૧૩
પાયાની કેળવણી
૧
બુનિયાદી કેળવણીનો સામાન્ય પણે એવો અર્થ કરવામાં આવે છે કે હાથકામના કોઇક હુન્નર મારફતે કેળવણી આપવી. પણ એ તો એનો અમુક અંશ પૂરતો જ અર્થ થયો. નઇ તાલીમનાં મૂળ એથીયે વધારે ઊંડાં જાય છે. એનો પાયો છે સત્ય અને અહિંસા. વ્યક્તિગત સામાજિક બંને જીવનનો પણ એ જ પાયો છે. મુક્તિ આપે તે જ ખરી વિદ્યા - સા વિદ્યા યા વિભુક્તયે ! જૂઠ અને હિંસા માણસને બંધનમાં જકડે છે. એ બંનેને કેળવણમાં કોઇ સ્થાન ન હોય. કોઇ ધર્મ એવું નથી શીખવતો કે બચ્ચાને જૂઠાણાની અને હિંસાની કેળવણી આપો. વળી, સાચી કેળવણી હરેકને સુલભ હોય. થોડા લાખ શહેરીઓને માટે નહીં, ગામડાંના કરોડો રહેવાસીઓ માટે તે ઉપયોગી હોવી જોઇએ. એવી કેળવણી ચોપડીઓનાં ખાલી થોથાંમાંથી થોડી જ મળે છે ? વળી, વાડાબંધી કરનારા સંપ્રદાયો સાથે પણ એને કોઇ સંબંધ નથી. નવી તાલીમ ધર્મના તે વિશ્વવ્યાપી અને વિશ્વમાન્ય સિદ્ધાંતોની કેળવણી આપે છે જેમાંથી બધાયે સાંપ્રદાયિક ધર્મો નીકળ્યા છે. આવી કેળવણી જીવનના ગ્રંથમાંથી જ મળે. એને સારુ કોઇ ખર્ચ કરવાનો નથી હોતો અને કોઇ શક્તિ એને છીનવી લઇ શકતી નથી.૧
બુદ્ધિનો ખરો વિકાસ હાથ પગ કાન ઇત્યાદિ અવયવોના સદુપયોગથી જ થઇ શકે. એટલે કે, શરીરનો જ્ઞાનપૂર્વક ઉપયોગ કરતાં બુદ્ધિનો વિકાસ સારામાં સારી રીતે નેવહેલામાં વહેલો થાય. આમાંય જો પારમાર્થિક વૃત્તિ ન ભળે તોય શરીર ને બુદ્ધિનો વિકાસ એકતરફી થાય છે. પારમાર્થિક વૃત્તિ એ હ્ય્દયનું એટલે આત્માનું ક્ષેત્ર છે. તેથી એમ કહી શકાય કે બુદ્ધિના શુદ્ધ વિકાસને સારુ આત્માનો અને શરીરનો વિકાસ સાથે સાથે ને એકસરખી ગતિએ ચાલવો જોઇએ. એટલે કોઇ કહે કે આ વિકાસો એક પછી એક થઇ શકે, તો તે ઉપરની વિચારશ્રેણી પ્રમાણે બરોબર ન હોવું જોઇએ.
હ્ય્દય, બુદ્ધિ અને શરીર વચ્ચે મેળ ન હોવાથી જે દુઃસહ પરિણામ આવ્યું છે તે પ્રસિદ્ધ છે. છતાં અવળા સહવાસને લીધે આપણે તે જોઇ નથી શકતા. ગામડાંના લોકો પશુંઓમાં ઊછરી માત્ર શરીરનો ઉપયોગ યંત્રવત્ થઇ શકે છે; બુદ્ધિનો ઉપયોગ કરતા જ નથી, કરવો પડતો નથી, હ્ય્દયની કેળવણી નહીં જેવી છે; એટલે નહીં તાંબિયાના, નહીં ત્રણના, નહીં તેરના, ને નહીં છપ્પનના મેળના, એવું તેઓનું જીવન વહે છે. બીજી તરફથી આધુનિક કૉલેજ લગીની કેળવણી જોઇએ તો ત્યાં બુદ્ધિના વિલાસને વિકાસને નામે આળખાવવામાં આવે છે. બુદ્ધિના વિકાસની સાથે શરીરને કંઇ મેળ નથી એમ ગણાય છે. પણ શરીરને કસરત તો જોઇએ જ, તેથી ઉપયોગ વિનાની કસરતોથી તેને નિભાવવાનો મિથ્યા પ્રયોગ થાય છે. પણ ચોમેરથી મને પુરાવો મળ્યા જ કરે છે કે, નિશાળોમાંથી પસાર થયેલાઓ મજૂરોની બરોબરી કરી શકતા નથી, જરા મહેનત કરે તો માથું દુખે છે, ને તડકામાં રખડવું પડે તો ચક્કર આવે છે.આ સ્થિતિ સ્વાભાવિક મનાવવામાં આવે છે. હ્ય્દયની વૃત્તિઓ, વણખેડાયેલા ખેતરમાં જેમ ઘાલ ઊગે છે તેમ, એની મેળે ઊગ્યા ને કરમાયા કરે છે. ને આ સ્થિતિ દયાજનક ગણવાને બદલે સ્તુતિપાત્ર ગણાય છે.
આથી ઊલટું, જો બચપણથી બાળકોનાં હ્ય્દયની વૃત્તિઓને જોઇતું વલણ મળે, તેઓને ખેતી રેંટિયા ઇ૦ ઉપયોગી કામમાં રોકવામાં આવે, અને જે ઉદ્યોગ વડે તેમનાં શરીર કસાય તે ઉદ્યોગની ઉપયોગિતા ને તેને અંગે વપરાતાં ઓજારો વગેરેની બનાવટ વગેરેનું જ્ઞાન આપવામાંઆવે, તો બુદ્ધિનો વિકાસ સહેજે સધાય ને નિત્ય તેની કસોટી થાય. આમ કરતાં જે ગણિતશાસ્ત્ર ઇત્યાદિના જ્ઞાનની આવશ્યકતા હોય તે અપાતું જાય ને વિનોદાર્થે સાહિત્યાદિનું જ્ઞાન અપાતું હોય, તો ત્રણે વસ્તુની સમતોલતા સધાય ને અંગ વિકાસ વિનાનું ન રહે. મનુષ્ય માત્ર બુદ્ધિ નથી, માત્ર શરીર નથી, માત્ર હ્ય્દય કે આત્મા નથી. ત્રણેના એકસરખા વિકાસમાં મનુષ્યનું મનુષ્યત્વ સધાય. આમાં ખરું અર્થશાસ્ત્ર છે.૨
આપણે જો ગામડાંને અનુકૂળ અને લાભદાયી એવી કેળવણી આપવી હોય, તો વિદ્યાપીઠને ગામડાંમાં લઇ જવી જોઇએ. આપણે એને એવા અધ્યાપનમંદિરનું રૂપ આપવું જોઇએ કે જેમાં આપણે શિક્ષકોને ગ્રામવાસીઓની હાજતોને અનુકૂળ એવું શિક્ષણ આપવાની તાલીમ આપી શકીએ. શહેરમાં અધ્યાપનમંદિર રાખીને ગામડાંમાં ગામડાંને અનુકૂળ એવી ઢબે શિક્ષણ આપનારા શિક્ષકો તૈયાર ન કરી શકાય. શહેરમાં રહેનારા માણસોને ગામડાંના પ્રશ્નોમાં રસ લેતા ને ગામડાંમાં રહેતા કરવા એ કંઇ સહેલું કામ નથી. આનો પુરાવો મને સેગાંવમાં રોજ મળ્યાં કરે છે. એમ સેગાંવમાં એક વરસ રહ્યા એથી ગ્રામવાસી બની ગયા છીએ કે ગામડાંના લોકો સાથે સાર્વજિક હિતની બાબતોમાં તાદાત્મ્ય સાધી શક્યા છીએ, એમ હું ખાતરીપૂર્વક તમારી આગળ કહી શકતો નથી.
