ગ્રામ સ્વરાજ - 15 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગ્રામ સ્વરાજ - 15

૧૫

ખેતી અને પશુપાલન - ૨

જમીનનો સવાલ

જમીનની માલિકી

ખેડૂત ધરતીનું નૂર છે અને જમીન તેની છે અથવા હોવી જોઇએ - ઘેર બેસીને ખેતી કરાવનાર માલિક કે જમીનદારની નહીં.૧

જમીન અને બીજી બધી સંપત્તિ જે તેને માટે કામ કરે તેની છે. કમનસીબે મજૂરો આ સાદી અજ્ઞાત છે અથવા તેમને અજ્ઞાત રાખવામાં આવ્યા છે.૨

હું તો માનું છું કે જે જમીન તમે ખેડો છો તે તમારી માલિકીની હોવી જોઇએ. પણ ઘડીવારમાં એ ન બને. જમીનદારો પાસેથી તમે તે ખૂંચવી પણ ન શકો. અહિંસા અને તમારી પોતાની શક્તિ વિષેનું આત્મભાન એ જ એકમાત્ર રસ્તો છે.૩

ભલીભાંતે જીવવા રહેવા જોઇએ તે કરતાં વધુ જમીન કોઇ માણસ પાસે ન હોવી જોઇએ. આપણી આમપ્રજાનું દારુણ દારિદ્ય તેમની પાસે પોતાની કહી શકાય એવી કશી જમીન ન હોવાને કારણે જ છે એ વાતની કોનાથી ના પડાય એમ છે ?

પણ એ સુધારો એમ ઝટપટ કરાવી લેવાય તેવો નથી એ પણ સમજવું જરૂરી છે. જો એને અહિંસક માર્ગે કરાવવો હોય તો માલદાર તેમ જ મુફલિસ બેઉની કેળવણીથી જ એ સાધી શકાય. માલદારોને અભયદાન મળવું જોઇએ કે તેમની સામે કદી હિંસા આચરવામાં નહીં આવે. મુફલિસોને પણ સમજ મળવી જોઇએ કે એમની મરજી વિરુદ્ધ કશું કામ કરવાની એમને ફરજ પાડવાનો કોઇને પણ હક નથી, અને અહિંસા એટલે કે મરજિયાત કષ્ટ સહન કરવાની કળા શીખવાથી તેઓ પોતાની મુક્તિ સાધી શકે છે.૪

જમીનદાર અને ખેડૂત

હું તમને કહું છું કે, તમારી જમીનની માલિકી જેટલી તમારી છે તેટલી જ તમારા ખેડૂતોની છે.૫

હું ફક્ત એટલું નથી માનતો કે જમીનદારો અને મૂડીવાદીઓ સ્વભાવે જ શોષકો હોય છે, અથવા તેમના અને પ્રજાના હિત વચ્ચે પાયાનો અથવા કદી મેળ ન ખાય તેવો વિરોધ હોય છે. તમામ શોષણનો આધાર શોષિતોના રાજીખુશીના કે બળજબરીથી લીધેલા સહકાર ઉપર છે. આપણને કબૂલ કરવાનું ન ગમે છતાં એ હકીકત છે કે લોકો શોષકની આજ્ઞા માનવાની ના પાડે તો શોષણ થાય જ નહીં. પણ આપણો સ્વાર્થ આડે આવે છે અને આપણે આપણી બેડીઓને ચીટકી રહીએ છીએ. આ બધું થવું જોઇએ. જરૂર જમીનદારો ને મૂડીવાદીઓનો નાશ કરવાની નથી, પણ તેમની અને લોકોની વચ્ચેના આજના સંબંધો બદલીને વધારે તંદુરસ્ત અને વધારે શુદ્ધ કરવાની છે.૬

મારો ઉદ્દેશ તમારા હ્ય્દયને સ્પર્શવાનો અને તમારું પરિવર્તન કરવાનો છે જેથી તમે તમારી બધી ખાનગી મિલકત તમારા ગણોતિયાના રખેવાળ તરીકે રાખો અને તેનો ઉપયોગ મુખ્યત્વે તેમના ભલા માટે કરો. હુંએ હકીકતથી વાકેફ છું કે, કૉંગ્રેસની અંદર જ સમાજવાદી પક્ષ નામનો એક નવો પક્ષ હસ્તીમાં આવ્યો છે, અને એ પક્ષ જો પોતાની સાથે કૉંગ્રેસને લઇ જવામાં સફળ થાય તો શું થાય તે હું કહી શકતો નથી. પણ હું તદ્દન સ્પષ્ટ છું કે જો આપણી લાખોની જનતાનો પ્રામાણિક અને ખરો પ્રજામત લેવામાં આવે તો મિલકત ધરાવનારા વર્ગની મિલકત સામુદાયિક રીતે લઇ લેવાના પક્ષમાં લોકો મત નહીં આપે હું મૂડીદાર અને મજૂરના અથવા જમીનમાલિક અને ગણોતિયાના સહકાર અને મેળ માટે કામ કરું છું.૭

પણ મારે ચેતવણીનો સૂર કાઢવો જોઇએ. મેં મિલમાલિકોને હમેશાં કહ્યું છે કે, તમે મિલના એકલા માલિક નથી, કામદારો પણ તેની માલિકીમાં ભાગીદારો છે. હું તમને કહું છું કે તમારી જમીનની માલિકી જેટલી તમારી છે એટલી જ તમારા ખેડૂતોની છે, અને તેમને જે કાંઇ નફો મળે તે તમારે મોજવિલાસ અને ઉડાઉ જીવન પાછળ ન વેડફવો જોઇએ, પણ ખેડૂતોના ભલા માટે વાપરવો જોઇએ. એક વાર તમે તમારા ખેડૂતોને તમારી સાથેની નિકટતાની લાગણી અનુભવાવો અને એક જ કુટુંબના સભ્ય તરીકે તમારે હાથે તેમનું હિત જોખમાશે નહીં એવી સલામતીની તેમને ખાતરી થઇ જાય તો તમે નિશ્ચિત રહેજો કે, તમારી અને તેમની વચ્ચે ઘર્ષણ થશે નહીં અને વર્ગવિગ્રહ થશે નહીં.૮

મારે જમીનદારનું નિકંદન કાઢવું નથી, તેમ જમીનદાર વિના ન જ ચાલી શકે એવું પણ મને લાગતું નથી... હું જમીનદારોનાં ને બીજા ધનિકોનાં દિલ અહિંસક ઉપાયોથી પલટાવવાની આજ્ઞા રાખું છું, ને તેથી વર્ગવિગ્રહ અનિવાર્ય છે એમ હું માનતો નથી. કેમ કે જેટલો વિરોધ ઓછો કરવો પડે એ રીતે કામ લેવું એ અહિંસાનું એક આવશ્યક અંગ છે. ખેડૂતોને જે ક્ષણે પોતાની શક્તિનું ભાન થશે તે ક્ષણે જમીનદારી પદ્ધતિની અનિષ્ટ અસર નીકળી જશે. ખેડૂતો કહે કે જ્યાં લગી અમે અને અમારાં બાળબચ્ચાં સુખે ખાઇએ, પહેરીએ ને કેળવણી પામીએ એટલું એમને ન મળે ત્યાં લગી અમે હરગિજ જમીન નથી ખેડવાનો, તો બિચારો જમીનદાર શું કરી શકે ? વસ્તુતઃ શ્રમજીવી ખેડૂત તેણે ઉપજાવેલા પાકનો માલિક છે. જો શ્રમજીવીઓ બુદ્ધિપૂર્વક ભેગા થઇને જૂથ બાંધે તે તેમની શક્તિની સામે થવાની કોઇની તાકાત નથી. એ રીતે હું વર્ગવિગ્રહની આવશ્યકતા નથી માનતો. હું જો અને અનિવાર્ય માનું તો એનો ઉપદેશ કરતાં ને એ શીખવતાં અચકાઉં નહીં.૯

