પવિત્ર હવનયજ્ઞ વિવાસ્વાન ગુરુસ્વામીની નિશ્રામાં ચાલી રહેલો. ખૂબ પવિત્ર વાતાવરણમાં સનાતન ધર્મના શુધ્ધ પવિત્ર શ્લોકો અને ઋચાઓ બોલાઇ રહી હતી. વિવાસ્વાન સ્વામીની આંખો બંધ હતી. પવિત્ર સિધ્ધ ઋષિગણ આહૂતિ દેવ અને દેવમાલિકા પાસે અપાવી રહેલાં.
મુખ્ય ઋષિએ દેવ - દેવમાલિકાને એમનાં આસનથી ઉભા થવાં કહ્યું "બધાની નજર હવે શ્રેષ્ઠ આખરી આહૂતિ આપવાની હતી એનાં તરફ હતી. વિવાસ્વાન સ્વામીએ આંખો ખોલી અને કહ્યું – “દેવ-દેવમાલિકાનાં હાથમાં સોનાની વરખ ચઢાવેલું શ્રીફળ, સોપારી, બળદાણા, કપુર તથા કાળાતલનાં લાડુ આપો. શ્રીફળ સોપારી તેલ તથા બળદાણા કપુર અને કાળાતલનાં લાડુ દેવમાલિકાનાં હાથમાં આપો બંન્ને જણાનાં હાથ એકબીજાને સ્પર્શ કરીને રાખો.”
મુખ્ય ઋષિએ સૂચના આજ્ઞા પ્રમાણે દેવ-માલિકાનાં હાથમાં બધુ મૂક્યું... બધાં શિષ્યગણ, વિવાસ્વાન સ્વામી નાના-નાની બધાંજ પોતાનાં સ્થાન પર ઉભા થઇ ગયાં.
દેવ-દેવમાલિકાનાં હાથમાં બધુ મૂકાયું. બંન્ને ખૂબ આનંદમાં હતાં... વિવાસ્વાન સ્વામીએ શ્લોક સ્તુતિ ઉચ્ચ સ્વરે બોલવાનું શરૂ કર્યુ બધા એક ધ્યાનતી સાંભળી રહેલાં. યજ્ઞકૂંડમાં અગ્નિદેવ ખૂબ તેજથી પ્રગટ હતાં. વાતાવરણમાં આલ્હાદકતા પ્રસરી ગઇ.
વિવાસ્વાન સ્વામીએ શ્લોક પુરો કરી સ્વાહા કીધુ અને દેવ-દેવમાલિકાએ એમનાં હાથમાં રહેલી બધી આહૂતિઓ યજ્ઞકૂંડમાં સ્વાહા કરી...
વિવાસ્વાન સ્વામીએ પિતૃનારાયણ-સ્વાહા દેવીનાં શ્લોક બોલી ફરીથી શુધ્ધ ગાયનાં ઘીનો અભિષેક યજ્ઞકુંડમાં કરાવ્યો. સ્તુતિ શ્લોકોનું પઠન થયું નાનાજી ચંદ્રમૌલીજી પણ શ્લોક બોલી રહેલાં.
વિવાસ્વાન સ્વામીએ યજ્ઞ સંપ્પન કરાવ્યો અને બોલ્યાં “અહીં યજ્ઞ સંપૂર્ણ થયો છે એમનાં બોલવાં સાથેજ યજ્ઞનાં અગ્નિમાં આકૃતિ રચાઇ અને એક સાથે બધાં બોલી ઉઠ્યાં... અર્ધનારીશ્વર શેષનારાયણની જય હો... જય હો.. જય હો...”
વિવાસ્વાન સ્વામીએ કહ્યું “ઇશ્વરે આપણો યજ્ઞ-આહૂતિ સ્વીકાર કરી છે” ત્યાં યજ્ઞમાં રહેલ શ્રીફળ ફાટ્યું અને અગ્નિમાં સમાઇ ભસ્મ થઇ ગયું.
વિવાસ્વાન સ્વામીએ કહ્યું "આવી આહૂતિનો સ્વીકાર જવવલેજ થાય છે. તમને બંન્નેને સંપૂર્ણ આશીર્વાદ મળ્યાં છે. તથાસ્તુ..”.
ઋષિજીએ દેવ-દેવમાલિકાને કહ્યું “તમે યજ્ઞદેવને સાષ્ટાંગ પ્રણામ કરો.... આભાર માનો.. અને તમને ભસ્મ તીલક કરવામાં આવશે. યજ્ઞવેદીની ચારો તરફ પાણીની પ્રદક્ષિણા કરાવો. “
દેવ-દેવમાલિકાએ દડંવત સાષ્ટાંગ પ્રણામ કર્યા. જળનો છંટકાવ કર્યો. ઋષિજીએ હાથમાં આચમની આપીને વિધિ પુરી કરાવી. એમણે બંન્ને જણને ભસ્મ તીલક કર્યું.
ત્યાંજ વનસ્પતિનું બનેલું લટકાવેલુ ઝૂમ્મર જેવું ઉપર હતું એ અગ્નિકુંડમાં આવીને પડ્યું બધી વનસ્પતિ ભડ ભડ સળગી ગઇ એનો પવિત્ર ધુમાડો સમગ્ર મઠમાં પ્રસરી ગયો.
દેવ-દેવમાલિકા બધુ જોઇને આશ્ચર્ય પામી ગયાં. નાનાજીનાં ઇશારે બંન્ને જણાં હાથ જોડીને પ્રભુને પ્રાર્થના કરી રહ્યાં. સૌ પ્રથમ વિવાસ્વાન સ્વામી પાસે જઇને એમનાં ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધાં.
વિવાસ્વાન સ્વામીએ કહ્યું “દેવ, દેવમાલિકા, મારાં શિષ્ય કંદર્પજીએ જે ભવિષ્યવાણી કરી હતી એ તદ્દન સત્યજ હતી. પણ આજે આ હવનયજ્ઞમાં જે સંકલ્પ લેવાયાં હતાં એ તમારાં જીવનમાં જે આવનાર અડચણ, મુશ્કેલી હતી બધીજ દૂર થઇ છે બધાંજ દોષનું નિર્વાણ થઇ ગયું નિરાકરણ આવી ગયું. હવે તમારાં મિલન, લગ્ન કે જીવનમાં કોઇ અટકાવ અડચણ નથી.. ઇશ્વરનાં આશીર્વાદથી તમે બંન્ને પ્રભુતામાં પગલાં પાડી શકો છો. તથાસ્તુ...”
દેવ-દેવમાલિકા એકબીજાની સામે હર્ષથી જોઇ રહ્યાં અને સ્વામીજીનાં પગ પકડી આશીર્વાદ લીધાં. વિવાસ્વાન સ્વામીએ કહ્યું “ગતજન્મનાં દોષ પણ દૂર થયાં પિતૃનારાયણ એ વિષ્ણુજ છે એમને આપેલો અર્ધ્ય એમણે સ્વીકાર્યો છે હવે બધાનાં ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લો અને પ્રસાદ ગ્રહણ કરો.”
દેવ-દેવમાલિકા ઋષિ ગણ, નાના-નાની અને વયસ્ક બધાં યોગીઓનાં ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધાં.
નાનાજીએ કહ્યું “ દેવ-દેવમાલિકા તમે બન્ને ખૂબ પુણ્યશાળી તથા નસીબવંતા છો જે આ પવિત્ર મઠમાં અને સાક્ષાત રુદ્રસમાન વિવાસ્વાનસ્વામીનાં સાંનિધ્ય-નિશ્રામાં આવો ઉત્તમ હવનયજ્ઞ કર્યો. તમારાં દોષ દૂર થયાં ખૂબ સુખમય આનંદી જીવન પસાર કરશો. અમારાં તમને આશીર્વાદ છે.”
વિવાસ્વાન સ્વામી બધું નિરિક્ષણ કરી રહેલાં. દેવ-દેવમાલિકાએ બધાનાં ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધાં. ભસ્મ તથા મીઠાઇની પ્રસાદી લીધી. ખીર ગ્રહણ કરી.
દેવ વિવાસ્વાન સ્વામીનાં ચરણમાં બેસી ગયો એણે પૂછ્યુ “ભગવન આ વનસ્પતિનું ઝુમ્મર જોયુ હતું જે યજ્ઞનાં અંતમાં ઉપરથી અગ્નિમાં આહુત થયુ એ શું હતું ? મારા મનમાં પ્રથમવાર જોયું ત્યારથી પ્રશ્ન હતો. આપ સમાધાન કરશો.”
વિવાસ્વાન સ્વામીએ હસતાં હસતાં કહ્યું “એ હિમાલયની શ્રેષ્ઠ વનસ્પતિ જડીબુટ્ટીઓ હતી એને મંત્રથી પુષ્ટ કરી હતી અહીં મઠ ઉપર કે મંદિર તરફ કોઇ નકારાત્મક શક્તિઓ આવે નહીં કોઇ રુકાવટ કે હુમલો ના કરે એનું કવચ હતું. એ સુરક્ષાકવચ ઇશ્વરે સ્વીકાર્યુ અને એનું ફળ અવશ્ય મળે એટલે સમયસર હવન અગ્નિમાં આહુત થયું જે નકારાત્મક શક્તિ હતી એ નબળી અને નિર્જીવ થઇ ગઇ એનો નાશ થઇ ગયો અને બંધનમાં જકડાઇ ગઇ હવે કોઇને કોઇપણ પ્રકારનો ભય નથી રહ્યો.”
દેવ આશ્ચર્યથી સાંભળી રહેલો. એની આંખમાં આંસુ ઘસી આવ્યાં કહ્યું “આપ સાક્ષાત રુદ્રજ છો તમે બધાની રક્ષા કરી. રક્ષાકવચ આપી દીધુ. અમારાં ગતજન્મો અને આ જન્મના પણ દોષોનું નિવારણ કર્યુ હું આપનો આશ્રિત છું. તમારાં ચરણકમળનાં સદાય સ્થાન આપો. “
વિવાસ્વાન સ્વામીએ કહ્યું "તથાસ્તુ તું જ્યારે અહીં આવવું હોય નિસંકોચ આવી શકે છે તારું અઘુરુ કર્મ અને ઋણ પુરુ થયું છે. સદાય ખુશ-સુખી આનંદમાં રહો..” એમ આશીર્વાદ આપી તેઓ એમની ગુફા તરફ પ્રયાણ કરી ગયાં.
*********
વધુ આવતા અંકે ---- પ્રકરણ-111