પછી પ્રાથમિક શિક્ષણની વાત. મારો તો દૃઢ અભિપ્રાય છે કે, કક્કા અને વાચનલેખનથી બાળકના શિક્ષણનો આરંભ કરવાથી તેની બુદ્ધિનો વિકાસ કુંઠિત થાય છે. બાળકોને ઇતિહાસ, ભૂગોળ, લેખાં ને કાંઇક કળા (દા. ત. કાંતવાની)નાં મૂળતત્ત્વો ન આવડે ત્યાં લગી હું એમને કક્કો ન શીખવું. આ ત્રણ વસ્તુઓ મારફતે હું એમની બુદ્ધિનો વિકાસ સાધું. તકલી કે રેંટિયા વાટે એમની બુદ્ધિનો વિકાસ શી રીતે થઇ શકે, એ પ્રશ્ન કદાચ પુછાય. કાંતવાનું જો જડ યંત્રવત્ ન શીખવવામાં આવે, તો એ વાટે તો બુદ્ધિનો અદ્ભુત વિકાસ થઇ શકે. દરેક ક્રિયા કેમ ને શા માટે થાય છે એ બાળકને સમજાવતા જાઓ, તકલી કે રેંટિયાની રચના સમજાવો, રૂનો અને સંસ્કૃતિ સાથેના એના સંબંધનો ઇતિહાસ એને સંભળાવો, કપાસ જ્યાં ઊગતો હોય એ ખેતરમાં એને લઇ જાઓ, એ કાંતે એ તાર ગણતાં શીખવો, તો તમે એને એમાં રસના ઘૂંટડા આપી શકો ને મનને કેળવણી પણ આપી શકો. આ પ્રારંભિક શિક્ષણને માટે હું છું મહિના આપું. તે પછી બાળક કદાચ વાંચવા ને કક્કો શીખવા તૈયાર થઇ રહે. એને ઝપાટાબંધ વાંચતાં આવડે એટલે તે સાદાં ચિત્રો દોરવાનું શીખવા તૈયાર થાય. ભૂમિતિની આકૃતિઓ ને પંખી વગેરેનાં ચિત્રો દોરતાં આવડે એટલે પછી એ જે મૂળાક્ષરો શીખશે તે ભૂંડા જેવા નહીં કાઢે, પણ સુંદર ચિત્રની પેઠે દોરશે. મને બચપણમાં કક્કો શીખવવામાં આવેલો એ દિવસો મને યાદ છે. એ શીકતાં મને કેટલી મુસીબત પડેલી એ હું જાણું છું. મારી બુદ્ધિ કેમ કટાઇ જતી હતી એ સમજવાની કોઇને પરવા નહોતી. હું માનું છું કે લેખન એ એક સુંદર કળા છે. આપણે નાનાં બાળકોને પરાણે કક્કો શીખવીને અને એનાથી જ શિક્ષણનો આરંભ કરીને એ કળાનો ઘાત કરીએ છીએ. આમ આપણે જ્યારે બાળકને કવેળાએ કક્કો શીખવવા મથીએ છીએ, ત્યારે લેખનકળાને હણીએ છીએ અને બાળકનો વિકાસ થતો રોકીએ છીએ.૩
ગામડાંનાા ઉદ્યોગોને શિક્ષણના મધ્યબિંદુ તરીકે ગણવા જોઇએ, એ વિષે મને તો લવલેશ શંકા નથી. હિંદુસ્તાનની નિશાળોમાં જે પદ્ધતિ ચાલે છે તેને હું કેળવણી - એટલે કે મનુષ્યમાં રહેલું હીર બહાર લાવવું - કહેતો નથી; એ તો બુદ્ધિનો વ્યભિચાર છે. બાળકોનાં મગજમાં ગમે તેમ હકીકતો ઠાંસવામાં આવે છે. જ્યારે આરંભથી ગ્રામઉદ્યોગ કેન્દ્રમાં રાખીને મનને કેળવવાની પદ્ધતિ મનનો સીધો અને વ્યવસ્થિત વિકાસ સાધે છે, અને તેની બુદ્ધિશક્તિ તેમ જ પરોક્ષ રીતે આત્મશક્તિ પણ એળે જતી અટકાવે છે ને એ શક્તિમાં વધારો કરે છે.૪
મારી કલ્પના પ્રમાણેની નિશાળમાં બાળકોને જે હાથઉદ્યોગ શીખવવામાં આવે તેની મારફતે તેમને દરેક પ્રકારનું શિક્ષણ મળશે ! એમાં અક્ષરજ્ઞાનનો સમાવેશ થઇ જાય છે. મારી યોજના અનુસાર હાથ ચિત્ર પાડે કે અક્ષર લખે તે પહેલાં તે ઓજાર વાપરવા લાગશે. આંખ જેમ જગતની બીજી વસ્તુઓને જુએ છે, તેમ અક્ષરો અને શબ્દોનાં ચિત્રો વાંચશે. કાન ચીજો અને વાક્યોનાં નામ અને અર્થો ઝીલી લેશે. આ આખી શિક્ષણપ્રગતિ સ્વાભાવિક હશે, બાળકને રસ પમાડે એવી હશે, ને તેથી દેશમાં ચાલતી બદ્ધતિઓના કરતાં એ વધારે વેગવાળઈ ને સસ્તી હશે. એટલે મારી નિશાળનાં બાળકો જેટલી ઝડપથી લખશે એના કરતાં ઘણી વધારે ઝડપથી વાંચશે. અને તેઓ લખશે ત્યારે હું અત્યારે પણ (મારા શિક્ષકોને પ્રતાપે) બિલાડાં ચીતરું છું તેમ તેઓ નહીં ચીતરે, પણ તેઓ જેમ પોતે જોયેલી ચીજોનાં યથાર્થ ચિત્રો દોરશે તેમ શુદ્ધ ને સુરેખ અક્ષરો પણ ચીતરશે. મારી કલ્પના પ્રમાણેની નિશાળો કદી પણ અસ્તિત્વમાં આવે તો હું કહેવાની હામ કરું છું કે, તેઓ વાચનની બાબતમાં સૌથી આગળ વધેલી નિશાળોની સાથે હરિફાઇ કરી શકશે : અને જો લેખન આજે ઘણીખરી જગાએ થાય છે તેમ અશુદ્ધ નહીં પણ શુદ્ધ હોવું જોઇએ એમ સૌ સ્વીકારે, તો મારી નિશાળો લેખનની બાબતમાં સુધ્ધાં કોઇ પણ નિશાળની બરોબરી કરી શકશે.૫
પ્રાથમિક શિક્ષણનો ક્રમ વધારીને ઓછામાં ઓછાં સાત વરસનો કરવો જોઇએ; મૅંટ્રિકમાંથી અંગ્રેજી બાદ કરીએ અને ઠીક ઠીક ઉદ્યોગ શિક્ષણ ઉમેરીએ એટલું સામાન્યજ્ઞાન એટલા વખતમાં અપાવું જોઇએ.
