ગ્રામ સ્વરાજ - 5 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગ્રામ સ્વરાજ - 5

ગ્રામ સ્વરાજ

ગામડાંનું સ્થાન

ગામડાંનું સેવા કરતી એટલે સ્વરાજની સ્થાપના કરવી. બીજું બધું મિથ્યા છે.

હું કહેતો આવ્યો છું કે ગામડાનો નાશ થશે તો હિંદુસ્તાનનો પણ નાશ થશે. પછી એ હિંદુસ્તાન નહીં રહે. જગતમાં એનું જે વિશિષ્ટ કાર્ય છે તે લુપ્ત થઇ જશે.

આપણે ગામડાંમાં વસતું હિંદ જે ભારતવર્ષના જેટલું જ પ્રાચીન છે તેની વચ્ચે અને શહેરો કે જે વિદેશી સત્તાએ ઊભી કરેલી સૃષ્ટિ છે તેની વચ્ચે પસંદગી કરવી રહી છે. આજે શહેરો ગામડાં પર સત્તા ચલાવી રહ્યાં છે અને તેને ચૂસી રહ્યાં છે. પરિણામે ગામડાં નાશ પામતાં જાય છે. મારું ખાદીમાનસ મને એમ સૂચવે છે કે, એ વિદેશી સત્તાના અસ્ત સાથે શહેરોએ પણ હિંદનાં ગામડાંની સેવાના વાહનરૂપ બનવું પડશે. ગામડાંની ચૂસ એ જ મોટી સંગઠિત હિંસા છે. જો આપણે અહિંસાની ભૂમિકા ઉપર સ્વરાજની રચના કરવી હોય તો આપણે ગામડાંઓને તેમનું યોગ્ય સ્થાન પાછું આપ્યે જ છૂટકો છે.૩

હું માનું છું કે હિંદુસ્તાને અને તેની મારફત દુનિયાએ પણ સાચી સ્વતંત્રતા મેળવવી હોય તો આજે નહીં તો કાલે ગામડાંમાં જ રહેવું પડશે; ઝૂંપડીમાં રહેવું પડશે, મહેલોમાં નહીં. અબજો માણસો શહેરોમાં અને મહેલોમાં સુખશાંતિથી કદી નહીં રહી શકે; ન એકબીજાનું ખૂન કરીને એટલે કે હિંસાથી, ન જૂઠથી એટલે કે અસત્યથી રહી શકે. એ જોડી (એટલે સત્ય અને અહિંસા) વિના માણસજાતનો વિનાશ જ છે એમાં મને લેશ પણ શંકા નથી. એ સત્ય અને અહિંસાનાં દર્શન આપણે ગામડાંની સાદાઇમાં જ કરી શકીએ છીએ. એ સાદાઇ રેંટિયામાં અને તેમાં જે જે વસ્તુ સમાઇ જાય છે તેમાં રહેલી છે. દુનિયા ઊલટી બાજુ જતી દેખાય છે એથી હું ડરતો નથી. એમ તો જ્યારે પતંગિયું પોતાના વિનાશ તરફ જાય છે ત્યારે સૌથી વધારે નાચે છે અને એમ કરતાં બળી જાય છે. એમ બને કે હિંદુસ્તાન એ પતંગનૃત્યમાંથી ન બચી શકે. મારો ધર્મ છેલ્લા શ્વાસ સુધી એને એની મારફત જગતની બચાવવાની કોશિશ કરવાનો છે.

