લીલા પણ કોઠાડાહી તો હતી જ. તેણે આજ સાંજનું ભોજન સવલી માસીને જ બનાવવા કહી દીધું અને પોતે મનુને લઈ આવતીકાલ માટે શાક તેમજ ફળો લેવા નીકળી, જેથી પોતાને ઘરે જવાનું થાય તો પણ માસી ઘર બરાબર સંભાળી શકે. મનુ અભ્યાસમાં થોડો નબળો પણ રસ્તા બાબતે ચકોર હતો. તેને એક વખત જોયેલાં રસ્તા સુપેરે યાદ રહી જતાં. બેય જણ ખરીદી કરી, થોડો આજુબાજુનો વિસ્તાર જોઈ ઘરે પરત ફર્યાં. ત્યાં સુધીમાં રમીલાનાં પિતા પણ કામથી છૂટીને ઘરે આવી ગયા હતાં.
બધાંનાં આવતાં સુધીમાં સવલીએ શાક સમારી વઘારી દીધું હતું અને રોટલા બનાવવા માંડ્યાં હતાં. સમુએ પોતાની સમજણથી થાળી-વાટકીઓ કાઢી ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવી દીધાં હતાં. સાથે મેઘનાબહેનનાં પ્રેમનો સ્વાદ ધરાવતાં છૂંદો અને અથાણાંની બરણીઓ પણ ગોઠવી દીધી. જેમ જેમ રોટલા બનતાં ગયાં તેમ સવલી સિવાય બધાં જમવા બેઠાં.
લીલા, "માહી, તુંય બેહી જા ને જમવા?"
સવલી : "રમુન આવ્વા દે ન, એની હારે જ ખઈશ. એય આખ્ખા દા'ડાની થાકેલી અહે. કોણ જાણે, કૈં ખાધુંય અહે કે નૈ?"
લીલાએ તેને ધરપત આપતાં કહ્યું, "માહી, કાલથી એને બે ડબ્બા આપહું. એકમાં રોટલી-શાક ને બીજામં થોડું કોરે-કોરું એટલે, મોડી હાંજ હુધી ચાલે."
બેયની વાતોમાં દરવાજાની ઘંટડીથી વિક્ષેપ પડ્યો. મનુએ દોડતાં જઈને દરવાજો ખોલ્યો. રમીલા થાકી હશે એવો વિચાર કર્યાં વિના જ તેને વળગી પડ્યો. રમીલાએ તેનાં માથે હેતથી હાથ ફેરવ્યો અને તેનાં ખભા ફરતે હાથ મૂકી અંદર આવી. થોડાં દિવસ મેઘનાબહેનનાં ઘરે રહેલી સમુ રમીલા માટે ગ્લાસ ભરીને પાણી લઈ આવી. રમીલાએ સોફામાં બેઠક લઈ પાણી પીને સમુને સ્મિત આપ્યું. સમુએ તેનાં હાથમાંથી ગ્લાસ પાછો લીધો અને મનુએ તેનાં ટિફીન અને બોટલ લઈ રસોડામાં મૂકી આવ્યો.
પિતા બેય બાળકોની આ હરકતોથી મલકાતો સોફામાં બેસી રહ્યો હતો. તણે રમીલાને પૂછ્યું, "કેવો રયો તારો પે'લો દા' ડો, રમુ?"
રમીલા તેનું હંમેશ મુજબનું મધુર સ્મિત વેરતાં બોલી, "પિતાજી, બહુ જ મઝાનો હતો દિવસ અને ઉપરથી થકવી નાખે તેવો."
તે બોલ્યો, "રમુ, જલદી જમી લે પસી હુઈ જા. રજા ઓય તારે વાતો કરહું. ઓ લીલા, તાર બુનને ન માહીને જમાડી લે, જા."
રમીલા બોલી," હા, પિતાજી. પણ તમારો દિવસ કેવો રહ્યો?"
