પ્રણય પરિણય ભાગ ૪૫
ગઝલના દિલો-દિમાગમાં એક પ્રકારનું દ્વંદ શરૂ હતું. એ પોતાની જાત સાથે દલીલો કરીને થાક્યા પછી ઉંઘી ગઈ હતી.
તેના મોબાઈલ પર રિંગ વાગી ત્યારે જઈને તેની ઉંઘ ઉડી. નવો મોબાઈલ હોવાથી તેમાં ફક્ત વિવાન સિવાય બીજા કોઈનું નામ સેવ નહોતું કરેલું. તેણે ફોન ઉપાડ્યો.
'હેલ્લો.'
'હાય ગઝલ, નીશ્કા બોલુ છું.'
નીશ્કાનો અવાજ સાંભળીને ગઝલ ખુબ ખુશ થઈ ગઈ. બંનેએ એકબીજાના ખબર અંતર પૂછ્યા. મંદિરમાં છૂટા પડ્યા પછી આજે પહેલી વાર તેમની વચ્ચે વાતચીત થઈ રહી હતી એટલે એ ઘટના બાદ બંને સાથે શું શું થયું તે એકબીજાએ કહ્યુ. નીશ્કાએ જોકે વિવાન અને રઘુ સાથે મળીને નક્કી કરેલી સ્કિપ્ટ જ સંભળાવી. તેણે ઘણી બધી વાતો ગોળ ગોળ ફેરવીને કરી.
લગ્ન વાળી વાત કરતા કરતા ગઝલનો અવાજ થોડો ઢીલો થઇ ગયો.
'ભાઈ ભાભી તો કહે છે કે વિવાન ખૂબ સારો છે. તું થોડું સમજીને તેને સ્વીકારી લે. પણ એમ કેમ સ્વીકારી લઉં? તને ખબર છે? કેટલી હેરાન કરી છે એણે મને?'
ગઝલએ છેવટે તેની મનની મૂંઝવણ નીશ્કા સામે ઠાલવી દીધી.
'મારુ માન તો વિવાન તારા માટે પરફેક્ટ છે. તેણે જે કંઈ કર્યુ છે એ તારા ભલા માટે જ કર્યું છે.' નીશ્કાએ કહ્યુ.
'હવે તું પણ એની તરફદારી કરવા લાગી??' ગઝલ ચિડાઈ ગઈ.
'હું તો તારી તરફેણમાં જ છું મારી જાન.. મને એક વાત કહે, આ પાંચ દિવસમાં તેણે તારો કશો ગેરફાયદો ઉઠાવ્યો?'
'ટ્ચ્ક્..' ગઝલએ ટચકારો કર્યો.
'વિવાન તારી સાથે ઝઘડા કરે છે?'
'ટ્ચ્ક્..'
'તારી તરફ ખરાબ વાસનાથી જૂએ છે?'
'ટ્ચ્ક્..'
'તારી મરજી વિરૂધ્ધ કંઈ કરે છે?'
'ટ્ચ્ક્..'
'તો પછી મને કહે કે એને ખરાબ માણસ કેમ કહેવાય?'
ગઝલ વિચારમાં પડી.. લગ્ન વાળી વાત છોડીને બાકી કોઈ વાતમાં તેણે નથી બળજબરી કરી કે નથી ગેરવર્તન કર્યું. ઉલટું તેની દરેક હરકતમાં પ્રેમ જ હોય છે. હંમેશાં સમજદારી વાળી વાત કરે છે. ભૂલ થાય તો માફી માંગે છે. નજીક આવવાની કોશિશ કરતો હોય તો પણ તેમાં વાસના નથી હોતી.
'હેલ્લો.. ક્યાં ખોવાઈ ગઈ ગઝલ..?'
'હાં બોલ, સાંભળું છું..'
'તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે ગઝલ.. તારું ખરાબ થાય તેવું ક્યારેય નહીં વિચારું. તું તારી જાતને થોડો સમય આપ, પછી સો ટકા તને વિવાન ગમવા લાગશે. તુ જેને મલ્હાર સાથેનો પ્રેમ સમજતી હતી ને એ માત્ર અને માત્ર એક આકર્ષણ હતું. એમ તો જોકે વિવાન એ નીચ માણસને તારી નજીક પણ ફરકવા નહી દે, છતાં પણ તું મલ્હારથી તો દૂર જ રહેજે. મારી વાત માન ગઝલ, તારા નસીબ છે કે તને વિવાન જેવો છોકરો મળ્યો છે. લગ્ન સિવાયની વાત છોડીને તેણે તારી સાથે કશુ ખરાબ નથી કર્યું. અને એ પણ તારા ભલા માટે જ કર્યું છે એ વાત તને જ્યારે સમજાશે ત્યારે તુ એને તારી જાત કરતા પણ વધુ પ્રેમ કરીશ એ લખી રાખજે.' નીશ્કાએ તેને સમજાવી.
ગઝલને બધુ સમજાતું તો હતું છતાંય તેને સમજવું નહોતું.
'હાં, પણ તને ખબર છે? એ મને કેટલી પરેશાન કરે છે?' ગઝલ ફરિયાદનાં સુરમાં બોલી.
'અચ્છા? મને કહે તો, શું પરેશાન કરી એણે તને?'
'અરે! જબરદસ્તી મારી બાજુમાં આવીને સૂઇ જાય.. મને ભેટી પડે.. મારા ગળા પર કિસ કરે.. મારી હાર્ટ બીટ કેટલી વધી જાય.. મારુ હાર્ટ આમ ધડ.. ધડ.. ધડ.. કરવા લાગે!'
'અચ્છા! બીજુ શું શું થાય?' નીશ્કા મનમાં હસીને બોલી.
'હજુ તો એ જેવા નજીક આવે કે મારા પેટમાં પતંગિયા ઉડવા લાગે. મને ટચ કરે ત્યારે આખા શરીરમાંથી ઝણઝણાટી પસાર થઈ જાય.. મારુ નામ લે ત્યારે પણ મને ના સમજાય તેવી ફીલિંગ થાય..' ગઝલએ બધુ વર્ણન કર્યું.
'જ્યારે મલ્હાર તરી નજીક આવતો ત્યારે પણ તને આવુ જ થતું?'
'ના.. ઉલટું મને તો ઓડ ફીલ થતું.. ખરેખર તો એ નજીક આવે એ મને ગમતું જ નહીં.'
'અરે પગલી! એ તારુ એક્ટ્રેશન હતું, કોલેજની બધી છોકરીઓ તેના પર લાઈન મારતી એટલે તું એના પ્રભાવમાં આવીને તેનાથી આકર્ષિત થઈ ગઈ બસ.. એ ફક્ત આકર્ષણ હતું અને વિવાન સાથે જે થાય છે એ કદાચ પ્રેમની શરૂઆત છે. વિવાનનો સ્પર્શ, તેની નજર તેના શબ્દો તને ઝણઝણાવી જાય છેને?'
'હમ્મ..'
'નાઉ ગ્રો અપ ગર્લ, હવે છોકરમત છોડીને થોડી મોટી થા બકા! અને તારા દિલને આ સવાલો પૂછ, તને બધા જવાબ મળી જશે.'
'પણ એ હંમેશાં મને પરેશાન કરે છે.' ગઝલની ગાડી ફરીથી એજ ટ્રેક પર આવી.
'હે ભગવાન શું કરવું આ છોકરીનું મારે?' નીશ્કાએ કપાળ કુટ્યું. પછી ચિડમાં જ બોલી: 'એક કામ કર તું પણ એને હેરાન કર એટલે બધુ સરભર..'
'યસ.. ગુડ આઈડિયા.. હવે હું એમ જ કરીશ.' ગઝલ બોલી. નીશ્કાએ ફરીથી કપાળ પર હાથ મૂક્યો.
'કર ભઈ, તારે જે કરવું હોય તે કર પણ મહેરબાની કરીને મલ્હારથી દૂર રહેજે.'
'હાં, યાર.. એ માણસ હવે મને બિલકુલ નથી ગમતો..'
'કેમ શું કંઈ થયું કે?' ગઝલનો જવાબ સાંભળીને નીશ્કાને નવાઈ લાગી.
ગઝલએ રિસેપ્શન પાર્ટીમાં થયેલી બધી વાત નીશ્કાને કહી સંભળાવી.
'મને એક વાત કહે, વિવાન તારી કેટલી કાળજી લે છે એ તો તને સ્પષ્ટ દેખાય છે ને? જ્યારે મલ્હારને તો તારી બિલકુલ ચિંતા નથી. ઉલટું તારી સાથે આવું વર્તન કર્યું! તે એક વાર એને છોડ્યો જેમાં તારી તો કોઈ ભૂલ પણ નહોતી, છતાં તેનું અસલી રૂપ સામે આવી ગયું. જો એ તને ખરેખર પ્રેમ કરતો હોત તો તેણે પહેલા તારી વાત સાંભળી હોત, તારા પર વિશ્વાસ કર્યો હોત. તને હર્ટ ના કરી હોત.. તારા માટે એવા હલકા શબ્દો ના બોલ્યો હોત..'
ગઝલ કંઇ બોલી નહીં.
'સારુ તું આરામ કર, આપણે પછી વાત કરીશુ. બાય.. '
'હમ્મ.. બાય..' કહીને ગઝલએ ફોન મુક્યો.
**
મોબાઈલ ફોન પરના નોટિફિકેશન સાઉંડનો અવાજ સાંભળીને મલ્હારની નીંદર ઉડી. તેણે બંધ આંખે જ આજુબાજુ ફંફોસીને મોબાઈલ હાથમાં લીધો. એક તો ગઈ કાલ રાત્રે ઢીંચેલા દારૂનો હેંગઓવર હતો અને ઉપરથી ડોક્ટરે પેઇન કિલર્સ આપી હતી એનુ ઘેન હતું. આંખો ચોળતા ચોળતા તેણે મોબાઈલની સ્ક્રીન પર જોયું તો એક ઇમેલ નોટિફિકેશન હતું. તેણે નોટિફિકેશન પર ટેપ કરીને મેલ ખોલ્યો તો એમાં ઈડીએ મોકલાવેલું સમન્સ હતું.
ઈડીનુ સમન્સ જોઈને મલ્હારના મોતિયા મરી ગયા. તે હાંફળો ફાંફળો ઉભો થયો. તેના સીએ રજત શાહને ફોન કરીને એપોઇન્ટમેન્ટ ફિક્સ કરી. જેમતેમ ફ્રેશ થઈને એ ફટાફટ સીએની ઓફિસે પહોંચ્યો.
સીએ એ સમન્સનો અભ્યાસ કરીને ગંભીર ચહેરે કહ્યું: 'મલ્હાર ભાઈ.. મારી સલાહને અવગણીને તમે મનીલોન્ડરીંગ કર્યું છે. હું ઘણા સમયથી તમને કહી રહ્યો હતો કે જો તમે ઈડીના હાથમાં આવી જશો તો હું તમને બચાવી નહીં શકું.'
'રજત ભાઇ, મારી ભૂલ થઇ ગઇ.. પ્લીઝ ગમે તેમ કરીને મને બચાવી લો.. ગમે એટલો ખર્ચો થાય હું કરવા તૈયાર છું.' મલ્હારે બે હાથ જોડ્યા. તે ખુરશીમાંથી ઉભો થઈ ગયો.
'મલ્હાર ભાઈ, આમા જે જે કલમ લગાવવામાં આવી છે, અને ઈડીએ સવાલ કરીને તામારી પાસેથી જે ખુલાસા માંગ્યા છે, એ જોતા બચાવની શક્યતા ઝીરો છે. હું મારા આટલા વર્ષોના અનુભવ પરથી કહી શકું છું કે યા તો આની પાછળ ખૂબ મોટું રીસર્ચ કરવામાં આવ્યું છે અથવા તો તમારા ઘણા બધા માણસો ફૂટ્યાં છે. ઈડી પાસે અચાનક આટલી બધી માહિતી ન પહોંચે. સો ટકા કોઈ હાથ ધોઈને તમારી પાછળ પડ્યું છે.'
મલ્હારના ચહેરા પરથી રંગ ઉડી ગયો. તેનું મગજ બહેર મારી ગયું. એને ચક્કર આવી ગયા અને તે ખુરશીમાં ફસડાઈ પડ્યો.
મલ્હારની હાલત જોઈને રજત ભાઈ પણ ઘડીભર હેબતાઈ ગયાં. તેણે મલ્હાર સામે પાણીનો ગ્લાસ ધર્યો. મલ્હાર એકી શ્વાસે આખો ગ્લાસ પાણી ગટગટાવી ગયો.
થોડીવાર શાંતિથી વિચાર કર્યા પછી રજત ભાઈ બોલ્યા: 'આજે બપોરે જ તમારે ઈન્ટરોગેશન માટે ઈડી ઓફિસમાં હાજર થવાનું છે, સમય ઓછો છે, તમે આમાથી બચી તો નહીં શકો પણ તમારી એક નંબરની ફાઈલને આધારે હું બે ત્રણ કલાકમાં તમારા વ્હાઈટના ટ્રાંજેક્શન રિપોર્ટ અને ખૂલાસાવાર જવાબો તૈયાર કરાવી આપુ છું. બે નંબરનું તમે વિચારી રાખો.'
મલ્હાર સીએને ત્યાંથી પોતાની ઓફિસમાં જવા નીકળ્યો. તેનુ મગજ ઠેકાણે નહોતું. તેનું માથું ફાટી રહ્યું હતું. અત્યારે તેને એ પણ નહોતું સમજાતું કે તેની સાથે જે થઈ રહ્યું છે એ હકીકત છે કે પોતે કોઈ દુઃસ્વપ્ન જોઈ રહ્યો છે! એમ જ તંદ્રાવસ્થામાં ગાડી ચલાવતો એ ઓફિસમાં પહોંચ્યો. તેના સ્ટાફનાં બધા માણસોને બોલાવીને ખખડાવ્યા. અત્યારે જ સાચુ કહી દો તો છોડી દઈશ એવી લાલચ આપી..
'અત્યારે સાચુ બોલી નાખો, જે પાછળથી પકડાશે તેને આખી ફેમિલી સહિત મારી નાખીશ' એવી ધમકી પણ આપી. પરિણામ શૂન્ય.
'ગેટ આઉટ યૂ વર્થલેસ પિપલ..' એ તાઙૂક્યો અને બે હાથ વચ્ચે માથું રાખીને ખુરશીમાં બેસી ગયો.
બે ત્રણ મિનિટ તે એમ જ વિચારતો બેઠો ત્યાં તેના મોબાઈલ પર મેસેજ ટોન વાગ્યો. તેણે કમને ફોન ઉઠાવીને જોયું તો વિવાનનો મેસેજ હતો એમા ફક્ત એટલું જ લખ્યું હતું: 'બેસ્ટ ઓફ લક.'
'.......' તેના મોઢામાંથી ગંદી ગાળ નીકળી ગઈ. તેણે મોબાઈલનો છુટ્ટો ઘા કર્યો. તેના ટેબલ પર પડેલા લેપટોપ સહિત બધું ઉઠાવીને નીચે ફેંક્યું.
'મારી થનાર પત્નીને તે મારાથી છીનવી.. હવે ઈડીને મારી પાછળ લગાવી.. એક વાત લખી રાખજે વિવાન શ્રોફ.. છોડીશ નહીં હું તને. મારું જે કંઈ નુકશાન થશે એ બધું તારે ભરપાઈ કરવું પડશે.' મલ્હાર એકલો એકલો બરાડા પાડીને બોલ્યો.
પછી ખુરશી પર બેસીને તેણે ટેબલના ખાનામાંથી સિગરેટનું પેકેટ કાઢીને એક સિગરેટ સળગાવી. હવામાં ધુમાડો છોડતાં એ કંઈક વિચારી રહ્યો.
'વિવાન હું જાણું છું કે તને સો ટકા મારા પર શંકા પડી છે, એટલે જ તે આ દાવ ખેલ્યો, તે મારી રાણીને પણ છીનવી લીધી.. તું હજુ મને ઓળખતો નથી, હું તારી જીંદગી હરામ કરી નાખીશ.. તું જોઈ લેજે, તને તારી રાણીથી જ જો મ્હાત ના ખવડાવું તો મારુ નામ મલ્હાર રાઠોડ નહીં..' તેના વિચારને દ્રઢ બનાવતો હોય તેમ તેણે ટેબલ પર જોરથી હાથ પછાડ્યો. પછી ઈડીની ઓફિસમાં હાજર થવા માટે બહાર નીકળ્યો.
**
વિવાન ગઝલને છોડ્યા પછી હોસ્પિટલમાં કાવ્યાને જોઈને ઓફિસ પહોંચ્યો. પણ તેનુ મન કામમાં બિલકુલ લાગતુ નહોતું. ગઝલની યાદ તેને બેચેન કરી રહી હતી. તેણે ગઝલને ફોન કરવાનું વિચાર્યું.
આ બાજુ ગઝલ પણ વિવાનને પરેશાન કરવાનું કોઈ બહાનું શોધી રહી હતી. એટલામાં તેના મોબાઈલની રિંગ વાગી. સ્ક્રીન પર જોયું તો "માય લવ" નામ લખેલું હતું.
તેણે નવાઇ પામીને ફોન ઉપાડ્યો.
'હેલો.. કોણ?' ગઝલ બોલી.
'તારી સ્ક્રીન પર શું લખ્યું છે?' વિવાન એકદમ નશીલા અવાજે બોલ્યો.
'કશું નહી.' ગઝલ મોઢું મચકોડીને બોલી.
'અચ્છા! શું કરી રહી હતી?'
'કશું નહી..'
વિવાનને ગઝલના જવાબો સાંભળીને તેને વધુ ચીડવવાનુ મન થયું..
'આઈ લવ યુ સ્વીટ હાર્ટ..' એ બોલ્યો.
ફોન શું કામ કર્યો હતો?' ગઝલ કોરા અવાજે બોલી.
'બસ એ કહેવા માટે જ..'
'શું?'
'એ જ કે.. આઈ લવ યુ સ્વીટ હાર્ટ..'
'મસ્કા નહીં મારો..' ગઝલ મોઢું મચકોડીને બોલી.
'એક વાત કહું? તુ આમ મોઢું મચકોડે ત્યારે વધુ સુંદર લાગે છે..' વિવાન બોલ્યો. ગઝલ ચમકી.. 'આ તો નોર્મલ વોઇસ કોલ છે. છતાં આને કેમ ખબર પડી?' ગઝલ મનમાં બોલી. તેને આશ્ચર્ય થયું એટલે તેણે ખાતરી કરવા મોબાઈલની સ્ક્રીન સામે જોયુ.
એમ સ્ક્રીન સામે નહીં જો.. મને ખબર હતી કે તુ મોઢું મચકોડીશ એટલે કીધું..' વિવાને ફરી આંચકો આપ્યો.
'ગજબ માણસ છે આ.. ત્યાં ઓફિસમાં બેઠો બેઠો મારુ મન વાંચે છે..' ગઝલ મનમાં વિચારી રહી હતી.
'શું વિચારે ચઢી ગઈ?' વિવાને પૂછ્યું.
'કંઈ નહીં.. ઓફિસમાં કંઇ કામ નથી?' ગઝલએ વાત બદલાવવા કહ્યુ.
'કામ તો ખૂબ છે પણ મારુ મન લાગતું નથી. વિચારું છું કે તને ઘરે લઈ જઉં અને તારી સામે જોઈને બેઠો રહું. હું આવું છું તને લેવા.'
'અરે! નહીં નહી! મારે શોપિંગ કરવા જવું છે.' ગઝલએ તરત જ બહાનુ કાઢ્યું.
'ઓકે, ચલ તને શોપિંગ કરાવી દઉં.' વિવાન તરતજ બોલ્યો.
'અરે યાર..' ગઝલએ કપાળ પર હાથ મૂક્યો. હવે શું કરવું? તેણે વિચાર્યુ: 'મારે એને ત્રાસ આપવો જ છે તો શું કામ શોપિંગથી જ શરૂઆત ના કરવી?'
ગઝલ તરફથી રિપ્લાઇ ના આવ્યો એટલે વિવાને પૂછ્યું:
'હેલો સ્વીટ હાર્ટ.. કેમ ચૂપ થઈ ગઈ?'
'ઓકે! હું મેક્સ મેગા મોલમાં પહોંચુ છું તમે ત્યાં આવો.' ગઝલએ કહ્યું.
'ઓકે આઇ વીલ બી ધેર..' કહીને વિવાને ફોન મુક્યો.
'મિસ્ટર વિવાન શ્રોફ.. હવે જુઓ મારી શોપિંગ..' ગઝલ મનમાં બોલી.
(બીચારી ભોળી પોતાને વધારે પડતી સ્માર્ટ સમજતી હતી.)
**
ભલભલા ખેરખાંઓ જેની માટે વેઈટ કરતા હોય તેવો શ્રોફ ગૃપ ઓફ કંપનીઝનો માલિક વિવાન શ્રોફ અત્યારે મોલ પાસે ગઝલની રાહ જોઈને ઉભો હતો.
તેને બરાબર પંદર મિનિટ રાહ જોવડાવ્યા પછી મેડમ ત્યાં પહોંચા.
મોલમાં ગયાં પછી પણ ગઝલ આમથી તેમ ચક્કર મારી રહી હતી. વચ્ચે કોઈ દૂકાનમાં ઘૂસીને કપડાં, જૂતાં કે પર્સ અને એક્સેસરીઝ ટ્રાઈ કરતી હતી. પણ કશું ખરીદતી નહોતી. વિવાન બિચારો તેની પાછળ પાછળ ફરી રહ્યો હતો. તેને ઓફિસમાંથી પણ ફોન પર ફોન આવી રહ્યા હતા. દોઢેક કલાક આવું ચાલ્યા પછી એ કંટાળ્યો.
'ગઝલ, એક્ચ્યુલી તારે લેવું શું છે?' વિવાન અકળાઈને બોલ્યો.
'ખબર નથી..' ગઝલ ખભા ઉછાળીને બોલી.
'વ્હોટ? તારે શોપિંગ કરવી છે એટલે તો આપણે અહીં આવ્યા છીએ. હું મારું કામ છોડીને આવ્યો છું.. અને તું કહે છે કે શાનુ શોપિંગ કરવું છે એ તને ખબર નથી.' વિવાન ગઝલની આંખોમાં જોઇને બોલ્યો.. તેના અવાજમાં થોડો ગુસ્સો પણ હતો.
ગઝલએ ફરીથી ખભા ઉછાળ્યા અને બોલી: 'મારુ તો એવું જ છે. તમે જ સામેથી સાથે આવવાનું કહ્યુ, મેં તમને ક્યાં કીધું હતું કે મારી સાથે આવો..! એન્ડ બાય ધ વે, યૂ આર ધ બોસ.. તમે ઓફિસમાં છુટ્ટી લો તો તમને કોણ કહેવા વાળુ હોય? એમ પણ તમારૂ તો મન કામમાં લાગતુ નહોતું ને?' છેલ્લું વાકય ગઝલ ખાસ ભાર દઇને બોલી.
તેની આંખોમાં રમતિયાળપણું જોઈને વિવાન બધુ સમજી ગયો.
'તારે ખરેખર શોપિંગ કરવું છે કે તું ફક્ત મને પરેશાન કરવા માંગે છે?' કહીને વિવાન તેની આંખોમાં જોયું.
'જો તું મને ફક્ત હેરાન કરવા માટે જ આ બધું કરતી હોઈશ તો એ તને જ મોંઘુ પડશે. તું મારો જેટલો ટાઈમ વેસ્ટ કરીશ, એટલી જ કિસ આજે રાતે તારે મને આપવી પડશે.' વિવાને તેના ચહેરા પર હળવેથી ફૂંક મારતાં સિડ્યુસિવ અવાજમાં કહ્યુ.
ગઝલ તેની સામે જોઈ રહી. ડરના માર્યા તેણે થૂંક ગળા નીચે ઉતાર્યું.
'ખ.. ખબર.. નહીં મતલબ કે મારે શું લેવું હતું એ હું ભૂલી ગઈ છું.. મને અત્યારે યાદ નથી આવતું..' ગઝલ અચકાતા બોલી.
'અત્યાર સુધીમાં તે દોઢ કલાક બગાડી છે.. મતલબ નેવું કિસ..' વિવાન આંગળીઓ પર ગણતરી કરતાં બોલ્યો.
'નાઈન્ટી કિસિસ?' ગઝલની આંખો પહોળી થઈ ગઈ.
'યસ.. દોઢ કલાક એટલે નેવું મિનિટ.. વન કિસ ફોર ઈચ મિનિટ..'
'નાઈન્ટી..' ગઝલ ધીમેથી બબડી.
'રાઈટ..' વિવાન બોલ્યો.
ગઝલએ ફરીથી બીકમાં થૂંક ગળા નીચે ઉતાર્યું.
'હાં, યાદ આવ્યું! મારે સાડીઓ લેવી હતી..' ગઝલ ફટ કરતી બોલી.
ક્રમશઃ
.
.
**
શું ગઝલ નીશ્કાની વાત માનશે?
ગઝલ અને વિવાનની ટોમ એન્ડ જેરી જેવી રમતમાં કોણ જીતશે?
ઈડીના ઈન્ટરોગેશનમાં મલ્હારનું શું થશે?
'તને તારી રાણીથી જ મ્હાત ખવડાવીશ' એવું મલ્હાર બોલ્યો એનો શું મતલબ હશે?
**
❤ આપના અમૂલ્ય પ્રતિભાવની પ્રતિક્ષામાં.. ❤