Pranay Parinay - 44 books and stories free download online pdf in Gujarati

પ્રણય પરિણય - ભાગ 44



પ્રણય પરિણય ભાગ ૪૪



મોડો ઉંઘ્યો હોવા છતા હંમેશની જેમ વિવાન વહેલો જાગી ગયો. તેને સવારમાં જીમમાં વર્કઆઉટ કરવાની ટેવ હતી. તેણે એક બગાસું ખાધું. કોઈએ તેના શરીરને જકડી રાખ્યુ હોય તેવું લાગી રહ્યું હતું. તેણે આંખો ખોલીને સરખુ જોયું તો તેના બાવડાં પર માથું મૂકીને ગઝલ મસ્ત તેને વળગીને સૂતી હતી. ગઝલના તેને આવી રીતે લપેટાઈને સૂવાથી તે ખૂબ ખુશ થયો. આંખો ખૂલતા જ ગઝલનો સુંદર ચહેરો જોવા મળ્યો એમા તેની સવાર સુધરી ગઈ.


'વ્હોટ અ બ્યૂટીફૂલ મોર્નિંગ!' વિવાન ગઝલ સામે જોઈને મનમાં બોલ્યો. તેની હલચલથી ગઝલની નીંદર પણ ખૂલી ગઈ. એ જાગી ગઈ છે એની ખબર પડતાં જ વિવાને આંખ બંધ કરી લીધી.


નોર્મલી ગઝલને વહેલા ઉઠવા માટે એલાર્મ મૂકવો પડતો. પણ આજે તે વહેલી જાગી ગઈ. તેણે એક બગાસું ખાધું અને મોટી આળસ મરડી. તેનો હાથ વિવાનના હોઠને સ્પર્શ્યો. એક આછી ઝણઝણાટી સાથે તે ચમકી. તેણે ચહેરો ઉપર કરીને જોયું તો પોતે વિવાનના બાવડા પર માથું મૂકીને સૂતી હતી. બંનેના ચહેરા લગોલગ હતાં. પોતે આખી રાત આવી રીતે સુતી હશે અને વિવાને પોતાના વિશે શું વિચાર્યું હશે એ વિચારીને તેનુ હૃદય એક ધબકારો ચૂકી ગયું.

તેણે જોયું કે વિવાન હજુ સૂતો છે. એટલે તેને રાહત થઇ. તેણે નિરાંતનો શ્વાસ લીધો અને વિવાનનો ચહેરો નિરાંતે નિરખીને જોયો. તેના ચહેરા પર અલગ જ તેજ હતું.


ગઝલ તેનુ નિરિક્ષણ કરતાં ધીરેથી બબડી: 'જોવામાં તો ઠીકઠાક લાગે છે પણ વાયડો ખૂબ છે. એમ દિલનો સારો છે પણ ગુસ્સો કાળાકોપનો છે.. મારા કરતાંય વધુ સમજદાર છે પણ જિદ્દી ખૂબ છે..'


'આ મારા વખાણ કરે છે કે વખોડે છે?' વિવાન મનમાં બોલ્યો.


'થેંક ગોડ કે આ ઉંઘે છે નહીંતર મને આટલી નજીક જોઈને જરુર ચાન્સ લીધો હોત..' ગઝલ ધીમેથી બબડીને તેનાથી દૂર થવા ગઈ.


'ચાન્સ તો હું એમ પણ લેવાનો..' એમ કહી વિવાને તેને પોતાની નજીક ખેંચીને જકડી લીધી.


'અરે!... છોડો..' ગઝલ ગભરાઈને બોલી.


'અ..હં..'


'છોડો કહુ છુંને..!! મારે જવું છે..'


'ગુડ મોર્નિંગ કિસ આપ તો જવા દઉં.'


'નો નેવર..'


'નો.. નેવર.. એમ? તો પછી હું તને છોડવાનો નથી.' વિવાન તેના ચાળા પાડતા બોલ્યો.


ગઝલએ મારવા માટે હાથ ઉપાડ્યો, વિવાને તેનો હાથ પકડીને તેને પોતાની ઉપર ખેંચી લીધી.

ગઝલ તેની પકડમાંથી છૂટવા માટે છટપટી રહી હતી.


'વિવાન.. ગઝલ..' બહારથી વૈભવી ફઈનો અવાજ આવ્યો..


'વિવાન.. ફઈ બોલાવે છે, છોડો..' ગઝલ ગભરાઈને બોલી.


'તું જ કહેતી હતીને કે જિદ્દી છે? તો મારી જિદ્ જોઈલે..! હવે તો પહેલા કિસ.. પછી બીજી વાત..'


'તમે બધુ સાંભળી ગયા?' ગઝલએ આંખો ફાડીને પુછ્યું.


'યસ..'


'લીવ મી પ્લીઝ..'


'કિસ મી ફર્સ્ટ..'

નાછૂટકે ગઝલએ વિવાનના ગાલ પર હોઠ અડાડીને કિસ કરી.


'મે અહીં કિધુ હતું..' વિવાન હોઠ આગળ કરીને બોલ્યો.


'નો..' કહીને ગઝલ એ છટકવા માટે જોર લગાવ્યું.


'અરે વિવાન..!' ફરીથી ફઈનો સાદ સંભળાયો એટલે વિવાને તેને છોડવી પડી. છુટીને સીધી ગઝલ દરવાજા તરફ દોડી.


'વેઈટ..' વિવાન બોલ્યો.


'હવે શું છે?' ગઝલ બેવ હાથનો ઈશારો કરતા પાછળ ફરી. વિવાને સોફા પરથી તકિયો ઉઠાવીને બેડ પર મૂક્યો. સાથે થોડી ગુલાબની પાંદડીઓ પણ બેડ પર નાખી અને થોડી નીચે વેરી દીધી. ગઝલ મૂંઝાઈને તેની હરકતો જોઈ રહી.


'તને ખબર નથી.. અમારા ઘરમાં બધા સી.આઈ.ડી. જેવા છે..' બોલીને વિવાન બાથરૂમમાં ઘુસી ગયો.


ગઝલએ દરવાજો ખોલ્યો કે તરતજ ફઈ અને દાદી સીધા અંદર જ આવી ગયાં.


'શ.. અં.. શું હતું બા?' ગઝલ ખચકાતા બોલી.


'કંઈ નહીં.. વિવાન ક્યાં?' દાદીએ રૂમમાં નજર દોડાવી. ત્યાં બાથરૂમમાંથી વિવાનનો અવાજ આવ્યો.: 'સ્વીટહાર્ટ.. કેટલા બચકાં ભર્યા છે તે બાપરે બાપ.. અને જો તો ખરી નખ પણ કેટલા માર્યા છે.. આ..હ..'


આ સાભળીને આંચકાથી ગઝલની આંખો પહોળી થઈ ગઈ. દાદી અને ફઈને મનમાં હસ્તા જોઈને ગઝલ શરમથી પાણી પાણી થઇ ગઈ. એને શું કરવું. શું કહેવુ એ કંઇ સમજાતું નહોતું. એ તો હતી ત્યાં જ થીજી ગઈ.


'વહુ બેટા, તું તૈયાર થઈને નીચે આવ. ચલ વૈભવી..' દાદીએ વૈભવીને ઈશારો કર્યો. પછી બંને આછુ મુસ્કૂરાતા બહાર નીકળી ગયા.

ગઝલએ દરવાજો બંધ કર્યો અને દરવાજાને ટેકે પીઠભર ત્યાં જ ઉભી રહી ગઈ.


'તું નાહકની ચિંતા કરતી હતી.. કંઇક ગેરસમજ થઈ હશે તારી. બધુ બરાબર જ છે એમની વચ્ચે જોયુંને તે?' દાદી બોલ્યા.


'હાં માં, મને શંકા એટલે ગઈ કેમકે લગ્ન પણ અચાનક ભાગીને કર્યા અને કાલે ગઝલ પાર્ટી છોડીને નીકળી ગઈ અને એ દિવસે તે રડી પણ બહું હતી.' ફઈએ ચોખવટ કરી.


હવે તો શંકા દૂર થઈ ગઈ ને? કારણ વગરનુ મને પણ ટેન્શન આવી ગયું હતું.' દાદી બોલ્યા.


'હાં, અંદરનો નજારો જોયા પછી તો સાવ દૂર થઈ ગઈ.. મને તો લાગે છે કે જલ્દી જ ખુશખબર પણ મળશે.' વૈભવી ફઈ દાદરો ઉતરતાં ખિલખિલાટ હસીને બોલ્યા.


તેની વાતો સાંભળીને ગઝલ સ્તબ્ધ થઇ ગઇ.


'વિવાનની વાત સાચી.. ખરેખર આ ઘરનાં બધાં સી.આઈ.ડી. જેવા જ છે..' ગઝલ સ્વગતઃ બોલી.


'શું થયું?' વિવાન બાથરૂમમાંથી બહાર આવ્યો. તેણે ફક્ત કમર પર ટોવેલ લપેટ્યો હતો. ઉપરનું શરીર ખૂલ્લું હતું. એ બીજા ટોવેલથી માથું લૂછી રહ્યો હતો. તેના શરીર પર ઠેકઠેકાણે પાણીના બુંદ બાઝેલા હતા. તેનું કસરતી સ્નાયુબદ્ધ શરીર અને સિક્સ પેક એબ્સ જોઈને ગઝલના હૃદયમાં કંઈક ન સમજાય તેવી ફીલિંગ થઈ. તેણે ઝડપથી નજર બીજી તરફ ફેરવી લીધી.


'દાદીએ શું કહ્યું?' વિવાને ટોવેલ પોતાના ગળે નાખ્યો અને મિરર સામે જઈને ઉભો રહ્યો.


'કંઈ નહીં, એ લોકોને આપણી બાબત કંઇ શંકા હતી.' બોલતાં ગઝલ અહીં તહીં જોઈ રહી હતી. વિવાન તરફ ન જોવાનો ઘણો પ્રયત્ન કરવા છતાં તેનાથી ત્રાંસી આંખે એ બાજુ જોવાઇ જતું હતું.


'મેં તને કહ્યુ હતું ને કે દાદી ખૂબ ચાલાક છે? સવાર સવારમાં સાદ પાડ્યો એટલે મને ડાઉટ થયો કે આવું કંઈક જ હશે..' વિવાન મિરરમાં જોઈને વાળ સેટ કરતાં બોલ્યો.


'હમ્મ..'


વિવાનને મિરરમાંથી દેખાયું કે ગઝલ ચોરીછૂપીથી તેની સામે જોઈ રહી છે. તે મનમાં હસ્યો અને પાછળ ફરીને તેની સામે જોયું. ગઝલએ તરતજ નજર ફેરવી લીધી. તે એની તરફ આવ્યો. તેને પોતાની તરફ આવતો જોઈને ગઝલના ધબકારા ફરી વધવા લાગ્યા. વિવાન એકીટશે એની સામે જોઈને તેની તરફ આવી રહ્યો હતો એટલે એ અસ્વસ્થ થઇ રહી હતી. તેણે નજીક પહોંચીને ગળાનો ટોવેલ ગઝલના કમરમાં નાખીને ટોવેલથીજ તેને પોતાની તરફ ખેંચી. ગઝલએ આ વખતે પહેલાથી પોતાના બંને હાથ વિવાનની છાતી સાથે ટેકવી દીધા એટલે તે અથડાતા બચી ગઈ. વિવાન મૂછમાં હસ્યો. ગઝલ પાંપણ પટપટાવતી તેને જોઈ રહી.


'આઈ એમ ઓલ યોર્સ.. તારે મને આમ ચોરીછૂપીથી જોવાની જરૂર નથી. યુ આર માય વાઈફ, તુ મને ગમે ત્યારે, ગમે તેટલી વાર અને ગમે તે રૂપમાં જોઈ શકે છે..' વિવાન તેના કાન પાસે જઈને એકદમ સિડ્યુસિવ અવાજમાં બોલ્યો.

એ સાંભળીને ગઝલના પેટમાં પતંગિયા ઉડવા લાગ્યા. વિવાને તેની ગરદન પર હળવેકથી આંગળી ફેરવી, તેના રૂંવાડાં ઉભા થઈ ગયા. તે તરતજ ત્યાંથી છટકીને બાથરૂમમાં ઘુસી ગઈ. બાથરૂમનો દરવાજો બંધ કરીને તેને ટેકો આપીને ઉભી રહી. તેનુ હૃદય ખૂબ જોરથી ધડકી રહ્યું હતું.


વિવાન ઓફિસ જવા તૈયાર થવા લાગ્યો.

'ગઝલ..' થોડીવાર પછી તેણે ધીમા પણ ખૂબ રોમાન્ટિક અવાજમાં તેને સાદ પાડ્યો. તેના ધબકારા હજુ પણ વધેલા જ હતા પણ જે રીતે વિવાને તેનુ નામ લીધું એના કારણે તેનો શ્વાસ પણ વધવા લાગ્યો. તે પોતાની છાતી પર હાથ મૂકીને શ્વાસ નોર્મલ કરવાની કોશિશ કરવા લાગી જીંદગીમાં પહેલીવાર તેને આવી ફીલિંગ થઈ રહી હતી.


'ગઝલ.. ભાઈ ભાભી પાસે જવું છેને? તો જલ્દી તૈયાર થઈ જા. ઓફિસ જતી વખતે હું તને ત્યાં મૂકી જઈશ.' કહીને વિવાન રૂમમાંથી નીકળી ગયો.


વિવાનના જતાં જ ગઝલએ બાથરૂમનો દરવાજો અધુકડો ખોલીને પહેલા આખા રૂમમાં નજર ફેરવી. વિવાન રૂમમાં નહોતો. તેણે નિરાંતનો શ્વાસ લીધો.


**


નીચે બધા ડાઇનિંગ ટેબલ પર બેઠાં હતાં.


'અરે! વિવાન.. વહુ ક્યાં છે?' દાદીએ પૂછ્યું.


'આવે છે, તૈયાર થાય છે.'


'વિવાન.. વહુને આજે ફોન અપાવી દેજે.' કૃષ્ણકાંતે યાદ કરાવ્યું.


'હાં ડેડી, મે વિક્રમને કહી દીધું છે.'


ગઝલ નીચે આવી.


'જય શ્રી કૃષ્ણ પપ્પા..' કહીને ગઝલ કૃષ્ણકાંતને પગે લાગી.


'અરે! અરે! દિકરીએ પગે ના લગાય..' કૃષ્ણકાંતે તેને પગે લાગતાં અટકાવતા કહ્યુ, પછી આશિર્વાદ આપ્યાં: 'સુખી રહો બેટા!'


'જય શ્રી કૃષ્ણ બા.. ગુડ મોર્નિંગ ફઈ..' ગઝલએ બંનેને નમસ્કાર કર્યા.


'જય શ્રી કૃષ્ણ બેટા.' કહીને દાદીએ ગઝલના માથા પર હાથ મૂક્યો અને બોલ્યા: 'સુખી રહો અને જલ્દીથી સારા સમાચાર આપો.'


એ સાંભળીને વિવાનને નાસ્તો કરતાં કરતાં ખાંસી આવી ગઈ.

'અરે! ધીરે ધીરે બેટા!' કહીને વૈભવી ફઈએ તેની પીઠ પર થપકી મારી.


'ગઝલ બેટા, આવ નાસ્તો કરવા બેસી જા.. આજે પિયર જવું છેને?' દાદીએ કહ્યુ.


'હાં..' ગઝલ ખુશ થઈને બોલી અને નાસ્તો કરવા બેસી ગઈ.


નાસ્તો કર્યા પછી બંને જણા બંગલાની બહાર આવ્યાં.


'મોર્નિંગ ભાઈ, ગુડ મોર્નિંગ ભાભી..' રઘુ નજીક આવતા બોલ્યો.


'ગુડ મોર્નિંગ..' ગઝલ તેની સામે સ્માઈલ કરીને બોલી.


'ભાઈ, આ વિક્રમે મોકલાવ્યુ છે.' રઘુએ વિવાનના હાથમાં એક બોક્સ મૂક્યું. પછી વિવાને રઘુને આંખના ઈશારે જ 'બાકી બધું બરાબર છે?' એમ પૂછી લીધું અને રઘુએ પણ આંખોથી જ 'ચિંતા નહીં કરો, એવરીથિંગ ઇઝ ઓકે' નો ઈશારો કર્યો.


'રઘુ, તુ બીજી ગાડી લેતો જજે. મારે આજે સાસરે જવાનું છે.' વિવાને કહ્યુ.


'અરે વાહ! પૂરો લહાવો લેજો ભાઈ..' કહીને રઘુ હસતા હસતા નીકળી ગયો.


'ચલ જઈશું?' વિવાને કારનો ગઝલ સાઈડનો દરવાજો ખોલીને પૂછ્યું. ગઝલએ તેની સામે જોઈને મોઢું મચકોડ્યુ પછી ગાડીમાં બેઠી. વિવાનને તેની આ અદા ખૂબ ગમી. તેણે હસીને દરવાજો બંધ કર્યો અને બીજી સાઈડથી અંદર આવીને કાર સ્ટાર્ટ કરી.


ગઝલ હાથની અદબ વાળીને વિન્ડોમાંથી બહાર જોતી બેઠી હતી. વિવાન ગાડી ચલાવતો વચ્ચે વચ્ચે તેની સામે જોઈ લેતો હતો.

વિવાને સોંગ ચાલુ કર્યું.


"કભી તો નજર મિલાઓ.. કભી તો કરીબ આઓ..

જો નહીં કહા હૈ, કભી તો સમજ ભી જાઓ..

હમ ભી તો હૈ તુમ્હારે.. દિવાને હો દિવાને.." વિવાન પણ સાથે સાથે ગઝલ સામે જોઇને ગણગણતો હતો.


ગઝલએ ગુસ્સામાં પ્લેયરની સ્વિચ દબાવીને સોંગ બંધ કરી દીધું.


વિવાને ફરી ચાલુ કર્યું. ગઝલએ ફરીથી બંધ કર્યું. વિવાને ફરી ચાલુ કર્યું. આવું બે ત્રણ વખત થયું. ચોથી વાર તે સોંગ બંધ કરવા ગઈ ત્યારે વિવાને તેનો હાથ પકડી લીધો.


ગઝલએ ગુસ્સાથી તેની સામે જોયું. એ તો નફ્ફટની જેમ આગળ જોતો એક હાથે સ્ટિયરિંગ પકડીને ગાડી ચલાવતો રહ્યો.


'હાથ છોડો વિવાન..'


વિવાને ડોકું ધુણાવી 'ના' કહ્યું.


'હાથ છોડો કહુ છું.'


'નો..'


પછી એ એમ જ મોઢું ફૂલાવીને આગળ જોઈ રહી. વિવાન મૂછમાં હસ્યો. થોડી વાર પછી તેણે ગઝલનો હાથ ગિયર પર મૂક્યો. એ ચમકી. વિવાને એના હાથ પર પોતાનો હાથ મૂકીને ગિયર બદલ્યું. એ તેની સામે જોઈ રહી. વિવાને ગાડી મિહિરના બંગલાની પાસે ઉભી રાખી.


'લે આવી ગયું તારુ પિયર.' વિવાને કહ્યુ. તે હજુ પણ તેની સામે જ જોઈ રહી હતી. વિવાનના બોલવાથી તેની તંદ્રા તૂટી. તેણે નજર ફેરવીને જોયુ તો સાચે જ પોતાનુ ઘર હતું.


'પહોચી ગયા!?!' ગઝલ ખુશ થઈને બોલી.


'હમ્મ..'


તેણે ઊતરવા માટે ઉતાવળે દરવાજો ખોલ્યો કે વિવાને તેને નજીક ખેંચી.


'ઉભી રે..'


'શું કામ?' ગઝલના ચહેરા પર નારાજગી આવી.


'આ આપવાનું રહી ગયું.' વિવાને ગિફ્ટ બોક્સ આપતાં કહ્યું.


'શું છે આમાં?' ગિફ્ટ જોઈને ગઝલની આંખો ચમકી.


'ખોલીને જોઈ લે..'

ગઝલએ બોક્સ ખોલ્યું એમાં લેટેસ્ટ આઇફોન હતો.


'આ મારા માટે છે?' ગઝલ ખુશ થઈ.


'હાં, તારે જોઈતો હતોને!'


'થેન્કસ.. યૂ આર સો સ્વીટ..' ગઝલ બોલતા બોલી ગઈ પછી ધ્યાનમાં આવતાં દાંત નીચે જીભ દબાવી.

તે ગાડીમાંથી ઉતરતી હતી ત્યાં વિવાને તેને ફરીથી રોકી.

તેણે પાછળ ફરીને મોઢાના હાવભાવ વડે 'હવે શું છે?' એવું પૂછ્યું.


'મારી ગિફ્ટ?' વિવાન બોલ્યો.


'શાની ગિફ્ટ?'


'સવારે તુ મને ચોરીછૂપીથી જોતી હતી.. અત્યારે મેં તને ગિફ્ટ આપી.. હવે તું પણ આપ..' વિવાન તેના હોઠ સામે નજર કરીને બોલ્યો.


'બિલકુલ નહીં, હું તમને કિસ નથી કરવાની.' ગઝલ તેનો ઈરાદો સમજી ગઇ.


'પ્લીઝ..' વિવાન ગરીબડો ફેસ કરીને બોલ્યો.


'નો.. નેવર. એન્ડ બાય ધ વે, આ મારુ ઘર છે, અહીં તમારી મનમાની નહીં ચાલે.. એન્ડ વન થિંગ મોર, હું કંઈ હવે તમારા ઘરે આવવાની નથી. બાય..' કહીને ગઝલ મોઢું વંકાવીને નીકળી ગઈ.


'આહ.. માર ડાલા.. આઈ લવ યૂ બેબી..' વિવાન પોતાની છાતી પર હાથ મૂકીને બોલ્યો અને ગાડીનો ટર્ન મારીને ત્યાંથી નીકળી ગયો.


'ભાઈ.. ભાભી..' ગઝલ મોટેથી બોલતાં અંદર આવી.


'અરે! ગઝલ!' કૃપા આશ્ચર્યથી બોલી.


'હાં ભાભી..' ગઝલ કૃપાને ભેટી પડી.


'કોની સાથે આવી?' મિહિર હોલમાં આવતા બોલ્યો..


'વિવાન આવ્યા હતા મૂકવા..' ગઝલ મોઢું ચડાવતા બોલી.


'ઓહ! વિવાન આવ્યા છે? ક્યાં છે?' કૃપા હડબડીમાં આમ તેમ જોઈને બોલી.


'અરે ભાભી! એટલાં અથરા શું થાઓ છો? ગયા એ મને મૂકીને.'


'અરે પગલી! પહેલેથી કહેવાયને કે તમે લોકો આવવાના છો.. જમાઈ પહેલીવાર ઘરે આવ્યા હતા ને તેનું સ્વાગત પણ ના કરી શકી..' કૃપાના અવાજમાં નિરાશા હતી.


ગઝલ આશ્ચર્યથી તેની સામે જોઈ રહી. પોતે આવી એની ખુશીને બદલે ભાભીને તો જમાઈનું સ્વાગત ના થયાંનુ દુખ થતું હતું.


'ગઝલ.. તે ઝઘડો તો નથી કર્યોને વિવાન સાથે?' કૃપાએ ઝીણી આંખો કરીને બોલી.


'અરે! હું શું કામ ઝઘડો કરુ ભાભી? એને આોફિસ જવાનુ હતું..'


'કંઈ નહીં, તને લેવા આવે ત્યારે મહેમાનગતિ કરીશું. તારા હાથમાં કેમ છે?' મિહિરે વાત બદલતાં કહ્યુ.


'તમને કોણે કહ્યું?' ગઝલએ બંગડીઓની નીચેની બેન્ડેઝ તરફ જોઈને કહ્યું.


'મે જોયો હતો મલ્હારને તારા સાથે ઝઘડો કરતાં.. પણ હું ત્યાં પહોચુ એ પહેલાં તું અંદર જતી રહી હતી.. પછી વિવાન બહાર આવ્યા ત્યારે તેણે અમને કહ્યુ કે તને હાથમાં લાગ્યું છે.' કૃપાએ આખી વાત કરી.


હાં ગઝલ, કૃપાએ જ્યારે મને વાત કરી ત્યારે મને ખૂબ ચિંતા થઈ અને મલ્હાર પર ખૂબ ગુસ્સો આવ્યો હતો. પણ પછી વિવાને અમને સમજાવીને કહ્યુ કે આ વાતને મોટું સ્વરૂપ આવપાની જરૂર નથી. ખોટી બધાને તકલીફ થશે.' મિહિરે કહ્યુ. ગઝલ કંઇ બોલી નહીં.


'ખરેખર! વિવાન કેટલો સમજદાર છે. મારા મનમાં તો એના માટેનુ સન્માન ઓર વધી ગયું. ગઝલ બેટા સારુ થયુ મલ્હાર સાથે તારા લગ્ન ના થયા.' મિહિરના અવાજમાં તેનો વિવાન માટેનો અહોભાવ સાફ ઝલકતો હતો.


ગઝલ પોતે હજુ વિવાન સાથેના સંબંધો પર કોઈ ખાસ નિર્ણય પર આવી નહોતી. જયારે અહીં તો આખુ વાતાવરણ જ અલગ હતું અને ઉપરથી મલ્હારનો પણ ઉલ્લેખ થયો એટલે એનુ મન ખિન્ન થઈ ગયું.


'ભાઈ.. ભાભી, છેલ્લા ચાર પાંચ દિવસથી મને આરામ નથી મળ્યો. હું થોડીવાર આરામ કરવા માંગુ છું.' ગઝલએ કહ્યું.

ખરેખર તો એને થોડીવાર એકલા રહેવું હતું.


'હાં, તારી રૂમમાં જઈને આરામ કર. ત્યાં તને ડિસ્ટર્બ પણ નહી થાય. જ્યારે તને જમવાનુ મન થાય ત્યારે નીચે આવી જજે.' કૃપાએ કહ્યુ.


ગઝલ તેની રૂમમાં જઈને બેડમાં પડી. ઘણી વાર એ સુધી વિચાર કરતી રહી પણ કોઈ નિર્ણય નહોતી કરી શકતી. મલ્હાર માટે તો હવે તેના મનમાં કંઈ આકર્ષણ રહ્યું નહોતું. પણ વિવાનને સ્વીકારવામાં તેનો માનવ સહજ અહંકાર આડો આવતો હતો. તેણે વિવાનની ખામીઓ શોધવાની ખૂબ કોશિશ કરી. ખૂબ વિચારવા છતાં એમાં પણ એ નાકામ રહી. હરીફરીને તેનુ મગજ એકજ દલીલ કરતું હતું કે તેણે એની સાથે બળજબરીથી લગ્ન કર્યા છે. એની સમાંતરે તેનું હૃદય મલ્હાર અને વિવાન વચ્ચે સરખામણી કર્યા કરતું હતુ. અને વિવાનની તરફદારી કરતું હતું. તેના મગજ અને હૃદય વચ્ચે ખરેખરુ ધમાસણ ચાલું હતું. તેની અંદર તેને ન સમજાય તેવો ઉલ્કાપાત મચ્યો હતો. એમા જ એ થાકીને ક્યારે ઉંઘી ગઈ તેની ખબર જ ના પડી.


બીજી તરફ, મલ્હાર મોડી રાત્રે હોસ્પિટલથી ઘરે આવ્યો હોવાથી હજુ સુધી સૂતો હતો. તેના કાંડા પર ચાર સ્ટીચીઝ આવ્યા હતા. એક વાતથી એ બેખબર હતો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના (ઈડી) ઓફિસર્સ વહેલી સવારથી જ કામે લાગી ગયા હતાં. આગલા દિવસે જ ઈન્કમટેક્સ વિભાગે વિવાન મારફત મળેલી મ્લહારના કૌભાંડની ફાઈલનો અભ્યાસ કરી લીધો હતો. ગુનાનો પ્રકાર અને મજબુત પુરાવા જોતાં ઈન્કમટેક્સ વિભાગે એ ફાઈલને "અરજન્ટ એકશન નીડેડ" એવો લાલ શેરો મારીને એ જ દિવસે ઈડીમાં ટ્રાન્સફર કરી દીધી હતી. હવે મલ્હારનો ખરાબ સમય શરૂ થવાનો હતો.

.

.

ક્રમશઃ


**


ગઝલની કશ્મકશનું શું પરિણામ આવશે?


ગઝલ એનું દિલ શું ઝંખે છે એ સમજી શકશે?


મલ્હારનું શું થશે?


**


મિત્રો, આપના તરફથી ખૂબ બધા મેસેજ મળી રહ્યાં છે. તમારા આ પ્રેમને કારણે જ આ નવલકથા આટલે સુધી પહોંચી છે. તમે બધાંએ મળીને મને નિયમિત લખવા અને દરેક પ્રકરણને સમયસર અપલોડ કરવા માટે રીતસરનો મજબૂર કર્યો છે. 😂😭

તમારો આ પ્રેમભાવ હંમેશાં જાળવી રાખશો. ❤
















બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED