી જ આરંભ કરીશું અને, દાખલા તરીકે, મિલના બનાવેલા કાગળને બદલે હાથના બનાવેલા કાગળ વાપરીશું; બની શકે ત્યાં બધે ફાઉન્ટને પેન, ટાંક કે હોલ્ડરને બદલે બરુની કલમ વાપરીશું; મોટાં કારખાનામાં બનેલી શાહીને બદલે ગામડાંમાં બનેલી શાહી વાપરીશું; મોટાં કારખાનાંમાં બનેલી શાહીને ગામડાંમાં બનેલી શાહી વાપરીશું. આ જાતનાં ઘણાં દૃષ્ટાંતો આપી શકાય. ઘરમાં રોજના વાપરની એવી એકે ચીજ ભાગ્યે જ હશે જે ગ્રામવાસીઓ અગાઉ બનાવતા નહોતા, ને જે તેઓ આજે પણ બનાવી શકતા ન હોય. જો આપણે આપણી મનોદશા બદલીએ અને તેમના તરફ દૃષ્ટિ સ્થિર કરીએ તો આપણે તરત જ ગ્રામવાસીઓનાં ગજવાંમાં કરોડો રૂપિયા મૂકી દઇએ. આજે તો આપણે ગામડાંને શોષી રહ્યા છઈએ, અને બદલામાં એમને કશું આપતા નથી. આ પાયમાલી આગળ વધતી હવે અટકાવવી જોઇએ.૫
સામાન્ય ગ્રામવાસીઓ પણ આજે આથી કંઇ સારી સ્થિતિ ભોગવતા નથી. ધીમે ધીમે તેમને ભોંય ખણીને માંડ કોળિયા અનાજથી પેટનો ખાડો પૂરવાનો વખત આવતો જાય છે. આજે ઘણા ઓછાને ખબર હશે કે હિંદુસ્તાનનાં નાનાંને વાંકાંચૂકાં ખેતરો ને કયારડામાં ખેતી કરવામાં ખેડૂતને નફો થવાને બદલે ચોખ્ખી ખોટ જાય છે. ગામડાંના લોકો મરવાને વાંકે જીવે છે. એમના જીવનમાંથી આશા, ઉત્સાહ, સ્ફૂર્તિ, ઉમંગ ઊડી ગયા છે. તેઓ ભૂખમરાથી ધીમે મોતે મરી રહ્યા છે. એમના પર દેવાંના ઢગ વળી ગયા છે.૬
ગામડાંના ઉદ્યોગોનો લોપ થાય તો હિંદુસ્તાનનાં સાત લાખ ગામડાંની પાયામાલી અધૂરી રહી હોય તો પૂરી થઇ જાય.૭
જે કામ કરવા ધાર્યું હોય તેને માટે પૂરતા માણસો ન હોય ત્યારે એ કામ સંચાથી લેવું એ સારું છે. પણ જેમ હિંદુસ્તાનમાં છે તેમ કામને માટે જોઇએ તે કરતાં વધારે માણસો પડેલાં હોય ત્યારે સંચા વાપરવાથી નુકસાન છે.૮
પણ જો મિલોમાં બનેલું કાપડ ગામડાંના માણસોનેબેકાર બનાવે છે, તો ચોખા ખાંડવાની ને આટો દળવાની મિલો હજારો સ્ત્રીઓની રોજી છીનવી લે છે, એટલું જ નહીં પણ સાટે આખી પ્રજાના આરોગ્યને હાનિ પહોંચાડે છે. જ્યાં લોકોને માંસાહાર કરવાનો વાંધો ન હોય ને એ આહાર પોસાતો હોય ત્યાં મેંદાથી અને પૉલિશ કરેલા ચોખાથી કદાચ કંઇ નુકસાન ન થતું હોય; પણ હિંદુસ્તાનમાં જ્યાં કરોડો માણસો એવા છે જેમને માંસ મળે તો તે ખાવામાં વાંધો નથી પણ જેમને માંસ જોવા મળતું નથી, ત્યાં તેમને આખા ઘઉંને આટો પૉલિશ કર્યા વિના હાથે ખાંડેલા ચોખામાં રહેલા પૌષ્ટિક અને ચેતનદાયી તત્ત્વો ન મળવા દેવાં એમાં પાપ છે. હવે તો ડૉક્ટરોએ અને બીજાઓએ મળીને લોકોને મેંદો અને પૉલિશ કરેલા સંચે ખાંડેલા ચોખા વાપરવાથી થતા નુકસાનનું ભાન કરાવવું જોઇએ.૯
ગ્રામવાસીઓને કામ આપવું હોય તો તે યંત્રો વાટે ન બની શકે; પણ તેઓ અત્યાર સુધી જે ઉદ્યોગો કરતા આવ્યા છે તેને સજીવન કરવા એ જ એનો સાચો રસ્તો છે.૧૦
તેથી મારા અભિપ્રાય પ્રમાણે અખિલ ભારત ગ્રામઉદ્યોગ સંઘનું કામ એ રહેશે કે જે ઉદ્યોગો અત્યારે હયાત છે તેમને ઉત્તેજન આપવું, અને જ્યાં શક્ય અને ઇષ્ટ હોય ત્યાં મરતા કે મરી ગયેલા ગ્રામોદ્યોગોને ગામડાંની પદ્ધતિએ, એટલે કે ગ્રામવાસીઓ પોતાનાં ઝૂંપડાંમાં અનાદિકાળથી કામ કરતા આવ્યા છે તે રીતે કરવા દઇને, સજીવન કરવા. જેમ હાથે લોઢવા, પીંજવા, કાંતવા, વણવાની ક્રિયાઓમાં ને ઓજારોમાં ઘણા સુધારા થયા છે તેમ ગ્રામોદ્યોગની પદ્ધતિમાં પણ કરી શકાય.૧૧
ખાદીએ ગામડાના નભોમંડળનો સૂર્ય છે, અને બીજા વિવિધ ઉદ્યોગો એ ગ્રહો છે. આ ઉદ્યોગરૂપી ગ્રહોને ખાદીરૂપી સૂર્ય પાસેથી જે ઉષ્મા અને જીવન મળે છે તેના બદલામાં તેઓ ખાદીને ટકાવી રાખે છે. ખાદી વિના બીજા ઉદ્યોગોનો વિકાસ થવો અશક્ય છે. પણ મારી ગઇ યાત્રામાં મેં જોયું કે જો બીજા ઉદ્યોગો સજીવન નહીં થાય તો હવે ખાદી વધારે આગળ નહીં વધી શકે. ગ્રામવાસીઓમાં પોતાના ફુરસદના વખતનો સદુપયોગ કરવાનાં સ્ફૂર્તિ અને સામર્થ્ય ઉત્પન્ન કરવાં હોય તો ગામડાંના જીવનનો બધી બાજુથી સ્પર્શ કરવો જોઇએ, ને તેમાં નવચેતનો સંચાર કરવો જોઇએ.૧૨
લોકો પરાણે આળસું બેસે કે સ્વેચ્છાએ, તોપણ તેઓ હમેશાં વિદેશી તેમ જ દેશી લૂંટનારાઓનો ભોગ થઇ પડવાના છે. એમને લૂંટનાર પરદેશનો હોય કે હિંદુસ્તાનનાં શહેરોનો હોય તોયે તેમની સ્થિતિ તો એની એ જ રહેવાની; એમને સ્વરાજ નહીં મળવાનું. એટલે મેં મનમાં કહ્યું, આ લોકો ખાદીમાં રસ લેવા માગતા ન હોય તો એમને બીજું કંઇક કરવાનું કહેવું જોઇએ. જે કામ એમના બાપદાદા કરતા પણ જે હાલ થોડા વખતથી બંધ થઇ ગયું હોઇ એવું કંઇક કામ તેઓ કરે. થોડાંક વરસ પહેલાં તેઓ રોજના વાપરની અનેક વસ્તુઓ જાતે બનાવી લેતા, પણ હવે એને માટે તેઓ બહારની દુનિયા પર આધાર રાખે છે. નાના કસબાના રહેવાસીના રોજના વાપરની એવી ઘણી ચીજે હતી જેને માટે તેઓ ગ્રામવાસીઓ પર આધાર રાખતા, પણ હવે તે શહેરમાંથી મંગાવે છે. જે ક્ષણે ગ્રામવાસીઓ પોતાનો બધો ફુરસદનો વખત કંઇક ઉપયોગી કામ કરવામાં ગાળવાનો નિશ્ચય કરશે, અને શહેરવાસીઓ એ ગામડાંમાં બનેલી ચીજો વાપરવાનો સંકલ્પ કરશે તે ક્ષણે ગ્રામવાસી અને શહેરવાસી વચ્ચેનો જે સંબંધ તૂટી ગયો છે તે પાછો બંધાશે.૧૩
શહેરના લોકોને હું એમ નથી કહેતો કે તમે જઇને ગામડાંમાં વસવાટ કરો. હું તો તેમને એટલું જ કહું છું કે તમારે માથે ગામડાંનું જે ઋણ છે તે અદા કરો. ગામડાં સિવાય બીજે ક્યાંયથી એમને કાચા માલની એક પણ ચીજ મળી શકે એમ છે ખરી ? જો ન હોય, તો પહેલાં જેમ ગામડાંના લોકો એ ચીજો જાતે તૈયાર કરી લેતા, ને આપણે એમના ઉદ્યોગધંધા પર તરાપ ન મારી હોત તો તેઓ આજે પણ કરી લેતા હોત, તે ચીજો એમને બનાવી લેવાનું કેમ ન શીખવીએ ?૧૪
આપણે એ પણ જોવું પડશે કે ગ્રામવાસીઓ સૌથી પહેલાં પોતાની હાજતો જાતે પૂરી પાડતા થાય, અને પછી જ શહેરવાસીઓની જરૂરિયાતો માટે માલ પેદા કરે.૧૫
ખાદીની સરખામણીમાં ગામડાંમાં ચાલતા ને ગામડાંઓને જરૂરી બીજા ધંધાઓની વાત જુદી છે. એ બધા ધંધાઓમાં આપમેળે ખુશીથી મજૂરી કરવાની વાત બહુ કામ આવે તેવી નથી. વળી એ દરેક ધંધામાં કે ઉદ્યોગમાં અમુક થોડી સંખ્યાનાં માણસોને જ મજૂરી મળી શકે. એટલે આ ઉદ્યોગો ખાદીના મુખ્ય કાર્યને મદદરૂપ થાય તેવા છે. ખાદી વિના તેમની હયાતી નથી અને તેમના વિના ખાદીનું ગૌરવ કે શોભા નથી. હાથે દળવાનો, હાથે છડવાનો ને ખાંડવાનો, સાબુ બનાવવાનો, કાગળ બનાવવાનો, દીવાસળીઓ બનાવવાનો, ચામડાં કમાવવાનો, તેલની ધાણીનો અને એવા જ બીજા સમાજજીવને જરૂરી તેમ જ મહત્ત્વના ધંધાઓ વિના ગામડાંની અર્થરચના સંપૂર્ણ નહીં થાય એટલે કે તે સ્વયંસંપૂર્ણ ઘટક નહીં બને. મહાસભાવાદી આ બધા ધંધાઓમાં રસ લેશે, અને વધારામાં તે ગામડાનો વતની હશે અથવા ગામડે જઇને રહેતો હશે તો આ ધંધાઓને નવું ચેતન ને નવું વલણ આપશે. દરેક જણે, દરેક હિંદીએ જ્યારે જ્યારે ને જ્યાં જ્યાં મળે ત્યાં કેવળ ગામડાંમાં બનેલી વસ્તુઓ વાપરવાનો પોતાનો ધર્મ માનવો જોઇએ. આવી વસ્તુઓની માગ ઊભી થાય તો આપણી મોટા ભાગની જરૂરિયાતો ગામડાંઓ પૂરી પાડી શકે એમાં જરાયે શંકા નથી. ગામડાંઓને વિષે આપણને લાગણી થશે ને તેમાં બનેલી વસ્તુઓ આપણને ગમતી થશે તો પશ્ચિમની નકલમાં મળતી સંચામાં બનેલી ચીજો આપણને નહીં ખપે, અને જેમાં ગરીબી, ભૂખમરો ને આળસ કે બેકારી નહીં હોય તે નવીન ભારતના આદર્શની સાથે મેળ ખાય એવી અભિરુચિ આપણે કેળવીશું.૧૭
આપણે સૌ એમ જ માનીએ કે રેંટિયો જ અન્નપર્ણા છે.૧૮
પહેલું સ્થાન રેંટિયાનું છે એની સાધનામાંથી જ ગ્રામોદ્યોગ, નઇ તાલીમ વગેરે બીજી ચીજો પેદા થઇ છે. જો આપણે રેંટિયાને બુદ્ધિપૂર્વક ગ્રહણ કરીશું તો ગામડાંઓને ફરીથી જીવતાં કરી શકીશું.૧૯
કાર્યકર્તા એવો હોય જે ગામમાં જઇને આ બધાં કામોમાં - એટલે ગામડાના સમગ્ર જીવનમાં ઓતપ્રોત થઇ જાય અને તેમ છતાં તે બધું કામ તેને બોજારૂપ ન લાગવું જોઇએ.૨૦
રેંટિયાને મેં ગામડાંઓના ઉત્કર્ષનું મધ્યબિંદુ એટલે કે સૂર્ય માન્યો છે... . એ સિવાય પણ પોતાના ગામમાં ક્યા ગ્રામોદ્યોગો ચલાવી શકાય એ પણ કાર્યકર્તાએ જોવું પડશે. એમાં પ્રથમ આવશે તેલધાણી. મગનવાડીના ઝવેરભાઇ પટેલે એનું પૂરું શાસ્ત્ર બનાવ્યું છે. એ પણ જાણવું પડશે ત્રીજો ઉદ્યોગ છે હાથ-કાગળનો. એ આખા હિંદુસ્તાનને કાગળ પૂરો પાડવાની દષ્ટિએ નહીં પણ પોતાના ગામને સ્વાવલંબી બનાવવા માટે અને થોડીક આવક વધારવાની દષ્ટિએ શીખવવાનો છે.
તેલ, હાથકાગળ ઉપરાંત અનાજ દળવાની હાથઘંટી દરેક ગામડામાં સજીવન કરવી જોઇએ. એ જો નહીં થાય તો અનાજ દળવાની મિલ આપણા નસીબમાં લખેલી જ છે. જેવું લોટનું તેવું જ ચોખાનું. જો આખા ચોખા ખાવાની ટેવ આપણે ગામડાંના લોકોને ફરીથી નહી પાડીએ તો ખોરાકના સવાલને આપણે હલ નહીં કરી શકીએ. મિલમાં છડેલી ચોખા, સફેદ ખાંડ વગેરે બધું મનુષ્યના સ્વાસ્થ્યને માટે ઘણું હાનિકારક છે, એ તો હવે સ્વીકારેલી હકીકત છે.૨૧
આપણે સૌએ ગામડાંના બધા પ્રશ્નો વિશેનું જ્ઞાન મેળવવું પડશે. ગામમાં થોડું સીવણકામ પણ ચાલશે. ગામન ખેડૂત, લુહાર, સુતાર ચમાર વગેરે બધાનો આપસમાં સહકાર કરાવીને એમની વચ્ચે મેળ કરાવવો એનો અર્થ છે ગ્રામસંગઠન. બધી વાત દેખાય છે મોટી પણ ખરી રીતે એવું નથી. નિશ્ચયી તથી શરીર અને બુદ્ધિ બન્નેથી પૂરું કામ લેનાર કાર્યકર્તાને એ બહુ અઘરી ન લાગણી જોઇએ.૨૨
હવેે આપણે બધું કામ સંપૂર્ણ ગ્રામોત્થાનની કલ્પનાની યોજનામાં ઢાળીને નવેસરથી કરવું છે. જોઇએ, કેટલું કરી શકીએ છીએ. હું એટલે સુધી કહું કે આ પરિવર્તનોને કારણે થોડા વખતને માટે જો આપણું કામ મંદ થઇ જાય, તો ચિંતા નહીં. ખાદીને વિશે જે ભાવના આપણે લોકોમાં પેદા કરી છે, તે ખરી હોવા છતાં પણ એની શક્તિ વિશે જે ખ્યાલ આપણે લોકોમાં પેદા કર્યા છે, એમાં જો ક્યાંક ભૂલ હોય તો આપણે ફરીથી વિચાર કરવો જોઇએ. આપણો દાવો જો ખોટો હોય તો જાહેર રીતે તે પાછો ખેંચી લેવો જોઇએ.
શહેરવાળાઓને હું કહું કે તમે તમારે માટે ખાદી જાતે બનાવી લો. જ્યાં ત્યાંથી ખાદી ભેગી કરીને શહેરવાસીઓને પહોંચાડવાનો લોભ હું છોડું. અને પછી આપણે ગામડાંઓમાં જઇને બેસી જઇએ. આ પરિવર્તનને કારણે કાર્યકર્તાઓ ભાગી જાય તો એમને જવા દઇએ. એટલે હદ સુધી આપણાં મન અને બુદ્ધિનું પરિવર્તન થશે ત્યારે જ આપણે જે ઇચ્છીએ છીએ તે પરિણામ આવશે. ચરખા સંઘ માત્ર નીતિનો સંરક્ષક રહેશે. કામનું જેટલું વિભાજન થઇ શકશે તેટલું કરી દઇશું અને બધો બોજો હલકો કરી નાખીશું. પછી આપણે આપણી બધી શક્તિ અને બધું ધ્યાન જે ગામડાંઓમાં આપણે બેઠા હોઇશું ત્યાં આસપાસ પાંચ માઇલના વિસ્તારમાં ચાલતાં કામોમાં આપીશું. ત્યારે જ આપણને ખબર પડશે કે આપણાં કામોમાં તજ્યાંશ કેટલો છે... . આજે તો જેટલી ઊંડી જડ નાખી શકાય તેટલી નાખવી છે.૨૩
ગામડાના લોકોની સ્થિતિ સુધારવા માટે ખેતી, ગોપાલન અને બીજા ઉદ્યોગો ગામડાંમાં કેવી રીતે બેઠા થાય તેનો વિચાર કરું છું બેચાર ગામોમાં પણ સફળ થાઉં તો તો મારી સમસ્યાનો ઉકેલ મળી જશે. ‘યથા પિંડે તથા બ્રહ્માડેં’૨૪
પોતાની જાતથી શરૂ કરો
કેટલાક સજ્જનો કાગળ લખીને, અને કેટલાક મિત્રો મળીને મને પૂછે છે કે ‘અમારે ગ્રામઉદ્યોગના કામનો આરંભ કેવી રીતે કરવો, ને સૌથી પહેલાં શું કરવું ?’
ચોખ્ખો જવાબ તો એ છે કે ‘તમારી જાતથી આરંભ કરો, ને તમારે માટે જે વસ્તુ સહેલામાં સહેલી હોય તે પહેલી કરો.’ પણ આ જવાબથી પૂછનારાઓને સંતોષ થતો નથી. તેથી હું વધારે સ્પષ્ટતાથી વાત કરું.
દરેક માણસ પોતાના ખોરાકની ચીજો, વસ્ત્રો અને રોજના વાપરની બીજી બધી વસ્તુઓ તપાસે; અને એમાંથી જે પરદેશની કે શહેરની બનાવટની હોય તે તજીને ગ્રામવાસીઓએ તેમનાં ઘરમાં કે ખેતરમાં તેમનાં સાદાં ને સહેજે વાપરી ને સુધારી શકાય એવાં ઓજારો વડે બનાવી હોય એવી વસ્તુઓ વાપરે. આ પરિવર્તન કરવામાં જ એને ઘણી કીમતી કેળવણી મળી રહેશે, અને એ સંગીન શરૂઆત થશે.
આ પછીનું પગથિયું તેને આપોઆપ જડી જશે. દાખલા તરીકે આ આરંભ કરનાર આજ સુધી મુંબઇના કારખાનામાં બનેલું તૂથબ્રશ વાપરતો હોય, તેને બદલે એને હવે ગામડાની બનેલી વસ્તુ વાપરવી છે. તેને સલાહ આપવામાં આવે છે કે તેણે બાવળનું દાતણ વાપરવું. તેના દાંત નબળા હોય કે પડી ગયા હોત તો દાતણ વાપરવું. તેના દાંત નબળા હોય કે પડી ગયા હોત તો દાતણને એક ગોળ પથરાવી કે હથોડીથી કૂટીને તેનો કૂચો બનાવે. બીજા છેડા પર ચપ્પુથી કાપ મૂકી રાખે. પછી બે ચીર થાય તેના વતી તે ઊલ ઉતારે. કારખાનામાં બનેલા અતિશય મેલાં ટૂૂથબ્રશને બદલે આ દાતણ તેને સસ્તાં ને બહુ જ ચોખ્ખાં લાગશે. શહેરમાં બનેલા ટૂથપાઉડરને બદલે તે કોલસાની ઝીણી ચાળેલી ભૂકી અને ચોખ્ખા મીઠાનું સરખે ભાગે મિશ્રણ કરીને વાપરશે; મિલના ખાંડેલા ચોખાને ઠેકાણે હાથના ખાંડેલ પૉલિશ નહીં કરેલા ચોખા અને ખાંડને ઠેકાણે ગોળ ખાશે.
આ તો મેં માત્ર દૃષ્ટાંતો આપ્યાં છે. એ ગણાવવામાં મારો ઉદ્દેશ આ પ્રશ્નને મારી સાથે ચર્ચનારાઓએ જણાવેલી મુશ્કેલીઓની ચર્ચા કરવાનો પણ છે.૨૫
દુગ્ધાલય
આપણાં ઢોરોની આ દુર્દશા આપણી ઘાતકી બેદરકારી સિવાય બીજા કશાની જ સૂચક નથી. આપણા પાંજરાપોળો આપણી દયાવૃત્તિ ઉપર ખડી થયેલી સંસ્થાઓ છતાં તે વૃત્તિનો અતિ બેહૂદો અમલ કરનારી સંસ્થાઓ માત્ર છે. તેઓ નમૂનેદાર ગોશાળાઓ કે ડેરીઓ અને ધીકતી રાષ્ટ્રીય સંસ્થાઓ તરીકે ચાલવાને બદલે માત્ર ખોડાં ઢોરો રાખવાનાં રાષ્ટ્રીય સંસ્થાઓ તરીકે ચાલવાને બદલે માત્ર ખોડાં ઢોરો રાખવાનાં ધર્માદા ખાતાઓ જ થઇ પડી છે ! ... અત્યારે તો ગોરક્ષા ધર્મનો દાવો કરનારા આપણે ગાયને અને તેના વંશને ગુલામ બનાવી જાતે ગુલામ બન્યા છીએ.૨૬
આદર્શ ગૌશાળા પોતાના શહેરને પોતાનાં ઢોરોનું સસ્તું અને આરોગ્યદાયક દૂધ તથા મૂએલાં - કતલ કરેલાં નહીં- ઢોરના ચામડાનાં સસ્તાં અને ટકાઉ પગરખાં પૂૂરાં પાડશે. આવી ગૌશાળા શહેરની વચ્ચે અથવા તેની તદ્દન નજીક એક બે એકર જમીન પર આવેલી નહીં હોય પણ શહેરથી થોડે દૂર પચાસ કે સો એકરના વિસ્તાર પર આવેલી હશે, જ્યાં વેપારી અને રાષ્ટ્રીય ધોરણે દુગ્ધાલય અને ચર્માલય ચલાવવામાં આવતાં હશે. આમ તેમાં નફો કરવાનો કે વહેંચવાનો નહીં હોય તેમ જ ખોટ પણ ખાવાની નહીં હોય. લાંબે ગાળે હિંદુસ્તાનમાં ઠેકઠેકાણે આવી સંસ્થાઓ નીકળશે તો તે હિંદુ ધર્મનો વિજય અને ગાય એટલે કે ઢોરોની રક્ષાની બાબતમાં હિંદુઓની નિષ્ઠાની સાબિતી ગણાશે. વળી તે હજારો અભણ અને ભણેલાને પણ કામ આપશે. કારણ કે દુગ્ધાલય અને ચર્માલયના કામમાં કુશળ અને શાસ્ત્રીય જ્ઞાન ધરાવતા સેવકોની જરૂર પડે છે. દુગ્ધાલયના સુંદરમાં સુંદર પ્રયોગો કરવા માટે ડેન્માર્ક નહીં પણ હિંદુસ્તાન આદર્શ દેશ ગણાવો જોઇએ. હિંદ દર વરસે નવ કરોડ રૂપિયાનાં મૂએલાં ઢોરનાં ચામડાં નિકાસ કરે અને પોતે કતલ કરેલાં ઢોરનાં ચામડાંનો ઉપયોગ કરે તે શરમની વાત છે. આ પરિસ્થિતિ હિંદ માટે શરમજનક હોય તો હિંદુઓ માટે તે વધારે શરમજનક છે. હું ઇચ્છું છું કે ગિરિડિહમાં મને આપવામાં આવેલા માનપત્રના જવાબમાં મેં જે કહ્યું છે તે પર બધી ગૌશાળા કમિટીઓ ધ્યાન આપે અને પોતાની ગોશાળાઓને આદર્શ દુગ્ધાલયો ચર્માલયો અને ઘરડાં તથા અપંગ ઢોરોને માટે આશ્રયસ્થાનો બનાવે.૨૭
પ્રત્યેક ગોરક્ષણની સંસ્થામાં તેના પૂરતું ચર્માલય હોવું જ જોઇએ. એટલે કે જે ઢોર મરે તેનો પ્રાથમિક ઉપયોગ કરતાં સંસ્થાપકને આવડવું જોઇએ; આમ હોવાથી પ્રત્યેક ગોશાળામાં કેટલાં ઢોર હોવાં જોઇએ એ પ્રશ્ન ઊભો થતો જ નથી.
ગોશાળામાં મૃત્યુનું પ્રમાણ કેટલું છે તેની મને કાંઇ ખબર નથી, પણ એ પ્રમાણ ચર્માલયની આવશ્યકતા સિદ્ધ કરવાને સારુ જાણવું જરૂરી નથી. એક પણ ઢોર મરતું હોય તો જેમ તેના જીવતાં તેને ઘાસ ઇત્યાદિ આપવાની ક્રિયા ગોસેવક જાણે છે તેમ મરવા પછીની ક્રિયા પણ તેણે જાણી જ લેવી જોઇએ.
ગામમાં મરનારાં ઢોરનો કબજો પણ સહેજે આવી ધાર્મિક સંસ્થાઓ જ હોવો જોઇએ. તેમાં ચમારોનું, ઢોરનું, અને પ્રજાનું રક્ષણ છે. જ્યાં ગોશાળા અથવા ચર્માલય ન હોય ત્યાં જે ઢોર મરે તે ઢોર જો શહેરી ગોરક્ષાના ધર્મનો સ્વીકાર કરતાં હોય તો પાસેમાં પાસેની ગોશાળાને પહોંચાડે, અથવા તે ઢોરનાં મુડદાં ઉપર પ્રાથમિક ક્રિયા કરીને અવશેષ રહેલા ભાગો પહોંચાડે.
મેં સૂચવેલા નાના ચર્માલયને સારુ મોટી થાપણની જરૂર નથી. હા, એ શાસ્ત્રને જાણનારા ગોસેવકો તૈયાર કરવામાં જે વ્યય થાય તેની આવશ્યકતા છે.૨૮
હાથે ખાંડેલા ચોખા અને હાથઘંટીનો લોટ
સો ટકા સ્વદેશી પરના મારા લેખમાં મેં બતાવ્યું છે કે એનાં કેટલાંક અંગો તો તત્કાળ ખીલવી શકાય એવાં છે અને એથી દેશનાં ભૂખે મરતાં કરોડોને આર્થિક તેમ જ આરોગ્યની દૃષ્ટિએ લાભ થાય એમ છે. દેશના ધનિકમાં ધનિક લોકોને એ લાભમાંથી ભાગ મળી શકે એમ છે. એટલે જો ડાંગરને ગામડાંમાં જૂની ઢબે હાથે ખાંડવામાં આવે તો ડાંગર ખાંડનારી બહેનોને કમાણી મળે, અને ચોખા ખાનાર કરોડો માણસોને સંચે ખાંડેલા ચોખામાંથી નર્યો ‘સ્ટાર્ચ’ મળે છે તેને બદલે હાથે ખાંડેલા ચોખામાંથી કંઇક પૌષ્ટિક તત્ત્વો મળે. દેશના જે ભાગોમાં ડાંગર પાકે છે ત્યાં બધે ડાંગર ખાંડવાના બેહૂદા સંચા જામી ગયા છે એનું કારણ માણસનો લોભ છે.
એ લોભ જેને ચૂસે છે તેનાં આરોગ્ય કે સંપત્તિનો કશો વિચાર જ નથી કરતો. જો લોકમત બળવાન હોય તો તે હાથે ખાંડેલા ચોખા જ વાપરવાનો આગ્રહ રાખે; ડાંગર ખાંડવાનાં કારખાનાંના માલિકોને વીનવે કે જે ધંધો આખા રાષ્ટ્રના આરોગ્યને હાનિ કરે છે અને જે ગરીબ માણસોનું પ્રામાણિકપણે ગુજારો કરવાનું સાધન છીનવી લે છે તે ધંધો તેઓ બંધ કરે; અને આમ કરીને તે ડાંગર ખાંડવાના સંચા ચાલવા જ અશક્ય કરી મૂકે.૨૯
જો હજારો ગામડાંમાં લોટ દળવાના સંચાઓ હોય અને તે ઍંજિનથી ચાલતા હોય તો એને હું આપણી પામરતાની સીમા ગણું. એટલા સંચા કંઇ હિંદુસ્તાનમાં થતા નથી કે નથી થતાં ઍંજિન... ગામડાંમાં આવા ઍંજિન વસાવનારાનો અને ઘંટીસંચો વસાવનારાનો તે અતિલોભ સૂચવે છે. શું ગરીબ લોકોને આટલે લગી રઝળાવીને કમાણી કરી શકાતી હશે ? વળી આવા સંચા વસાવવાથી ચાલતી પથ્થરની ઘંટીઓ નકામી થઇ જાય. ઘંટી બનાવવાનો ઉદ્યોગ કરનારા નકામાં થઇ જાય. આમ તો ગ્રામના ઉદ્યોગો હોય એનો નાશ થાય. અને કળાનો લોપ થાય. એકનો લોપ થતાં બીજો ઉપયોગી ઉદ્યમ દાખલ થતો હોય તો કદાચ બહુ કહેવાપણું ન રહે. પણ એવું તો થતું મેં જોયું નથી. અને પથ્થરની ઘંટીનું સવારના પહોરમાં દળનારના ભજનની સાથે જે મધુરું સંગીત થતું હોય એ પણ જાય.૩૦
મિલનું તેલ અને ઘાણીનું તેલ
શ્રી ઝવેરભાઇએ ગામડાની બળદધાણીની પડતીનાં કારણો પણ તપાસ્યાં છે. સૌથી મોટું કારણ તો એમને એ જણાવ્યું છે કે ઘાણીવાળો ધંધાદારી પોતાના ખપને સારુ જરૂરી તેલીબિયાંનો જથ્થો નિયમિતપણે પોતાને ત્યાં સંઘરવાની શક્તિવાળો હોતો નથી. મોસમ ખલાસ થતાં જ તેલીબિયાં ગામડાંમાંથી તળિયાઝાટક શહેરોમાં ખેંચાઇ જાય છે. તેલી પાસે તેનો સંઘરો કરવાને સારુ પૈસા નથી હોતા, અને શહેરોમાંથી તેની ખરીદી કરવી એ તો તેને સારુ એથીયે વધુ મુશ્કેલ હોય છે. આ કારણથી તેનો ધંધો પડી ભાંગ્યો છે અને તે ગામડાંમાંથી ઝપાટાભેર ભૂંસાવા લાગ્યો છે. લાખો ઘાણીઓ આજે બેકાર થઇ પડી છે અને પરિણામે દેશની સાધનસામગ્રીનો ભયાનક દુર્વ્યય થઇ રહ્યો છે. બિયાંઓના જથ્થા તેની પેદાશના પ્રદેશોમાં સંઘરાવીને અને વાજબી ભાવે ગામડાંના તેલીઓને તે મળી શકે એવું કરીને ગામડાંની ઘાણીઓને સજીવન કરવી એ ખરેખર સરકારનું કામ છે. આવી મદદ આપવાથી સરકારને કશું જ નુકસાન નથી. શ્રી ઝવેરભાઇનું કહેવું છે કે આવી મદદ સરકાર સહકારી મંડળીઓ અગર ગ્રામપંચાયતો મારફત આપી શકે એમ છે. શ્રી ઝવેરભાઇનો ઘાણીકામના સંશોધન ઉપર બંધાયેલો અભિપ્રાય એવો છે કે આમ થાય તો ગામડાંનો તેલી સંચાની પેદાશના તેલ જોડે જરૂર હરીફાઇ કરી શકે અને ગામડાંના લોકોને જે સેળભેળિયું તેલ આજે માથે મારવામાં આવે છે તેનાથી તેઓ ઊગરી જાય. એ પણ યાદ રાખવું જરૂરનું છે કે ઘીચોપડની જગાએ ગ્રામવાસીને જો આજે કશું મળતું હોય તો તેલમાંથી જે કંઇ મળી શકે તેટલું જ છે. ઘી તો તે બિચારો કદી જોવા પામતો નથી.
મિલનું તેલ ઘાણીના તેલ કરતાં સસ્તું કેમ પડે છે તે તેમણે શોધી કાઢયું છે. તેઓ આનાં ત્રણ કારણ આપે છે જેમાંનાં બે અનિવાર્ય છે. એક તો મૂડી, અને બીજું બિયાંમાંથી તેલનું ટીપેટીપું અને તે પણ બળદઘાણીના કરતાં ઓછા વખતમાં કાઢી લેવાની મિલના સંચાની શક્તિ. આ લાભો મિલના માલિકનાં કમિશનોથી તથા આડતિયા તેમ જ વચલા દલાલોને આવા તેલનાં વેચાણોમાં જે દલાલી આપવી પડે છે તેનાથી ધોવાઇ જાય છે. ખરા, પણ શ્રી ઝવેરભાઇને સેળભેળની બૂરાઇને પહોંચી વળવાનો રસ્તો જડ્યો નથી; સિવાય કે તેઓ પોતે તેમ કરે. તેમ તો સ્વાભાવિકપણે જ તેઓ કદી ન કરે. તેથી તેઓ એમ સૂચવે છે કે ભેળસેળ કરવા સામે દાયકાથી બંધી થવી જોઇએ. ભેળસેળ વિરોધી કાયદો જ્યા હોય ત્યાં તેનો પાકો અમલ કરીને અને ન હોય ત્યાં તેવો કાયદો કરીને તેમ જ બધી તેલની મિલોને માથે પરવાના લેવાની અને પરવાનાની શરતો પાળવાની ફરજ નાખીને આ કરી શકાય.૩૧
ગોળ અને ખાંડસારી
ખાંડના ઉદ્યોગનો દાખલો લો. કાપડની મિલો પછી બીજા નંબરનો મોટો ઉદ્યોગ તે ખાંડ બનાવવામાં કારખાનાંનો છે. એને આપણી મદદની બિલકુલ ગરજ નથી. ખાંડનાં કારખાનાંની સખ્યા ઝપાટાબંધ વધી રહી છે. એ ઉદ્યોગનો વિકાસ પ્રજાકીય સંસ્થાઓની મદદને લીધે નથી થયો. એનો વિકાસ તો અનુકૂળ કાયદો થવાને લીધે થયો છે. અને આજે એ ઉદ્યોગ એટલો ધમધોકાર ચાલે છે ને એટલો ફાલતો જાય છે કે ગોળની બનાવટ છેક જ બંધ પડી જવા આવી છે. ગોળમાં ખાંડના કરતાં શરીરને પોષક તત્ત્વો વધારે છે એ નિર્વિવાદ વાત છે.
આ અતિશય કીમતી ગ્રામઉદ્યોગ તમારી મદદ માટે પોકાર કરી રહ્યો છે. એ એક જ ઉદ્યોગમાં સંશોધનને ને બીજી મદદને માટે પુષ્કળ અવકાશ પડેલો છે. એ ઉદ્યોગને જીવતો કેવી રીતે રાખી શકાય એ આપણે શોધી કાઢવાનું છે. એ ઉદ્યોગનેજીવતો કેવી રીતે રાખી શકાય એ આપણે શોધી કાઢવાનું છે. આ તો હું શું કહેવા માગું છું એ સમજાવવા માટે આપેલો ફક્ત એક જ દાખલો છે.૩૨
જે ગુણોનું આરોપણ તાડીમાં કરવામાં આવે છે તે બધા આપણને બીજા ખોરાકમાંથી મળી રહે છે. તાડી ખજૂરીના રસમાંથી બને છે. ખજૂરીના શુદ્ધ રસમાં માદકતા મુદ્દલ નથી. શુદ્ધ રૂપમાં એ નીરાને નામે ઓળખાય છે. એ નીરો એમ ને એમ પીવાથી ઘણાને સાફ દસ્ત આવે છે. મેં પોતે નીરો પી જોયો છે. મારી ઉપર એવી અસર મેં નથી અનુભવી. પણ તે ખોરાકની ગરજ બરોબર સારે છે. ચા વગેરેને બદલે માણસ નીરો સવારના પી લે તો તેને બીજું કંઇ પીવા કે ખાવાની જરૂર ન રહેવી જોઇએ. નીરાને શેરડીના રસની જેમ ઉકાળવામાં આવે તો તેમાંથી બહું સરસ ગોળ પેદા થાય છે. ખજૂરી એ તાડની એક જાત છે. અનેક પ્રકારના તાડ દેશમાં વગર મહેનતે ઊગે છે. તે બધામાંથી નીરો નીકળી શકે છે. નીરો એવો પદાર્થ છે કે જ્યાં નીકળ્યો ત્યાં જ તુરત પિવાય તો કંઇ જોખમ ન વહોરવું પડે. તેમાં માદકતા જલદી પેદા થઇ જાય છે. એટલે જ્યાં તેનો વપરાશ તુરત ન થઇ શકે એમ હોય ત્યાં તેનો ગોળ કરી લેવામાં આવે, તો એ શેરડીના ગોળની ગરજ સારે છે. કેટલાકની માન્યતા એવી છે કે, એ શેરડીના ગોળ કરતાં વધારે ગુણકારી છે. તેમાં ગળપણ ઓછું હોવાથી શેરડીના ગોળ કરતાં વધું માત્રામાં તે ખાઇ શકાય છે. ગ્રામઉદ્યોગ સંઘની મારફત તાડગોળનો ઠીક પ્રમાણમાં પ્રચાર થયો છે. હજુ બહુ વધારે પ્રમાણમાં થવો જોઇએ. જે તાડોમાંથી તાડી બનાવવામાં આવે છે, તે તાડોમાંથી ગોળ બનાવવામાં આવ, તો હિંદુસ્તાનમાં ગોળખાંડની તૂટ આવે જ નહીં અને ગરીબોને સસ્તે ભાવે ઉત્તમ ગોળ મળી શકે. તાડગોળમાંથી શર્કરા બની શકે છે અને તેમાંથી ચીની પણ બનાવી શકાય છે. પણ ગોળનો ગુણ સાકર અને ચીની કરતાં બહુ વધી જાય છે. ગોળમાં રહેલા ક્ષારો ચીનીમાં રહેતા નથી. જેમ ભૂસી વિનાનો આટો કે ભૂસી વિનાના ચાવલ તેમ ક્ષારો વિનાની સાકર સમજવી. ખોરાક જેમ તેની સ્વાભાવિક સ્થિતિમાં ખવાય તેમ તેમાંથી આપણને વધારે સત્ત્વ મળે છે, એમ કહી શકાય.૩૩
મધમાખીનો ઉછેર
મધમાખીના ઉછેરના ઉદ્યોગનો આપણા દેશમાં પાર વિનાનો વિકાસ થઇ શકે એમ મને ભાસે છે. ગામડાંની દૃષ્ટીએ તો એનું મહત્ત્વ છે જ; પણ ધનિક યુવકયુવતીઓ શોખને ખાતર પણ એ કામ કરી શકે એવું છે. એમ કરતાં તેઓ દેશની સંપત્તિમાં વધારો કરશે, ને પોતાને માટે સુંદરમાં સુંદર આરોગ્યદાયી ખાંડ પેદા કરશે. તેઓ જો પરગજુ હોય તો પૌષ્ટિક ખોરાક તરીકે એ મધને હરિજન બાળકોમાં વહેંચી દે. મધ એ શ્રીમંતોના શોખની વસ્તુ, અથવા વૈદહકીમોના હાથમાંનું ખરચાળ ઔષધ જ શા સારુ રહેવું જોઇએ ? મને મળેલી નજીવી માહિતી પરથી અનુમાનો કરીને મેં આશા બાંધેલી છે એમાં શક નથી. ગામડાંમાં અને શહેરોમાં યુવકયુવતીઓ અખતરા કરે તેમાંથી ખબર પડી રહે કે મધ એ ખોરાકની સામાન્ય વસ્તુ થઇ શકશે કે આજની પેઠે દુર્લભ જ રહેશે.૩૪
ચર્માલય
આજે હિંદુસ્તાનમાંથી દર વરસે નવ કરોડ રૂપિયાનું કાચું ચામડું પરદેશ ચડે છે, અને એમાંનું ઘણું તૈયાર માલરૂપે આ દેશમાં પાછું આવે છે. આનો અર્થ એ છે કે આપણી સંપત્તિ જ નહીં પણ બુદ્ધિ પણ શોષાઇ રહી છે. ચામડાં કેળવવામાં અને રોજના વાપર માટે કેળવાયેલા ચામડાની અગણિત ચીજો બનાવવામાં આપણને જે તાલિમ મળવી જોઇએ તે મેળવવાની તક આપણે ગુમાવીએ છીએ.
ચામડાં કેળવવાના કામમાં ઘણા શાસ્ત્રીય જ્ઞાનની જરૂર વસે છે. આ વિશાળ ઉદ્યોગમાં રસાયણશાસ્ત્રીઓની આખી ફોજને પોતાની શોધકબુદ્ધિ અજમાવવાની તક મળી રહે એમ છે. એને ખીલવવાના બે રસ્તા છે. જે હરિજનો ગામડાંમાં રહે છે, અને ગામતળથી દૂર, સમાજના સંસ્કારથી અસ્પૃષ્ટ દશામાં ઘોલક જેવાં ઝૂંપડાંમાં ગંદકી અને અધઃ- પાતમાં સડતા પડી રહે છે ને માંડ પેટનો ખાડો પૂરે છે તે હરિજનોને મદદ આપી તેમને પગભર કરવા, એ એક રસ્તો છે. આનો અર્થ એ પણ છે કે ગામડાંના ઉદ્ધારમાં રસાયણશાસ્ત્રીઓની બુદ્ધિનો ઉપયોગ થાય. ચામડાં કેળવવાનું રસાયણ જાણનારે તેની સુધરેલી ક્રિયાઓ શોધી કાઢવી રહી. ગામડાંના રસાયણશાસ્ત્રીએ નમીને જીતવું રહ્યું. ગામડાંમાં ચામડાં કેળવવાની જે અણધડ કળા હજુ જીતવી છે, પણ જે ઉત્તેજનને અભાવે જ નહીં પણ દુર્લક્ષને કારણે પણ ઝપાટાબંધ મરતી જાય છે, ને કલા આ રસાયણશાસ્ત્રીએ શીખવી ને સમજવી જોઇએ. પણ એ અણધડ પદ્ધતિને એકાએક ફેંકી દેવી ઘટતી નથી; પહેલાં એની સમભાવપૂર્વક પરીક્ષા તો થવી જ જોઇએ. એ પદ્ધતિએ સેંકડો વરસ સુધી સારી રીતે કામ ચાલ્યું છે. એમાં કંઇ ગુણ ન હોત તો એ ચાલી ન શક્ત. મારી જાણ પ્રમાણે આપણા દેશમાં એક શાંતિનિકેતનમાં જ આ વિષયની શોધખોળ ચાલે છે. તે પછી અત્યારે બંધ થઇ ગયેલા સાબરમતીના આશ્રમને સ્થાને હવે હરિજન આશ્રમ હસ્તીમાં આવ્યું છે તેમાં એ કામ ફરી શરૂ થવાને પૂરો સંભવ છે. જે શોધખોળ કરી શકાય એવી છે તેનો વિસ્તાર સાગર જેટલો છે; તેમાં આ પ્રયોગ તો માત્ર બિંદુવત્ છે.
ગૌરક્ષા હિંદુ ધર્મનું એક અવિભાજ્યક અંગ છે. કોઇ પણ સાચો હરિજન ખોરાકને સારુ ઢોરને નહીં મરો. પણ અસ્પૃશ્ય બનીને તે મુડદાલ માંસ ખાવાની કુટેવ શીખ્યો છે. તે ગાયની હત્યા નહીં કરે પણ મરેલી ગાયનું માંસ બહુ જ સ્વાદથી ખાશે. શારીરિક દૃષ્ટિએ મુડદાલ માંસ ખાવું એના જેવી સૂગ ઉપજાવનારી વસ્તુ બીજી નહીં હોય. અને છતાં હરિજન ચમારના ઘરમાં જ્યારે મરેલી ગાય લાવવામાં આવે છે ત્યારે આખા કુટુંબનો આનંદ માતો નથી. બાળકો મુડદાની આસપાસ નાચે છે, અને ઢોરની ચામડી ઉતારવામાં આવે છે તે વખતે હાડકાં કે માંસના લોચા લઇને એકબીજા પર ફેંકે છે. અત્યાર હરિજન આશ્રમમાં રહેતો એક ચમાર તેના પોતાના હવે તજી દીધેલા ઘરનો ચિતાર આપતાં મને કહે છે કે એ મરેલું જાનવર જોઇને આખું કુટુંબ હરખધેલું બની જાય છે. હરિજનોમાં કામ કરતાં તેમની પાસે મુડદાલ માંસ ખાવાની આ આત્માને હણનારી કુટેવ છોડાવવી એ મનેે કેટલું કઠણ કામ લાગ્યું છે એ હું જાણું છું. ચામડાં કેળવવાનીરીતમાં સુધારો થાય તો મુડદાલ માંસ ખાવાનો રિવાજ આપોઆપ નાબૂદ થઇ જાય. આમાં ભારે બુદ્ધિનું અને મડદાં ચીરવાની કળાનું કામ રહેલું છે. આમાં ગૌરક્ષાની દિશામાં પણ એક ભારે પગલું રહેલું છે. જો આપણે ગાયની દૂધ દેવાની શક્તિ વધારવાની કળા શીખીએ નહીં, એની ઓલાદ સુધારીએ નહીં, ને બળદને ખેતીના તથા ગાડાં ખેંચવાના કામ માટે વધારે ઉપયોગી બનાવીએ નહીં, ગાયનાં છણમૂતરનો ખાતર તરીકે ઉપયોગ કરીએ નહીં, અને તે તથા તેનાં વાછડાં મરી જાય ત્યારે તેમનાં ચામડાં, હાડકાં, માંસ, આંતરડાં વગેરેનો સારામાં સારો ઉપયોગ કરવાને તૈયાર ન થઇએ, તો ગાય કસાઇને હાથે મર્યા વિના નહીં જ રહે.
અત્યારે તો હું ફક્ત મુડદાની જ વાત કરું છું. અહીં આટલું યાદ રાખવું ઘટે છે કે ઇશ્વરકૃપાએ ગામડાંના ચમારને કતલ થયેલા ઢોરનું નહીં પણ માત્ર મરેલા ઢોરનું જ ચામડું ઉતારવાનું હોય છે. તેની પાસે ઢોરના મુડદાને સુઘડ રીતે લઇ જવાનું સાધન નથી હોતું. એ એને ઊંચકે છે, ઢસડે છે, અને એમ કરતાં ચામડી ઉઝરડાય છે ને ઉતારેલા ચામડાની કિંમત ઘટે છે. ચમાર જે અમૂલ્ય અને ઉદાત્ત સમાજસેવા કરે છે તેનું જો ગ્રામવાસીઓ અને પ્રજાને ભાન હોય તો તેઓ તેને મુડદાં લઇ જવાની સહેલી અને સાદી રીતે શોધી આપશે, જેથી ચામડાને જરાયે નુકસાન થવા ન પામે.
ત્યાર પછીની ક્રિયા ઢોરનું ચામડું ઉતારવાની છે. આમાં ભારે કુશળતાની જરૂર રહે છે. મેં સાંભળ્યું છે કે ગામડાનો ચમાર એની ગામડિયા છરીથી આ કામ કરે છે તેના કરતાં એ વધારે સારું કે વધારે ઝડપથી બીજું કોઇ નથી કરી શકતું. શસ્ત્રવૈદ્ય પણ નથી કરી શકતા. જેમને એ બાબતનું જ્ઞાન જોઇએ તેમને મેં એ વિષે પૂછી જોયું છે. ગામડાના ચમાર કરતાં ચડી જાય એવી ઢબ તેઓ મને બતાવી નથી શકયા. આમ કહેવાનો અર્થ એ નથી ચડિયાતી ઢબ બીજી છે જ નહીં. હું તો માત્ર વાચકને મારા અતિ મર્યાદિત અનુભવનો લાભ આપું છું. ગામડાંનો ચમાર હાડકાંનો કશો ઉપયોગ કરી શકતો નથી. તે તેને ફેંકી દે છે. મડદાની ચામડી ઉતારાતી હોય તે વખતે કૂતરાં તેની આસપાસ ભમે છે, અને બધાં નહીં તો થોડાંક તો ઉઠાવી જાય છે. કૂતરાં એમનો ભાગ ઉઠાવી ગયા પછી જે બાકી રહે છે તે પરદેશ ચડાવવામાં આવે છે, અને હાથા, બટન ઇત્યાદિ રૂપે આપણે ત્યાં પાછું આવે છે.
બીજો રસ્તો આ મહાન ઉદ્યોગને શહેરોમાં લઇ આવવાનો છે. હિંદુસ્તાનમાં કેટલાંયે ચામડાંનાં કારખાનાં અત્યારે એ કામ કરી રહ્યાં છે. એની પરીક્ષા કરવાનો અહીં ઉદ્દેશ નથી. આમ એ ઉદ્યોગ શહેરોમાં લઇ આવવાથી હરિજનોને ભાગ્યે જ કંઇ લાભ થઇ શકે એમ છે; ગામડાંને તો એથીયે ઓછો થાય. એ ગામડાંનો બેવડો રંજાડ કરવાનો રસ્તો છે. હિંદુસ્તાનમાં ઉદ્યોગોને શહેરમાં લઇ આવવા ને મોટાં કારખાનાં મારફતે ચલાવવા એમાં ગામડાંનું અને ગામડાંની પ્રજાનું ધીમું પણ અચૂક મોત રહેલું છે. શહેરી ઉદ્યોગો હિંદુસ્તાનમાં સાત લાખ શહેરોમાં વસનારી તેની નેવું ટકાવસ્તીને કદી નભાવી નહીં શકે. આ ગામડાંમાંથી ચામડાં કેળવવાનો ને એવા બીજા ઉદ્યોગો ખસેડી લેવા એ હાથ ને બુદ્ધિના કૌશલ્યનો ઉપોયગ કરવાની જરાકે તક ગામડાંમાં હજુ રહી છે તે છીનવી લેવા બરોબર છે. અને જ્યારે ગામડાંના ઉદ્યોગો નામશેષ થઇ જશે ત્યારે ઢોર લઇને ખેતરમાં મજૂરી કરવી ને વરસના છ કે ચાર મહિના આળસમાં ગાળવા એટલું જ ગામડાંના લોકોના નસીબમાં રહી જશે; અને એમ થસે ત્યારે, મધુસૂદન દાસના શબ્દમાં કહીએ તો, ગામડાંના માણસ પશુના જેવા બની જ જવાનો; તેમને ન તો મનનું કે ન તો શરીરનું પોષણ મળવાનું, ને તેથી એમનાં આશા ને આનંદ પણ હણાઇ જવાનાં.
અહીં સો ટકા સ્વદેશીના પ્રેમીને માટે કામ પડેલું છે, અને એક મહાપ્રશ્ન ઉકેલવામાં શાસ્ત્રીય જ્ઞાનનો ઉપયોગ કરવાનો અવકાશ રહેલો છે. આ એક કામથી ત્રણ અર્થ સરે છે. એથી હરિજનોની સેવા થાય છે, ગ્રામવાસીઓની સેવા થાય છે, અને મધ્યમ વર્ગના જે બુદ્ધિશાળી લોકો રોજગારીની શોધમાં હોય તેમને આબરૂભેર કમાણી કરવાનું સાધન મળે છે. વળી બુદ્ધિશાળી લોકોને ગામડાંની પ્રજાના સીધા સંસર્ગમાં આવવાની સુંદર તક મળે છે એ લાભ તો જુદો જ.
સાબુ
ગામડાંઓ સાબુ જેવી વસ્તુ સાજીખારમાંથી ઘરમાં જ બનાવીને વાપરશે. એ સાબુમાં ટાટાના કે ગોદરેજના કારખાનાના સાબુ જેવી સુગંધ નહીં હોય, કે તેના જેવું સુંદર પૅંકિંગ નહીં હોય, પરંતુ ગામડાને માટે ખાદી જેટલી જ ઉપયોગિતા અને સ્વાવલંબન એમાં ભર્યા હશે.૩૬
હાથકાગળ
મને કહેવામાં આવ્યું છે કે હાથકાગળની પૂરતી મગા હોય તો તે મિલકાગળની કિંમતે પૂરો પાડી શકાય. હું જાણું છું કે કાગળની રોજરોજ વધતી જતી માગને હાથકાગળ કદી પહોેંચી વળી શકે નહીં. પણ સાત લાખ ગામડાં અને તેમના ઉદ્યોગોને ચાહનારાઓ, સહેલાઇથી મળી શકે તો, હાથકાગળ વાપરવા ઇચ્છે. હાથકાગળ વાપરનારા જાણે છે કે હાથકાગળમાં તેનું પોતાનું સૌંદર્ય છે. અમદાવાદના પ્રખ્યાત કાગળને કોણ નથી જાણતું ? ટકાઉપણામાં અને ઓપમાં ક્યો મિલકાગળ તેની બરાબર કરી શકે ?
જુની ઢબના ચોપડા હજી પણ આ જ કાગળના બને છે. પણ બીજા કેટલાક આવા ઉદ્યોગોની જેમ આ ઉદ્યોગ પણ નાશ પામતો જાય છે. થોડું ઉત્તેજન મળે તો તે નાશ ન પામે. હાથકાગળ બનાવવાની રીતો પર દેખરેખ રાખવામાં આવે તો તેમાં સુધારા થઇ શકે અને કેટલાક હાથકાગળમાં જે ક્ષતિઓ જણાય છે તે સહેજે સુધારી શકાય. આવા ઓછા જાણીતા ધંધાઓમાં પડેલા અસંખ્ય લોકોની આર્થિક સ્થિતિની તપાસ કરવા જેવી છે. તેમને દોરવણી અને સલાહ આપવામાં આવે તો તેઓ જરૂર સ્વીકારે અને તેમનામાં રસ લેનાર પ્રત્યે તેમને આભારની લાગણી થાય.૩૭
શાહી
હું જે ‘નીલ-કાલ’ શાહીથી લખું છું તે તેનાલી (આંધ્ર)થી આવે છે, એ કામમાંથી બારેક માણસનો નિભાવ થાય છે. મુશ્કેલીઓનો પાર નથી છતાં કામ આગળ વધતું જાય છે. બીજા કામ કરનારાઓએ મને શાહીના બીજા ત્રણ નમૂના મોકલેલા. એ બધા તેનાલીના મંડળની પેઠે માંડ માંડ નભી રહ્યા છે. મને એ વસ્તુમાં રસ પડ્યો. મેં એ લોકો જોડે પત્ર વહેવાર શરૂ કર્યો. પણ એમને એથી વધારે મદદ મારાથી ન થઇ શકી. સ્વદેશી સંઘ તો આ શાહીના નમૂનાઓની શાસ્ત્રીય રીતે થઇ શકી. સ્વદેશી સંઘ તો આ શાહીના નમૂનાઓની શાસ્ત્રીય રીતે પરીક્ષા કરે, એમાં રસ્તો બતાવે, અને સૌથી સારી જાત હોય તેને ઉત્તેજન આપે. આ સારો ને વિકાસ પામતો ઉદ્યોગ છે; એટલે એની પાછળ રસાયણશાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ થવાની જરૂર છે.૩૮
ગ્રામ-પ્રદર્શનો
ગામડાં કેવળ ટકી ન રહે પરંતુ મજબૂત અને સમૃદ્ધ પણ બને એમ જો આપણે ઇચ્છતા હોઇએ અને માનતા હોઇએ તો તેને માટે ગ્રામદૃષ્ટી એ જ એકમાત્ર સાચી દૃષ્ટી છે. જો આ સાચું હોય તો આપણાં ગ્રામ-પ્રદર્શનોમાં શહેરોના ભપકા અને ઠાઠ માટે કોઇ સ્થાન નથી. એમાં શહેરોના ખેલતમાશા કે બીજાં મનોરંજનોની પણ કંઇ જરૂર ન હોવી જોઇએ. ગ્રામ-પ્રદર્શન એ તમાશો ન બને; એ કમાણી માટેનું સાધન પણ ન બને. વેપારીઓના માલની જાહેરાતનું સાધન તો એ કદીયે ન જ બનવું જોઇએ. ત્યાં કોઇ ચીજનું વેચાણ ન થવા દેવું જોઇએ. એટલે સુધી કે ખાદી કે ગ્રામોદ્યોગની ચીજો પણ એમાં ન વેચાણી જોઇએ. ગ્રામપ્રદર્શન એ કેળવણીનું સાધણ બનનું જોઇએ. એ આકર્ષક હોવું જોઇએ અને એ જોઇને અને એ જોઇને ગ્રામવાસીને એક અથવા બીજો ગ્રામોદ્યોગ અપનાવવાનું મન થાય એવું હોવું જોઇએ. આજના ગ્રામજીવનના તરી આવતા દોષો અને ઊણપો એમાં બતાવતાં જોઇએ અને તેને દૂર કરવાનો ઉપાય પણ બતાવવો જોઇએ. ગ્રામસુધારણાનો વિચાર જ્યારથી પ્રચલિત થયો છે એને થયો છે અને એનો અમલ કરવામાં આવ્યો છે ત્યારથી આજ સુધીમાં આ દોષો અને ઊણપો દૂર કરવામાં કેટલી સફળતા મળી છે એ પણત્યાં બતાવવું જોઇએ. ગ્રામજીવનને કળાપૂર્ણ અને સુંદર કેવી રીતે બનાવાય એ પણ પ્રદર્શનમાં શીખવવું જોઇએ.
ઉપરની શરતો મુજબ ગ્રામ-પ્રદર્શનમાં શીખવવું જોઇએ એ હવે જોઇએ.
૧. પ્રદર્શનમાં ગામોના બે નમૂનાઓ હોવા જોઇએ-એક આજના ગામડાનો નમૂનો અને બીજો સુધરેલા ગામડાનો નમૂનો. સુધરેલું ગામ આખું તદ્દન સ્વચ્છ અને સુઘડ હશે. એનાં ઘરો, એના રસ્તાઓ, એની આજુબાજુની જગ્યા અને એનાં ખેતરો બધું સ્વચ્છ હશે. ઢોરોની હાલત પણ સુધારવી જોઇએ. ક્યા ગ્રામઉદ્યોગમાંથી વધારે આવક થાય છે અને તે કઇ રીતે બધું બતાવવા માટે પુસ્તકો, ચિત્રો અને નકશાઓનો ઉપયોગ કરવો જોઇએ.
૨. જુદા જુદા ગ્રામોદ્યોગો કેવી રીતે ચલાવવા, એને માટેનાં જરૂરી ઓજારો ક્યાંથી મેળવવાં અને કેવી રીતે બનાવવાં વગેરે પ્રદર્શનમાં બતાવવું જોઇએ. દરેક ઉદ્યોગની બધી જ પ્રક્રિયા પ્રક્રિયા પ્રત્યક્ષ બતાવવામાં આવે. એની સાથે સાથે નીચેની બાબતોને પણ પ્રદર્શનમાં સ્થાન આપવું જોઇએ.
(ક) ગામડાનો આદર્શ ખોરાક
(ખ) ગ્રામ ઉદ્યોગો અને યંત્રઉદ્યોગની સરખામણી
(ગ) પશુપાલનનો પ્રત્યક્ષ પાઠ
(ઘ) કળા વિભાગ
(ડ) ગામડાના પાયખાનાનો નમૂનો
(ચ) ખાતર અને રાસાયણિક ખાતર
(છ) ઢોરનાં ચામડાં, હાડકાં વગેરેનો ઉપયોગ
(જ) ગ્રામ-સંગીત, જુદી જુદી જાતમાં ગ્રામ-વાજિંત્રો, ગ્રામનાટકો
(ઝ) ગામડાની રમતગમતો, ગામડાના અખાડાઓ અને જુદી જુદી કસરતો
(ઝ) નયી તાલીમ
(ટ) ગામડાનાં દવાદારૂ
(ઠ) ગામડાનું પ્રસૂતિગૃહ
ઉપર બતાવેલા ધોરણને અનુસરીને આ યાદીને હજી લંબાવી શકાય. મેં અહીં જે કંઇ સૂચવ્યું છે તે ઉદાહરણ તરીકે જ સૂચવ્યું છે. આને સંપૂર્ણ કે સર્વગ્રાહી માની ન લેવું જોઇએ. મેં ચરખા અને બીજા ગ્રામઉદ્યોગોનો ઉલ્લેખ નથી કર્યો કારણ કે તે તો આવી જ જાય એમ માની લીધું છે. એ ન હોય તો પ્રદર્શન તદ્દન નકામું ગણાય.૩૯