બાળકો અને બાળાઓના સર્વાંગી વિકાસને સારુ સર્વ શિક્ષણ, બની શકે ત્યાં લગી, કંઇક લાભદાયક ઉદ્યોગો દ્ધારા અપાવું જોઇએ. બીજા શબ્દોમાં કહીએ તો, ઉદ્યોગો બેવડી ગરજ સારે - એક તો વિદ્યાર્થી પોતાના પરિશ્રમના ફળ દ્ધારા પોતાના શિક્ષણનું ખરચ આપી શકે; અને બીજું સાથે સાથે નિશાળમાં શીખેલા ઉદ્યોગથી તેનામાં રહેલું પુરુષત્વ કે સ્ત્રીત્વનો સર્વાંગી વિકાસ થાય.
જમીન, મકાનો અને સાધનસામગ્રીની કિંમત વિદ્યાર્થીની મહેનતની કમાણીમાંથી નીકળે એવો ઇરાદો રાખેલો નથી.
રૂ, ઊન અને રેશમની બધી ક્રિયાઓ - વીણવું, સાફ કરવું, (કપાસને લોઢવો), પીંજવું, કાંતવું, કાંજી પાવી, તાણી કરવી; ભરત, સીવણ, કાગળની બનાવટ, ચોપડીઓ બાંધવી, સુતારી, રમકડાંની બનાવટ, ગોળની બનાવટ, ચોપડીઓ બાંધવી, સુતારી, રમકડાંની બનાવટ, ગોળની બનાવટ વગેરે અવશ્ય એવા ઉદ્યોગ છે જે ઝાઝી મૂડીના રોકાણ વિના સહેલાઇથી શીખી ને ચલાવી શકાય.
છોકરાછોકરીઓ જે ઉદ્યોગો શીખે તેમાં તેમને કામ આપવાની બાંયધરી રાજ્ય આપે, કે રાજ્યે ઠરાવેલી કિંમતે એમણે બનાવેલો માલ ખરીદી લે, તો આ પ્રાથમિક કેળવણી એ છોકરાછોકરીઓને આજીવિકા કમાઇ લેવા જેટલું શિક્ષણ જરૂર આપે.૬
પણ આપણે પ્રજા તરીકે કેળવણીમાં એટલા પછાત છીએ કે, એ વિષયના કાર્યક્રમનો આધાર જો પૈસા પર રહેવાનો હોય તો આપણે એ બાબતમાં પ્રજા પ્રત્યેના આપણા કર્તવ્યનું પાલન કરવાની આશા કદી ન રાખી શકીએ. એટલે, મેં મારી રચનાકાર્ય કરવાની શક્તિ વિષેની સઘળી પ્રતિષ્ઠા ગુમાવી બેસવાનું જોખમ વહોરીને પણ કહેવાની હામ કરી છે કે, કેળવણી સ્વાવલંબી હોવી જોઇએ. કેળવણી એટલે બાળક કે મનુષ્યના શરીર, મન અને આત્મામાં જે ઉત્તમ અંશો હોય તેનો સર્વાંગી વિકાસ સાધીને તેને બહાર આણવા. અક્ષરજ્ઞાન એ કેળવણીનું અંતિમ ધ્યેય નથી તેમ તેનો આરંભ પણ નથી. એ તો સ્ત્રી અને પુરુષને કેળવણી આપવાનાં અનેકમાંનું એક સાધન પણ નથી. એ તો સ્ત્રી અને પુરુષાને કેળવણી આપવાનાં અનેકમાંનું એક સાધન માત્ર છે. અક્ષરજ્ઞાન એ સ્વતંત્રપણે કંઇ કેળવણી નથી. એટલે હું તો બાળકની કેળવણીનો આરંભ તેને કંઇક ઉપયોગી હાથઉદ્યોગી શીખવીને અને તેની કેળવણીનો આરંભ થાય તે ક્ષણથી એને કંઇક નવું સર્જન કરવાનું શીખવીને જ કરું. આ રીતે દરેક નિશાળ સ્વાવલંબી થઇ શકે. માત્ર શરત એ છે કે, નિશાળોએ તૈયાર કરેલી ચીજો રાજ્યે ખરીદી લેવી જોઇએ. હું માનુું છું કે, આ શિક્ષણપદ્ધતિમાં મન અને આત્માનો ઊંચમાં ઊંચો વિકાસ સાધવો શક્ય છે. માત્ર દરેક હાથઉદ્યોગ આજે શીખવાય છે તેમ જડ યંત્રવત્ નહીં પણ શાસ્ત્રીય રીતે શીખવાવો જોઇએ. એટલે કે, બાળકને દરેક ક્રિયા શા માટે કરવામાં આવે છે તે સમજાવવું જોઇએ. આ હું કંઇક આત્મવિશ્વાસપૂર્વક લખું છું કેમ કે એની પાછળ મારો અનુભવ પડેલો છે. જ્યાં જ્યાં મજૂરોને રેંટિયા પર કાંતતાં શીખવવામાં આવે ત્યાં બધે આ પદ્ધતિ ઓછીવત્તી દાખલ કરવામાં આવી છે. મેં જાતે એ પદ્ધતિએ ચંપલ સીવતાં ને કાંતતાં પણ શીખવ્યું છે, ને તેનાં સારાં પરિણામ મેળવ્યાં છે. આ પદ્ધતિમાં ઇતિહાસ ભૂગોળના જ્ઞાનનો બહિષ્કાર નથી પણ હું જોઉં છું કે, એ વિષયો મોઢામોઢ સામાન્ય માહિતી આપવાથી જ સારામાં સારી રીતે શીખવી શકાય છે. વાચન લેખનના કરતાં આ શ્રૌત પદ્ધતિથી દસ ગણું જ્ઞાન આપી શકાય છે. બાળક કે બાળા જ્યારે સારાસારનો ભેદ પાડતાં શીખે ને તેની અભિરુચિનો કંઇક વિકાસ થાય પછી તેને કક્કો શીખવવો જોઇએ. આ સૂચના આજની શિક્ષણપદ્ધતિમાં ક્રાંતિ કરવાનું સૂચવનારી છે. પણ એથી પાર વિનાની મહેનત બચી જાય છે, અને વિદ્યાર્થીને જે વસ્તુ શીખતાં ઘણો વધારે વખત લાગે તે આ રીતે એક વરસમાં શીખી શકે છે. આને પરિણામે બધી રીતની બચત થાય છે. બેશક વિદ્યાર્થી હાથઉદ્યોગ શીખતો જાય તેની સાથે સાથે ગણિતનું જ્ઞાન તો મેળવે જ.
