ગીતાબોઘ - 14 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગીતાબોઘ - 14

અધ્યાય ચૌદમો

મૌનવાર

શ્રી ભગવાન બોલ્યા : જે ઉત્તમ જ્ઞાન પામીને ઋષિમુનિઓ પરમ સિદ્ધિ પામ્યા છે તે હું તને વળી કહું છું. તે જ્ઞાન પામીને અને તે પ્રમાણે ધર્મ આચરીને લોકો જન્મમરણના ફેરામાંથી બચે છે. હે અર્જુન, જીવમાત્રનો હું માતાપિતા છું એમ જાણ. પ્રકૃતિજન્ય ત્રણ ગુણો - સત્ત્વ, રજસ્‌ અને તમસ્‌ - દેહીને બાંધનારા છે. આ ગુણને ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એમ ક્રમવાર કહીએ તોયે ચાલે. આમાં સત્ત્વગુણ નિર્મળ અને નિર્દોષ છે અને પ્રકાશ આપનાર છે, અને તેથી તેનો સંગ સુખદ નીવડે છે. રજસ્‌ રાગમાંથી, તૃષ્ણામાંથી પેદા થાય છે અને તે મનુષ્યને ધાંધલમાં નાખે છે. તમસનું મૂળ અજ્ઞાન છે. મોહ છે અને તેથી મનુષ્ય પ્રમાદી અને આળસુ બને છે. એટલે ટૂંકામાં કહીએ, તો સત્વમાંથી સુખ, રજસ્‌માંથી ધાંધલ અને તમસ્‌માંથી આળસ નીપજે છે. રજસ્‌ અને તમસ્‌ને દબાવી સત્વ જય મેળવે છે, સત્ત્વ અને તમસ્‌ને દબાવી રજસ્‌ જય મેળવે છે ને સત્વ અને રજસ્‌ને દબાવી તમસ્‌ જય મેળવે છે. દેહના બધા વ્યાપારમાં જ્યારે જ્ઞાનનો અનુભવ જોવામાં આવે, ત્યારે ત્યાં સત્ત્વગુણ પ્રધાનપણે કામ કરી રહેલ છે એમ જાણવું. જ્યાં લોભ, ધાંધલ, એશાંતિ, હરીફાઈ જોવામાં આવે ત્યાં રજસ્‌ની વૃદ્ધિ જાણવી. અને જ્યાં અજ્ઞાન, આળસ, મોહ અનુભવાય ત્યાં તમસનું રાજ્ય છે એમ જાણવું. જેના જીવનમાં સત્વગુણ પ્રધાન હોય તે મરણાંતે જ્ઞાનમય નિર્દોષ લોકમાં જન્મ આપે છે, રજસ્‌ પ્રધાન હોય તે ધાંધલી લોકમાં જોય છે, અને તમસ્‌ પ્રધાન હોય તે મૂઢયોનિમાં જન્મે છે, સાત્વિક કર્મનું ફળ નિર્મળ, રાજસ્‌નું દુઃખમય ને તામસ્‌નું અજ્ઞાનમય હોય. સાત્વિક લોકની ઉચ્ચ ગતિ, રાજસ્‌ની મધ્યમ ને તામસ્‌ની અધોગતિ હોય છે. મનુષ્ય જ્યારે ગુણોથી બીજો કર્તા જોતો નથી ને ગુણોથી પર એવા મને જાણે છે ત્યારે તે મારા ભાવને પામે છે. દેહમાં રહેલા આ ત્રણ ગુણોને જે દેહ ટપી જાય છે, તે જન્મ, જરા ને મૃત્યુનાં દુઃખોને વટી જઈ અમૃતમય મોક્ષ પામે છે.

ગુણાતીતની આવી સુંદર ગતિ થાય છે, તો એનાં ચિહ્‌ન કેવાં, એનું આચરણ કેવું, ને ત્રણે ગુણોનેકેવી રીતે ટપી જવાય એ પ્રશ્ન અર્જુન પૂછે છે.

ભગવાન ઉત્તર આપે છે : જે મનુષ્ય જે પોતાની ઉપર આવી પડે, પછી તે ભલે પ્રકાશ હોય કે પ્રવૃત્તિ હોય કે મોહ હોય, - જ્ઞાન હોય, ધાંધલ હોય, કે અજ્ઞાન, - તેનું ભારે દુઃખ કે સુખ ન માને કે ઈચ્છા ન કરે; જે ગુણોને વિશે તટસ્થ રહી ચળતો નથી, ગુણો પોતાનો ભાવ ભજવ્યા કરે છે એમ સમજી સ્થિર રહે છે, જે સુખદુઃખને સમ માને છે, જેને લોખંડ, પથ્થર કે સોનું સરખાં છે, જેને પ્રિય અપ્રિય એવું કંઈ નથી, જેને પોતાની સ્તુતિ કે નિંદા સ્પર્શી સકતાં નથી, જેને માન અપમાન એકસરખાં છે, જે શત્રુમિત્ર પ્રત્યે સમભાવ રાખે છે, જેણે સર્વે આરંભોનો ત્યાગ કર્યો છે તે ગુણાતીત કહેવાય. આ ચિહ્‌ન કહ્યાં તેથી ભડકવાનું નથી, કે આળસુ થઈ કપાળે હાથ દઈ બેસવાનું નથી. મેં કહી તે તો સિદ્ધની દશા કહી. તેને પહોંચવાનો માર્ગ આ છે : વ્યભિચારરહિત ભક્તિયોગ વડે મારી સેવા કર.

ત્રીજા અધ્યાયથી માંડીને તને બતાવ્યું છે કે, કર્મ વિના, પ્રવૃત્તિ વિના કોઈ શ્વાસ સરખોયે નથી લઈ શકતું, એટલે કર્મ તો દેહીમાત્રને વળગ્યાં છે. જે ગુણોને ટપી જવા તે સાધકે બધાં કર્મ મને અર્પણ કરવાં, ને ફળની ઈચ્છા સરખીયે ન કરવી. એમ કરતાં તેનાં કર્મ તેને આડાં નહીં આવે. કેમ કે બ્રહ્મ હું છું, મોક્ષ હું છું, સનાતન ધર્મ હું છું, અનંત સુખ હું છું, જે કહે તે હું છું, મનુષ્ય શૂન્યવત્‌ થાય તો મને જ બધેય જુએ. એ ગુણાતીત.