તે બોલ્યો, "મારોય તે બૌ મઝાનો દિ' ગ્યો. આ સેઠ તો બૌ હારો સ. મન હારે બેહાડીન જમાયડો. એના ઘેરથી બધ્ધાંનું ખાવાનું આવે અન બે ટેમ સા તો ખરી જ. પાસું હાંજે નાસ્તો મંગાઈવો' તો. ને કામ બી બધો સામાન મોટાં ખોખામાંથી કાડી કાડીને કાચની છાજલીઓમાં ગોઠવવાનું ન કોય આવે ન જે માંગે કાડીન આપ્પાનું. બે-ચાર દા'ડામાં બધ્ધી ચીજોનાં નામ બી હીખી જવા."
રમીલા," અરે વાહ, મારે શનિવારે અને રવિવારે, એમ બે રજાઓ હશે. હું શનિવારે આવીશ તમારી દુકાન જોવા. અને મા, તમે હજી નથી જમ્યાં? તમને તો સાત વાગતાંમાં જમવાની આદત છે."
સવલી બોલી," આ રમુ, પન તન મૂકીન આજ ખાવાનું મન જ ન થ્યું. ચલ, હાથ પગ ધોઈન આવી જા."
પછી બેય બાળકો સૂવા ગયાં અને લીલા મા-દીકરીને ભોજન પીરસતાં અલક-મલકની વાતો કરી રહી. થોડી જ વારમાં તેઓએ પણ જમી લીધું. લીલાએ તાજાં આણેલાં શાકભાજી છૂટાં પાડી ફ્રીજમાં મૂક્યાં અને થોડી જ વારમાં બધાં સૂવા ગયાં.
રમીલાએ ગાઢ નિંદ્રામાં સરી ગયેલાં સમુ અને મનુનાં કપાળે પ્રેમથી હાથ ફેરવ્યો અને લીલાને પૂછ્યું, "આ બેયનો શાળાનો પહેલો દિવસ કેવો રહ્યો?"
લીલા બોલી, "બોવ જ સરસ. બેયને બૌજ મઝા પડી. અહીં શિક્ષકો સમજે અને સમજાવે તેવાં છે. જોજેને બેયને, કેવા ઓંશિયાર થૈ જહે!"
અચાનક કાંઈ સ્ફૂરતાં તે ફરીથી બોલી, "તેં તાર મોટી માયન ફોન ન કયરો?
રમીલા હળવું મલકતાં બોલી," અરે લીલા, મોટી મા સાથે તો લંચબ્રેકમાં અને ઓફિસથી છૂટ્યા પછી એમ બે વખત વાતો થઈ ગઈ. પછી તેમણે જ ફોન કરવાની ના કહી. તેમને મારી નોકરી અને ઉચ્ચશિક્ષણથી આનંદ તો બહુ છે, પણ મા નો જીવ, એટલે હું આટલાં બધાં કલાકો પછી ઘરે આવું એટલે કેટલી થાકેલી હોઉં, ભૂખ લાગી ગઈ હોય. નવ વાગ્યે મેસેજ આવ્યો હતો કે હું પહોંચી ગઈ હોઈશ. જ્યારે હું ઉપર આવવા લિફ્ટમાં ચઢી ત્યારે જ મેં પ્રત્યુત્તર પાઠવી દીધો. બસ હવે એક મેસેજ શુભરાત્રીનો કરી દઉં એટલે તેમને પણ શાંતિથી ઊંઘ આવે."
રમીલાએ મોબાઈલ ફોન ઉપાડી ત્રણ મેસેજ મોકલ્યાં - એક મોટી મા ને, એક પાપાને અને એક સહોદરથીય અદકેરાં ભાઈ નિખિલને. તે ત્રણેય સાથેનો વિયોગ તેની ભીની થયેલ આંખોને છલકાવી જ દેત, પણ ત્યાં જ લીલાની વાતચીત શરૂ થઈ ગઈ.
લીલા, "કેટલું હારું, રમુ? સગ્ગી મા કરતાંય સગ્ગા છે તાર મોટી મા. મનેય બપોરે ફોન કરેલો. કે'તાં' તાં કે રામજીભૈનાં... "
રમીલાએ તેને વચ્ચે જ ટોકી," અરે લીલા, હવે રામજીભૈ કહેવાની આદત બદલ, નહીં તો લોકોને મૂંઝવણ થશે." અને હસી પડી.
લીલા, "મજાક ન કર રમુ. મને જ હમજાતું નથ કે એમને હું કૈ'ન બોલાઉં."
તેની વધારે હેરાનગતિ કરતાં રમીલા બોલી, "હમણાં તો આ' એમને' જ બરાબર છે. એક વખત લગ્ન નક્કી થાય એટલે બેય નિરાંતે વિચારજો, કોણ કોને શું કહીને બોલાવશે."
લીલા શરમાઈ ગઈ. આટલાં દિવસોમાં તેનાં મનમાં પણ રામજી પ્રત્યે કૂણી લાગણીઓ જન્મ લેવા માંડી હતી. તેને વધુ સંતોષ એ વાતનો હતો કે રામજીએ પોતાની અને મેઘજીની મધુર જીંદગી ખૂબ નજીકથી જોઈ હતી માટે તે પોતાની લાગણીઓને સમજી શકશે. ખરબચડાં કપડાંનાં આવરણ અને લાગણીઓને ક્યારેય નહીં પંપાળવાનાં ચીલા હેઠળ મજૂરવાસમાં મોટી થયેલ કિશોરી, કૉલેજ જતી યુવતીની વય ધરાવતી આ વિધવા, છેલ્લાં થોડાં વર્ષોથી કૉલેજનાં પ્રાંગણમાં આધુનિક વિચારસરણીવાળી વિદ્યાર્થીનીઓ અને સ્ત્રી પ્રાધ્યાપકોની નજીક રહી મનની લાગણીઓને ખૂબ નજીકથી અડી ચૂકી હતી માટે જ તે હવે કોઈ રસ્તાની કોરે આવેલ ઝૂંપડામાં રહી શકે તેમ નહતી કે ન તો પોતાને કોઈ મજૂરની પત્ની તરીકે કલ્પી શકતી હતી.
આમ પણ સ્ત્રીનું જીવન એક નદી સમાન જ હોય છે ને? એક વખત પર્વતરાજનાં ઘરે રાજ કરતી સરિતા જ્યારે સમુદ્ર તરફ ગમન કરે છે ત્યાર પછી તે ક્યારેય છોડેલાં સ્થાન ફરીથી જોવાં નથી આવતી. તે હંમેશા આગળ ને આગળ જ ગતિ કરતી રહે છે.
તેને વિચારમગ્ન જોઈ રમીલાએ ફરી છંછેડી, "તે લીલા, મોટી મા એ શું કહ્યું તને રામજીભૈ વિશે, હેં, હેં, બોલને?"
હળવો છણકો કરી લીલા બોલી, "આ, એ તો એમનાં મા-બાપુ અન ભૈ-બુન ચાર દિ' પસી આંય ક્વાટરમાં આવાનાં છ. તાર મોટી મા કે'તાં તા ક ઉં હાવ આ ધોળા લૂગડાં ન પે'રું. એ મન કાલ હાંજ બજારમાં નવા લૂગડાં લેવા લૈ જહે. માર પાંચ વાગે રિકસા કરી એમને ઘેર પોંચવાનું સ."
રમીલા, "સાચ્ચે જ, મોટી મા એટલું દૂરનું વિચારે છે. આપણને તો આવો વિચાર પણ ન આવે. પણ વાત એકદમ બરાબર છે. આ સફેદ સાડીમાં તો તું સાવ જ નિસ્તેજ દેખાય છે. અને હવે નવું જીવન માંડવું જ છે તો એ તો રંગબેરંગી જ હોવું જોઈએ."