ગ્રામ સ્વરાજ

ગ્રામ સ્વરાજનો મારો ખ્યાલ એવો છે કે દરેક ગામ એક સંપૂર્ણ પ્રજાસત્તાક હોવું જોઇએ. પોતાના જીવનની અત્યંત મહત્ત્વની જરૂરિયાતો માટે એ પ્રજાસત્તાક પોતાના પાડોશીઓથી સ્વતંત્ર હશે, પરંતુ જે બાબતોમાં સહકાર્ય અનિવાર્ય હશે તે બધાં કાર્યોમાં પાડોશીઓ સાથે પરસ્પર સહાયથી કાર્ય કરશે. એ મુજબ પોતાની જરૂરિયાત જેટલું ધાન્ય અને પોતાના કાપડ માટેનો કપાસ ઉગાડવાની તેની પહેલી ફરજ ગણાશે. પોતાનાં ઢોરને ચરવાને માટે તેમ જ બાળકોની રમતગમતો અને મોટેરાંઓના આમોદપ્રમોદને સારુ તે જમીન અલગ રાખશે. તે પછી જો ગામ પાસે જમીન ફાજલ રહેશે તો તેમાં ઉપયોગી, બજારમાં વેચી શકાય એવા પાકો લેવાશે - ઉપયોગી એટલે કે, તેમાં ગાંજોસ, તમાકું, અફીણ વગેરે જેવા પાકો નહીં આવે. દરેક ગામ પોતાનું એક નાટકઘર, પોતાની નિશાળ અને સભાગૃહ નભાવશે. ગામની દરેક વ્યક્તિને સ્વચ્છ પાણી મળે એવી જોગવાઇ કરવામાં આવશે. પૂરતી દેખરેખ નીચે નભાવવામાં આવતા કુવાઓ અથવા તળાવોથી આ કાર્ય પાર પડી શકશે. પાયાની કેળવણીના છેવટના ધોરણ સુધીની કેળવણી ફરજિયાત હશે. બની શકે ત્યાં સુધી દરેક દરેક પ્રવૃત્તિ સહકારી પદ્ધતિનાં સિદ્ધાંતો પ્રમાણે ચાલશે. આજે છે તેવી અસ્પૃશ્યતાની ચડતી ઊતરતી શ્રેણીઓવાળી જ્ઞાતિવ્યવસ્થા ત્યાં નહીં હોય. દરેક ગ્રામસમાજની સત્તા પાછળનું સાધન અથવા બળ સત્યાગ્રહ અથવા અસહકારની પદ્ધતિવાળી અહિંસા હશે. ગામે રાખવામાં આવતી યાદીમાંથી ગામની ફરજિયાત ચોકી માટે વારા પ્રમાણે ચોકિયાતો પસંદ કરવામાં આવશે. નિયમ પ્રમાણેની નક્કિ કરવામાંઆવેલી ઓછામાં ઓછી ચોક્કસ લાયકાતવાળાં ગામનાં પુખ્ત ઉંમરનાં સર્વ સ્ત્રી અને પુરુષો દર વર્ષે પાંચ જણની એક પંચાયત ચૂંટી કાઢશે અને તે ગામની સરકાર તરીકે ગામનાં બધાં જાહેરકાર્યો કરશે. આ પંચાયતને જરૂરની બધી સત્તા અને અધિકાર આપવામાં આવશે. હાલના માન્ય અર્થમાં શિક્ષાની કોઇ પદ્ધતિનો અમલ નહીં હોય, એટલે આ પંચાયત પોતાના અમલના એક વર્ષને માટે ગામની ધારાસભા, ન્યાયાધીશી અને કાર્વાહક મંડળ બનશે. કોઇ પણ ગામ આજે જ આવું પ્રજાસત્તાક બની શકે અને તેંમાં હાલની સરકાર - જેનો ગામ સાથેનો એકમાત્ર સક્રિય સંબંધ જમીનની મહેસૂલ ઉઘરાવીને ખેંચી જવા પૂરતો જ છે - પણ બહુ અંતરાય નહીં નાખે. પડોશનાં ગામો સાથેના અને જે હોય તે કેન્દ્ર સાથેના સંબંધનો વિચાર મેં અહીં નથી કર્યો. મારો હેતું તો ગ્રામ સ્વરાજ અથવા ગ્રામ સરકારની રૂપરેખા રજૂ કરવાનો જ છે. દરેક વ્યક્તિની સ્વતંત્રતાના પાયાઉપર રચાયેલી આ વ્યવસ્થામાં સંપૂર્ણ લોકશાહી રહેલી છે. એમાં પ્રત્યેક વ્યક્તિને હાથે પોતાની સરકારનું ઘડતર થાય છે. તે અને તેની સરકાર અહિંસાના નિયમને વશ છે. તે અને તેનું ગામ આખી દુનિયાના બળનો સામનો કરી શકે છે, કેમ કે પોતાના ગામના અને તેની આબરૂના રક્ષણને સારુ દરેક ગ્રામવાસી મરણને ભેટવા તૈયાર હોય એ નિયમથી બધાં ગ્રામવાસીઓ બંધાયેલાં હશે.

પણ અહીં જે ચિત્ર દોરેલું છે તેમાંં સ્વભાવતઃ એવું કશું નથી, કે જેથી તેની સિદ્ધિ અશક્ય બને. આવા પ્રકારના ગામના આદર્શ નમૂનાને પહોંચતાં કદાચ આખી જિંદગી કાર્ય કરવું પડે. સાચી લોકશાહી અને ગ્રામ જીવનનો આશક જો એકાદ ગામ પકડીને તેના જ ઘડતરને પોતાની સર્વસૃષ્ટિ અને સમગ્ર કાર્ય ગણીને બેસી જાય તો તે સારાં પરિણામો મેળવી શકશે. તેણે શરૂઆત ગામના ભંગી, કાંતણ-શિક્ષક, ચોકિયાત, વૈદ અને શાળા-શિક્ષક એ બધાનાંં કાર્યો એકીસાથે આરંભીને કરવી જોઇએ. એની સાથે તરત કોઇ ન જોડાય તો ગામનું ભંગીકામ અને કાંતણ કરતા રહીને તે સંતોષ મેળવશે. ૫

આદર્શ ગામડું

ભારતવર્ષના આદર્શ ગામડાની રચના એવી હશે કે સંપૂર્ણ સ્વચ્છતાં જાળવવાની અનુકૂળતા રહે. તેમાં પૂરતા હવાઅજવાળાવાળી ઝૂંપડીઓ હશે, ને તે આસપાસના પાંચ માઇલના ઘેરાવામાંથી મળતી સાધનસામગ્રીથી બનેલી હશે. ઝૂંપડીઓને વાડા રાખેલા હશે જેથી તેમાં વસનાર માણસો તેમના ઘરના ઉપયોગ પૂરતાં શાકભાજી ઉગાડી શકે ને ઢોર રાખી શકે. ગામડાંનાં રસ્તા ને શેરીઓ જેટલાં ધૂળ વિનાનાં બનાવી શકાય એટલાં બનાવાશે. ગામમાં ગામની જરૂરિયાત પૂરતા કૂવા હશે ને તેમાંથી પાણી ભરવાની સૌને છૂટ હશે, ઢોરને ચરવા માટે ગોચર હશે, સહકારી પદ્ધતિએ ચાલતું દુગ્ધાલય, ઔધોગિક શિક્ષણને કેન્દ્રમાં રાખીને ચાલતી પ્રાથમિક ને માધ્યમિક શાળાઓ, અને ઝઘડા પતાવવા માટે પંચાયતો એ ગામડાંમાં હશે. ગામડું પોતાના ખપ પૂરતાં અનાજ, શાકભાજી ને ફળ પકવી લેશે, ને પોતાના વાપર પૂરતી ખાદી પેદા કરી લેશે. આદર્શ ગામડા વિષેની મારી કલ્પનાની રૂપરેખા છે... મારી પાકી ખાતરી છે કે જો એમને બુદ્ધિપૂર્વક દોરનાર કોઇ હોય તો તેઓ વ્યક્તિઓની આવકથી ભિન્ન એવી આખા ગામડાની આવક બમણી તો કરી જ શકે આપણાં ગામડાંમાં સાધનસામગ્રીનો અખૂટ ભંડાર પડેલો છે. બધાનો વેપારી દૃષ્ટિએ ઉપયોગ ન થઇ શકે; પણ સ્થાનિક ને ઘરગથ્થુ ઉપયોગ તો લગભગ એમાંથી એકેએક ચીજનો લોકો એમની સ્થિતિ સુધારવાને જરાયે રાજી જ હોતા નથી.

ગ્રામસેવક સૌથી પહેલાં સફાઇના પ્રશ્નનો નિકાલ કરશે. ગ્રામસેવકને હંફાવી રહેલી ને લોકોનાં શરીરની પાયમાલી કરીને રોગનાં ઘર ઘાલનારી અનેક વસ્તુઓમાં સૌથી વધારે ઉપેક્ષા આની થઇ છે. ગ્રામસેવક જો સ્વચ્છાએ ભંગી બને તો તે ગામના મળ ઉઠાવી તેનું ખાતર બનાવવાના ને ગામની શેરીઓ વાળવાની કામથી આરંભ કરશે. શૌચાદિક માટે કયાં જવું ને એ ક્રિયાઓ કેવી રીતે કરવી એ તે લોકોને કહેશે, અને સફાઇની ઉપયોગિતા સમજાવી એ વિષે બેદરકારી રાખવાથી થતા ભારે નુકસાનનો ચિતાર તેમને આપશે. ગ્રામવાસીઓ પોતાનું કહેવું સાંભળે કે ન સાંભળે તોયે ગ્રામસેવક પોતાનું કાર્ય કર્યે જશે.૬

મારી કલ્પનાના ગામમાં વસતો માણસ જડ નહીં હોય - શુદ્ધ ચૈતન્ય હશે તે ગંદકીમાં, અંધારા ઓરડામાં જાનવરની જેમ જિંદગી ગુજારતો નહીં હોય.સ્ત્રી અને પુરુષ બન્ને સ્વતંત્રપણે જીવન જીવશે અને આખા જગતની સાથે ટક્કર લેવાને તૈયાર હશે. ત્યાં નહીં કૉલેરા હોય, નહીં મરકી હોય, નહીં શીતળા હોય. કોઇ આળસુ થઇને પડી નહીં શકે, ન કોઇ એશઆરામમાં રહેશે. બધાને શરીરશ્રમ કરવો પડશે. કદાચ રેલવે પણ હશે, ટપાલ પણ હશે.