આદર્શ જમીનદાર ખેડૂતોનો આજનો બોજો ઘણોખરો ઓછો કરી નાખશે. તે ખેડૂતોના નિકટના સંપર્કમાં આવશે અને તેમની જરૂરિયાતો જાણી લેશે અને આજે તેમનો પ્રાણ નિચોવી રહેલી નિરાશાને બદલે તેમનામાં આશાનો સંચાર કરશે. ખેડૂતો સ્વચ્છતા અને આરોગ્યના નિયમો વિષે અજ્ઞાન છે એમ કહીને તે સંતોષ નહીં માને. ખેડૂતોને જીવનની જરૂરિયાતો મળી રહે તે માટે પોતે ગરિબાઇ સ્વીકારશે. પોતાના ખેડૂતોની આર્થિક સ્થિતિની તે તપાસ કરશે, શાળાઓ કાઢશે, જેમાં ખેડૂતોનાં બાળકો સાથે પોતાનાં બાળકોને ભણાવશે. તે ગામનાં કૂવા-તળાવ સાફ કરશે. તે ખેડૂતોને રસ્તા વાળવાનું ને જાજરૂ સાફ કરવાનું, પોતે આ આવશ્યક શ્રમ કરી બતાવીને, શીખવશે. તે પોતાના બગીચા ખેડૂતોના મુક્ત ઉપયોગ માટે કસા સંકોચ વગર ખુલ્લા મૂકશે. તે પોતાની મોજ માટે જે બિનજરૂરી ઇમારતો રાખી મૂકે છે તે બધાનો ઉપયોગ શાળાઓ, ઇસ્પિતાલો વગેરે માટે કરશે. જો મૂડીદાર વર્ગ સમયનાં એંધાણ ઓળખે, પોતાની સંપત્તિ પરના ઇશ્વરદત્ત અધિકાર વિશેની કલ્પના બદલે તો થોડા જ વખતમાં આજે જે ગામડાંને નામે ઓળખાય છે તે આઠ લાખ જ ઉકરડાને શાંતિ, સ્વાશ્રય અને આરામનાં સ્થળોનું રૂપ આપી શકાય. મને ખાતરી છે કે મૂડીદારો જાપાનના સેમુરાઇનું અનુકરણ કરે તો તેમને ખરેખર કંઇ હોવાનું નથી, બધું મેળવવાનું જ છે. બે જ શક્ય તાઓ છે : એક તો, મૂડીદારો પોતાનો વધારોનો સંગ્રહ રાજીખુશીથી આપી દે અને તેને પરિણામે પોતાનો સર્વ લોકો સાચું પ્રાપ્ત કરે, બીજી એ કે જો મૂડીદારો વખતસર જ જાગે તો અજ્ઞાન અને ભૂખ્યાં કરોડો લોકો દેશને એવી અંધાધૂંધીમાં ધકેલી દે જેને શક્તિશાળી સરકારનું લશ્કરી બળ પણ અટકાવી ન શકે. આ બે શક્યતાઓમાંથી પસંદગી કરવાની છે. મેં આશા રાખી છે કે હિંદુસ્તાન આ વિનાશ સફળતાપૂર્વક અટકાવી શકશે.૧૦

જમીનદારો પાણી પહેલાં પાળ બાંધે તો સારું છે. તેઓ કેવળ ગણોત ઉઘરાવવાની સ્થિતિ છોડી દે. તેઓ પોતાના ખેડૂતોના રક્ષક અને વિશ્વાસપાત્ર મિત્ર બને. તેઓ પોતાના ખાનગી ખજાના પર મર્યાદા રાખે. વિવાહ અને બીજે પ્રસંગે પરાણે લીધેલી ભેટના રૂપમાં, કે એક ખેડૂત પાસેથી જમીન બીજા ખેડૂત પાસે જતાં અથવા ગણોત ન આપવા માટે ખેડૂતનેં કાઢી મૂક્યા પછી તેને જ પાછો રાખતાં નજરાણાના રૂપમાં તેઓ ખેડૂત પાસેથી મહેસૂલ ઉપરાંતના જે ગેરવાજબી કરો લે છે તે જતા કરે. તેઓ ખેડૂતોને ગણોતની મુદત બાંધી આપે, તેમના કલ્યાણમાં ખરેખરો રસ લે, તેમનાં બાળકોને માટે સુવ્યવસ્થિત શાળાઓ, પુખ્ત માણસોને માટે રાત્રીશાળાઓ, માંદાને માટે ઇસ્પિતાલો અને દવાખાનાં પૂરાં પાડે, ગામડાંની સફાઇની સંભાળ રાખે, અને અનેક રીતે તેમનામાં એ લાગણી પેદા કરે કે જમીનદારો તેમના સાચા મિત્રો છે, અને વિવિધ સેવાઓના બદલામાં ઠરાવેલું મહેનતાણું લેનારા છે. ટૂંકામાં, તેમણે પોતાના દરજ્જાની યોગ્યતા સિદ્ધ કરવી જોઇએ. તેમણે મહાસભાવાદીઓ પર વિશ્વાસ રાખવો ઘટે. તેઓ પોતે જ મહાસભાવાદી બને. અને જાણે કે મહાસભા એ પ્રજા અને સરકાર વચ્ચેનો સેતુ છે. પ્રજાનું સાચું હિત જેને હૈયે હોય તે સૌ મહાસભાની સેવાનો ઉપયોગ લઇ શકે છે. મહાસભાવાદીઓ પોતાના પક્ષે એટલી કાળજી રાખશે કે ખેડૂતો જમીનદારો જોડેના કરાર ધર્મબુદ્ધિથી પાર પાડે. કાયદેસર હોય એટલા જ કરાર પાળે એવો મારો આશય નથી, પણ જે કરાર તેમણે પોતે વાજબી ગણીને સ્વીકાર્યા હોય તે બધા પાળે. તેમની જમીન તેમના એકલાની છે ને જમીનદારોનું તેમાં કશું લાગતું નથી, એ સિદ્ધાંતનો તેમણે અસ્વીકાર કરવો જોઇએ. તેઓ એક સંયુક્ત કુટુંબનાં માણસો છે અથવા હોવા જોઇએ અને જમીનદાર એ કુટુંબનો વડીલ હોય અને તેમના હકોનું સંરક્ષણ કરતો હોય. કાયદો ગમે તે હોય, જમીનદારી જો સંયુક્ત કુટુંબની સ્થિતિ સમીપ પહોંચે તો જ તેનો અભાવ થઇ શકે.

રામ અને જનકનો આદર્શ મને ગમે છે. પ્રજાની સામે તેમની પાસે કશી મિલકત ન હતી. તેઓ પોેતે અને તેમનું સર્વસ્વ પ્રજાનાં હતાં. તેઓ પ્રજાની વચ્ચે તેના જીવનથી ઊંચે નહીં, પણ તેને મળતી સ્થિતિમાં રહેતા હતા. પણ તેમને કદાચ ઐતિહાસિક વ્યક્તિઓ ન ગણવામાં આવે, તો મહાન ખલીફ ઉમરનું દૃષ્ટાંત લઇને. તે પોતાના પ્રૌઢ બુદ્ધિકૌશલ્ય અને અજબ ઉદ્યોગથી પેદા કરેલી વિશાળ સલ્તનતના બાદશાહ હતા. છતાં તે ભિખારીની જિંદગી ગાળતા અને પોતાને ચરણ આગળ પડેલી અઢળક સમૃદ્ધિના માલિક કદી ગણતા નહીં. જે અમલદારો પ્રજાના પૈસા મોજશોખમાં વેડફી નાખતા તેમને તેઓ ત્રાસરૂપ હતા.૧૧

જમીનદારોને મારે એટલું જ જણાવવું છે કે તમારી સામે જ ફરિયાદો કરવામાં આવે છે તે સાચી હોય તો મારે તેમને ચેતવવા જોઇએ કે તમારા દિવસો ભરાઇ ચૂક્યા છે, એમ જાણજો. કિસાનોના સ્વામી અને પ્રભુ તરીકે આજ સુધી તમે અમલ ભોગવ્યો, હવે તમારું એ વર્ચસ્વ ચાલું રહેવાનું નથી. ગરીબ કિસાનોના તમે ટ્રસ્ટી થઇને હું તમને નામધારી ટ્રસ્ટી થવાનું નથી કહેતો, સાચા ટ્રસ્ટી થવાને કહું છું. એવા ટ્રસ્ટીઓ પોતાની મહેનત અને મિલકતની સંભાળથી જે વધારે નહીં લે. ટ્રસ્ટી બનીને રહ્યા પછી તેમને સમજાશે કે કોઇ પમ જાતનો કાયદો તેમનો વાળ વાંકો નહીં કરી શકે. અરે, ખુદ કિસાનો તેમના મિત્રો બનીને રહેશે.૧૨

આજના રાજા વગેરે સંરક્ષક અથવા ટ્રસ્ટી બને એવી આશા જરૂર રખાય. કે નહીં એ સવાલ પૂછવા લાયક છે. મારી દૃષ્ટિએ આવી આશા જરૂર રખાય. એ લોકો પોતાની ઇચ્છાએ સંરક્ષક અથવા ટ્રસ્ટી નહીં બને તો કાળ તેમને એ માર્ગે ખેંચી જશે. એમ નહીં કરે તો તેઓ પોતાનો નાશ વહોરી લેશે. જ્યારે પંચાયતરાજ થશે ત્યારે પંચ બધું કરાવી લેશે. જમીનદાર, પૂંજીપતિ કે રાજા પોતાની તાકાત ત્યાં લગી જ નભાવી શકે, જ્યાંલગી પ્રજા પોતાની તાાકાત નથી ઓળખતી. લોક રૂઠે તો રાજા વગેરે શું કરી શકે ? પંચના રાજ્યમાં પંચ બધું પોતાના કાયદા વડે કરાવી લેશે.૧૩

આપણા પૂર્વજો આપણને સાચો સમાજવાદ આપી ગયા છે. તેમણે શીખવ્યું છે :

સબી ભોમ ગોપાલકી વાર્મે અટક કહાં ?

જાકે મનમેં ખટક રહી સોહી અટક રહા,

ગોપાળ એ તો ઇશ્વરનું નામ છે. આધુનિક ભાષામાં એનો અર્થ રાજ્ય એટલે કે લોકો થાય. આજે ભૂમિ લોકોની માલિકીની નથી એ ખરું. પણ તેમાં ઉપરના શિક્ષણનો દોષ નથી. આપણે જેઓ તેનો અમલ કરતા નથી તેમનોદોષ છે. ૧૪

ભાવિની અહિંસક સમાજવ્યવસ્થામાં જમીનની માલકી રાજ્યની રહેશે કેમ કે આપણે ત્યાં પહેલેથી કહેવાતું આવ્યું છે કે ‘સભી ભૂમિ ગોપાલકી’. નવી સમાજવ્યવસ્થામાં વિશેષ શક્તિઓ કે આવડતોનો અને મજૂરીનો એમ એકેનો બગાડ નહીં થાય. પણ હિંસાને રસ્તે એવું બનવાનો સંભવ નથી. તેથી હિંસા દ્ધારા જમીનદારો પૂરેપૂરા તારાજ થશે તેની સાથે આખરે મજૂરો પણ તારાજ થઇ જશે એમ કહેવામાં દેખીતી વાત ફરી કહેવા જેવું પિષ્ટપેષણ થાય છે. એટલે જમીનદારો જો ડહાપણથી ચાલશે તો કોઇ પક્ષને ગુમાવવાપણું નહીં રહે.