પછી બેય બહેનો આમ જ વાતો કરતાં કરતાં ક્યારે સૂતી તેની તેમને પણ જાણ ન થઈ.
સવારે પાંચ વાગતામાં ફરી ઘર ધમધમી ઊઠાયું અને નવ વાગતામાં રસોડું અને બેઠકખંડ ખાલીખમ થઈ ગયાં. સવલી અને લીલાએ રોજીંદું કામકાજ આટોપી જમી લીધું. બપોરે સમુ અને મનુ ઘરે આવતાં તેમને જમાડી ગૃહકાર્ય કરવા બેસાડ્યાં. અને પોતે સાંજે બહાર જવાની હોઈ, લીલાએ સાંજની રસોઈની તૈયારીમાં ખૂટતી વસ્તુઓ મનુ સાથે જઈને લાવી આપી. લગભગ સાડા ચાર વાગ્યે તૈયાર થઈ નીચે આવી અને નજીક ઊભેલ રિક્ષામાં બેસી મેઘનાબહેનના ઘરે પહોંચી.
આ તરફ ગઈ કાલે રમીલાની પ્રતિભાથી ખુશ થયેલાં સૂરજ સરે તેનાં માટે તેમનાં જ શહેરમાં માર્કેટિંગ માટેની વ્યૂહરચના બનાવવાનો કાર્યભાર તેને સવારે જ સોંપ્યો. પોતાનાં જ શહેરની યુવતીઓ તેમજ યુવકો, સ્ત્રી અને પુરૂષોનાં માપદંડોને સારી રીતે સમજતી આ આધુનિકાએ લંચબ્રેક સુધીમાં તો કાગળો ઉપર વ્યુહરચના ઉપસાવી દીધી અને સરને સુપ્રત કરી. સૂરજ પોતે લગભગ વીસ વર્ષથી માર્કેટિંગ વિભાગમાં હતો. તેની પોતાની આટલી લાંબી સફરમાં ઘણાંય ખંતીલાં યુવાઓએ તેની સાથે કામ કર્યું હતું પણ આટલું કુશાગ્ર અને ઝડપી આજ સુધી કોઈ જોવા નહોતું મળ્યું.
તેણે ફાઈલમાંનાં કાગળો ઉપર નજર ફેરવી અને રમીલાને કહ્યું, "વેલડન, માય ચાઈલ્ડ! આટલું ઝડપી કામ તો મારી પોતાની દીકરી પણ નથી કરી શકતી, જેને મેં સાવ પંદર વર્ષની ઉંમરથી જ કેળવી છે. તે આપણી જ કંપનીનાં હૈદરાબાદનાં માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે."
રમીલા તેમની આ સકારાત્મક ટિપ્પણીથી ખૂબ જ ખુશ થઈ ગઈ. લંચબ્રેક દરમિયાન બીજાં યુવાન-યુવતીઓ સાથે તે હળવા માંડી. આમ પણ તેનું નિખાલસ સ્મિત અને સૌમ્ય ભાષા કોઈને પણ તેની સાથે વાત કરવા પ્રેરે તેવાં હતાં. પણ આજની લંચ પછીની મિટિંગમાં જે થવાનું હતું, ત્યાર પછી રમીલા પ્રત્યેનો બધાંયનો દ્ષ્ટિકોણ કાયમ માટે બદલાઈ જવાનો હતો.
ક્રમશઃ
મિત્રો,
વાર્તા આપને ગમી હોય તો પાંચ તારાથી જરૂરથી વધાવશો અને સુંદર પ્રતિભાવથી જરૂર વધાવશો. ⭐⭐⭐⭐⭐જે મારાં માટે ખૂબ જ પ્રોત્સાહક નીવડશે.
ધારાવાહિક વાર્તાનાં બધાં એપિસોડ તરત જ વાંચવા તેને સબસ્ક્રાઈબ કરો. 🙏🏻
આભાર 🙏🏻
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા