ગીતાબોઘ - 9 Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગીતાબોઘ - 9

અધ્યાય નવમો

સોમપ્રભાત

ગયા અધ્યાયમાં છેલ્લા શ્લોકમાં યોગીનું ઉચ્ચ સ્થાન વર્ણવ્યું એટલે હવે ભક્તિનો મહિમા ભગવાને બતાવવો જ રહ્યો કેમ કે શુષ્ક જ્ઞાની નહીં, વેવલો ભક્ત પણ નહીં. ગીતાનો યોગી જ્ઞાન અને ભક્તિમય અનાસક્ત કર્મ કરનારો.

તેથી ભગવાન કહે છે : તારામાં દ્વેષ નથી એથી તને હું ગુહ્ય જ્ઞાન કહું છું કે જે પામ્યાથી તારું કલ્યાણ થાય. એ જ્ઞાન સર્વોપરી છે, પવિત્ર છે ને આચારમાં સહેલાઈથી મૂકી શકાય એવું છે. આને વિશે જેને શ્રદ્ધા ન હોય તે મને પામી ન શકે. મનુષ્યપ્રાણી મારું સ્વરૂપ ઈન્દ્રિયો વડે પારખી નથી શકતાં છતાં આ જગતમાં તે વ્યાપક છે. જગત તેને આધારે નભે છે. તે જગતને આધારે નથી. વળી એક રીતે એમ પણ કહેવાય કે આ પ્રાણીઓ મારામાં નથી અને હું તેમનામાં નથી. જો કે હું તેમની ઉત્પત્તિનું કારણ છું ને તેમનો પોષણકર્તા છું. તેઓ મારામાં નથી અને હું તેમનામાં નથી કેમ કે તેઓ અજ્ઞાનમાં રહી મને જાણતાં નથી, તેઓમાં ભક્તિ નથી. આ મારો ચમત્કાર છે એમ તું જાણ.

પણ હું પ્રાણીઓમાં નથી એમ લાગે છતાં વાયુની જેમ બધે છવાઈ રહ્યો છું. અને બધા જીવો યુગનો અંત થતાં લય પામે છે ને આરંભ થતાં પાછા જન્મે છે. આ કર્મોનો કર્તા હું છું છતાં તે મને બંધન કરનારાં નથી, કેમ કે તેમને વિશે મને આસક્તિ નથી, તેમને વિશે હું ઉદાસીન છું. તે કર્મો થયા કરે છે કેમ કે એ મારી પ્રકૃતિ છે, મારો સ્વભાવ છે. પણ મને આવા લોકો ઓળખતા નથી તેથી તેઓ નાસ્તિક રહે છે, મારી હસ્તીનો જ ઈન્કાર કરે છે. આવા લોકો ફોકટની આશાઓના કિલ્લા રચે છે, તેમનાં કામો પણ નકામાં હોય છે અને તેઓ અજ્ઞાનથી ભરપૂર રહે છે તેથી આસુરી વૃત્તિવાળા કહેવાય. પણ જેઓ દૈવી વૃત્તિવાળા છે તે મને અવિનાશી અનેસરજનહાર જાણીને મને ભજે છે. તેઓના નિશ્ચય દૃઢ હોય છે, તેઓ નિત્ય પ્રયત્નવાન રહે છે, મારાં ભજનકીર્તન કરે છે અને મારું ધ્યાન ધરે છે. વળી કેટલાક હું એક જ છું એમ માનનારા છે. કેટલાક મને બહુ રૂપે માને છે. મારા અનંત ગુણો છે એટલે બહુ રૂપે માનનાર નોખા ગુણોને નોખે રૂપે જુએ છે. પણ એ બધા ભક્ત જાણ.

યજ્ઞનો સંકલ્પ હું, યજ્ઞ હું, પિતરોનો આધાર હું, યજ્ઞની વનસ્પતિ હું, મંત્ર હું, આહુતિ હું, હવનમાં મુકાતું દ્રવ્ય હું, અગ્નિ હું, આ જગતનો પિતા હું, માતા હું, જગત ધારણ કરનાર હું, પિતામહ હું, જાણવા યોગ્ય પણ હું, ઓમ્‌કાર મંત્ર હું, ઋગ્વેદ હું, સામવેદ હું, યજુર્વેદ હું, ગતિ હું, પોષણ હું, પ્રભુ હું, સાક્ષી હું, આશ્રય હું, કલ્યાણ ઈચ્છનાર પણ હું, ઉત્પત્તિ અને નાશ હું, ટાઢતડકો હું, સત્‌ અને અસત્‌ પણ હું.

બધો ભાર હું ઉઠાવું છું. તેઓની હાજતો હું પૂરી પાડું છું ને તેમને હું જ સાચવી રાખું છું.