પ્રાથમિક શિક્ષણને હું સૌથી વધારે સ્થાન આપું છું. મારી કલ્પના પ્રમાણે, એ શિક્ષણ અત્યારના મૅટ્રિકમાંથી અંગ્રેજી બાદ કરીએ એના જેટલું હોવું જોઇએ. બધા કૉલેજિયનો એકાએક એમનું ભણતર ભૂલી જાય તો, થોડાક લાખ કૉલેજિયનોની સ્મૃતિ આમ એકાએક ભૂંસાઇ જવાને લીધે જે નુકસાન થાય તે એક બાજુ મૂકો, ને બીજી બાજુ પાંત્રીસ કરોડ માણસોની આસપાસ જે અંધકારનો સાગર ઘેરાઇ વળેલો છે તે મૂકો; તો પહેલું નુકસાન બીજાની આગળ કશી વિસાતમાં નથી. દેશમાં જે નિરક્ષરતા વર્તે છે તેના આંકડા પરથી લાખો ગામડાંમાં પ્રવર્તી રહેલા ઘોર અજ્ઞાનનો પૂરતો ખ્યાલ આવી શકે એમ નથી.
હું તો કૉલેજની કેળવણીમાં ધરમૂળથી પલટો કરું ને એનો દેશની જરૂરિયાતોની સાથે મેળ સાધું. યંત્રશાસ્ત્રના ને બીજા ઇજનેરોને માટે પદવીઓ રખાય. એમને જુદા જુદા ઉદ્યોગોની જોડે જોડી દીદેલા હોય, ને એ ઉદ્યોગોને જે ગ્રૅજ્યુએટો જોઇએ તેમને તાલીમ આપવાનું ખરચ એ ચલાવનારા જ આપે. દાખલા તરીકે, ટાટા કંપનીની પાસે એવી અપેક્ષા રખાય કે, તેમને જે ઇજનેરો જોઇએ તેમને કેળવવાને માટે તે રાજ્યની દેખરેખ નીચે એક કૉલેજ ચલાવે. તે જ પ્રમાણે મિલમાલિકોનાં મંડળ મળીને પોતાને જોઇતા ગ્રૅજ્યુએટો કેળવવાની કૉલેજ ચલાવે. એવું જ બીજા અનેક ઉદ્યોગોને વિષે. વેપારને માટે પણ કૉલેજ હોય. પછી ‘આર્ટ્સ,’ ડૉક્ટરી ને ખેતીવાડી રહ્યાં. આજે કેટલીયે ખાનગી ‘આટર્સ’ કૉલેજો સ્વાવલંબનપૂર્વક ચાલી રહેલી છે. એટલે રાજ્ય પોતાની આટ્ર્સ કૉલેજો ચલાવવી બંધ કરે. ડૉક્ટરી કૉલેજો પ્રમાણપત્રવાળાં ઇસ્પિતાલોની સાથે જોડેલી હોય. એ કૉલેજો ધનિકોમાં લોકપ્રિય છે એટલે તેઓ એ કૉલેજોને નભાવવા માટે સ્વચ્છાએ પૈસા આપે એવી અપેક્ષા રખાય. અને ખેતીવાડીની કૉલેજો સ્વાવલંબી હોય તો જ એનું નામ સાર્થક થાય. મને કેટલાક ખેતીવાડીના ગ્રૅજ્યુએટોનો કડવો અનુભવ થયેલો છે. એમનું જ્ઞાન છીછરું હોય છે. એમને વહેવારુ અનુભવ હોતો નથી. પણ જો તેમને સ્વાવલંબી ને દેશની જરૂરિયાતો પૂરી પાડનારી વાડીઓમાં ઉમેદવારી કરવી પડી હોય, તો તેમને પદવી મેળવ્યા પછી ને જેની નોકરી કરતા હોય તેને ખરચે અનુભવ મેળવવાની જરૂર ન રહે.
યોગ્ય પ્રકારના શિક્ષકો મળી રહે તો આપણાં બાળકોને શરીરશ્રમમાં રહેવું ગૌરવ શીખવવામાં આવશે, તેઓ શરીરશ્રમને બુદ્ધિના વિકાસનું એક અવિભાજ્ય અંગ અને એક સાધન માનતાં શીખશે, અને સમજતાં થશે કે, પોતે જાતે મહેનત કરીને પોતાના શિક્ષણની કિંમત આપવી એમાં દેશની સેવા રહેલી છે. મારી સૂચનાના સારરૂપ વાત એ છે કે, બાળકોને હાથઉદ્યોગ શીખવવાના છે તે કેવળ એમની પાસે કંઇક ઉત્પાદક કામ કરાવવાને સારુ નહીં, પણ એમની બુદ્ધિનો વિકાસ સાધવા માટે. બેશક, જો રાજ્ય સાત અને ચૌદ વરસની વચ્ચેનાં બાળકોને પોતાના હાથમાં લે, અને ઉત્પાદક શ્રમ દ્ધારા એમનાં શરીર અને મનને કેળવે, તો નિશાળો સ્વાવલંબી થવી જ જોઇએ; ન થઇ શકે તો એ નિશાળો ધતિંગ હોવી જોઇએ ને શિક્ષકો બેવકૂફ હોવા જોઇએ.૮
અત્યાર સુધી આપણે છોકરાંનાં મગજમાં બધી જાતની માહિતી ઠાંસી ઠાંસીને ભરવાનો જ પ્રયત્ન કર્યા કર્યો છે, ને એમનાં મગજ જાગ્રત થાય ને એનો વિકાસ કેમ થાય એનો વિચાર કદી કર્યો જ નથી. હવે આપણે ‘રુક જાઓ’ નો પોકાર કરીએ અને શારીરિક કામ દ્ધારા બાળકને યોગ્ય કેળવણી આપવા પર આપણી બધી શક્તિ વાપરીએ. શારીરિક કામ એ ગૌણ પ્રવૃત્તિ ન હોય, પણ બૌદ્ધિક શિક્ષણનું મુખ્ય સાધન હોય.૯
હું જે જાતની નિશાળોની હિમાયત કરું છું તેમાં તો, છોકરાઓ હાઇસ્કૂલમાં અંગ્રેજી બાદ કરતાં જેટલું શીખે છે તે, અને તે ઉપરાંત કવાયત, સંગીત, આલેખન અને બેશક, એકાદ ઉદ્યોગ એટલું શીખશે.૧૦
હું માનું છું કે, કેળવણી ફરજિયાત અને મફત હોવી જ જોઇએ, પણ બાળકોને ઉપયોગી ઉદ્યોગ આપી તે મારફતે જ તેમનાં મન ને શરીર કેળવાવાં જોઇએ. હુંઅહીં પણ પૈસાની ગણતરી કરું છું તે અસ્થાને ન સમજવી જોઇએ. અર્થશાસ્ત્ર નૈતિક અને અનૈતિક હોય છે. નૈતિક અર્થશાસ્ત્રમાં બંને પાસાં સરખાં જ હોય, અનૈતિકમાં બળિયાના બે ભાગ તો હોય જ. એનું પ્રમાણ તેના બળ ઉપર આધારે રાખે છે. અનૈતિક અર્થશાસ્ત્ર જેમ ઘાતક છે તેમ જ નૈતિક આવશ્યક છે. તે વિના ધર્મની ઓળખ ને તેનું પાલન હું અસંભવિત માનું છું.૧૧
પ્રશ્ન એક રહે છે. ક્યા ઉદ્યોગ શહેરોમાં સગવડપૂર્વક શીખવી શકાય ? મારી પાસે તો ઉત્તર તૈયાર જ છે. હું જે ઇચ્છું છું તે ગામડાંઓનું બળ. આજ ગામડાં શહેરો સારુ નભે છે, તેની ઉપર નિર્ભર છે. આ અનર્થ છે. શહેરો ગામડાં ઉપર નિર્ભર રહે, પોતાના બળનું સિંચન ગામડાંમાંથી કરે, એટલે કે ગામડાંઓને વટાવવાને બદલે પોતે ગામડાંને ખાતર વટાવાય તો અર્થ સિદ્ધ થાય ને અર્થશાસ્ત્ર નૈતિક બને. આવા શુદ્ધ અર્થની સિદ્ધિને સારુ શહેરોનાં બાળકોના ઉપયોગને ગામડાંના ઉદ્યોગો સાથે સીધો સંબંધ હોવો જોઇએ. આમ થવાને સારુ મને જે અત્યારે સુઝે છે એ તો પીંજણથી માંડીને કાંતણ સુધીના ઉદ્યોગો છે. આજે પણ એવું તો કંઇક થાય જ છે. ગામડાં કપાસ પૂરો પાડે છે અને મિલો તેમાંથી કાપડ વણે છે. આમાં આરંભથી અંત લગી અર્થનો નાશ કરવામાં આવે છે. કપાસ જેમ તેમ વવાય છે, જેમ તેમ વિણાય છે, ને જેમ તેમ સાફ થાય છે. એ કપાસને ખેડૂત ઘણી વાર ખોટ ખાઇને રાક્ષસી જિનોમાં વેચે છે. ત્યાં તે બીજથી છૂટો પડી, કચરાઇ, અધમૂઓ થઇ મિલોમાં ગાંસડીબંધ જાય છે. ત્યાં તે વીંખાય છે, કંતાય છે, વણાય છે. આ બધી ક્રિયાઓ કેવી રીતે બને છે કે કપાસના હીરને બાળે છે ને તેને નિર્જીવ કરે છે. મારી ભાષાનો કોઇ દ્ધેષ ન કરે. કપાસમાં તો જીવ છે જ. એ જીવના પ્રત્યે કાં તો માણસ કોમળતાથી વર્તે, અથવા તો રાક્ષસની જેમ. અત્યારના વ્યવહારને હું રાક્ષસી વ્યવહાર ગણું છું.
કપાસની કેટલીક ક્રિયાઓ ગામોમાં તેમ જ શહેરોમાં થઇ શકે.આમ થતાં શહેર-ગ્રામનો સંબંધ નૈતિક ને શુદ્ધ થાય. બંનેની વૃદ્ધિ થાય ને આજનાં અવ્યવસ્થા, ભય, શંકા, દ્ધેષ નિર્મૂળ થાય અથવા મોળાં પડે. ગામડાંઓનો પુનરુદ્ધાર થાય. આ કલ્પનાનો અમલ કરતાં જૂજ દ્ધવ્યની જરૂર રહે છે. તે સહેજે સાધી શકાય છે. પરદેશી બુદ્ધિની કે પરદેશી યંત્રોની જરૂર નથી રહેતી. દેશની પણ અલૌકિક બુદ્ધિની ગરજ નથી પડતી. એક છેડે ભૂખમરો ને બીજે છેડે જે તવંગરી ચાલી રહ્યાં છે તે મટી બંનેનો મેળ સધાય. ને વિગ્રહ તથા ખુનામરકીનો જે ભય આપણને સદાય થથરાવી રહ્યો છે તે દૂર થાય. પણ બિલાડીને ગળે ટોકરી કોણ બાંધી શકે ? શહેરસુધરાઇનાં હ્યદય મારી કલ્પના ભણી કઇ રીતે વળે ? એનો જવાબ હું સેગાંવમાં બેઠો આપી શકું તેના કરતાં વધારે સારી રીતે તો શહેરના વિદ્યારસિક નાગરિક જ આપી શકે.૧૨
આવી કેળવણી અપાય તોતેનું સીધું પરિણામ એ આવે કે, તે સ્વાવલંબી બને. પણ એની સફળતાની કસોટી એ નથી કે તે સ્વાવલંબી બને; પણ શાસ્ત્રીય રીતે હાથઉદ્યોગનું શિક્ષણ આપતાં આપતાં બાળકની અંદર રહેલો સર્વાંગી મનુષ્ય બહાર આણેલો હોય, એ એની સફળતાની કસોટી છે. વસ્તુતઃ, જે શિક્ષક એને ગમે તેમ કરીને સ્વાવલંબી બનાવવાનું વચન આપે, તેને તો હું રાખું જ નહીં. શિક્ષણ સ્વાવલંબી નીવડે એ તો વિદ્યાર્થી પોતાની દરેક શક્તિનો ઉપયોગ કરતાં શીખ્યો હોય તેમાંથી ગૌણ રૂપે ફલિત થાય. જે છોકરો રોજના ત્રણ કલાક હાથઉદ્યોગનું કમ કરે, તે જો પોતાની આજીવિકા જેટલું કમાઇ શકે, તો જે છોકરો કામની સાથે સાથે મન અને આત્માનો વિકાસ પણ સાધે, તે તો કેટલું વધારે મેળવે !૧૩
પાયાની કેળવણીની ઉત્પત્તિ આ મુલકના વાતાવરણમાંથી થઇ છે, તેથી તેને પહોંચી વળવા સારુ થઇ છે. આ વાતાવરણ હિંદનાં સાત લાખ ગામડાં ને તેમાં વસનારા કરોડો ગામડિયામાં છવાયું છે. તેને ભૂલો એટલે ભીંત ભૂલ્યા. હિંદ તેનાં શહેરોમાં નથી, તેનાં ગામડાંમાં છે.
પાયાની કેળવણીના પાયા વિચારી જઇએ :
(૧) બધી કેળવણી સ્વાશ્રયી હોવી જોઇએ, એટલે કે સરવાળે મૂડી બાદ કરતાં બધું ખર્ચ પોતે ઉપાડે.
(૨) એ કેળવણીમાં છેવટ લગી હાથનો પૂરો ઉપયોગ થતો હોય, એટલે કે હાથ વડે કંઇક ઉદ્યમ છેવટ લગી થતો હોય.
(૩) કેળવણીમાં છેવટ લગી હાથનો પૂરો ઉપયોગ થતો હોય, એટલે કે હાથ વડે કંઇક ઉદ્યમ છેવટ લગી થતો હોય.
(૪) આમાં સાંપ્રદાયિક ધર્મને સ્થાન નથી. સાર્વજનિક નીતિને પૂરું સ્થાન હોય.
(૫) આ કેળવણી એવી છે કે જેને બાળક કે બીજા શીખે એટલે તે વિદ્યાર્થીના ઘરમાં ને ગામમાં પ્રવેશ કરે.
(૬) વળી, આ કેળવણી લેતા કરોડો વિદ્યાર્થીઓ પોતાને હિંદુસ્તાનનું અવિભાજ્ય અંગ ગણશે. તેથી બધા પ્રાંતના વિદ્યાાર્થી સમજી શકે એવી એક ભાષા હોવી જોઇએ. આ ભાષા બંને લિપિ-નાગરી અને ઉર્દૂમાં લખાતી હિંદુસ્તાની જ હોઇ શકે.૧૪
૨
બધા શિક્ષણનો કોઇક પાયાના ઉદ્યોગ સાથે સંબંધ સાધવો જોઇએ એમ મેં કહ્યું છે એ સાચું છે. તમે જ્યારે કોઇ ઉદ્યોગ વાટે સાત કે દસ વરસના બાળકને જ્ઞાન આપતા હો ત્યારે, શરૂઆતમાં, એ વિષયની સાથે જેનું અનુસંધાન ન સાધી શકાય એવા બધા વિષયો તમારે છોડી દેવા જોઇએ. એમ રોજેરોજ કરવાથી, તમે શરૂઆતમાં છોડી દીધેલી એવી ઘણી વસ્તુઓનું અનુસંધાન ઉદ્યોગ જોડે સાધવાના રસ્તા તમે શોધી કાઢશો. આવી રીતે તમે શરૂઆતમાં કામ લેશો તો તમે તમારી પોતાની ને વિદ્યાર્થીઓની શક્તિ બચાવી શકશો. આજે તો આપણી પાસે જેનો આધાર લઇ શકાય એવાં પુસ્તકો નથી, આપણને રસ્તો બતાવે એવાં અગાઉનાં દૃષ્ટાંતો નથી. તેથી આપણે આસ્તે આસ્તે ચાલવું રહ્યું છે. મુખ્ય વસ્તુ એ છે કે, શિક્ષકે પોતાના મનની તાજગી સાચવી રાખવી જોઇએ. જેનું ઉદ્યોગની સાથે અનુસંધાન ન કરી શકાય એવો કોઇ વિષય તમારી આગળ આવે તો તમે એથી ખિજાશો કે નિરાશ થશો નહીં, એને છોડી દેજો ને જે વિષયોનું અનુસંધાન સાધી શકો તે આગળ ચલાવજો સંભવ છે કે, બીજો કોઇ શિક્ષક ખરો રસ્તો શોધી કાઢશે ને એ વિષયનું ઘણાના અનુભવનો સંગ્રહ કરશો પછી તમને રસ્તો બતાવવાને પુસ્તકો પણ મળી રહેશે, જેથી તમારી પછી આવનારાઓનું કામ વધારે સરળ થઇ પડશે.
તમે પૂછશો કે, જે વિષયોનું અનુસંધાન ન સાધી શકાય તે ટાળી મૂકવાની ક્રિયા અમારે કેટલો વખત ચલાવવી ? તો હું કહું કે જિંદગીભર. અંતે તમે જોશો કે, ઘણી ચીજો જે તમે પહેલાં શિક્ષણક્રમમાંથી બાતલ રાખેલી તેનો તમે સમાવેશ કર્યો હશે, જેટલી વસ્તુઓ સમાવેશ કરવા યોગ્ય હતી તે બધીનો સમાવેશ થઇ ચૂક્યો હશે, અને તમે આખર સુધી જે બાતલ રાખી હશે તે બહું નિર્જીવ ને તેથી બાતલ રાખવા લાયક જ હશે. આ મારો જિંદગીનો અનુભવ છે. મેં ઘણી ચીજો બાતલ ન રાખી હોત તો હું જે ઘણી વસ્તુઓ કરી શક્યો છું તે ન કરી શક્યો હોત.
આપણી કેળવણીમાં ધરમૂળનું પરિવર્તન થવું જ જોઇએ. મગજને હાથ વાટે કેળવણી અપાવી જોઇએ. હું કવિ હોત તો હાથની પાંચ આંગળીઓમાં રહેલી અદ્ભુત શક્તિ વિષે કવિતા લખી શકત. મગજ એ સર્વસ્વ અને હાથપગ કંઇ નથી એવું તમે શા સારુ માનો છો ? જેઓ પોતાના હાથને કેળવતા નથી, જેઓ કેળવણીની સામાન્ય ‘ઘરેડ’માં થઇને પસાર થાય છે, તેમનું જીવન સંગીતશૂન્ય રહે છે, તેમની બધી શક્તિઓ કેળવાતી નથી. કેવળ પુસ્તકિયા જ્ઞાનમાં બાળકને એટલો રસ નથી પડતો કે એનું બધું ધ્યાન એમાં રોકાઇ રહે. મગજ ખાલી શબ્દોથી થાકી જાય છે, આંખ ન જોવાનું જુએ છે, કાન ન સાંભળવાનું સાંભળે છે; અને તેઓ અનુક્રમે જે કરવું, જોવું ને સાંભળવું જોઇએ તે કરતાં, જોતાં ને સાંભળતાં નથી. તેમને સાચી પસંદગી કરતાં શીખવવામાં આવતું નથી, અને તેથી તેમની કેળવણી ઘણી વાર તેમનો વિનાસ કરનારી નીવડે છે. જે કેળવણી આપણને સારાનરસાનો ભેદ કરતાં, સારું ગ્રહણ કરતાં ને નરસું તજતાં શીખવતી નથી તે ખરી કેળવણી જ નથી.