બીજા કેટલાક બીજા દેવતાઓ વિશે શ્રદ્ધા રાથી તેમને ભજે છે તેમાં અજ્ઞાન છે. છતાં છેવટે તો તે પણ મને જ ભજનારા ગણાય. કેમ કે યજ્ઞમાત્રનો હું જ સ્વામી છું. પણ મારી આ વ્યાપકતાને ન જાણી તેઓ છેવટની સ્થિતિને પહોંચી શકતા નથી. દેવતાને પૂજનારા દેવલોક પામે, પિતરોને પૂજનારા પિતૃલોકને પામે, ભૂતપ્રેતાદિને પૂજનારા તે લોકને પામે ને જ્ઞાનપૂર્વક મને ભજનારા મને પામે. એક પાંદડું સરખુંયે જેઓ મને ભક્તિપૂર્વક અર્પે છે તેવા પ્રયત્નશીલ લોકોની ભક્તિનો હું સ્વીકાર કરું છું. તેથી જે કંઈ તું કરે તે બધું મને અર્પીને જ કરજે એટલે શુભાશુભ ફળની જવાબદારી તારી ન રહી. તેં તો ફળમાત્રનો ત્યાગ કર્યો, એટલે તારે જન્મમરણના ફેરા ન રહ્યા. મને બધાં પ્રાણી સરખાં છે. એક પ્રિય અને બીજાં અપ્રિય એવું કંઈ નથી. પણ જેઓ મને ભક્તિપૂર્વક ભજે છે તે તો મારામાં છે ને હું તેમનામાં છું. એમાં પક્ષપાત નથી. પણ તેઓ પોતાની ભક્તિનું ફળ પામ્યાં. એ ભક્તિનો ચમત્કાર એવો છે કે જેઓ એક ભાવે મને ભજે છે તે દુરાચારી હોય તોયે સાધુ બની જાય છે. સૂર્યની આગળ જેમ અંધારું ન રહે તેમ મારી પાસે આવતાં જ મનુષ્યના દુરાચાર નાશ પામે છે. તેથી તું ખચીત જાણજે કે મારી ભક્તિ કરનાર કદી નાશ પામતા જ નથી. તે તો ધર્માત્મા થાય છે ને શાંતિ ભોગવે છે. એ ભક્તિનો મહિમા એવો છે કે જેઓે પાપયોનિમાં જન્મ પામ્યા ગણાય છે તેઓ અને નિરક્ષર એવાં સ્ત્રીઓ, વૈશ્યો ને શૂદ્રો જે મારો આશ્રય લે છે તે મને પામે જ છે. એટલે પુણ્યકર્મ કરનારા બ્રાહ્મણ અને ક્ષત્રિયોનું તો કહેવું જ શું ? જે ભક્તિ કરે છે તેને તેનું ફળ મળે છે. એટલે તું અસાર સંસારમાં જન્મ પામ્યો છે તો મને ભજીને તેને તરી જા. તારું મન મારામાં પરોવી દે, મારો જ ભક્ત રહે, તારા યજ્ઞ પણ મારે અર્થે કર, તારા નમસ્કાર પણ મને જ પહોંચાડ; અને એમ મારામાં તું પરાયણ થશે ને તારા આત્માને મારામાં હોમી શૂન્યવત્‌ થઈ જઈશ તો તું મને જ પામશે.

નોંધ : મંગળપ્રભાત

આમાંથી આપણે જોઈએ છીએ કે ભક્તિ એટલે ઈશ્વરમાં આસક્તિ. અનાસક્તિ કેળવવાનો પણ આ સહેલામાં સહેલો ઉપાય છે. તેથી અધ્યાયના આરંભમાં પ્રતિજ્ઞા કરી કે ભક્તિ એ રાજયોગ છે ને સહેલો માર્ગ છે. હૃદયમાં વસે તો સહેલો, ન વસે તો વિકટ છે. એટલે તેને ‘શીશ તણું સાટું’ પણ ગણેલ છે. પણ એ તો ‘દેખનારા દાઝે જોને’, ‘માંહી પડ્યા તે, મહાસુખ માણે’ કવિ લખે છે કે ઊકળતા તેલના પેણામાં સુધન્વા હસતા હતા અને બહાર ઊભેલા ધ્રુજતા હતા. નંદ અંત્યજની અગ્નિપરીક્ષા થઈ ત્યારે તે અગ્નિમાં નાચતો હતો એવી કથા છે. આ બધું તે તે વ્યક્તિઓને વિશે બન્યું કે નહીં એ ખોળવાની આવશ્યકતા નથી. જે કોઈ પણ વસ્તુમાં લીન થાય છે તેની એવી જ સ્થિતિ હોય છે. તે પોતાપણું ભૂલી જાય છે પણ પ્રભુને મૂકીને બીજામાં લીન કોણ થાય ? ‘સાકર શેલડીનો સ્વાદ તજીને, કડવો લીંમડો ઘોળ મા’, ‘સૂરજ ચંદ્રનું તેજ તજીને, આગિયા સંગાતે ચિત્ત જોડ મા.’ એટલે નવમો અધ્યાય બતાવે છે કે પ્રભુમાં આસક્તિ - એટલે ભક્તિ - વિના ફળની અનાસક્તિ અસંભવિત છે. છેલ્લો શ્લોક આખા અધ્યાયનો નિચોડ છે, ને તેનો અર્થ આપણી ભાષામાં, ‘તું મારામાં સમાઈ જા’ છે.