નિશાળમાં ચાલતા સામાન્ય અભ્યાસક્રમમાં એકાદ હાથઉદ્યોગ ઉમેરી દેવો એ જૂની કલ્પના હતી.એટલે કે, હાથઉદ્યોગને કેળવણીથી છેક જ અલગ રાખીને શીખવવાનો હતો. મને એ ગંભીર ભૂલ લાગે છે. શિક્ષકે ઉદ્યોગ શીખી લેવો જોઇએ અને પોતાના જ્ઞાનનું અનુસંધાન એ ઉદ્યોગ જોડેકરવું જોઇએ, જેથી તે પોતે પસંદ કરેલા ઉદ્યોગ દ્ધારા એ બધું જ્ઞાન પોતાના વિદ્યાર્થીઓને આપી શકે.
કાંતણનો દાખલો લો. મને ગણિત ન આવડે ત્યાં સુધી મેં તકલી પર કેટલા વાર સૂતર કાંત્યું, અથવા એના કેટલા તાર થશે, અથવા મેં કાંતેલા સૂતરનો આંક કેટલો છે, તે હું કહી ન શકું. એ કરવા માટે મારે આંકડા શીખવા જોઇએ, અને સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર પણ શીખવા જોઇએ. અટપટા દાખલા ગણવામાં મારે અક્ષરો વાપરવા પડશે, એટલે એમાંથી હું અક્ષરગણિત શીખીશ. એમાં પણ હું રોમન અક્ષરોને બદલે હિંદુસ્તાનની અક્ષરોના વાપરનો આગ્રહ રાખીશ.
પછી ભૂમિતિ લો. તકલીના ચકતા કરતાં વર્તુળનું વધારે સારું પ્રદર્શન શું હોઇ શકે ? એ રીતે હું યુક્લિડનું નામ પણ દીધા વિના વિદ્યાર્થીને વર્તુળ વિષે બધું શીખવી શકું.
વળી તમે કદાચ પૂછશો કે, કાંતણ મારફતે બાળકને ઈતિહાસ ભૂગોળ કેવી રીતે શીખવી શકાય ? થોડાક વખત પર ‘કપાસ - મનુષ્યનો ઇતિહાસ’ એ જાતનું એક પુસ્તક મારા જોવામાં આવ્યું હતું. એ વાંચતાં મને બહુ જ રસ પડ્યો. એ નવલકથા જેવું લાગ્યું. એની શરૂઆતમાં પ્રાચીનકાળનો ઇતિહાસ આપેલો હતો; અને પછી કપાસ પહેલો કેવી રીતે ને ક્યારે વવાયો, એનો વિકાસ કેવી રીતે થયો, જુદા જુદા દેશો વચ્ચે રૂનો વેપાર કેવો ચાલે છે, વગેરે વસ્તુઓ ર્વણવેલી હતી. જુદા જુદા દેશોનાં નામ હું બાળકને સંભળાવું તેની સાથે સ્વાભાવિક રીતે એ દેશોનાં ઇતિહાસભૂગોળ વિષે પણ કંઇક કહેતો જાઉં. જુદા જુદા કાળમાં જુદી જુદી વેપારી સંધિઓ કોના અમલમાં થઇ ? કેટલાક દેશોમાં બહારથી રૂ મંગાવવું પડે છે ને કેટલાકમાં કાપડ મંગાવવું પડે છે એનું કારણ શું ? દરેક દેશ પોતપોતાની જરૂર પૂરતું રૂ કેમ ઉગાડી ન શકે ? આ ચર્ચા મને અર્થશાસ્ત્ર અને કૃષિશાસ્ત્રનાં મૂળતત્ત્વો પર લઇ જશે. કપાસની કઇ જુદી જુદી જાતો છે, તે કેવી જાતની જમીનમાં ઊગે છે, તેને કેમ ઉગાડાય, તે ક્યાંથી મેળવાય, વગેરે માહિતી હું વિદ્યાર્થીને આપીશ. આમ તકલીકાંતણ પરથી હું ઇસ્ટ ઇન્ડિયા કંપનીના આખા ઇતિહાસ પર ઊતરું છું. એ કંપની અહીં કેમ આવી, તેણે આપણા કાંતણના ઉદ્યોગનો નાશ કેવી રીતે કર્યો, તેઓ આર્થિક ઉદ્દેશથી હિંદુસ્તાનમાં આવ્યા ને તેમાંથી રાજકીય સત્તા જમાવવાની આકાંક્ષા કેમ સેવતા થયા, એ વસ્તુ મોગલ અને મરાઠાની પડતીમાં, અંગ્રેજી રાજ્યની સ્થાપનામાં, અને પછી પાછા આપણા જમાનામાં જનસમૂહના ઉત્થાનમાં કારણરૂપ કેમ નીવડી છે, એ બધું પણ મારે વર્ણવવું પડશે. એમ આ નવી યોજનામાં શિક્ષણ આપવાનો અપાર અવકાશ પડેલો છે. અને બાળક એ બધું એનાં મગજ અને સ્મરણશક્તિ પર અનાવશ્યક બોજો પડ્યા વિના કેટલું વધારે જલદી શીખશે !
એ કલ્પના વધારે વિસ્તારથી વર્ણવી બતાવું. જેમ કોઇ પ્રાણીશાસ્ત્રીએ સારા પ્રાણીશાસ્ત્રી થવા માટે પ્રાણીશાસ્ત્રી ઉપરાંત બીજાં ઘણા શાસ્ત્રો શીકવાં જોઇએ, એ તો તે જ પ્રમાણે પાયાની કેળવણીને જો એક શાસ્ત્ર માનવામાંઆવે તો તે આપણને જ્ઞાનની અનંત શાખાઓમાં લઇ જાય છે. તકલીનો જ દાખલો વિસ્તારીને કહીએ તો, જે વિદ્યાર્થી શિક્ષક કેવળ કાંતણની યાંત્રિક ક્રિયા પર જ પોતાનું લક્ષ એકાગ્ર નહીં કરે (એ ક્રિયામાં તો બેશક એણે નિષ્ણાત થવું રહ્યું જ છે), પણ એ વસ્તુનું હાર્દ ગ્રહણ કરવા મથશે, તે તકલી અને તેનાં અંગઉપાંગનો અભ્યાસ કરશે. તકલીનું ચકતું પીતળનું અને ત્રાક લોખંડની કેમ હોય છે એ પ્રશ્ન તે પોતાના મનને પૂછશે. અસલ જે તકલી હતી તેનું ચકતું ગમે તેવું બનાવતું. એથી પણ પહેલાંની પ્રાચીન તકલીમાં વાંસની સળીની ત્રાક અને સ્લેટનું કે માટીનું ચકતું વપરાતાં. હવે તકલીનો શાસ્ત્રીય ઢબે વિકાસ થયો છે, અને ચકતું પીતળનું ને ત્રાક લોખંડની બનાવાય છે તે સકારણ છે. એ કારણ વિદ્યાર્થીઓએ શોધી કાઢવું જોઇએ. તે પછી વિદ્યાર્થીએ એ પણ તપાસ કરવી જોઇએ કે, એ ચકતાનો અમુક જ વ્યાસ કેમ રખાય છે ને ઓછોવત્તો કેમ રખાતો નથી. આ પ્રશ્નોનો સંતોષકારક ઉકેલ આણે ને પછી એ વસ્તુનું ગણિત જાણે એટલે તમારો વિદ્યાર્થી સારો ઇજનેર બને છે. તકલી એની કામધેનું બને છે. એની વાટે પાર વિનાનું જ્ઞાન આપી શકાય એમ છે. તમે જેટલી શક્તિ ને શ્રદ્ધાથી કામ કરશો તેટલું જ્ઞાન એ વાટે આપી શકશો. તમે અહિંયાં ત્રણ અઠવાડિયાં રહ્યા છો આ યોજના પાછળ મરી ફીટવા સુધીની તમારી તૈયારી થવા લાગી તમારામાં એ યોજના વિષે આસ્થા આ નિવાસ દરમ્યાન આવી હોય તો તમારું અહીં રહ્યું સફળ ગણાશે.
મેં કાંતણનો દાખલો વિસ્તારથી સમજાવ્યો છે એનું કારણ એ છે કે મને એવું જ્ઞાન છે. હું સુથાર હોઉં તો મારા બાળકને આ બધીં વસ્તુઓ સુથારી મારફતે શીખવું, અથવા કાર્ડબોર્ડનું કામ કરનાર હોઉં તો એ કામ મારફતે શીખવું.
આપણને ખરી જરૂર તો એવા કેળવણીકારોની છે જેમનામાં નવું નવું સર્જવાની ને વિચારવાની શક્તિ હોય, સાચાં ઉત્સાહ અને ધગશ હોય, અને જેઓ રોજ રોજ વિદ્યાર્થીને શું શીખવવું એ વિચારી કાઢે એવા હોય. શિક્ષકને એ જ્ઞાન જૂનાં થોથાંમાંથી નહીં મળે. તેણે પોતાની નિરીક્ષણની ને વિચાર કરવાની શક્તિનો ઉપયોગ કરવાનો છે. અને હાથઉદ્યોગની મદદ વડે જીભ મારફતે બાળકને જ્ઞાન આપવાનું છે આનો અર્થ એ છે કે, શિક્ષણપદ્ધતિમાં ક્રાંતિ થવી જોઇએ, શિક્ષકની દૃષ્ટિમાં ક્રાંતિ થવી જોઇએ. અત્યાર સુધી તમે નિરીક્ષકો (ઇન્સ્પેક્ટરો) ના રિપોર્ટોથી દોરવાતા આવ્યા છો. નિરીક્ષકને ગમે એવું કરવાની ઇચ્છા તમે રાખી છે, જેથી તમારી સંસ્થા માટે તમને વધારે પૈસા મળે અથવા તો તમને પોતાને પગારમાં વધારો મળે. પણ નવો શિક્ષક એ બધાની પરવા નહીં કરે. તે તો કહેશે, ‘હું જો મારા વિદ્યાર્થીને વધારે સારો માણસ બનાવું ને તેમ કરવામાં મારી સર્વ શક્તિ વાપરી નાખું તો મેં મારું કર્તવ્ય કર્યું ગણાશે. મારે માટે એટલું બસ છે.’૧૫
૩
ગામડાંનાં બાળકોને ઘડીને નમૂનેદાર ગામવાસીઓ બનાવવાનો આ કેળવણીનો આશય છે. તેની યોજના મુખ્યત્વે તેમનો ખ્યાલ રાખીને કરવામાં આવી છે. એ યોજનાની મૂળ પ્રેરણા પણ ગામડાંઓમાંથી આવી છે. જે મહાસભાવાદીઓ સ્વરાજની ઇમારતનું ઠેઠ પાયામાંથી ચણતર કરવા માગે છે તેમને દેશનાં બાળકોની ઉપેક્ષા કરવી પરવડે તેવી નથી. પરદેશી અમલ ચલાવનારા લોકોએ, અજાણપણે ભલે હોય, કેળવણીના ક્ષેત્રમાં પોતાના કાર્યની શરૂઆત અચૂકપણે ઠેઠ નાનાં છોકરાંઓથી કરી છે. આપણે ત્યાં પ્રાથમિક કેળવણીને નામે જે નમૂનો ઓળખાય છે તે એક ફારસ છે; ગામડાંઓમાં જે હિંદુસ્તાન વસે છે તેની જરૂરિયાતો કે માગણીઓનો જરાયે વિચાર કર્યા વિના તેની યોજના થઇ છે; અને આમ જુઓ તો શહેરોનો પણ તેમાં કશો વિચાર થયેલો નથી. પાયાની કેળવણી ગામડાંમાં શું કે શહેરોમાં શું, હિંદુસ્તાનનાં બધાંયે બાળકોને હિંદના જે કંઇ ઉત્તમ તેમ જ કાયમનાં તત્ત્વો છે, તેમની સાથે સાંકળી દે છે. એ કેળવણી બાળકનાં મન તેમ જ શરીર બંનેનો વિકાસ કરે છે; બાળકને પોતાની ભૂમિ સાથે જડી રાખે છે; તેને પોતાના તથા પોતાના મુલકના ભાવિનું ગૌરવભર્યું ચિત્ર બતાવે છે; અને તે ચિત્રમાં જોયેલું ભાવિ હિંદ રચવાના કાર્યમાં દરેક છોકરો કે છોકરી પોતે નિશાળે જતાં થાય તે દિવસથી જ પોતાનો ફાળો આપે એવી ગોઠવણ કરે છે.૧૬